નો રીટર્ન-૨
ભાગ-૬૪
ભયાવહ અનુભવ હતો એ...! એમેઝોનનું વર્ષાવન ભયાનક વિચિત્રતાઓથી ભરેલું છે એનો મને ખ્યાલ હતો પણ આવું કંઇક બનશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. અમે જે ગુફામાં રોકાયા હતા એ ગુફામાં અડધી રાતે ભયંકર દેખાતાં કાનખજૂરાઓ હજ્જારોની સંખ્યામાં ઘૂસી આવ્યા હતાં. ભારે અફરાતફરી મચી ગઇ હતી. ગનીમત એ હતું કે અમારી ટીમનાં તમામ સભ્યો એ હુમલામાંથી સહી-સલામત બચી ગયાં હતાં. કોઇ વ્યક્તિ એ હલ્લામાં સહેજે ઘાયલ નહોતું થયું. પણ અમારો સામાન અંદર ગુફામાં જ રહી ગયો હતો એ સૌથી મોટી કમબખ્તી હતી. સામાન વગર આગળ વધવું મતલબ બુઠ્ઠી તલવાર વડે સમરાંગણ ખેલવું. સવાર સુધી ગુફાની બહાર જ અમે ઉભા રહ્યા. એટલો બધો આઘાત લાગ્યો હતો કે કોઇ કંઇ બોલી શકવાની હાલાતમાં નહોતું. ધોધમાર વરસતા વરસાદમાં લગભગ ચાર કલાક અમે પલળતાં રહ્યા હોઇશું. સવારનો ઉજાસ થયો ત્યારે વરસાદનું જોર થોડું ઓસર્યું હતું છતાં ફોરા જેવાં છાંટાં તો પડતાં જ રહયાં. એ દરમ્યાન અમને ખ્યાલ આવ્યો હતો કે કેમ આટલા વિશાળ જથ્થામાં કાનખજૂરા ઉમટયાં હતાં...!! એ વિચિત્ર ઘટનાં હતી. ખરેખર બન્યું એવું હતું કે ગુફાનાં મુખથી થોડે જ દુર એક વિશાળ ત્રિજીયામાં ફેલાયેલું ઉંચુ વૃક્ષ હતું. એ વૃક્ષનાં થડનાં પોલાણને ખોતરીને કાનખજૂરાઓએ પોતાનું દર બનાવ્યું હતું. એ દરમાં રાતનાં સમયે એકાએક જ વરસાદનું પાણી ઘૂસી આવ્યું હતું જેનાં લીધે દરમાં હતાં એ તમામ કાનખજૂરાઓની ફોજ બહાર નિકળી આવી હતી અને કોઇ સલામત સ્થળની શોધમાં ગુફામાં ઘૂસી ગઇ હતી. કાનખજૂરાનો દેખાવ ભયાનક હતો છતાં એ નિરૂપદ્રવી હતાં એ અમારા માટે સારી વાત સાબીત થઇ હતી નહિંતર આટલાં મોટા જથ્થામાં ત્રાટકેલા જંગલી કાનખજૂરાઓથી જીવિત બચવું લગભગ અસંભવ વાત હતી.
હવે અમારી પાસે રાહ જોવા સીવાય બીજો કોઇ આરો નહોતો. જ્યાં સુધી એ કાનખજૂરાઓનો હલ્લો ટળે નહી અને એ પાછા તેનાં દરમાં ચાલ્યા ન જાય ત્યાં સુધી અમારે અહીં જ ઉભું રહેવું પડે એમ હતું કારણકે સામાન વગર અમે આગળ વધી શકવાનાં નહોતાં. એમેઝોનનો આ અમારો પહેલો ભયાનક અનુભવ હતો.
@@@@@@@@@@@@
પીછો પકડવામાં રોગનનો જોટો જડે તેમ નહોતો. તે ગોરીલ્લા ટકનીકનો માહેર આદમી હતો એટલે તેણે તુરંત કાર્લોસનું પગેરું દબાવ્યું હતું. હવે એ લોકો બરાબર તેનાંથી વીસેક માઇલ પાછળ આવતાં હતાં.
@@@@@@@@@@@
બપોર થતાં વરસાદ રોકાયો હતો અને ધીરેધીરે ગુફા પણ ખાલી થઇ હતી. અમે સાવધાનીથી અમારો સામાન સંકેલ્યો કારણકે હજું પણ મોટી સંખ્યામાં કાનખજૂરા અંદર દિવાલે અને જમીન ઉપર ચોંટલાં હતાં. એક હોરીબલ પરિસ્થિતી માંડ-માંડ થાળે પડી હતી. એ પછી અમારી આગળની સફર ચાલું થઇ.
@@@@@@@@@@@@
પાંચમાં પડાવ સુધી પહોંચતાં ત્રણ દિવસ લાગ્યાં. એ દરમ્યાન ઘણી મુશ્કેલીઓ રાહમાં આવી પણ તમામ બાધાઓને વટાવી અમે આખરે એક જન્નત કહી શકાય એવાં સ્થળે આવી પહોચ્યાં હતાં.
અમારી સામે એક વિશાળ અને ગગનચૂંબી પહાડ દ્રશ્યમાન થતો હતો. સંપૂર્ણપણે લીલોતરીથી મઢેલાં પહાડમાંથી અસંખ્ય ઝરણાઓ નીચેની તરફ ગતીમાં વહેતાં હતાં. પહાડનાં શિખરની ટોચ એટલી ઉંચી હતી કે શિખર વાદળોમાં ઢંકાઇ જતું હતું. હું તો મન્ત્રમૃગ્ધ બનીને અપલક નજરે એ નજારો જોઇ રહયો. મારી આંખોમાં વિસ્મયનો... આનંદનો મહાસાગર ઉમડયો હતો. છેલ્લા પાંચ-છ દિવસોની થકવી દેનારી દડમઝલનો સંપૂર્ણ થાક ઓગળીને જાણે હવા બની ગયો હતો. પહાડ ઉપરથી ખાબકતાં એક ઝરણાંનું પાણી અમારી નજરો સામે એક નાનકડા પરીધમાં એકઠું થઇને ચોખ્ખા પાણીનું સરોવર રચતું હતું. અમે એ સરોવરનાં કાંઠે જ અમારા તંબુ તાણ્યાં. મને તો એ પાણી જોઇને ક્યારનું નહાવાનું મન થતું હતું. જેવા થોડા ઠરીઠામ થયાં કે તુરંત હું કપડા કાઢીને માત્ર એક બર્મુડાભેર એ તળાવમાં ખાબક્યો હતો. પાણી ખરેખર ઠંડુ હતું. મારા મો માંથી આનંદનાં અતીરેકથી કિલકારીઓ નિકળવા લાગી અને હું છેક તળાવમાં ખાબકતાં ઝરણા સુધી તરીને પહોચ્યો. ઝરણાનું પાણી તેનાં પુરા ફોર્સથી એક મોટા કાળમીંઢ પથ્થર ઉપર ઝિકાતું હતું. હું એ ઝરણાંની ધારા હેઠળ બેઠો. મારા માથા ઉપર જાણે અમૃત વરસતું હોય એમ ક્યાંય સુધી હું કોઇ સ્થિતપ્રગ્ય સાધુની જેમ બેઠો રહયો. મને જોઇને કાર્લોસનાં માણસો પણ નહાવા પડયા. એના અને અનેરી પણ થોડે આઘે પાણીમાં કિલ્લોલતા હતાં. લગભગ કલાકેક એ ધમાચકડી ચાલી હશે.
સૌથી પહેલાં અનેરી બહાર નિકળી અને પોતાનાં તંબુમાં ચાલી ગઇ હતી. આટલે આઘેથી પણ મારી આશક્ત નજરો તેને તાકી રહી. અચાનક મને તેની પાછળ જવાનું મન થયું. પાણીમાં તરીને હું કીનારે આવ્યો અને બધાની નજરો ચૂકવીને અનેરીનાં તંબુ પાસે પહોચ્યો. મારા જેવા શરીફ માણસને શોભે નહીં એવી એ હરકત હતી પરંતુ કોણ જાણે મને શું થતું હતું કે એક ઝટકે તંબુનો પડદો ખસેડીને હું અંદર દાખલ થઇ ગયો. અનેરી પીઠ ફેરવીને ઉભી હતી. તેણે પહેરેલાં ભીના કપડે જ હાથમાં ટુવાલ લઇને તે માથાનાં વાળ આગળ લઇ લુંછી રહી હતી. તેણે આછો સફેદ લાંબો.. કમરથી નીચે આવતો સદરો પહેર્યો હતો, જે ભીનો થવાથી તેની પીઠ અને નિતંબ સાથે ચોંટી ગયો હતો. તેની ટટ્ટાર પીઠ અને દિલકશ નિતંબનાં ગોળાકારોને હું આસક્તિથી તદ્દન નફ્ફટ બનીને જોઇ રહયો. મારા જિગરમાં જબરજસ્ત ઉલ્કાપાત સર્જાયો હતો. અને એ જ સંમોહીત દશામાં અનેરીને બાહોમાં ભરવા આગળ વધ્યો જ હતો કે અચાનક તેને ખબર પડી કે તેની પાછળ કોઇ આવ્યું છે. એક ઝટકા સાથે અનેરી પાછળ ફરી અને હાથમાંનો ટુવાલ છાતી સરસો ચાંપ્યો. મને તંબુમાં જોઇને તેની ગહેરી ભૂખરી આંખો વિસ્મયથી પહોળી થઇ.
“ વોટ ધ હેલ આર યુ ડુઈંગ હી...? “ પણ બાકીનાં શબ્દો તેનાં મોમાં જ અટવાઇ પડયા. હું આગળ વધ્યો હતો અને તેને મારી મજબૂત બાંહોમાં ભીંસીને તેનાં ભીનાં મુલાયમ ગરમ હોઠોને મારા હોઠો વચ્ચે દબાવી લીધાં. “ આહ...!!! “ સ્રૃષ્ટીનું પ્રથમ સર્જન આદમ અને ઇવ ને તેમનાં પહેલાં ચૂંબન વખતે જે રોમાંચક અનૂભૂતી થઇ હશે એજ સનાતન અનૂભૂતી મને થઇ. અનેરીનાં હોઠોની ભીનાશ મારા મોમાં ઓગળતી રહી. તેનાં થોડા ભરાવદાર હોઠોની ખારાશ મારા લોહીમાં ઉંફાણ સર્જવા લાગી. તેનાં ગરમાગરમ શ્વાસોથી મારૂ રોમરોમ પુલકીત બન્યું. જાણે હું આપોઆપ કોઇ ગહેરી સમાધીમાં પહોંચી ગયો હોઉં એમ મારા નેત્રો બંધ થયાં અને હું અનેરીનાં આહલાદક સાનિધ્યમાં ખોવાતો ગયો. મારા માટે તો અહીં જ મારી દુનિયા સમાપ્ત થઇ જતી હતી. અનેરી સીવાય આ જગતમાં બીજું કંઇ મહત્વનું નહોતું.
એ જ સમાધીસ્થ સ્થિતીમાં સેકંન્ડો વીતી. હું કોઇ અનન્ય બ્રહ્માંડમાં વિચરી રહયો હતો. પરંતુ અનેરી બહું જલ્દી સ્વસ્થ થઇ હતી. મેં ચૂંબન કર્યું એ પહેલાં તેની સ્થિતી કંઇક અલગ હતી. તેનાં તંબુમાં કોઇ ઘૂસી આવ્યું હતું અને તે સાવ અસહજ સ્થિતીમાં ઉભી હતી એનો ઘ્રાસ્કો તેને પડયો. પછી એકાએક જ મને જોઇને એ ચોંકી હતી અને ટુવાલને છાતી ઉપર ચાંપ્યો હતો. ભારે ગુસ્સાથી તે કંઇક બોલવા જતી હતી પરંતુ અધવચ્ચે જ તેનાં હોઠો ઉપર મારા ઉન્માદનું આવરણ છવાઇ ગયું હતું એટલે પહેલાં તો એ સ્તબ્ધતામાં સરી પડી. ઘડીક સમજાયું નહીં કે તેણે શું પ્રતિક્રિયા કરવી જોઇએ. કોઇ અચાનક આવીને આવી ગાસ્તાખી કરશે એવું તો એણે સ્વપ્નેય ક્યાંથી વિચાર્યું હોય...! પણ પછી તેનાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટયો હતો. તેણે પોતાનાં બન્ને હાથ મારી છાતી ઉપર ટેકવ્યાં અને તેનામાં હતી એટલી તાકાતથી મને ધક્કો માર્યો. અચાનક થયેલાં હલ્લાથી હું હડબડાયો અને તેનાં શરીર ફરતેનું મારું આલીંગન છૂટયું. હું પાછળ તંબુની વચાળે ખોડેલાં થાંભલા સાથે ભટકાયો... મારાં પગમાં આટી પડી અને હું નીચે ખાબકયો. એ દરમ્યાન અનેરી વાવાઝોડાની જેમ મારી ઉપર ધસી આવી હતી. “ યુ બ્રૂટ.... “ તે બોલી અને મારી છાતી ઉપર ચડીને મારા માથાનાં વાળ હાથમાં દબોચી જનૂનભેર ખેંચી નાંખ્યા. “ યુ સ્કાઉન્ડ્રલ... હાઉ ડેર ટુ ડુ ધીસ...? “ તેની આંખોમાંથી આગનાં તણખા ઝરતાં હતાં અને લગભગ કોઇ પાગલની જેમ તે મારા વાળ ખેંચતી હતી.
અને હું.... તેનાં ગુસ્સાને મન ભરીને માણતો કોઇ નફ્ફટ છેલબટાઉ યુવકની જેમ તંબુની ફર્શ ઉપર પડયો-પડયો હસતો હતો.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.
બની શકે તો કોમેન્ટ પણ કરજો.
જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા.
આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.