હતી એક પાગલ..!!:-ભાગ 9
【નોવેલનો ગત ભાગની જેમ આ ભાગ પણ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】
"અબ્બાસ અબ્દુલ અલી વાસી એ બીજું કોઈ નહીં પણ શાયર શિરમોર એવાં મરીઝ સાહેબનું સાચું નામ છે.તો આજની આ સ્પર્ધાનાં પ્રથમ ગુજરાતી શાયર ની શાયરી સંભળાવશે માહી ગુજરાલ."
પોતાનું નામ જાહેર થતાં જ માહી એ મરીઝ સાહેબની ખુબ જ જાણીતી બે પંક્તિઓ સાથે આ સ્પર્ધાનાં ચોથા રાઉન્ડનો આરંભ કર્યો.
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.?
એક કટાક્ષ કરતી ચોટદાર રચના પર દરેક શ્રોતા આફરીન પોકારી ગયાં.માહીનો આત્મવિશ્વાસ જ્યાં ચરમ પર હતો ત્યાં શિવ થોડો વ્યથિત જણાતો હતો.છતાં પણ એને પોતાની જાતને બને એટલી
સ્વસ્થ રાખી એક બીજી શાયરી કહેવાનું શરૂ કર્યું.
"તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો."
"બહોત અચ્છે તો હવે માહી થઈ જાય મરીઝ સાહેબની બીજી કોઈ નવી શાયરી.."શિવ દ્વારા શાયરી પૂર્ણ થતાં જ ત્રિવેદી સાહેબ બોલી પડ્યાં."
ત્રિવેદી સાહેબની વાત સાંભળી માહી એ હકારમાં ડોકું હલાવ્યું અને મરીઝ સાહેબની એક અન્ય રચના કહી સંભળાવી.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
હવે તો માહીનો બોલવાનો અંદાજ પણ બધાં ને ખુબ રોમાંચિત કરી રહ્યો હતો..એની આ શાયરી બાદ સભાખંડમાં વાહ વાહ નો અવાજ આ વાતની સાક્ષી પુરવા કાફી હતો.
શિવ હવે મરીઝ સાહેબની ટ્રેડમાર્ક શાયરી સંભળાવતાં બોલ્યો.
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે."
હવે માહી પોતાનો વારો આવતાં બોલી.
"કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે."
માહી ની આ શાયરી બાદ તો શિવનાં જાણે મોતિયા મરી ગયા કેમકે હવે કોઈ નવી શાયરી બોલાવી એનાં માટે મુશ્કેલ હતી.છતાં એ ગહન મનોમંથન બાદ બોલ્યો.
"ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !"
શિવ ને એમ કે હવે માહી કોઈ વધારાની શાયરી નહીં બોલે એટલે આ રાઉન્ડ અહીં જ ટાઈ સાથે તો ટાઈ સાથે પુરો થઈ જાય તો સારું..કેમકે આ વખતે માહી જીતે તો પોતાને છેલ્લાં ત્રણેય રાઉન્ડ જીતવાનું દબાણ આવી જાય.
"માહી હવે આગળ તું બોલવા માંગે છે મરીઝ સાહેબની કોઈ અન્ય રચના?"સવાલસૂચક નજરે માહી તરફ જોઈને ત્રિવેદી સર બોલ્યાં.
માહી એ માઈક ને પોતાનાં હાથમાં લીધું અને પોતાનાં સુંદર અધરોની જોડ માઈક નજીક લાવી મરીઝ સાહેબની એક જોરદાર રચના કહી સંભળાવી.
"હતાં દીવાનગી પર સમજદારીનાં પડદાઓ
તને જ પૂછી રહ્યો છું તને મળવાનાં રસ્તાઓ..?"
માહીની શાયરી પૂર્ણ થતાં જ ત્રિવેદી સરે શિવની તરફ જોયું..અને પૂછ્યું.
"શિવ તો હવે તું બોલ.."
શિવ નું ઝાંખો પડેલો નૂર વગરનો ચહેરો અને આંખોની ખોવાયેલી ચમક જોઈને ત્રિવેદી સાહેબ સમજી ગયાં કે શિવ આ રાઉન્ડમાં પણ હારી ચુક્યો છે.એમને આ સાથે જ ચોથો રાઉન્ડ પૂર્ણ જાહેર કર્યો અને માહીને 3-1 થી આ સ્પર્ધામાં આગળ જાહેર કરી.
હવે પાંચમો રાઉન્ડ શરૂ કરવા માટે ત્રિવેદી સાહેબ સ્પર્ધાનાં નિયમ મુજબ માહી તરફ બાઉલ લઈને આગળ વધ્યાં.. માહી એ શિવ ની તરફ નજર કરી અને બેફિકરાઈથી એક ચબરખી ઉઠાવીને ત્રિવેદી સાહેબનાં હાથમાં મુકી દીધી.ત્રિવેદી સાહેબે કાચનો બાઉલ ટેબલ પર મુક્યો અને ચબરખીની ગેડ ખોલી અંદર રહેલું નામ વાંચ્યું અને એ એનાઉન્સ કર્યું કે હવે કયા શાયરનું નામ અંદરથી નીકળ્યું હતું.
"તો હવે આ ચબરખીમાં જેનું નામ નીકળ્યું છે એ કોઈ તારીફ નાં મોહતાજ નથી..એમની દરેક ગઝલો હૃદયની આરપાર નીકળી જાય છે.ગુજરાતી ભાષાને જેને પોતાની ગઝલો થકી વેંત ઉંચેરું સ્થાન આપ્યું એવાં બરકત વિરાણી ઉર્ફે બેફામ સાહેબની રચનાઓથી આપણને સૌને રૂબરૂ કરાવશે શિવ પટેલ..શિવ પોતાની શાયરી બોલે એ પહેલાં હું બેફામ સાહેબની ગઝલની અમુક પંક્તિઓ કહેવા ઈચ્છું છું."
"એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.
દિલની સમક્ષ મારે નથી તારી કંઇ જરૂર,
દર્પણ નથી હવે એ હવે તારું ચિત્ર છે."
"બહોત અચ્છે..ત્રિવેદી સાહેબની આ શાયરી પર તો એમનાં સહકર્મચારીઓ પણ આફરીન પોકારતાં જોવા મળ્યાં.. એમની દાદ પુરી થતાં શિવે બેફામ સાહેબની રચનાઓ સંભળાવવાનું શરૂ કર્યું.
"હજી પણ એમને ખાના ખરાબીની ખબર ક્યાં છે?
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યાં છે?
મને પણ કોઇ શક પહેલી નજરના પ્રેમ પર ક્યાં છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યાં છે?"
શિવની શાયરી બાદ વાતાવરણમાં ગરમી પ્રસરાઈ ગઈ હતી.લોકોની વાહ-વાહી એ શિવમાં નવી ઉર્જાનો સંચય જરૂર કર્યો હતો..પણ હજુ માહીનો વારો બાકી હતી.માહી એ પણ બેફામ સાહેબની એક સુંદર ગઝલની બે પંક્તિઓ બોલી.
"આખી દુનિયામાં બિચારા એક તું ને એક હું,
એક બીજાના સહારા એક તું ને એક હું.
જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા એક તું ને એક હું."
માહીની આ બે લાઈનો બાદ તો શિવ કરતાં પણ વધુ ઊંચા અવાજે લોકોની દાદ મળી જેને શિવને અંદર સુધી હચમચાવી દીધી..પોતે તો ગઝલો અને શાયરીનો કિંગ માનતો હતો પોતાની જાતને પણ માહી એક બીજા રાજ્યની યુવતી હોવાં છતાં ગુજરાતી સાહિત્યને આટલું ઊંડાણથી સમજે છે એ જાણ્યાં બાદ તો શિવનો બધો ઘમંડ પળમાં ઓગળી ગયો.આ રાઉન્ડમાં હારી જાય તો પોતે બધાં સામે નીચું જોવું પડશે એટલે એને પોતાની જાતને થોડી સંભાળી અને બેફામ સાહેબનું એક ચોટદાર મુક્તક કહી સંભળાવ્યું.
"જો કે અરસપરસ હતી દિલની જ આપલે,
હું ખોટમાં રહ્યો અને ફાવી ગયા તમે.
ડાહ્યા જનોને મારી અદેખાઈ થાય છે,
કઈ જાતનો દીવાનો બનાવી ગયા તમે ?
બેફામે તમને જીવતા દીધા હતા જે ફૂલ,
એની કબર ઉપર એ ચઢાવી ગયા તમે ? "
પ્રેમમાં મળેલી અસફળતાને શબ્દોનાં માધ્યમથી રજુ કરતી બેફામ સાહેબની આ બેનમુન રચના પર તો જે લોકોને ગઝલમાં સમજણ નહોતી પડતી એ લોકોની પણ વાહ-વાહી શિવે લૂંટી લીધી.
શિવની આટલી વાહ-વાહી છતાં માહીનાં ચહેરા પર એકદમ શાંતિ હતી.ના કોઈ ચિંતા,ના કોઈપણ જાતનો તણાવ.માહી એ પણ એક બીજી શાયરી ઉચ્ચારતાં કહ્યું.
ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
એ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંયે જિન્દગી આખી રડાવ્યો છે મને.
બેફામ સાહેબની સૌથી મશહુર એવી આ લોકોની માનસિકતા પર કટાક્ષ કરતી ગઝલ બાદ માહી નું નામ ફરીથી હોલમાં ગુંજી ઉઠ્યું.શિવ નાં ચહેરા પર વધતી જતી દરેક પળ એક નવી ચિંતા બની ઉભરી રહી હતી.શિવે પોતાનાં ભાવ ને કંટ્રોલમાં રાખી એક બીજી શાયરી બોલ્યો.
"તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.
ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ‘
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને."
બેફામ સાહેબની આ રચના પણ લાગણીનો જૂઠો ઢોંગ કરતાં લોકો માટે લખાઈ હતી..શિવની આ શાયરી બાદ સર્વે શ્રોતાઓ જાણે વિચારમગ્ન થઈ ગયાં. શિવ પછી હવે વારો હતો માહીનો. જો માહી આ વખતે કોઈ શાયરી સંભળાવશે તો શિવ ને બીજી એક શાયરી બોલાવી પડશે.ત્રિવેદી સાહેબે માહી તરફ જોયું અને બોલ્યાં.
"માહી,હવે તું કંઈક નવું સંભળાવ.."
ત્રિવેદી સાહેબની વાત સાંભળી માહી એ બેફામ સાહેબની ખૂબ પ્રસિદ્ધ એવી રચના બોલતાં કહ્યું.
થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઇ સીતારા જ ન હોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
માહીની આ રચના ઉચ્ચાર્યા બાદ શિવ નાં હૃદયનાં ધબકારા પણ બમણી ગતિમાં ધડકી રહ્યાં હતાં.શિવ એ ઘણી કોશિશ કરી છતાં એને બેફામની કોઈ રચના યાદ નહોતી આવી રહી.વીતી રહેલી દરેક પળ જાણે ટાઈમ બોમ્બની કલોકની માફક ચાલી રહી હતી.અચાનક શિવની નજર માહી પર પડી માહીની સુરમયી આંખો જોઈ શિવને બેફામ સાહેબનું રચિત એક સુંદર ગીત યાદ આવ્યું.
ગીત યાદ આવતાં જ એને મનોમન ભગવાનનો આભાર માન્યો અને માઈક ને ચહેરાની નજીક લાવીને બોલ્યો.
"મિત્રો તમારી સમક્ષ હવે રજુ કરવા જઈ રહ્યો છું બેફામ સાહેબની એવી રચના જેની મુકેશ જેવાં ગાયકનાં અવાજે સ્વરબદ્ધ થવાનો અવસર પ્રાપ્ત થયો હતો..તમે અને મેં સૌ એ આ ગીત ઘણી વાર સાંભળ્યું હશે પણ ભાગ્યેજ કોઈને ખબર હશે કે ઉદાસ અને દર્દ ની રચનાઓ લખતો ગઝલકાર આવું મધુર પ્રેમ-ગીત પણ રચી શકે છે."આટલું કહી શિવે એ ગીત ને ગાવાનું શરૂ કર્યું..લોકોની તાળીઓ નાં સાથે શિવ આખું ગીત જાણે કોઈ ગાયકની જેમ આખું ગાઈ ગયો.
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.."
ગીત ની પુર્ણાહુતી સાથે બધાં લેક્ચરર અને પ્રિન્સિપાલ નું મળેલું સ્ટેન્ડિંગ ઓવેશન શિવ ને ખુશ કરી ગયું..માહી નાં ચહેરા પર પણ એક આછેરી મુસ્કાન ફરી વળી.શિવનાં દ્વારા આ ગીત ની સુંદર પ્રસ્તુતિ બાદ ત્રિવેદી સાહેબ માહી તરફ જોઈને બોલ્યાં.
"તો બેટા માહી હવે તું કંઈક સંભળાવ"
ત્રિવેદી સાહેબની આ વાત સાંભળ્યા બાદ માહી એ માઈક ને હાથમાં વ્યવસ્થિત પકડ્યું અને કંઈક બોલવા જતી હતી ત્યાં એની નજર શિવ પર પડી.શિવનો ઉદાસીન ચહેરો જાણે કહી રહ્યો હતો કે માહી આગળ ના બોલે તો સારું.એનો ચિંતિત ચહેરો જોઈ માહી એ જાણે પોતાનો વિચાર બદલી દીધો અને એ નકારમાં ડોકું હલાવતાં બોલી.
"Sorry સર..મને બેફામ સાહેબની બીજી કોઈ રચના યાદ નથી.."
માહીની આ વાત સાંભળી બધી છોકરીઓએ જાણે નિઃસાસો નાંખ્યો હોય એમ ઓહઃ..નો અવાજ સમગ્ર સભાખંડની દીવાલો વચ્ચે ગુંજી ઉઠ્યો.
શિવને આ રાઉન્ડનો વિજેતા ઘોષિત કરવામાં આવ્યો અને સ્પર્ધા હવે માહી 3-શિવ 2 નાં પરિણામ પર આવીને ઉભી રહી ગઈ હતી.ત્રિવેદી સાહેબ પણ બધાં લોકોનો ઉત્સાહ જોઈ પોતે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું એ બદલ હરખાઈ રહ્યાં હતાં.
ત્રિવેદી સાહેબ નવાં રાઉન્ડ ની શરૂવાત કરવાનાં ઉદ્દેશથી ચબરખી ભરેલો કાચનો બાઉલ ઉઠાવી શિવની તરફ ગયાં. શિવે હવે વધુ આત્મવિશ્વાસ સાથે એક ચબરખી હાથમાં લીધી.શિવનાં હાથમાંથી ત્રિવેદી સાહેબે એ ચબરખી લીધી અને એમાં રહેલ કવિ નું નામ વાંચ્યું.નામ વાંચતા જ એમને માઈક હાથમાં લીધું અને બોલ્યાં.
"ત્રણ ઉર્દુ ભાષાનાં મશહુર શાયરો અને હવે બે ગુજરાતી ભાષાનાં શાયરીનાં બે નગીના સમાન શાયરો બાદ હવે ચબરખીમાં જેનું નામ નીકળ્યું છે એ હિન્દી ભાષાનાં અત્યારનાં અગ્રણી કવિ છે.મોટી મોટી કોલેજો અને યુનિવર્સિટીમાં જેમની કવિતાઓ સાંભળી યુવાન હૈયાં ડોલી ઉઠે છે..એવાં પ્રેમનાં અને દેશભક્તિનાં કવિ શ્રી કુમાર વિશ્વાસ ની કવિતાઓ આપની સમક્ષ રજુ કરશે આપણાં બંને સ્પર્ધકો."
કુમાર વિશ્વાસનું નામ સાંભળી એમનાં નામ થી પરિચિત ઘણાં છાત્રો ગેલમાં આવી ગયાં.. એમની બોલવાની ઢબ અને ગજબનાં લેખનનાં કાયલ લોકો માટે એમની ઉત્કૃષ્ટ રચનાઓ શિવ અને માહીનાં મોંઢે સાંભળવાનો આ સુવર્ણ અવસર હતો.
શિવે ચબરખી ઉઠાવી હોવાથી માહી એ કુમાર વિશ્વાસની અતિ પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓ સાથે આ રાઉન્ડની શરૂવાત કરી.
कोई दीवाना कहता है, कोई पागल समझता है !
मगर धरती की बेचैनी को बस बादल समझता है !!
मैं तुझसे दूर कैसा हूँ , तू मुझसे दूर कैसी है !
ये तेरा दिल समझता है या मेरा दिल समझता है !!
કુમાર વિશ્વાસ ની આ સુંદર રચના જ્યારે માહી સંભળાવી રહી હતી ત્યારે અમુક સ્ટુડન્ટ એની સાથે-સાથે આ કવિતા ગાઈ રહ્યાં હતાં જે આ કાવ્યની પ્રસિદ્ધિ દર્શાવવા કાફી હતું.માહી નાં સુરીલા અવાજમાં આ કવિતા સાંભળી સભાખંડમાં હાજર દરેક શ્રોતા મંત્રમુગ્ધ થઈ ગયું.
માહી એ તો પોતાની રીતે આ રાઉન્ડ ની બહેતરીન શરૂવાત કરી દીધી હતી..હવે વારો શિવનો હતો.શિવે પણ આજ કવિતાની આગળની ચાર લાઈનો એજ રાગમાં ગાઈ સંભળાવી.
मोहब्बत एक अहसासों की पावन सी कहानी है !
कभी कबिरा दीवाना था कभी मीरा दीवानी है !!
यहाँ सब लोग कहते हैं, मेरी आंखों में आँसू हैं !
जो तू समझे तो मोती है, जो ना समझे तो पानी है !!
શિવનાં અટકતાં જ એનાં નામ ની સાથે વાહ-વાહ ની દાદ થી સભાખંડ ભરાઈ ગયો..આ મહેફિલ ને જાણે ખરો રંગ લાગી ગયો હતો.શિવે પોતાની લાઈન પૂર્ણ થતાં માહી તરફ જોયું જાણે એ માહી ને કહેવા માંગતો હોય કે માહી હવે તું કંઈક સંભળાવ.
માહી એ પણ થોડાં શ્વાસ ભર્યાં અને કુમાર સાહેબની કવિતાનું એક નવું મુક્તક બધાં ને સંભળાવવા પોતાની જાત ને તૈયાર કરી..!!
★■■■■■■■■★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)