Mara snehnu sarnamu in Gujarati Letter by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | મારા સ્નેહનું સરનામું

Featured Books
Categories
Share

મારા સ્નેહનું સરનામું

આજે મારા દિલની વાત કહી દઉં
થોડી મન માં છુપાયેલી વાત કહી દઉં
સમજી શકીશ તું કદાચ મારા શબ્દો ને
શબ્દો પાછળ સંતાયેલી વ્યથા કહી દઉં

બાળકો પોતાના મન ની વાત હંમેશા મા-બાપ ને કહેતા હોય છે, પણ માં પોતાના મન ની વાત એટલી આસનીથી નથી કહી શકતી કોઈને.. દુઃખી હોય તો ભગવાનની પાસે રોઈ લ્યે છે , હું તો ઝગડી પણ લઉં છુ બાપા પાસે , ખુશ થાઉં છું તો પણ ભગવાન પાસે રોઈ ને ભગવાન નો પાડ માની લઉં છું.

એક છોકરી ની દુનિયા મા બનતા પહેલા કેટલી મોટી હોય છે એ મારા સિવાય કોણ સમજશે....પિયરથી લઈ મોસાળ અને લગ્ન પછી સાસરી અને સાસરિયા ના સગા ...કેટલી લાંબી અને મોટી દુનિયા.....
પણ માં બન્યા પછી એ જ દુનિયા સાવ સંકોચાઈ જાય છે અને એ આખી દુનિયા એક નાનકડા ઘોડિયામાં સમાઈ જાય છે, પોતાના બાળક માં સમાઈ જાય છે... જેને વ્હાલ કરતા કરતા મારા પોતાનું અસ્તિત્વ હું ભૂલી જાઉં છું એ મારા સ્નેહ નું સરનામું એટલે મારો દીકરો તેજસ,, મારી દુનિયાનો એક હિસ્સો , અને મારી દુનિયા નો બીજો હિસ્સો એટલે મારી દીકરી યોગી તમે બે જ તો છો મારી દુનિયા ...

પણ આજે વાત કરવી છે મારે મારા સ્નેહ ના સરનામાં ની , મારી પહેલી સંતાન મારો દીકરો તેજસ જેણે મને મા બનવાનું સૌભાગ્ય આપ્યું , જેના મુખે મેં પહેલી વાર "મમ્મી"  શબ્દ સાંભળ્યો.....

એક સ્ત્રી દીકરી , બહેન , વહુ, પત્ની , ભાભી , કાકી કાંઈ કેટલાય રૂપ માં ઢળતી હોય છે પણ એક સ્ત્રી નું સૌથી મોટું સુખ , સૌથી વધુ સન્માન તો એ મા બને છે એ જ હોય છે.  અને મને એ સન્માન, એ સુખ તે આપ્યું છે બેટા...

દરેક દીકરો રામ કે કૃષ્ણ ભલે ન હોય પણ દરેક માં કૌશલ્યા કે દેવકી જરૂર હોય છે...રામાયણમાં રામ ને વનવાસ મળ્યો હતો , અને મહાભારતમાં કૃષ્ણ દેવકી થી દૂર થયા હતા ...પણ હકીકત ના જીવનમાં તો વનવાસ મા ની મમતા ને જ મળતો હોય છે એ પણ પોતાના જ ઘર માં રહી ને .....

નાનું બાળક દોડી ને મા ના ખોળામાં આવે ત્યારે મા બધો થાક ભૂલી ને એને વ્હાલ કરે છે , બાળક રોવે છે તો માં રોવે છે , બાળક હસે છે તો માં હસે છે નાનપણમાં દરેક વાત માં બાળક ને માં જ પહેલા યાદ આવે છે , પણ મોટો થતા જ બાળક ની દુનિયા બદલાઈ જાય છે , એક એવી દુનિયા બને છે જેમાં દોસ્તો , હસી મજાક , શોખ , હરવું ફરવું , નવા લોકો , નવું કામ એ બધું જ છે બસ મા  નથી , 
મા સાથે વાતો ઓછી થતી જાય છે પહેલા સ્કૂલે થી આવી ને સ્કૂલ ની બધી જ વાતો, ત્યાંની મજાક-મસ્તી , ત્યાંના લડાઈ-ઝગડા બધું જ મમ્મી સાથે શેર કરતો દીકરો મોટો થતા વાતો ઓછી શેર કરે છે , મા સાથે હસી મજાક ઓછા કરે છે , ખબર નહિ કેમ એકદમ પીઢ થઈ જાય છે ....

પણ મા ને તો જુઓ...એ છતાં પણ દીકરા ની દુનિયાનો હિસ્સો બનવા તત્પર હોય છે , બસ હું પણ આ જ રીતે તારી દુનિયાનો હિસ્સો બની રહેવા માંગુ છું , તું જે કરે છે એ શીખું  છું , પછી ભલે એ મોબાઈલ હોય કે લેપટોપ, કારણ અમારા જમાનામાં આ મોબાઈલ કે લેપટોપ એવું કાઈ જ ન હતું, પણ ક્યારે ય મારા સંતાન મને એમ ન કહી દયે કે મમ્મી આ તને નહીં સમજાય,તને આમા ન ખબર પડે, એ માટે તમારા બદલાતા જમાના મુજબ હું પણ બદલાતી રહી, મોબાઇલ માં આવતી દરેક સોશ્યિલ સાઇટ્સ શીખી, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, કાઈ કેટલું ય શીખી... કારણ મારી દુનિયામાં તારા અને યોગી સિવાય કોઈ જ નથી ....

ફેલાયેલા સંબંધો, તારી વધતી જતી જવાબદારીઓ , અને તારા કામ ને હવે હું કદાચ સંભળી શકું એમ નથી એટલે જ તો તારા ફેલાયેલા કપડાં અને કામ ના કાગળો ને સંભાળીને મૂકતાં એમ સમજુ છું કે તને કાંઈક તો કામ આવી શકું...

મા  જ્યારે પોતાના દીકરા ની નાના માં નાની જરૂરિયાત નો ખ્યાલ રાખે છે ત્યારે તેમા એની વણકહેલી મમતા છુપાયેલી હોય છે છે, પણ આ મમતા ને એ જ સમજી શકશે જે ખુદ એક મા હોય ,
નહીં તો કહેવા વાળા તો એમ પણ કહેશે કે છોકરો હજી " માં ના પાલવ સાથે બંધાયેલો છે , માવડીયો છે ," ....
અથવા અત્યાર ની જનરેશનના લહેકા માં કહું તો mamma's boy..

પણ જો દીકરો મા નો સહારો લેતો હોય કે પોતાની મા ની care કરતો હોય તો એમાં ખોટું શુ છે ?  આખરે તો બેય એક બીજાના સહારા જ તો હોય છે 
મારા બેય બાળકો મારા સહારા છે બંને મારા ગમા- અણગમાને સમજે છે મારી તકલીફ સમજે છે ,
મારો ગુસ્સો , મારો પ્રેમ બધું જ સમજે છે ....

હું ખુશ છું કે હું એક મા  છું , હું ખુશ છું કે હું તારી માં છું, તારું શિસ્ત એ મારી શોભા વધારશે, 
તારો વિવેક એ મારા સંસ્કાર બતાવશે
તારું વર્તન મેં જાળવેલી ધાર્મિકતા દેખાડશે
તારી સફળતામાં મારી જ પ્રશંસા છુપાયેલી છે...

બધું જ અહીં વ્યક્ત નથી કરી શકતી દીકરા , કેટલુંક તારે જાતે જ સમજવાનું છે. તારી પાસે મારો ઇતિહાસ પણ છે અને મારો વર્તમાન પણ . 

તું નાનો હતો ત્યારે મારી ઝડપ એટલે તારે નિરાંત હતી , પણ હવે તારી ઝડપ એટલે મને નિરાંત મળશે બેટા...

તું મુક્ત અને સ્વતંત્ર છે તારી પસંદગી માટે, 
જેમાં તારું , મારું , આપણાં સૌનું ગૌરવ જળવાઈ રહે એવા મુકામે તું રોકાઈ શકે છે. ત્યાં તને તારા જીવન સાથી નો સાથ મળશે અને આ દુનિયા ને તું ચાર આંખે થી જોઈ શકીશ ....

માં બાપ કુટુંબનું કેન્દ્રબિંદુ છે .એ જેવા છે એવા તારા છે , તારામાં એમનો અંશ છે મા-બાપ પ્રત્યેની તારી ફરજમાં ક્યારેય ઉણો નહિ ઉતરે તું એ મને વિશ્વાસ છે. તારી તટસ્થતા જ આપણા કુટુંબને ટકાવી રાખશે ....

મારો આ રામ એની માં ની મમતાને ક્યારેય વનવાસ નહિ જવા દયે એ ખાતરી છે મને ...મને ગર્વ છે કે હું તારી માં છું....

Proud of you બેટા....
Love you so much...