Sandhya Suraj - 6 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સંધ્યા સૂરજ - પ્રકરણ - 6

Featured Books
Categories
Share

સંધ્યા સૂરજ - પ્રકરણ - 6

એકાએક બહાર થયેલાં કોઈ અવાજથી મારી આંખ ખુલી હતી. મને સમયનો કોઈ અંદાજ ન હતો. દિવસ હતી કે રાત એ પણ અંધારાને લીધે નક્કી કરી શકાય તેમ નહોતુ કેમકે ત્યાં કાયમને માટે જાણે એક સરખુ જ અંધારું હતું. હું પોતાની જગ્યા પરથી ઉભી થઈ. મારે ઉભા થવા માટે મહેનત કરવી પડી. બહુ મહેનત. મહામહેનતે ઉભી થઈ એમ કહો તો પણ ચાલે.

મારી જાતને દીવાલ સાથે એક હાથથી પ્રોપીંગ કરીને હું આગળ ખસવા માંડી. મારે ચાલવા માટે દીવાલનો ટેકો લેવો પડતો હતો કેમકે મારા શરીરમાં ખુબ અશક્તિ આવી ગઈ હતી. હું કઈ તરફ જઈ રહી હતી અને શા માટે જઈ રહી હતી એનો મને જ ખયાલ ન હતો. બસ હું એ જગ્યાએથી બહાર નીકળી શકવાનો કોઈ રસ્તો મળી જશે એ વિચારે ભટકી રહી હતી.

દીવાલને ફંફોસતા ફંફોસતા આગળ વધતી વખતે મારા હાથમાં એક દરવાજાનું હેન્ડલ આવ્યું. મેં તે આમતેમ ફેરવી જોયું પણ દરવાજો લોક હતો. મેં મહેનત કરી હતી બાકી હું જાણતી હતી કે એ દરવાજો લોક જ હશે કેમકે એ બધા દરવાજા લોક જ રહેતા હતા. બસ પેલો અજાણ્યો યુવક બહાર કોઈ સિસ્ટમને અનલોક કરતો ત્યારે જ એ દરવાજા ખુલતા હતા. કદાચ તે મુખ્ય દરવાજાને કોડ લગાવતો એટલે એના સાથે કનેકટ થયેલ અન્ય દરવાજા પણ અનલોક થઇ જતા હતા. એ અજાણ્યા યુવકની મરજી વિરુધ્ધ એક પણ દરવાજો જાણે ખુલવા જ નહોતો માંગતો! બધા દરવાજા એની મરજીથી ખુલવા ટેવાયેલા હોય તેમ લાગતું હતું. એ આવે ત્યારે જ દરવાજા ખુલતા હતા. એ અજાણ્યો યુવક જાણે એ જગ્યાનો ભગવાન હતો!

હું જાણતી હતી કે એ દરવાજાઓને ટ્રાય કરવાનો કોઈ જ અર્થ નથી તો પણ જાણે મારું મન એ માનવાનો અસ્વીકાર કરી રહ્યું હોય એમ હું આગળ વધી અને એક બીજા દરવાજા પર ટ્રાય કરી જોયો. એ દરવાજો પણ મારી ધારણા મુજબ બંધ જ હતો. હું પાછી ફરી પહેલા દરવાજે આવી અને ફરી તે ખોલવાનો પ્રયાસ કર્યો. કદાચ હું પાગલ થઇ રહી હતી! હું જાણતી હતી એ ચીજો પણ હું માનવા તૈયાર ન હતી.

હું માનું કે ન માનું હું ફસાઈ ગઈ હતી. હું એ અંધારામાં કેદ હતી. ભલે હું માનું કે ન માનું એનાથી કોઈ ફેર પડે તેમ ન હતો. હું ફસાઈ ગઈ હતી. હું કેદ થઇ ગઈ હતી! મારો દુનિયા સાથેનો નાતો તૂટી ગયો હતો અને કદાચ શ્વાસ સાથેના નાતાને તૂટવાને પણ ખાસ વાર હોય તેમ મને નહોતું લાગી રહ્યું!

આઈ વોઝ રીયલી ટ્રેપડ!!!

કદાચ હું ટ્રેપ હતી, હું કોઈ કેદમાં હતી એ શબ્દો લખી નાખવા કે વાંચી લેવા બહુ આસાન છે પણ એ અનુભવવું માની ન શકાય તેટલું મુશ્કેલ હોય છે. હું પોતે પણ જ્યારે જીનલના કાતીલોની સર્ચમાં હતી ત્યારે મને એટલી ખબર ન હતી કે કાળ કોટડીમાં કેટલી યાતનાઓ હોય છે? કેટલું અજીબ છે કોલેજ અને કાળ કોટડી બંને શબ્દો ‘ક’થી શરુ થાય છે પણ બંને વચ્ચે કેટલો તફાવત છે? હું કોઈ કવિ ક્યાં છું છતાં મારાથી શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો બની રહ્યા હતા. મેં ઘણી નવલકથાઓ વાંચી હતી જેમાં લેખકો આવા ભયાનક દ્રશ્યો વર્ણવે છે. શું એ બધા કલ્પના કરતા હશે કે એમને આવા ભયાનક અનુભવો થયા હશે?

મેં મારી આસપાસ નજર કરી. કોઈ ચીજ મળી જાય તો તેનો લેવર તરીકે ઉપયોગ કરી હું દરવાજો ખોલવાનું વિચારી રહી હતી. હું છેકથી એવી જ હતી. કયારેય હાર ન માનતી પછી ભલે એ જીંદગી હોય કે મેદાન પરની રમત. પણ એ દિવસે જીંદગી મારી સાથે કોઈ અજીબ રમત રમી રહી હતી જેના નિયમો હું જાણતી ન હતી! તેની શરતો હું જાણતી ન હતી! અરે! હું તો એ પણ જાણતી ન હતી કે વિજેતા કઈ રીતે નક્કી થશે?

કદાચ કોઈ આવી રમત પહેલા નહી રમ્યું હોય કે પછી કોલેજમાંથી, કલબમાંથી કે ગ્રાઉન્ડ પરથી, કોઈ રાત્રે કોલ-સેન્ટરમાંથી નોકરી કરીને પાછી ફરતી વખતે ગુમ થયેલ દરેક છોકરી સાથે એ જ ગાંડી અને ગંદી રમત રમાતી હશે તો કઈ નક્કી ન કહી શકાય! કદાચ હું પહેલી ન હતી. કદાચ હું છેલ્લી ન હતી? કદાચ ક્યારેય ખતમ ન થનાર એ સીલસીલો ચાલુ જ રહેવાનો હશે??

હું લેવર શોધવા પ્રયાસ કરવા લાગી પણ એ સ્થળે કઈ જ ન હતું જેનો ઉપયોગ લેવર તરીકે થઈ શકે. જયારે પ્રાયમરીમાં વિજ્ઞાનમાં ઉચ્ચાલનના નિયમો ભણાવવામાં આવે છે ત્યારે બધાને એ નકામા લાગે છે. આર્કીમીડીઝે કહ્યું કે કોઈ મને એક મજબુત દંડ આપે અને પૃથ્વી બહાર ઉભા રહેવાની જગ્યા પૂરી પાડે તો હું એકલો આખી પૃથ્વીને ખસેડી શકું. શિક્ષકના એ શબ્દો પર એ વખતે મને હસવું આવેલ પણ હવે મને સમજાઈ રહ્યું હતું કે ઉચ્ચાલન કેટલું મહત્વનું છે? કાશ! મારી પાસે એવો કોઈ મજબુત દંડ હોત જેનો ઉચ્ચાલન તરીકે ઉપયોગ કરી હું એ દરવાજાને ખોલી શકું!! રૂમમાંની દરેક ચીજ બોલ્ટેડ અને સ્ક્રુડ ડાઉન હતી. જે ચીજો બોલ્ટેડ ન હતી એ ફેબરીકની બનેલી હતી. એનો કોઈ હિસાબે લેવર તરીકે ઉપયોગ થઈ શકે તેમ ન હતો. મેં ફરી હેન્ડલ પર દબાણ આપ્યું પણ એ વ્યર્થ હતું. હું જાણતી હતી મારા પ્રયાસો ડક હતા. આઈ વોઝ વેસ્ટીગ માય એનર્જી વિધાઉટ પ્રપોઝ. કદાચ મને કોઈ લોખંડના ખીલા જેવી ચીજ મળી ગઈ હોત તો હું એ દરવાજાના હેન્ડલમાં ભેરવી તેને ખોલવામાં સફળ થાત તેમ મને લાગી રહ્યું હતું પણ ત્યાં કોઈ એવી ચીજ ન હતી જેનો ઉપયોગ લેવર તરીકે થઇ શકે. કદાચ ત્યાંથી નીકળવું શક્ય જ ન હતું.

પણ હું માનવા તૈયાર ન હતી કે હું વિન્ડોલેસ મેટલ રૂમમાં કેદ છું. મને એમ લાગી રહ્યું હતું કે હું કોઈ જુના વેર-હાઉસની એક લોખંડની કેબીનમાં કેદ છું પણ એ સ્વીકારવું કઈ રીતે એ નહોતી જાણતી. મુંબઈની ભીડભરી કોલેજમાં ભણતી કોઈ છોકરી એકાએક આ સ્ટીલના રૂમમાં આવી જાય તો એ કઈ રીતે માની શકે? મારી હાલત કોઈ ડેસ્ટોપિયન મુવીના પાત્ર જેવી થઇ ગઈ હતી. મને લાગતું હતું જાણે કે હું વેરોનીકા રોથની કોઈ નોવેલનું કેરેક્ટર છું કે પછી જેમ્સ ડેસનરની મેજ રનરના એકાદ ભાગમાં, એની એકાદ મેજમાં કેદ થઇ ગઈ છું. બસ મારી આસપાસ મેજ રનરના પાત્રોની જેમ માઈલો સુધી રેતીના ઢગને બદલે હજારો કન્ટેનર હતા!

ચારે તરફ કન્ટેનર અને માત્ર કન્ટેનર! હા, હું કોઈ ઓલ્ડ વેર-હાઉસ પર હતી જ્યાં અનેક ઉપયોગમાં લઇ ન શકાય તેવા જુના અને તૂટેલા કન્ટેનરો કચરાના ઢગલાની જેમ પડ્યા હતા. પણ કેમ? એ હું જાણવા માંગતી હતી.

મેં દરવાજાના હેન્ડલ પર ફરી દબાણ આપવા પ્રયાસ કર્યો પણ એનાથી કઈ જ ન થયું. બસ એક ચીજમાં ફરક પડ્યો. જોર લગાવવાને લીધે મારા માથામાં સણકા ઉપાડવા લાગ્યા. પેઈન ઇન માય હેડ વોઝ જેબીંગ વિથ નીઓન ઇન્ટેન્સીટી. હું એ સહન કરી શકું તેમ ન હતી. મારામાં એ સણકાનું દર્દ વધુ સહન કરવાની શક્તિ ન હતી. હું ફરી જ્યાંથી ઉભી થઇ આવી હતી તે જ જગ્યા પર જઈ ટૂંટિયું વાળી સુઈ ગઈ.

હું ટૂંટિયું વાળી સુઈ ગઈ પણ એકાએક ઉપડેલા એ સણકા બંધ ન થયા. મારી આખી ખોપડી જાણે ચિરાઈ રહી હોય એમ લાગતું હતું. મેં મારા લમણા પર હાથ દબાવ્યો, લામણાની નશો બહાર આવી ગઈ હતી. ના, લમણાંની નશો બહાર ન હતી.

પણ કેમ? કેમ મેં એટલી તાકાત લગાવી? મારા માથામાં સણકા ઉપડી રહ્યા હતા છતાં મારા લામણાની નશો બહાર નથી?

ઓહ ગોડ...!! મેં મોટી ભૂલ કરી હતી. હું સમજી ગઈ મેં એ નકામા દરવાજા ખોલવામાં મારી રહી સહી તાકાત પણ વાપરી દીધી હતી. મારી લમણાની નશો ગાયબ થઇ ગઈ હતી એનો અર્થ એ હતો કે ધીમે ધીમે મારા શરીરમાંથી પાણી ઓછું થઇ રહ્યું હતું. કદાચ એક દિવસ એવું વધુ ચાલશે તો ડીહાઈડ્રેશન મારો જીવ લઈ લેશે એવું મને લાગ્યું. શરીર વિજ્ઞાનના નિયમો મુજબ તો હું વિચારવા પણ સક્ષમ ન હોઈ શકું છતાં હું વિચારી રહી હતી કેમકે મારું શરીર ક્યારેય બાયોલોજીના બંધનમાં રહ્યું જ ક્યાં હતું?

મેં વિચારવાનો પ્રયાસ કર્યો. મારે શાંત રહેવાની જરૂર હતી. મારે શાંત રહેવુ જ પડે તેમ હતું. જો હું વધારે ઉકળાટ કરું તો એ ભૂલ ભરેલું હતું. વધુ પડતો સ્ટ્રેસ મારી મગજની નાશોને ફાડી નાખે તેમ હતો. હું કદાચ માનસિક સંતુલન ગુમાવી બેસું તેમ હતી. મારે મારી જાત પર કાબુ મેળવવો જ હતો.

મારે કોઈ પણ ભોગે શાંત રહેવું પડે તેમ હતું કેમકે હવે હું મારી જાતને એટલી અશક્ત નહોતી બનાવવા માંગતી કે હું મારી જાતે મારા પગ પર ઉભી પણ ન થઇ શકું.

મેં એક ઊંડો શ્વાસ લીધો. મારે શાંત થઇ જ જવું પડશે. મારે મારી જાતને આંખોમાં ઉભરાતી આંસુઓની ભરતીથી દુર જ રાખવી પડશે. મેં મારી જાતને જ કહ્યું. હું જાણતી હતી આંસુઓ માણસને કમજોર બનાવી દે છે. મેં ઘણી છોકરીઓને ગેમ હારી જાય ત્યારે રડતા જોઈ હતી પણ હું એમાંની એક ન હતી. હું ક્યારેય ગેમ હારીને રોઈ ન હતી. પણ એ વાત અલગ હતી અને આ પરીસ્થિતિ અલગ હતી. અહી આંસુઓની ભરતીને રોકવી શક્ય ન હતી. અહી મનને ડરથી મુક્ત રાખવું લગભગ અશકય જ હતું!

સ્ટે કામ, સ્ટે લોઝીકલ, સ્ટે ઇન કંટ્રોલ, સ્ટે સ્માર્ટ, એન્ડ થીંક. મેં મારી જાતને એક પછી એક સૂચનો આપી તૈયાર કરવા માંડી. આઈ હેવ ટુ થીંક. મેં મારી જાતને ફરી એકવાર યાદ અપાવ્યું.

એ કયો દિવસ હતો?

હું ક્યા હતી?

કોણે મને કિડનેપ કરી હતી?

આ વેર-હાઉસ કોનું હશે?

આ વેર-હાઉસ ક્યાં હશે?

કીડનેપર શું ચાહતો હશે?

મારો રેપ થશે? કે પછી મારી નાખવામાં આવશે?

એવા ઘણા સવાલો મારા મનમાં ઉદભવ્યા. મેં એમના લોજીકલ જવાબો મેળવવાનું નક્કી કર્યું પણ મારું મન કોઈ જ તાગ મેળવી શકે તેમ ન હતું. કેટલો સમય વીતી ગયો હતો એ કહેવું તો જાણે અશક્ય જ હતું.

હું કેટલો સમય ઊંઘી હોઇશ? મને થયું, વધુમાં વધુ બાર કલાક કેમકે જો એનાથી વધુ હું ઉંધી હોત તો મારા શરીરમાં પાણી ન રહ્યું હોત. જો હું તેના કરતા વધુ સમય ઊંઘી રહી હોત તો મને ડીહાઈડ્રેશનથી કોઈ ન બચાવી શક્યું હોત!

પાણી વિશે વિચારતા જ અચાનક મને ખયાલ આવ્યો કે ફરી મારું ગળું સુકાઈ રહ્યું હતું. મને તરસ લાગી હતી. મને બહુ તરસ લાગી હતી. મારું ગળું જાણે સુકાઈ રહ્યું હોય તેમ મને લાગી રહ્યું હતું. હું ખરેખર તરસને લીધે અંદરથી શોષાઈ રહી હતી કે બસ તે બધું મારા મનમાં થઇ રહ્યું હતું તે જ મને સમજાઈ નહોતું રહ્યું. શું હું પાગલ થઇ રહી છું? તેવું મનમાં થયેલું.

કદાચ જો મને અહી આવ્યાને આજે ત્રીજો દિવસ થયો હોય તો આજે બુધવાર હશે. મેં વિચાર્યું. અને જો હું બે દીવસથી અહી છું તો દાદા અને પપ્પા મારી તપાસ કરી રહ્યા હશે. કોલેજના મિત્રો પણ મારી તપાસ કરી રહ્યા હશે. પોલીસ પણ મારી તપાસ કરી રહી હશે. મારા મનમાં એક પળ માટે આશાનું એક કિરણ જાગ્યું પણ બીજી જ પળે એ કિરણ પણ એ અંધારામાં ભળી ગયું. એ અંધકાર એ નાનકડી આશાના કિરણને ગળી ગયો. મને થયું હું કોઈ આવા અજાણ્યા અને વર્ષોથી બંધ હોય એવા સ્થળે મરી જઈશ. કેમકે આવા અજાણ્યા અને વરસોથી બંધ સ્થળે કોઈ તપાસ કરશે કે કેમ? અને હું મુંબઈમાં જ હતી કે કોઈ અન્ય શહેરમાં એ પણ મને જાણ ન હતી. કદાચ હું મુંબઈમાં હતી, કદાચ હું મુંબઈ બહાર હતી, મારું મન વારંવાર અલગ અલગ ધારણાઓ લગાવી રહ્યું હતું પણ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોચી શકાય તેમ ન હતું કારણ મને બહારનું કઈ જ હજુ સુધી જોવા મળ્યું ન હતું અને બહારની કોઈ ચીજ જોયા વિના હું ક્યાં હતી એનો અંદાજ લગાવવું નર્યું મૂર્ખાઈ ભર્યું જ કહેવાય.

મેં આમ તેમ ફરી નજર કરી. કાશ! એ રૂમમાં એકાદ બારી હોત. હવાની અવર જવર માટે ક્યાંક ઉંચે એક નાની ખડકી હોત તો પણ મેં એના આધારે અંદાજ લગાવી લીધો હોત. ભલે મને ગમે તેવા સ્થળે એમણે ગોંધી રાખી હોત આસપાસ કોઈ બિલ્ડીંગ ન હોત તો પણ હું બારી બહાર જોવા મળતા પક્ષીઓ અને અન્ય સજીવો જોઇને પણ અંદાજ લગાવી લેત કે હું ક્યા છું.

***

(ક્રમશ:)