Tara prem ma... in Gujarati Love Stories by Riya Shah books and stories PDF | તારાં પ્રેમ માં...

Featured Books
Categories
Share

તારાં પ્રેમ માં...


    શ્રી વિવેકાનંદ વિદ્યાલય શાળા ના ધોરણ ૧૨ નાં વર્ગ નો આજે પહેલો દિવસ હતો. નવું વર્ષ ચાલુ થવા નો આનંદ દરેક વિદ્યાર્થી ના મુખ ઉપર દેખાઈ રહ્યો હતો. દરેક વિદ્યાર્થી પોત પોતાની મસ્તી માં મશગુલ હતા અને ત્યારે જ ક્લાસ ચાલુ થવાનો બેલ સાંભળીને સૌ વ્યવસ્થિત થઈ ગયા. ત્યારે જ વર્ગ-શિક્ષક શ્રીમાન અતુલભાઈ પટેલ વર્ગ મા એક નવા છોકરા સાથે દાખલ થાય છે. 
છોકરો દેખાવે સુંદર કહી શકાય તેવો સપ્રમાણ કસાયેલ શરીર, ગૌર વર્ણ, ઘેરા કથ્થઈ રંગ ની એની આંખો તથા ભ્રમરો સુધી આવતા તેના વાળ તેને આકર્ષક દેખાવ આપી રહ્યાં હતાં. 
ક્લાસ ની દરેક છોકરીઓ તેના પ્રત્યે આકર્ષાઈને તેને જોયા જ કરતી હતી. પરંતુ આ બધા મા એક એવી છોકરી પણ હતી જેનું પૂર્ણ ધ્યાન પુસ્તક માં જ કે કેન્દ્રિત હતું. તે હતી ક્લાસ ની સૌથી હોશિયાર છોકરી રિયા . 
રિયા ભણવામાં તો અવ્વલ હતી જ અને સાથે સાથે દેખાવે પણ સ્વર્ગ ની કોઈ સુંદરી થી ઓછી ના હતી. દૂધ સામાન ગોરો વાન, માખણ જેવી ત્વચા, કાળા નાગિન સામાન કેશ જે તેની કમર સુધી આવતા હતા, એક્દમ સુંદર ઊંડી આંખો આત્મવિશ્વાસ થી ભરપૂર એક વાર જોતાં જ મોહી પડાય તેવી રિયા . જે હમણાં પોતાનાં પુસ્તક માં ખોવાયેલી હતી તેનું ધ્યાનભંગ અતુલ સર ના અવાજ થી થયું અને રિયા ની નજર પણ તે નવા છોકરા પર પડી. 
"વિદ્યાર્થીઓ, હું આપ સૌ નું ધોરણ ૧૨ નાં આજ ના પ્રથમ દિવસે સ્વાગત કરું છું. આ મારી સાથે જે છે તેનું નામ રોનક છે. તેનાં પિતા ની અમદાબાદ થી વડોદરા બદલી થતાં આ વર્ષે રોનક એ આપણી શાળામાં પ્રવેશ લીધો છે. આપ સૌ તેને ભણવામાં પૂરતી મદદ કરશો." અતુલભાઈ. 
ત્યારબાદ તેઓ રિયા તરફ જોઈને," રોનક, તને ભણવામાં કઈ પણ મદદ જોઈએ તો રિયા કરશે. તેણીની આ વર્ગ ની હોંશિયાર વિદ્યાર્થી માંથી એક છે. "
રોનક રિયા તરફ જોઈને સ્મિત કરે છે અને રિયા પણ તેને સામે સુંદર સ્મિત કરીને પાછી તેની ચોપડી માં ખોવાઈ જાય છે. આ બાજુ રોનક ના મન માં રિયા નું એ સ્મિત જોઈને કાંઈક થાય છે પરંતુ હમણાં તો તે પણ આનાથી અજાણ છે. 
મિત્રો આવી હતી રિયા અને રોનક ની પહેલી મુલાકાત. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થાય છે રિયા અને રોનક ખુબ સારા મિત્રો બની જાય છે. તેઓ ભણવામાં પણ એક બીજાની મદદ કરે છે અને ક્યારેક સ્કૂલ થી છૂટીને પણ તેઓ લાઇબ્રેરિ માં સમય પસાર કરે છે. 
રિયા કે જેને સ્કૂલ માં ઘણા છોકરાઓ પસંદ કરતાં હતાં અને કેટલા એ તો તેને પ્રપોઝ પણ કર્યું હતું પરંતુ રિયા નું ધ્યાન ક્યારેય ભણવમાંથી ભટકયું ન હતું તે રોનક ની ખૂબ જ સારી મિત્ર બની ગઈ હતી. તો આ બાજુ રોનક ને પણ રિયા નો સાથ પસંદ પડવા લાગ્યો હતો. 
આમ કરતાં કરતાં દિવાળી વેકેશન પડયું અને તેઓ ને સ્કૂલ તરફ થી ૧૦ દિવસ ની રજાઓ આપવામાં આવી. રિયા એ આ રજાઓ નો ઉપયોગ પોતાનો લખવાનો શોખ પૂરો કરવામાં વિતાવ્યો. જ્યારે આ બાજુ રોનક નું મન એક અજાણી બેચેની અનુભવી રહ્યું હતું. તેને કશુંક ખૂટતું હોય તેવું લાગી રહ્યું હતું. તે શું હતું તેનો જવાબ હમણાં તેની પાસે પણ ના હતો. 
૧૦ દિવસ પછી જ્યારે સ્કૂલ ચાલુ થઈ તો રિયા ને જોઈને રોનક નો ચેહરો નવાં ખીલેલા ગુલાબ ની માફક ખીલી ઊઠ્યો. તે તરત દોડીને રિયા પાસે જઈને પોતાનો હાથ ધરી ને રિયા ને વીશ કર્યું,
"હેપી ન્યુ યર, રિયા." 
સામે રિયા એ પણ હાથ મિલાવીને, 
"અ વેરી હેપી ન્યુ યર ટુ યૂ ટૂ, રોનક." 
  અને રિયા ને જોઈને જાણે રોનક ને તેના બધાં જવાબ મળી ગયાં. તેને સમજાઈ ગયું કે તે રિયા ને પસંદ કરવા લાગ્યો છે. પરંતુ તે રિયા ને કહી ના શક્યો કારણકે તેણે પોતાની મિત્રતા ગુમાવી દેવાનો ભય હતો. 
   આ બાજુ રિયા પણ રોનક તરફ ખેંચાવ અનુભવી રહી હતી. પરંતુ તે જાણી જોઈને આ વાત ને નજરઅંદાજ કરી રહી હતી.તેને માત્ર ભણી ને પોતાના ઘરમાં આર્થિક રીતે મદદ કરવી હતી.તેને લાગતું હતું કે પ્રેમ માં પડીને તે પોતાના લક્ષ્ય થી ભટકી જશે. તેથી તે રોનક ની દરેક વાત તથા ભાવના સમજતી છતાં નજરઅંદાજ કરી દેતી.
   આવી રીતે દિવસો વીતતા ગયા. અને રિયા તથા રોનક એક બીજાની નજીક આવતા રહ્યા. પરંતુ તે બંને ક્યારેય આ સબંધ ને મિત્રતા થી વધુ નામ આપી ન શક્યા. અને આખરે એ દિવસ પણ આવી ગયો કે જેનાથી તે બંને ની જીંદગી માં બદલાવ શરૂ થયો. 
   તેઓ ની સ્કૂલ માં જાહેર કરવામાં આવ્યું કે ૨ દિવસ પછી ધોરણ ૧૧ નાં વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અંતિમ વિદાય દિવસ ની પાર્ટી નું આયોજન કરવામાં આવેલ છે. અને ત્યારબાદ તેઓ ને બોર્ડ ની પરીક્ષા માટે તૈયારીઓ કરવા માટે શાળા તરફથી રજા આપવામાં આવે છે. હવે તેઓ સીધા સ્કૂલ માં તેઓની હૉલ ટિકિટ લેવા માટે જ આવાનું રેહશે. 
   આ સાંભળીને રિયા અને રોનકએ એક બીજા સામે જોયું ત્યારબાદ રિયા એ પોતાની નજર ફેરવી લીધી. રોનક ક્યાય સુધી તેની સામે જોઈ રહ્યો પરંતુ રિયા એ એક્વાર પણ ફરીને ના જોયું. અને તે જોવે પણ કેવી રીતે, પોતાનાં આંસુ તે છુપાવી રહી હતી. 
આજે સ્કૂલ થી છૂટીને તે રોનક ને મડ્યા વગર જ ઘરે જતી રહી. અને ઘરે જઈને તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને પોતાના રૂમ માં જઈને રડવા લાગી. રડતાં રડતાં ક્યારે સુઈ ગઈ તેની ખબર જ ન પડી. અને તેની નીંદ તેના ફોન ની રીંગ વાગતાં ખુલી અને જોયું તો તે રોનક નો ફોન હતો. 
રિયા એ પોતાને બની શકે તેટલી ઠીક કરીને ફોન ઉપાડ્યો. 
રિયા : હેલો. 
રોનક : હેલો, રિયા તું ઠીક તો છે ને? તારો અવાજ કેમ બદલાયેલો લાગે છે?
રિયા (મનમાં) : આને બધું મને જોયા વગર જ ખબર પડી જાય છે અને હું તેને જ પોતાનાથી દુર કરતી રહી. 
રોનક : રિયા, શું થયું? કાંઈક તો બોલ. તું ઠીક છે ને? 
રિયા : હં... હા.. બસ ઊંઘ માંથી ઉઠી એટલે. તે કેમ અચાનક ફોન કર્યો? કાંઈ કામ હતું? 
રોનક : ના બસ આજે તે ક્લાસ માં પણ વાત ના કરી અને છૂટીને પણ વાત કર્યા વગર જતી રહી. મારે તારી સાથે વાત કરવી છે કાંઈક જણાવું છે તને.
રિયા : મારે પણ વાત કરવી છે. આપડે સ્કૂલ ની ફેરવેલ માં મળીએ. 
રોનક : ઓકે. બાય. 
રિયા : બાય. 
ફોન મુકતા જ રોનક વિચારે છે હવે હું રિયા ને જણાવી દઇશ કે હું તેને ખૂબ પ્રેમ કરું છું.તેને ખૂબ ખુશ રાખીશ. હવે મારાથી મારા પ્રેમ ને મિત્રતા નું નામ આપીને નહીં રહેવાય. અને ખબર નઈ હવે પછી ક્યારે મને મોકો મડશે રિયા સાથે વાત કરવાનો. આ મારી છેલ્લી તક છે. જો રિયા ને હું નહીં પસંદ હોવ તો હું તેની જીંદગી માંથી ચાલ્યો જઈશ. 
અને રિયા વિચારે છે હું રોનક ને મળીને જણાવી દઇશ કે હું તેને ખુબ ખુબ પ્રેમ કરું છું, પેહલા દિવસથી કરું છું, આજે એટલા માટે કહી રહી છું કે કદાચ ફરી મોકો મળે ન મળે. પરંતુ હું આ સબંધ ને મિત્રતા થી વધારે નહીં લઇ જઇ શકું. મારા પર મારા ઘર તથા માતા પિતા અને ભાઇ ની જવાબદારીઓ છે અને જો હું તેમાંથી ચૂકીશ તો મારા પિતા એ સહન નહીં કરી શકે. 
અને ફેરવેલ નો દિવસ આવી જાય છે. રોનક નક્કી કરેલા સમયે સ્કૂલ નાં ગેટ પાસે રિયા ની રાહ જોતો ઊભો છે સાથે તેનો સ્કૂલ નો મિત્ર પવન પણ ઉભો હોય છે જે રિયા ની મિત્ર વૃંદા નો બોયફ્રેન્ડ હોય છે. તથા રિયા અને વૃંદા સાથે આવી રહ્યા હોય છે. 
થોડીવારમાં રિયા અને વૃંદા રિયા ની સ્કૂટી પર આવી પહોંચ્યા. રોનક રિયા ને જોતાં જ જોતો રહી જાય છે. રિયા આજે લોંગ રેડ પ્લાસો પર બ્લેક ક્રોપ ટોપ માં ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે મેકઅપ ના નામે ખાલી લાલ લિપસ્ટિક તથા કાજળ કર્યુ હતું અને ઘરેણાં નાં નામે ખાલી બ્લેક કલર ની બુટ્ટી. તે આટલી સાદગીમાં પણ કોઈ પરી કરતાં ઓછી નહોતી લાગી રહી. રોનક તો તેનાં માંજ ખોવાઈ ગયો હતો અને આ જોઈને રિયા ના ચેહરા પર લાલીમા છવાઈ ગઈ હતી. 
"ચાલો જઈશું?"  પવન એ રોનક ને કોણી મારતાં કહ્યું. 
અને રોનક શરમાઈ ને ખાલી ગરદન હલાવી ને હા પાડી. ત્યારબાદ તેઓ અંદર જાય છે થોડું પ્રિંસિપલ તેઓ ને પરીક્ષા માટે ટિપ્સ અપે છે અને અંતે સૌ ને શુભેચ્છા પાઠવી ને પાર્ટી શરૂ કરવા કહે છે. સૌ અત્યારે ડીજે ના તાલે ડાન્સ કરી રહ્યા હોય છે ત્યાં જ રોનક પણ ડાંસ કરતી રિયા ની નજીક આવી ને તેને કહે છે કે તે તેની સાથે વાત કરવા માંગે છે તો તેઓ બીજે જઈ શકે છે? 
રિયા હા પાડે છે અને તેઓ ડીજે થી થોડે દૂર ઓડિટોરિયમ જવાના દાદર પર જઈને બેસે છે અત્યારે સૌ પાર્ટી મા હોવાના કારણે અહીં કોઈ હોતું નથી. તેઓ ત્યાં જઈને બેસે છે પરંતુ બંને પોતાના મનમાં ચાલી રહેલ ગડમથલ નાં કારણે કઈ બોલી શકતું નથી. આખરે રિયા ચુપ્પી તોડે છે. 
"તું કાંઈ કહી રહ્યો હતો ને? બોલ શું વાત કરવી હતી?" 
રિયા દ્વારા એકાએક પૂછાયેલા પ્રશ્ન થી રોનક પેહલા ગભરાઈ જાય છે પરંતું પછી હિંમત કરીને રિયા નો હાથ પકડીને એક જ શ્વાસમાં પોતાના મનની વાત કહી દે છે અને છેલ્લા એવું પણ કહે છે કે જો રિયા ની ના હશે તો પોતે હવે તેની સામે નહીં આવે.
આટલું સાંભડતાં જ રિયા ની આંખો આંસુઓ થી ભરાઈ જાય છે અને તે કહે છે, 
"હું પણ તને ખૂબ જ ચાહું છું પરંતુ મારા ઘરની પરિસ્થિતિ જોતાં હું તને હા પાડી શકું તેમ નથી તેમજ આપણી જાતિ પણ અલગ છે. મારા ઘરવાળા ક્યારેય આ સબંધ નહીં સ્વીકારે તેથી હું તને હા નહીં કહી શકું." આટલું બોલતાં જ રિયા રોનક ને પકડીને રડવા લાગે છે.
રોનક રિયા નો ચેહરો પોતાના બંને હાથ માં લઈ ઊંચો કરે છે અને તેની આંખો માં જોતાં કહે છે,
"રિયા ભરોસો રાખ મારાં પર. હું મારા પગ પર ઊભો રહીને તારા લાયક બનીને તારા પપ્પા પાસે તારો હાથ માંગવા આવીશ અને હું એમને મનાવી પણ લલઈશ તું બસ મારી સાથે રહે તારાં વગર હું રહી નહીં શકું અને હું વચન આપું છું કે ક્યારેય તારા સપનાં ની આગળ નહીં આવું" અને તે રિયા ને પોતાની છાતી માં સમાવી લે છે. 
" આઇ લવ યૂ, રોનક. "
" આઇ લવ યૂ ટૂ, રિયા. ચલ હવે હસી દે મારી જાન. "
અને રિયા હસીને પાછી રોનક ની છાતી માં સમાઈ જાય છે. અને એટલામાં જ પાછળથી તાળીઓ નો અવાજ સાંભળીને બંને અલગ થઈ જાય છે. પાછળ વૃંદા અને પવન ઊભા હોય છે અને તેમના મુખ પરથી જણાય છે કે તેઓ પણ ખૂબ ખુશ છે આ બંને નાં સબંધ થી. ચારેય ગ્રૂપ-હગ કરે છે અને પાર્ટી મા જોડાય છે. અને અહીંથી રોનક અને રિયા ની પ્રેમ-કથા શરૂ થાય છે. 
બંને એક જ કોલેજ માં પ્રવેશ મેળવે છે અને તેઓની સાથે તેમના મિત્ર વૃંદા અને પવન પણ હોય છે. વેકેશન દરમિયાન રિયા અને રોનક એક બીજાને બહુ મળ્યા ન હતા તેથી કોલેજ ચાલુ થવાના કારણે તેઓ રોજ મળી શકવાના હતા. તેઓ ખૂબ ખુશ હતા. આમ જ કોલેજ નાં દિવસો પસાર થવા લાગ્યા અને સાથે સાથે રોનક અને રિયા નો પ્રેમ પણ ગાઢ થવા લાગ્યો હતો. આમ ને આમ જ કોલેજ ના ૨ વર્ષ ક્યાં વીતી ગયા ખબર ના પડી. 
     એક દિવસ જ્યારે રિયા અને રોનક કોલેજ માં કોઈ કારણોસર વહેલા છૂટયા હતાં તો નજીક નાં બાગ માં બેઠા હતા. રોનક રિયા નાં ખોળામાં માથું મૂકીને સૂતો હતો અને રિયા પ્રેમ થી તેનાં વાળમાં હાથ ફેરવી રહી હતી. રિયા ને ચૂપ જોઈને રોનક પૂછે છે કે શું તે કઈ કહેવા માંગે છે? 
     થોડી વાર રહીને રિયા કહે છે કે તે એના પપ્પા ખૂબ જૂના વિચારો ધરાવે છે તેઓ આપણા લગ્ન માટે ક્યારેય તૈયાર નહીં થાય. અને તેઓ એ રિયાને કહી દીધું છે કે તેનું બીકૉમ પૂરું થતાં તેના માટે છોકરા જોવાનું ચાલું કરી દેશે અને રિયા ની નોકરી ચાલુ થતાં જ તેને પરણાવી દેશે. આટલું બોલતા તે રડવા લાગે છે. 
રોનક તેને શાંત કરે છે અને કહે છે કે તે રિયાનાં પપ્પા ને મળીને વાત કરશે. આટલું સંભાડતાં રિયા ને થોડી રાહત થાય છે. અને રોનક તેનાં માથે એક ચુંબન આપીને દર્શાવે છે કે બધું ઠીક થઈ જશે. રિયા ને રોનકની વાત સાંભળીને રાહત થાય છે પણ તેના મનમાં એક ખૂણે ડર પણ હોય છે. તે અચાનક કાંઈક વિચારીને તે રોનક ને પૂછે છે કે જો તેનાં પપ્પા નહીં જ માને તો તેઓ શું કરશે? 
રોનક ફરી રિયા નો ચેહરો પકડીને અને પૂછે છે કે તે શું ઇચ્છે છે... અને રિયા આંખ માં આંસુ સાથે જવાબ આપે છે,
"હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારાં વગર મારું જીવન કલ્પી નહીં શકુ પરંતુ હું મારાં માતા પિતા નો સાથ પણ નહીં છોડી શકું. હું તેમની વિરુદ્ધ જઈને લગ્ન નહીં કરી શકું." 
આટલું બોલતાં જ રોનક રિયા ને ભેટી લે છે અને કહે છે કે જેવું તે ઈચ્છે છે તેઓ તેવું જ કરશે. રોનક તેનાં પપ્પા સાથે વાત કરીને તેનો હાથ માંગી લેશે. અને તેઓ આવી જ રીતે જોડે જ રેહશે. 
આમ થતાં થતાં સમય પસાર થવા લાગ્યો અને રિયા અને રોનક પણ ખૂબ નજીક આવી ગયા. અચાનક એક દિવસ રિયા રડતી રડતી આવીને રોનક ને કહે છે કે તેના મમ્મી પપ્પા એ તેનાં માટે છોકરાઓ જોવાનાં ચાલુ કરી દીધાં છે અને આ રવિવારે એટલે કે ૨ દિવસ રહીને એક છોકરો અને તેનાં માતા પિતા મારાં ત્યાં આવી રહ્યાં છે. આટલું બોલતાં જ રિયા રડી પડે છે અને રોનક તેને શાંત કરાવે 6.
તેમની સાથે પવન અને વૃંદા પણ હોય છે. વૃંદા રિયા ને જણાવે છે કે હજી તો ખાલી જોવા જ આવે છે ને ક્યાં લગન કરવાનાં છે. તું ખાલી જોઈ લે ત્યાં સુધી માં આપણે કોઈક રસ્તો કાઢી લઈશું. રોનક પણ સંમત થાય છે અને કહે છે કે તે જલ્દી તેનાં પપ્પા ને મળશે. 
રવિવાર આવે છે અને રિયા નાં ત્યાં રાહુલ અને તેનાં માતા પિતા બેઠાં હોય છે. રિયા કિચન માં મમ્મી સાથે ચા નાસ્તા ની તૈયારીઓ કરી રહી હોય છે અને તે ચા લઈને બહાર આવે છે. તેને જોતાં જ રાહુલ તો જોતો જ રહી જાય છે. તેની આંખો પલકારો મારવાનું પણ ભૂલી જાય છે. તેનાં પપ્પા જણાવે છે કે રાહુલ એ ડોક્ટરનો અભ્યાસ કર્યો છે અને હાલ માં તેનું પોતાનું દવાખાનું ચાલે છે. 
રિયા અહીં મોરપીંછ કલર અને ભૂરા રંગ નાં મિશ્રણ વાળા કુર્તા માં ખૂબ જ સુંદર લાગી રહી છે પરંતુ તેનું મન ખિન્ન થઈ ગયું છે. તેના મન માં રોનક નાં જ વિચારો ચાલી રહ્યાં છે. થોડી વાર પછી છોકરા છોકરી ને એકલું વાત કરવા મોકલે છે ત્યાં પણ રાહુલ પોતાનાં વિશે બોલ બોલ કરે છે પણ રિયા બસ મન વગર તેની વાત માં હા.. ના.. તથા તેના પૂછાયેલા પ્રશ્નો ના ટૂંક માં જવાબો આપીને વાત પતાવી દે છે. અને જેમ તેમ આ જોવાનો કાર્યક્રમ પૂરો થાય છે. 
રાહુલ નાં માં બાપ એમ કહીને જાય છે કે તેઓ ઘરે જઈને રાહુલ સાથે વાત કરીને જણાવશે. આ બાજુ રિયા ને તેના પપ્પા કહે છે કે તેમને રાહુલ બહું ગમી ગયો છે અને જો તે હા પાડશે તો રિયા નાં લગ્ન રાહુલ જોડે જ થશે. રિયા પોતાના રૂમમાં જઈને રડતી રડતી રોનક ને આખી વાત જણાવે છે. રોનક તેને શાંત રહેવાનું કહીને જણાવે છે કે તે તેનાં પપ્પા સાથે વાત કરશે. 
થોડા દિવસ બાદ રોનક રિયા નાં ઘરે આવે છે. ઘરનો બેલ વગાડતાં રિયા નાં મમ્મી દરવાજો ખોલે છે અને રોનક ને અંદર આવવાનું કહે છે અને સોફા પર બેસાડે છે. રિયા એ અગાઉ તેના માતા પિતા ને કહી રાખ્યું હોય છે કે તેનો મિત્ર તેમને મળવા માંગે છે. તેથી રિયા ના મમ્મી પાણી આપે છે ત્યાં સુધીમાં રિયા અને તેનાં પપ્પા પણ આવી જાય છે. 
રોનક ઊભો થઈને તેનાં પપ્પા ને પગે લાગીને હાલ પૂછે છે. અને વાત કરતાં કરતાં જણાવે છે કે તે અને રિયા એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. તેનાં માટે રિયા નો હાથ માંગવા આવ્યો છે. આટલું સાંભડતાં જ રિયા ના પપ્પા ગુસ્સે થઈને ઊભા થાય છે અને રિયા ને જોરથી તમાચો મારી દે છે. 
"આ બધું કરવા તને સ્કૂલ - કોલેજ મોકલી હતી?" 
રિયા રડવા લાગે છે અને રોનક ને પણ ખરાબ લાગે છે. રિયા નાં પપ્પા રોનક ને નાં પાડી દે છે અને કહે છે કે તે આ માટે રાજી નહીં થાય. છતા પણ તેઓ ને કરવા હશે લગન તો રિયા ને લઈને જઈ શકે છે. તે રોકે નહીં અને આજ બાદ તેનો ચેહરો નહીં જોવે. 
રોનક રિયા અને તેના પપ્પા સામે જોઈને, 
"હું રિયા ને ખૂબ ચાહું છું, અને છેક સુધી ચાહતો રહીશ. પરંતુ જે પ્રેમ માં રિયાને તેનાં માતા પિતા થી દૂર થવું પડે તે હું નહીં જોઈ શકું. હું તમારી અને રિયા ની જીંદગી માંથી જઈ રહ્યો છું." આટલું બોલીને રોનક ત્યાંથી જતો રહે છે. અને રિયા રડતી રડતી પોતાના રૂમ માં. 
આ બાજુ રોનક નાં ઘરે પણ ખબર પડતાં તેના મમ્મી પણ ગુસ્સે થાય છે અને રોનક ને કડક શબ્દો માં કહી દે છે કે આે પછી એ છોકરીનું મારા ઘર મા નામ ના જોઈએ અને તે પણ ગુસ્સા માં રોનક નાં લગ્ન કરાવી લેવાં ઉતાવડા બને છે. તો રિયા નાં ઘરે પણ રાહુલ નાં તરફથી હકારાત્મક જવાબ આવતા તેઓના લગ્ન પણ નક્કી કરાવી દેવામાં આવે છે. આમ બંને અલગ થઈ જાય છે. પણ તેમનાં અંદર હજી એક બીજા માટે પ્રેમ એવો ને એવો જ છે. 
ધીરે ધીરે સમય વિતતો જાય છે અને અહીં આ બંને ની જીંદગી પણ. રિયા અને રાહુલ નાં લગ્ન જીવન માં તકલીફો ચાલુ થઈ જાય છે. જે રાહુલ રિયા ની લગ્ન પેહલા આજુ બાજુ ફરતો હતો તે જ હવે મોડાં મોડાં ઘરે આવતો રિયા નાં કઈ પૂછવા પર એને ધમકાવી દેતો. એનું મન થાય ત્યારે રિયા પર જબરદસ્તી કરી દેતો અને ક્યારેક તેનો વિરોધ કરવા પર રિયા ને માર પણ પડી જતો. રિયાને તેના ઘરવાળા ને મળવાની પણ મનાઈ કરવામાં આવી. તે માત્ર ફોન પર જ વાત કરી શકતી હતી અને તેમાં પણ જો તે આમની ફરિયાદ કરશે તો તેનાં માતા પિતા ને ખોટા ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા. એક માત્ર વૃંદા સાથે રિયા દરેે વાત કરતી એ પણ પોતાનાં સાસરીયાઓ થી છુપાવીને. અને ક્યારેક વૃંદા ને રોનક ના સમાચાર પણ પૂછી લેતી. 
આ બાજુ રોનક નું લગ્નજીવન પણ ખરાબ હાલત માં હતું. તેની પત્નીને માત્ર રોનક ના પૈસા માં જ રસ હતો. આખો દિવસ શોપિંગ, પાર્ટી, હરવા, ફરવાનું વગેરે જ. ઘરમાં કામ માટે નોકર રાખ્યા હતાં તે ઘરનું પોતાનું કે રોનક નું કઈ જ કામ ન કરતી. દિવસે દિવસે તેનાં અને રોનક નાં ઝગડા વધતા ગયા. અને તેઓનો સંબંધ પણ તલાક ના દ્વારે આવી ગયો. રોનકને પણ રિયા ની ખૂબ યાદ આવી જતી. તેના કહેવા પર જ વૃંદા રિયા જોડે રોજ વાત કરતી અને રોનકને રિયા નાં સમાચાર આપતી. રોનક રિયા ની તકલીફો થી જાણકાર હતો પરંતુ રિયા એ તેને ના પાડી દીધી હોવાથી તે રિયાની કોઈ પણ મદદ કરવામાં અસમર્થ હતો. 
દિવસો વિતતા ગયા અને રિયા ને ખબર પડી કે તે મા બનવાની છે. આ વાતથી તેને આશા બંધાઈ કે તેનું લગ્નજીવન સુધરી જશે. પરંતુ તેની આ આશા ખોટી નીવડી. રાહુલ નાં માતા પિતા હવે રિયા ને દબાણ કરવા લાગ્યા કે તેઓ ને આવનારું સંતાન છોકરો જ જોઈએ છે. અને હવે આ માટે તેઓ જાત જાત ની બાધાઓ, દોરા - ધાગા, મંત્ર, તંત્ર ઉપરાંત દવાઓ પણ કરવાનું શરૂ કરી દીધું. રાહુલ એક ડોક્ટર હોવાં છતાં તે પણ તેનાં માતા પિતા નો જ સાથ આપતો અને જાત જાત ની દવાઓ રિયા ને આપવા લાગ્યો. 
હવે રિયા પર આ બધાંની માઠી અસર થવા લાગી અને તેની તબિયત બગડવા લાગી. જોતજોતામાં ૫ મહીના થઈ ગયા. તેઓ રિયા ને તેનાં મમ્મી પપ્પા ના ઘરે પણ ન જવા દેતાં એવું કહીને કે તેમનાં ઘર નો રિવાજ છે કે પહેલી પ્રસુતિ સાસરી મા જ થાય. રિયા નાં માતા પિતા પણ ફોન પર તબિયત પૂછીને ચલાવી લેતાં. એક દિવસ રાહુલે ઘરે આવીને જણાવ્યું કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલો. 
અને તેઓ રિયા ને ચેક અપ કરાવાનાં બહાને એક દવાખાને લઈ ગયાં જ્યાં તેનાં સોનોગ્રાફી દ્વારા સંતાન છોકરો છે કે છોકરી તે જણાવામાં આવશે. અને તપાસ કરતાં ખબર પડી કે તે છોકરી છે. જાણતા જ સાસુ સસરા નું મોઢું ઉતરી ગયું. ઘરે આવીને જ તેનાં સાસુ રિયા ને જેમ તેમ બોલવા લાગ્યા. રાહુલ પણ રિયાને જ કોસવા લાગ્યો. 
ધીરે ધીરે રિયાની તબિયત ખરાબ થતી ગઈ અને એક દિવસ કામ કરતાં કરતાં તે પડી ગઈ. તેનાં સાસુ આવ્યા અને સસરા ને પણ બોલાવ્યાં. તેઓ એ તેનાં મોં પર પાણી છાંટયું તોય તે નાં ઉઠતાં તેઓએ રાહુલ ને બોલાવ્યો અને તાત્કાલિક દવાખાને લઈ ગયાં. તેની સારવાર લાંબા સમય સુધી ચાલી અને અંતે બહાર આવીને ડોક્ટર એ કહ્યું કે રિયા ની હાલત ખુબ નાજુક છે પણ તેઓ બાળકને ન બચાવી શક્યા. આ સાંભળીને પણ રિયા નાં સાસુ ના મોઢાં પર કોઈ અસર ન જણાઈ. 
આ જાણીને રિયાને ખૂબ આઘાત લાગ્યો તે અંદર થી ભાંગી પડી. ઘરે આવીને તેણે વૃંદા ને બધું જણાવ્યું અને તેને વૃંદા પાસેથી જાણવા મળ્યું કે રોનક નું પણ તલાક થઈ ગયું છે. રિયા બધું જાણીને તૂટી પડે છે અને આક્રંદ કરવાં લાગે છે. તેનાં રડવાનો અવાજ સાંભળીને પણ સાસુ સસરા કે રાહુલ ને કોઈ અસર નથી થતી. રાહુલ તો કંટાળીને ઘરની બહાર જતો રહે છે અને આખી રાત બહાર જ રહે છે. 
રાત્રે પણ રિયા જમવા નથી આવતી અને સવારે પણ તે રૂમની બહાર ન આવતા તેનાં સાસુ બોલાવા જાય છે. રૂમ ખુલ્લો જ હતો અને અંદર રિયા પલંગ પર સુતી હતી. તેની સાસુ એ તેને ૧ ૨ વખત બૂમ પાડી પણ તે નાં ઊઠી તો તેઓએ તેને હલાવી તો તેઓ એ ડરીને રાહુલને ફોન કર્યો. રાહુલ એ આવીને તપાસયું તો જણાયું કે રિયા હવે આ દુનિયામાં નથી રહી. 
તેઓ તુરંત રિયા ના ઘરે ફોન કરીને જણાવે છે કે રિયા નો પગ લપસી જતાં તે અને તેનું બાળક મૃત્યુ પામ્યાં છે. રિયાનાં માતા પિતા પર તો જાણે આભ તૂટી પડયું. તેઓ તુરંત રિયાની સાસરીમાં આવી પહોંચે છે. તેઓ આ વાત વૃંદા ને પણ જણાવનું કહે છે અને તેને પણ આવાનું કહે છે. વૃંદા રોનકને પણ જણાવે છે અને રોનક આ સાંભળીને ભાંગી પડે છે. તે ઘરની બહાર નીકળીને તે જગ્યાએ જાય છે જ્યાં તે અને રિયા મળતાં હતાં. ત્યાં જઈને તે ખૂબ રડે છે. 
રોનક પોતાના પપ્પા ને ફોન કરીને કાંઈક જણાવે છે અને ત્યાંથી તે પોતાનાં નિર્ણય ને આગળ લઈ જવાનાં કામ માં લાગી જાય છે. 
3 વર્ષ બાદ.... 
પવન અને વૃંદા એક અનાથઆશ્રમ માં પ્રવેશે છે. તેમની સાથે તેમનો નાનો છોકરો પણ છે. તે આશ્રમ માં આવીને તેનાં છોકરાઓ સાથે રમવા માટે દોડી જાય છે જાણે તે આ બાળકો સાથે ખૂબ સારી ઓળખાણ ધરાવતો હોય. અને વૃંદા અને પવન ઓફિસ માં જાય છે. 
ઓફિસ માં રોનક બેસીને હિસાબ જોતો હોય છે. તે પવન અને વૃંદા ને જોઈને ભેટી પડે છે. પવન તેને ડોનેશન નો ચેક આપે છે અને તેઓ બહાર વાત કરતાં કરતાં આવે છે. વૃંદા અને પવન તેમનાં નાનાં રુદ્ર ને આશ્રમ નાં છોકરાં જોડે રમતો જોઈને હરખાય છે. અને છોકરાઓ ને જોઈને રોનક પણ ખુશ થાય છે. આમ થોડી અલક-મલક ની વાતો કરીને સાથે જમીને તેઓ છુટા પડે છે. 
આમ રોનક આશ્રમ માં સમય પસાર કરીને સાંજ પડતાં બાઇક લઇને નિકડે છે. જઈને તે એ જગ્યાએ આવે છે જ્યાં તે અને રિયા મળતાં હતાં. ત્યાં જઈને એક બાકડો શોધીને તેનાં પર બેસીને આંખો બંધ કરીને રિયા ને યાદ કરે છે. અને આંખો ખોલતાં જ રિયા તેની બાજુમાં બેસી હોય છે. તે રોનકનો હાથ પકડીને તેનાં ખભા પર માથું મુકીને બેસી હોય છે. રોનક પોતાનો બીજો હાથ તેનાં વાળમાં ફેરવતા કહે છે, 
"જો તારું સપનું પૂરું થયું. હવેથી આ દરેક બાળકો મારી જવાબદારી છે હું તેમનું ધ્યાન રાખીશ. તું ખુશ તો છે ને?"  
રિયા કઈ જ બોલતી નથી બસ રોનક સામે જોઈને પોતાનું સ્મિત આપીને પાછું પોતાનું માથું ઢાડી દે છે. અને તેઓ આમ જ સૂર્ય ને અસ્ત થતાં જોઈ રહે છે.
...................સમાપ્ત ............... 
મિત્રો જરૂરી નથી દરેક પ્રેમ ને પોતાની મંજિલ મળે. 
જરૂરી નથી કે પ્રેમ માત્ર સાથે રહીને જ નિભાવી શકાય. 
પ્રેમ માત્ર એહસાસ છે. તેને માત્ર મન થી નિભાવતાં અવડવું જોઈએ.