Sukhni chavi krushno Karmyog - 3 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 3

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૩ - પ્રાકૃતિક સમતુલન

સમગ્ર દુનિયા પ્રકૃતિએ રચેલી છે. મનુષ્ય પણ પ્રકૃતિએ રચેલું રમકડું છે. આજે ક્વોન્ટમ મુવમેન્ટ ઉપર રીસર્ચ કરનારા વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે The man is a toy of nature.

તેથી જેની પ્રકૃતિ સંમતુલીત છે તે મનુષ્ય સુખમય છે અને જેની પ્રકૃતિ વિકૃત થઈ અસંમતુલીત થઈ છે તે જ દુઃખી છે. પ્રકૃતિ ત્રણ ગુણોથી રચાયેલી છે. તેથી પ્રકૃતિને ત્રિગુણાત્મક કહેવામાં આવે છે. પ્રકૃતિના આ ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ છે.

કૃષ્ણએ ભગવદ્‌ ગીતાના સંદેશમાં સૌથી વધુ વાત પ્રકૃતિના આ ત્રણ ગુણો સંબંધી કરી છે. તેનું કારણ છે કે જીવન સદાકાળ આ ત્રણ ગુણોથી ઢંકાયેલું રહે છે. કૃષ્ણએ સત્વ, રજસ અને તમસ આધારીત ત્રણ પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના કર્મો, ત્રણ પ્રકારના કર્તા, ત્રણ પ્રકારની બુદ્ધિ, ત્રણ પ્રકારની ધારણા શક્તિ, ત્રણ પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારના દાન, ત્રણ પ્રકારના તપ, ત્રણ પ્રકારના યજ્ઞો વિગેરેની વિસ્તૃત ચર્ચા કરીને જીવનને સૌથી વધુ પ્રભાવિત કરનારા આ ગુણો સંબંધી અજોડ વિશ્લેષણ કર્યું છે. કૃષ્ણના આ વિશ્લેષણમાં પ્રકૃતિના ત્રણ ગુણોને જાણવાનો, જીવવાનો અને તેમાંથી મુક્ત થવાનો માર્ગ મળે છે.

ભારતના ચિંતનમાં જન્મ પામેલા ખટ દર્શનો એક વાત પ્રતિબદ્ધતાપૂર્વક કરે છે દુનિયાના તમામ જીવનોના કર્મો પ્રકૃતિના ગુણો જ ચલાવી રહ્યા છે અને તે સિવાય કોઈ અન્ય કર્તા નથી.

નોબલ પ્રાઈઝ વિનર બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્ઝે આપેલી ‘‘બિગ બેંગ’’ની થિયરી મુજબ દુનિયાની રચના એક વિસ્ફોટ (સ્પાર્ક) થી થઈ હોવાનો દાવો કર્યો છે. દુનિયાની રચના કેવી રીતે થઈ તે બાબતે વૈજ્ઞાનિક મંતવ્યોમાં છેલ્લામાં છેલ્લું મંતવ્ય સ્ટીફન હોકિંગ્ઝનું છે.

દુનિયાના વિવિધ ધર્મો અને સંપ્રદાયોએ દુનિયાની રચના બાબતે પોત પોતાના મંતવ્યો આપેલા છે. કોઈ કહે છે કે ભગવાને પહેલા દુનિયા બનાવવા માટેના તત્વો આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ વગેરે બનાવ્યા અને પછી દુનિયા બનાવી. કોઈ કહે છે કે ભગવાને તેના મુખથી ચાંદ, તારો અને પૃથ્વીને વોમિટ કર્યા છે. કોઈ કહે છે કે પૃથ્વી જળમાં ડૂબેલી હતી ત્યાંથી બહાર કાઢીને પછી તેના માટે દુનિયા બનાવી છે.

સ્ટીફન હોકિંગ્ઝ કહે છે કે દુનિયા ભગવાને નથી બનાવી પણ દુનિયા એક ‘‘બિગ બેંગ’’થી સર્જાયેલી છે. કર્તાની ભાષામાં ભગવાને ઉભા રાખી શકાય તેમ નથી. જો ભગવાને દુનિયા બનાવી છે તેમ માનવામાં આવે તો બીજો પ્રશ્ન થાય છે કે ભગવાને દુનિયા બનાવી તે પહેલા ભગવાન શું કરતા હતા ? જેથી હોકિંગ્ઝ તેનો મજાકમાં જવાબ આપતા કહે છે કે ભગવાને દુનિયા બનાવી છે તેમ માન્યા પછી આવા પ્રશ્ન પૂછવા વાળાને ફરજીયાત કહેવું પડશે કે દુનિયા બનાવતા પહેલા ભગવાન તમારી જેવા પ્રશ્નો કરવાવાળા માટે નર્ક બનાવતા હતા.

હોકિંગ્ઝનું કહેવું છે કે ‘‘The world is a creation of Bib Bang and not of the God.’’

અર્થાત્‌ દુનિયા બિગ બેંગનું સર્જન છે, ભગવાનનું નહીં. હોકિંગ્ઝની આ વાત રૂઢીચુસ્ત ધાર્મિકોને પસંદ નથી પડી. પરંતુ હોકિંગ્ઝની વાતને કૃષ્ણનું પણ સમર્થન મળે છે. કૃષ્ણ પણ કહે છે કે દુનિયાને રચવાવાળું, અને વિસર્જન કરવાવાળું તત્વ પ્રકૃતિ છે. હિંદું ફિલોસોફીમા દુનિયા રચવાવાળા તત્વને બ્રહ્મા, પોષવા-પાળવાવાળા તત્વને વિષ્ણુ અને વિસર્જન કરવાવાળા તત્વ તરીકે શીવને માનવામાં આવ્યા છે. આ ત્રણ દેવો પણ પ્રકૃતિના સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણતત્વોને ધારણ કરતા હોવાથી તે પ્રકૃતિમય છે. પરમાત્મા સ્વયં અકર્તા છે. પરમાત્મા ન દુનિયા બનાવે છે, ન ચાલવે છે અને નતો વિસર્જીત કરે છે. કૃષ્ણના શબ્દોમાં કહીએ તો -

‘‘મયાધ્ક્ષેણે પ્રકૃતિ સૂયતે સચરાચરમ

હેતુનાનેન કૌન્યેય જગદ્રીપરીવર્તતે’’ (ગી.અ.૯-૧૦)

કૃષ્ણના મત અનુસાર પરમાત્માની અધ્યક્ષતામાં પ્રકૃતિ જ આ જગતને રચે છે અને તે સિવાય અન્ય કોઈ જગતને ચલાવનારું તત્વ નથી. પરંતુ કૃષ્ણ અને હોકિંગ્ઝની વાતમાં થોડું અંતર છે. હોકિંગ્ઝે ‘બિગ બેંગ’ને જગતની ઉત્પતિનું કારણ બતાવ્યું છે તેમાં પણ બીજો પ્રશ્ન મોજૂદ રહે છે કે બિગ બેંગથી જગત ઉત્પન્ન થયું તો બિગ બેંગને કોણે ઉત્પન્ન કર્યો ? ફક્ત કૃષ્ણની વાત નિઃશ્પ્રશ્ન સુધી પહોંચે છે. કૃષ્ણ કહે છે કે પરમાત્માની અધ્યક્ષતામાં પ્રકૃતિ જગતને રચે છે, પાળે છે એ સંહારે છે. જગતની ઉત્પતિ, સ્થિતિ અને સંહાર પરમાત્માની અધ્યક્ષતામાં પ્રકૃતિ કરતી રહે છે. અને તેનાથી આ જગતનું ચક્ર ફર્યે રાખે છે. જેમ વિજળીની હાજરીમાં ટ્યુબલાઈટ અને બલ્બ પ્રકાશિત થાય છે, પંખો ફરે છે અને ટી.વી., ફ્રીઝ, મોટર જેવા યંત્રો ચાલે છે તેમ પરમાત્માની હાજરીમાં પ્રકૃતિ જગતના કાર્યો કરે છે.

જ્યારે એક બલ્બ કે ટ્યૂબલાઈટ પ્રકાશિત થાય છે ત્યારે વિજળી પ્રકાશિત થાય તેમ કહેવું ખોટું છે, કારણ કે પ્રકાશિત થવા માટે બલ્બનું ફિલામેન્ટ સળગે છે. જો ફિલામેન્ટના તાર ટૂટી ગયા હોય તો વિજળી હોવા છતાં બલ્બલ પ્રકાશિ શકતો નથી. વળી વિજળી બલ્બને તેના ફિલામેન્ટથી સળગાવવા પ્રેરિત કરે છે તો પંખાને ફેરવે છે. પંખાની મોટર વિજળીની શક્તિથી ફરીને પંખો ફેરવે છે. વિજળી પંખામાં ન તો ફરે છે ન બલ્બમાં સળગે છે. ફક્ત વિજળીની હાજરી હોય છે. જો વિજળી ન હોય તો બલ્બ, ટ્યૂબલાઈટ કે પંખો તેના કોઈ કામ કરી શકતા નથી. તે રીતે પરમાત્મા (ભગવાન)ની અધ્યક્ષતામાં પ્રકૃતિ જ સમગ્ર જીવન રચે છે, પાળે છે અને સંહારે છે. પ્રકૃતિ સ્વયં ત્રિગુણાત્મક હોવાથી તેના ત્રણ ગુણોથી સમગ્ર જીવનની રચનામાં સમાયેલી છે. જીવનમાં રચાતા સુખ-દુઃખ, હર્ષ-શોક, શાંતિ-અશાંતિ વિગેરે તમામનું કારણ રૂપ પ્રકૃતિ અને તેના ત્રણ ગુણો છે. જીવનની વિવિધતાઓને સર્જવા માટે પ્રકૃતિએ ત્રણેય ગુણોમાં વિવિધતાઓ ભરી છે. તે વિવિધતાઓ મુજબ એકબીજા ગુણો એક બીજાને સહાયક પણ છે અને ક્યાંય વિરોધાભાસ પણ છે. આ ગુણોના સ્વભાવ જણાવતા કૃષ્ણ કહે છેઃ

तत्र सत्वं निर्मलत्वा प्रकाशकमनामयम

सुख संगेन बंधाति ज्ञान संगेन चानध

रजो रागात्मकविद्धि तृष्ण संग समुदभवम्‌

तन्निबंधाति कौन्तेय कर्म संगेन देहिनाम

तमसत्व अज्ञानजम विद्धि मोहनम सर्वदेहीनाम

प्रमादालस्य निद्राभि स्तन्निबंधाति भारत (गी.अ.१४-६, ७,८)

ઉપરોક્ત વર્ણવેલા ગુણોને જોતા રજોગુણ અને તમોગુણ બંને પરસ્પર વિરોધી લાગે છે કારણ કે એક રાગ અને તૃષ્ણાથી જન્મ પામે છે તો બીજો ગુણ જ્યાં કોઈ રાગ કે તૃષ્ણાનું પણ જ્ઞાન નથી તેવી અજ્ઞાનમય સ્થિતિમાંથી જન્મ પામે છે. એક ગુણ કર્મો સંગ જોડે છે તો બીજા ગુણ કર્મોના અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ જેવા પ્રમાદ અને નિદ્રાથી જોડે છે. એક ગુણ છે જે દોડાવે છે અને બીજો ગુણ છે જે સુવડાવે છે.

પરંતુ જીવનમાં વિરોધાભાસની પણ જરૂર છે. જે બરાબર સુતો નથી તે બીજે દિવસે કોઈ દોડ લગાવવા સમર્થ થઈ શકતો નથી. દોડવા માટેની શક્તિઓ સુવાથી મળે છે. જ્યારે નિદ્રાનો પ્રમાદ દોડવાના પરિશ્રમથી હટે છે. ગુણોના આ ચક્ર ફર્યે રાખે છે તેથી જ ધબકતું જીવન છે.

સામાન્યપણે રજોગુણ તૃષ્ણા અને કર્મોથી બાંધતો હોવાના કારણે અને તમોગુણ પ્રમાદ, આળસ અને નિદ્રાથી બાંધતો હોવાના કારણે અધ્યાત્મવિદોએ તેની ટીકા કરેલી છે. જ્યારે ઘણા ખરાએ સમજ્યા વગર પણ ટીકાઓ કરેલી છે. જે ટીકાઓથી આ ગુણો પ્રત્યે એક તિરસ્કારનો ભાવ પેદા થયો છે. જે તિરસ્કૃત ભાવ ખોટો અને જીવનને દુઃખી બનાવનારો છે. જીવનમાં તમોગુણ અને રજોગુણનું પણ એટલું જ મહત્વ છે જેટલું મહત્વ સત્વગુણનું છે.

ખરેખર સત્વગુણ એ તમોગુણ અને રજોગુણની સમાનાવસ્થાનું જ નામ છે. જેમ એક પરમાણુના ઈલેકટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોન એકબીજાના આશ્રયભૂત છે તેમ આ ત્રણેય ગુણો એકબીજાને આશ્રયભૂત છે. તેથી રજોગુણ અને તમોગુણ સમાનરૂપે રહે છે ત્યારે સત્વાવસ્થા પ્રતિત થાય છે અને જ્યારે તેમા કોઈ અતિ કે ન્યૂન્યતા આવે છે ત્યારે સત્વગુણ દબાઈને સમતુલા વિખાઈ છે. જીવનનું ચક્ર ચલાવવા માટે એક બીજા ગુણો પોતાની જ રીતે પોતાની અવસ્થા બદલતા જાય છે. ગુણોનો આ વ્યવહાર બીલકુલ પ્રાકૃતિક છે. તેથી જ્ઞાની એક બીજા ગુણોને વધતા કે ઓછા થતાં જોઈને હર્ષ કે શોક કરતો નથી કારણ કે તેમાં કરવા જેવું કાંઈ નથી. જો કાંઈ કરવું હોય તો એટલું થઈ શકે કે તેના પ્રાકૃતિક સંચાલનમાં ખોટા અહમથી કોઈ તેને રોકવા કે વધારવા ખોટો પ્રયત્ન કરે.

તમોગુણના પ્રભાવથી જ રાત્રે નિંદ્રા આવે છે. રાત્રિની નિંદ્રા એ તમોગુણનું સહજ પ્રાકૃતિક કાર્ય છે. નિંદ્રા આવવા છતાં જે કોઈ ખોટા પ્રયાસપૂર્વક જાગરણ કરે છે તે તમોગુણના પ્રાકૃતિક સમતુલનને બગાડે છે. તેવી જ રીતે રાત્રે સૂતેલા વ્યક્તિ સવાર થતાં આપમેળે જાગે છે અને પ્રવૃત્તિઓમાં લાગે છે. સવાર થતાં જાગવું અને પ્રવૃત્તિઓમાં લાગવું એ રજોગુણનું કાર્ય છે. પરંતુ કોઈ વ્યક્તિ ખોટા પ્રયાસોથી દિવસ થવા છતાં પ્રમાદને વળગ્યો રહીને જાગે નહીં તે વ્યક્તિ રજોગુણનું પ્રાકૃતિ સમતુલન બગાડે છે.

જ્યારે રજોગુણ અને તમોગુણમાં ન્યૂન્યાધિક્તા હોય છે ત્યારે સત્વગુણ યોગ્ય સ્થાન મેળવી શકતો નથી. જેથી આ બંન્ને ગુણોનો સમત્વરૂપ સત્વગુણનું પ્રાકૃતિક સમતુલન બગડે છે. સત્વગુણમયી સમત્વ માટે રજોગુણ અને તમોગુણની ન્યૂન્યાધિક્તાને સમાન કરવી જરૂરી છે. જે પ્રકૃતિ સહજ રીતે કરી રહી છે, પરંતુ માણસ તેમાં ખોટા વિક્ષેપોથી તેની સ્થિતિ બગાડે છે. પ્રકૃતિની આ હકીકતને ધ્યાને લેતા કૃષ્ણ પ્રકૃતિગત સહજ હોય તેવા કર્મો કરવા નિર્દેશ કરે છે. કૃષ્ણ કહે છે કે પ્રાકૃતિક રીતે પ્રવર્તિ રહેલા આ ગુણોમાં વિક્ષેપ ઉભા કરવાથી જ સમતુલન બગડે છે. તેથી આ ત્રણે ગુણોમાં જે કર્મો સહજ હોય છે તે ભલે દોષ પૂર્ણ લાગતા હોય તેમ છતાં તે જ કર્મો કરવા યોગ્ય છે.

જાપાનીઝ તત્વચિંતક રીઝાઈને તેના આશ્રમ ઉપર મળવા આવેલા સમ્રાટે જ્યારે પ્રશ્ન કર્યો કે તમે તમારી અધ્યાત્મિક સાધનાઓમાં શું શું કરો છો ? ત્યારે રીંઝાઈએ કહ્યું કે હું જ્યારે ભૂખ લાગે ત્યારે જમું છું. મારી સામે આવેલા ખોરાકમાંથી જેના ઉપર મને સહજ રૂચી થાય તે મારી ભૂખ પ્રમાણે ખાઈ લઉં છું, જ્યારે હરવા-ફરવા જવાનું મન થાય ત્યારે હરુફરું છું અને જ્યારે નિંદ્રા આવે ત્યારે સુઈ જાઉં છું.

રીંઝાઈનો આ જવાબ સાંભળીને સમ્રાટે કહ્યું કે આવું તો દરેક લોકો કરે છે. તેમાં વળી અધ્યાત્મિક સાધના કઈ ? ત્યારે રીંઝાઈએ કહ્યું કે જો દરેક લોકો તેમ કરતા હોત તો જીવન સરળ રહેત. પરંતુ દરેક લોકો તેમ કરતા નથી. રીઝાઈના જવાબ છતાં સમ્રાટને તેમાં સમજણ ન પડી તેથી સમ્રાટે કહ્યું કે તમે જે કહ્યું તે બીલકુલ સહજ છે તેથી તેમાં કોઈ સાધના હોવાની વાત હું માની શકતો નથી. સમ્રાટના મતે તો કઠોર પરીશ્રમો જ સાધનાની પરીભાષા હતી.

બપોરનો વખત થયો એટલે સમ્રાટ અને રીંઝાઈ જમવા બેઠા. સમ્રાટ માટે સુંદર-સુંદર વાનગીઓ બનાવી હતી. સમ્રાટને ખૂબ ભાવી અને તેણે ખૂબ ખાધું. પરંતુ અતિશય ખાવાના કારણે સમ્રાટને અકળામળો શરૂ થઈ. સાંજ પડતા-પડતા તો તે બિમાર જેવો થઈ ગયો. તેણે રીંઝાઈને કહ્યું કે હવે મારી તબિયત સારી નથી તેથી મારે જવું પડશે રીંઝાઈએ કહ્યું સમ્રાટ બપોરે તો તમે આનંદિત હતા, સ્વસ્થ હતા. પછી અત્યારે શું થયું ? સમ્રાટે કહ્યું કે વાત ન પૂછો. મારા પેટમાં ભારે અકળામણ થઈ રહી છે. રીંઝાઈએ ફરી પૂછ્યું સમ્રાટ આપણે તો સુંદર અને સ્વાદિષ્ટ ભોજન લીધું છે, પછી અકળામણ શા માટે ? જેથી સમ્રાટથી બોલાઈ જવાયું કે મેં બપોરે ખુબ વધારે ખાઈ લીધું છે તેથી મારા પેટમાં અકળામણ થઈ રહી છે.

રીંઝાઈએ કહ્યું કે સમ્રાટ હું અને તમે સાથે જ જમવા બેઠા હતા. મેં મારી ભૂખ અને રૂચીની સહજતા પ્રમાણે ભોજન કર્યું છે, પરંતુ તમે ભોજનની વાનગીઓના સ્વાદમાં એટલા બેકાબુ બન્યા હતા કે તમે સ્વાદના ચસ્ખાને લઈને તમારી ભૂખ અને રૂચીની પરવા કર્યા વગર વધારે ખાધું છે. તમે સહજતાને ઓળંગી ગયા તેની જ અકળામણ છે. તે રીંઝાઈના પગમાં પડ્યો અને કહ્યું કે હું એમ માનતો હતો કે સાધનાઓ તો કઠોર હોય તેને જ કહેવાય, પણ આજે મને ભાન થયું છે કે જીવનની પ્રાકૃતિક સહજતાઓ જ સાચી સાધના છે. તે જ્ઞાનીઓમાં તો સરળપણે સાધ્ય છે, પણ મારી જેવા ઈન્દ્રીય લોલુપો માટે કઠોર છે.

પ્રકૃતિ સહજ રીતે પોતાનું ગુણોનું સમતુલન જાળવવા એક ગતીવંત ચક્ર ચલાવે છે. જેથી ત્રણ પૈકી એકનું કોઈ એકી વખતે એકલા રહેવું સંભવ નથી. પરંતુ ત્રણ પૈકી કોઈ એક એક સમયે પ્રધાન અને બાકીના ગૌણ. એ રીતે એકબીજાના વધઘટ થતી રહે છે. ક્યારેક સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ પ્રાધાન્યતા ભોગવે છે તો ક્યારેક રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ. તો ક્યારેક સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ પ્રાધાન્યતા ભોગવે છે. જે માટે કૃષ્ણ કહે છે :-

‘‘રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત

રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજસ્તથા’’ (ગી.અ.૧૪-૧૦)

જો પ્રકૃતિના ગુણો આ રીતે પોતાની વધઘટ કરતા હોય તો શારીરિક માનસિક અને બૌદ્ધિક સ્તલ ઉપર તેની ગુણ જન્ય વિવિધતા રચાવવી જરૂરી છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ હોવાના કારણે દુનિયા ત્રિગુણમા વહેચાઈ ગયેલી છે. દરેક વસ્તુઓ તેના ત્રણ રૂપમાં જોવા મળે છે. જેમ કે દિવસ, રાત અને સંધ્યા, જન્મ, જીવન અને મરણ, બાળપણ, જુવાની અને વૃદ્ધત્વ, ઊંચનીચ અને મધ્યમ, દ્રષ્ટા અને દર્શન, જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય, જીવ, ઈશ્વર અને માયા, કર્મ, અકર્મ અને નિષ્કર્મ, કર્મ, કર્તા અને કર્તવ્ય. આ રીતે ત્રણ-ત્રણનો સંગમ ત્રિગુણાત્મક પ્રકૃતિમાં રચાઈ છે.

ત્રિગુણાત્મક પ્રકૃતિની વ્યક્તિ ઉપર અસર કરતા ત્રણ અગત્યના પરીબળોમાં શરીર, મન અને બુદ્ધિ મુખ્ય છે. આ ત્રણેય ઉપર પ્રકૃતિના ત્રણ મુખ્ય ગુણો સત્વ, રજસ અને તમસ અસર કરતા હોવાથી શરીર, મન અને બુદ્ધિ પૈકી શરીર તમોગુણ પ્રભાવી, મન રજોગુણ પ્રભાવી અને બુદ્ધિ સત્વગુણ પ્રભાવી છે.

જે વ્યક્તિ શરીરના સ્તલ ઉપર જીવન જીવે છે તેઓ તમોગુણના પ્રભાવ નીચેનું જીવન જીવે છે. આવી વ્યક્તિ પશુગત સ્તલ કરતા ઉચ્ચ જીવન જીવી શકે છે. ઈચ્છા-આકાંક્ષા, કર્મ-અકર્મ અને ગતિ-પ્રગતિ આવા લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે. મનુષ્ય જીવન એ માનસિ સ્તલ ઉપરનું જીવન છે. મનુષ્ય શબ્દમાં જ ‘મન’ પ્રથમ સ્થાને છે. જે મનને અનુલક્ષીને જીવન જીવે છે તે મનુષ્ય (માનવી) છે. અથવા તો જે મનનો અનુગામી (મનાનુગામી) છે તે માનવ છે. આ સ્તલ ઉપરનું જીવન સુખ-દુઃખ, હર્ષ- શોકથી મિશ્રિત જીવન છે. માનસિક સ્તલ ઉપર જીવન જીવી રહેલો મનુષ્ય અવિરત શાંતિને પામી શકતો નથી. ભારતીય મનિષીઓએ વિરાટ શક્તિના મનને ચંદ્રમાં સાથે સરખાવ્યું છે અને વેદોમાં ‘‘ચંદ્રમાં મનસો જાતો સૂર્યસ્ચક્ષુ અજાયતે’’ કહીને ચંદ્રમાં સાથે સરખાવ્યું છે. જેમ ચંદ્રની સ્થિતિ સ્થિર નથી અને તેમાં વધઘટ થયા કરે છે તેમ મન સતત વધ ઘટ પામ્યા કરે છે.

જે વ્યક્તિઓ બૌદ્ધિક સ્તલ ઉપર જીવન જીવે છે તે સત્વગુણના પ્રભાવ નીચેનું જીવન જીવે છે. આવી વ્યક્તિ માનસિક સ્તલ ઉપર જીવન જીવતા મનુષ્ય કરતા ઉચ્ચ જીવન જીવી શકે છે. જીજ્ઞાસા, જ્ઞાનપ્રાપ્તિ અને અદમ્ય શોધ આવા લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે. મનુષ્ય જીવનથી ઉપર ઉઠવાની ક્ષમતા આ સ્તલ ઉપર સમાહિત છે. બૌદ્ધિક સ્તલ ઉપર જીવન જીવતો વ્યક્તિ જિજ્ઞાસા અને જ્ઞાન પ્રાપ્તિથી પરમ બોધ તરફ ગતિ કરી શકે છે. બુદ્ધિને સ્થિર કરીને અવિરત શાંતિના પદને પણ પ્રાપ્ત કરી શકે છે. તેથી બૌદ્ધિક સ્તલ ઉપર જીવન જીવે છે તે સત્વગુણના પ્રભાવ નીચેનું જીવન જીવે છે. આવી વ્યક્તિ માનસિક સ્તલ ઉપર જીવન જીવતા મનુષ્ય કરતા ઉચ્ચ જીવન જીવી શકે છે. જીજ્ઞાસા, જ્ઞાનપ્રાપ્તિ અને અદમ્ય શોધ આવા લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે. મનુષ્ય જીવનથી ઉપર ઉઠવાની ક્ષમતા આ સ્તલ ઉપર સમાહિત છે. બૌદ્ધિક સ્તલ ઉપર જીવન જીવતો વ્યક્તિ જિજ્ઞાસા અને જ્ઞાન પ્રાપ્તિથી પરમ બોધ તરફ ગતિ કરી શકે છે. બુદ્ધિને સ્થિર કરીને અવિરત શાંતિના પદને પણ પ્રાપ્ત કરી શકે છે. તેથી બૌદ્ધિક સ્તલ મનુષ્ય જીવનનું સોથી વધુ અગત્યનું સ્તલ છે.

શારીરિક માનસિક અને બૌદ્ધિક એ ત્રણેય સ્તલો એક જ વ્યક્તિના વિવિધ સ્તલ હોવાથી આ ત્રણેય સ્તલનો સમન્વય સાધવો પણ જરૂરી છે. પરંતુ મોટા ભાગના લોકોના જીવન સમન્વય વગરના છે. અમુક લોકો છે જે શરીરની પાછળ લાગ્યા છે. શરીરની સુવિધાઓ, શરીરના ભોગો અને શરીર સુખો તેમના મને એટલા અધિક છે કે તેવા લોકો તેમના માનસિક અને બૌદ્ધિક જીવનની પણ બરબાદી કરી નાખે છે. તેવા લોકોની એ માન્યતા છે કે શરીર જ એક હકીકત છે કે જેનાથી જીવન છે. જ્યારે શરીર નહીં હોય ત્યારે કાંઈ પણ નહીં હોય. તેથી

‘‘યાવત્‌ જીવનમ્‌ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત,

ભસ્મિભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતો ભવેતઃ’’

અર્થાત્‌ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો. કારણ કે દેહ તો ભસ્મીભૂત થવાનો જ છે અને પુનરાગમન એ કોઈની આંખનો દેખ્યો પુરાવો નથી. આવી ચાર્વાક મતવાદી થિયરી પ્રમાણે તેઓ જીવન જીવે છે. જો કોઈને મારીને પણ પૈસા મળતા હોય તો મેળવો કારણ કે પૈસાથી જ શરીરના સુખો ખરીદાય છે. અન્યાયપૂર્વક પણ બીજાનું ધન હરી લ્યો કારણ કે ધન જ જીવનમાં તમામ સુવિધાઓ પ્રદાન કરે છે. સિકંદર, ચંગીઝખાન, તૈમુર, લંઘ, નાદીર શાહ, હિટલર વિગેરે ચાર્વાક થિયરીના દ્રઢ અનુયાયીઓ છે જ્યારે નાના-મોટા પ્રમાણમાં તો ચાર્વાકના અસંખ્ય અનુયાયીઓ આ ધરા ઉપર ભમ્યા કરે છે.

માત્ર શારીરિક સ્તલ ઉપર જીવન જીવતો વ્યક્તિ પશુઓ કરતા પણ દયનીય છે કારણ કે પશુઓ પ્રકૃતિક રીતે શારીરિક સ્તલ ઉપર જીવનજીવવા મજબૂર છે જ્યારે મનુષ્ય પ્રકૃતિએ આપેલી અપાર સંપદાની ઉપેક્ષા કરીને શારીરિક સ્તલને જ આખરી માનતો હોવાથી દયનીય છે. છતા ત્રિગુણાત્મક પ્રકૃતિએ રચેલા ત્રણેય સ્તલોને જીવવા પ્રાણીમાત્ર પરવશ છે. જેથી પ્રકૃતિના આ ત્રણ ગુણોના સમત્વ વગર કોઈ સુખી થઈ શકે તેમ નથી.

ઉપનિષદ કથા છે કે જાજલી નામના એક તપસ્વીએ ઘોર તપ કર્યું. એવું તપ કે વૃક્ષની નીચે ખડે પગે ઉભેલા જાજલીની વધેલી જટામા પક્ષીઓએ માળો બાંધીને ઈંડા મૂક્યા. જાજલી તે ઈંડા ફૂટીને બચ્ચાઓ બહાર ન આવે ત્યાં સુધી તે બચ્ચા ઉપરના દયાભાવથી તપમાં જ ઉભો રહ્યો. જાજલીના કઠીનતપથી તેને અમુક સિદ્ધિઓ મળી. તેથી જાજલી વિચારતો થયો કે મારા જેવો તપસ્વી અને અહિંસક બીજો કોઈ નથી.

એવામાં એક સિદ્ધ જાજલીને મળ્યા અને જાજલીના મનોભાવને પામીને તેણે જાજલીને કહ્યું કે કાશી નગરીનો તુલાધર વૈશ્ય તારા કરતા વધુ સિદ્ધ છે. જાજલીને આશ્ચર્ય થયું કે દુકાન ઉપર બેસીને દુકાનદારી કરતો એક વૈશ્ય મારા જેવા તપસ્વી કરતાં વધુ સિદ્ધ કેમ હોઈ શકે ? તે તુલાધરને મળવા કાશી પહોંચ્યો. તે વખતે તુલાધર દુકાન પર ગ્રાહકોને માલ વેચી રહ્યો હતો. તેણે જાજલીની સામે જોઈને કહ્યું કે તપસ્વી તમારા પ્રશ્નોના જવાબ મેળવવા તમારે સાંજ સુધી બેસવું પડશે. જાજલીને આશ્ચર્ય થયું કે મેં મારો કોઈ પરિચય આપ્યો નથી કે કોઈ પ્રશ્ન કર્યો નથી એ પહેલા જ મારા મનના પ્રશ્નોને જે માણસ જાણી ગયો છે અને મને કહી રહ્યો છે કે તમારે સાંજ સુધી બેસવું પડશે. નક્કી આ માણસમાં કોઈ સિદ્ધિ તો છે જ.

જાજલી સાંજ સુધી રોકાયો અને તુલાધરને તે તુલા (ત્રાજવા) ઉપર માલસામાન વેચતો જોયા કર્યો. દુકાનદારી સમાપ્ત થયા પછી તુલાધરે કહ્યું કે જાજલી, મારી સિદ્ધિનું રાજ આ તુલા છે. તમે સાંજ સુધી જોયું છે કે મેં તુલાને સમાન રાખીને દુકાનદારી કરી છે. હું સિદ્ધિઓ મેળવવા ન વનમાં ગયો છું, ન કોઈ તપસ્યા કરી છે. પરંતુ આ મારી તુલાઓની સમતુલા જ મારી સિદ્ધિ છે. મેં મારી તુલાને ગુરૂ બનાવીને જીવનના દરેક ક્ષેત્રમાં સમતુલન મેળવવાનો જ કોઈ પ્રયાસ કર્યો છે તેનાથી હું સિદ્ધ થયો છું. સમતુલન જ સિદ્ધિપ્રદ છે.

ભગવદ્‌ ગીતાના સોળમાં અધ્યાયમાં કૃષ્ણે પ્રકૃત્તિને બે પ્રકારની કહે છે. એક સુરી (દૈવી) છે અને બીજી આસુરી પ્રકૃત્તિ છે. વાત તો બે પ્રકૃત્તિની થઈ છે પણ પ્રકૃત્તિ તો મુલતઃ એકજ છે. જેથી દેવી અને આસુરી એ બંને પ્રકૃત્તિઓ એક જ પ્રકૃત્તિનો હિસ્સો છે. કહો કે એક જ સિક્કાની બે બાજુ છે. સુરી પ્રકૃતિ અલગ અને આસુરી અલગ તેમ બે ભાગ નથી. પણ એક જ મગની બે ફાડ્ય છે. જે પ્રકૃત્તિએ દિવસ રચ્યો છે તેણે જ રાત રચી છે, સુખ રચ્યું તેણે જ દુઃખ રચ્યું છે, જીવન રચ્યું તેણે જ મૃત્યુ રચ્યું છે. દેવ બનાવ્યા તેણે દાનવ પણ બનાવ્યા છે. જીવનના દવૈતને રચવા પ્રકૃત્તિએ પોતાના જ બે હિસ્સા કરી જીવનની રચના કરી છે. ‘‘જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી’’

અહીં દિવસથી જ રાતની ઓળખ છે અને રાતથી જ દિવસની ઓળખ છે. અહીં ખરાબથી સારાની ઓળખ છે અને સારાથી ખરાબની ઓળખ છે. અહીં પાપથી પૂણ્ય ઓળખાય છે અને પૂણ્યથી પાપ ઓળખાય છે. અહીં દુઃખથી સુખ ઓળખાય છે અને સુખથી દુઃખ ઓળખાય છે. જ્યાં દિવસ જ દિવસ હોય ત્યાં દિવસનો પરિચય પણ મળવો મુશ્કેલ છે. કોઈ સૂર્યને જઈને પૂછે કે રાત કેવી હોય છે તો સૂર્ય બતાવી નહીં શકે કે રાત કેવી હોય ? કારણ કે સૂર્યના અભાવમાં જ રાત થઈ શકે છે. જ્યાં સૂર્ય છે ત્યાં રાતના હોવાનો કોઈ સંભવ નથી.

એક જ પ્રકૃતિના બે ભાગ પડતા હોવાથી જે કોઈ પ્રકૃત્તિના એક હિસ્સા ઉપર રાગ કે દ્વેષમાં જોડાય છે તે પોતાનું પ્રકૃતિક સમતુલન ખોઈ બેસે છે. જેનું સમતુલન ખોવાય છે તે પ્રકૃત્તિ રૂપ માયાનો બંધક બની જાય છે. તેવા બંધકના સુખનો કોઈ ઉપાય નથી. તેથી કૃષ્ણ પ્રાકૃતિક દવૈતથમાં સમત્વને જ જીવવા કહે છે.

સામાન્યતઃ ઘણી વખત કૃષ્ણની વાત સમજવી અઘરી લાગે છે કારણ કે કૃષ્ણ કહે છે કે ખરાબ કર્મોનો દ્વેષ છોડો સાથે જ કહી દે છે કે સારા કર્મોનો રાગ પણ છોડો. ‘‘ન દવેષ્ટકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે’’

‘‘ઘણી વખતે કહે છે ‘‘સાધુષ્વપિસુ પાપેસુ સમબુદ્ધિર્વિશિષ્યતે’’ સાધુ અને પાપી, સજ્જન અને દુર્જન બંનેમાં સમભાવ રાખો. કૃષ્ણની આ વાતો સામાન્ય બુદ્ધિથી સમજવી અઘરી લાગે છે કારણ કે એક સાધુ અને અસાધુ બંનેને એક નજરે કેમ જોઈ શકાય ? જો સાધુ અસાધુને એક નજરે કેમ જોઈ શકાય ? જો સાધુ અસાધુને એક નજરે જોવામાં આવે તો પછી બુદ્ધિગત ભેદનું શું થાય ? પણ, કૃષ્ણ મક્કમતાપૂર્વક સાધુ-અસાધુમા સમાનભાવથી જોવા કહે છે કારણ કે કૃષ્ણની નજર માત્ર પ્રાકૃતિક દવૈત સુધી સિમિત નથી. કૃષ્ણની નજર પ્રાકૃતિક દવૈતભાવથી પર છે. એક એવી જગ્યા છે જ્યાં સાધુ અને અસાધુતાનો કોઈ ભેદ નથી. તેમજ તે જગ્યા બીજે ક્યાંય નહીં પણ માણસની અંદર જ છે. તેના જ આંતર ચૈતન્યમાં છે.

દુનિયાભરના ધાર્મિક સાધુઓ સમજાવી રહ્યા છે કે તમે વ્યસન છોડો, મંદિરે જાઓ, વહેલા ઉઠો, બીજાની સેવા કરવાની ભાવના રાખો. બધા ઉપર સદ્દભાવ રાખો. બીજાને પ્રેમ કરો તે તો સમજાઈ શકે છે. પણ જ્યારે કૃષ્ણે કહે છે કે ખરાબને છોડો ત્યારે સાથે સારાને પણ છોડો તે વાતને સમજવી મુશ્કેલ છે.

પરંતુ સારુ અને ખરાબ બંને એક જ પ્રકૃતિના હિસ્સા છે. તેથી તે પ્રકૃતિક દવૈતનો જ હિસ્સો છે તેવી નજરે જોનાર કૃષ્ણ જ જાણે છે કે સારાની બીજી બાજુએ જ ખરાબ છે અને ખરાબની બીજીબાજુ એ જ સારુ છે : એકને છોડો તો બીજાને અવશ્ય છોડવું પડે છે અને બીજાને પકડો તો પહેલું આપમેળે પકડાઈ જાય છે.

વળી એકજ માણસ જો ખરાબ અને સારો બંને હોય તો તેને સારો કહેવો પણ ખોટું છે અને ખરાબ કહેવો પણ ખોટું છે અને ખરાબ કહેવો પણ ખોટું છે. તે રીતે જો એક જ પ્રકૃત્તિ સારી અને ખરાબ એમ બંને હોય તો તેને સારી કે ખરાબ કાંઈ પણ કહેવું ખોટું ગણાશે. જેથી ભારતીય દર્શનમાં પ્રકૃત્તિને ભગવાનની માયા કહેવામાં આવી છે. તે માયા ન સારી છે ન ખરાબ છે. તેમજ તે જ સારી પણ છે અન ખરાબ પણ છે.

જો પ્રકૃત્તિ સારી અને ખરાબ નંને હોય તો પ્રકૃત્તિગત તમામ પદાર્થોની પણ તે સ્થિતિ જ હોવી જોઈએ. જો એમ કહીએ કે દૂધ સારું છે અને ઝેર ખરાબ છે તો તે સંપૂર્ણ સત્ય નથી કારણ કે એવા ઘણા રોગ છે જેમાં દૂધ ઝેર છે અને એવા ઘણા રોગ છે જેમાં ઝેરનો ઔષધિય પ્રયોગ છે. ખરેખર સાચુ તો એ છે કે મોટાભાગની દવામાં ઝેરનો જ ઔષધિય પ્રયોગ છે. તેથી જ ડૉક્ટરના પ્રીસ્ક્રીપશન વગર કે નિષ્ણાંતની સલાહ વગર દવાઓ લેવી જોખમી છે. દરેક દવાઓના પેકીંગ ઉપર ‘‘to be taken under the medical supervision’’ જેવા શબ્દો ફરજીયાત રીતે લખવામાં આવે છે.

પ્રાકૃત્તિક સ્તલ ઉપર સારા અને ખરાબનો ભેદ સ્થાયી કે નિત્ય નથી. તે અવિચળ નથી. જેથી તેમાં કોઈ સ્થિરસત્ય પણ નથી. જે કારણે પ્રાકૃત્તિક સ્તલ ઉપર સમત્વ જ સુખનો મંત્ર થઈ શકે તેમ છે.

***