Cable cut - 37 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૩૭

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૩૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૭
ખાન સાહેબના મોબાઇલ પર સતત સુજાતાના ફોન આવતા હતા એટલે તેમણે મેઘાની પુછપરછ અટકાવીને કહ્યું, "થોડીવાર મેઘા અને મોહીત તમે પાણી પીને સ્વસ્થ થઇ જાઓ. પુછપરછ થોડીવાર પછી શરૂ કરીએ છીએ."
ઇન્સપેક્ટર વીણાને તે બંને પર નજર રાખવાનું કહી ખાન સાહેબ ફોન પર વાત કરવા રીમાન્ડ રુમની બહાર આવે છે, બહાર આવીને જોયુ તો સુજાતા, પિન્ટો અને મેઘાના પરિચિત લોકો ત્યાં આવી પહોંચ્યા હતાં. તે લોકો મેઘાની ધરપકડનો વિરોધ કરતા હતાં અને મેઘા અને મોહિતને છોડાવી જવાની જીદ કરતા હતાં.
ખાન સાહેબે ઇશારો કરતા ઇન્સપેક્ટર નાયકે બધાને કડક શબ્દોમાં સમજાવ્યા અને પુછપરછમાં અડચણ બદલ તેમની પર પણ કાયદેસરની કાર્યવાહી થશે તેમ જણાવી શાંત કર્યા. તેમને બધાને પુછપરછ પતે ત્યાં સુધી થોડીવાર ક્રાઇમ બ્રાંચ બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું.
ખાન સાહેબ સુજાતા અને તેમના પરિચિતોની સાથે વાત પુરી કરી ખાન સાહેબ મેઘા અને મોહિત પાસે પહોંચ્યા.
ખાન સાહેબે મેઘાને હળવેકથી કહ્યું, "સ્વસ્થ થઇ ગયા હોવ તો આગળની વાત ફટાફટ કહેવાનું શરુ કરો."
મેઘાએ ગંભીર અવાજે બોલવાનું શરુ કર્યું, "સર, મોહિતે બબલુના હાર્ટ બીટ ચેક કર્યા તો તેમાં વધઘટ થઇ રહી હતી તેવું તેને લાગ્યું. કયારેક બ્લડ પ્રેશર વધવાને કારણે આવુ થતુ હોય છે પણ તે વખતે મારા આપેલા દવાના ઓવરડોઝના કારણે હાર્ટ બીટ વધી ગયા હતા એવુ અમને લાગ્યું. અમે બંને ચિંતિંત હતા અને આગળ શું કરવું તે સમજાતું ન હતું. મને બબલુ પર ગુસ્સો આવતા મેં ડ્રાઇવર સીટ થોડી ખસેડી તેની નીચેથી બબલુની રીવોલ્વર મોહિતને બતાવીને બબલુ પર ફાયર કરવા કહ્યું."
મોહિત તરત ઉતાવળા સ્વરે બોલ્યો, "હું કારની સીટ નીચેની રીવોલ્વર જોઇ પળવાર માટે ડરી ગયો અને મને મેઘાની વાત પર ગુસ્સો પણ આવ્યો. મેં તેને આમ ન કરવા સમજાયુ અને રોડ પર કોઇ જોઇ જાય તે પહેલા રીવોલ્વર પાછી તેની જગ્યા પર મુકી દેવા કહ્યું. મેં બબલુને કોઇ સુમસામ જગ્યા પર નાંખી દઇને કારને બીજે કયાંક ખુલ્લી મુકી દેવાનું વિચાર્યું પણ બબલુને કારમાંથી બહાર કાઢવા માટે અંધારુ થવાની રાહ જોવી પડે તેમ હતી."
"અમે બંને કંટાળી ગયા હતા અને રોડ પર પોલીસ કે કોઇ આવી જાય તેના વિચારથી ડરી ગયા હતાં. મોહિતે કારને સુમસામ જગ્યા પાસેના એક ખેતરના કિનારે કરી જે થવુ હશે તે થશે તેમ નક્કી કરી અમે એકટીવા પર ત્યાંથી આગળ જવા નીકળ્યા. અમે થોડા આગળ જઇ એક રેસ્ટોરેન્ટમાં ચા નાસ્તો કરી થોડો ટાઇમ પાસ કર્યો. બબલુ ભાનમાં આવે પહેલા તેને કેનાલમાં નાંખી દેવો, કાર સાથે સળગાવી દેવો એવા અનેક વિચારો કરી અમારુ મગજ કંટાળી અને થાકી ગયું હતું. મને મનોમન ડર લાગી રહ્યો હતો પણ મોહિતના સાથ હોવાથી મારી જાતને સેફ ફીલ કરી રહી હતી." મેઘા બોલતા રડવા લાગી અને તેનો અવાજ રુંધાવા લાગ્યો. 
ઇન્સપેક્ટર વીણાએ પાણીનો ગ્લાસ આપ્યો અને મેઘાએ એક ઘુંટડો પાણી પીને ટીમના બધાની સામે નજર કરી ફરી રુંધાતા સ્વરે બોલવાનું શરુ કર્યું,"અમે રેસ્ટોરંટથી નીકળી કારથી થોડે દુર ઉભા રહી અંધારુ થવાની રાહ જોવાનું નક્કી કર્યું. અંધારુ થતાં જ અમે તરત કાર પાસે પહોંચ્યા. મોહિતે કાર ચાલુ કરી અને અમે બબલુને અવાવરુ જગ્યા નાંખી દેવા ત્યાંથી આગળ જવા નીકળ્યા. હું પણ એકટીવા લઇને તેની પાછળ પાછળ જ હતી. થોડા આગળ જઇ મોહિતે રોડથી સાઇડમાં કાર ઉતારી પણ ત્યાં થોડે દુર ગાય, ભેંસનું ટોળુ દેખાતા ત્યાં બીજુ કોઇ પણ હશે તેમ માની પાછા રોડ પર આવી ગયા. બહાર આવી અમે બે ફરી થોડીવાર ઉભા રહ્યા અને મોહિતે મને કહ્યું કે આગળ જઇ જયાં હું રોડથી સાઇડમાં કાર ઉતારું ત્યાં તુ રોડ પર જ ઉભી રહેજે અને મને જો યોગ્ય જગ્યા લાગશે તો હું તને બોલાવીશ યા ફોન કરીશ પછી જ તુ ત્યાં અંદર આવજે."
મેઘા બોલતા બોલતા અટકી ત્યારે મોહિતે ઉતાવળા સ્વરે બોલવાનું શરુ કર્યું, "ત્યાંથી આગળ રોડ પરથી મને એક ખેતરમાં રસ્તો દેખાતા મેં રોડથી કાર નીચે ઉતારી પણ ત્યાં મને આંબાવાડીયું દેખાયું અને પાણીનો બોર ચાલુ હોવાનો અવાજ સંભળાયો એટલે ત્યાં પણ કોઇ પાણી વાળવા આવ્યુ હશે તેવો વિચાર આવતા તરત કારને રોડ તરફ લઇ લીધી. અંધારુ વધુ ગાઢ થવામાં હતું, રોડ પર ટ્રાફિક વધતો જતો હતો અને અમારી ચિંતા પણ વધતી જતી હતી. મેં કાર સાઇડમાં કરી મેઘાને વાત કરી કે સુમસામ જગ્યા માટે દુર જવું પડશે."
આગળની વાત મેઘાએ કહેવાની શરુ કરી,"અમે છેલ્લીવાર બબલુના હાર્ટ બીટ ચેક કર્યા અને મેં  બબલુની નસોમાં દવાનો હેવી ડોઝ ઇન્જેકશનથી આપ્યો. મોહિતે કાર ચાલુ કરી અને હું તેની પાછળ એકટીવા લઇ શહેરથી દુર સુમસામ જગ્યા પર જવા નીકળ્યા. થોડા કિલોમીટર પછી મોહિતને એક જગ્યા સુમસામ દેખાઇ એટલે તેણે કાર તરત રોડથી નેળીયામાં વાળી લીધી અને હું રોડ પર જ ઉભી રહી. જગ્યા યોગ્ય લાગતા મોહિતે મને કોલ કરી અંદર બોલાવી. અમે રોડથી અંદર નેળીયામાં કાર ઉભી કરી ને જોયું તો બબલુનું ઓવરડોઝના લીધે મોત થઇ ગયું હતું. મને એકપળ માટે દુખ થયું પણ તેની હરકતો યાદ આવતા બબલુની લાઇફનો કેબલ કટ થવાનો આનંદ હતો. બબલુનું કુદરતી રીતે મોત થવાથી તેને અન્ય રીતે મોત આપવાની અમારે જરુર ના પડી. મેં મારી જાતને સ્વસ્થ કરી. મોહિતે કારની અંદર બધુ ચેક કરી લીધુ અને અમે ત્યાં કોઇ આવી જાય તે પહેલા ફટાફટ નીકળી ગયા."
"જુઓ સાહેબ જુઓ, મારી વાત સાચી નીકળી ને. હું નિર્દોષ છુ. આ બે જણાએ જ બબલુનું મર્ડર કર્યુ હતું, મેં તો કારમાંથી ચોરી જ કરી હતી. મેં જે જોયું અને તમને કહ્યુ તે સાચુ નીકળ્યું ને.." લાખો મેઘા અને મોહિતની સામે ઇશારો કરી ખાન સાહેબને કહી રહ્યો હતો.
લાખાની વાત પર ગુસ્સે થઇ મેઘા બોલી,"તુ દેખાઇ ગયો હોત તો તારી હાલત પણ ..."
"શટ્ટ અપ મેઘા. પછી તું કયાં જતી રહી અને છેક આજે ભજનમાં દેખાઇ." ખાન સાહેબ ગુસ્સે થઇને બોલ્યા.
મેઘા ખાન સાહેબના ગુસ્સાથી ડરી જઇને કંપાતા સ્વરે આગળ બોલી,"પછી ..પછી અમે ત્યાંથી હોસ્ટેલ જવા નીકળ્યા. રસ્તામાં મોહિતે બીજો એક પ્લાન બનાવ્યો કે હું મારી હોસ્ટેલની ફ્રેન્ડ સાથે વહેલી સવારે જ ફરવા જતી રહુ એટલે બબલુના કેસથી દુર રહેવાય. તેણે હોસ્ટેલ પહોંચી તેના મોબાઇલમાં ટ્રેનની ડીટેઈલ મેળવી અને વહેલી સવારની મુંબઈની ટ્રેન છે તેવી વાત કરી. તેણે મને હોસ્ટેલમાં જઇ મારી ફ્રેન્ડ્સ સાથે વાત કરી તેમના નામ આપવા કહ્યું, જેથી તે તત્કાલ ટ્રેન ટીકીટ બુકીંગનું સેટીંગ કરી દેશે તેમ વાત કરી. મેં હોસ્ટેલ જઇ મારી ફ્રેન્ડસને મુંબઇ ફરવા જવાની સરપ્રાઈઝ આપી અને બધાને તૈયાર પણ કરી દીધા. મેં ફ્રેન્ડ લીસ્ટ મોહિતને મેસેજ કરી દીધુ અને વહેલી સવારે રેલ્વે સ્ટેશન પર મોહિતે ટીકીટો પણ અમને આપી દીધી. અમે સવારે મુંબઈ જવા નીકળ્યા અને અહીં બબલુની શોધખોળ ચાલુ થઇ ગઇ હતી. મને ત્યાં પહોંચીને બબલુના ન્યુઝ પિન્ટો પાસેથી જાણવા મળ્યા. મેં ટીકીટ ન મળવાનુ બહાનુ કાઢી બે દિવસ અહીં આવવાનું ટાળ્યું. મેં મારી બહેન જોડે પણ મોબાઇલ પર જ વાત કરીને સાંત્વના આપી મારી ટીકીટની વાત કરી લીધી. હું પાછા આવીને મારી બહેનને મળી અને તેણે ભજન સંધ્યાની વાત કરી અને હું ભજનમાં આવી પછી આગળ તો તમે બધા ...." મેઘા બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનો ચહેરો આંસુઓથી ખરડાઇ ગયો હતો. તેના મગજની નસો ફાટફાટ થતી હતી. તેની આંખોના પોપચાં રડી રડીને સુઝી ગયા હતાં. તેને રડતા જોઇ ખાન સાહેબ બોલ્યા, "મેઘા, યુ આર અરેસ્ટેડ ઇન બબલુ મર્ડર કેસ."
"લાખાને બબલુ મર્ડર કેસમાં છોડી મુકો અને મોહિતને મેઘાની મર્ડર માટે મદદ કરવા બદલ ધરપકડ કરો." ઇન્સપેકટર નાયકને ખાન સાહેબે કહ્યુ. 
મોહિત તેની ધરપકડની વાતથી રડવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, "મને માફ કરી દો..મને માફ કરી દો."
ખાન સાહેબે હળવેકથી મેઘાને કહ્યું, "તારે છેલ્લી વાર કંઇ કહેવું છે? "
થોડી સ્વસ્થ થઇ આંસુ લુછતા લુછતા મેઘા બોલી,"મારા મન મેં કંઇ જ ખોટુ નથી કર્યુ સર. મેં રાવણનો નાશ કર્યો છે. મને બબલુની લાઇફનો કેબલ કટ કરવાનો કોઇ અફસોસ નથી. મને જે પણ સજા કરો તે મંજુર છે, સર.પણ મોહિતને જવા દો."
ખાન સાહેબ મેઘાની આંખોમાં આવેલી ચમક જોઇને બોલ્યા, "તે કાયદાની દ્રષ્ટિએ ગુનો કર્યો છે. તારે પોલીસની મદદ લેવી જોઇતી હતી. બબલુને તેના ગુનાની સજા પોલીસની મદદથી આપી શકાત.મોહિતે તને મદદ કરીને ગુનો કર્યો તેની સજા તેને પણ મળશે જ."
ખાન સાહેબે કેસ સોલ્વ કરવા બદલ ટીમનો અને લાખાનો આભાર માન્યો. તેમણે પોલીસ કમિશ્નરને જાણ કરી આગળની કાર્યવાહી કરવાની વાત કરી અને રજા પર જવાની પરવાનગી માંગી. ખાન સાહેબે ઘરે જતા જતા હાફટન, ફુલટન અને ગફુરનો પણ આભાર માન્યો અને કહ્યું,"કેસ સોલ્વ થવાનો આનંદ છે પણ સાથે સાથે બબલુની મોતનું અને મેઘાએ પોલીસની મદદ વગર કરેલ ગુના બદલ તેને થયેલ સજાનું દુખ પણ છે. તેણે પોલીસની મદદ લીધી હોતતો સમાજને પણ એક ઉદાહરણ મળી શકત."
 
પ્રકરણ ૩૭ પુર્ણ થવા સાથે નવલકથા પુર્ણ ....?
આપ સૌ મિત્રોએ દરેક પ્રકરણ વાંચી, રેટીંગ આપી મારા ઉત્સાહમાં વધારો કર્યો તે બદલ દિલથી આભાર. મને નવલકથા મુકવા માટે પ્લેટફોર્મ આપવા માટે માતૃભારતી એપના ફાઉન્ડર્સ અને તેમની ટીમનો પણ આભાર. આપ મિત્રોને મારી નવલકથાનું કોઇ પાત્ર કે લખાણ ન ગમ્યુ હોય તો માફ કરશોજી. 
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.
મારી અધુરી નવલકથા કિસ્મત કનેકશનના સમયના અભાવે ન મુકી શકવા બદલ માફ કરશોજી અને હવે તે નવલકથાના આગળના પ્રકરણ ટુંક સમયમાં જ આપ સૌને વાંચવા મળી શકશે. કિસ્મત કનેકશન પછી અન્ય એક નવા વિષય પર નવલકથા પણ શરુ કરવાનું વિચારી રહ્યો છું તો આપ સૌ મને કોમેન્ટ, રેટીંગ આપી મારા ઉત્સાહમાં વધારો કરતા રહેશો તેવી આશા સાથે નમસ્કાર ?