“પપ્પા, તમે ક્યારે આવશો...?”
ઓહ નો, આવીરીતે કોઈ જતું હશે કઈ ? તમને તો ખ્યાલ છે ને કે હું અને મોન્ટુ તમે દસ વાગ્યે ઓફીસ પરથી આવો પછીજ જમીએ છીએ પરંતુ એ દિવસ કોણ જાણે કેવો આવ્યો રાત્રીના અગ્યાર સાડા અગ્યાર અને બાર વાગ્યા ને તમારો મોબાઈલ પણ ઉપાડ્યો જ નહિ અને પછી તમે.....!
મને બધી ખબર છે પપ્પા, છેલ્લા છએક મહિનાથી તમે બહુ ડીસ્ટર્બ હતા. ધંધામાં નુકશાની, આર્થિક સંકટ, બેંકલોન અને વળી લેણિયાતોની પઠાણી ઉઘરાણી આ બધું ટેન્શન તમારા ચહેરા પર વાંચી શકતી. આમ છતાં તમે ઘરમાં પ્રવેશતા ત્યારે બધી ચિંતાને બહાર મુકીને આવતા.
મને એ પણ ખ્યાલ છે કે મમ્મીએ કાયમ તમને નફરત જ કરી છે તમે આખી જિંદગી સંઘર્ષ કરી પરિવારને સુખ આપવા બધું કરી છૂટ્યા અને અમોને સુખસાહ્યબીમા રાખવા તમામ બનતા પ્રયાસ કર્યાં છતાં મમ્મીને તો સતત ખૂટતું જ રહેતું. અને નાની નાની વાતોમાં સતત ઝઘડા કરતી, બહારની દુનિયાથી લડીને આવેલો પુરુષ ફરી ઘરના સાથે કેમ લડે પરિણામે વિના વાંકે બધું જતું કરી તમે અપમાનો શહન કર્યે જતા તે કેમ ભૂલું ?
ખરેખર ,પપ્પા તમને કોઈ સ્ત્રીનો પ્રેમ મળ્યો જ નથી બાળપણમાં તમારી માતા ગુજરી ગઈ અને યુવાનીમાં તમારી મનાઈ હોવા છતાં ફરીજીયાત લગ્ન એ પણ તમારું કશું સંભાળ્યા વિના. ખરેખર જીવતા માણસની કદર જ નથી આ ઘરમાં મમ્મી સતત તમારું અપમાન કરતી રહેતી અને હું મૂંગા મોઢે બધું જોઈ રહેતી અને તમે પણ આ બધા અપમાનો માત્રને માત્ર અમારી ખાતર શહન કર્યે જતા. મનેતો ક્યારેક એવું થાય છે કે હું તમારી પુત્રીને બદલે મા હોઉ તો ? તમને પુત્ર તરીકે એટલો પ્રેમ આપી દુનિયાના બધા દર્દ ભુલાવી દેત. સ્ત્રીનું એક સ્વરૂપ કરુણાની દેવીનું પણ છે અને ઝેરીલી નાગણ પણ એજ છે ખેર, હવે આ બધો દોષ કોને આપવો ?
જગતની બધી મુશ્કેલીઓને સામી છાતીએ લડનારો માણસ આમ રણમેદાન છોડી ન જાય, ને પપ્પા અમે હવે શું કરીએ ? બીજા કોઈ તમારૂ ન સાંભળે પણ હું તો તમારું બધું સંભળાત. મને તો તમારે કૈક કહેવું હતું અને મારે પણ તમને ઘણું બધું કહેવાનું છે પણ હવે...! અને મારે હજુ ગ્રેજ્યુએશન બાકી છે ને મોન્ટુ તો હજુ ફર્સ્ટમા જ છે કેમ ચલાવીશું બધું તમારા વિના...?
આપણા બધા સગાવ્હાલા ખબર અંતર પૂછી પોતપોતાના નીજી જીવનમાં પરોવાઈ ગયા છે. તમારા રૂમમાં પડેલ ખાલી ખુરશી કે જેમની ઉપર બેસી તમે ક્યારેક કશું લખતા રહેતા તે જોઈ હું સતત ત્યાં દોડી જાઉં છું કે હમણાં આવાજ આવશે કે આવી ગઈ બેટા....! અને એ ડાયરી પણ મેં સાચવી લીધી છે મમ્મીને બતાવી નથી કારણકે એ વાંચશે તો પોતાની જાતને જ નફરત કરશે.
હાઉસીંગ લોનને લેણીયાતોના પૈસા કોણ ભરશે ? ને વળી મારી ને મોન્ટુની ડીમાંડ કોણ પૂરી કરશે ? રોજ હું હિંડોળે ઝુંલુ ત્યારે કોણ ફાસ્ટ હિચકા નાખશે અને મારી સાથે જ્ઞાન અને સમજણની વાતો કરશે ? સન્ડેના ગાર્ડનમાં મોન્ટુ સાથે ક્રિકેટ કોણ રમશે ? સ્કુલે પેરેન્ટ્સ મીટીંગમાં કોને લઇ જઈશ અને ચોપાટી આઈસ્ક્રીમ ખાવા કોણ લઇ જશે હવે ? હા કબુલ ક્યારેક હું ને મોન્ટુ વધારે તોફાન મસ્તી કરતાં ને તમે મમ્મીના ગુસ્સાને કારણે તમારે પણ ખરું ખોટું સંભળાવું પડતું.
મમ્મી પણ છેલ્લા અઠવાડિયાથી સાવ મૌન છે કશું બોલતી નથી અને અમને વઢતી પણ નથી જાણે અમે બંને બહુ મોટા થઇ ગયા હોઈએ. પહેલાતો કેટલું બોલતી, ને મોન્ટુ પણ બહુ ડાહ્યો થઇ ગયો છે બધું હોમવર્ક જાતે જ કરી લે છે પણ મને સતત પૂછ્યા કરે છે કે બેન, પપ્પા કયારે આવશે....?
કેતન મોટલા ‘ રઘુવંશી’