ચલો અમેરિકા - વિના વિઝા
વિજય શાહ
પ્રકરણ – ૩
રાત્રે વિક્ટોરિયા ઊતરીને તેઓ સાયણ પહોંચ્યા ત્યારે ગટુ આવી ગયો હતો.
બધાંને નજીકની હોટેલમાં જમાડીને રાત્રે ૧૧ વાગે દરિયાકિનારે તે પહોંચ્યો. એક વહાણ ઉપર સૌને ચઢાવ્યાં અને તે વહાણના કૅપ્ટનને મળ્યો. ભંડકિયામાં નાની રૂમોમાં સૌને ગોઠવીને તે ઉપર આવ્યો ત્યારે વહાણ સાયણનો કિનારો છોડી ચૂક્યું હતું. બધાંનાં કપડાં અને સામાન તે તેની સાથે પ્લેનમાં લઈ આવ્યો હતો અને બિયરનાં કેન સૌને આપીને તે બોલ્યો, હવે દરિયાની સવારી શરૂ થશે. સી સીકનેસ પણ થઈ શકે. એકબે દિવસમાં શરીર ટેવાઈ જશે. કોઈ અગત્યનાં કામ સિવાય ભંડકિયામાંથી બહાર ના નીકળશો અને નાના ટબુરિયાંને સાચવવાનાં અઘરાં પડશે પણ આ વહાણ દુબઈ જઈને લાંગરશે પાંચૅક દિવસે. હું અહીંયાં બાજુમાં જ છું તમારી સાથે જ. સવારે ભણવાનું શરૂ થશે ત્યારે ફરીથી મળીશું..
જહાજ આખી રાત ચાલતું રહ્યું. ૧૫ ભંડકિયાંમાં પેસેંજર હતા. ગટુ અને બીજા ચાર નાવિકો અને કૅપ્ટન સહિત ૨૨ પ્રવાસીઓ હતા. દર ૮ કલાકે જહાજમાં ઘંટડી વાગતી હતી અને ઘંટડી વાગ્યા પછી કિચન ધમધમતું...અને કલાકે સૌને ખાવાનું મળતું.
તે દિવસે ગટુએ વાત કરી કે મુંબઈથી ૨૦૦ માઇલ દૂર તેઓ હતા. આંતરરાષ્ટ્રીય દરિયામાં કાયદાકીય રાહતો હતી અને તેમાં એક છૂટ બધાએ લેવાની હતી અને તે જન્મજાત નામ અને ધર્મ બદલાઈ જવાનો હતો. બે ઢગલામાં ચીઠ્ઠીઓ નાખવાની હતી. એક ચીઠ્ઠીમાં પુરુષોનાં નામ હતાં અને બીજી ઢગલીમાં સ્ત્રીઓનાં નામ હતાં. અને હવે સૌને વિનંતી હતી કે તે નામે જ સૌ ઓળખાશે. આજની આ પહેલી કવાયત હતી. ચા અને તાજો નાસ્તો અપાયો ત્યારે એક ડબ્બીમાંથી સૌએ ચીઠ્ઠી પણ લેવાની હતી.
ગટુએ સૌને એક એક ચીઠ્ઠી આપીને કહ્યું, ચા પીવાઈ ગયા પછી આ પહેલી યાદ રાખવાની કવાયત.
ચંદુ, તારી ચીઠ્ઠી ખોલ અને તારું નામ વાંચ. ચંદુ બોલ્યો, “ચાર્લી.”
મકન, તારી ચીઠ્ઠી ખોલ અને તારું નામ વાંચ. મકન બોલ્યો, “મેક્ષ.”
રામ, તારી ચીઠ્ઠી ખોલ અને તારું નામ વાંચ. રામ કહે, “રોનાલ્ડ.”
કબીરને કહે તે પહેલાં તેણે ચીઠ્ઠી ખોલીને કહ્યું, “માર્ક.”
અને પાછળ પાછળ નટુ પણ બોલી ઊઠ્યો, “રોબ.”
રેવલીને અંગ્રેજી વાંચતાં નહોતું આવડતું એટલે ચંદુએ નામ વાંચ્યું, “જેની.”
પછી તો બધા ઘરવાળાઓએ ઘરવાળાઓ, તેમની ઘરવાળીઓનાં નામ વાંચ્યાં.
મકને કહ્યું, મારી સવલીનું નામ રોઝી; રામ કહે મારી કુસુમનું નામ કેરોલીના;
કબીરે ચીઠ્ઠી ખોલીને નામ વાંચ્યું, કીટી.
બધાંને નવાં નામો મળ્યાં તેથી રોમાંચ વધ્યો હતો.
લગભગ સરખી ઉંમરનાં બાળકો પોતાની ચિઠ્ઠી વાંચતાં ગયાં. ચંદુ અને જેનીની છોકરીનું નામ સ્વીટી.
મેક્ષ અને રોઝીનો છોકરો વ્હાઇટ, રોનાલ્ડ અને કેરોલીનાના છોકરાનું આલ્બર્ટ, રોબ અને કીટીની છોકરીનું નામ એલેક્ષી. માર્ક અને કીટીની છોકરીનું નામ એલીસ.
ગટુએ દરેક્નાં નવાં નામો મોટા અક્ષરે લખીને પાટિયાં બનાવ્યાં અને દરેક જણને તે પાટિયાં પહેરાવી બધાનાં નામો યાદ રખાવવા દરેક્ને તૈયાર કરવાનો બાર વાગ્યા સુધીનો સમય આપ્યો.
અને આ પ્રકારે એક કાગળ બધાને તૈયાર કરીને આપ્યો.
ચંદુ ચાર્લી, મકન મેક્ષ, રામ રોનાલ્ડ, કબીર મેક્ષ, નટુ રોબ,
રેવલી જેની, સવલી રોઝી, કુસુમ કેરોલીના, ભદ્રા કીટી, નીતા માર્ગી.
બપોરનાં સેશનમાં બધાંને નામોમાં ગૂંચવાડા થતા હતા પણ મઝા આવતી હતી.
***
પ્રકરણ ૪
ચોથા દિવસની સાંજ હતી. દુબઈ હવે નજીક હતું. તે ફ્રી પૉર્ટ હતું. ગટુ ચાહતો કે ભારતિયોથી ભરેલું શહેર સૌ જુએ પણ કોઈની પાસે પાસપૉર્ટ નથી અને કોઈ ગરબડ થઈ જાય તો બધાંને હેરાન થવું પડે તેથી ભાંગ ઘુંટાઈ નક્કી થઈ. વરિયાળીનું શરબત થયું અને ભાંગની હળવી ગોટી અને ત્યાર પછી થોડી ભારે ગોટી પીસીને જમણવારમાં ભજિયાં સાથે સાંજે સાત વાગ્યાના ભોજનમાં અપાઈ ગઈ. આ વાત એકલો ગટુ જ જાણે.
પણ માર્ક લવારીએ ચઢી ગયો. જેમ ભાંગ પીતો જાય તેમ લવારીએ તીવ્ર સ્વરૂપ પકડ્યું.
દેડકો
લીલો દેડકો
ઊછળતો લીલો દેડકો
ડ્રાઉં કરતો ઊછળતો લીલો દેડકો
અને દેડકાની જેમ ટાંગ લંબાવીને ઊછળવા મથતો.
બધાં સૂઈ ગયાં હતાં ભંડકિયામાં પણ માર્ક એકલો દેડકાની લવારીએ હતો. તેની લવારી બદલવા ગટુએ કહ્યું, સૂઈ જા નહીંતર લીલા દેડકા પાછળ લાલ લાલ આંખોવાળા નાગ સળવળે છે.
માર્કની લવારી ધીમી પડી ત્યારે ગટુએ તેને સૂવડાવી દીધો. દુબઈ પૉર્ટનું બારું જ્યારે દેખાયું ત્યારે રાતના ૧૧ વાગ્યા હતા. કૅપ્ટન અને તેના સાથીદારો ગોટા સાથે ભાંગ નહોતા ખાવાના.
ગટુને અંદાજો હતો કે નાના શેઠ દુબાઈ ખાતે મળવા આવે તો નવાઈ નહીં. બરોબર રાતના ૧૨ના ટકોરે કૅપ્ટને દુબઈથી ત્રણ માઇલ દૂર લંગર નાખ્યું. નાના શેઠનું હેલિકોપ્ટર વહાણ ઉપર ઊતર્યુ. અવાજ ખૂબ થતો હતો પણ બધા ભાંગમાં ધૂત હતાં. નાના શેઠ કહેવાય નાના શેઠ પણ ઉમ્મર ૭૮ની હતી અને તે ચાડી પણ ખાતી હતી.
ગટુ અને કૅપ્ટને બહુ આદરથી આવકાર્યા અને પગે લાગ્યા.
નાના શેઠે ગટુને કહ્યું, "પાંચ જ કુટુંબ લાવ્યો?" "હા નાના શેઠ."
“અમેરિકા આ ટોળી પહોંચે ત્યાર પછી પડાપડી થશે."
"હમણાં એક નવી વાત સાંભળી છે અને તે વાત સાંભળ્યા પછી લાગે છે કે હ્યુમન ટ્રાફિકીંગ બહુ જોરમાં ચાલશે."
"શું વાત છે?"
"અમેરિકામાં રોજગારી કૂદકે અને ભૂસકે વધે છે. ગમે તે રીતે અમેરિકાની ભૂમિમાં પહોંચી જાવ પછી તમે અમેરિકન ગવર્ન્મેંટના જમાઈ. તેઓ રોજીરોટી આપે. દવા અને તબિબી સારવાર આપે. ફ્રી ફૂડ ટિકિટો આપે. શરત એટલી જ કે તેમની પાર્ટીને મત આપીને જીતાડવાની. દક્ષિણ અમેરિકાના દેશો અને ગ્વાટેમાલા થઈને ટોળેટોળાં અમેરિકા પહોંચે છે અને આ પોલિટીશ્યનો કહે, છે માણસાઈથી આપણે તેમને આવકારવા જોઈએ."
ગટુ નાનાશેઠને જોઈ રહ્યો.
સિગારેટનો છેલ્લો કસ લેતાં નાના શેઠ બોલ્યા, "બોલ, તારે આ જૂગટું મોટા પાયે રમવું છે?"
નાના શેઠ સામે જોતાં ગટુએ હા પાડી ત્યારે નાના શેઠ બોલ્યા, "આખું ગામ ભરીને લઈ આવ. આ વખતે મોટી સ્ટીમબોટ આપીશ અને માણસ દીઠ લાખ રૂપિયા પણ આપીશ."
“નાના શેઠ, આ ૧૫ને પહોંચાડી દઈને ને?”
“ના. ૧૦૦ માણસ લાવતો હો તો અહીંથી જ રવાના થા. પંદર દિવસ પછી બીજી ખેપ આવે તેમાં દુબઈ આવ. ત્યાંથી આ ટોળીને પનામા મળજે.”
"પણ નાના શેઠ, તે લોકોને હું ભણાવું છું"
"કૅપ્ટન તે લોકોને જણાવી દેશે કે નાના શેઠના કામ માટે સુરત ગયા છે. ૧૫ દિવસે પનામાથી ફરી જોડાશે."
"નાના શેઠ, મને લાગે છે કે ઉતાવળે આંબા નહીં પાકે."
"તો ભલે, તું રાજી રહે, આ ૧૫થી."
"ના, આવી તક તો ના છોડાય."
"હવે સમજ્યો. આ કમાવાની તક છે અને હવે સુરતને કવર કરજે. નવસારી જેવા ગામમાંથી ૧૫ મળ્યા તો સુરતમાંથી ૧૦૦ તો મળશે જ. અને સફળ થયો તો આખી મોટેલનો માલિક થઈ જઈશ. પછી વકરો એટલો નફો...જો ગટુ, આ સીગરેટ પૂરી થાય તે પહેલાં હા કે ના કહી દે જેથી મને સમજણ પડે."
“નાના શેઠ, તમને તો ના કહેવાય જ ના, ને તેથી જવાબ હા, હા અને હા.”
“ચાલ તારી બેગ લઈ લે. તને દુબાઈથી ફ્લાય કરી સવારે સુરત ઉતારવો છે.”
ગટુએ એક કાગળ લઈને ચિઠ્ઠી લખી, માર્કને જણાવ્યું કે તે ૧૫ દિવસ બાદ પનામામાં મળશે.
***