દિવાળીની રજાઓ શરૂ થઇ ચુકેલી. એટલે બંને ઘરે હમણાં વાંચવાનું પણ બંધ હતું. પણ નવરાત્રી પર નાનકડી ગેરસમજને કારણે બંનેના મનમાં જે રોષ પ્રગટ્યો હતો, તે દિવસો પસાર થવાની સાથે વધતો રહ્યો.
અજબનો સંબંધ હતો બંનેનો. એક રીતે જોતા કોઈ સંબંધ જ ન હતો. છતાં બંને એકબીજાથી એવા રિસાયા હતા, જાણે રિસાવાનો હક્ક મળી ગયો હોય.
અને આ વિચારનો એકસરખો પડઘો બંનેના દિમાગમાં પડતો. 'મારે શા માટે એની પરવા કરીને એને એવું ફીલ કરાવવું જોઈએ કે હું એના પર ગુસ્સે છું ? ગુસ્સે તો એના પર થવાય જે પોતાનું હોય !'
પણ રાત્રે પથારીમાં આવતો આ વિચાર સવાર પડતા જ બાષ્પીભવન થઇ જતો. અને એકબીજાની સામે આવતા જ પોતાનો રોષ બતાવવાની જાણે હોડ મચતી. દરવાજો પછાડીને બંધ કર્યા બાદ નેહલના મ્હોં પર સંતોષ અને હોઠ પર તોફાની સ્મિત નાચી ઉઠતું. પોતાની આ ક્રિયાની નીરવ પર શું અસર થઇ છે, એ જોવા પોતે તિરાડમાંથી જોઈ લેતી.
નીરવનો હતાશ ચહેરો જોઈને એક સેકન્ડ માટે તેને મનમાં અનેરી ટાઢક થતી. પણ બીજી જ સેકન્ડે ક્યાંક હળવી ટીંસ ઉઠતી.
તો બીજી બાજુ નીરવ કાંઈક સંકોચ અને હતાશાથી વિચારવા લાગતો. 'મારે ક્યાં એની સાથે એટલો ગાઢ સંબંધ છે કે એની અવગણનાથી નિરાશ થવું જોઈએ ?
એક રીતે તેણે હવે આ પ્રકરણ આગળ વધશે તે વિચાર લગભગ છોડી દીધો હતો.
પણ નેહલ કશુંક ગંભીરતાથી વિચારી રહી હતી.
'પોતે નીરવ સામે ગુસ્સો બતાવીને એમ તો સાબિત કરી જ રહી હતી કે નિરવની કોઈક વાતથી પોતાને ખટકો થયો છે. પણ ખુદ પોતે આ સંબંધ બાબતમાં કેટલી ગંભીર હતી ? આ રોષપૂર્ણ વ્યવહારનો અર્થ તો જ સરે, જો પોતે આ સંબંધને અંત સુધી લઇ જવા માંગતી હોય'
એ રાત તેણે ગડમથલમાં વિતાવી.
પણ બીજા દિવસે કશુંક એવું બન્યું, જે પોતે આગલી રાત્રે જરાય નહોતું વિચાર્યું.
એની ભાભી પ્રેગ્નેન્ટ હતી. સાંજે ચારેક વાગ્યે મમ્મી એમને લઈને રૂટિન ચેકઅપ માટે ચાલી ગઈ. થોડીવાર પછી તેણે નિરવની મમ્મી અને બહેનને તૈયાર થઈને ક્યાંય જતા જોયા.
મતલબ કે બંનેના ઘરના લોકો બહાર હતા.
થોડી મિનિટો તેણે કશુંક વિચાર્યું. પોતાના વિચારથી પોતે જ રોમાંચિત થઇ ઉઠી. ડ્રેસની ઓઢણી ગળામાં વીટતાં તે પર્સ ઉઠાવીને બહાર નીકળી. નીરવનાં ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અને એ સામે જ બેસીને કશુંક વાંચી રહ્યો હતો. એ તરફ આગળ વધી ગઈ.
આ રીતે એના ઘરે જવું પોતાના માટે કાંઈ નવું નહોતું. અસંખ્ય વાર એ ઘરમાં પોતે જઈ ચુકી હતી. ઘરની કોઈ ચીજ-વસ્તુઓ મંગાવવી હોય અને નીરવ બહાર ન દેખાતો હોય ત્યારે પોતે જ જઈને એના ઘરના લોકોને કહી આવતી. જો કે આ વખતે જે કારણે તે જઈ રહેલી, એ કારણથી તેનું હૈયું જોરજોરથી ધબકી રહ્યું હતું.
દરવાજાની નજીક પહોંચી જ હતી કે અચાનક નિરવની નજર પણ તેના પર પડી.
હેબતાઈ ગયો હોય તેમ એના હાથમાંથી પુસ્તક સરી પડ્યું. નેહલને અત્યારે પોતાના આંગણે જોવાની કલ્પના પણ તેણે નહિ કરી હોય ! સુખદ આઘાત પચાવીને ચહેરા પર સ્વસ્થતા લાવે તે પહેલા જ નેહલ અંદર આવી.
"બે ફુલસ્કેપ બુક બસ્સો પેજની." પર્સમાંથી પૈસા કાઢીને સોફા પર રાખતા તેણે તદ્દન સ્વાભાવિકતાથી પોતાના મનની મૂંઝવણ છતી ન થઇ જાય એ તકેદારી રાખતા ઔપચારિકતાથી કહ્યું.
પણ નેહલને પોતાનાથી ખાલી બે-ત્રણ ફૂટ દૂર જોઈને જ નીરવનાં હોશકોશ ઉડી ગયા હતા. એનું હ્ર્દય એક ધબકાર ચુકી ગયું. પેલીના ચહેરા પર અત્યારે રોષના બદલે કાંઈક મૂંઝવણ અને આંખોમાં કોઈક ઉત્કંઠા ડોકિયાં કરતી હતી.
"હા, સાંજ સુધીમાં લાવી આપીશ." નજર નીચી કરીને તેણે પોતાની હડબડાહટ છુપાવવા નિરર્થક પ્રયત્ન કર્યો. નેહલે ઊંડો શ્વાસ લીધો. જાણે કશુંક કહેવા માટે એ પોતાની જાતને તૈયાર કરી રહી હોય ! પણ શબ્દો ગોઠવતા ન ફાવ્યા હોય તેમ ઉતાવળથી પૂછી લીધું.
"તમને ચંદા પસંદ છે ?"
"શું ?" આ પ્રશ્નની તૈયારી તો નિરવે પણ નહોતી રાખી.
"તમે સોનલને પુછાવ્યું હતું ને ચંદા વિષે ?"
"હા પણ એ તો...." કહેતા નીરવ થોથવાયો. નેહલને એમ કેમ સમજાવવું કે પોતે તે રાત્રે એને જ શોધી રહ્યો હતો, અને એ ન દેખાઈ એટલે ઉદાસ થઇ ગયેલો. અને ચંદા તો આકસ્મિક રીતે આખી વાતમાં ઘુસી આવી હતી.
"હા, તે રાત્રે ચંદા ત્યાં જ હતી. અને સોનલની બાજુમાં જ બેઠી હતી. બોલો ! બીજું શું જાણવું છે એના વિષે ?" નેહલ એનો પીછો છોડવા માંગતી ન હોય તેમ અવાજમાં સહેજ રુક્ષતા લાવીને બોલી ગઈ.
"અરે..અરે.. એમ વાત નહોતી. એ તો મેં અને અનંતે શરત મારેલી એટલું જ. બાકી તમે કશું આડુંઅવળું ધારી નહિ લેતા." કાંઈક કાચું કપાઈ રહ્યું હોવાની ગંધ આવી હોય તેમ નિરવે પણ ઉતાવળથી જવાબ આપ્યો. "બાય ગોડ ! તમે એવું માની લીધેલું ?"
આટલા શબ્દો સાંભળતા જ નેહલના ચહેરા પર રાહતના ભાવ આવ્યા. બીજું કશું ય જાણવા ન માંગતી હોય તેમ હોઠ દબાવીને પોતાની મૂર્ખાઈ પર હસતા તેણે પાછા જવા માટે પગ ઉપાડ્યા. પણ પછી પાક્કું કરવા માંગતી હોય તેમ ફરીથી પૂછી બેઠી. "સાચે જ એવું કઈ નથી ને ? "
ને હવે નીરવનાં ય હોશહવાસ પાછા આવ્યા હોય તેમ આછું હસતા તેણે કહ્યું. "બિલકુલ નહિ, ચંદા મને પસંદ નથી. "
દરવાજા તરફ પગ ઉપાડી ચૂકેલ નેહલના સાતેય કોઠે જાણે દિવા થયા. અચાનક તેને શું સૂઝ્યું કે ડોક ફેરવીને અનાયાસ જ બોલી ગઈ "તો ?"
બે-એક સેકન્ડ તો નીરવ પણ એનો પ્રશ્ન સમજી ન શક્યો. અને સમજ્યો ત્યાં સુધીમાં તો પેલી સડસડાટ પોતાના દરવાજા સુધી પહોંચી ચુકી હતી.
પણ આ વખતે નેહલે દરવાજો નહોતો પછાડ્યો. હોઠ પર એક શરમયુક્ત સ્મિત લાવીને પોતાનું આખું હ્ર્દય આંખોમાં સમેટી એક ભરપૂર પ્યારભરી નજર એના પર નાખી, તદ્દન હળવેથી બારણું ભીડયું.
******
અઢી મહિના પહેલા બનેલ એ ઘટનાને યાદ કરતા એ તંગ વાતાવરણમાં પણ નીરવનાં હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું. પોતે નેહલને પત્ર લખવાની હિંમત એમ જ નહોતો કરી રહ્યો. એની પાછળ આવી કેટલીય નાની-મોટી ઘટનાઓ જવાબદાર હતી.
તેની નજર સમક્ષ પછીની યાદો ઉપસી આવી
*****
બંનેના હૈયા હવે હળવાફૂલ હતા. અને મૂક પ્રેમના એ દિવસો એમની જિંદગીના સૌથી શાનદાર સમય બનતો રહ્યો.
સવારથી સાંજ સુધીમાં નેહલ સેંકડો વખત ઘરની બહાર આવતી. ત્યારે એનું મન નિરવને જોવા ઉતાવળું થઇ ઉઠતું. છતાં ય શેરીમાં બીજાને શંકા ન પડી જાય એ માટેની ખાસ તકેદારી રાખતી. સામેનું ઘર જાણે હવે એના માટે પોતાનું ઘર બની ગયું હતું. ઘરમાં કામ કરતી વખતે પણ એના કાન તો નીરવનાં ઘરનો દરવાજો ખુલે એ અવાજ સાંભળવા તત્પર રહેતા. બંને એ કદાચ એકબીજાના બહાર આવવા-જવાના સમય નોંધી લીધા હતા.
એકાદ દિવસ માટે ઘરથી બહાર જવું પડે તે હોય ત્યારે બંને કોઈ હાસ્યાસ્પદ માધ્યમથી એકબીજાને જાણ કરી દેતા. "અરે સોનલ, આજે એક સગાને ત્યાં જઈશ , એટલે સાંજે આવતા મોડું થશે " આવું મોટેથી બોલીને નિરવને જાણ કરી દેતી વખતે બંનેના હોઠ પર આવી જતું ધૂર્ત સ્મિત બીજા કોઈની નજરે ચડે તે પહેલા જ વિલીન થઇ જતું.
ફરક માત્ર એક જગ્યાએ હતો.
નેહલમય બની ચૂકેલ નીરવ એ બાબતે સભાન હતો કે એક વખત અનંતે એને ટોન મારેલો. અને પોતે ગમે તે ભોગે આ ષોડશીને પ્રિયતમા બનાવી શકે તો એની મકસદ ત્યાં પૂરો થતો હતો.
પણ ષોડશી નેહલ આખરે તો એક સ્ત્રી હતી ને ! આ સંબંધમાં પોતે હવે પોતાની જાત સમર્પિત કરીને નિરવને પોતાનો ખાલી પ્રિયતમ તરીકે જ નહિ, પણ દૂરના ભવિષ્યમાં પતિ તરીકે જોવા લાગી હતી.
વાતાવરણમાં દિવાળીની મહેક પથરાઈ. અને જુવાન હૈયા હિલોળે ચડ્યા. ધનતેરસની રાત્રિથી શેરી ધમધમી ઉઠેલી. રંગોળીઓની રમઝટ અને મીઠાઈઓની મીઠપ વચ્ચે એકબીજાને જોવાની તરસ વધતી રહી.
તહેવારના બહાને એકબીજાના ઘરે જવાની કોઈ પણ તક આ બંનેએ છોડી નહોતી. ક્યારેક રંગોળીના રંગ મંગાવવા માટે તો ક્યારેક દીવડાની નિરર્થક ખરીદી માટે, નેહલે માની લીધેલ સાસરિયે વારંવાર ધક્કા ખાધા હતા. તો નવા વર્ષના દિવસે નીરવ પણ પ્રિયતમાના ઘરની મીઠાઈ ચાખી આવ્યો.
આટલું સામીપ્ય પામવા છતાં નીરવ શા માટે ઢીલ કરી રહ્યો હતો ?
એના મનમાં એક જ આશંકા સળવળી રહી હતી.
નેહલ તરફથી એને રોજના જે મીઠા હાસ્ય મળતા. એ એના પોતાના માટે હતા કે પછી પોતે અને નેહલ બંને અનંત અને સોનલની પ્રેમકહાણીથી વાકેફ હતા એટલે એ સંબંધે નેહલનો વ્યવહાર ઉષ્મા ભર્યો હતો ?
કોઈ ત્રીજું વ્યક્તિ જો આ ઘટનાઓનું તટસ્થ નિરીક્ષણ કરતું હોય તો એ નિરવને ચોક્કસ કહે કે "બેવકૂફ....! એક છોકરીના સામાન્ય અને અસામાન્ય વ્યવહાર વચ્ચેનો તફાવત તું નથી સમજી શકતો ? જે માત્ર ને માત્ર તારા માટે રોજના પચાસ વખત ઘરની બહાર આવે છે, એને તું ઔપચારિકતા સમજે છે ?"
પણ નીરવ કોઈ જોખમ લેવા નહોતો માંગતો. એના અંતરમાં ઊંડે ઊંડે એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો કે પોતે જે સમજી રહ્યો છે તેવું નેહલના મનમાં કાંઈ જ નહિ હોય તો પછી નેહલની ઉપેક્ષા પોતે સહન નહિ કરી શકે. ઉલ્ટાનું જો આ ભ્રમ જ હોય તો ભ્રમમાં જ રહેવામાં તેને સલામતી દેખાતી હતી. આ સંબંધોને જો નેહલ તરફથી સ્વીકૃતિ ન મળે તો જીવનભર પોતે એની સામે આંખ ઉઠાવીને જોઈ નહિ શકે. એવું તેને લાગી રહ્યું હતું.
ઉતાવળ તો નેહલને પણ જરાય નહોતી. એ પણ આ સ્વીકૃતિ વગરના સંબંધોની મીઠાસ માણવામાં ખોવાઈ ગઈ હતી. પણ એક દિવસ તો નીરવ તરફથી પ્રસ્તાવનો સામનો કરવો જ પડશે, એ તો સ્વાભાવિક વાત હતી. એટલે એ પ્રસ્તાવ ક્યારે આવશે એની ચટપટી ખરી.
દિવસો વીતતા રહ્યા ને મકરસંક્રાંતિની પતંગો પણ ચગાવાઈ ગઈ. 16 જાન્યુઆરીએ નિયતિએ આખરે પોતાનો ભાગ ભજવ્યો. અને પ્રસ્તાવના દરવાજા ખોલ્યા
*****
16 જાન્યુઆરીની સવારે જયારે નીરવ ઉઠીને રોજની જેમ બહાર આવ્યો ત્યારે નેહલના ઘરના દરવાજે તાળું વાસેલું હતું. તેણે આગલા દિવસની ઘટનાઓ વિચારી, પણ નેહલ ક્યાંય બહાર જવાની હોય તો કમ સે કમ આ વખતે તો એની પાસે કોઈ માહિતી નહોતી.
બપોર સુધી એ નેહલનો ચહેરો જોવા તરસતો રહ્યો. પણ નેહલ કે એની કોઈ ખબર એને ન મળી. અનંતને પૂછ્યું ત્યારે તેણે પણ અજાણતા દર્શાવી.
ને આંખોની આ તરસે સાંજ સુધીમાં ગુસ્સાનું રૂપ ધારણ કર્યું.
બંને વચ્ચે મૂક સંબંધ શરૂ થયા પછી આ પહેલો એવો મોકો હતો, જયારે એને કહ્યા વગર નેહલ સાંજ સુધી બહાર રહી હોય.
ને રાત્રે અનંત વાંચવા આવ્યો ત્યારે પણ સામેના ઘરે તાળું પૂર્વવત હતું.
"તારે હવે તારા મનની વાત એને કહી દેવાની જરૂર છે." નિરવની દશા જોતા તે રાત્રે પહેલીવાર અનંતે ગંભીરતાથી કહ્યું. પણ એ નહોતો જાણતો કે મકરસંક્રાંતિના દિવસથી આ જ વાત નીરવનાં મનમાં પણ સજ્જડ રીતે ઘુમરાઈ રહી હતી. પણ પોતાના મનની વાત નેહલને કહેવા તલપાપડ છે તે ખુલાસો અનંત સમક્ષ કરવા માંગતો ન હોય તેમ વાતને ઉડાવી દીધી.
પણ બીજા દિવસે સવારે ય દરવાજો બંધ જોઈને ગુસ્સા સાથે હવે સહેજ ચિંતા પણ ભળી.
******
પ્રેગ્નેન્ટ ભાભીની તબિયત અચાનક બગડતા પોતે ઝડપથી મમ્મી સાથે નીકળી તો ગઈ. અને ભાભીના માવતરેથી ભાભીને લઈને હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં સુધી એને અણસાર નહોતો કે એકાદ દિવસનું રોકાણ થશે. પણ ડોક્ટરને કોઈ કોમ્પ્લીકેશન્સ દેખાયા, ને ટ્રીટમેન્ટ શરૂ થઇ ત્યારે આવી બાબતમાં પહેલી વખત હોસ્પિટલે આવી હોય તે થોડી ટેંશ થઇ ગઈ. પરંતુ ચારેક કલાક બાદ તબિયત સુધરતાં તેણે રાહતનો શ્વાસ લીધો. પછી નીરવનાં વિચારો એને ઘેરી વળ્યાં.
'પોતાને ન જોવાથી એ ઉછળકૂદ કરશે જ. અને કદાચ એકાદ દિવસ મોઢું ચડાવીને પણ રાખે !' આ વિચારથી તે મલકી ઉઠી. 'સાવ બાળક જેવો છે. એના મગજનું કાંઈ નક્કી નહિ. કઈ વાતમાં ક્યારે ગુસ્સે થઇ જાય ! તોબા આનાથી તો.!'
ને બીજે દિવસે બપોરે મમ્મી સાથે ઘરે પાછી ફરી ત્યારે તાળું ખોલતા તેણે નીરવનાં ઘર તરફ અછડતી નજર નાખી. અવાજ વધુ થાય તેવો પ્રયત્ન કરીને દરવાજો ખોલ્યો, બપોરના બે વાગ્યા હતા. દોઢ દિવસ પછી તે ઘરમાં પગ મૂકી રહી હતી. એને ખબર હતી કે નીરવના ટ્યુશનમાં જવાનો સમય બપોરે ત્રણ વાગ્યાનો છે. એટલે અત્યારે એ ઘરે જ હશે.
પણ પોતાના ઘરનો દરવાજો ખુલ્યો એ અવાજ સાંભળવા છતાં નીરવ બહાર ન ડોકાયો, ત્યારે એ રિસાયો હશે એ અનુમાન સાચું પડતું લાગ્યું.
ત્રણ વાગ્યે સાઇકલ કાઢીને એ બહાર આવ્યો. ત્યારે પોતાને પણ દોઢ દિવસથી એનો ચહેરો ન જોયા હોવાની તરસ છીપાવવી હોઈ તરત બહાર ધસી આવી. અને આંખો મળતા મીઠું હાસ્ય પણ ફેંક્યું.
પણ જવાબમાં પેલો તો હોઠનો ખૂણો વાંકો કરીને આગળ વધી ગયો.
'બેવકૂફ...!' તે મનોમન બબડી ઉઠી. નિરવની એ હરકત પર એને એટલો પ્યાર આવ્યો કે ઉછળતી કૂદતી અંદર આવી. અને પછી ભાન થયું કે મમ્મીની નજરમાં આ ઉછળકૂદ આવી જશે તો જવાબ આપવો ભારે પડશે.
બે દિવસની થાકેલ મમ્મી ઊંઘી ગઈ. પછી એ ઉપરના ઓરડામાં આવી.
પાંચેક વાગ્યા સુધી તેણે નિરવની રાહ જોતા મેગેઝીન વાંચવામાં સમય પસાર કર્યો. પોતાના ઉપરના ઓરડાની બારીઓ મેઈન રોડ પર પડતી હતી. બંનેના ઘર તદ્દન સામસામે હોઈ નીરવનો ઉપરનો ઓરડો નજરે ચડતો હતો. ટ્યુશનમાંથી આવીને એ હમેશા ટીવી જોતો. એની પોતાને જાણ હતી.
અત્યારે પણ એ ખુરશી પર બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો. એને ખબર હતી કે સામે ઓરડામાં પોતે એનું ધ્યાન પડે એમ જ બેઠી છે. છતાંય પીઠ ફેરવીને ફિલ્મ જોવાનો ડોળ કરી રહ્યો હતો. કાંઈક ઉપાય કરીને પોતે દોઢ દિવસ ક્યાં હતી તે જણાવવાની એને તીવ્ર ઈચ્છા હતી પણ પેલો સામું જુવે તો ને !
પણ ત્યાં જ એની નાની બહેન રવેશમાં ડોકાઈ. નેહલ તરફ જોઈને સ્મિત કર્યું.
"હમણાં ક્યાંય ઓચિંતું બહાર જવાનું થાય તો જરા ઘરનું ધ્યાન રાખજે ને કાજુ !" એનું નામ તો કાજલ હતું પણ સૌ એને કાજુ કહીને બોલાવતા. નિરવને સંભળાવતી હોય તેમ એક શ્વાસે ઉમેર્યું. "આ જો ને ! ભાભીને કાંઈ નહોતું ને ઓચિંતા તબિયત બગડી તે દવાખાને લઇ જવા પડ્યા, એમાં એક આખો દિવસ એડમિટ રાખવા પડ્યા. આજે બપોરે બે વાગ્યે ઘરે આવ્યા."
"હા ચોક્કસ ! અને અમારા જેવું કાંઈ કામ કાજ હોય તો કહેજો" આ બંનેની કારસ્તાનીથી અજાણ કાજલે ભોળપણથી કહ્યું, ને પછી ભાભીની તબિયત વિષે વાતો થઇ. પણ એને સંતોષ હતો કે પોતે પોતાનો પક્ષ રજૂ કરી દીધો હતો. આ આખી વાતચીત દરમ્યાન નિરવે એકવાર પણ પાછું વળીને નહોતું જોયું.
આ અબોલા કદાચ વધુ લંબાત, પણ અચાનક જ કાંઈક એવું બન્યું જેની કલ્પના બેમાંથી કોઈએ નહોતી કરી.
ટીવી પર 'મિસ્ટર ઇન્ડિયા' ફિલ્મ આવી રહ્યું હતું. અને બંને સેમ ફિલ્મ જોઈ રહ્યા હતા. અચાનક જ "કાટે નહીં કટતે યે દિન, યે રાત' ગીત શરૂ થયું.
કાંઈક વિચારીને નેહલે ધરારથી ટીવીનું સાઉન્ડ વધાર્યું.
આંચકા સાથે નિરવે પાછળ જોયું. આમ થશે જ એવું જાણે પહેલાથી જાણતી હોય, તેમ હોઠ પર અર્થસભર છતાં લુચ્ચું હાસ્ય રાખીને નેહલે આંખો ટીવી પર જ જમાવી રાખી.
અને ગીતમાં "આઈ લવ યુ" શબ્દ આવ્યો ત્યારે પોતાની નજર અચાનક નીરવ પર પડી હોય તેમ એ તરફ જોયું.
એની આંખોમાં ગુસ્સો, પણ હોઠ મરક મરક થતા દેખાયા. અને વધુ વાર સુધી રિસાવાનો ઢોંગ કરી શકે તેમ ન હોય એ રીતે એ મ્હોં દબાવીને હસી પડ્યો.
અને મનાવવાનું કામ પૂરું થઇ ગયું હોય તેમ નીરવ પ્રત્યેનું સમગ્ર વ્હાલ આંખોમાં ભરીને એક મીઠી નજર એના પર નાખતા એણે બારી બંધ કરી દીધી.
*****
17 મી જાન્યુઆરીની એ નાનકડી ઘટના નીરવ માટે હવે અસહ્ય થઇ પડી હતી. નેહલને પ્રસ્તાવ મોકલવા માટે આટલી હિન્ટ પૂરતી હતી.
હવે સવાલ હતો કેવી રીતે અને ક્યારે ?
અનંતના મામાના લગ્ન ર0 જાન્યુઆરીના દિવસે હતા. એટલે તેણે વાંચવામાંથી બ્રેક લીધો હતો. તો પેલી તરફ નેહલની ભાભીની પ્રસુતિ ગમે ત્યારે થવાની શક્યતા હોઈ સોનલે પણ હમણાં વાંચવા આવવાનું માંડી વાળ્યું હતું.
ને અધૂરામાં પૂરું 18મી જાન્યુઆરીની રાતે નીરવનાં મનમાં જે કાંઈ થોડી ઘણી આશંકાઓ હતી. એ પણ નેહલ જાણે નિર્મૂળ કરવા માંગતી હોય તેવી વાત બની ગઈ.
હમેશ મુજબ રાત્રે દરવાજો બંધ કરતી વખતે નેહલ જાળીની અંદરના ભાગમાં તાળું મારતી. એ રાત્રે લગભગ અગિયારેક વાગ્યે એ તાળું મારવા દરવાજે દેખાઈ. અને રોજના ક્રમ પ્રમાણે બંનેની નજરો મળી.
એના આકર્ષક ચહેરા પર એનું સદાબહાર સ્મિત તો રેલાઈ જ રહ્યું હતું. પણ સાથે આંખોમાં આંખો પરોવીને તેણે પોતાની ધનુષાકાર ભ્રમર ઊંચી કરી.
નીરવનું મ્હોં પહોળું થયું. પ્રશ્નાર્થ દ્રષ્ટિએ તેણે આંખોથી જ કાંઈક પૂછવા પ્રયત્ન કર્યો.
ને હોઠ ફફડાવી "ગુડ નાઈટ" કહેતા તેણે દરવાજો ભીડ્યો.
એ પછી અપ્રત્યાશિત બન્યું.
દરવાજામાં રહેલ લેટર સરકાવવાની તિરાડમાંથી પ્રકાશ દેખાતો બંધ થયો. પરંતુ વેન્ટિલેટરમાંથી દુધિયા પ્રકાશ રેલાઈ રહ્યો હતો.
ન તો પોતાની બાજુમાં અનંત બેઠો હતો કે ન તો સામેના ઘરમાં સોનલ, જે કોઈ જોઈ રહ્યું હતું તે નેહલ જ હતી એમાં શંકાને કોઈ સ્થાન નહોતું.
એનું હ્ર્દય જોરથી ધબકી ઉઠ્યું.
'ઇનફ નીરવ.' તે સ્વગત બબડ્યો. એના દિમાગમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું. પણ તે કશુંક શાંતિથી વિચારવા માંગતો હતો. ઉભા થઈને નેહલ પોતાને તિરાડમાંથી જોઈ રહી છે એ પરવા કર્યા વગર પોતાનો દરવાજો બંધ કર્યો, અને ઊંડો શ્વાસ લેતા રિલેક્સ થવા યત્ન કર્યો.
અર્ધા કલાક પછી તે કોઈ નિર્ણય પર આવ્યો. અને ધ્રુજતા હાથે પોતાની જિંદગીનો પહેલો પત્ર લખવા માટે પેન ઉઠાવી.
*****
હકીકતે ભરેલો અગ્નિ તો બંનેના મનમાં જ હતો. પણ 19 જાન્યુઆરીના રોજ બંનેને જાણે શેરીના વાતાવરણમાં સ્તબ્ધતા વર્તાઈ.
આગલી રાત્રે લખેલો પત્ર ભલે નિરવની પાકીટમાં પડ્યો હતો. પણ કસોટીની ઘડી હવે નજીકમાં જ છે એની અનુભૂતિ જાણે નેહલને છઠ્ઠી ઇન્દ્રિયથી મળી ગઈ હોય તેમ એના હૈયાએ નીરવનાં મનોભાવ પકડી લીધા હતા. બસ હવે ક્યારે પ્રસ્તાવ આવે એની કલાકો ગણાઈ રહી હોય એવા સંકેત નેહલના મનને આપોઆપ મળ્યા. બંનેના હૈયાએ એકમેકના મનના હાલ સમજી લીધા હોય તેમ 19 તારીખના એ દિવસ બંને એકાએક ગંભીર બની ગયા હતા.
જાણે હસવા ખેલવાના દિવસો પુરા થઇ ગયા હોય !
પણ તોફાન પહેલાની શાંતિ લંબાતી હોય તેમ 19 મી જાન્યુઆરીનો દિવસ પૂરો થયો.
*****
નિયતિએ અગાઉથી નક્કી કર્યો હોય તેમ 20 જાન્યુઆરીના દિવસે સવારથી જ બંનેના હૈયા હેતથી ઉભરાતા હતા.
સાંજે સાતેક વાગ્યે અચાનક નેહલની મમ્મીને પુત્રવધુના પિયરેથી સમાચાર મળ્યા કે 'લેબર પેઈન' શરૂ થયું હોય તેમ લાગે છે. એટલે તે સાંજે હોસ્પિટલે જતી વખતે નેહલને ઘરે જ રાખી નીરવનાં ઘરના લોકોને ભલામણ કરતા ગયા કે રાત્રે પોતે ઘરે હાજર નહિ હોય તો ઘરનું ધ્યાન રાખજો.
અનંત હજી મામાના ઘરેથી આવ્યો ન હતો. અને સોનલ પણ એ કારણે રાત્રે આવવાની નહોતી.
એ જ સાંજે નીરવનાં કાકાના લગ્નનો દિવસ નક્કી કરવા એના સસરા કાકાના ઘરે આવ્યા. અને તે કારણે નીરવનાં મમ્મી પપ્પાએ ત્યાં ફરજીયાત રાત્રે રોકાવા જવું પડે તેમ હતું. જમીને નાની બહેનને સાથે લઇ તેઓ પણ રવાના થયા.
બંને ઘરમાં સન્નાટો છવાયો. બંને જાણતા હતા કે આજે બન્ને એકલા છે.
ક્રમશઃ