shubhchintak in Gujarati Short Stories by Pallavi Mistry books and stories PDF | શુભચિંતક

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

શુભચિંતક

શુભચિંતક. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.’

‘બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને, એને મારી નાંખીને નજીકની ઝાડીમાં ફેંકી દેનાર યુવકને, લોકોના ટોળાએ ઘેરી લીધો અને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધો.’ સવારના ચા પીતી વખતે છાપું વાંચતી નીતાનું ધ્યાન આ સમાચાર પર પડ્યું. ‘હે ભગવાન, હવે આ દેશમાં નાની નાની બાળકીઓ પણ સલામત નથી રહી, આવા નરાધમોનો તો આવો જ અંજામ હોવો જોઈએ. લોકોના હાથે નહીં મરે તો એને કોર્ટમાં જજે ફાંસી આપી દેવી જોઈએ.’ આક્રોશમાં આવીને નીતાથી બોલાઈ ગયું.

‘તારે કોઈ પણ જાતના નેગેટીવ ન્યુઝ ડીટેલમાં વાંચવા નહીં, તારા મન પર એની અસર બહુ જલ્દી થઇ જાય છે.’ એના પતિ અમરે એને કહ્યું, એટલે નીતાએ છાપું બાજુ પર મુકીને મોબાઈલમાં વોટ્સ એપ પર પોતાની નજર દોડાવી. ‘સંબંધો તો પતંગિયા જેવા હોય છે, જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય, અને જો પ્રેમથી હળવે રહીને પકડો તો તમારા હાથમાં પોતાનો રંગ છોડી જાય છે.’ લોકોને પણ સવાર સવારમાં જબરો ટાઈમ મળી જાય છે, આવા સંદેશા લખીને શેર કરવાનો, એમ મનમાં વિચારીને નીતા ખાલી કપરકાબી લઈને રસોઈ કરવા માટે કિચનમાં ગઈ.

અમર જમીને ઓફિસે ગયો, ઘરના કામકાજથી પરવારીને સહેજ આડી પડી ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી. સંધ્યા, એણે સ્ક્રીન પર નામ વાંચ્યું, એના કોલેજની સખી. ‘અરે સંધ્યા, બહુ દિવસે ફુરસદ મળી ફોન કરવાની ?’ નીતાએ કહ્યું. ‘નીતા તું ઘરમાં એકલી જ છે, કે કોઈ બીજું છે તારી સાથે ?’ સંધ્યાએ ગંભીર સ્વરે કહ્યું. ‘એકલી જ છું, પણ કેમ એવું પૂછ્યું ?’ નીતાને નવાઈ લાગી. ‘નીતા, આજે ન્યુઝ પેપરમાં એક સમાચાર વાંચ્યા, અને તું યાદ આવી.’ સંધ્યા બોલી. ‘એવા તે વળી શું સમાચાર છે ?’ નીતાએ ઉત્સુકતાથી પૂછ્યું. ‘આમ જોઈએ તો સમાચાર ખરાબ છે, પણ પછી વિચારીએ તો તારા માટે એ સારા છે એવું લાગે છે’

‘સંધ્યા, વાતમાં મોણ નાખ્યા વગર કહી દે ને કે શું સમાચાર છે, પ્લીઝ’ ‘સાંભળ નીતા, નવીન એક બાર વર્ષની બાળકી પર બળાત્કાર કરીને એને મારી નાખીને ઝાડીમાં ફેંકવા જતાં લોકોના હાથે પકડાઈ ગયો, અને લોકોએ એને ઢોર માર મારીને મારી નાખ્યો.’ સંધ્યા એકીશ્વાસે બોલી ગઈ. નીતાને એના કાન પર વિશ્વાસ ન બેઠો, એણે ખાતરી કરવા પૂછ્યું, ‘કોણ ?’ ‘નવીન, નવીન વાઘેલા, આપણી ક્લાસમેટ અમીનો કઝીન, અને તારો....’ સંધ્યાએ આગળના શબ્દો જાણી જોઇને અધ્યાહાર રાખ્યા. સમાચાર સાંભળીને નીતાના હાથમાંથી ફોન સરી ગયો, અને સંધ્યા, ‘હલો’ ‘હલો’ કરતી રહી.

‘નવીન વાઘેલા ? મારો નવીન બળાત્કારી ?’ નીતાને સખત આઘાત લાગ્યો. એણે દોડીને છાપું હાથમાં લીધું, સમાચાર વાંચતા છાપું એકવાર તો એના એના હાથમાંથી સરકી ગયું. ધ્રુજતા હાથે છાપું ફરીથી હાથમાં લીધું, પૂરા સમાચાર જાણ્યા ત્યારે તો એનું હૃદય એટલા જોરથી ધડકવા માંડ્યું, કે એને લાગ્યું કે હમણાં પોતાને હાર્ટએટેક આવી જશે. નવીન માત્ર બળાત્કારી અને ખૂની જ નહોતો, એ જુગારી અને દારુડીયો પણ હતો. પહેલાં તો એનું મન માનવા જ તૈયાર ન થયું, કે એક વખતનો પ્રેમી નવીન આટલી હદે અધમ ?

નીતાને કોલેજના દિવસોની યાદ તાજી થઇ ગઈ. કોલેજમાં નીતાની કલાસમેટ ફ્રેન્ડ અમીનો એ કઝીન હતો, અમીએ જ નીતાની ઓળખાણ નવીન સાથે કરાવી હતી. નવીન એમનાથી એક વર્ષ આગળ હતો. એક વખતે કોલેજના બસ સ્ટોપ પર ઉભેલી નીતાને જોઇને નવીને પોતાની બાઈક પર એને લીફ્ટ આપવાની ઓફર કરી. નીતા પહેલા તો થોડી ખંચકાઈ, પણ પછી નવીનના આગ્રહને લીધે બાઈક પર બેસી ગઈ. પછી ક્યારેક ક્યારેક લીફ્ટ લેતા લેતા એનો સંકોચ ઓછો થયો.. એક દિવસ નવીન એને આગ્રહ કરીને કોફીહાઉસ લઇ ગયો. નીતાને એની સાથે આમ જતાં થોડો સંકોચ તો જરૂર થયો, પણ એને પણ આ ફેશનેબલ નવીન ગમવા માંડ્યો હતો, નવીનનું આકર્ષણ થવા લાગ્યું હતું. એટલે આ તક એ ગુમાવવા નહોતી માંગતી. માત્ર છ જ મહિનામાં નવીન અને નીતાની મૈત્રી પ્રેમમાં પરિણમી હતી. નવીન આ સંબંધ પ્રત્યે સીરીયસ નહોતો, પણ નીતા નવીનને જીવનસાથીના રૂપમાં મેળવવાના સ્વપ્ન જોવા લાગી હતી.

‘નીતા બેટા, તારા માટે મનુકાકાના દીકરા અમરનું માંગુ આવ્યું છે, છોકરો દેખાવે સારો છે, સી..એ. થયેલો છે, કુટુંબ ખાનદાન છે, વળી સામેથી માંગુ આવ્યું છે. તો રવિવારે આપણે એમને ઘરે બોલાવીએ ?’ મનુભાઈએ દીકરી નીતાને પૂછ્યું. નીતા આ સાંભળતાં જ વિચારમાં પડી ગઈ, એટલે એની મમ્મી શીલાબેને કહ્યું, ‘તારા મનમાં શું છે, તારો શું વિચાર છે ?’ નીતાના ઘરનું વાતાવરણ મોડર્ન અને પારદર્શક હતું, સૌને પોતાના વિચારો રજુ કરવાની ફ્રીડમ હતી. એટલે નીતાએ કહ્યું, ‘મમ્મી – પપ્પા, હું તમને કહેવાની જ હતી. મારી કોલેજમાં મારી ફ્રેન્ડ અમીનો કઝીન છે, નવીન એનું નામ, એ મને એ ગમે છે. જો તમને વાંધો ન હોય તો હું એને મળવા માટે આપણા ઘરે બોલાવું ?

મનુભાઈ પાકા વેપારી માણસ હતા. બધી બાજુનો વિચાર કરીને પગલું ભરે એવા ધીર ગંભીર અને ડાહ્યા માણસ. તો શીલાબેન પણ એમના સાચા રૂપમાં સહચરી હતા, પતિની વાત સાનમાં સમજી જાય એવા. થોડો વિચાર કરીને મનુભાઈ બોલ્યા, ‘બેટા, તને નવીન ગમતો હોય તો અમને વાંધો નથી, અમે એને મળીશું અને એના વિશે તપાસ પણ કરાવી લઈશું, જો છોકરો યોગ્ય લાગ્યો તો અમને કોઈ વાંધો નથી.’ નીતા તો આ સાંભળીને એટલી ખુશ થઇ ગઈ કે પપ્પાને વળગી જ પડી, અને મમ્મીના ગાલે કિસ કરી લીધી. એ રાત્રે પોતાના બેડરૂમમાં પતિ-પત્નીએ કરવા જેવી વાતો કરી લીધી અને શું પગલા ભરવાના તે પણ નક્કી કરી લીધું.

નીતાએ તો બીજે દિવસે કોલેજમાં જઈને નવીનને આ ખુશખબર સંભળાવ્યા. નવીને ખુશ થવાનો ડોળ કર્યો, એને મન ટાઈમપાસ માટે નીતા નામની એક્ટીવીટી સારી હતી, પણ લગ્ન ? નીતા જેવી સાધારણ ઘરની દીકરી સાથે લગ્ન કરીને શું ફાયદો ? હા, લગ્નનું વચન આપીને નીતાનો જેટલો લાભ લઇ શકાય એટલો લઇ લેવો, એવી નિયત એ ધરાવતો હતો ખરો. પણ ખરેખર પરણવા માટે તો એ કોઈ કરોડપતિ શેઠની એકની એક દીકરીને જાળમાં ફસાવવા માંગતો હતો, હજી સુધી એમાં એને સફળતા નહોતી મળી.

‘એય, શું વિચારમાં પડ્યો ? તું આ સમાચાર સાંભળીને ખુશ નહીં થયો ?’ નીતાએ નવીનને પૂછ્યું, ત્યારે નવીને સજાગ થઇ જઈને નીતાને પોતાની બાંહોમાં સમાવી લઈને, ગાલે કિસ કરીને ખુશી વ્યક્ત કરવાનો અભિનય કર્યો. નીતા ભોળી હતી, એ ખુશ થઇ ગઈ, પછી એ શરમાઈ ગઈ. એને તો ગાવાનું મન થયું, ‘આજ મૈ ઉપર, આસમાં નીચે....’ પછી એ બોલી, ‘ઘરે ક્યારે આવે છે ?’ ‘ઘરે, ઘરે શા માટે ?’ નવીનથી બોલાઈ ગયું. ‘શા માટે તે મમ્મી-પપ્પાને મળવા’ નીતા બોલી. ‘આવીશ, ઘરે પણ આવીશ.’ નવીને કહ્યું અને પછી ઉતાવળે ઉમેર્યું, ‘અત્યારે તો મારે એક અગત્યનું કામ છે, એટલે જવું પડશે, આપણે કાલે મળીએ.’ કહીને એ ચાલતો થયો. નીતાને નવીનનું આવું વર્તન અજીબ લાગ્યું.

કોલેજમાં નિયમિત મળતો નવીન ‘કાલે આવીશ, કાલે આવીશ’ કહીને પાંચ – છ દિવસ સુધી ઘરે મળવા ન આવ્યો, એટલે નીતા ઉદાસ હતી. ‘આજે તો એની સાથે ચોખવટ કરી જ લેવી છે’ એમ વિચારીને નીતા કોલેજ ગઈ, પણ નવીન એને ક્યાંય નજરે ન ચઢ્યો. નીતાએ નવીનને ફોન લગાડ્યો, તો ‘ધીસ નંબર ઈસ ટેમ્પરરીલી આઉટ ઓફ ઓર્ડર’ આવ્યે રાખ્યું. એટલું જ નહીં એ પછી કોલેજમાં નવીન એને ક્યારેય નજરે ન ચઢ્યો. એ રહેતો હતો તે હોસ્ટેલમાં પણ નીતા તપાસ કરી આવી, પણ એ ક્યાં ગયો તે કોઈ જાણતું નહોતું. અમી પાસે પણ એની કોઈ માહિતી નહોતી. ‘નવીનને ધરતી ગળી ગઈ કે આસમાન ઉઠાવીને લઇ ગયું?’ બહુ લાંબા સમય સુધી એનો કોઈ પત્તો ન મળ્યો, એટલે નીતા પાસે હવે એને ભૂલી જવા સિવાય કોઈ રસ્તો નહોતો.

ભણવાનું પૂરું થયું અને નવીનનો કોઈ પત્તો નહોતો, એટલે નીતા ન છુટકે મમ્મી – પપ્પાએ પસંદ કરેલા મુરતિયા અમર સાથે પરણી ગઈ. જો કે મમ્મી – પપ્પાની વાત સાચી જ હતી, અમરનો અને એના મમ્મી – પપ્પાનો સ્વભાવ ખુબ સારો હતો. નીતાનું લગ્નજીવન ખુશહાલ હતું. તોપણ નીતાને ક્યારેક નવીનની યાદ આવી જતી, તો એ એક દુસ્વપ્ન સમજીને ભૂલી જવાની ટ્રાય કરતી. આજે છાપામાં જુગારી, દારૂડિયો અને બળાત્કારી તરીકે પકડાયેલા અને લોકોના હાથે મૃત્યુ પામેલા નવીનનો ફોટો જોઇને એને અત્યંત આઘાત લાગ્યો, નીતાને થયું, ‘સારું થયું કે નવીન મારી જિંદગીમાંથી દુર થઇ ગયો, જો એને પરણી હોત તો મારું જીવન કેટલું દુઃખદાયી હોત.’

નીતાને ક્યાં ખબર હતી કે, એના ખુબ જ નજીકના એક ‘શુભચિંતક’ એવા પપ્પાએ નવીન વિશે તપાસ કરાવીને, એના અપલક્ષણો જાણીને, નીતાથી છાની રીતે એને મળીને, એની સાથે એક ડીલ કરી હતી, ‘નીતા સાથેના તમામ કોન્ટેક્ટ છોડી દઈને, એની નજરોથી દુર, બીજા શહેરમાં જઈને વસવાના દર મહીને એને ૧૫ હજાર રૂપિયા આપવામાં આવશે’ નવીને ૧૫ ના બદલે ૨૫ હજાર માંગ્યા હતા, નીતાના પપ્પા તો એ માટે પણ તૈયાર થઇ ગયા હતા, ’દીકરીના સુખ કરતાં રૂપિયા કંઈ વિશેષ થોડા જ હતા ?’ હા, એમણે નવીનને ચેતવણી જરૂર આપી હતી, ’જે દિવસે મને ખબર પડશે કે તેં નીતાનો સંપર્ક કર્યો છે, એ દિવસથી તને પૈસા મળવાના બંધ થઇ જશે’ નવીન કંઈ મુર્ખ થોડો હતો કે આવી સોનાના ઈંડા મુકતી મરઘીને મારી નાખે? મતલબ કે એને મળવાની કે કોન્ટેક્ટ કરવાની ભૂલ કરે ? ( જો કે નવીનને એણે કરેલી તમામ ભૂલો/ગુનાઓની સજા ભગવાને જ આપી દીધી હતી, અને મનુભાઈ – શીલાબેનને કાયમ માટે ચિંતામુક્ત/ઋણમુક્ત કર્યા હતા.)