આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૬
મેઘા રડતા રડતા બોલી "સર, હું બધુ કહુ છું. હું કંઇપણ જુઠ્ઠુ નહીં બોલું."
ઇન્સપેક્ટર વીણાએ પાણીનો ગ્લાસ મેઘાને પીવા માટે આપ્યો અને ધીમા સ્વરે કહ્યું, "શાંત થઇજા પછી આખી વાત શાંતીથી જણાવ અમને."
મેઘા પાણી પીને થોડી સ્વસ્થ થઇ મોહિતની સામે જોઇને ધીમેથી હાથ જોડીને બોલી, "સર, મોહિત નિર્દોષ છે. તેણે કોઇ ગુનો નથી કર્યો. સર, મેં જે કંઇ કર્યુ તે ભલે કાયદાની રીતે ગુનો હોય પણ મેં એક નરાધમ વ્યકતિને તેના કુકર્મોની સજા આપી છે. મેં મારી બહેન અને બીજી ઘણી સ્ત્રીઓની જીંદગી ખરાબ થતાં અટકાવી છે. મેં મારી જાનના જોખમે તે રાવણને સજા આપી છે. સર, મને મારો ગુનો મંજુર છે અને મને જે કંઇ સજા આપવી હોય તે આપજો પણ મોહિતને છોડી દો."
"તારી સાથે ખોટુ થયુ હોય તો પણ કાયદો હાથમાં લેવો એ ગુનો છે. કોણ નિર્દોષ છે તે અમારે પુરાવા અને તપાસ પછી નકકી કરવાનું છે. તે બબલુ સાથે શું કર્યું તેની વાત કર."
"સર, બબલુ મને બહુ હેરાન કરતો હતો. તે મારુ શોષણ ... શારીરીક અને માનસિક શોષણ કરતો હતો. તે સાલા ... નપુસંકે સુજાતાની, મારી અને મારા જેવી કેટલીય છોકરીઓની જીદગી ખરાબ કરી છે." આંખોના આંસુ લુછતા લુછતા મેઘા બોલી
"તેની અમને ખબર છે, તે મર્ડર કેવી રીતે કર્યુ અને મોહિતે તને શું હેલ્પ કરી તેની વાત કર." ખાન સાહેબ હળવેકથી બોલ્યા.
ફેસ રીડર એક્ષપર્ટ, સાયબર એક્ષપર્ટ, રાઇટર, વીડીયો રેકોર્ડીંગ કરનાર સાથે આખી ક્રાઇમ બ્રાંચની ટીમ મેઘાની વાત સાંભળી રહી હતી. મેઘાએ સ્વસ્થ થઇને તેની વાત રહેવાની શરુ કરી. "સર, બબલુ મને ઘણા સમયથી પરેશાન કરતો હતો અને એકવાર સુજાતાની ગેરહાજરીમાં તેણે મારી સાથે બળજબરી પણ કરી હતી. હું મજબુરીમાં સુજાતા અને તેનો સંબંધ બગડે નહીં એટલે કંઇ બોલી ન હતી પણ તે મને વારંવાર ફોન કરીને, હોસ્ટેલ પર આવીને પરેશાન કરતો હતો. મારે તેનાથી ગમેતમે કરીને છુટકારો મેળવવો હતો. હું બબલુની વાતથી ટેન્શનમાં હતી ત્યાં મને મોહિતે મારા ટેન્શન વિશે વારંવાર પુછ્યું અને મેં પણ કોઇ રસ્તો યા હેલ્પ મળે તે માટે થઇને તેને બધી વાત કરી."
મેઘા બોલતા બોલતા અટકી ત્યાં મોહિતે બોલવાનું શરુ કર્યુ, "સર, અમે બે કોફી શોપમાં મળ્યા અને ભેગા મળીને આખો પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ મેઘાએ બબલુની સાથે કારમાં ફરવા જવાનું હતું અને મારે તેની કારની પાછળ જ રહેવાનું હતું. મેઘાએ તક મળે બબલુને કારમાં જ બેભાન કરી દેવાનો અને પછી તેનું ..."
મેઘા ખાન સાહેબની સામે જોઇને બોલી,"સર, બબલુનો ફોન આવતાં જ મેં તેને ફરવા જવાના બહાને બીજા દિવસે સવારે મારી હોસ્ટેલ નજીકના કોફી શોપમાં બોલાવ્યો.
"પછી શું થયું." ખાન સાહેબે હળવેકથી પુછ્યું.
"મેં મારી કોલેજના સ્ટોરમાંથી બબલુને બેભાન કરવા જરુરી દવાઓ, ઇન્જેકશન, નીડલ લઇ લીધી હતી. મેં અને મોહિતે પ્લાન બનાવ્યો હતો, બબલુને વાતચીતમાં પરોવીને તક મળે પાણી કે કોલ્ડ ડ્રીંકસમાં દવા પીવડાવી બેભાન કરી દેવાનો અને પછી તેને નસમાં વધુ દવા આપીને તેનું ...."
શાંત બેસી રહેલા મોહિતે બોલવાનું શરુ કર્યું, "પ્લાન મુજબ મેઘા અને બબલુ હોસ્ટેલ નજીકના કોફી શોપમાં સવારના 10 વાગ્યા આસપાસ મળ્યા અને હું દુરથી તેમની પર વોચ રાખતો હતો. બબલુ છોકરીઓ જોડે લોંગ ડ્રાઇવ પર જવાનો શોખીન હતો એટલે તે બંનેએ કોફી શોપમાંથી એસપી રીંગરોડ પર લોંગ ડ્રાઇવ પર જવાનું પ્લાન કર્યું."
મેઘા એ મોહિતને ઇશારો કરી વાત કરતા અટકાવી આગળ બોલવાનું શરુ કર્યું "હું અને બબલુ કારમાં એસપી રીંગરોડ પર લોંગ ડ્રાઇવ પર જવા નીકળ્યા. બબલુએ તેની આદત મુજબ ચાલુ કારમાં મારી જોડે ગંદી હરકતો કરવાનું શરુ કર્યું, આ મને ગમતું ન હતું પણ મનોમન નક્કી કરી લીધુ કે આ છેલ્લીવાર તેની હરકતો સહન કરવાની છે અને પછી તેનું ..."
મેઘાના ચહેરા પર ગુસ્સો આવી ગયો હતો. તેના કપાળ પર પરસેવો દેખાઇ રહ્યો હતો. લાખો, મોહિત અને ટીમ આખી તેની વાત સાંભળી રહી હતી. તેની એકએક વાતની નોંધ અને રેકોર્ડ થઇ રહી હતી.
મેઘાએ ચહેરા પરનો પરસેવો લુછીને ગુસ્સામાં ફરી બોલવાનું શરુ કર્યુ, "રીંગરોડ પર પહોંચીને બબલુએ એક ઢાબા પરના પાર્કિંગમાં કાર ઉભી રાખી કોલ્ડ ડ્રીંકસની બે બોટલ લીધી. એક બોટલ તેણે મને આપી અને એક તેણે ગિયર પાસેના બોકસમાં મુકી. મને ખબર હતી કે તે ચાલુ કારે સોફટ ડ્રીંકસની બોટલમાં વ્હીસ્કી એડ કરી પીવાનો શોખીન હતો. તે સોફટ ડ્રીંક મુકી ફરી ઢાબા પર નમકીનના પેકેટ લેવા ગયો, ઢાબા પર તે નમકીનના પેકેટ લઇ ફોન પર વાતો કરવા ઉભો રહ્યો એ તક જોઇ મેં ફટાફટ તેની સોફટ ડ્રીંકસની બોટલમાં બેભાન કરી દેવાની દવા મીલાવી દીધી. મેં કારના રીઅર વ્યુ ગ્લાસમાં જોયુ તો મોહિત પણ અમારી પાછળ જ હતો, તેને જોઇને મને હાશકારો થયો. થોડીવારમાં બબલુ કારમાં આવ્યો અને મેં સોફટ ડ્રીંકસ પીતા પીતા તેને ગોળગોળ વાતોમાં પરોવી દીધો. બબલુએ પણ ઢાબાથી આગળ જઇ થોડે દુર કાર ઉભી રાખી સીટ નીચેથી વ્હીસકીની બોટલ કાઢી તેની સોફટ ડ્રીંકસની બોટલમાં તેને ઉમેરી એક શીપ પીધું. તેણે વ્હસ્કીની બોટલ સીટ નીચે મુકી ત્યાં તેના હાથમાં તેની રીવોલ્વર આવી ગઇ. તેણે રીવોલ્વર મને બતાવી ત્યાં હું ડરી ગઇ. બબલુએ મને ડરેલી જોઇ અટ્ટહાસ્ય કર્યું અને મજાક કરુ છુ તેમ કહ્યું. મેં તેને મજાક બંધ કરી રીવોલ્વર નીચે મુકી કાર ચલાવાનું કહ્યું. તેણે રીવોલ્વર સીટ નીચે મુકી ફરી કાર ચલાવાનું શરુ કર્યુ અને અમે ધીમી સ્પીડે લોંગ ડ્રાઇવ પર નીકળ્યા. તેણે ચાલુ કારે ફરી ગંદી હરકતો શરુ કરી. લંચ ટાઇમ થવા આવ્યો હતો એટલે તેણે એક હોટલ નજીક આવતા ત્યાં કાર રોકાવી ફુડ પાર્સલ કરાવી લીધું. તેનો પ્લાન કોઇ ફાર્મ હાઉસ કે સુમસામ જગ્યા પર મને લઇ જઇ ફુડ જમીને મારી સાથે કંઇક કરવાની તૈયારીમાં હોય એવું મને લાગ્યું. સુમસામ જગ્યા પર કાર રોકી બબલુએ તેની સીટ નીચેથી વ્હીસ્કીની બોટલ નીકાળીને સોફટ ડ્રીંકસની બોટલમાં એડ કરીને ફરી એક શીપ પીધું. પીધા પછી તે થોડીવાર આંખો બંધ કરી બેસી રહ્યો. તેના મગજમાં દવાની અસર અને વ્હીસ્કીનો નસો થઇ જતા તેણે ગોળ ગોળ વાતો ચાલુ કરી. તેની વાતો પરથી મને લાગ્યુ કે દવાની અસર થવા માંડી છે. "
"પછી શું થયું " ઇન્સપેક્ટર વીણાએ પુછ્યુ.
પાણી પીને મેઘા થોડી સ્વસ્થ થઇને બોલી,"પછી સર...હા ..બબલુને દવા, આલ્કોહોલ ની અસર થવા માંડી અને તેની આંખો ઘેરાવા માંડી. તેને પોતાને સમજાતું ન હતું અને બબલુએ મને કહ્યું વ્હીસ્કીમાં કંઇ લોચા લાગે છે. મેં તેને હસતા હસતા ફરી બોટલમાંથી એક શીપ લેવા કહ્યું અને બબલુ ઉતાવળે અડધી બોટલ ગટગટાવી ગયો. તેનું મગજ ચકરાવા માંડયુ અને તેણે સાઇડમાં ઉભી રાખેલી કારને બંધ કરી. તેણે મારી સાઇડની કારની વીંડોમાંથી બાકી રહેલી વ્હીસ્કીની બોટલ બહાર ઝાડીમાં નાંખી દીધી. તે હજુ પણ બબડતો હતો કે વ્હીસ્કીનો માલ બોગસ આવી ગયો છે. તે માથુ પકડી સ્ટેરીંગ પર જ ઢળી પડ્યો. મેં તરત કારની પાછળ જોયુ તો મોહિત દુર ઉભો હતો, તેને તરત ઇશારો કરી બોલાવી દીધો."
"મેં કારની પાસે જઇને જોયુ તો બબલુ બેભાન થઇ ગયો હતો અને મેઘા પણ ડરી ગઇ હતી. મેં ડરી ગયેલી મેઘાને સાંત્વના આપીને સમજાવી. આગળના પ્લાન માટે અમે બે જણાંએ ચર્ચા કરી અને નક્કી કર્યું કે..." મોહિત બોલતા બોલતા અટકી ગયો.
"બબલુનો મોબાઇલ સતત રીંગીંગ કરી રહ્યો હતો. તેની ઓફિસ નંબર પરથી અને તેના મિત્રોના ફોન સતત આવી રહ્યા હતાં. તે દિવસે મેચ હોવાથી સટ્ટાના મેસેજ પણ સતત આવી રહ્યા હતાં. મેં તેનો મોબાઇલ સાયલન્ટ મોડ પર કરી દીધો. કારમાંથી સોફટ ડ્રીંકસની બોટલો બહાર નાંખી દીધી અને ફુડ પાર્સલ પાછળની સીટ પર મુકી દીધું. પ્લાન મુજબ મેં બબલુની નસમાં ઇન્જેકશનથી વધુ દવા આપી, જેથી તે તરત ભાનમાં ન આવી જાય. મોહિતે રીંગરોડ પર સામાન્ય ટ્રાફિકનો લાભ લઇ મહામુશ્કેલીએ બબલુને ડ્રાઇવર સીટને લાંબી કરી પાછળની સીટમાં ટ્રાન્સફર કર્યો."
"મેં બબલુની કારને ચલાવવાનું શરુ અને મેઘા એકટીવા લઇને પાછળ ધીમે ધીમે આવી રહી હતી. હવે અમે કારને સુમસામ સ્થળ પર લઇ જવા જગ્યા શોધી રહ્યા હતાં. એકાદ કલાક ડ્રાઇવ કર્યા પછી એક જગ્યાએ કાર ઉભી રાખી અમે ફરી બબલુની હાલત ચેક કરી." મોહિત બોલ્યો.
મેઘાની આંખોમાં ખુન્નસ હતું. તેણે કંપતા અવાજે ફરી બોલવાનું શરુ કર્યુ,"મોહિતે ના કહેવા છતા મેં ફરી બબલુની નસમાં દવાનો ઓવર ડોઝ ઇંન્જેકસનથી આપ્યો. બબલુ ભાનમાં ન આવી જાય તેનું મને ટેન્શન હતું અને હું તેનાથી એટલી બધી અકળાઇ ગઇ હતી એટલે મેં મોહિતની એક વાત ના સાંભળી. મોહિત પણ મારી આ હરકતથી મારી પર ગુસ્સે થઇ ગયો હતો. અમે બે જણ થોડીવાર મૌન બનીને ઉભા રહ્યા. બપોરનો સમય થઇ ગયો હતો અને અમે ટેન્શનમાં હતાં. અમને બંનેને ભુખ લાગી હતી. અમે બંનેએ કારની સાઇડમાં ઉભા રહી પેલા ફુડ પાર્સલમાંથી ફટાફટ જમી લીધું. જમીને તરત મોહિતે બબલુના હાર્ટ બીટ ચેક કર્યા."
મેઘા બોલતા બોલતા ફરી અટકી ગઇ. તેનો અવાજ તરડાઇ ગયો હોય તેવુ લાગતું હતું. ઇન્સપેક્ટર વીણાએ મેઘાની આંખોમાં આંખ નાંખી પુછ્યું, "તે સમયેજ બબલુ ..."
"ના ..ના ત્યારે તો બબલુ જીવતો હતો." મોહિત ઉતાવળા સ્વરે બોલ્યો.
"વાર્તા કર્યા વગર તેના પછી શું થયું તે ફટાફટ બોલ, નહિંતર ..." ખાન સાહેબ અકળાઇને મોહિત અને મેઘાની સામે જોઇને કહ્યું.
પ્રકરણ ૩૬ પુર્ણ
પ્રકરણ ૩૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.