શશાંકનો પગ બ્રેક ઉપર જોરથી દબાયો હતો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઊભી રહેલી પણ એનાથીય મોટો આંચકો ગાડીના બોનેટ ઉપર આવીને પડેલો..
આકાશમાં ગાયબ થઈ ગયેલી કાવ્યા અચાનક આવીને ગાડીના બોનેટ ઉપર પટકાઈ હતી. ગાડી થોભાવી શશાંક અને ડૉક્ટર રોય નીચે કૂદી પડ્યા હતા. કાવ્યા બેહોશ હતી. શશાંકે એને ઉઠાવીને ગાડીની પાછલી સીટમાં સુવડાવી.
“કાવ્યા! કાવ્યા બેટા!” ડૉક્ટર કાવ્યાના શરીરને ઢંઢોળી રહ્યા.
“એને જલદી હોટેલ પર લઈ જવી પડશે.” શશાંક આટલું બોલીને ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો હતો. કાવ્યાની બાજુમાં ડૉક્ટર રોય ગોઠવાયા અને બધા હોટલ પહોંચ્યા. ત્યાંના સ્ટાફે એક ડૉક્ટર બોલાવી આપેલો. કાવ્યા ઠીક હતી. એ ફક્ત બેભાન હતી... બીજી કોઈ ઇજા ન જોવા મળી.
“શશાંક, આજે ચૌદસની રાત્રે જ કાપાલીએ એની ઈચ્છાપૂર્તિ માટેની પૂજા ચાલુ કરી દીધી હશે. તમે લોકો એને રોકો નહિ, એ માટે કોઈ પ્રયત્ન પણ ન કરો એટલેજ કાપાલીએ કાવ્યા ઉપર ઘાતક હુમલો કર્યો કે કરાવ્યો હોવો જોઈએ. એને નવ આત્માની જરૂર છે. નવમી આત્મા એને મળી જાય પછી એ કોઈનાથી નહિ રોકાય. તારે આજેજ એની પૂજામાં વિધ્ન નાખવું પડશે. તો જ તું એને નવમી આત્મા લાવતો રોકી શકીશ.” શશાંકના ફોન ઉપર મુંબઈથી પ્રોફેસર નાગ કહી રહ્યા હતા. એ માનસશાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં ભૂત પ્રેત અને એને લગતા બીજા અનેક પાસાંનો અભ્યાસ કરી ચૂક્યા હતા. એમને આ વિષયમાં રસ પડેલો. છેલ્લાં દસ વર્ષથી એ આત્મા અને કાળા જાદુ પર રિસર્ચ કરી રહ્યા હતા. શશાંક પણ એમની ટીમનો જ એક સભ્ય હતો. ડૉક્ટર રોયની વાત એમણે લેપટોપ પર જોઈ અને સાંભળી હતી...
“હું તૈયાર છું પ્રોફેસર. તમે કહો એમ કરું.” શશાંક જડબા ભીડીને બોલ્યો.
“એ જગા ઉપર ખતરો છે. તું એકલો એને નહિ રોકી શકે. આપણે વધારે માણસોની જરૂર પડશે. હું ત્યાં આવું છું. તું મારી રાહ જો અને ગમે ત્યારે નીકળવા માટે તૈયાર રહેજે.” પ્રોફેસર ખતરો પામી ગયા હતાં. એમણે ફોન મૂકતા પહેલા શશાંકને બીજી વાત કહી, “વલસાડ ફોન કરીને ત્યાં એ લોકોને સાવચેત રહેવા જણાવી દે. હવેલીમાં દિવ્યાની આત્મા અને વ્હાઇટ ડવમાં લીના, બંનેમાંથી કાપાલી કોઈ એકને આજે રાત્રે જ ઉઠાવશે. દિવ્યાને બદલે એણે બીજાં વિકલ્પ તરીકે લીનાને પસંદ કરી હોય એ શક્યતા પર આપણે વિચાર કરવો રહ્યો. તું મારી વાત સમજે છેને?”
“હા પણ આ કાપાલી શેની પૂજા કરવાનો છે પ્રોફેસર, તમે ક્યારેય આવું જોયું, સાંભળ્યું છે?"
“હા મેં એક બુકમાં આ વિશે વાંચ્યું હતું. એની લિપિ હું પૂરેપૂરી ઉકેલી નહતો શક્યો એ વખતે એટલે થોડુંક જ જાણેલું. નવ અલગ અલગ સ્વભાવની, અલગ અલગ રીતે મરેલી સ્ત્રી કે પુરુષની આત્માઓને એકસાથે કાલભૈરવની સેવામાં સમર્પિત કરવામાં આવે, ચંદ્રગ્રહણની ક્ષણોમાં જ, તો એ વખતે સોંપાયેલી નવ આત્મા ખુબ જ શક્તિશાળી બની નવ ગ્રહ પર પોતાનું પ્રભુત્વ સ્થાપી શકે. એ આત્માઓ જેણે એને કાલભૈરવને સોંપી હોય એના વશમાં રહે. એ આ દુનિયાના દરેક માણસના ભૂત ભવિષ્ય બદલી શકે! બીજા શબ્દોમાં કહું તો ઈશ્વર બની શકે! આ બધી વાતો આપણને ગપ ગોળા જેવી લાગે છે હેને? ”
“તમે કહેતા હો તો આ વાત સાચી હોય શકે, પ્રોફેસર! મને તમારા પર વિશ્વાસ છે. જો વખતસર તમારી વાત માની હોત તો મારી દીદી આજે જીવતી હોત. એ ભૂલ થઈ પછીતો હું આ ભૂત પ્રેતમાં માનવા લાગ્યો. ”
“આ બધુ એક વિજ્ઞાન છે દીકરા. આપણે લોકો જે વસ્તુ સાબિત કરી શકીએ એના ઉપર જ વિશ્વાસ કરીએ છીએ. જે સાબિત નથી કરી શકતાં એ છે જ નહિ એમ વિચારીએ છીએ અને ત્યાંજ મોટી ભૂલ કરીએ છીએ. દુનિયામાં કેટલાય પ્રસંગો એવા બને છે જેનો આપણી બુદ્ધિથી જવાબ આપવો શક્ય જ નથી. આ બાબતે આપણે પછીથી ગહન ચર્ચા કરીશું. હાલ તું વલસાડ ફોન કરી દે, કાવ્યાનું ધ્યાન રાખનાર કોઈ માણસ એની પાસે છોડીદે અને કાપાલીના દરબારમાં જવા તૈયાર રહેજે. મારા એક મિત્ર સાથે વાત થઈ ગઈ છે. હું હાલ જ અહીંથી નીકળી રહ્યો છું. હરિ, કારરેસર મારી સાથે છે. એ બે કલાકમાં મને ત્યાં પહોંચાડી દેશે!”
શશાંકે પ્રોફેસરનો ફોન મૂકીને તરત હવેલી અને વ્હાઇટ ડવમાં ફોન કરીને સાવધાન રહેવા જણાવેલું. હવેલીમાં માધવીબેન પરેશાન હતા. એમને એમના પરિવારની ચિંતા થવી સ્વાભાવિક હતી. એમણે પુજારીજીને હવેલીએ તેડાવ્યા હતાં ત્યારેજ શશાંકનો ફોન આવેલો.
“મને બહું ચિંતા થાય છે પુજારીજી! આજની રાત કોઈનો ભોગ લીધા વિના નહિ રહે એવા જ વિચારો આવે છે.” માધવીબેને શરીરે લપેટેલી રેશમી શાલને ખેંચીને, એનો છેડો ખભા ઉપર વીંટતા કહ્યું. અચાનક જ વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી.
“જયહો મા! મા સર્વશક્તિમાન છે! એ અન્યાય નહિ થવા દે! એના ઉપર ભરોશો રાખો!” પુજારીજીએ કહ્યું અને એમણે પ્રભુ પાસે કેટલીક સામગ્રી મંગાવી પૂજાની તૈયારી શરુ કરી. “આજની આખી રાત આપણે હવન કરીશું. મા સર્વનું કલ્યાણ કરે અને પાપીઓનો સંહાર કરે એવી પ્રાર્થના કરશું. આ ખાસ હવન છે. એમાં દિવ્યા પણ આપણી સાથે માતાજીની આરાધના કરશે અને માની મરજી રહી તો એ આપણને કોલ આપશે, એની હાજરી પુરાવશે!”
પૂજારીજીએ પાંચ માટીના નાના મટકામાં દીવા મૂક્યા અને પ્રત્યેક મટકાની ઉપર પણ એક એક દીવો પ્રગટાવ્યો. કુમકુમથી હવેલીના ચોકમાં કેટલાક નિશાન બનાવ્યા અને ત્યાં એ મટકાની સ્થાપના કરી. પ્રભુ હવનકુંડ અને બીજી સામગ્રી લઈ આવ્યો એ લઈ પુજારીજીએ માતાજીની આરતી કરી અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ આપવા લાગ્યા. માધવીબેન, પ્રભુ અને પ્રભુની પત્ની લીલા આ પૂજામાં જોડાયા. થોડીવાર રહીને પુજારીજીએ ઊંચા અવાજે, કોઈને આદેશ આપતાં હોય એમ કહ્યું, “દિવ્યા, તું અહીં હાજર હોય, અમને જોઈ શકતી હોય, સાંભળી શકતી હોય તો એનો પરચો આપ. આ પાંચ મટકામાથી દક્ષિણ દિશામાં રહેલું મટકું ફેરવ.”
ત્યાં હાજર બધાની નજર એ મટકા ઉપર જ સ્થિર થઈ. પુજારીએ બીજી વખત એના એજ શબ્દો કહ્યા... અને માટલું હલ્યું. એ હવામાં જ થોડુંક ઉપર ઉઠ્યું અને એની જગાએથી થોડું પાછળ મુકાયું.
“તું મહાન છે મા! પુજારીએ હર્ષનાદ કર્યો.” ફરીથી એ આહુતિ આપવા લાગ્યા. મંત્રો બોલાતા ગયા. માધવીબેનને વિશ્વાસ થઈ ગયો કે દિવ્યા એમની પાસે જ છે અને સલામત છે. કાવ્યા અને બાકીના બધાની સલામતી માટે એ માતાજીને વિનવી રહ્યા...
***********
રાતના અગિયાર વાગી ગયા હતા. વ્હાઈટ ડવમાં અંધારું છવાયું હતું. જનરેટર ચાલું કર્યું છતાં લાઈટ ન આવી. શશાંકનો ફોન આવ્યો ત્યારના ડૉક્ટર આકાશ કામે લાગ્યા હતા. ભરત ઠાકોર અને સિસ્ટર રાધા એમની સાથે હતા. ઉપરના બધા કાયમી પાગલ દર્દીઓને નીચે હોલમાં એકસાથે રાખવામાં આવેલા. ઉપરના પલંગ જરૂર મુજબ નીચે સિફ્ટ કરી દેવાયેલા. બધાને ડોકટરે જાતે ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધા હતા. આજની રાત વ્હાઈટ ડવની જવાબદારી ડૉક્ટર આકાશ પર હતી. ત્યાં દાખલ દરેક દર્દી અને સ્ટાફનું ડોકટરે ધ્યાન રાખવાનું હતું. લીના ઉપર ડૉ. આકાશ અને ભરતની બરોબર નજર હતી. એ સિવાય સિસ્ટર માર્થા લીનાનું પૂરું ધ્યાન રાખી રહી હતી...
“આજની રાત ઉજાગરો કરવો પડશે! એક એક ચા થઈ જાય!” ભરતે કહ્યું.
“હા મારેય એની જરૂર છે. ઊંઘ તો આજ નહિ આવે પણ આ ઠંડીથી બચવા ચા સારી રહેશે. ખબર નહિ અચાનક આટલી ઠંડી કેમ વધી ગઈ!” ડૉક્ટર આકાશે એમના બંને હાથ બગલમાં દબાવ્યા.
“અચાનક જ આ ઠંડી એની મેળે આટલી વધી ગઈ હશે? મને તો એમાંય પેલી ભૂતડીઓનો હાથ લાગે છે. એમની હાજરીથી જ આવું થઈ રહ્યું છે. તમે કંઈ ગરમ કપડું પહેરી લો સાહેબ, મારે તો આ ચાલશે. આટલી રાતે હવે હું રુમ પર એકલો નઈ જાઉં!” ભરતે દર્દીને ઓઢવાનો ધાબળો પોતાની ફરતે લપેટ્યો. એક છેડો માથા ઉપર રાખીને એણે રાધાને ચા લઈ આવવા કહ્યું. રાધાએ જે આયાને ચા લાવવાનું કહેલું એણે આવીને જણાવ્યું કે દૂધ ફાટી ગયું છે. હવે સવારે નવું દૂધ આવે ત્યારે જ ચા મળશે.
“તારું સત્યાનાશ જાય ચુડેલ! તારા લીધે મને ચા પણ પીવા ન મળી.” ભરત ઠાકોર જોરથી બોલ્યો. એને ચુડેલોએ ઉપરના માળે બિવડાવેલો એનાથી એ હજી ડરેલો હતો. ભાગી જવાની એને અદમ્ય ઈચ્છા થઈ રહી હતી પણ એકલા બહાર જવાની હિંમત ન હતી...! “માર્થા... સિસ્ટર માર્થા... તમને ઊંઘ આવતી હોય તો સૂઈ જાઓ હું છું જ અહીં. લીનાતો આમેય ઊંઘી જ રહી છે, લાગતું નથી કાલ સવાર પહેલા એ જાગે. સારું કર્યું ડૉક્ટર સાહેબે બધાને સુવડાવી દીધી!” ભરતે હાથે કરીને માર્થાને હળી કરી હતી...
“તને ઊંઘ આવતી હોય તો તું સૂઈ જા. મારે આજે લીનાનું ધ્યાન રાખવાનું છે!” માર્થા બોલી હતી, પણ એ અવાજ માર્થાનો ન હતો. એનામાંથી કોઈ પુરુષનો ઘોઘરો અવાજ આવેલો. ભરતને આટલી ઠંડીમાય કપાળે પરસેવો વળી ગયો. એની બાજુની ખુરસીમાં બેઠેલી સિસ્ટર રાધાય છળી ઉઠી. એ ભયથી ધ્રુજી રહી હતી. એણે એક નજર ભરત સામે કરી પછી બંનેએ સાથે માર્થા તરફ જોયું...
આખા રૂમમાં બે મીણબત્તીનું જ અજવાળું હતું. માર્થાના માથાની પાછળની બાજુએ મીણબત્તી મુકેલી હતી. એના ખભા સુધીના વાળ ચહેરા પર ઝૂલી રહ્યાં હતાં. એ સ્થિર નજરે લીનાના ચહેરાને જોઇ રહી હતી. અચાનક ભરતે નજર ફેરવી અને એની આંખો પહોળી થઇ ગઈ. એ આખો ચોંકી ઉઠ્યો.
રાધાએ એ જોયું અને ભરતની નજરનો પીંછો કર્યો. એ હજી ત્યાં દીવાલ ઉપર જ જોઈ રહ્યો હતો જ્યાં માર્થાનો પડછાયો પડતો હતો... સાચુકલી માર્થા સ્થિર હતી પણ એનો પડછાયો હલતો હતો, એનું મોટું માથું એના તીક્ષ્ણ મોટા દાંત કચકચાવતું હતું. એના વિખરાયેલા વાળ ચારે બાજુ ઊડી રહ્યા હતા. એ પડછાયો કોઈ માનવનો નહિ પણ કોઈ રાની પશુનો હોય એવો હતો. રાધાએ ચીસ પાડી... એની સાથે સાથે ભરતના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ.
“આ શેની ચીસાચીસ કરી મેલી છે?” બોલતા ડૉક્ટર આકાશ હોલમાં પ્રવેશ્યા. એમની નજર પણ દીવાલ પર ગઈ. હવે એ પડછાયો મોટોને મોટો થઈ રહ્યો હતો. આખી દીવાલ એનાથી ભરાઈ ગઈ એ પછીયે એ વિસ્તરતો રહ્યો... એ નીચે સફેદ ટાઈલ્સ પર વધતો વધતો ડૉકટરના પગ સુધી પહોંચ્યો અને એ વિખરાયેલી લટો સાપની જેમ ડૉકટરના પગ પર વીંટળાઈ વળી. ડૉ.આકાશે ભાગવાનો પ્રયાસ કર્યો પણ એ ત્યાંથી જરાય હલી ના શક્યા. કોઈ મજબૂત દોરડાથી એમનું કમર સુંધીનું શરીર જમીન સાથે જાણે બાંધી દીધું હતું. એક જોરદાર પવનની વાછટ આવી. બારી સ્ટોપર તોડીને ખુલી ગઈ. એ પવને રુમની બંને મીણબત્તી બુઝાવી દીધી. ઘોર અંધકાર છવાઈ ગયો. રાધા ચીસો પાડી રહી હતી. ડોક્ટર ‘કોણ છે! સામે આવ!’ એમ કહી રહ્યા હતા. ભરત આંખો મીચી જાણે એના જીવનની છેલ્લી ઘડી આવી પહોંચી હોય એમ નિષ્ક્રિય બની બેસી રહ્યો હતો. ત્યારેજ રૂમમાં લટકતી નાની, ઝીરો વોલ્ટની ગોળી ચાલુ થઈ. એક સફેદ ગાઉન પહેરેલો સ્ત્રીનો સાયો ઉડતો ઉડતો આવીને ભરત સામે ઊભો રહ્યો, એના હાથમાં એક કપ હતો.
“ભરત તને ચા પીવી હતી ને! જો હું લઈ આવી!” એ પડછાયાએ કપ ભરત સામે ધર્યો.
“તું..તું...મીરા છે ને? મારી ફેસબુક ફ્રેન્ડ! મને માફ કરી દે...! હવે કોઈ દી તારી મજાક નહિ ઉડાવું.” કગરી રહ્યો.
“માફ કરી દઉં! પણ હું તો તારાથી જરાય નારાજ નથી. ચાલ હવે ચા પી લે.” પેલો પડછાયો અટ્ટહાસ્ય કરીને બોલ્યો. ભરતે ચાનો કપ મોઢે માંડ્યો. કંઇક અજીબ ટેસ્ટ આવ્યો. એણે ઝાંખા પ્રકાશમાં કપની અંદર નજર નાખી... અંદર લોહી હતું. એક ચીસ સાથે એણે એના મોઢામાં ભરેલો ઘૂંટડો બહાર થૂંકી કાઢ્યો. એના કપડા, મોઢું બધું લાલ રંગે રંગાઈ ગયું. પેલી ચુડેલ કાન ફાટી જાય એવા મોટા અવાજે હસી રહી. રાધા બેહોશ થઈને ઢળી પડી. ડૉ. આકાશ જોર જોરથી હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો. બહારથી બીજી ચાર ચુડેલ અંદર આવી. એ ચાર અને અંદરવાળી એક એમ બધી ભેગી થઈને ડોક્ટરને ઘેરી વળી. એમના મોઢામાંથી આગ વરસી રહી હતી. એ પાંચે જણીએ ડોકટરની ફરતે કુંડાળું રચ્યું હતું અને ડૉક્ટર પર આગની જ્વાળાઓ ફેંકી રહી... ડૉ. આકાશ બધું ભૂલીને, આંખો બંધ કરીને હનુમાનચાલીસા બોલી રહ્યા. આખરે લાઈટ આવી ગઈ. એ બધી ચુડેલ ગાયબ થઈ ગઈ. ભરત એની જગાએથી ઊભો થયો અને ડૉક્ટરનો હાથ પકડી એમને કહ્યું, “એ બધું ગાયબ થઈ ગયું.”
ડોક્ટરે આંખો ખોલી. એમની નજર લોહિયાળ ભરત પર ગઈ. એ કંઈ પૂછે એ પહેલા જ ભરતે જણાવ્યું કે પોતે ઠીક છે. હવે બંનેની નજર લીનાના પલંગ પર ગઈ. ત્યાં લીના ન હતી. સિસ્ટર માર્થા પણ ગાયબ હતી...બીજા દર્દીઓ ઊંઘી રહ્યા હતા. બહારનો સિક્યોરિટી ગાર્ડ દોડતો અંદર આવ્યો હતો.
“સાહેબ સિસ્ટર માર્થાનું એક્સીડન્ટ થયું છે. એ બહારની તરફ દોડીને આવતી હતી અને અંધારામાં જ જોયા વગર સામેના રોડ ઉપર ભાગી હતી. એક ટ્રકે એને હડફેટે લીધી. બધા ભાગીને બહાર રોડ ઉપર ગયા. સિસ્ટર માર્થા લોહીલુહાણ હાલતમાં એના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. ડૉ. આકાશે એના માથે હાથ મૂકીને પૂછ્યું, “લીના ક્યાં છે,સિસ્ટર?”
મરતા મરતાય માર્થા હસી હતી. “મેં મારું કામ બરોબર કર્યું. લીનાને ઊંચાઈએથી કૂદીને આત્મહત્યા કરવાની હતી. એણે કરી...” એક આંચકી આવી અને માર્થાએ દેહ છોડયો. એની આંખો હજી વ્હાઈટ ડવ તરફ મંડાયેલી હતી.
*******
શશાંક પ્રોફેસર નાગ સાથે રાતના દસ વાગે સાપુતારા આહવા રોડથી આગળ નીકળી ચૂક્યો હતો. કાવ્યાને ડૉક્ટર રોય પાસે શિલ્પીમાંજ આરામ કરવા રાખેલી. પ્રોફેસર સાથે એમના બીજા બે માણસો અને એક ડ્રાઈવર હતો. જે જગાએ શશાંકનો ભેંટો કાવ્યા અને ડૉ.રોય સાથે થયેલો, કાપાલીથી છૂટ્યા બાદ એ જગાએ એ લોકો આવી ગયેલા. અહીંથી આગળનો રસ્તો શશંકને ખબર ન હતો, પણ એ જગ્યા સામે દેખાતા પર્વતની અંદર જ આવેલી છે એ વાત નક્કી હતી. પ્રોફેસરે એમના ગજવામાંથી એક નાનું ઘડિયાળ જેવું યંત્ર નીકાળ્યું. એને હાથમાં રાખતા જ એમાં લાલ લાઈટ થઈ અને એ એક બાજુ એરો બતાવવા લાગી.
“આ એક સરસ મશીન છે. એ નેગેટિવ ઊર્જાને માપે છે. જે તરફ વધારે નેગેટિવ ઊર્જા હોય એ તરફ એનો એરો બતાવે.” પ્રોફેસર નાગ એમના હાથમાં રહેલા ટચુકડા યંત્ર વિષે માહિતી આપતાં એ મશીનનો એરો બતાવે એ તરફ આગળ વધતા જતા હતા. એમની પાછળ બાકીના ચાર જણા હતા. આખરે એક જગ્યાએ એ એરો ગાયબ થઈ નાની પીળી બત્તી ચાલું થઈ.
“એ અઘોરી અહીજ અંદર હોવો જોઈએ જેમ્સ.” પ્રોફેસરે એક યુવકને ઈશારો કર્યો. એ યુવાને એના ખભે ભરાવેલી બેગમાંથી નાની નાની ડબલીઓ કાઢી અને પર્વતની દીવાલ જોઈ જોઈ કેટલીક જગાએ એ ડબલીઓ મૂકી. જેમ્સ આવા બધાં કામમાં માહિર હતો. વસ્તુને જોઇને જ એની રચના એના મગજમાં આવી જતી.બધા થોડા દૂર ખસી ગયા પછી જેમ્સે રિમોટ જેવું એક બટન દબાવ્યું. એક જોરદાર ધડાકો થયો અને પર્વતનો એક નાનકડો હિસ્સો એની જગાએથી તૂટીને નીચે પડ્યો. જેમ્સ રિમોટ પાછું બેગમાં મૂકીને, બેગ ખભે ભરાવી આગળ વધ્યો. એની પાછળ બીજા પણ ગયા. થોડીવાર ચારે બાજુ ધૂળ ઉડતી રહી પછી પર્વતની અંદરથી આવતી રોશનીની એક લકીર દેખાઈ, એક નાના કાણામાંથી! પોલો નામના, એક સાઉથ આફ્રિકન પહેલવાન જેવા પ્રોફેસર નાગ સાથે આવેલા માણસે એક લાત મારી એ કાણાં ઉપર. એ દીવાલ હલી પણ તુટી નહીં. અશાનીથી હાર માની લેવાનું પોલોના સ્વભાવમાં જ ન હતું. એ થોડે દૂર ગયો અને ભાગીને પાછો આવ્યો. ફરીથી એજ જગા ઉપર લાત મારી. આ વખતે એ દીવાલ પડી ભાંગી... બધા અંદર પ્રવેશ્યા.
“આ...આ...” હરિએ બૂમ પાડી. આ પાંચ જણાની ટીમમાં એજ સૌથી ડરપોક હતો, અલબત્ત એને ભૂતોથી ડર લાગતો. એને ભૂતની ખુબ બીક લાગતી અને એટલેજ એ પંજાબી પૂતર પ્રોફેસર નાગની સાથે જ રહેતો. એને પ્રોફેસર ઉપર વિશ્વાસ હતો. હેરી એક કાર રેસર હતો. એકવાર એનો જીવલેણ અકસ્માત થયેલો. એ દિવસે એ તો બચી ગયેલો પણ એની સાથે બેસેલો એનો એક સાથીદાર ત્યાં ને ત્યાં ખલાસ થઇ ગયેલો. સાથીદાર મારી ગયો પછી એની આત્મા હેરીને દેખાવા લાગેલી. કંઈ કામમાં એ વ્યસ્ત હોય અને અચાનક એને મહેસુસ થતું કે કોઈ એને તાકી રહ્યું છે. ઘણીવાર એ એના મૃત સાથીદારની આત્માને એની પાસે ઉભેલી જોતો! એ શ માટે એનો પીંછો કરે છે એ એના સમજમાં નહતું આવતું. જ્યારે પણ એ રેસમાં ભાગ લેતો ત્યારે છેલ્લી ઘડીમાં એને રસ્તા ઉપર એના સાથીદારની આત્મા ઉભેલી દેખાતી અને એ બ્રેક મારી ગાડી થોભાવી દેતો, રેસમાંથી બહાર ફેંકાઈ જતો. આખરે એણે રેસિંગની કેરીઅર છોડી પ્રોફેઅર નાગની મદદ માંગેલી અને ત્યારનો એ પ્રોફેસરની સાથે જ રહેતો હતો.
“વોટ હેપંડ હેરી?” પોલોએ ગજવામાંથી ગન કાઢી પૂછ્યું. એ હરિને હેરી કહેતો. હરિએ એમને તાકી રહેલા ભયાનક, જંગલી કૂતરા તરફ આંગળી ચીંધી. પોલોએ એની લેસર ગનમાંથી એક શોટ ફાયર કર્યો. એક નાની લાલ લાઈટ એ વિકરાળ કૂતરાના માથે થોડીવાર ચમકતી દેખાઈ અને એ કૂતરો હવામાં ભડકો થઈને ગાયબ થઈ ગયો.
એ લોકો કાવ્યા જે જગાએ આવી હતી ત્યાં જ હતા. અહીંજ કાવ્યાએ એ કૂતરાનું માથું લટકતું જોયું હતું. કપાયેલું માથું! થોડેક આગળ જતાં જ સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી ઉડતી ઉડતી આવી અને આ લોકોને ડરાવવા માટે મોટેથી હસી...
“આહ, આ સાઉન્ડ મને સખત ઈરીટેટ કરે છે. સોરી પ્રોફેસર પણ આને બંધ કરવી જ પડશે.” જેમ્સે એની નાની લીલીપૂટ જેવડી લેસર ગનમાંથી એ ચુડેલના પેટ પર ફાયર કર્યું. એ પણ ભડકો થઈને ગાયબ થઈ ગઈ. એ લોકો પાસેના હથિયાર આજના જમાનાના અત્યંત આધુનિક ભુતનાશક યંત્રો હતા જેને આખી દુનિયાના વૈજ્ઞાનિકોએ પોતપોતાના કામ અને જરૂરિયાત મુજબ સુધારા વધારા કરે જઈને બનાવ્યા હતા.
“આપણે અહીં કાપાલીને શોધવાનો છે. એનો અડ્ડો કદાચ આપણને સીધો નહિ દેખાય. એણે એને દુનિયાની નજરથી છુપાવી રાખ્યો હશે.” પ્રોફેસર બોલ્યા.
“કાવ્યાએ કહેલું કે એક મોટી ગુફા હતી એમાં એક ટેબલ જેવા ગોળ પથ્થર પર એને ડૉક્ટર રોય પડેલા મળેલા અને ત્યાં એક વિશાળ મૂર્તિ હતી જેની નીચે કેટલાક કાપાલી જેવા જ માણસો કંઇક પૂજા કરી રહ્યા હતા. એ લોકો એ મૂર્તિની જ પૂજા કરી રહ્યા હતા.” શશાંકે કહ્યું.
“એ કાપાલીની અદૃશ્ય દુનિયા એ ઈચ્છે તો જ આપણે એને જોઈ શકીએ.” પ્રોફેસરે જોરથી કહ્યું, “કાપાલી... કાપાલી...ક્યાં છુપાઈને બેઠો છે, સાલા ચોર! ગુરુના હત્યારા! અઘોરીનાથનો શિષ્ય કહેવડાવવાને તું લાયક નથી. અઘોરીનાથને જાણ થઇ જ ગયેલી કે તું કેટલો નીચ માણસ છે એટલે જ એમણે તને કોઈ વિદ્યા આપી જ નહિ. બે ચાર મંત્રો શીખીને તું આખી દુનિયા પર રાજ કરવાના સપના જુએ છે! તારા જેવો પાગલ મેં આજ સુંધી ક્યાંય જોયો નથી. તું ગમે તેટલા પ્રયત્નો કરી લે તું નાવશીખીયો જ રહેવાનો.” પ્રોફેસરે કાપાલી ગુસ્સે થાય અને જાતે જ સામે આવી જાય એટલે આ ચાલ ચાલી હતી અને એમાં એ સફળ રહ્યા. ગુસ્સાથી ધગધગતો કાપાલી હવામાંથી પ્રગટ્યો હતો.
“મરવા માટે બહું ઉતાવળા થઈ રહ્યા છો! તમારા જેવા મચ્છરો કાપાલીનો સામનો શું કરવાના!” કાપાલીએ એક હાથ હવામાં ફેંક્યો અને એમાંથી એક આગનો ગોળો ઉડીને આવ્યો. એ ગોળો પ્રોફેસર સુંધી પહોંચે એ પહેલા જ પોલોએ વચ્ચે આવીને એ ગોળા પર એક જોરદાર લાત ઝીંકી હતી. ગોળો કાપાલીના શરીરમાંથી પસાર થઈ ગયો અને હવામાં જ કોઈક અદ્રશ્ય વસ્તુ સાથે ટકરાયો હતો. એક મોટો ભડકો થયો.
“આ...આ... તે મારી દેવીની મૂર્તિને માર્યું. એ પણ આજના દિવસે. હું તને જીવતો નહિ છોડુ...” કાપાલીની આ ચીસ સાથે જ હવામાં બધું સાફ સાફ દેખાવા લાગ્યું. પોલોની લાત ખાઈને આગળ ગયેલો ગોળો કાપાલીની દેવીની મૂર્તિ સાથે અથડાયો હતો. એ મૂર્તિ કપાલીએ રચેલી માયાને લીધે અદ્રશ્ય હતી અજાણતા જ એના ઉપર આગનો ગોળો ટકરાયો હતો અને કાપાલીની એક માયાનો અંત આવ્યો હતો, એની અદ્રશ્ય દુનિયા હવે બધાંને દેખાતી થઇ ગઈ...
ગુફાની વચ્ચેના ભાગમાં પથ્થરમાંથી કોતરીને બનાવેલ મોટું, દસ માણસો આરામથી બેસી શકે એવડું મોટું ટેબલ દેખાવા લાગ્યું. બરોબર એ ટેબલની સામે જ એક દેવીની વિશાળ મૂર્તિ હતી. એ દેવીના ચાર હાથ હતાં અને દરેક હાથમાં એક એક હથિયાર હતું. એના ગળામાં માનવશીશની માળા લટકતી હતી. દેવીની આગળ ચાર, અદ્દલ કાપાલી જેવાજ ચાર માણસો હવનકુંડ પ્રગટાવી કંઇક મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અગ્નિમાં આહુતિ આપી રહ્યા હતા. એ આહુતિથી વાતાવરણમાં કંઇક અજીબ બદબું ફેલાતી હતી. એ ચારેય એક સાથે જ મંત્ર બોલતાં હતા. જાણે એ ચારેયના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હતો.
આગનો ગોળો મૂર્તિના એક હાથ સાથે ટકરાયો હતો. એ હાથમાં પકડેલું તલવાર જેવું કંઇક શસ્ત્ર નીચે પડી ગયું હતું. મંત્રોચ્ચાર કરી રહેલા ચારે લોકો અટકી ગયા હતા. એમનું ધ્યાનભંગ થયેલું. આ એમના માટે આઘાત જનક હતું. આટલા વરસોમાં કોઈ માણસે આવી હિંમત નહતી કરી. એમની પૂજામાં વિધ્ન આવ્યું હતું. અત્યાર સુધીની બધી મહેનત નક્કામી ગઈ હતી. વરસોથી સેવેલું સપનું પૂર્ણ થવાના આરે હતું ત્યારેજ આવી પડેલ આ વિગ્નથી કાપાલી ગીન્નાયો હતો. અચાનક એનું રૂપ બદલાઈ ગયું. એ એક શશક્ત નવ યુવકના રૂપમાં આવી ગયો એની આંખો એકદમ સફેદ અને ચમકતી હતી, એના દાંત તીણા અને લાંબા થઇ ગયા એના હાથમાં એક ત્રિશુળ આવી ગયું અને એ ત્રિશુળ વીંઝતા જ એમાંથી તીરની જેમ આગ વછુટવાલાગી હતી. કાપાલીએ ગુસ્સે થઈને બધાની ઉપર આગના તીર વરસાવ્યા...! બધા લોકો પથ્થરના ટેબલની ઓથે છુપાઈ ગયા. પ્રોફેસરે એમના કોટના ગજવામાંથી એક નાનું યંત્ર કાઢ્યું અને ચાલુ કર્યું. એમાંથી ઓમ...ઓમ...ઓમ...નો નાદ એકધારા સુરે આવે જતો હતો. કાપાલીએ આ અવાજ એનાથી સહેવાતો ના હોય એમ એના કાન બંધ કરી દીધા.
“બંધ કર આ અવાજ...” એણે રાડ પાડી. એની પ્રતિકૃતિ જેવા પેલા ચાર લોકો ફરીથી એમનો મંત્ર બોલવા લાગ્યા પણ પહેલા જેવું એક સૂરે ના ગાઈ શક્યા. એમના અવાજ કરતા આખી ગુફામાં ઓમકારનો સ્વર વધારે ઝડપથી પ્રસરી રહ્યો. કાપાલી અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયો.
“એ ક્યાં ગયો?” હરિએ બહાર ડોકિયું કરીને પૂછ્યું
“એ બધી આત્માઓ જ્યાં કેદ કરી રાખી હશે ત્યાં ગયો છે. એ જગ્યા પણ અહીં જ છે આપણે એ જોઈ નથી શકતાં.” પ્રોફેસરે આટલું કહીને એમના કોટના ગજવામાંથી એક ચશ્મા કાઢ્યા અને પહેર્યા. “હમમ... હવે એ ગાયબ દુનિયા મને દેખાય રહી છે. કાચની મોટી મોટી બોટલોમાં એક એક આત્મા પુરેલી છે. અહીં શશાંક તારી ડાબી તરફ જ એક બોટલ છે એમાં એક યુવાન કન્યાની આત્મા છે, એની બાજુમાં એક આધેડ ઉંમરની બાઈ, એનાથી આગળ એક ઘરડી બાઈ, એક ખાલી બોટલ છે એ જરૂર દિવ્યાના ગયા પછી ખાલી પડી હશે એ હજુ ખાલી જ છે મતલબ કાપાલી દિવ્યા કે લીના કોઈને લાવી શક્યો નથી..! એની પૂજામાં બાધા પડી એટલે એની રચેલી માયાનો અંત આવ્યો છે. એટલેજ એ મુકાબલો કરવાને બદલે એ ભાગી ગયો. અહી ટોટલ આંઠ આત્માઓ છે આપણે આ બાકીની આત્માઓને પણ મુક્ત કરાવી દઈએ તો એને જબ્બર ફટકો પડશે.”
“તોડી દઉં પ્રોફેસર...” પોલો જાણે રાહ જોઈને જ ઉભો હોય એમ બોલતાની સાથે જ એક પગ હવામાં ઉછળ્યો અને શશાંકની બાજુમાં એક લાત ઠોકી. એને પગે પથ્થર વાગ્યો બીજું કંઈ ન થયું...
“એ આમ નહિ તૂટે. આપણા માટે એ હવા છે!” શશાંકે કહ્યું, “ડૉક્ટર રોયે એમાંથી દિવ્યાને મુક્ત કરાવી હતી. એમણે એ કઈ રીતે કર્યું હશે?”
“કોઈએ એમની મદદ કરી હોવી જોઈએ.” જેમ્સ બોલ્યો.
“કોણ? કાપાલીની વિરુદ્ધ જવાની હિંમત કરે એવું કોણ હોઈ શકે?” હરિએ પૂછ્યું.
“એ હું હતો.” ધીરે ધીરે ધુમાડામાંથી એક આકાર રચાયો.
“જ્યોર્જ વિલ્સન!” શશાંક એને જોતા જ બોલી ઉઠ્યો.
“હા કાપાલીએ મારી મદદ કરી બદલામાં મેં એને મારા શરીરનું દાન કર્યું. પણ એણે મારા શરીર સાથે મારી આત્માને પણ તફડાવી લીધી! મારી આત્માને એણે મુક્ત ના થવા દીધી. એણે ડૉક્ટર રોય સાથે મને પણ અહીં કેદ કરી રાખેલો. મેં જ દિવ્યાની આત્માને મુક્ત કરાવવા એની મદદ કરેલી. એનો એક મંત્ર છે. હાથમાં પાણી લઈ એ મંત્ર બોલીને પાણી બોટલ પર છાંટી દેવાથી બોટલ તૂટી જશે અને એ આત્મા કેદમાંથી આઝાદ થઈ જશે.” જ્યોર્જના આત્માએ કહ્યું અને એ મંત્ર એણે શશાંકના કાનમાં કહ્યો.
શશાંકે પ્રોફેસર સામે જોયું, એમણે આંખોથી જ સંમતિ આપી. શશાંક હાથમાં પાણી લઈ જ્યોર્જે એના કાનમાં કહેલો એ મંત્ર બોલવા જ જતો હતો કે, પ્રોફેસરે એને અટકાવ્યો.
“સ્ટોપ શશાંક! એક અક્ષર ના બોલતો. આ જ્યોર્જના રૂપમાં આવેલો કાપાલી છે. જેવો તું મંત્ર બોલીશ એ સાથેજ આ બધી બોટલો બોમની જેમ ફૂટશે અને આખી ગુફા પથ્થરોથી પુરાઈ જશે. આપણે બધા એમાં દબાઈને મરી જઈશું...” પ્રોફેસરે લગભગ ચીસ પાડીને કહ્યું.
બધા સાવધ થઈ જ્યોર્જ તરફ એમની ગન તાકી રહ્યા. એ હસી રહ્યો હતો. ખડખડાટ..હાસ્ય! “તમે મને ક્યારેય ખતમ નહિ કરી શકો! હું પાછો આવીશ! કાપાલીની શક્તિઓને તમે હજી જાણતા નથી. હું પાછો આવીશ!” જ્યોર્જ બદલાઈને કાપાલી થયો અને કાપાલી પાછો ગાયબ થઈ ગયો.
“મેડમ અહીં છે?” હરિએ પૂછ્યું.
“હા એણે જ છેલ્લી ઘડીએ આવીને મને જ્યોર્જનું રહસ્ય જણાવ્યું.” પ્રોફેસર હવામાં તાકી રહીને બોલતા હતા. એમની નજર એમની મૃત પત્નીની આત્માને જોઈ રહી હતી. પ્રોફેસર નાગ એમની પત્નીને ખુબ જ ચાહતા હતા એક જીવલેણ બીમારીનો ભોગ બની એ આ દુનિયામાંથી વિદાઈ થઇ છતા ના પ્રોફેસર એને ભૂલી શક્ય ના એ પ્રોફેસરને! હવે એ આત્મા રૂપે પાછી આવી છે અને પ્રોફેસરની સાથે જ રહે છે. પ્રોફેસરના આત્માઓ વિશેના સંશોધનમાં એ પણ પુરતો રસ લે છે અને ઘણી વખતે સમયસર આવીને પ્રોફેસરને એમની ઉપર તોળાઈ રહેલા ખતરાની આગોતરી જાણ કરી જાય છે.આજે પણ એણે એજ કર્યું અને બધાંને ખોટો મંત્ર બોલી મોતને આવકારતા રોકી લીધા.
“આ કેદ કરેલી આત્માને મુક્ત કરવાનો રસ્તો બતાવો, શ્રીમતી નાગ!”
શ્રીમતી નાગની આત્મા સહેજ હસી અને પોતાના પતિના શરીરમાં પ્રવેશી. એણે દરેક આત્મા પાસે જઈને પોતાનો હાથ આપ્યો અને એ હાથ પકડી એ બધી આત્મા એક પછી એક એ કાચની મોટી બાટલીમાંથી બહાર આવી ગઈ..! મશાલની પીળી રોશની ઝાંખી પડી જાય એટલું અજવાળું આ અંધારી ગુફામાં ફેલાઈ ગયું. જાણે ગુફામાં સૂરજ ઊગ્યો હોય.. અને બધી આત્મા એ સૂરજની રોશનીમાં એક એક કરીને એકરૂપ થઈ ગઈ... આંઠ આત્માઓ એ અદ્ભુત રોશનીમાં વિલીન થઇ ગઈ પછી એક નાનકડી જ્યોત આવી હતી. એ બહારથી અહી આવેલી એ થોડી વાર પ્રોફેસર નાગ સામે અને થોડીવાર શશાંક સામે ઉભી રહીને એ દિવ્ય રોશનીમાં ભળી ગઈ હતી. પ્રોફેસરના ચહેરા પર એક સ્મિત આવી ગયું. બધું અજવાળું અચાનક ગાયબ થઈ ગયું અને ત્યાં રહી ગઈ એક જર્જરિત નોંધપોથી! પ્રોફેસરે એ ઉઠાવી લીધી. એના બે ચાર પાના ઉથલાવીને જોતાજ એમની આંખો ચમકી હતી એ ચમક શશાંકે નોંધી હતી.
“આ ડાયરી પ્રોફેસર!” જેમ્સ બોલ્યો.
“આ અઘોરીનાથની નોંધપોથી છે જેમાંથી કાપાલી આ બધુ જાદુ, આ તંત્ર મંત્ર શીખતો હતો.” પ્રોફેસરે કહ્યું, “કાપાલીની આત્મા પણ આમાં કેદ થઈ ગઈ છે. એ ગાયબ થયો છે એની ઈચ્છાઓ નહિ! એ આ ડાયરીના માધ્યમથી જ બહાર આવશે અને ફરી પોતાનું અસ્તિત્વ સ્થાપવા પ્રયત્ન કરશે. આ નોંધપોથી હું મારી પાસે રાખીશ.”
“પણ પ્રોફેસર એને જલાવી દો ને!” પોલોએ રસ્તો બતાવ્યો.
“જલાવી દેવાથી તો એમાં રહેલું અમૂલ્ય જ્ઞાન નસ્ટ થઈ જશે, જે આમાં કેદ છે એતો બીજી કોઈ વસ્તુમાં ચાલ્યો જશે. આત્મા અમર છે એને કોઈ અગ્નિ બાળી ના શકે! કાપલીને આપણે કેદ કરી શકીએ મારી ના શકીએ જ્યાં સુંધી એ આ ડાયરીમાં કેદ છે ત્યાં સુંધી આપણે એની ચિંતા કરવાની જરૂર નથી એ પાછો આવે, આ કેદમાંથી મુક્ત થાય એ દિવસે જોયું જશે!”
**************
અહીં કાપાલીની માયાજાળ સંકેલાઈ એ સાથે જ વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલમાં લાઈટ આવી ગયેલી. બધી રખડતી આત્માઓ ગાયબ થઈ ગયેલી જે કાપાલીની માયા હતી. જ્યારે ડૉ. આકાશ પર શશાંકનો ફોન આવ્યો ત્યારે એણે કહેલું કે લીનાને ઊંચાઈએથી કૂદીને આત્મહત્યા કરવા પ્રેરવામાં આવશે. આ કામ માર્થા દ્વારા જ કરાવાશે. આગળ માર્થાએ એને બારીની પાળી ઉપર ચઢાવેલી એ યાદ કરી શશાંકે વિચારેલું. એટલે જ એના કહેવા પર ડૉક્ટર આકાશે અને ભરત ઠાકોરે કોઈને કંઈ જાણ કર્યા વગર લીનાના રુમની બારી નીચે જ્યાં પથ્થરની બનેલી ફરસ હતી ત્યાં ગાદલા પાથરી દીધા હતા. એકની ઉપર બીજું એમ ત્રણ લેયર કર્યા હતા. માર્થાની સાથે ગયેલી લીના ત્યાંથી કૂદી પડી હતી. માર્થાને એમ કે એનું કામ પુરૂ થયું અને ઉતાવળમાં એ ચેક કર્યા વગર જ ભાગવા જતી હતી ત્યાં જ એનો અકસ્માત થયો અને એ મરી ગઈ હતી...લીના ગાદલા ઉપર પડી હતી. હજી ઘેનની અસર હોવાથી બેહોશ હતી...! એ બચી ગઈ હતી.
હવેલીમાં એક ભડકો થયેલો અને બધી માટલીઓ તૂટી ગયેલી. એ જવખતે દિવ્યાનો આત્મા બધાને દેખાયેલો. એણે કહેલું કે, “કાપાલી હારી ગયો. કાવ્યા, પપ્પા, શશાંક બધા સલામત છે. મમ્મી તું ચિંતા ન કર. હું જઉં છું, કાવ્યાને મારી યાદ આપજે.એને કહેજે હું ખુબ ખુશ છું મારી બહેને આવીને મને બચાવી લીધી એ વાત જ મારી મુક્તિ માટે પુરતી છે. શશાંકને પણ યાદ આપજે, મારે જવું પડશે! મોડું થઈ રહ્યું છે! ફરી મળીશું આવત ભવે...” કાપાલીના અડ્ડા પર સૌથી છેલ્લે આવેલી જ્યોત એ દિવ્યાનો દિવ્ય આત્મા હતી જે એ રોશનીમાં વિલીન થઇ ગઈ, મુક્ત થઇ ગઈ!
શશાંક અને એની ભૂત પકડનાર ટીમ ‘વી ફાઈવ’ના સભ્યો સવારે સાપુતારામાં શિલ્પી રિસોર્ટ પહોંચ્યા ત્યારે કાવ્યા સંપૂર્ણ સ્વસ્થ હતી. શશાંક એકલો ત્યાં ચાલ્યો ગયો એટલે થોડી નારાજ હતી પણ સાથે સાથે શશાંકની બધી સાંભળીને ખૂબ ખુશ હતી કે બધું સમુસુતરું પાર પડ્યું. એની બહેન દિવ્યા અને વ્હાઈટ ડવ મેન્ટલ અસાયલમ ભૂતોના ત્રાસમાંથી હંમેશાં માટે મુક્ત થઇ ગયેલું એ નાનીસુની વાત ન હતી.એ લોકો પાછા વ્હાઈટ ડવમાં ગયા હતા અને ત્યાં રહેલા બધા જ માનવ અવશેષ ભેગા કરી એને અગ્નિદાહ આપેલો. માધવીબેન પોતાના પતિ,ડોક્ટર રોયને વરસો બાદ હેમખેમ પાછા આવેલા જોઈને આનંદમાં હતા. કાવ્યાને તો બેવડી ખુશી મળેલી, એકતો વરસો બાદ એને એના પાપા મળી ગયેલા અને બીજું કે શશાંક જેવો એના સપનાનો રાજકુમાર મળી ગયો!
વરસ પછી કાવ્ય અને શશાંક એમના જીવનમાં આગળ વધેલા. બંનેના લગ્ન થઇ ગયેલા અને એ લોકો વલસાડ છોડી શશાંકના પરિવાર સાથે અમેરિકા પાછા જતા રહેલા. વલસાડની હવેલી અને હોસ્પિટલ ડૉ. રોય અને માધવીબેનની દેખરેખ હેઠળ છે. ડૉ.આકાશ હવે કાયમ માટે વલસાડમાં જ સ્થાઈ ગયા હતા અને હોસ્પીટલમાં એમની ફરજ નિભાવી રહ્યા હતા. પ્રોફેસર નાગ, પોલો , જેમ્સ અને હેરી એમના જીવનમાં વ્યસ્ત હતા.
થોડા વરસ બાદ પ્રોફેસર નાગ એમની કોઈ કોન્ફરન્સમાં બહાર ગયેલા ત્યારે એમના ઘરના એક અલાયદા ઓરડાના કબાટમાં મુકેલી અઘોરીનાથની ડાયરી હલી રહી હતી...એમાંથી લાલ પીળી રોશની આવી રહી હતી! જાણે કાપાલી જણાવી રહ્યો હતો કે, એ હજી અહીં આ દુનિયામાં હાજર છે...