બદલાવ-7
(પહેલા જોયું કે અજય અને સોમુ આબુનાં જંગલમાં એક તાંત્રીક અઘોરીની ગુફામાં ફસાઇ ગયા.એની જાદુઇ શકિતઓમાં કેદ થઇ ગયા.જે નરોતમની ચાલ હોઇ શકે......હવે આગળ)
સખત માનસીક પરીતાપથી બચવા અજયે ડરતા ડરતા સીગારેટ સળગાવી.એને જોઇ સોમુએ પણ તમાકું મોઢામાં નાખી.ગુફાની બહારથી કોઇ પક્ષીનો મધુરો અવાજ આવ્યોં.એને જોવા અજય બહાર ગયો.સોમુ પણ આવ્યોં.દિવસ એના અંતિમ ચરણમાં હતો.હવે કદાચ પાછા અજવાળા જોવા નહિં મળે એવાં ગહન વિચારે અજયે ચારે તરફ નજર ફેરવી બીજી સીગારેટ પણ સળગાવી.સામે બીલીપત્રનાં ઝાડ પર એક સુંદર પક્ષી ટહુકા કરતું હતું.અજયની નજર નીચે ગઇ તો પેલો લાડુંનો ડબ્બો દેખાયો.એને જોઇ રૂપા યાદ આવી અને એ બોલી પડયોં
“ઓહ!! રૂપાનાં હાથના લાડું.રૂપા મારી રાહ જોતી હશે કે હું પાછો આવીશ....પણ.”
અજય નિરાશ થયો.સોમુ દોડીને ગયો લાડુંનો ડબ્બો લઇ આવ્યોં.પાછો આવ્યોં ત્યાંરે એનો જમણો પગ ખુબ દુખતો હતો.એના લીધે એ નીચે બેસી ગયો.
“સોમુ તારો સાથ કાયમ યાદ રહેશે ભાઇ.”
અજયે સોમુનાં ખભ્ભે હાથ મુકી કહ્યું.
“સાહેબ, એ તો બરાબર પણ આ વખતે મારો જમણો પગ વધારે દુખ્યોં.આની પહેલા મારો ડાબો પગ વધારે દુખ્યો હતો.કદાચ જે પગ પહેલા બહાર જાય એ વધારે દુખે છે.” સોમુએ પોતાનું લોજીક દોડાવ્યું.
“ભાઇ સોમુ, અહિં આપણાં કોઇ લોજીક કામ નહિં કરે.અહિં ચારેબાજુ સુક્ષ્મ શકિતઓનું મેજીક ચાલે છે.ચાલ હવે અંદર. જો સાંજ પડવા આવી.હમણાં અંધારુ થઇ જશે.જંગલ વિસ્તાર છે.ગુફામાં જ આપણી સલામતી છે.”
“હા સાહેબ,પણ સલામતી કેટલો સમય?”
બંને ગુફામાં જઇ ફરી પોતાની મુળ જગ્યા પર જ બેઠા.ધીમે ધીમે અંધારું જામતુ ગયુ.એક તો ગાઢ જંગલ એમાં આ કોઇપણ સુવિધા વીનાની ગુફા અને એ ગુફાનો વિચીત્ર માલીક.ઠંડી વધારે લાગતા સોમુ ઉભો થયો.બાજુમાં પડેલુ એક લાકડું આગમાં નાખ્યું. થોડી જ વારમાં ગરમી અને પ્રકાશ બંને વધ્યાં.સોમુ ગરમી લેવા માટે ત્યાં જ ધુણીની બાજુમાં બેસી ગયો.અજય પણ ત્યાં આવીને બેઠો.
“કદાચ હવે આ તાંત્રીકની સાથે નરોતમ પણ આવશે એની વિધીઓ કરવા.”
“હા સાહેબ, બની શકે.પણ નરોતમને તો હું પહોંચી વળીશ.”
એક પછી એક લાકડાને આગમાં નાખતા રાત્રીના અગીયાર વાગ્યાં.વાતાવરણ શાંત હતુ.અજયનાં વિચારો પણ હવે થાકયાં હતા.સોમુને હવે ભુખ લાગી હતી.અજય તો શુન્યમનસ્ક થઇ બેઠો હતો.
“સાહેબ, ભુખ લાગી છે.”
“તો હવે શું કરીશું?” અજય ભુલી જ ગયેલો કે પેલા રૂપાએ આપેલા ડબ્બામાં લાડું છે.
“આ ડબ્બો ખોલું?”
“અરે હા...ખોલ.આપણે બંને લાડું ખાઇએ.”
સોમુએ જેવો ડબ્બો ખોલ્યોં કે થોડે દુર પેલા કાળા કપડામાં વિંટાયેલી ગોળ વસ્તુમાં સળવળાટ થયો.કપડું હલવા લાગ્યું.જાણે અંદર પડેલી એ વસ્તુમાં પ્રાણ ફુંકાયા હોય એમ.છતા અજયે એક લાડું હાથમાં લીધો તો કપડાની અંદરથી ટક...ટક...ટક અવાજ આવવા લાગ્યોં.અજયે લાડું પાછો ડબ્બામાં મુકયોં તો અવાજ બંધ થઇ ગયો.સોમુએ લાડું હાથમાં લીધો તો ફરી ટક...ટક. આ નવી આફતને ઉઘાડવા અજય હિંમત કરી ઉભો થયો અને કાળું કપડું ખેંચ્યું.નીચે એક મોટી માનવ ખોપડી દેખાઇ.એની આંખોમાંથી લાલ રંગનો આછો પ્રકાશ આવતો હતો.એ ખોપડી જમીનથી થોડી અધ્ધર ઉંછળતી હતી.એનો ટક...ટક અવાજ આવતો હતો.અજય હાથમાં કપડું લઇ સ્તબ્ધ થઇ ઉભો હતો.સોમુની નજર ખોપડીની નજર સાથે મળી.જાણે ખોપડી સોમુની બધી શકિત ખેંચી રહી હોય એમ સોમુનાં ગાત્રો ઢીલા પડવા લાગ્યાં.એ સંકોચાવા લાગ્યોં.અજયે તરત જ સમયસુચકતા વાપરી ફરી કાળુ કપડું ખોપડી પર ઢાંકી દીધું.સોમુને હાથથી ઢસડીને દુર કર્યોં.લાડુંનો ખુલ્લો ડબ્બો પણ કપડા નીચે ઢંકાઇ ગયો.સોમુનાં શરીરમાં અતિશય નબળાઇ આવી ગઇ.એ ત્યાં જ લાંબો પડી ગયો.એ કળસતો હતો.અજય એની બાજુમાં બેસી ગયો અને હિંમત આપતા બોલ્યોં
“થોડીવાર આરામ કર બધું સારુ થઇ જશે.”
“સાહેબ, પાણી પીવું છે.”
અજયે આમતેમ બધે જોયું.પેલી લાકડીઓની નીચે એક માટલું દેખાયું.એમાં મોબાઇલની લાઇટથી જોયું તો પાણી જ હતું.બાજુમાં પડેલી નાણિયેરની કાચડીમાં પાણી ભર્યું.એ દરમિયાન પેલી કુહાડીને હાથ લાગ્યોં.કુહાડી નીચે અજયનાં પગ પર પડી.એણે એક હાથથી દુર કરી.સોમુને પાણી પીવડાવ્યું.પાણી અંદર ગયા પછી સોમુને થોડો આરામ મળ્યોં.અજયને પણ થોડી નિરાંત થઇ કે સોમુ સહીસલામત છે.સોમુ થાકીને ઉંઘી ગયો.અજયે સમય જોયો તો 12.00 વાગ્યાં હતા.અલગ અલગ બનતી ભયંકર ઘટનાઓને લીધે માનસીક અને શારીરીક થાકેલો અજય પણ આરામ કરવા જમીન પર સુઇ ગયો.
સવારે લગભગ 5.00 વાગ્યેં અગ્નિ માત્ર અંગારા રૂપે જ રહ્યોં ત્યાંરે સોમુ ઠંડીને લીધે જાગી ગયો.ગુફાની બહાર દુરથી કંઇક અવાજ આવતો હતો.સુકા પાંદડા પર કોઇનાં ચાલવાનો અવાજ હતો.અવાજ નજીક આવ્યોં.કોઇ પ્રાણીનાં હાફવાનો કે જોરથી સ્વાસ લેવાનો અવાજ પણ સંભળાયોં.અચાનક યાદ આવ્યું કે આ જંગલમાં રીંછ ઘણાં છે એવું અજયે કહેલું.ઝડપથી કુહાડી તરફ ધસી કુહાડી હાથમાં લીધી.ગુફાનાં દરવાજા પાસે ઉભો રહ્યોં.બહાર આછા પ્રકાશમાં સાચે જ એક રીંછ ઉભુ હતુ.સોમુએ કુહાડી ઉગામી અને મોટેથી બુમો પાડવા લાગ્યોં.અજય પણ જાગી ગયો.બંનેનાં અવાજ અને સોમુની કુહાડીથી રીંછની આગળ વધવાની હિંમત ન થઇ.એ પાછા પગલે ગયુ પછી અંધારામાં ગાયબ થયું.બંને કુહાડી અને લાકડી લઇને બેઠા.થોડીવારે અજવાળાનાં અણસાર વર્તાયાં.સુરજની પહેલા સુરજનો ઉજાસ જાણે જીવનનો વધુ એક નવો દિવસ લઇને આવ્યોં હોય એવું બંનેને લાગ્યું.જીવવાની થોડી આશા બંધાઇ.હવે વાતાવરણમાં શાંતિ લાગતી હતી.થોડી વારે ફરી બંનેનાં હાથમાં અચાનક અસહ્ય દુખાવો ચાલુ થયો.બંનેએ દિવાલ તરફ હથિયારોનો ઘા કર્યોં.ક્ષણવારમાં અલગારીનાથ ગુફામાં પ્રવેશ્યાં.સુર્યનાં કિરણો પણ ગુફામાં આવ્યાં.અજય હળવેથી બબડયોં
“ખબર નથી પડતી....જીવન આવ્યું કે મૃત્યું?”
ગુફામાં બધુ અસ્તવ્યસ્ત હતુ એ અલગારીનાથે જોયું.પોતાની જગ્યાં પર બેસી મોટા અવાજે નાદ કર્યોં
“કાલ, કપાલ ઔર મહાકાલ.”
અજય અને સોમુ એમની સામે જ જોઇ રહ્યાં કે હમણાં કંઇક બોલશે.પણ તેઓ મૌન રહી કંઇક વિચારતા બેઠા હતા.એમનું આવું મૌન પણ વેધક લાગતું હતુ.એટલે જ અજય અધીરાઇ ધારણ કરી બોલ્યોં
“બાબા, ભુખથી અમારા હાલ ખરાબ છે.વહેલી સવારે એક રીંછે હુમલો કર્યોં.આમ મરી મરીને જીવવું અઘરું છે.તમારે જે કરવું હોય તે કહો અને કરો.હવે હું ગમે તે સહન કરવા તૈયાર છું.બસ આ સોમુ સાવ નિર્દોષ છે એને જવા દો.” અજયે બે હાથ જોડયાં.એમની નજીક જઇ પગમાં પડયોં.ફરી બોલ્યોં
“અમે તમારા શરણાર્થી છીએ.તમારે જે કરવું હોય તે કરો.”
અલગારીનાથે અજયને પગથી ધકકો માર્યોં.ગુસ્સાથી લાલઘુમ થઇ બોલ્યાં
“ચલ ભાગ નોટંકી.તમે સંસારી નાટકબાજ જ રહેવાના.તું અને શરણર્થી? તમને ના પાડી હતી તોયે આ બધું જ હાથમાં લીધું.એને અડકવાની કોશીષ કરી.આ તમારા બાપનું ઘર નથી.આ ભૈરવની ભુમિ છે.જો પેલા કપાલે તારા લાડું ખાઇ લીધા.તો તમને ખાઇ જતા એને કેટલી વાર?” એમણે ખોપડી પરનું કાળુ કપડું હટાવ્યું.ખોપડી તો નિર્જીવ થઇને શાંત પડી હતી.પણ અચંબો એ વાતનો હતો કે બધા લાડું ગાયબ હતા.અજયે ડબ્બા તરફ જોયું તો એમાં તળીયે એક કાગળ હતું.પણ હવે એ ડબ્બો લેવાની એની હિંમત ન થઇ.અજય નીચે જ બેસી રહ્યોં.સોમુ તો રાતની ઘટનાઓના આઘાતમાંથી હજુ બહાર નહોતો આવી શકયોં.
“બે દિવસ પછી તમારો ઉપયોગ કરવાનો છે.ત્યાં સુધી જીવી લો.સોમુને હું તો જવા દઉં પણ આ ખોપડી નહિં છોડે.” આટલું બોલી અલગારીનાથ ખંધુ હસ્યાં.
“બાબા, બહું જ ભુખ લાગી છે.ભુખ્યા જ મારશો? બકરાને પણ બલી પહેલા ભરપેટ ખવડાવાય છે.અમે તો માણસ છીએ.” સોમુ કરગરીને બોલ્યોં.
“અચ્છા, ઠીક છે.એક કામ કરો.બહાર ડાબી તરફ પંદર ડગલા ચાલ્યાં પછી એક ગાંજાનો છોડ છે.એનાથી બે હાથ દુર ખોદીને અંદરથી જોઇશ તો અમુક કંદમુળ નીકળશે.એ ખાઇ લે.એકી સંખ્યામાં જ લેજે.” અલગારીનાથ એટલું કહી પોતાની શીલા પર ઉંઘી ગયા.
અજય અને સોમુ બંને ગયા.ત્યાં ખોદીને જોયુ તો અંદર સાત કંદમુળ હતા.બીટ જેવા દેખાતા એ કંદમુળ એના મુળ પરથી તોડી લીધા.
“સાહેબ, પહેલા હું એક ખાઉં.થોડીવાર મને કંઇ ન થાય તો પછી બંને અડધા અડધા ખાઇશું.” સોમુએ હિંમત બતાવી.આમપણ સોમુને ભુખ લાગી હતી.એનો ચહેરો પણ નીસ્તેજ દેખાતો હતો.અજયે અનુમતિ આપી.સોમુએ એક કંદમુળ ખાધુ.
“આહા! સાહેબ આની મીઠાસ તો જુઓ.શું સ્વાદ છે!!” સોમુ ખુશ થયો.
સવારનાં 9.00 વાગ્યાં હતા.અજયને પણ કડકડતી ભુખ લાગી હતી.પણ એને થોડી રાહ જોવામાં જ શાળપણ લાગ્યું.સોમુને તો જાણે શરીરમાં નવી શકિતનો સંચાર થયો.એક જ કંદમુળમાં તો એની તમામ શકિત પાછી આવી ગઇ.
“સાહેબ, મને એવું લાગે છે કે આટલી શકિત મારામાં પહેલા કયાંરેય નહોતી.હવે ફરી આ બંધનમાંથી બહાર જવાની કોશીષ કરું છું.”
“ના સોમુ, ખોટા પ્રયત્નોથી કંઇ નહિં મળે.” અજયે કહયું ત્યાંરે તો સોમુ ઝડપથી ચાલીને આગળ નીકળી ગયો હતો.અલગ દિશાએ ગયો તો પણ એક અદ્રશ્ય સરહદે ઉભુ રહેવું પડયું.પગમાં પીડા સાથે એ પરત આવ્યોં.પણ ચહેરે ખુશીનાં હાવભાવ સાથે બોલ્યોં
“જોયું સાહેબ, આ વખતે મારો જમણો પગ આગળ હતો તો પણ ડાબા પગમાં કોઇએ માર માર્યોં હોય એવો દુખાવો થયો.દર વખતે એક એક બાજુનોં પગ દુખે છે.”
અજયને એ લોજીક કરતા પોતાની ભુખમાં વધારે રસ હતો.એણે પણ પેલા કંદમુળ ખાધા.સોમુએ પણ ફરી ખાધા.બંને એક નાના પથ્થર પર બેસી વાતાવરણનો આનંદ લેતા હતા.ચારે તરફ પથરાયેલા પહાડો જાણે બંનેની હાલત પર હસતા હોય એમ ઉભા હતા.
“ખરેખર,આ ભુમિ રહસ્યોથી ભરપુર છે.મને પણ મારું શરીર ઘોડા જેવું મજબુત અનુભવાય છે.” અજયે કહયું.
“સાહેબ, આપણું શું થશે?”
“હવે એ આપણાં હાથની વાત જ નથી સોમુ.હું ઇસ્વરમાં નહોતો માનતો પણ હવે તને કહું છું ઇસ્વર જે કરે તે ખરું.” અજય બોલ્યોં પછી તરત જ ગુફામાંથી અવાજ આવ્યોં
“ભોજન થઇ ગયું હોય તો અંદર આવો.ભજન કરીએ.”
બંનેએ નવાઇ ભરેલી નજરથી એકબીજા તરફ જોયું.પછી અંદર ગયા.અલગારીનાથ ચલમ ચેતાવી ધુમાડા ઉડાવતા બેઠા હતા.બંને નીચે બેઠા.
“ભુખ મીટ ગઇ?” બાબાએ પુછયું.
“હા બાબા.” બંને સાથે બોલ્યાં.
“પાછી લાગશે તો?”
બંને ચુપ રહ્યાં.અલગારીનાથ જોરથી હસ્યાં.
“હવે ત્રણ દિવસ સુધી ભુખ નહિં લાગે.પછી તો ખેલ ખતમ.કાલ...કપાલ....મહાકાલ.”
ફરી સોમુને પુછયું
“કેટલા કંદમુળ હતા?”
“સાત.”
“સંગીત કે સુર કીતને હોતે હૈ?”
સોમુ ચુપ રહ્યોં.તો અજયે બાજી સંભાળી
“વો ભી સાત.”
“સહી હૈ.એક બજતા ફીર દુસરા....ફીર તીસરા...ફીર સાતવા ફીર શુન્ય.ઇસ શુન્ય કો સમજ લીયા તો મુકિત.ન સમજે તો ફીરસે બજાઓ.”
થોડીવાર આંખો બંધ કરી ફરી બોલ્યાં “પહલે એક બજા તો ફીર દુસરા....”
સોમુએ અજયનાં કાનમાં કહ્યું
“સાહેબ, આમને ચલમ મગજમાં ચડી ગઇ લાગે”
અજયે અચાનક જ અસંગત સવાલ પુછયોં
“બાબા, નરોતમ કયાંરે આવશે?”
“કેમ? બહું ઉતાવળ છે? ઉતાવળથી ભુતાવળ આવશે.”
ફરી આંખ બંધ કરી ઉપર તરફ મુખ કરી બેઠા.થોડીવારે અજયની સામે જોઇ મુછમાં હસીને કહ્યું
“એ આવી ગયો છે.આ પહાડીઓની એકાદ ગુફામાં એ બેઠો છે.તારી રાહ જોઇને બેઠો છે.હું તને સોપીને એની પાસેથી કિંમત વસુલ કરીશ.”
“કેટલી રકમ?” સોમુએ પુછયું.
“મુરખ! તારું ગણિત અહિં કામ નહિં લાગે.અહિં તો મહાકાલનું ગીત અને એમનાં સુર કામ લાગશે.”
સોમુ તો નીચુ જોઇ બેસી રહ્યોં.હવે આમાં ન બોલવામાં નવ ગુણ એવું સોમુને લાગ્યું.
“તારી ઘડીયાલમાં કેટલા વાગ્યાં?” અજયને પુછયું
“બપોરનાં બાર વાગ્યાં છે, બાબા.”
“સ્નાન-સોચ કંઇ કરવું નથી? કે મારી જેમ અઘોરી બનવું છે?”
અજય વિચાર કરતો હતો કે હા કહું કે ના.આ બાબા તો દરેક વાતમાં ફસાવવાનાં જ ધંધા કરે છે.છતા ખુબ વિચારીને એ બોલ્યોં
“તમારી આજ્ઞા હોય તો અમે બંને જંગલ જઇ આવીએ.નહાવાનું તો પાણી હોય તો ઠીક નહિંતર આવી ઠંડીમાં ચાલી જશે.”
“અહિંથી બહાર નીકળી જમણી તરફ પાંચસો મીટરે પાણીનું એક નાનું નાળું વહે છે.ત્યાં દેહશુદ્ધી કરી આવો.પણ એક પછી એક.બંને સાથે નહિં.ઘડીયાલ સાથે લઇ લો.અગર અરધો કલાકમાં એક ન આવ્યોં તો બંનેનાં પ્રાણ હરી લઇશ.”
ચર્ચા પછી પહેલા સોમુ જશે એવું નકકી થયું.સોમુ ગયો.અજયે બે સીગારેટ પાકીટમાંથી કાઢી.એકદમ વિવેકપુર્વક અલગારીનાથ સામે ધરી.એમણે બંને સીગારેટ લઇ લીધી.એક સાથે બંને સળગાવી.અજયે ત્રીજી કાઢી અને એ પણ પીવા લાગ્યોં.
“બાબા, એક આખરી ઇચ્છા પુરી કરશો?”
બંને સીગારેટ ક્ષણવારમાં ચુસી લીધા પછી એ બોલ્યાં
“આ સીગારેટ મને લાંચમાં આપી હતી? હું તારી બેંકનો અધીકારી નથી મુરખ.લે તારી આ બે સીગારેટ.” એમ કહી ડાબા હાથે બે સીગારેટ પાછી આપી.અજયની મુંજવણ વધી.છતા સીગારેટ તો પાછી લેવી જ પડશે એમ સમજી બંને સીગારેટને બરાબર તપાસીને પાકીટમાં મુકી દીધી.
“ઠીક હૈ.બોલ શું ઇચ્છા છે?” એ હસીને બોલ્યાં.અજયને બેંકમાં અનેક માણસો મળવા આવતા.એ દરેક માણસને પહેલી મુલાકાતમાં જ અજય પારખી જતો.પણ આ સાધુને હજુ સુધી પારખી શકતો ન હતો.
“કોઇ વ્યકિતમાં અચાનક બદલાવ કેમ આવે?શું એક જ શરીર અને મન અલગ એવું શકય છે?" અજયે સીધો જ મુદો છેડયોં.
“તો આ તારી આખરી ઇચ્છા છે? પછી કશું નહિં પુછી શકે."
“હા.”
“અચ્છા તો જવાબ સાંભળીશ કે જવાબને જોવાની ઇચ્છા છે?”
અજયને વિચાર આવ્યોં કે જવાબ ને જોવાનું કહીશ તો કદાચ રૂપાનાં આ રહસ્યનો ઘટસ્ફોટ થશે.જાણવા મળશે કે આ શું થઇ રહ્યું છે.અને કદાચ રૂપાને જોવા પણ મળશે.
“આપ તો સમર્થ છો.જવાબને જોવાની ઇચ્છા છે.”
“ભલે ત્યાંરે.આનો જવાબ હું તને સમય આવ્યેં બતાવીશ.હવે પાંચ મીનીટ બાકી છે.સોમુ નહિં આવે તો બંનેને મારી નાખીશ.” એટલું બોલ્યાં ત્યાંરે પવનનો એક સુસવાટો ગુફામાં અંદર સુધી આવ્યોં.અને પેલી ખોપડી, લાકડી,કુહાડી અને એમની દિવાલે ટીંગાયેલી જોળી-બધું જ કંપવા લાગ્યું.પણ ત્યાં તો સોમુ અંદર આવ્યોં.અજય ઉભો થયો અને બહાર ગયો.એ પણ ઝડપથી બધુ પતાવીને આવી ગયો.સાંજનાં ત્રણ વાગ્યાં ત્યાંરે અલગારીનાથે પોતાની ઝોળીમાંથી કંઇક સામગ્રીઓનાં પડીકા કાઢયાં.અમુક વનસ્પતિઓ અને અમુક નાના નાના ધાન્યનાં દાણા જેવું બધું હવનકુંડી પાસે ગોઠવ્યું.અગ્નિ પાસે નીચે બેસી ગયા.ખોપડી પરથી કપડું દુર કર્યું.લાડુનો ખાલી ડબ્બો અજય તરફ ફેકયોં.અજયે નવાઇ સાથે એમાંથી કાગળ લઇ લીધું.એ ખોલ્યું તો ઉતાવળથી લખેલા અક્ષરે લખ્યું હતુ ‘બલમજી, તમે ભાઇની સાથે કયાંય પણ જતા નહિં.એના ઇરાદાઓ સારા નથી.મને ફોન કરજો.હું તમને બધી વાત સમજાવીશ.” અજયે ફોનમાં ફરી જોયું તો નેટવર્ક જ નહોતું.કાગળની ચીઠ્ઠી ખીસ્સામાં મુકી દીધી.
અલગારીનાથ પોતાની વિધીમાં વ્યસ્ત હતા.એમની આંખો પણ બંધ હતી.સોમુ કંઇક કહેવા માંગતો હતો એટલે અજયને ઇશારાથી બહાર આવવા કહ્યું.અજય પણ એકદમ અવાજ વગર ઉભો થઇ બહાર ગયો.બહાર પક્ષીઓનો કલરવ ચાલુ હતો.સોમુ લગભગ બાંધેલી સીમા તરફ ગયો.ત્યાં નીચે બેસી ગયો.
"શું કામ છે?" અજયે પુછયું.
સોમુ કંઇ બોલ્યોં નહિં.આજુબાજુ બધે નજર કરી.પછી બાંધેલી હદની બહાર જવા કોશીષ કરી.પગનાં દુખાવા સાથે પાછો ફર્યોં.અજયને આવી ખોટી મહેનતથી કંટાળો આવ્યોં એટલે એ ત્યાં જ ઉભો રહ્યોં.
"સાહેબ, તમને કંઇ સમજાયું?"
"આમાં સમજવાનું શું છે?"
"આ અલગારીનાથની જે શકિતઓ છે તે એક લય...એક તાલમાં કામ કરે છે." સોમુ કંઇક કોયડો ઉકેલ્યોં હોય એમ ખુશ થતા બોલ્યોં....
.......ક્રમશઃ
---ભરત મારૂ