Hawas-It Cause Death - 18 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-18

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-18

હવસ :-IT CAUSE DEATH-ભાગ 18

અનિતા અને મેહુલને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં અને જ્યાં સુધી પોલીસ આગળની કાર્યવાહી ના કરે ત્યાં સુધી બંનેને જેલમાં જ રાખવાનું નક્કી થયું.અર્જુને વડોદરા તપાસ કરાવી જોઈ તો ત્યાંથી અનિતાનાં કહ્યાં મુજબ એ પ્રભાતની હત્યાનાં દિવસે અને એનાં આગળનાં દિવસે હોસ્પિટલમાં હોવાની વાત પુરવાર થઈ.

અનિતા અને મેહુલની ધરપકડના બીજાં દિવસે બપોરનાં અગિયાર વાગે અર્જુન પોતાની કેબિનમાં બેઠો બેઠો મારબોલો સિગરેટનાં ધુમાડા હવામાં છોડી રહ્યો હતો.હવે આગળ કઈ રીતે પોતે કેસ ને હેન્ડલ કરશે એ વિશેની ગડમથલમાં પડ્યો હતો ત્યાં નાયક અર્જુનની કેબિનમાં પ્રવેશવાની અનુમતિ માંગે છે.

"સાહેબ આવું..?"

"હા આવો નાયક પધારો.."અર્જુન જાણે નાયકની આગતાં સ્વાગતાં કરતાં બોલ્યો.

નાયકે અર્જુનની સામે આવીને ખુરશીમાં સ્થાન લીધું..અને ટેબલ પર રાખેલ ડિશમાંથી બિસ્કિટ ઉપાડતાં બોલ્યો.

"સાહેબ તમે કાલે મારાં કહ્યાં પહેલાં કઈ રીતે કહી શક્યાં કે અનિતા જ પ્રભાતની હત્યામાં સંડોવાયેલી છે.?"

"નાયક તે પ્રભાતની અંતિમવિધિનાં જે ફોટો આપ્યાં એમાં મેં મેહુલને જોયો એટલે મને મગજમાં એક ઝબકારો થયો..મેં તાત્કાલિક અનિતા અને મેહુલનું વડોદરા કનેક્શન ચેક કરી જોયું કેમકે બંને ત્યાંના જ રહેવાસી હતાં. અને મેં જ્યારે અનિતાની ફેસબુક પ્રોફાઈલ ચેક કરી તો મેહુલની જેમ જ એ MS યુનિવર્સિટીમાં એજ સમયગાળામાં અભ્યાસ કરતી હોવાની જાણકારી મળી જેને મારો શક યકીનમાં બદલી લીધો."

"બરાબર સાહેબ..પણ હવે શું લાગે છે આ અનિતા અને મેહુલ સાચું બોલી રહ્યાં છે..એ બંને એ પ્રભાતને ઝેર આપ્યું ન હોવાનું જે રટણ એ બંને ચલાવી રહ્યાં છે એમાં તમને સચ્ચાઈ લાગે છે..?

અર્જુન નાયકની વાત સાંભળી થોડું વિચારીને બોલ્યો.

"નાયક મારાં મતે તો એ બંને સાચું જ બોલી રહ્યાં છે.. એમને જે જે મુદ્દાઓ સાથે પોતે પ્રભાતને ઝેર નથી આપ્યું એ વાત આપણી સમક્ષ રાખી રહ્યાં છે એ પરથી તો એમની વાત સાચી જ લાગી રહી છે..બાકી તું જ જણાવ કે ઝેર આપીને હત્યા કરાવવામાં સૌથી મોટું નુકસાન કોનું..?જો આવું થાય તો શકની સોય પહેલી પોતાની ઉપર જ આવે એટલે અનિતા એ વિષયમાં વિચારી પણ ના શકે."

"સાહેબ આ વસ્તુ પણ તમારી સાચી છે..તો પછી ઝેરથી પ્રભાતનું મૃત્યુ થયું હોવાની છુપાવવાનું કારણ..?"નાયકે બીજું બિસ્કિટ ઉપાડતાં કહ્યું.

"ઝેરથી પ્રભાતની હત્યાની વાત એમનાં પરિવાર અને મિત્ર વર્તુળથી છુપાવી છે જેથી કોઈ સાવધ ના થઇ જાય..સમજ્યો નાયક"પોતાનાં લમણે હાથ રાખી અર્જુને કહ્યું.

"તો હવે..જો અનિતા અને મેહુલ દ્વારા પ્રભાતને ઝેર આપવામાં ના આવ્યું હોય તો પ્રભાતને ઝેર આપનાર વ્યક્તિ કોણ હોઈ શકે..?"નાયક ટેબલ પર રાખેલાં ગ્લાસમાંથી પાણી પીતાં બોલ્યો.

"જો નાયક સૌપ્રથમ તો તું સાયબર ટીમ ને બોલી પ્રભાતનાં મોબાઈલનો ડેટા વહેલી તકે નીકળવાનું કર..એ સિવાય શેખને કોલ કરી તું પ્રભાતની મૃત્યુ કયાં ઝેરથી થઈ છે એની તપાસ કરવા જે સેમ્પલ બેંગ્લોર મોકલ્યાં છે એની રિપોર્ટ આવી કે નહીં એની તપાસ કર."અર્જુને નાયકનાં સવાલ પર થોડું મંથન કરીને કહ્યું.

"સાહેબ મેં શેખ સાથે વાત કરી લીધી છે પણ એમનું કહેવું છે કે બેંગ્લોરથી રિપોર્ટ આવતાં અમુક દિવસ તો લાગી જશે પણ એક અઠવાડિયાની અંદર જરૂર આવી જશે..અને રહી વાત પ્રભાતનાં ડેમેજ ફોનનાં ડેટા ની તો સાયબર ટીમ હજુ સુધી એમાંથી કંઈપણ મેળવી શકી નથી કેમકે એનો બધો ડેટા ખાલી બતાવે છે છતાંપણ એમાંથી કંઈપણ નાનામાં નાની વસ્તુ મળી જાય એવાં પ્રયત્ન એ લોકો કરી રહ્યાં છે."અર્જુનની વાત સાંભળી નાયકે પોતાને જે ખબર હતું એ બધું જણાવી દીધું.

જ્યાં સુધી સામેથી કોઈ લીડ ના મળે ત્યાં સુધી હાથ પર હાથ ધરીને બેસી રહેવું અર્જુન જેવાં બાહોશ પોલીસ ઈન્સ્પેકટરની ફિતરત માં નહોતું.અર્જુન હવે કઈ રીતે પ્રભાતની હત્યાનાં કેસની પહેલી ઉકેલવામાં લાગેલો હતો.

"નાયક ઝેર કોણ આપી શકે જે નજીકનું હોય એ પણ પ્રભાતની નજીકનાં બધાં લોકો પર નજર રાખવી મુશ્કેલ છે..પણ એ કામ કરવું પડશે એ નક્કી છે બાકી આમ ને આમ માખીઓ મારવી મને નથી પસંદ."અર્જુને પોતાનાં મનમાં ચાલતાં વિચારોને નાયક સમક્ષ મુકતાં કહ્યું.

"સાહેબ થઈ જશે..તમ તમારે ચિંતા ના કરશો..બધું ઓલરાઇટ થઈ જશે."નાયક પોતાનાં ચિત-પરિચિત અંદાજમાં બોલ્યો.

નાયકની આ અદા પર અર્જુન આટલાં ભારેખમ વાતાવરણમાં પણ હસવા મજબુર થઈ ગયો..નાયક એકરીતે અર્જુન માટે ઑક્સિજન તો નહોતો જેનાં વગર એ જીવિત ના રહી શકે પણ એ અર્જુન માટે ઓઝોનનું કામ તો જરૂર કરતો હતો.કેમકે એની હાજરી માત્ર અર્જુનને તાજગીસભર બનાવી દેતી.

*********

બપોરે નવરાશનાં સમયમાં અર્જુને પોતાની કેબિનમાં બેઠાં બેઠાં ઈન્ટરનેટ દ્વારા કઈ રીતે મોબાઈલ સાથે સંલગ્ન અલગ-અલગ પ્રકારની માહિતી મેળવી શકાય એનાં રિલેટેડ વીડિયો યુટ્યુબ પર જોતો રહ્યો..અર્જુન નવાં જમાનોનો પોલીસ અધિકારી હતી જે જાણતો હતો કે ટેક્નોલોજી કઈ રીતે ઘણાં ગુનેગારો શોધવાનું માધ્યમ પણ બની રહેતી.

ઘણી ઉપયોગી લાગતી વસ્તુઓ અર્જુન એક ડાયરીમાં નોટડાઉન કરી રહ્યો હતો..આ લખાણ નો ઉપયોગ એ આગળ જતાં કોઈપણ કેસ ઉકેલવામાં કરી શકશે એવી એની ગણતરી હતી.

સાંજ નાં પાંચ વાગી ગયાં હતાં..દિવસ આખો પૂર્ણ થવાં આવ્યો છતાં પ્રભાતની હત્યાનો સાચો ગુનેગાર હજુપણ ખુલ્લેઆમ ફરી રહ્યો હતો એ વાત અર્જુન જેવાં ફરજનિષ્ઠ પોલીસ ઓફિસર ને પજવી રહી હતી..અચાનક અર્જુનનાં ફોનની રિંગ વાગી.અર્જુને જોયું તો સ્ક્રીન પર નાયક નું નામ દેખાઈ રહ્યું હતું.

"હા બોલ નાયક શું ખબર છે..?"ફોન રિસીવ કરતાં જ અર્જુને પૂછ્યું.

"સાહેબ ખબર તો એટલી મોટી છે જે સાંભળ્યા બાદ તમારું મગજ ચકરાવે ચડી જશે.."સીધી વાત કહેવાનાં બદલે સસ્પેન્સ ઉભું કરવાની પોતાની આગવી રીત મુજબ નાયકે જવાબ આપ્યો.

"ભલે ચડી જતું ચકરાવે..તું એ જણાવ કે આખરે શું ખબર લાવ્યો છે..?"અર્જુને ગુસ્સે થઈને પૂછ્યું.

"સાહેબ તમે કીધું હતું કે પ્રભાતની નજીકનાં જેટલાં પણ લોકો છે એમની ઉપર નજર રાખવાની તો મેં એ મુજબ આપણાં ખબરીઓને એક્ટિવેટ કરી દીધાં.. તો બુખારી નો ફોન હતો કે પ્રભાતનો નોકર મંગાજી ગાંધી રોડ પર આવેલ સ્વસ્તિક જવેલરીમાં ગયો છે.."નાયક એક સાથે બધું બોલી ગયો.

"આ થઈ ને જોરદાર વાત..તું જ્યાં હોય ત્યાંથી સ્વસ્તિક જવેલરી પહોંચ..હું પણ સીધો ત્યાંજ આવું છું."અર્જુને આદેશ આપતાં નાયકને કહ્યું.

"જી સર.."આટલું કહી નાયકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

નાયક સાથે વાત થયાં બાદ કોઈ મોટી સફળતા મળી ગઈ હોય એવી ખુશીમાં અર્જુન પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને પોતાની પોલીસ હેટ માથે ચડાવી ઉતાવળાં પગે પોતાની કેબિનનો દરવાજો ખોલી બહાર નીકળી ગયો.

પોલીસ સ્ટેશનની બહાર નીકળી અર્જુને બહાર પાર્ક કરેલી પોતાની બુલેટ ને સ્ટાર્ટ કરી..આ સાથે જ એસીપી અર્જુન ધમધમાટી બોલાવતી પોતાની બુલેટ પર સવાર થઈને નીકળી પડ્યો ગાંધી રોડ પર આવેલી સ્વસ્તિક જવેલરી ની દુકાનની તરફ.

**********

અર્જુનની બુલેટ સીધી સ્વસ્તિક જવેલરી જે શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી હતી એ ગણેશ પ્લાઝા નામની બિલ્ડીંગ નાં પાર્કિંગમાં આવીને ઉભી રહી.અર્જુનનાં ત્યાં આવતાંની સાથે નાયક પણ એની તરફ હાંફતો હાંફતો આવી પહોંચ્યો..નાયકની જોડે એક બ્લુ કલરની ટીશર્ટ અને કાળું પેન્ટ પહેરેલ માણસ પણ હતો જેની દાઢી પણ પ્રમાણમાં વધી ગઈ હતી.

"સલામ સાહેબ.."એ વ્યક્તિ અર્જુનને સલામ મારતાં બોલ્યો.

"શું વાત છે બુખારી..તે તો વિરાટ કોહલીની માફક દાઢી વધારી લીધી છે"એ વ્યક્તિ બુખારી નામનો અર્જુનનો ખાસ ખબરી હતો..એનો નવો અવતાર જોઈ અર્જુને એને હસતાં હસતાં કહ્યું.

"બસ સાહેબ આતો હવે બધાં કરાવે તો મેં પણ કરાવી દીધી."વધી ગયેલી દાઢી પર હાથ ફેરવતાં બુખારી બોલ્યો.

"હા તો ભાઈ મંગાજી હજુ અંદર જ છે કે પછી બહાર નીકળ્યો..?"અર્જુને બુખારીને પૂછ્યું.

"સાહેબ એ તમારાં આવ્યાંનાં બે મિનિટ પહેલાં જ સ્વસ્તિક જવેલરીની દુકાનમાંથી બહાર નીકળી ઓટોરીક્ષા કરીને નીકળી ગયો."બુખારી ની જગ્યાએ જવાબ આપતાં નાયક બોલ્યો.

"તો તું અહીંયા શું જખ મરાવે છે.."અર્જુન નાયકની વાત સાંભળી ક્રોધિત થઈને બોલ્યો.

"પણ સાહેબ હજુ અંદર જઈને જવેલરી માલિક જોડે થોડાં સવાલ-જવાબ કરી લઈએ પછી મંગાજી ને ગિરફતમાં લઈએ..કેમકે કોઈ સબુત વગર સીધો એને પકડીને શું કહીશું..?"નાયકે પોતાનો પક્ષ રાખતાં કહ્યું.

"હા સોરી સોરી.."પોતે ઉતાવળમાં કાચું બફાઈ જતાં નાયક પર નકામો ગુસ્સે થઈ ગયાંની લાગણી થતાં દિલગીર સ્વરે અર્જુને નાયકને કહ્યું.

"સાહેબ જલ્દી ચાલો અંદર જઈને પૂછી લઈએ કે આખરે મંગાજી કેમ અહીં આવ્યો હતો..??પછી ખબર પડશે કે આપણે જે વસ્તુ વિચારી રહ્યાં છે એ પોકળ નથી."સ્વસ્તિક જવેલરીનાં પ્રવેશદ્વાર તરફ ઈશારો કરતાં નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી અર્જુનને હકારમાં ડોકું ધુણાવ્યું અને નાયકની સાથે સાથે સ્વસ્તિક જવેલરીની દુકાનમાં પ્રવેશ્યો.અર્જુને બે હજારની બે નોટો બુખારીને પકડાવી એટલે એ ખુશ થઈ અર્જુનની રજા લઈ ત્યાંથી ચાલતો થયો.

"આવો આવો ઈન્સ્પેકટર અર્જુન..તમારાં પાવન પગલાં પડ્યાં ને અમારી દુકાન ધન્ય થઈ ગઈ."એક મારવાડી વેપારીનાં આગવા અંદાજમાં સ્વસ્તિક જવેલરીનાં માલિક મોહનલાલ અર્જુન અને નાયકને પોતાની દુકાનમાં પ્રવેશતાં જોઈ બોલી ઉઠ્યાં.

"બોલો સાહેબ શું બતાવું..તમતમારે ખાલી હુકમ કરી દો એટલે આ બંદો તમારાં માટે એકદમ શુદ્ધ સોનામાંથી બનાવેલાં 22 કેરેટનાં દાગીના તમારી સામે ખડકી દેશે."હજુ પોતાની અદાકારી ચાલુ રાખતાં મોહનલાલ બોલ્યાં.

"અમારે અત્યારે તો કંઈપણ લેવું નથી..પણ અમારાં અમુક સવાલો છે જેનાં સાચાં જવાબ તમે આપશો એવી આશા છે.."પોતાની રિવોલ્વર ને ખિસ્સામાંથી કાઢી મોહનલાલ ની સામેના કાઉન્ટર પર મુકતાં અર્જુન બોલ્યો.

અર્જુનનાં હાવભાવ અને રિવોલ્વર જોઈને પોતાનાં ગળામાં રહેલું થૂંક મહાપરાણે નીચે ઉતારતાં મોહનલાલ બોલ્યાં.

"હા બોલોને સાહેબ..ખોટું તો હું ક્યારેક બોલતો જ નથી."

"બસ સાચું બોલશો એ જ તમારાં હકમાં રહેશે.."નાયક બોલ્યો.

"હમણાં એક વ્યક્તિ આવ્યો હતો મંગાજી..જે ફક્ત પાંચ મિનિટ પહેલાં જ અહીંથી બહાર નીકળ્યો.એ અહીં કેમ આવ્યો એ વિશે આપ જણાવી શકશો..?"અર્જુને કહ્યું.

"કોણ મંગાજી..સાહેબ થોડું વર્ણન કરો એનાં વિશે તો હું તમારાં સવાલનો યોગ્ય જવાબ આપી શકું..બાકી સાહેબ કેટલાં બધાં ગ્રાહકો અત્યારે મોજુદ છે એતો તમે જોઈ શકો છો."ચહેરા પર ખોટી મુસ્કાન લાવી મરકમરક હસતાં મોહનલાલે કહ્યું.

"મંગાજી એક મધ્યમ ઊંચાઈ ધરાવતો,સામાન્ય બાંધાનો ચાલીસેક વર્ષની ઉંમર ધરાવતો વ્યક્તિ છે..એનાં ચહેરા પર ખીલનાં ડાઘ છે અને એને આજે કેસરી કલરનો શર્ટ પહેર્યો હતો."મંગાજીનું વિવરણ કરતાં નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી કંઈક વિચારીને મોહનલાલ બોલ્યો.

"હા સાહેબ એ માણસ તો હમણાં ગયો..બિચારો બહુ તકલીફમાં હતો.."

"કેમ શું થયું..?કયાં કારણથી તમે એવું કહી શકો કે એ બહુ તકલીફમાં હતો..?"મોહનલાલની વાત સાંભળી અર્જુને પૂછી લીધું.

"સાહેબ એ માણસ ખૂબ ચિંતામાં દેખાતો હતો..એની પત્ની ને કેન્સર છે અને એની સારવાર કરાવવા એને નાણાંની જરૂર હતી.."મોહનલાલ બોલ્યો.

"એની પત્નીનાં કેન્સરનાં સારવારની માટે જરૂરી નાણાં તમે એને આપી દીધાં..?"નાયકે અર્જુન પૂછે એ પહેલાં પૂછી લીધું.

"હા એને મેં નાણાં તો આપ્યાં પણ બદલામાં એને મને પોતાની પત્નીનું મંગળસૂત્ર આપ્યું..આ રહ્યું એ મંગળસૂત્ર."એક સોનાનું મંગળસૂત્ર પોતાનાં જોડે રહેલ ડ્રોવરમાંથી કાઢી અર્જુન સમક્ષ ધરતાં મોહનલાલ બોલ્યો.

"મંગાજી ની પત્ની તો ક્યારનીયે એને મુકી કલી બીજાં પુરુષ સાથે ભાગી ગઈ..આટલું મોંઘું મંગળસૂત્ર મંગાજી જેવાં ગરીબ માણસની પત્ની જોડે ક્યાંથી આવ્યું એ તો વિચારવું હતું..અને મોહનલાલ આ મંગળસૂત્ર શક્યવત ચોરીનું છે..તમને ખબર ના હોય તો જણાવી દઉં કે ચાર દિવસ પહેલાં પ્રભાત પંચાલ નામનાં વેપારી ની હત્યા થઈ ત્યારે એનાં ઘરે ચોરી પણ થઈ હતી..અને આ મંગાજી પ્રભાતનો ડ્રાઈવર છે..ઉપરાંત પ્રભાતની લાશને પણ સૌપ્રથમ એને જ જોઈ હતી."અર્જુને મંગળસૂત્ર ને હાથમાં લઈને એને નીરખીને જોતાં ક્રોધ મિશ્રિત અવાજમાં કહ્યું.

"સાહેબ મને નહોતી ખબર કે આ મંગળસૂત્ર ચોરી નું છે.આ તો એ થોડી તકલીફમાં હતો અને મારો આ મંગળસૂત્ર ની ખરીદીમાં ફાયદો પણ હતો એટલે મેં આ વેચાતું લઈ લીધું..બાકી સાહેબ મને બીજી કંઈપણ ખબર નથી."આજીજી કરતાં મોહનલાલ કરગરી પડ્યો.

"સારું સારું..હું અત્યારે આ મંગળસૂત્ર મારી સાથે લઈ જાઉં છું,મંગાજી પકડાશે એટલે તમે જે રકમ આનાં બદલામાં એને આપી હતી એ મળી જશે..પણ હવે આગળથી આવી ભૂલ થવી ના જોઈએ,સમજ્યાં.?"વેધક નજરે મંગાજી ભણી જોઈને અર્જુને કહ્યું.

"હા સાહેબ તમે આ મંગળસૂત્ર લઈ જાઓ..આગળથી હું કોઈપણ દાગીના ની ખરીદી પહેલાં જે વ્યક્તિ એને લઈને આવ્યો છે એનું બેકગ્રાઉન્ડ ચેક કરી લઈશ."મોહનલાલ બોલ્યાં.

"નાયક આ મંગળસૂત્ર નો એક ફોટો પાડી જાની ને whatsup કર..અને એને બોલ કે આ ફોટો અનિતાને બતાવી ખાતરી કરે કે આ મંગળસૂત્ર પણ પ્રભાતનાં બંગલેથી જે આભુષણો ચોરાયાં એમાં હતું કે નહીં..?"સ્વસ્તિક જવેલરીમાંથી બહાર પગ મુકતાં જ નાયકને હુકમ આપતાં અર્જુન બોલ્યો.

અર્જુનનાં કહ્યાં મુજબનું કામ પૂર્ણ કર્યાં બાદ નાયકે અર્જુનને પૂછ્યું.

"સાહેબ શું લાગે છે આ મંગાજી કઈ ફિરાકમાં છે..?"

"નાયક નક્કી આ મંગાજી એ જ પ્રભાતને ઝેર આપી એની હત્યા કરી હોવી જોઈએ..પછી એ લૂંટનો સામાન લઈ ત્યાંથી નીકળી ગયો.સવારે આવીને જોયું તો પ્રભાતને ગોળી પણ વાગી હતી..આ જોઈ એને લાગ્યું કે પોતાનાં માટે આતો સારી બાબત થઈ એટલે કોઈ નો શક એની ઉપર ના જાય એ હેતુથી એને જ પ્રભાતની હત્યાની ખબર પોલીસને આપી..અને અત્યારે પત્નીની બીમારીનું બહાનું બનાવી એ બધાં આભુષણો ની રોકડી કરી આ શહેરને હંમેશા માટે છોડી દેવાની વેતરણમાં છે."અર્જુને મંગાજી ની મોડસ ઓપરન્સી વિશે જણાવતાં કહ્યું.

એટલામાં જાની એ નાયકને કોલ કરી આ મંગળસૂત્ર પ્રભાતનાં ઘરેથી જ ચોરાયું હોવાની વાતની અનિતાએ માહિતી આપી છે એવું જણાવ્યું.. નાયકે જ્યારે આ વિષયમાં અર્જુનને કહ્યું એટલે અર્જુન બોલ્યો.

"તો ચાલ નાયક..નીકળીએ મંગાજીનાં ઘર તરફ..એ રાધાનગર છોડીને નાસી જાય એ પહેલાં એને દબોચી લેવો જરૂરી છે.."

"સારું ચાલો ત્યારે..જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામ ત્યાં ત્યાં એમનો આ દાસ હનુમાન.."નાયક સ્મિત સાથે બોલ્યો.

ત્યારબાદ અર્જુને બુલેટને કીક મારીને ચાલુ કરી અને નાયકનાં બેકસીટ પર બેસતાંની સાથે જ હવાની જોડે વાતો કરાવતાં બુલેટને મંગાજીનાં ઘર તરફ ભગાવી મુકી..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

જો અનિતા અને મેહુલે પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??અર્જુન હવે પોતાની તપાસ ની શરૂવાત કઈ રીતે કરશે..??શું તો પછી મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..??પ્રભાતની હત્યા અનિકેત અને જાનકી સાથે સંબંધ તો નહોતી ધરાવતી ને..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)