બદલાવ-8
( સાહેબ, તમને કંઇ સમજાયું?"
"આમાં સમજવાનું શું છે?"
"આ અલગારીનાથની જે શકિતઓ છે તે એક લય...એક તાલમાં કામ કરે છે." સોમુ કંઇક કોયડો ઉકેલ્યોં હોય એમ ખુશ થતા બોલ્યોં....)
અજયને તો આ બંધનમાંથી છુટવાનો એક જ રસ્તો સ્વીકાર્ય હતો.એ રસ્તો એટલે ખુદ અલગારીનાથ પોતે.પણ એમનું વર્તન અને એમના ઇરાદાઓ ન સમજાય એવા હતા.તો પણ ચારે બાજુથી ઘેરાયેલા અજયે સોમુને કંટાળા ભર્યાં સ્વરે પુછયું
“શું લય છે? આ અલગારીનાથની શકિતઓની પેટર્ન શું છે?”
“જુઓ સાહેબ.દર વખતે અલગ અલગ પગ દુખે છે.એકવાર ડાબો....એકવાર જમણો...યાદ કરો એમણે કહ્યું હતુ કે એક સુર પછી બીજો સુર અને એ વખતે એમણે પોતાનો એક પછી એક ડાબો અને જમણો હાથ પણ ઉંચો કર્યો હતો.અને બોલ્યાં હતા કે સાત સુર પછી શુન્ય.અને આ શુન્યમાં જ મુકિત છે.મારે દર વખતે આ અનુભવ થયો.મારે અત્યાંરે લગભગ ચાર વાર તો પ્રયત્ન થઇ ગયો.કદાચ સાત વાર થાય પછી આઠમી વાર હું આ બંધનમાંથી નીકળી શકું.” સોમુએ કહ્યું.અજયે કંઇ જવાબ ન આપ્યોં.પણ વિચાર જરૂર કર્યોં.
“અને હા સાહેબ, તરત જ બીજી વખત પ્રયત્ન કરીએ તો એ જ પગ પર માર પડે છે.કે જેમાં પહેલા પ્રયત્ને પડયો હોય.એટલે બે પ્રયત્નો વચ્ચે થોડો સમય રાહ જોવી પડે છે.આ જે કંઇ અદ્રશ્ય શકિતઓ છે એ બહું જ ચાલાકીથી કામ કરે છે.” સોમુએ વધુ ચોખવટ કરી.
“સોમુ, બની શકે.એવું હોય શકે.પણ કદાચ મુકિત એટલે એમનો અર્થ મૃત્યુ હોય તો? સાત વખત ગુનો થયા પછી આઠમી વખત મૃત્યુની સજા હોય તો?” અજયે શંકા રજુ કરી.સોમુનાં ચહેરે નિરાશા છવાઇ.એટલે એ મૌન જ રહ્યોં.કંઇક યાદ આવતા અજયે સીગારેટનાં પાકીટમાંથી પેલી બે સીગારેટ કાઢી સોમુને બતાવી અને બોલ્યોં “જો સોમુ, આ બંને સીગારેટ મારી નજર સામે અલગારીનાથે પીધી.પછી તરત જ બીજા હાથે મને આખીને આખી પરત કરી.”
“સાહેબ, તમે એ સીગારેટ પીતા નહિં.”
અજયે સીગારેટ પોતાના ઉપરના ખીસ્સામાં મુકી.
"સોમુ, આ અલગારીનાથ જેનો ઉલ્લેખ કરે છે એ ભૈરવ કોણ?" અજયે સવાલ કર્યો.સોમુ અજયની નજરે આસ્તિક ખરો એટલે અજયે પુછયું.
"સાહેબ, ભૈરવ એટલે તો શિવજીનાં ગણ કહેવાય.શિવજીએ પોતાના કામો માટે ઉત્પન્ન કરેલા ભુતો.ભૈરવ પણ ઘણાં અલગ અલગ હોય.પણ કહેવાય છે કે આજે પણ તાંત્રીકો એની સાધના કરી, એમને પ્રશન્ન કરી એમની પાસે કામ લેવડાવતા હોય છે."
"તો સોમુ, શિવજી કોઇનું ખરાબ ન કરે તો એમના ગણ...એમના ભુતો કોઇનું ખરાબ કેમ કરે?"
"સાહેબ, તમે બેંકવાળા જયાંરે કોઇ લોન ન ચુકવે તો એની રીકવરી માટે પહેલા માણસો રાખતા.એ ગુંડા ટાઇપનાં માણસો દાદાગીરી કરતી વખતે કયાંરેય વિચારે છે કે સામેવાળા માણસની શું મજબુરી છે?નહિં ને!! તો આ શિવજીનાં ભૈરવોને પણ વિચારવાનું ન હોય કે કોણ માણસ સારો કોણ ખરાબ.એને તો સોપેલા કામો કરવાના હોય માત્ર." અજય મૌન જ રહ્યોં.
થોડીવારે ગુફાની અંદરથી અલગારીનાથનો મોટા અવાજે મંત્રોચારનો અવાજ આવ્યોં.પછી કંઇક વિચીત્ર ગંધ પણ બહાર આવી.એક અટ્ટાહાસ્યનો અવાજ આવ્યોં.અજયે ગભરાઇને સોમુને કહ્યું
“આ કોણ હશે? આ હસવાનો વિચીત્ર અવાજ અલગારીનાથનો તો નથી જ.મને સો ટકા ખાત્રી છે.એ કોઇ પ્રેત કે એવી જ કોઇ શકિત છે.”
“મને તો એ ભૈરવનો અવાજ લાગે છે.” સોમુએ કહ્યુ.
સાંજનો સમય થયો હતો.બંને મોટી મુજવણમાં હતા.ગુફામાં અંદર જવાની હિંમત નહોતી.અને બહાર પણ રહેવાની હિંમત નહોતી.બહાર તો હમણાં સાંજ ઢળીને અંધારા ફેલાવશે.બંને ઝડપથી ધબકતા હૃદયે બેઠા હતા.અંદરથી હવે કોઇ પણ જાતનો અવાજ આવતો બંધ થયો.હળવા હળવા પવનનાં ઝોકા સતત ચાલુ હતા.એટલે જ ઠંડી પણ અસહ્ય બનતી હતી.છતા બહાર જ રહેવાના નિર્ણયે બંને બેઠા જ રહ્યાં.અને મૌન પણ રહ્યાં.થોડીવાર પછી આ ભેંકાર શાંતિ સોમુથી સહન ન થઇ એટલે એ બોલ્યોં
“સાહેબ, આજે ભુખ તો બીલકુલ નથી લાગી.તમને લાગી છે?”
“મને પણ કંઇ ખાવાની ઇચ્છા જ નથી થતી.કેવા જોરદાર કંદમુળ હશે એ?”
“હા, ખરેખર.આવા જંગલોમાં જ કુદરતનાં બધા ચમત્કારો છુપાયેલા રહે છે.” સોમુ બોલ્યોં.
અજય કંઇ બોલવા જતો હતો ત્યાં અલગારીનાથ ગુફાનાં દ્વારે દેખાયા.એનાં ખભ્ભે જોળી ટીંગાયેલી હતી.બીજા હાથમાં કપડામાં વીંટળાયેલી કંઇક અજાણ વસ્તુ હતી.એમણે આ બંને તરફ નજર કરી, પછી જંગલ તરફ ચાલતા થયા.જયાં સુધી વૃક્ષો પાછળ દેખાતા બંધ થયા ત્યાં સુધી અજય અને સોમુની નજરોએ એમનો પીછો કર્યોં.સુરજ હવે ધરતીની સપાટીને સ્પર્શ કરવા આતુર હતો.રાતનો અંધકાર એનું રાજ્ય ફરી મેળવવા અધીરો બન્યોં.આ બધુ જોઇ ઠંડી બીલકુલ મૌન થઇ પોતાનું વર્ચસ્વ વધારી રહી હતી.
“સાહેબ, ચાલો અંદર ગુફામાં આપણી જગ્યા પર જઇએ.બહાર કરતા અંદર સારુ.” સોમુએ શાળપણ બતાવ્યું.બંને અંદર ગયા.પણ બંનેના મનનો ભય તો મનની અંદર જ હતો.અંદર હવનનો અગ્નિ જવાળાઓ બહાર ફેંકી રહ્યોં હતો.અજયે ધ્યાનથી જોયું તો આગમાં કંઇક નાના પ્રાણીની ખોપડી બળી રહી હોય એવું લાગ્યું.એ કંપી ગયો.સોમુને ઇશારાથી બતાવ્યું.સોમુએ એક જ વાર એ તરફ જોયું.ભયથી એ પણ અવાક થયો.પછી ડરને ખંખેરવા ચારે તરફ નજર કરી.કુહાડી તરફ નજર કરતા જ એ બોલ્યોં
“સાહેબ, એક બીજી વાત પર તમે ધ્યાન કર્યું?”
“શું?”
“જુઓ પેલી કુહાડી.ગઇકાલે આપણે સ્વબચાવ માટે રીંછ સામે ઉપાડી હતી ત્યાંરે હાથમાં દુખાવો થયો નહોતો.”
“હા.સોમુ, મને લાગે છે કે કોઇ અદ્રશ્ય બની આપણને સતત જોઇ રહ્યું છે.પણ જે હોય તે આપણે આ બધુ જાણીને કોઇ ફાયદો ખરો?”
“આપણે અહિંથી છટકવાનાં પ્રયત્નો કરવા પડશે.જુઓ, અત્યાંરે આ તાંત્રીક કંઇક હવન....કંઇક વિધી કરીને ગયો છે.કદાચ હવે આપણો છેલ્લો સમય નજીક આવી ગયો લાગે છે.આપણી ઉપર કંઇક પ્રયોગ કરી નાંખશે પછી કશું નહિં થાય.” એટલુ બોલી સોમુ ઉભો થયો.
“કયાં જાય છે સોમુ?”
“સાહેબ, હું વધુ એકવાર પેલી બાંધેલી સીમાથી નીકળવાની કોશીષ કરી આવું.”
અજયે ના પાડી પણ સોમુ તો ગયો.અજય એકલો બેઠો.ખીસ્સામાંથી એક સીગારેટ કાઢીને પીધી.હવે એનું ચીત શાંત હતુ.ખબર નહિં કેમ પણ આજે એના ચીતે તમામ પ્રયત્નો પછી હારીને શાંતિ ધારણ કરી.એ ખુલ્લી આંખે શુન્યમનસ્ક થઇ બેઠો હતો.હવનકુંડની જવાળાઓ એકીટસે જોયા કરતો હતો.
સોમુ અંદર આવ્યોં ત્યાંરે પણ અજય મૌન જ રહ્યોં.સોમુ બોલ્યોં “સાહેબ હવે એક પ્રયત્ન બાકી રહ્યોં.સાતમી વાર.” અજય તો જાણે સાંભળ્યું જ ન હોય એમ શાંત રહ્યોં.સોમુએ અજયનાં ચહેરે નજર કરી તો આગનાં પ્રકાશમાં એ મંદ મંદ હસતો હોય એવું લાગ્યું.સોમુએ ગભરાઇને અજયને હાથથી ઢંઢોળ્યોં
“સાહેબ ઓ સાહેબ, શું થયું?”
અજય જાણે જાગ્યોં હોય એમ બોલ્યોં
“કંઇ નહિં સોમુ.પણ આ શાંતિમાં આનંદ આવે છે.”
“સાહેબ, તમે હિંમત ન હારો.આપણે બચવાનું છે.રૂપાભાભીને મળવાનું છે.નરોતમ અને રોહિતને પકડવાનાં છે.આપણે ઘરે પાછા જવાનું છે.” અજયની સ્થીરતા જોઇ સોમુએ બધું યાદ કરાવતા કહ્યું.
“સોમુ, મને અત્યાંરે કોઇની ચીંતા નથી.ખુદ મારી પણ ચીંતા નથી.બસ....મને શાંત રહેવા દે.” એટલુ બોલી અજય આંખ બંધ કરી બેસી ગયો.સોમુએ અજયને જગાડવાનો પ્રયત્ન કર્યોં.પણ અજય તો ધ્યાનસ્થ અવસ્થામાં બેઠો હતો.સોમુને શંકા જતા આજુબાજુ બધે નજર કરી.પેલી બે સીગારેટ યાદ આવી.અજયનાં ખીસ્સામાં જોયું તો એક સીગારેટ ગાયબ હતી.સોમુ જોરથી બબડયોં
“અરે સાહેબ! તમને ના પાડી હતી તો પણ એ સીગારેટ પીધી? તમને સંમોહિત કરવામાં આવ્યાં છે.”
અજયનાં તો જાણે કાન પણ બંધ હોય એમ એ સ્થીર હતો.અલગારીનાથે આપેલી ચમત્કારી સીગારેટથી અજયનું મન તમામ વિચારોથી મુકત બન્યું હતુ.જેને કબીર સાહેબ અમની અવસ્થા કહેતા એવી અલગારી મસ્તી આજે અજયને લાગી.પણ સોમુને આ સમજવું અઘરું હતુ.એને લાગ્યું કે ગુફામાં હવે તે એકલો જ છે.અજયનાં આવા વર્તનથી સોમુ ગભરાઇને એની બાજુમાં જ બેસી રહ્યોં.થોડી થોડી વારે આગમાં નવા લાકડા નાંખતો.પેલી કપડાથી ઢાંકેલી ખોપડી આજે શાંત હતી.છતા સોમુ એનાથી દુર જ ચાલતો.લગભગ કલાક પછી સોમુએ ફરી હિંમત કરી.એક સળગતું લાકડું ઉપાડી એ બહાર ગયો.ધીમે ધીમે આગળ વધ્યોં.જયાંરે એના જમણા પગમાં સખત દુખાવો થયો ત્યારે ઉભો રહ્યોં.થોડું વધારે આગળ ચાલવા પ્રયત્ન કર્યોં પણ કોઇએ પગ કાપી નાંખ્યોં હોય એમ એ ત્યાં જ ફસડાઇ પડયોં.હાથમાંથી પડી ગયેલું સળગતું લાકડું ફરી હાથમાં લઇ એ બબડયોં “વાહ, સાત વાર થઇ ગયું.હવે આઠમી વાર મુકત થઇ જઇશ.”
આમ સોમુ ખુશ થતો ગુફામાં દાખલ થયો.અજય હજુ એ જ શુન્યમનસ્ક અવસ્થાએ બેઠેલો હતો.સોમુએ એને જગાડવા પ્રયત્ન કર્યોં પણ અજય તો સૃષુપ્ત જ રહ્યોં.આખરે સોમુ થાકયોં એટલે હવનકુંડ અને કુહાડી પડી હતી એ દિવાલની વચ્ચે સુઇ ગયો.
અડધી રાતે ગુફામાં કંઇક સળવળાટ થતા સોમુની આંખ ખુલી તો અલગારીનાથ એના સ્થાને બેસી કંઇક મંત્રો બોલતા હતા.સબસલામત દેખાતા પાછી સોમુની આંખો ઉંઘને લીધે બંધ થઇ ગઇ.જાણે ગુફામાં હવે એનો સર્વશકિતમાન માલિક હતો એવાં ખ્યાલે સોમુને ઉંઘ આવી ગઇ.અલગારીનાથ ઉભા થઇ બંનેની નજીક આવ્યાં.બંને સૃષુપ્ત અવસ્થામાં જ હતા.હવનકુંડમાં અચાનક ધુમાડાનો ગોટો ઉડયોં.અજયનું શરીર નીચે ઢળી પડયું.સોમુ પણ જડ થઇ પડયોં હતો.બંનેની આજુબાજુ કંઇક બોલીને અલગારીનાથે ગોળ ગોળ ચકકર માર્યાં.પછી એક કમંડળમાંથી બંને પર પાણી છાંટયું.એક જોરદાર વિજળીનાં કડાકા જેવો અવાજ આવ્યોં.ખોપડી કપડું ખસેડી આપમેળે હવામાં અધ્ધર થઇ.એની અંદરથી એક જોરદાર હુંકાર સંભળાયોં.અલગારીનાથે બંને હાથનો ખોબો ધરી ખોપડીને હાથમાં આવવા આહવાહન આપ્યું.એ શાંત થઇ પછી એને નીચે મુકી.એના માથા પર પોતાની આંગળી પર કુહાડીથી કાપો પાડી લોહીનો ચાંદલો કર્યોં.પછી પોતે પોતાના મુળ સ્થાન પર બેસી ગયા.ઉપર આકાશ તરફ બે હાથ જોડયાં પછી બંને હાથ ઉંચા કરી મોટા અવાજે બોલ્યાં
“કાલ....કપાલ.....મહાકાલ.”
અવાજથી અજયની આંખ ખુલી તો સામે પોતાનું શરીર જ જમીન પર પડેલું દેખાયું.પણ કલાકો થયે એનું મન એટલું બધુ શાંત હતુ કે એ બાબતે કોઇ વિચાર જ ન આવ્યોં.સ્વપ્ન અને જાગૃતિ વચ્ચેની આવી અવસ્થા એણે પહેલીવાર અનુભવી.પણ વિચારશુન્ય હોવાથી એની આંખો ફરી બંધ થઇ ગઇ.અલગારીનાથ પણ ઉંઘી ગયા.
અંધારી રાતનાં ઓછાયા દુર થયા.સુર્યોદયની પહેલા જ અલગારીનાથ બંનેને સુતા મુકી રોજની જેમ પોતાનો સામાન લઇ ચાલ્યાં ગયા.સુરજે જયાંરે ક્ષિતીજની બહાર ડોકીયું કર્યું તો પક્ષીઓ એના આગમનની ચર્ચા કરવા લાગ્યાં.સુરજનો પ્રકાશ ફરી ગુફાને અંધારાથી મુકત કરવા અંદર દાખલ થયો.સમગ્ર વાતાવરણ જાણે અજય અને સોમુને જગાડવા પ્રયત્ન કરતુ હોય એમ એનો સળવળાટ ચાલુ હતો.આખરે અવાજોના શીલશીલાથી એક ઉંઠયોં.સોમુ જાગીને બેઠો.એ અજયને જગાડવા એના તરફ ગયો પણ ગભરાઇને ભાગ્યોં.નીચે પડયો અને એક દિવાલે ટેકો લઇ બેસી ગયો.કારણકે એ જેને જગાડવા ગયો એ તો એનું જ શરીર....એનો જ ચહેરો.....એની જ કદ-કાઠી અને એની ઉપર એના જ કપડા હતા.ગભરાટથી એ ચીસ પાડીને બોલ્યોં “સાહેબ....અજયભાઇ તમે કયાં છો? મને આ શું થયું છે? ઓહ નહિં!! આ હું કયાં છું?” અવાજથી સોમુનું શરીર પણ સળવળીને ઉભુ થયું.અજયે પણ જાગીને આવું જ ભયાનક દ્રશ્ય જોયું.એ પણ ગભરાઇને દુર ભાગ્યોં.બંનેનાં શરીર બદલાઇ ગયા હતા.અજયનાં શરીરમાં સોમુ હતો અને સોમુનાં શરીરમાં અજય હતો.બંને આ અનોખી અવસ્થાથી આઘાત પામ્યાં.અજયનાં શરીરમાં રહેલો સોમુ કયાંરેક રડવા લાગે તો કયાંરેક જોરથી હસવા લાગે.સોમુનાં શરીરમાં રહેલો અજય થોડો શાંત હતો.પણ એની આંખોમાં પણ અશ્રુધારા વહેતી રહી.અને ચહેરો શાંત હતો.એણે પોતાના શરીરમાં રહેલા સોમુ તરફથી નજર ફેરવી લીધી.અને બોલ્યોં
“સોમુ શાંત થઇ જા.હું અજય છું તારા શરીરમાં અને તું સોમુ છે મારા શરીરમાં.મે આ અઘોરીને પુછયું હતુ કે કોઇ બે વ્યકિત કેવી રીતે બદલાઇ જાય? તો મારા પ્રશ્નનો આ અલગારીનાથે આપેલો જવાબ છે.તું શાંત થા નહિંતર આપણે બંને પાગલ થઇ જઇશું.તું મારી સામે નહિં જો.તું કોઇ બીજી જગ્યાએ ધ્યાન કેન્દ્રીત કર.” સોમુએ નજર ફેરવી.એણે હવનકુંડનાં અંગારા તરફ દ્રષ્ટી સ્થીર કરી.પણ એને જાણે કોઇએ બાંધીને રાખ્યોં હોય એમ એ ફફડવા લાગ્યોં.બંધનમાંથી છુંટવું હોય એમ કંપવા લાગ્યોં.અજય થોડું ધીમેથી બબડયોં “ખેલ ખતમ.....ખેલ ખતમ.હવે આપણે પાગલ થઇ જઇ આપણા હાથે જ ખતમ થઇ જઇશું.” અને ખરેખર એવું જ થવા જઇ રહ્યું હોય એમ અજયનાં શરીરમાં રહેલો સોમુ ઉભો થયો.બે વાર જમીન પર પડયોં.અજય પણ સાવધાન થયો.પણ બરાબર એ જ સમયે અલગારીનાથ ઉતાવળે અંદર આવ્યાં.પોતાના કમંડળમાંથી અજયનાં શરીરમાં રહેલા સોમુ ઉપર પાણી છાંટયું.એ બેભાન થઇ પડી ગયો.પાછું કમંડળમાંથી પાણી હાથમાં લીધુ.અજય સમજી ગયો કે હવે એનો વારો આવશે.એણે બે હાથ જોડયાં અને વિનંતી કરી
“બાબા, મહાકાલને ખાતર મને રહેવા દો.મને મારા સવાલનો જવાબ મળી ગયો.હું તમારી પાસે મારું જીવન માંગુ છું.”
અલગારીનાથ મોટેથી હસ્યાં.પાણી પાછું કમંડળમાં નાંખ્યું અને બોલ્યાં “ઠીક છે.તને આ શરીર સ્વીકાર્ય છે એટલે તને બક્ષી દીધો.આ સોમુ તો બહું અવાજ કરતો હતો....એટલે એને શાંત કરી દીધો.”
સોમુનાં શરીરમાં રહેલો અજય પોતાના સામે પડેલા નિસ્તેજ શરીર તરફ જોતો રહ્યોં.અલગારીનાથ સામે જોયું તો એ તો ચલમ પીવાની તૈયારી કરતા હતા જાણે એને મન તો આ માત્ર એક ખેલ હોય.અલગારીનાથે પણ સોમુનાં શરીરમાં રહેલા અજય તરફ એક લુચ્ચી દ્રષ્ટી કરી અને પછી ખડખડાટ હસ્યાં.અને એવા બિન્દાસ થઇ ચલમ પીવા લાગ્યાં કે આ તમામ ખેલની ધુરા માત્ર એ સંભાળીને બેઠા હોય.પોતાની આવી પરવશ સ્થીતી અને અલગારીનાથની આ બેફીકરાઇ જોઇ અજયને ગુસ્સો આવ્યોં.એણે હવનકુંડમાંથી થોડા અંગારા રાખની સાથે હાથમાં લીધા.અને અલગારીનાથ તરફ ફેંકયા.......
ક્રમશ:
ભરત મારૂ