Antarna Undanethi in Gujarati Poems by Patel Vinaykumar I books and stories PDF | અંતરના ઉંડાણેથી

Featured Books
Categories
Share

અંતરના ઉંડાણેથી

   કહેવું છે 

નયનના બંધ દ્વાર ઉઘાડો હવે
કે આંસુઓની નદીઓને વહેવું છે

અજ્ઞાનથી જ્ઞાન તરફ જઈએ હવે
મૃત્યુના ડર વચ્ચે ક્યાં સુધી રહેવું છે

માની જાઓ વાત મારી આટલી
રોજ રોજ મારે ક્યાં કશું કહેવું છે

લાગે છે દરીયાની વાતનું ખોટું લાગ્યું છે
નદીને એટલે તો નિરંતર વહેવું છે 

સુખ દુઃખને સમજો જ્ઞાનની દૃષ્ટિએ 
હવે ક્યાં સુધી એને સહેવું છે 

અવિરત 

વહે છે જ્યાં પ્રેમનો અવિરત પ્રવાહ 
ત્યાં તો ક્યાં હોય છે સવાલ જવાબ
તનડા જુદા પણ મનડા છે એક જેવા
વ્હાલના મોજાઓ ઉછળે જ્યાં અવિરત
પરસ્પર ભાવ જો કેળવાય એ હદે 
તો રાધામાં કૃષ્ણ દેખાય હરક્ષણે
મહેકાય સંબંધો નિ:સ્વાથૅ હૈયા મહીં 
સચવાયા છે એ તો જનમો જનમ સુધી
સૌ તરફ સરખો છલકાઈ રહ્યો છે હરપળ
પ્રેમભયૉ દરીયા લૂટાવી રહ્યો છે ઈશ્વર ક્ષણ ક્ષણ
વાત મારી આટલી મનડે મઢી લેજો 
વિશ્વ એક થશે પ્રેમમાં સમજી લેજો

કરી લઈશું 

જીંદગી ભલે ગમે તેવી હોય 
જીવી અમે લઈશું 
અંતર તણા અંધકારમાં 
દિવો કરી દઈશું 

હોય ભલે સામો પાણીનો પ્રવાહ 
તોયે તરી અમે જઈશું 
મૃત્યુને મંગલ બનાવી 
અમર બની જઈશું 

મળશે ભલે અણગમતું અમને 
પસંદ કરી લઈશું 
ભગવાનને પણ પ્યારું લાગે
એવું જીવી જઈશું 

મંઝિલ મળે કે ના મળે
ચાલતા અમે રહીશું 
ખુદની સાચી ઓળખ કરીને 
ઈશમા સમાઈ જઈશું 

કરવું પડશે 

જીવન મળ્યું છે ઈશ કૃપાથી તો 
જીવવું પડશે, 
સત્ય તણો રાહ અપનાવી 
ચાલવું પડશે! 

નથી મળ્યું જીવન કેવળ પોતાના માટે 
બીજા માટે જીવીને સાથૅક એને
કરવું પડશે! 

મળે છે સાચી ખુશી બીજાની ભલાઈમાં
આ વાત દૃઢ કરી અણમોલ જીવન 
કરવું પડશે! 

મળતી નથી જીંદગી વારંવાર 'વિનય' 
મયૉ પછી લોકોના હૃદયમાં રહીએ એવું 
કરવું પડશે! 

મૃત્યુની મુલાકાત 

પામવાનું છે એને એક દી
તોયે વાટ ક્યાં જોવાય છે? 
મૃત્યું તણા મહોત્સવમાં 
ક્યાં કોઈને નોતરાય છે 
પ્રસંગ આપણો હશે ને મહેમાન પણ આપણે 
હસતા મોઢે એને વધાવવા પડશે 
સમય એનો હશે ને સ્થાન પણ એનું
થશે જ્યારે મુલાકાત એની, 
મૃત્યું કેવળ શરીરનું થાય છે 
ને આત્મા તો અમર છે 
આ વાત જો જાણી લઈએ 
તો મૃત્યું સાથેની મુલાકાત સફળ થઈ જાય 

જીવન એક પડકાર 

જીવન એક પડકાર છે જાણી લેજો એને 
સમજો તો સીધું નહીં તો આડું - અવળું છે 
શીખવાડે છે પાઠ જીવનના નાની - નાની વાતો 
ઉતારજો દિલમાં એને કરવા સેવાના કામો 
મયૉ પહેલાં જીવી જાવું એ જ ખરું જીવન છે 
વિવાદ વિના સમજી જાવું એ જ સાચી સમજણ છે 
શ્વાસની રમતમાં એક દી હારી જ જવાનું છે 
હારીને પણ જીતી જાવું એ જ તો જીવન છે 

એટલું જ બસ છે 

અસંખ્ય આશાઓ તૂટી પડે ભલે
સાથ સૌનો છૂટી જાય ભલે 
પણ જીવંત છું એટલું જ બસ છે 
પ્રયત્નોથી ગૂંજવી દઈશું અમે સફળતાના દ્વાર 
જીંદગી જીવવાનો એટલો જ રસ છે 
અકબંધ છે ઈરાદો મંઝિલ મેળવવાનો 
બાકી રહ્યો એવો મારા કર્મોનો  કસ છે 
વિશ્વાસ નથી અમને અમારી હસ્તરેખાઓ પર
નહીં તો જ્યોતિષ કહે છે કે એમાં તો જસ છે 
ઉમળકો આવો જ જળવાઈ રહે જો સદા
તો કદી ના કહીશ કે આટલું બસ છે 

સમજાઈ રહ્યા છે 

નજરથી નજરના જામ પીવાઈ રહ્યા છે 
પ્રેમ થવાના કારણ સમજાઈ રહ્યા છે 

અબોલા થયા લાગે છે એમના સાથે 
ચહેરાના ચિત્રણ વંચાઈ રહ્યા છે 

આસપાસ જોવા મળે તો કહેજો 
દિલના સરનામા હવે ખોવાઈ રહ્યા છે 

પ્રસંગમાં એમની ગેરહાજરી વર્તાઈ રહી છે 
લાગણીના તાર જાણે બંધાઈ રહ્યા છે 

બેવફાઈના બદલા ક્યાં કોઈને લેવા છે 
યાદો બની દિલના ખૂણે ખૂણે સચવાઈ રહ્યા છે 

ક્યાં મળે છે? 

શબ્દ અને સૂર મળે ત્યારે ગીત બને છે 
આંખને દિલ મળે ત્યારે પ્રિત બને છે 

સ્વપ્ન તો કેટલાય રાચી રહ્યા છે દિલો દિમાગ પર 
પણ પરિશ્રમને નસીબ મળે ત્યારે સિધ્ધ બને છે 

કારણ વગરની વાત ક્યાં કોઈ સમજે છે 
બાકી સાચો પ્રેમ હોય ત્યાં જ મનમેળ બને છે 

સહેવી પડી હશે કેટલીય તકલીફો એને 
નહીં તો ખુદા વિના જગ ક્યાં બને છે? 

અમસ્તું જ નથી લખતો આ બધું 'વિનય' 
શબ્દોને પ્રેમ કરનારા ક્યાં હવે મળે છે? 

એક મુલાકાત - જીંદગીની 

મળી જાય જીંદગી રસ્તામાં તો પૂછું કે 
તું મને પામીને ખુશ તો છે ને? 
તડપે છે બધાયે એને પામવા
મને પણ મળી હશે કોઈ કારણથી
ક્યારેક મૂંઝાતી હશે એ પણ મારાથી
તોયે નારાજ ક્યાં થાય છે એ? 
જો સમજીશું એને સ્વાર્થ વિણ
તો ઉપવન બની મહેંકી ઊઠશે 
નહીં તો કરમાઈ જતા ક્યાં વાર કરે છે જીંદગી?