Sambhavami Yuge Yuge - 20 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૨૦

ભાગ ૨૦

સોમના હાથમાં હતું ‘વયં રક્ષામઃ’, આચાર્ય ચતુરસેનની અદભુત લેખનકળાથી સોમ અભિભૂત થઇ ગયો. મોડી રાત સુધી તે પુસ્તક વાંચતો રહ્યો છતાં તે ધરાયો નહોતો. બીજા દિવસથી સોમે પોતાની દિનચર્યા પહેલાં જેવી કરી દીધી. તે કોલેજમાં જતો લેક્ચર અટેન્ડ કરતો અને પાછા વળતી વખતે લાઇબ્રેરીમાંથી રાવણ વિશે જે કોઈ પુસ્તક મળે તે લઇ આવતો. તેણે જેટલા પણ પુસ્તકો વાંચ્યા તેમાં રાવણ વિષે હકીકતો લખી છે કે કાલ્પનિક વાતો તેની સોમને ખબર પડતી ન હતી કારણ રાવણ પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયો અને પુસ્તકો અત્યારના લેખકોએ લખેલા હતા. એવામાં તેને સીટી લાયબ્રેરીમાંથી વાલ્મિકી રામાયણ મળી આવ્યું અને તેમાં રાવણનો ઉલ્લેખ મહાત્મા તરીકે હતો.

ગામડેથી આવીને તેને ૧૫ દિવસ થઇ ગયા હતા અને તે હવે થોડો આનંદમાં રહેતો હતો છતાં કોઈ વખત રાત્રે ઝબકીને જાગી જતો હતો, સપનામાં તેને તલવાર ફરતી દેખાતી અને હત્યારાનું શરીર પડતું દેખાતું અને તેના શરીરમાંથી વહેતુ લોહી દેખાતું. ભુરીયાની ચિંતા થોડી ઓછી થઇ ગઈ હતી, હવે તેણે સોમનો પીછો કરવાનું બંધ કરવાનું નક્કી કર્યું, પણ એક ઘટનાએ તેને ચોંકાવી દીધો.

            સોમે પ્રતિબંધિત ખંડમાં જવા લાઇબ્રેરીયનને સંમોહિત કર્યો, ત્યારે ભુરીયો એક કબાટની પાછળથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો. અંદર જઈને સોમ બે ત્રણ પુસ્તકો લઇ આવ્યો, અંક પ્રકાશ , કુમારતંત્ર અને ઇંદ્રજાલ, લાઇબ્રેરીયનના કહેવા મુજબ આ બધાની રચના રાવણે કરી હતી અને આ પુસ્તકોની મૂળ પ્રતો એક અંગ્રેજને શ્રીલંકામાં ઉત્ખનન દરમ્યાન મળી હતી, પછી તેણે ઈંગ્લીશમાં અને હિન્દીમાં ભાષાંતર કરાવ્યું હતું. આ પુસ્તકો વાંચવામાં તેને અઠવાડિયું નીકળી ગયું. આ તરફ ભુરીયો વિચારવા લાગ્યો હતો કે સોમ દેખાય છે એટલો સરળ નથી, તેને આજ સુધી ખબર નહોતી કે સોમ સંમોહન વિદ્યા જાણે છે અને હજી ન જાણે શું શું જાણતો હશે? હવે તેની તાલાવેલી વધતી જતી હતી, તેથી ભૂરિયો તેનો દરેક જગ્યાએ પીછો કરતો હતો.

  પ્રદ્યુમનસિંહના ઘરમાં મિટિંગ શરુ હતી. મિટિંગમાં પ્રોફેસર અનિકેત , પ્રદ્યુમનસિંહ અને રામેશ્વર હાજર હતા. પ્રદ્યુમનસિંહે રામેશ્વરને પૂછ્યું, “જટાશંકરના કોઈ સમાચાર?” રામેશ્વરે કહ્યું, “વીસ દિવસ પહેલા તે જોધપુર પાસે હતો પણ હવે ત્યાં નથી, તે ક્યાં ગયો હશે તેનો કોઈને કઈ અંદાજો નથી. કોઈ કહે છે તે હિમાલય ગયો છે તો કોઈ કહે છે દક્ષિણમાં ગયો છે પણ મને લાગે છે કે તે નજીકમાં જ ક્યાંક હશે અને હવે તે કોઈ ઘાતક વાર કરવાની તૈયારીમાં હશે.” પ્રદ્યુમનસિંહે કહ્યું, “ મારી છઠ્ઠી ઇન્દ્રિય પણ તે જ કહે છે અને આપણે જટાશંકરને  સોમ પર કોઈ વાર કરે તેના પહેલા શોધવો પડશે. તે સોમનું કઈ નહિ બગાડી શકે પણ તેના પ્રત્યુત્તરમાં જો સોમ કાળી વિદ્યાનો ઉપયોગ કરશે તો બાબાની યોજના પડી ભાંગશે. આજ સુધી સોમે ફક્ત કાળી વિદ્યા મેળવી છે તેનો કોઈ દુરુપયોગ કે ઉપયોગ નથી કર્યો. સમય આવે તેના પહેલા તે તેનો ઉપયોગ કરે તે પણ યોગ્ય નથી.”

 પ્રોફેસર અનિકેત થોડા ડઘાયેલા હતા તેમણે પૂછ્યું, “સોમ કાળી વિદ્યાનો જાણકાર છે?” પ્રદ્યુમનસિંહે કહ્યું, “તે ફક્ત જાણકાર નથી તે એવા પદ પર છે જ્યાં પાછલા હજારો વર્ષમાં કોઈ પહોંચ્યું નથી અને અત્યારે તે પદ પર બે જણા છે એક સોમ અને બીજો જટાશંકર. તેથી હવે તેમના વચ્ચે સંઘર્ષ નિર્માણ થશે અને તેમાં અત્યારે સોમ કોઈ વાર ન કરે તે ઇચ્છનીય છે. તમે હવે મનમાં કોઈ જાતનો પૂર્વાગ્રહ લાવ્યા વગર મારા પ્રશ્નોનો ઉત્તર આપો. તમે રાવણ વિષે ક્લાસમાં લેક્ચર લીધું?” અનિકેતે હકારમાં માથું હલાવ્યું. પ્રદ્યુમનસિંહે પૂછ્યું, “સોમ, ક્લાસમાં હાજર હતો?” અનિકેતે કહ્યું, “જી સર, હાજર હતો અને ખુબ ધ્યાનથી લેક્ચર સાંભળ્યું.”

 પ્રદ્યુમનસિંહે પૂછ્યું, “પાયલ અને સોમના વિષે કોઈ સમાચાર?” અનિકેતે કહ્યું, “સિંહ સાહેબ, મીરાના કહ્યા અનુસાર ગામડેથી આવ્યા પછી જયારે સોમ પાયલને મળ્યો ત્યારે ખુબ રડ્યો હતો, પણ કોઈ જાતનું સ્પષ્ટીકરણ આપ્યું નહિ, ફક્ત એટલુંજ કહ્યું કે તે તકલીફમાં છે અને તકલીફમાંથી બહુ જ જલ્દી ઉગરી જશે, તે  પછી સોમ થોડો ખુશ રહે છે. તે મધુસુદન સર પાસે પણ ગયો હતો અને ત્યાં પણ તે સામાન્ય રીતે વર્ત્યો હતો.” પ્રદ્યુમનસિંહે પૂછ્યું, “બીજું કંઈ?” અનિકેતે કહ્યું, “હજી એક વાત છે , ખબર નહિ તમારા માટે કેટલી મહત્વની છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે સોમનો પ્રિય મિત્ર ભુરીયો હંમેશા તેનો પીછો કરતો હોય છે.” 

પ્રદ્યુમનસિંહે કહ્યું, “ઠીક છે, પ્રોફેસર સાહેબ હવે આપ જઈ શકો છો અને મનમાં કોઈ જાતનો પૂર્વગ્રહ બાંધ્યા વગર વર્તજો. સોમ એ બેધારી તલવાર છે તે સામેવાળાને પણ નુકસાન પહોંચાડી શકે અને આપણને પણ તેથી આપ તેની સાથે સામાન્ય વર્તન કરજો અને હા કોઈ વિચિત્ર ઘટના જુઓ તો મને ફોન કરજો.” અનિકેતે કહ્યું, “ઠીક છે, હું જાઉં છું પણ શું આપ મને કહી શકશો  કે આપે મને રાવણ વિષે લેક્ચર લેવા શા માટે કહ્યું?” પ્રદ્યુમનસિંહે કહ્યું, “સમય આવે તેનો ઉત્તર આપને મળી જશે, અત્યારે તેની ચિંતા ન કરશો.” પ્રોફેસરના ગયા પછી રામેશ્વરે કહ્યું, “તેના મન પરથી હજી હત્યાનો ભાર ઉતર્યો નથી, શું તેને કોઈ ઈશારો આપવો છે કે આ હત્યા તેણે કરી નથી?” 

પ્રદ્યુમનસિંહે કહ્યું, “ના, હજી સમય નથી થયો તેને આ બાબત જણાવવાનો.” રામેશ્વરે કહ્યું, “આ અપરાધબોધને લીધે તે કોઈ ખોટું પગલું ભરી લે તો?” પ્રદ્યુમનસિંહે કહ્યું, “હજી તું તેને બાળરૂપમાં જોઈ રહ્યો છે, તેને પોતાની રીતે લડવા દે અને હા, આ હત્યાનો બોજ પોતાના મન પર પણ ન રાખીશ, તેં ફક્ત સોમની રક્ષા માટે હત્યા કરી છે અને તે તારું કર્મ હતું . તું હવે જટાશંકરને શોધ અને હા, સોમનો મિત્ર તેનો પીછો ન કરે એવું કંઈક કર.”

ક્રમશ: