Ek bhool in Gujarati Short Stories by Vijay Varagiya books and stories PDF | એક ભૂલ.

Featured Books
Categories
Share

એક ભૂલ.

માં હવે સહન થતું નથી. જાણે આખી દુનિયા મારી દુશ્મન બની છે. મને ખુબજ એકલું-એકલું લાગે છે. તારા પાસે આવવા મન બળવતર બને છે. મા તારા વગર આ શીયાળાની કાતીલ ઠંડી રાતમાં મને ખુબજ ડર લાગે છે. એવી ઇચ્છા થાય છે કે તારી પાસે દોડી આવી તારા ખોળામાં તારી પ્રેમાળ હુંફમાં ઘસઘસાટ ઉંઘી જઉં. ઘણા સમયથી હું આરામથી સુઇ શક્યો નથી. મને ખુબજ બીક લાગે છે. મા તારો કબીર જે કદી પણ કોઇથી ડરતો નહતો તેને કોઇ અજાણ્યો ડર ડરાવે છે. મા આવી દંભી, આડંબરી, ફરેબી, બનાવટી, વિશ્વાસઘાતી દુનિયામાં કેવી રીતે જીવી શકાય? મા મારી ફરિયાદ ત્યાં ઇશ્વર પાસે કહેજે, કારણકે તેના સીવાય આ દુનિયામાં મારુ કોઇ જ નથી..... કોઇ જ નથી.બસ મા હવે હું વધારે નહી લખી શકું.

                                                            ----તારો કબીર


મમતાની આંખોમાંથી મોતી જેવડા આંસુના બે ટીંપા કાગળ પર પડ્યા અને તેમાંજ સમાઇ ગયા. મમતાએ કાગળની પુન: ઘડીવાળી અને મેજના ખાનામાં સરકાવ્યો અને કેટલા સમય સુધી એમજ ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી રહી. અચાનક પાછળથી કોઇકનો સ્પર્શ મમતાને તેની વિચારધારામાંથી બહાર લાવવા સફળ રહ્યો.


અંધારામાં બેસી શું વિચારી રહી છો?- કબીરે મમતાને પ્રેમાળ સ્વરે પુછ્યું.


તારા વિશે જ વિચારતી હતી કબીર. મમતાએ ઉંડો ની:સાસો નાખ્યો.


મારા વિશે? મારા વિશે શું વિચારતી હતી?


કબીર જ્યારે આપણું સ્વજન મનમાં પોતાનું  દુ:ખ સંઘરી દિવસેને દિવસે વ્યથીત થઇ રહ્યું હોય ત્યારે આપણે કેવી રીતે સુખેથી રહી શકીએ?


કેવી વાતો કરે છે તું મમતા? તારી વાતો મારી સમજ બહાર છે. 


સમજ બહાર છે કે સમજવી જ નથી. મમતા વેધકદ્રષ્ટીપાત કરતા બોલી.


મને હજુ કંઇ સમજાતુ નથી મમતા.


કંઇ નહીં છોડ એ વાત ને. તારી નવી નોવેલ વિશે જણાવ. મમતા બનાવટી મુસ્કાન વેરતા બોલી. 


હાં મારી નોવેલ સજી-ધજી તૈયાર છે બે દિવસ બાદ તેનું વિમોચન છે. કબીરમાં થોડો ઉત્સાહ જણાયો.


કેવો સરસ અવસર હશે કબીર, તારી આ પચ્ચીસમી નોવેલ છે અને હરહમેંશની જેમ આ નોવેલ પણ વાચકો હોંશે-હોંશે વધાવી લેશે. કેટલી કિર્તી છે તારી અને વાચકોનો પ્રેમ. બસ કબીર મારે તારી ખુશી સીવાય ઇશ્વર પાસે કશુંજ નથી જોઇતું. મમતા લાગણીના આવેશમાં આંખો ભીની કરી બેઠી.


ચાલ રાત બહુ થઇ ગઇ છે હવે ઉંઘી જઇએ. કબીર મમતાનો હાથ ખેંચતા બોલ્યો. પરંતુ મમતા જડની માફક તેના સ્થાન પર જ ઉંભી રહી.


કેમ શું થયું? કબીર બોલ્યો.


કબીર ક્યું એવું દુ:ખ છે જે તું તારા અંતરમાં સંઘરી બેઠો છો? તારી આ દશા મારાથી જોઇ નથી જાતી.


મને શું દુ:ખ છે. સારી નોકરી છે, વાચકોનો ભરપૂર પ્રેમ છે , તું છો મારી પાસે પછી શેનું દુ:ખ?


છતાં કબીર તું કંઇક તો મારાથી છુપાવે છો. હું તારી દર્દ છુપાવવાની આદતથી વાકેફ છું. તારા દર્દનો અહેસાસ થતા હું દુ:ખી ન થાઉં માટે જ તુ આમ બોલી રહ્યો છે. 


આવું કશુંજ નથી આ તારો વહેમ છે મમતા- કબીર બોલ્યો.


વહેમ નથી કબીર, શું હું જાણતી નથી કે તું રાત્રે ચોરીછુપીથી તારી સ્વર્ગસ્થ બાને પત્ર લખતો રહેતો હોય છે. તારા અંતરની પીડાને તું શબ્દોરૂપી ઓકીને તું હળવો થઇ જા છો પરંતું મારૂ શૂ? મારે તારૂ આ દુ:ખ જોઇને કયાર સુધી ઝુરતું રહેવું? મમતાની આંખોમાંથી અશ્રુધાર વહી પડી.


થોડીવાર સુધી મૌન રહ્યા બાદ કબીર ગળગળા સ્વરે બોલ્યો: મમતા આ સ્વાર્થી દુનિયામાં મારૂ કોઇ રહ્યું હોય તો એ માત્ર તું છો. મમતા મારે પણ તને ઘણું કહેવું છે પણ હજું એ સમય આવ્યો નથી.  એ સમયની મને રાહ છે. હાલ આ શુષ્ક આંસુને આંખોમાંજ સુકાઇ રહેવા દે વિશ્વાસ રાખજે જ્યારે પણ વહેશે ત્યારે તારો જ ખોળો ભીનો થશે. બસ હવે તું શાંતીથી સુઇ જા.


મમતા કબીરની સોડમાં ભરાઇને ઉંઘવાની કોશીસ કરી રહી હતી. પણ તેના વિચારો તેને આટલા જલ્દી ક્યાં છોડવાના હતા. તે કબીરના ચહેરાને નીરખતી રહી. એકદમ શાંત અને નિષ્ભાવ ચહેરો હતો કબીરનો. છેલ્લા બે વર્ષના સાથમાં ક્યારેય કબીરે ભૂલથી પણ મમતાને દુ:ખી કરી નથી કે પોતાના દુ:ખનો અહેસાસ પણ થવા દિધો નથી. 


નીરવ રાત્રીના શાંત વાતાવરણને ચીરતી ટેલીફોનની કર્કશ રીંગ સતત ગાજી રહી હતી. કબીરના વિચારોના વમળમાંથી મુક્ત થઇ મમતા હજુ ઉંઘમાં ગરકાવ જ થઇ હતી ત્યાંજ રીંગના અવાજે મમતાની ઉંઘમાં ખલેલ પહોંચાડ્યો. કબીર તો હજુ પણ ઉંઘીજ રહ્યો હતો.


મમતાએ રીસીવર ઉંચકતા સામા છેડેથી ઝડપી અને ચીંતીત અવાજ આવ્યો હલ્લો કબીર સાહેબ તમારા પીતાજી ખુબજ સીરીયસ છે કદાચ આજ સવાર સુધી પણ......... તમે જલ્દીથી હોસ્પિટલ આવી પહોંચો.જવાબની કશી પણ અપેક્ષા રાખ્યા વગરજ સામેવાળા વ્યક્તિએ કોલ કાપી નાખ્યો.મમતાના શરીરમાંથી કંપારી છુટી ગઇ, તેને અજાણયા વ્યક્તિના શબ્દો પર જાણે ભરોસો ના આવતો હોય તેણે પીઠ ફેરવી કબીરના ચહેરા તરફ નજર કરી અને મનોમન બબડી નહીં કંઇક તો હોય નહીંતર કબીર આ વાત આ વાત મારાથી કયારે પણ ના છુપાવે.


                     .................................


કબીરે છેલ્લી વખત મૃત વ્યક્તિના ચહેરાના દર્શન કરવા ચાદર હડસેલી. હોસ્પિટલમાં જુજ લોકોજ હાજર હતા. કબીરની આંખો હંમેશની જેમ સુકી અને ભાવશૂન્ય રહી. જ્યારે પાસે ઉભેલી મમતાની આંખોમાં ભારોભાર આશ્ચર્ય ડોકાઇ રહ્યું હતું.


ડોક્ટર સાહેબ પીતાજી અંતીમક્રિયા પણ જો તમારી રીતે પતાવી દો તો હું તમારો ઉપકારી રહીશ. - કબીરના અવાજમાં દુનિયાભરનો થાક વર્તાઇ રહ્યો હતો.


અરે..... કબીર સાહેબ એમાં ઉપકાર શાનો? પણ અગ્નિદાહતો તમારે જ આપવાનો રહેશે ને!


હાં, ડોક્ટર સાહેબ અગ્નિદાહ આપવા હું થોડીવાર પૂરતો સ્મશાન આવી જઇશ પણ આ બાબતની જાણ કોઇપણને ના થાય એ થોડી તકેદારી રાખજો.


તમે નિશ્ચીંત રહો કબીર સાહેબ આ વાત મારા સીમીતજ રહેશે.- ડોક્ટર સાંત્વન આપતા બોલ્યા.                                   


                      .....................................


સાંજે કબીર તેની આદત મુજબ આરામ ખુરશીમાં સીગારેટ સળગાવી ઉદાસીન બેઠો હતો. મમતાના મનમાં પણ વિચારોનું તુમુલયુદ્ધ ચાલી રહ્યું હતું. ઘરમાં હંમેશ મુજબ શાંતીથી પણ વધી સન્નાટો હતો. 


કબીરે ભારે સ્વરે બોલવાની શરૂઆત કરી- મમતા હું જોઇ શકું છું તારી આંખોમાં અસંખ્ય સવાલો છે. આજે તારી નજરમાં મારૂ સ્થાન જે પહેલા હતું તે રહ્યું નથી. આજે મારા પીતાની ચીતાને બાળી આવ્યો પરંતુ વર્ષોથી આ અંતરમાં જે અગ્નિજ્વાળા સળગે છે તે ક્યારે ઠંડી પડશે?


કબીર તારા મન પર કોઇજ બોજ ના લાવ મને તારા પ્રત્યે કોઇ જ ફરિયાદ નથી. - મમતા બોલી.


મમતા આ દુનિયા, આ સમાજ મારો વિશ્વાસ કરે યા ના કરે તેનો મને કોઇજ રંજ નથી. પણ તું મને છોડી ના જતી. તું જે કંઇ પણ સમજ પણ આજે હું તારો અપરાધી છું મે તારાથી પણ એક વાત છુપાવી છે.


 એવું ના બોલ કબીર - મમતા રડમસ અવાજે બોલી- હું તને છોડી કયાંય પણ નહીં જાઉં. હું તારી જ છું અને તારી પાસેજ રહીશ. અત્યારે તું સુઇ રહે કબીર તારે માનસીક શાંતીની જરૂર છે. મમતા પાસે આવી કબીરના કપાળ પરના પ્રસ્વેદબીંદુને પોતાની સાડીના પાલવ વડે લુંછી સાંત્વન આપી રહી.


હવે કબીર ખુદના આંસુના રોકી શક્યો અને મમતાની છાતીને વળગી રડી પડયો નાના બાળક પેઠે રડી પડ્યો.કબીર થોડીવાર સુધી એજ અવસ્થામાં રહ્યા બાદ થોડો સ્વસ્થ થયો.


મન પરનો ભાર થોડો હળવા થતા બોલ્યો- મમતા તને ખબર જ છે એમ આખી દુનિયા પણ જાણે છેકે મારા પીતાજીનો સ્વર્ગવાસ થયાને વર્ષો વિતી ગયા, તો પછી આજે જે વ્યક્તિને અગ્નિદાહ આપી આવ્યો એ કોણ હતું? એ પ્રશ્ન તારા મનમાં ઉઠતો હશે.


 મમતાએ ફક્ત આંખોથી જ હાં ભણી.


મમતા આજે મે જેને અગ્નિદાહ આપ્યો એ જ મારો સાચો જન્મદાતા બાપ છે. જેને હું આટલા વર્ષોથી નફરત કરી રહ્યો છું. 


પ્રશ્નાર્થ આંખોએ મમતાએ પૂછ્યું- કેમ કબીર? શા માટે?


મમતા એ હકિકત છે કે  હું જનકરાયનો પુત્ર છું પણ તેઓ મારા પાલક પીતા હતા. મારી નસોમાં તો એજ વ્યક્તિનું લોહી વહે છે જેની આજે મે ચીતા સળગાવી. મને પણ આ હકીકત ત્રણ વર્ષ પહેલાજ જાણ થઇ જ્યારે મારી બાએ પ્રાણ ત્યાગ્યા. તેણે મરણપથારીએથી પોતાના લગ્ન પહેલાની ભૂલ મારી સમક્ષ કબૂલી અને મારા સગ્ગા બાપની બિમારીથી માહિતગાર કર્યો. મારા બાના કહેવા પ્રમાણે મારા પીતાનું મારી બા અને મારા સીવાય આ દુનિયામાં કોઇજ નથી. વળી, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સર સામે હોસ્પિટલના બિછાને ઝઝૂમી રહ્યા છે. તેઓ જીવે કે મરે તેની મને કોઇજ પરવાહ નહતી કારણકે મારા મારી માતા સાથે અન્યાય કરનારને હું કદાપી માફ ના કરી શકું પરંતુ મારા બાની છેલ્લી ઇચ્છા હતી કે હું તેની સારવાર કરાવું અને તેની દેખભાળનું વચન પણ માંગ્યું. આથી જ મમતા હું તારાથી છુપાઇ , આખી દુનિયાથી છુપાઇ છેલ્લા ત્રણ વર્ષથી તેઓની સારવાર કરાવી રહ્યો હતો. હું ડરતો હતો કે મારા જીવનના આ બદનામીભર્યા કડવા સત્યથી સમાજ મારા તરફ ઘીન્નતાથી જોશે અને તું પણ મને છોડી ચાલી જઇશ તો હવે મારૂ કોણ? માટે જ આ વાતને મેં તારાથી અને દુનિયાથી છુપાવી રાખી હતી. મારી માતાની ભૂલનો બોજ એકલો મારા ખંભે લઇ જીવતો હતો.


થોડી વાર માટે કબીર અટક્યો.મમતા હું એ વ્યક્તિની સુશ્રૃષા કરી રહ્યો હતો જેણે મારી માતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેનો ચહેરો જ્યારે પણ નિહાળતો ત્યારે ખુદને ધીક્કારતો અને એ મારો બાપ છે એવા વિચાર માત્રથી મને ખુદ પર નફરત થતી હતી. કબીર આવેશમાં ઘણું કહી ગયો.


કબીર હવે બધું જ સમાપ્ત થઇ ગયું આ વાતને ભૂલી જા. તારા જીવનમાં એક ઝાંઝાવાત આવી ચાલ્યો ગયો. અને મને પણ તારા પ્રત્યે કોઇ જ ફરિયાદ નથી. મને સત્ય જણાવ્યું તેનો મને સંતોષ છે તું પણ તારા મનમાં કોઇ બોજ ના રાખ. હાલ તું નિશ્ચીંત થઇ ઉંઘી જા આવતીકાલે તારી નોવેલનું વિમોચન છે. તારો ભૂતકાળ ભૂલી એક સુખી ભવિષ્ય તરફ પ્રયાણ કર હું તારી સાથેજ છું.


કબીરનો હાથ પકડી મમતા બેડ પર સુવા માટે લઇ ગઇ. કબીર મમતાની સોડમાં આરામથી ઉંઘી રહ્યો હતો. મમતાએ પણ કબીરને નીરાંતની ઉંઘમા સરતો જોઇ રાહત મેળવી.