ક્ષણ ભર સ્તબ્ધ થઈ ગઈ દ્રૌપદી..!
સમગ્ર આર્યાવર્ત ની આબરૂ નું પ્રતીક, હસ્તિનાપુર ની કુળવધુ, પાંચ પાંચ મહારથીઓ ની રાજ રાણી, ભર સભા માં, પતિઓ અને વડીલો ની સામે, એક વસ્ત્રા ઉભી હતી અને દુઃશાસન એનું એક માત્ર વસ્ત્ર ખેંચવા આગળ આવી રહ્યો હતો. અને સમગ્ર સભા એક ક્ષણ માં જાણે પ્રાણ વિહીન અને મૂક બની ગઈ હતી. વિદુર સિવાય વિરોધ નો સ્વર પણ નહોતો ઉઠતો. સમગ્ર સભા માં ફક્ત બે જ અવાજો આવી રહ્યા હતા. દુર્યોધન, દુઃશાસન, મામા શકુનિ નાં નિર્લજ્જ અટ્ટહાસ્ય નાં અને દ્રૌપદી ની ચીસો નાં....!
આજે ફક્ત દ્રૌપદી નાં જ નહીં, એક સાથે કેટલા લોકો નાં ચીર ખેંચાવાના હતા. યુધિષ્ઠિર નાં ધર્મ નાં, અર્જુન ની ધનુર્વિદ્યા નાં, ભીમ નાં અતુલ્ય બળનાં, પિતામહ ની ભીષ્મ પ્રતિજ્ઞા નાં, આચાર્ય દ્રોણ ની વિદ્યાનાં એક સાથે લીરા થવાનાં હતા. અને છતાં સભા ને જાણે સાપ સૂંઘી ગયો હોય એવી વાતાવરણ માં નીરવતા હતી.
હજી થોડા સમય પહેલા સુધી જ દ્રૌપદી પોતાની જાતને કેટલી ભાગ્યશાળી માનતી હતી! જેની શોભા આગળ ઇન્દ્રલોક પણ ફિક્કો લાગે એવા ઇન્દ્રપ્રસ્થ ની મહારાણી હતી. સમગ્ર આર્યાવર્ત જેની આગળ ઝૂકી જતું હતું એવા કુળ ની કુળવધુ હતી એ.. જેમનાં શૌર્ય, વિદ્યા અને ધર્મ આગળ બધા જ રાજાઓ મહાત થયા હતાં એવા એક નહીં પણ પાંચ પાંચ મહારથીઓ ની પત્ની હતી એ.. ને મહારથી ફક્ત કહેવા પૂરતા નોહતા.. થોડા સમય પહેલા જ યુધિષ્ઠિર નાં નેતૃત્વ હેઠળ પાંડવો, સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી, રાજસૂય યજ્ઞ કરી ચક્રવર્તી સમ્રાટ બન્યા હતા. આવા પાંચ પાંચ રાજાઓ ની ગર્વિષ્ઠ પત્ની, આજે હસ્તિનાપુર ની ભરી સભામાં તદ્દન નિઃસહાય સ્થિતિ માં ઉભી હતી. અને એનાં મહારથી પતિઓ માં થી એક પણ ધારે, તો એક ક્ષણ માં સમગ્ર સભા ને એકલા હાથે હરાવી શકે એવા સમર્થ હોવા છતાં અસમર્થ ની માફક જમીન તરફ મુખ કરીને બેઠા હતા.
જ્યારે દુઃશાસન એને અંતઃપુર માંથી વાળ ઘસડી ને લઇ આવ્યો ત્યારે પણ આ બધા આમ જ બેઠા રહ્યા.. નીચું મોં કરી ને... ભીમ નો હાથ ગદા પર અને અર્જુન નો હાથ ધનુષ પર જરૂર ગયો. પણ જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ની આજ્ઞા ન હોવા થી નીચુ મોં કરી બેસી ગયા... દ્રૌપદી કશું ન સમજી શકી. અજાણી દાસી ની લાજ પર પણ યુદ્ધ છેડી નાખનાર અર્જુન આજ શાંત હતો..! આ એ જ અર્જુન હતો જે દ્રૌપદી નાં સ્વયંવર ની અઘરી શરત પર જ્યારે બધા જ રાજાઓ એ હાથ હેઠા મૂકી દીધા ત્યારે એક અજાણ્યા બ્રાહ્મણ કુમાર તરીકે આવી ને ક્ષણ માં મત્સ્ય ની આંખ વેધી હતી? આ એ જ અર્જુન હતો કે જેની વીરતા પર દ્રૌપદી મોહી પડી હતી? દ્રૌપદી આમ તો પાંચેય પાંડવો ની પત્ની હતી પણ અર્જુન પ્રત્યે એને હંમેશા વિશેષ પ્રેમ ને પક્ષપાત રહ્યા હતા. અને અર્જુન પણ દ્રૌપદી ની ઢાલ બની ને રક્ષણ કરતો આવ્યો હતો. આજ એની પત્ની ને એનો ભાઈ, ભરી સભા માં વાળ ઘસડી ને લઇ આવ્યો ત્યાં સુધી અર્જુન આ તમાશો ચુપચાપ જોઈ રહ્યો છે! દ્રૌપદી ને લાગ્યું કે નક્કી આ કોઈ ડરામણું સપનું જોઈ રહી છે.. કેમ કે સત્ય તો આ સંભવિત જ નથી. અરે.. સપનામાં પણ આ શક્ય નથી... દ્રૌપદી ધારદાર નજરે પાંડવો સામે જોઈ રહી.. અને પાંડવો એની નજર નો સામનો ન કરી શક્યા.. નીચુ જોઈ ગયા... દ્રૌપદી એ યુધિષ્ઠિર ને સવાલ કર્યો કે શું આ બધું સત્ય છે? યુધિષ્ઠિર નું મૌન જ એનો ઉત્તર હતો.. દ્રૌપદી અગ્નિકન્યા હતી. આગ ની જેમ વરસી પડી.. "શતરંજ માં ભાઈઓ અને મને દાવ પર મુક્તા પહેલા અમારી સંમતિ લીધી હતી? છતાં હું એમ નહીં પૂછું કે તમે મને કેમ દાવ પર મૂકી.. પણ મને એ જવાબ આપો કે પતિ નો એની પત્ની ની સંમતિ વિના એને એક વસ્તુ ની જેમ દાવ પર મુકવાનો પણ અધિકાર છે..? અને અધિકાર હોય તો પણ જ્યારે તમે મને દાવ પર મૂકી ત્યારે તમે શું પોતાની જાતને જ હારી ગયા નોહતા? સ્વયંને હારી ગયા બાદ ક્યા અધિકારથી તમારી પત્નીને એક વસ્તુ ની માફક દાવ પર મૂકી શકાય! ધર્મરાજ કહે છે ને લોકો તમને... તો મને ઉત્તર આપો ધર્મરાજ.... આ ધર્મ સભા આજ મારા તરફનાં અન્યાય સામે ચૂપ કેમ છે! નીતિ વિષયક કે ધર્મ વિષયક જાણકારો આનો ઉત્તર આપો...
મને ધર્મ ની વ્યાખ્યા આપો ધર્મરાજ... કે એક નારી નું નજર સમક્ષ અપમાન થતું હોય અને એ નારી આપની અર્ધાંગિની પણ હોય ત્યારે કોઈ ગુલામ પણ શું આ રીતે મોં નીચે કરી ને બેસી રહે? શું આ જ ધર્મ છે?"
દ્રૌપદી નાં શબ્દો તીર ની જેમ યુધિષ્ઠિર ને લાગ્યા. ક્ષણ ભર તો થયું એક ક્ષણ માં દુઃશાસન નું મસ્તક ઉતારી ને દ્રૌપદી નાં ચરણે ધરી દે. પણ બીજી ક્ષણે યાદ આવ્યું કે એ ગુલામ છે ને આ અધિકાર એ ખોઈ બેઠો છે... એમ થતું હતું કે આ ક્ષણે પૃથ્વી માર્ગ આપે તો એમાં સમાય જવું. પણ દ્રૌપદી નાં ધારદાર પ્રશ્નો નો સામનો કરવાની હિંમત યુધિષ્ઠિર માં ન હતી..
અને દ્રૌપદી.... દ્રૌપદી નાં મન પર શી વીતી હશે જ્યારે એણે જાણ્યું કે એનાં પતિએ એને વેંચી નાખી છે...! અને અત્યારે પણ યુધિષ્ઠિર મૂક રહી ને જ આ બધો તમાશો જોઈ રહ્યો હતો.. દ્રૌપદી ને એમ લાગ્યું કે એનો એક હાથ કોઈએ કાપી નાખ્યો.. યુધિષ્ઠિર શું ખરેખર વિરોધ નો અવાજ નહીં ઉઠાવે...!!
દ્રૌપદી એ એનાં સવાલો નાં કેન્દ્ર ને ભીમ તરફ ફેરવ્યા. અને ભીમ તો ક્યારનો ઊંચો નીચો થતો જ હતો.. ભીમ ની અંદર હજારો હાથીનું બળ હોવા છતાં એનાં હાથ બંધાયેલા હતા.
"કુંતી નંદન! આજ તમારું કૌવત નહીં દેખાડો તો ક્યારે દેખાડશો? જે પતિ એની પત્ની ની રક્ષા ન કરી શકે એ કાયર જ નહીં, નપુંસક છે..અને તમે.."
દ્રૌપદી નું વાક્ય પૂરું પણ ન થઈ શક્યું અને ભીમ ગર્જના કરી ઉભો થઈ ગયો. આભૂષણો તો ક્યારનાં ઉતરી ગયા હતા અને હવે એનાં વસ્ત્રો અને ઉત્તરીય, એની છાતી માં અને બાવડામાં ઉપસી આવેલા સ્નાયુ ઓ નો ઉભાર ન ઝીલી શક્યા. અને એ પણ જાણે દ્રૌપદી નાં કટાક્ષ થી ચિરાઈ ગયા. આંખો માં લોહી ઉપસી આવ્યું. ભીમ ની ગર્જના થી સમગ્ર સભાખંડ ધ્રુજી ઉઠ્યો. આગળ વધી રહેલા દુ:શાસન નાં પગ થંભી ગયા. એને નજર સામે ભયાવહ મોત નાં દર્શન થઈ ગયા. અને જો આ ક્ષણે ભીમ નો ગુસ્સો કાબુ માં નહીં આવે તો સમગ્ર હસ્તિનાપુર ક્ષણ ભર માં મહા વિનાશનાં દર્શન કરશે એ પાક્કું હતું. ભીમ નાં આ રૌદ્ર સ્વરૂપ થી દ્રૌપદી નાં મન ને શાતા વળી. પણ એ શાતા ક્ષણજીવી નિવડી. ભીમ નાં રૌદ્ર સ્વરૂપ ને જોતાં તરત જ મામા શકુનિ એ ચાલ ચલી અને યુધિષ્ઠિર નો દાણો દબાવ્યો. "ધર્મરાજ! અમે તો સાંભળ્યું હતું કે પાંડવો ધર્મ ખાતર જીવ પણ આપી દે છે પણ ધર્મ નથી છોડતાં. અને તમે તો સપના માં પણ અસત્ય નું આચરણ નથી કરતાં. તો આજે આટલી મોટી સભાની સામે તમે તમારી બધી સંપત્તિ અને ભાઈ સહિત પત્ની ને હારી ચુક્યા છો એ પછી તમારો જ ભાઈ આ રીતે તમારા વચન ને અવગણે છે. જો ધર્મ નું, સત્ય નું આચરણ કરી ન શકતા હોય તો તમારા નામ ની આગળ આજ થી ધર્મરાજ લગાવવાનું બંધ કરી દો.." મામા શકુનિ નાં આ વચનો ની ધારી અસર થઈ. યુધિષ્ઠિર, કે જે ક્યાર નો નીચું મોં કરી ને જ બેઠો હતો એણે એક લાચાર અને છતાં આજ્ઞા યુક્ત નજર થી ભીમ સામે જોયું. હજારો હાથીઓ ભેગા થઈ ને પણ આજ ભીમ ને રોકી શકે એમ નોહતા. પણ મોટા ભાઈ ની આજ્ઞા નું આજ સુધી ક્યારેય ઉલ્લંઘન કર્યું નોહતું. આજ પહેલી વાર ભીમ ને અનુભવ થયો કે બળ નો ઉપયોગ કરવા કરતાં પણ અસીમ બળને સંયમિત કરવું કેટલું અઘરું હોય છે..!
ભીમ નાં અસીમ બળને કહેવાતા સત્ય પાછળ સીમિત થતું જોઈ ને દ્રૌપદી ને લાગ્યું કે એનો બીજો હાથ પણ કોઈએ કાપી નાખ્યો છે.. એનો આટલો બળવાન પતિ, એની રક્ષા માટે આગળ ન આવી શક્યો એ જોઈ દ્રૌપદી ને પોતાનો સૌથી મોટો આધાર છીનવાતો લાગ્યો. પરંતુ હજુ દ્રૌપદી ની સૌથી મોટી આશા બાકી હતી. એનો હ્રદયપૂર્વકનો પ્રેમ, એનો સૌથી મોટો આધાર, વિશ્વાસ... એ ભલે અત્યારે ચૂપ હતો પણ એક વાર દ્રૌપદી એની પાસે મદદ માંગે અને પાર્થ ચૂપ રહે એ શક્ય જ નથી. અભિમાન હતું એને શ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની હોવા વિશે નું. અને હોય પણ કેમ નહીં.. સમગ્ર આર્યાવર્ત માં અર્જુન ની તોલે આવી શકે એવો કોઈ પુરૂષ હતો જ નહીં. અને અર્જુન માટે પણ દ્રૌપદી નાં આ સ્વાભિમાન અને ગૌરવ ની રક્ષા કરવી એ ફરજ ની નહીં પણ આનંદ ની અને પ્રેમ ની વાત હતી.
દ્રૌપદી એ પૂરા વિશ્વાસ થી અર્જુન સામે જોયું. એને પૂરી ખાતરી હતી કે અર્જુન એનાં આ વિશ્વાસ નો ભંગ ક્યારેય નહીં કરે. અને એક ક્ષણ માં આ કૌરવ સભા ને વિખેરી નાખશે. અર્જુન માટે આ ફક્ત એક રમત સમાન વાત હતી. હજુ સુધી અર્જુન ચૂપ કેમ બેસી રહ્યો એ જ સૌથી મોટો સવાલ હતો દ્રૌપદી માટે... દ્રૌપદી ને અર્જુન ને કશુ કહેવું જરૂરી ના લાગ્યું. જેની સાથે હૃદય નાં તાર જોડાયેલા હોય એની પાસે શબ્દો નું શું મહત્વ! દ્રૌપદી ને એનાં મન ની વાત ન ખબર હોય એ વાત પણ અર્જુન જાણતો હતો. એટલે દ્રૌપદી એ ફક્ત આશા ભરી નજરે અર્જુન સામે જોયું.. એક ક્ષણ... બસ એક જ ક્ષણ.. બન્ને ની નજર મળી. અને આ શું? અર્જુન ની એ નજર આજ લાચાર કેમ હતી... જે ક્ષણે અર્જુને ગાંડીવ હાથ માં લેવું જોઈએ એનાં બદલે એની નજર જાણે દ્રૌપદીની ક્ષમા યાચતી હતી ... આ એનો ભ્રમ તો નથી ને.... દ્રૌપદી ની નજર નો સામનો ન કરી શક્યો હોય એમ અર્જુન નીચે જોઈ ગયો. દ્રૌપદી માટે આ ક્ષણ વજ્રાઘાત સમાન હતી. દ્રૌપદી નો સૌથી મોટો આધાર અને વિશ્વાસ છીનવાઈ ગયો હતો. પ્રેમ, વિશ્વાસ જેવા શબ્દો આ ક્ષણે દ્રૌપદી ને પોકળ લાગતા હતા. એનાં હૃદય પર કોઈ એ કરવત ફેરવી હોય એવી વેદના દ્રૌપદી અનુભવી રહી હતી. એનું આત્મ ગૌરવ આજે ખોવાઈ રહ્યું હતું અને હંમેશા એનાં સન્માન ની રક્ષા કરનાર એનાં પતિ એ આજે ચુપકીદી સેવી લીધી હતી.
બીજી કોઈ સ્ત્રી એની જગ્યા એ હોત તો કદાચ આ જ ક્ષણે જીવન હારી જાત. પણ આ તો દ્રૌપદી હતી. સામાન્ય સ્ત્રી ની જેમ રડી ને જ શાંત બેસી જવું એ એનાં સ્વભાવ માં નહોતું. સાથે સાથે દ્રૌપદી એ પણ સમજી ચુકી હતી કે આ ધરતી પર નાં સર્વ શ્રેષ્ઠ ચક્રવર્તી રાજા, સર્વ શ્રેષ્ઠ ગદાધારી, સર્વશ્રેષ્ઠ ધનુર્ધર એનાં પતિ હોવા છતાં એની રક્ષા માટે અસમર્થ છે. પણ દ્રૌપદી હારી ને બેસી રહે એમ નોહતી. તેણે છેલ્લી સહાય માટે નકુલ અને સહદેવ તરફ નજર ફેરવી. પણ એ બન્ને પણ મુખ જમીન તરફ ઢાળી ને બેસી રહ્યા. હવે દ્રૌપદી એ પાંડવો નાં ગુરૂ તરફ મદદ ની નજર દોડાવી. "ગુરૂદેવ! તમારી હાજરી માં આટલું ઘોર અનર્થ થવા જઇ રહ્યું છે. તમારા જ થોડા શિષ્યો, તમારા જ બીજા શિષ્યો ની અર્ધાંગિની સાથે અધમ કૃત્ય આચરવા જઇ રહ્યા છે.. અને તમારા સૌથી સમર્થ શિષ્યો આ ક્ષણે તેની પત્ની ની રક્ષા કરવા અસમર્થ છે ત્યારે તમારું આમ ચૂપ રહેવું શું આપને શોભે છે? ગુરૂકુળની શિક્ષા શું લજાતી નથી આ સમયે? ગુરુદેવ..શું આ જ ધર્મ શીખવ્યો તો તમે પાંડવો ને!"
આચાર્ય દ્રોણ શું બોલે? એનું ભરણ પોષણ જે સિંહાસન સાથે બંધાયેલું હતું એ રાજા તો નેત્ર વિહીન હતો. દ્રૌપદી એ ધૃતરાષ્ટ્ર તરફ નજર ફેરવી.. " જ્યેષ્ઠ પિતા શ્રી, કદાચ આજે તમને તમારા નેત્ર વિહીન હોવું સૌથી વધુ આશીર્વાદ સ્વરૂપ લાગી રહ્યું હશે.. કારણકે તમારે નેત્ર હોત તો તમારી કુળવધુ સાથે તમારા જ પુત્રો ને દુષ્કૃત્ય કરતાં તમે ના જોઈ શક્યા હોત.. " મમત્વ ની પટ્ટી આંખ પર બાંધેલો રાજા બોલે પણ શું!
"પિતામહ! તમે તો કંઈ બોલો.. આ સભામાં સૌથી વધુ આદરણીય અને વયોવૃદ્ધ ની સાથે અનુભવ વૃદ્ધ હોય એવા તો તમે જ છો.. તમારું વચન ટાળવાની હિમ્મત કોઈ ન કરી શકે.. તમે જ કહો ધર્મ અત્યારે કોના પક્ષે છે. પોતે પોતાની જાતને હારી ગયા બાદ પણ પોતાની પત્ની ને કોઈ દાવ પર લગાવી શકે ખરા! પિતામહ... આજ એક નારી નું આપણી નજર સમક્ષ અપમાન થઈ રહ્યું છે ત્યારે એક વાર આ સિંહાસન સાથે જાત ને બાંધ્યા વિના ધર્મનાં પક્ષે ઉત્તર આપો.."
અને ભીષ્મ પિતામહનાં ઉત્તર થી તો દ્રૌપદી ચકિત જ થઈ ગઈ.. એ વધુ કશું ન બોલી શક્યા પણ એટલું જ કહ્યું કે.. ધર્મ ની ગતિ અતિ સૂક્ષ્મ છે એટલે આ વિષયમાં કશું કહી શકતો નથી..." અહો આશ્ચર્ય...! એક સામાન્ય માણસ પણ જોઈ શકતો હોય કે અત્યારે ધર્મ કઇ તરફ છે ત્યારે આ સમગ્ર આર્યાવર્તનાં સૌથી ભીષ્મ પુરુષ ને ધર્મ સમજાતો નોહતો...
હવે દ્રૌપદી કોઈ ની મદદ ની આશા ગુમાવી ચુકી હતી.
સભામાં ચારે તરફ બસ દુર્યોધન, દુઃશાસન અને મામા શકુનિ નાં નિર્લજ્જ હાસ્ય નાં જ અવાજો આવી રહ્યા હતા. વિદુર અને વિકર્ણ નાં વિરોધને તો કોઈ સાંભળે એવું હતું જ ક્યાં.. એ લોકો વધુ માં વધુ મદદ રૂપે સભા છોડી ને જતા રહ્યા જેથી આ અધમ કૃત્ય નજર સમક્ષ ભજવાતું જોવું ન પડે.
દ્રૌપદી નાં આંસુ સુકાઈ ગયા હતા. આટલા સમર્થ પતિઓ ની પત્ની, અને ગુરુવર્ય અને પિતામહ જેવા વડીલો ની લાડકી પુત્રવધુ ને આજે મદદ કરવા કોઈ આગળ આવતું નહોતું.
અચાનક દ્રૌપદીની આંખ માં એક ચમક આવી. હવે એને પાકી ખાતરી થઈ ચૂકી હતી કે આ ક્ષણે એને મદદ કરવા કોઈ આવવાનું નથી અને આ ક્ષણે, આ પરિસ્થિતિ માં થી બહાર નીકળવું હશે તો એણે પોતેજ પોતાને મદદ કરવી પડશે. અને આ જ વિચાર સાથે એનામાં ખૂબ હિમ્મત આવી ગઈ. આખરે તો એ અગ્નિકન્યા હતી. એ જાતે જ પોતાનું રક્ષણ કરી શકવા સમર્થ હતી. દુઃશાસન નો હાથ એનાં વસ્ત્ર સુધી પહોંચ્યો એ સાથે જ એણે પૂરી તાકાત થી વસ્ત્ર પકડી રાખ્યું અને વિરોધ ની પુરી કોશિશ શરૂ કરી દીધી હતી. એ એમ માની બેઠી હતી કે હું મારી રક્ષા કરી જ શકીશ. પણ લાગણી ના સંબંધો થી હારેલી દ્રૌપદી વધુ વખત સુધી વસ્ત્ર પકડી ના શકી.. વસ્ત્ર એનાં હાથ માં થી સરકવા લાગ્યું. હવે શું કરું...! અને હવે એ નિઃસહાય બની ચૂકી હતી અને એ સાથે જ એને પોતાના સખા, જગતપતિ શ્રી કૃષ્ણ ની યાદ આવી.. હા.. આ ક્ષણે જો કોઈ રક્ષા કરી શકે તો એ એક માત્ર એક ઈશ્વર છે.. અને એણે પુરી શ્રદ્ધા થી અને મન થી કૃષ્ણ નું સ્મરણ શરૂ કર્યું.. વસ્ત્ર પકડેલા હાથ ને ઈશ્વર સમક્ષ જોડ્યા. અને સાથે સાથે સ્વ બચાવ માટે વસ્ત્ર નો એક છેડો દાંત નીચે દબાવી દીધો. અને પૂરા હૃદય પૂર્વક ઈશ્વર નું સ્મરણ કરવા લાગી..." હે નાથ! હે મારા સખા! આજ આ ક્ષણે મારૂં કોઈ જ નથી. મારુ કર્તવ્ય, ગંતવ્ય એક માત્ર તું જ છે.. જેના પ્રત્યે પ્રેમ ને આશા હતી એ બધા જ લોકો પાસે થી મારી આશા ઠગારી નીવડી છે.. હું પોતે પણ મને મદદ કરવા અસમર્થ નીવડી છું. મારા પ્રભુ! મેં તને એક ક્ષણ માટે પણ ખરા અંતઃકરણ થી ભજયા હોય તો મારી રક્ષા કર મારા નાથ...! તું એક જ હવે મારી આશ છો.. તારા સિવાય અત્યારે કોઈ ની જ આશા મને નથી.. પ્રભુ.. આ વિષમ પરિસ્થિતિ માં થી મને બહાર કાઢ મારા નાથ! હું તારે શરણે આવી છું. હું દીન, મતિ હીન, કશું સમજી શક્તી નથી કે મારી સાથે આ બધું શા માટે થઈ રહ્યું છે.. પણ મને તારા પર પૂરી શ્રદ્ધા છે કે તું મને આ પરિસ્થિતિ માં થી બહાર કાઢીશ જ.. પ્રભુ...! શરણાગત... શરણાગત... શરણાગત...! હું મારૂ મમત્વ, અહમ, ગૌરવ બધું જ છોડી ને એક માત્ર તારા શરણે આવી છું.. મારી રક્ષા કરો... મારી રક્ષા કરો... મારી રક્ષા કરો..."
દ્રૌપદી ની અંતઃકરણ પૂર્વક ની પ્રાર્થના છતાં કોઈ જ મદદ ના આવી.. દ્રૌપદી એ દાંત વડે વસ્ત્ર પર ભીંસ વધારી દીધી અને સાથે પ્રાર્થના ની તીવ્રતા ને પણ વધારી... "પ્રભુ! મુજ મતિ હીન ને તું શરણે નહીં લે! હું બધું જ છોડી ને તારી પાસે આવી છું.. હે મધુસુદન.. શરણે લે.. શરણે લે..."
દુઃશાસન નો બળપ્રયોગ પણ વધી રહ્યો હતો. હવે દ્રૌપદી નાં દાંત નીચે થી છેડો સરકી રહ્યો હતો. હવે એને પુરી ખાતરી થઈ ગઈ કે હવે એ વધુ વાર સુધી છેડો પકડી નહીં શકે... અને એ સાથે જ એને વડીલો, પતિ અને પુરી રાજ સભા ની વચ્ચે વસ્ત્રાહરણ થયેલ દ્રૌપદી નું દ્રશ્ય નજર સમક્ષ ઉપસી આવ્યું.. એ ભયાવહ દ્રશ્ય ની પરિકલ્પના થી ગભરાયેલી દ્રૌપદી એ પ્રાર્થના ની તીવ્રતા વધુ ને વધુ વધારી.. પણ હવે એ ક્ષણ આવી જ ચુકી હતી કે દ્રૌપદી વધુ પોતાના બળ થી વસ્ત્ર પકડી શકે એમ નહોતી.. અને અચાનક દ્રૌપદી નિર્ભય થઈ ગઈ.. હવે એને કોઈ ભય નહોતો.. એણે પોતે પોતાનાં બધા જ પ્રયત્નો કરી લીધા હતા.. હવે પ્રયત્નો નો કોઈ અર્થ નહોતો. હવે દ્રૌપદી નાં રોમ રોમ માં થી, શરીર નાં એક એક કોષ માં થી ફક્ત એક જ પ્રાર્થના નીકળી રહી... " શરણાગત પ્રભુ! તારી જ ઈચ્છાઓ નો જય થાઓ.. તને જે યોગ્ય લાગે એ થાઓ.. આ ક્ષણે મારી સાથે જે થાય તે.. હું સંપૂર્ણપણે તારા શરણે આવી છું મારા નાથ.. હું ફક્ત તારું સર્જન છું.. અને તારી ઈચ્છા હોય તો આ ક્ષણે જ આ શરીર નો નાશ થઈ જાઓ કે મારૂં શીળ, ચરિત્ર બધું જ લૂંટાઈ જાઓ. તો પણ તારી જ ઈચ્છા ને હું આધીન છું અને તારી ઈચ્છા નો સ્વીકાર કરું છું.. આ જગત માં જેને જેને પોતાના સમજ્યા, જેને જેને ખરા હૃદયથી પ્રેમ કર્યો એ બધો જ ઠગારો નીવડ્યો. એક માત્ર તારો પ્રેમ જ શાશ્વત છે. મારા પ્રભુ! હું તને પ્રેમ કરું છું. અને તું જે કોઈ પરિસ્થિતિ માં રાખીશ, હું રહીશ. બસ, તારું સ્મરણ ના છૂટે મારા પ્રભુ!" અને આ પ્રાર્થના ની સાથે જ દ્રૌપદી ને હવે દાંત નીચે વસ્ત્ર નો છેડો દબાવવાની જરૂર ના લાગી. એણે વસ્ત્ર ને દાંત નીચે થી મુક્ત કર્યું. અને મોઢામાં થી ફક્ત એક જ શબ્દ નીકળ્યો.. "કૃષ્ણ..."
પરંતુ આ અઢી અક્ષર નાં શબ્દ નો ફક્ત પહેલો જ અક્ષર મોઢામાંથી સર્યો હતો ત્યાં જ કૃષ્ણ સાક્ષાત હાજર થઈ ને દ્રૌપદી નાં ચીર પુરવા લાગ્યા.. પણ હવે દ્રૌપદી ને એનું ભાન ક્યાં હતું.. હવે તો એનું મન ફક્ત કૃષ્ણ સ્મરણ માં લાગેલ હતું. "કેશવ! તારા કરતાં પણ તારું નામ વધુ રૂપાળું છે" અભાનપણે કૃષ્ણ સ્મરણ કરતી દ્રૌપદીની રક્ષા કરવા સ્વયં શ્રી કૃષ્ણ એ આવવું પડ્યું...
એ પછી ની વાર્તા ખૂબ જાણીતી જ છે... આ એક જાણીતો છતાં મને અનહદ ગમતો પ્રસંગ ઘણું કહી જાય છે, શીખવી જાય છે..
આપણામાં નાં દરેક વ્યક્તિ એ જિંદગીનાં કોઈ ને કોઈ તબક્કે દ્રૌપદી જેવી તો નહીં.. પરંતુ નિઃસહાયતા તો અનુભવી જ હશે.. સંસાર માં ઊંડા ખાડાઓ, બધા જ સંબંધો પાંગળા અનુભવ્યા હશે.. શરણાગતિ પણ સ્વીકારી હશે.. પણ આપણે પણ બધા ને દ્રૌપદી ની જેમ દાંત નીચે હજુ છેડો દબાય છે... ક્યાંક ને ક્યાંક આપણને બધાને એ સર્વોપરિ શક્તિ કરતાં આપણી શક્તિ પર વધુ વિશ્વાસ છે. એ છૂટશે તો જ અનન્ય શરણાગતિ આવશે અને તો જ કદાચ સાક્ષાત શ્રી કૃષ્ણ એ આપણી સંભાળ રાખવા આવવું પણ પડે...
શ્રીમદ ભાગવતનું એક ઉદાહરણ આ પ્રસંગે યાદ આવે છે કે એક વાર ભગવાન કૃષ્ણ ભોજન માટે બેઠા હતા અને રૂકમણીજી એમને પવન નાખી રહી હતી. એ સમયે અચાનક ભગવાન આંખમાં આંસુ સાથે ઉભા થઇ ગયા અને દોડ્યા.. રૂકમણીજી એ પૂછ્યું કે અચાનક શું થયું પ્રભુ... ત્યારે ભગવાને કહ્યું કે મારો ભક્ત તકલીફમાં છે ને મારે જવું પડશે.. એ મને બોલાવી રહ્યો છે.. વાત જાણે એમ બની હતી કે એક ભક્ત કૃષ્ણ સ્મરણમાં એકદમ મગ્ન બનીને જઇ રહ્યો હતો. એને શરીર સુદ્ધાંનું ભાન નહોતું. ને એ અવસ્થામાં એક ઘાટ પાર ધોબીએ કપડાં ધોઈને સુકાવ્યા હતાં એનાં પર ચાલવા લાગ્યો હતો. ધોબી ગુસ્સે ભરાઈ ને એ ભક્તને મારવા માટે દોડ્યો હતો. ભક્તે કૃષ્ણ સ્મરણ કર્યું અને ભગવાને ભોજનની થાળી છોડીને દોડવું પડ્યું.. પણ થોડી જ વારમાં પ્રભુ પાછા આવ્યા. રૂકમણીજીને નવાઈ લાગી અને પૂછ્યું કે કેમ તરત પાછા આવ્યા? એટલે પ્રભુએ હસતાં હસતાં જવાબ આપ્યો કે એ ભક્તે હવે જાતે પથ્થર ઉપાડી લીધો છે. એને મારી જરૂર નથી..
અહીં પ્રયત્નો છોડીને ઇશ્વર ભરોસે બેસી રહેવાની વાત નથી પણ ઈશ્વરી સહાય ત્યારે જ આવી મળે છે જ્યારે આપણે આપણા બધા જ પ્રયત્નો કર્યા બાદ આપણે જાણી લીધું હોય કે આપણા બધા પ્રયત્નો નકામા છે. સમગ્ર સૃષ્ટિ એક માત્ર એની જ ઈચ્છાને આધીન છે.
એ વાત ને વધુ સારી રીતે શ્રી રામકૃષ્ણ પરમહંસ એક પક્ષી નું ઉદાહરણ આપી ને સમજાવતા.. એ પક્ષી એક અફાટ સમુદ્ર માં ની એક નાવ પાર બેઠું હતું. મધદરિયે એ દરિયાનો છેડો શોધવા ચારે તરફ ઉડયું.. પણ ક્યાંય અફાટ સમુદ્ર નો છેડો ના મળ્યો. થાકી ને એ ફરી નાવ નાં શઢ પર આવી બેસી ગયું. હવે ક્યાંય ઉડવાનો કશો અર્થ નોહતો. હવે તો નાવ જ્યાં લઇ જાય ત્યાં...
ઈશ્વર નાં ચરણે એ જ પ્રાર્થના કે અમારો પણ આ દાંત નીચે દબાતો છેડો છૂટે અને તારી અનન્ય શરણાગતિ નો સ્વીકાર કરીએ...
ડો. આરતી રૂપાણી