Abola in Gujarati Love Stories by Hardik Galiya books and stories PDF | અબોલા

Featured Books
Categories
Share

અબોલા

       કેતન અને કુમકુમ.બસ બેજ ફેમિલી મેમ્બર. ત્રીજા સભ્યનો ઉમેરો કરવાની  એમને કોઈ ઉતાવળ પણ ના હતી. યુવાન જીવો બસ ખાઈપી ને લહેર કરે. કેતન દસ વાગે એટલે નોકરી જવા નીકળી જાય. કુમકુમ ઘરનું નાનું મોટું કામ કપડાં, વાસણ, પોતા-સફાઈ ઝપાટે પતાવીને પછી લંબાવે ને રિમોટ હાથમાં લે. એજ સાસુ-વહુની સિરિયલો જોતાં થોડી ઊંઘ ખેંચી લે. મોબાઈલ પર બહેનપણીઓ સાથે થોડું ચેટિંગ કરે. ત્યાં સુધી દિવસ ઢળી જાય.
      કેતન સાંજે આવે.બન્ને જણ સાથે બેસી ચાની ચુસકીઓ લગાવે. પછી જેવો મૂડ. ઈચ્છા થાય તો બહાર નીકળી પડવાનું ને અડધી રાતે આવવાનું. ને મૂડ ના હોય તો ઘરનું જમી લઈ વળી પાછું ટીવીને શરણે. બંને જણ પછી ભાવિના સપનાં  જોતાં જોતાં નિદ્રાધીન થઈ જાય.
   પણ હવે કુમકુમ એકલી પડે ત્યારે સમય કાઢવો દોહ્યલો  થઈ પડે છે. પાંચ પાંચ વરસ વીતી જવા આવ્યાં છતાં ઘરમાં પગલીની હારમાળા સર્જવવાળું હજુ કોઈ આવ્યું નથી.ટીવીની રોજની ચવાઈ ગયેલી સિરિયલો તેનું મન ભરી શકતી નથી. મોનોટોનસ જીવનથી એ હવે ધરાઈ ગઈ છે. સામે કેતનનું પણ એવુંજ છે. એક ધાર્યું જીવન હવે તેને પણ ખૂંચવા લાગ્યું છે. બન્નેના સ્વભાવમાં , ના જાણે કેમ થોડો બદલાવ આવી ગયો  છે. એક-બીજા પ્રત્યે જે લગાવ જે લાગણી હતી એમાં જાણે ઓટ આવી ગઈ છે. નાની નાની બાબતોમાં ક્યારેક એક બીજાના અહંમ ટકરાય છે. કેતન પરિસ્થિતિ જાણે છે કે આવું કેમ બને છે અને તેથી તે ઘણો સંયમ જાળવે છે ,પરંતુ માનવ મનનની મર્યાદાઓનો તે ક્યારેક ભોગ બની જાય છે.
        ક્યારેક કુમકુમ અબોલા લઈ લે છે. કામ બધું વ્યવસ્થિત , ટાઈમ શેડ્યુલમાં જરાય ગરબડ ના થાય તે રીતે બે- બે, ત્રણ-ત્રણ દિવસ બંને વચ્ચે અબોલા રહે. છેવટે બોલવાની શરૂઆત કેતનજ કરે. વળી પાછી રૂટિન શરૂઆત.વળી હસતો ગાતો ને કિલ્લોલ કરતો પરિવાર કોઈ નાની બાબત જો આડે આવી જાય તો રિસાવાનું ચાલુ. પછી કામ ઈશારા અને સંકેતો થી ચાલે. ક્યારેક ફોન પરની વાત, ક્યારેક કાગળની ચબરખી કામે લાગી જાય. તોય હાર તો કેતનનીજ અને કુમકુમ પોતાની જીતથી થોડી ફુલાય. થોડી ખુશ થાય. એને ખુશ રાખવાતો કેતન વારંવાર બાજી હારતો હતો.

" જો મહેશ હું બે દિવસ શુધી ટુર પર જવાનું છું એટલે તને નહીં મળી શકાય . "

અબોલા હોય ત્યારે  ફોન પર આવું બોલી ને સામેના પાર્ટનરને  સંભળાવે. આમ અવનવા અખતરા થતા રહે, તેમ છતાં બોલાવવાની શરૂઆત કેતનથી  થતી હતી. આમ અબોલા રહેવાની રમત તેમના રૂટિન જીવનમાં ઘર કરી ગઈ.

      પણ આ વખતે કેતનને જરા વધારે લાગી આવ્યું. એ ટુર પરથી પાંચ દિવસે આવ્યો હતો. બન્ને વચ્ચે કોઈ અઘટિત બનાવ પણ બન્યો ના હતો તો પણ ના જાણે કેમ કુમકમએ થોબડું ચડાવી લીધું હતું.
       ઓફીસ જવાનો સમય થયો તો કુમકુમએ બોલ્યા વગર ચૂપચાપ જમવાનું પીરસ્યું, કાંસકો, મોબાઈલ,  પેન ને હાથ રૂમાલ ટેબલ પર મૂકી એ બાથરૂમમાં ભરાઈ ગઈ.
      રસ્તામાં કેતને વિચાર્યું બસ આ વખતે આપણે હાર નથી સ્વીકારવી. મનમાં એને કુમકુમ બાબતે ઘણું લાગી આવ્યું હતું. એ  કુમકુમની સાયકોલોજી સમજીતો ગયો હતો. સારા ગાયનેક પાસે અને બીજા એક બે  એક્સપર્ટ  ડોક્ટરો પાસે  બન્ને જઇ આવ્યાં હતાં. બન્ને સાઈડે કોઈ ખામી ના હતી. બધા ડોક્ટરોએ ચિંતા મુક્ત રહેવાની સલાહ આપી હતી.
   હવે  કુમકુમનાં નખરાંથી એ વાજ આવી ગયો હતો. આ વખતે તો એણે મનમાં ગાંઠ વાળી લીધી કે બસ   'બોલવવાની આપણે પહેલ કરવી નથી. ' તો સામે પક્ષે કુમકતો વળી એનાથીએ ચાર ચાસણી ચડે તેવી હતી. આ રમતમાં તેણે ક્યારેય હાર સ્વીકારી ના હતી.

      કેતન ગયો પછી એતો ઘરમાં સાફસફાઈ કરી પોતું કરવા લાગી. મનમાં ખુશ થતી જાયને પોતું ઘસતી જાય. કેતનને યાદ કરી કરી મનમાં મલકાતી જાય.  " હું જોઉં છું ક્યાં સુધી ટક્કર ખમે છે  એ ડેપ્યુટી મેનેજર સાહેબ મી. કેતન મહેતા . "
      હજુતો એ રસોડામાં પોતું કરી બેઠક રૂમમાં પોતું કરતી હતી ને કેતન પરત આવ્યો.એ  એક ખાસ અગત્યનો કાગળ ભૂલી ગયો હતો તે લેવા પાછો આવ્યો હતો, તેને યાદ હતું કે એ કાગળ એણે રસોડામાં મુક્યો છે.જેવો આવ્યો એવો , પોતું કરેલું હતું તેની પરવા રાખ્યા વગર , બુટ કાઢયા વગર સિધોજ ઘરમાં ઘુસી ગયો. કુમકુમ એના બુટ સામે લાલચોળ ચહેરે જોઈ રહી  પણ એના અહંમે એને બોલવા દીધી નહીં. એતો બુટ સહિત રસોડામાં જવા લાગ્યો. રસોડામાં જવા  જ્યાં પગ ઉપાડ્યો ને એ ધુઆપુઆ થતી બોલી , " અરે પણ તમને ભાન છેકે નહીં, બુટ તો કાઢો પછી રસોડામાં જાઓ."
બસ કેતન કુમકુમ બોલે એનિ રાહ જોઈ રહ્યો હતો. અબોલાની રમતમાં આજ પહેલી વખત કુમકુમ હારી ગઈ.
પછી તો લાઈન ચાલુ થઈ ગઈ.
"લે બોલ આ વખતે કોણ જીત્યું ! "  બુટ રસોડા બહાર કાઢતાં
એ બોલ્યો. "
"પણ એ કહે હું ટુરમાંથી આવ્યો ત્યારે તારું થોબડું ચડેલું કેમ હતું ?"
" તમે ટુર પર જવા નીકળવાની તૈયારી કરી રહયા  હતા, એ વખતે મેં ટેબલ પર ચિઠ્ઠી લખીને  મૂકી હતી તે તમે કેમ વાંચી ના હતી ? " પોતું પડતું મૂકી કુમકુમએ  ઊભી થતાં પૂછી લીધું.

" હેં ! મેં ચિઠ્ઠી જોઇજ ના હતી, ખરેખર એ વખતે હું ઉતાવળમાં હતો. લે  બતાવ જોઈએ એ તારા મેસેજમાં શું એવું રાજ હતું કે તારે થોબડું ચડાવવું પડ્યું."
ટેબલના ડ્રોઅરમાંથી ચિઠ્ઠી કાઢી એના હાથમાં મૂકતાં એ બોલી, " લો, વાંચો."
  કેતનની નજર કુમકુમના સુંદર મરોડદાર અક્ષર પર પડતાં જ એ ખુશીથી ઝૂમી ઉઠ્યો.

" વાઆવ... ! ! ! "  ભાવવિભોર થતાં એણે કુમકુમને ઉપાડીને ચકરી ઘુમાવવા લાગ્યો. તમે મુંબઈથી  વળતાં આવો ત્યારે અઢીસો-અઢીસો ગ્રામ મુંબઈના હલવાનાં પંદર- વીસ પેકેટ લેતા આવજો, પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ઘરમાં પારણું બંધાવવાનું છે, એવી માત્ર ખબરનું જ મિત્રોને મોં મીઠું કરાવવું પડશે.

ચિઠ્ઠીના  શબ્દો પણ તેના મનોજગતમાં ઘુમવા લાગ્યા..