Blind Game Part-10 Bhram-Astra in Gujarati Fiction Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૦) ભ્રમ-અસ્ત્ર

Featured Books
Categories
Share

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૦) ભ્રમ-અસ્ત્ર

નવલકથા - બ્લાઇન્ડ ગેમ

(શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...)

પ્રકરણ - ૧૦ (ભ્રમ-અસ્ત્ર)

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૯ માં આપણે જોયું કે...

અલખ-નિરંજનની કુનેહથી હઝરત કુરેશી અર્પિતાને પણ મધરાતે કિડનેપ કરીને માઉન્ટ આબુ તરફ સફર આદરે છે. રિવોલ્વરની નળી અર્પિતાના ઉપસવાની તૈયારી કરી રહેલાં પેટ તરફ તાકતા જણાવે છે કે એના પતિને સમજાવવાનું કામ એના હાથમાં છે. નવ્યા જણાવે છે કે સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરીને સી.એમ.નો બચાવ કરવો એ અરમાનનું એક ષડ્યંત્ર માત્ર છે. વાસ્તવમાં અરમાન પોતે જ અર્પિતાનું મર્ડર કરાવવા માંગે છે. સાથે નવ્યાએ પોતાનો સંદેહ વ્યક્ત કરતાં જણાવ્યું કે અરમાનનું વ્યક્તિવ કંઈક ગૂંચવણભર્યું લાગે છે!

હવે આગળ...)
જેવી નવ્યા અરમાનના બેડરૂમમાંથી બહાર નીકળી કે તરત જ...

અરમાને બિયરનો ફીણભર્યો આખરી ઘૂંટ ભરતા બેડ ઉપર લંબાવ્યું. થોડાં દિવસોથી ખેલાઈ રહેલી શતરંજની આડીઅવળી ચાલનું અર્ધમીંચાયેલી આંખોથી અને મદહોશ થઈ રહેલા મગજથી વિશ્લેષણ કરવા માંડ્યું... એક મોટી વાર્તાસ્પર્ધામાં પોતાને મળેલો શ્રેષ્ઠ વાર્તાકારનો પુરસ્કાર! એક અજાણી વ્યક્તિ - કુરેશી તરફથી મળેલો આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટેનો લલચાવનારો પ્રસ્તાવ! કુરેશીની ચાલ - પોતે કિડનેપ્ડ! પોતાની ચાલ – અર્પિતાથી દૂર માઉન્ટ આબુ આવવાનું ષડ્યંત્ર! ફરી કુરેશીની ચાલ – અર્પિતા નજરકેદમાં! પોતાનો વળતો પ્રહાર - સી.એમ.ને બચાવવાના બહાના હેઠળ સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરીને અર્પિતાને બલીનો બકરો, સોરી, બકરી - અર્ધબેશુદ્ધિમાં પણ એનાથી હસ્યા વગર રહેવાયું નહિ - બનાવવાનું કાવતરું! મધરાત સાથે મીંચાઈ રહેલી એની આંખોમાં ઘેરાઈ રહેલી ચમક જાણે કે કહી ઊઠી, ‘યુ આર જિનિયસ, મિ. અરમાન દીક્ષિત!’

હઝરત કુરેશીને પણ હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરવાનું અરમાનનું એક ષડ્યંત્ર છે. દેખાવ અને વર્તનથી સૌમ્ય અને સરળ જણાતો લેખક અરમાન એક જ ઝેરીલા તીરથી બે નિશાન સાધવા માંગે છે - સી.એમ.નો બચાવ અને પોતાની પત્ની અર્પિતાનું મારા હાથે કતલ... અરમાનને એની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા છે. ઉપરાંત, નવ્યાના જણાવ્યા પ્રમાણે અરમાનનું વ્યક્તિત્વ કંઈક ગૂંચવાયેલું જણાઈ છે - બેવડું વ્યક્તિત્વ! એમની બુઝાયેલી સિગારના આખરી ધૂમાડાનું વાદળ ઝપાટાભેર બહારના અંધકારમાં પલાયન થઈ ગયું. સીટ ઉપર પોતાનું માથું ટેકવીને મધરાત સાથે એકાકાર થવા માટે એમણે આંખો મીંચી દીધી.

નવ્યાને પણ અરમાન અંગેના પોતાના સંદેહ ઉપર ખરા ઉતર્યાનું ગુમાન થયું, પણ સાથે સાથે પોતાની બેસ્ટી અર્પિતા માટે દુઃખ... અગાઉ અર્પિતાના જણાવ્યા મુજબ એના પ્રત્યે પહેલેથી જ વધુ પડતા પઝેસીવ રહેતા અરમાનને અર્પિતાના ચારિત્ર્ય અંગે ખોટો ભ્રમ પેદા થયો હતો. એમનું લગ્નજીવન ઉદાસીન હાલતમાં ગડથોલિયાં ખાઈ રહ્યું હતું. અર્પિતા એની દોસ્ત હોવા છતાં પોતે આ અગાઉ અરમાનને ક્યારેય મળી નહોતી. અને એ તકનો ફાયદો ઊઠાવીને એણે કુરેશીના ‘સી.એમ. મર્ડર-પ્લાન’ સાથે પોતાની ‘બ્લાઇન્ડ ગેમ’ના પાસા ફેંકવા માંડ્યા હતા. અરમાન સાથે ફલર્ટ કરવાની એની સૌંદર્યમય ચાલમાં ફસાઈને અરમાને પોતાના બધાં રહસ્યો ઓકી નાખ્યાં હતાં. જોકે નવ્યાને ધ્રુણાસ્પદ અચરજ તો એ હતું કે પત્નીના ચારિત્ર્યની શંકા માત્રથી કોઈ પતિ પોતાની પ્રેમાળ પત્ની ઉપર જીવલેણ હુમલો કરાવે? પત્નીના મર્ડરનું ષડ્યંત્ર રચે? એને અરમાનનું વ્યક્તિત્વ કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું – બેવડું વ્યક્તિત્વ! ક્યારેક રોમાંસસભર, તો ક્યારેક નફરતભર્યું... ક્યારેક અતિ સહજ, તો ક્યારેક અતિ જલદ... અને વિચારોના વિચિત્ર વમળ ઘુમાવતું એનું ધગધગતું સૌંદર્ય મધરાતની માદકતામાં નિંદ્રાધીન થઈ ગયું.

અર્પિતાએ કારની બહાર વ્યાપેલા અંધકારને પોતાના જીવનમાં થઈ રહેલી ઉથલપાથલ સાથે સરખાવવાની કોશિશ કરી જોઈ. એની બેસ્ટી નવ્યાનો ‘કૉલ’ આવી રહ્યો હતો છતાં હમણાં એને ‘રીસીવ’ કરવાનું ઉચિત નહિ લાગ્યું. છેવટે મેસેજ કરીને નવ્યાએ અરમાનના ખૂંખાર મનસૂબાથી એને માહિતગાર કરી દીધી હતી. જોકે બીજી જ પળે નવ્યાએ મેસેજ દ્વારા જ એને આપેલી ધરપતના શબ્દો એના મસ્તિષ્કમાં લહેરાઈ ઊઠ્યા, ‘સ્વિટહાર્ટ, અરમાન સમટાઈમ્સ કંઈક ગૂંચવાયેલો જણાય છે. આઇ મીન, એનું વ્યક્તિત્વ... હી ઇઝ હેન્ડસમ, રોમેન્ટિક, સોબર! બટ, યુ નો ક્યારેક અગ્રેસીવ..! આઇ એમ તો વેરી મચ સ્યોર કે હી ઇઝ સફરિંગ ફ્રોમ સ્લાઇટ મેન્ટલ ડીસઓર્ડર! યુ નો ના, હું એક કલાકાર પણ છું! જીવંત ચિત્રો દોરું છું અને માણસના ચહેરા પાછળના મહોરાને પણ અમુક અંશે માપી શકું છું. આઇ મીન, અરમાન પાગલ નથી, ઓન્લી પઝેસીવ ફોર યુ, જાન. તારું કતલ કરાવવા જેટલો એ ખતરનાક નથી. આઇ તો એકસો એક ટકા ફાઇન્ડ અ સોલ્યુશન ફોર ઇટ!’ -અને અર્પિતાએ પણ પોતાની વજનદાર પાંપણોને થાકેલી આંખો ઉપર પાથરી દીધી.

***

‘ઝાકળબિંદુઓથી ભીંજાયેલા લીલા ઘાસ ઉપર સવાર-સવારમાં ચાલવાની મઝા જ કંઈક ઓર હોય છે, નહિ જયકાંત?’ ફાર્મહાઉસની ઠંડી લોન ઉપર મોર્નિંગ વોક કરતા કરતા હૃષિકેશ મહેતા બોલ્યા.

‘અને એ પણ ઉઘાડા પગે, બરાબરને, સી.એમ સર?’ જયકાંત પણ એમનો હમકદમ બની ખુશનુમા સવારની લિજ્જત માણી રહ્યો હતો. એના ચરણોમાં એક અનેરો ઉમંગ ઊછળતો હતો અને મન એનું ઝાકળભર્યા લીલા ઘાસમાં આળોટતું હતું.

‘અચ્છા, જયકાંત, તૈયારી કેવી ચાલી રહી છે? ૨૦૧૮નું અડધું વર્ષ તો લગભગ પૂરું થયું!’

‘શેની તૈયારી, સર?’

‘અરે એ જ આપણા ‘સાહિત્ય-સન્માન સમારોહ’ની... ભાઈ, રાજ-કાજ તો છે જ, કરીએ જ છીએ. પણ દરેક ઈન્સાને પોતાની અંદર એક શોખ કેળવવો જોઈએ; જિંદગી જીવવા જેવી લાગે! મારું સાહિત્ય પ્રત્યેનું વળગણ મને દર વર્ષના નામાંકિત વાર્તાસ્પર્ધાઓના પુરસ્કૃત લેખકોને સન્માનવાનો મોકો આપે છે.’ સી.એમ. હૃષિકેશ મહેતાએ ઊંડો શ્વાસ લઈ માટીની તાજી-ભીની ખૂશ્બોને પોતાનામાં સમાવતા કહ્યું.

‘સી.એમ. સર, એ સમારોહનું આયોજન તો દર વર્ષની જેમ જ આ વર્ષે પણ આપણે દિવાળીને દિવસે જ કરીશું.’

‘હા, એ જ યોગ્ય રહેશે.’

‘અને એ માટે હજી ત્રણ-ચાર મહિના બાકી છે, તો એ દરમ્યાન યોજાનારી સ્પર્ધાઓના વિજેતાઓને પણ આપણા સમારોહમાં આવકારીને સન્માનિત કરી શકીશું.’

‘ઓફકોર્સ, જયકાંત, દરેક વિજેતા સાહિત્યકારોનું બહુમાન કરીશું. શરત ફક્ત એટલી જ કે એમણે આ વર્ષે કોઈ નામાંકિત લેખનસ્પર્ધામાં સિદ્ધિ હાસલ કરી હોવી જોઈએ. એમના પ્રમાણપત્રો, એવોર્ડ-ટ્રોફી, અન્ય પુરસ્કારોની વિગતો વગેરેની ચિવટભરી ચકાસણી કરજો. કોઈપણ વ્યક્તિ ખોટીરીતે પ્રવેશ ન મેળવી લે. સર્જકતા તો પોતાની સંવેદનાથી જન્મે છે, કોઈ ષડ્યંત્રથી નહિ!’

‘જી, સર, આપના પર્સનલ આસિસ્ટટ હોવાને નાતે હંમેશની માફક એ જવાબદારી મારી જ રહેશે.’ જયકાંતે એક ખુરશી ખેંચી આપીને હૃષિકેશ મહેતાને બેસવાની વ્યવસ્થા કરી. એમણે આંખો મીંચીને શરીર ઢીલું છોડ્યું ને પગ લંબાવ્યા.

એટલામાં પી.એ. જયકાંતનો મોબાઇલ રણક્યો. સી.એમ. સાહેબથી થોડે દૂર સરકીને એણે ફોન ઉપાડ્યો, ‘હલો...’

‘ચીફ મિનિસ્ટર સાહેબ ખૈરિયતમાં છે?’ સામેથી પ્રશ્ન ફૂટ્યો.

‘જી?’

‘હા, તમે ઠીક સાંભળ્યું, જયકાંત સાહેબ.’

‘કોણ બોલો છો? અને...’

‘એ જાણવાની જરૂરત નથી. અને જો તમે ચાહતા હો કે સી.એમ. સાહેબ ખૈરિયતમાં જ રહે તો...’

‘તમે ધમકી...’ જયકાંતના અવાજમાં કરડાકી ભળે એ પહેલાં ફરી એમની વાત અડધેથી જ કપાઈ ગઈ.

‘હું નહિ, કોઈક અન્ય… ચીફ મિનિસ્ટર સાહેબના મર્ડરનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે.’

‘વ્હોટ નોનસેન્સ? તમારો કોલ ટ્રેસ થઈ રહ્યો છે એ તમે જાણો છો?’

‘બહુ જૂની વાત થઈ ગઈ.’ સામો છેડો એકદમ સ્વસ્થતાથી ટૂંકા વાક્યો બોલી રહ્યો હતો.

‘પૂરી વિગતો આપો, મહાશય!’ જયકાંતે કહ્યું.

‘શું હું તમને કોઈ ચોપાનિયા વેચવાવાળો ફેરિયો લાગુ છું કે એમ ફ્રીમાં ખબરો વહેંચતો ફરું? પાંચ પેટી થશે, સરજી. હું ફરીથી ફોન કરીશ.’

‘પણ તમે કોણ..?’ જયકાંતે ફરી એક વખત ઉલટતપાસ કરવાની કોશિશ કરી જોઈ.

‘મુસ્કાન ઝૂઠી હૈ... પહેચાન ઝૂઠી હૈ...’ સામે છેડેથી એક રહસ્યમય ગીત ગૂંજ્યું અને ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

***

માઉન્ટ આબુના એ સ્પેશિયલ કોટેજમાં આજની સવાર છેક બપોરે પડી. વીતેલી રાતની મદહોશી અને અડીખમ ઊભેલા પહાડોની શીતળતા બંનેએ ભેગાં મળીને એવું કાવતરું રચ્યું કે ઢળતા જૂનનો ઊગતો સૂરજ પોતાના કિરણોને કોટેજના બેડરૂમ સુધી પહોંચાડવામાં વિફળ નીવડ્યો.

આબુના ઠંડા વાતાવરણમાં કોટેજના એરકંડીશનરને નવ્યાના બેડરૂમમાં ટાઢ ફેલાવવામાં ખાસ કોઈ જહેમત ઊઠાવવી નહોતી પડી રહી. હૂંફાળા ફરવાળો ગરમ બ્લેન્કેટ નવ્યાના જિસ્મમાં ગરમાટો ભરવાનો લુફ્ત ઊઠાવી રહ્યો હતો. એની બોઝિલ પાંપણો ત્યારે ઊઘડી જયારે ઓચિંતું જ એના કાનની બૂટ નીચેની નરમ ચામડી ઉપર એક ગરમ શ્વાસ અથડાયો. એ સાથે જ એક સફેદ ગુલાબની કોમળ પાંખડીઓ એની ખૂલી ચૂકેલી પાંપણો ઉપર અટકચાળા કરતી એના બંધ હોઠો ઉપર સ્થિર થઈ. સામે જ અરમાનનો તાજગીભર્યો ચહેરો મુસ્કાઈ રહ્યો હતો. નવ્યાએ ઊઠવાનો પ્રયત્ન કરી જોયો. અરમાને એના મુલાયમ હોઠ ઉપર ગુલાબની પાંખડીઓની જગ્યાએ પોતાની આંગળીઓ ગોઠવતા કહ્યું, ‘ગુડ મોર્નિંગ, અર્પિ ડાર્લિંગ!’

નવ્યા જાણે કે ચિત્તભ્રમ થઈને તાકી રહી : ‘અર્પિ..?’

‘જોને અર્પિ, બપોર થઈ ગઈ, ને તું હજી... યાદ છે ને લગ્નના શરૂઆતના એ ખૂબસૂરત દિવસો! હું આમ જ તને ઊંઘમાંથી ઊઠાડતો હતો.’ અરમાન જાણે કે કોઈક બીજી જ દુનિયામાં ખોવાઈ રહ્યો હતો.

‘રાઇટર બાબુ, હું તમારી અર્પિતા નહિ, નવ્યા છું...’ નવ્યા એક ઝાટકે બ્લેન્કેટ હટાવીને ઊભી થતાં બોલી, ‘હું હનીમૂન ઉપર નહિ, મિશન ઉપર આવી છું, તમને કિડનેપ કરીને...’ -એ સાથે જ અરમાનને એક જોરદાર ધક્કો લાગ્યો. હાથમાં રમી રહેલા ગુલાબનો એક અણીદાર કાંટો એના અંગૂઠામાં ભોંકાયો. એણે થોડી વેદના અનુભવી.

‘હેં..? ઓહ્હ...’ અરમાન ઝંખવાણો પડી ગયો. રક્તબિંદુથી લાલાશ પકડી રહેલો પોતાનો અંગૂઠો મોંમા નાખતા એ બોલ્યો, ‘આઇ, આ’મ સ..સ..સોરી...’

નવ્યા પણ શું કરવું એની મૂંઝવણ અનુભવી રહી.

‘આ’મ એક્ષટ્રીમલી... મે’મ... આઇ મીન, નવ્યા...’ થોથવાયેલી જીભે અરમાન સ્થિર થઈ ગયો.

નવ્યાને આ વખતે રિવોલ્વર કાઢવાની જરૂર નહિ જણાઈ. એણે કબાટમાંથી પોતાના જરૂરી વસ્ત્રો કાઢ્યા અને ઝડપભેર બાથરૂમમાં ઘૂસી ગઈ. રેશમના અંગો ઉપરથી મખમલી નાઇટવેર અલગ થયો અને એક નિર્મળ પાણી જેવું સંપૂર્ણ પારદર્શક સૌંદર્ય શાવરના પાણીમાં તરબતર થવા માંડ્યું. ગૌરવર્ણ ચહેરા ઉપર પડતો પાણીનો ધારદાર ધોધ અરમાન અંગે અટકળો કરવા પ્રેરી રહ્યો હતો... અરમાન માસૂમ છે? કે રીઢો દગાબાજ? કે પછી સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતો એક પ્રેમાળ પતિ? શું એ મારામાં એની પત્ની અર્પિતાને ફંફોસે છે કે પછી મને જ ક્યારેક ક્યારેક અર્પિતા સમજીને રોમેન્ટિક થઈ જાય છે; ફલર્ટ કરે છે? નખી ઝીલમાં બોટિંગ દરમ્યાન અરમાને મારા ચહેરા ઉપર મારેલી પાણીની છાલક શું અર્પિતા માટે હતી? મારા વાળમાંથી ટપકતી પાણીની બૂંદોને ઉત્તેજનાથી તાકી રહેલી અરમાનની એ નજરમાં શું અર્પિતાનું દેહલાલિત્ય તરવરતું હતું? મારા અફાટ ઐશ્વર્યને પામવા માટે થનગની ઊઠેલી એની કામુક આંખો સાથે મને બાંહોમાં ઊઠાવીને બેડરૂમ તરફ લઈ જનારા અરમાન માટે શું હું નવ્યા નહિ પણ અર્પિતા હતી?

નવ્યાને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો કે અરમાન બેવડું વ્યક્તિત્વ ધરાવતો એક રોમેન્ટિક પતિ છે. પરંતુ, કોઈક અણગમતી ઘટનાને આધારે એના મનમાં ઘર કરી ગયેલી અર્પિતાના ચારિત્ર્ય અંગેની શંકા એને આક્રમક બનાવી મૂકતી હતી. ઉગ્રતાથી ભરેલું એ અન્ય વ્યક્તિત્વ એને અર્પિતા ઉપર હુમલો કરાવવાની હદ સુધી ઢસડી જતું હતું. નવ્યાને પોતાને એ નહિ સમજાયું કે એ પોતે આ વાતથી ખુશ થાય કે દુઃખી થાય!

નવ્યાને ભલે ખુશ થવા કે દુઃખી થવા અંગે અવઢવ હોય પણ અરમાનને અત્યારે મૂંઝવણ અનુભવવા સિવાય કોઈ અન્ય લાગણી ઉદ્ભવી રહી હોય એવું લાગતું ન હતું. ખાસ તો ત્યારે કે જયારે એણે કોટેજના બેડરૂમમાંથી પાર્કિંગ એરિયામાં એક કાર પાર્ક થવાનો અવાજ સાંભળ્યો. સૂર્યપ્રકાશને રોકતી વેનીશીંગ બ્લેન્ડ ઘુમાવીને એણે વિન્ડોમાંથી જોયું તો કારમાંથી બે વિચિત્ર પ્રાણીઓ ઉતરતા જણાયા - એક ખભા સુધીના લાંબા વાળવાળો સાહુડી જેવો વ્યક્તિ; બીજો લીસા તરબૂચ જેવા માથાવાળો ગંજો... બીજી જ પળે એને પોતાના પગ નીચેથી જમીન સરકી રહી હોવાની ભીતિ થઈ. એની નજર સમક્ષ અર્પિતા ઊભી હતી અને એની બિલકુલ પાછળ સિગારમાંથી ધૂમ્રસેર છોડી રહેલો હઝરત કુરેશીનો કરડાકીભર્યો ચહેરો..!

------------------

(ક્રમશઃ) * દર શુક્રવારે

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

----------------