Sambhavami Yuge Yuge - 19 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૧૯

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૧૯

ભાગ ૧૯

સોમે લાઇબ્રેરીયન સાથે વાત કરી અને કબાટમાંથી રાવણ વિષે એક બે પુસ્તકો કાઢ્યા અને વાંચવા એક ખુરસીમાં બેઠો, ત્યાંજ પાયલ તેની બાજુની ખુરસીમાં આવીને બેસી ગઈ. પાયલે કહ્યું, “તું ગામડેથી ક્યારે આવ્યો અને હું એક બે દિવસથી કોલ કરી રહી છું પણ તારો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? અને અત્યારે પણ તું વિચિત્ર રીતે વર્તી રહ્યો છે, કોઈ તકલીફ હોય તો કહે.” એમ કહીને સોમનો હાથ પોતાના હાથમાં લીધો. સોમની બંને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. પાયલે ધીમેથી કહ્યું, “આપણે બહાર જઇએ.” એમ કહીને તેનો હાથ પકડીને એક ખાલી ક્લાસ રૂમમાં લઇ ગઈ. સોમને ખબર નહિ તે કેટલી વાર સુધી પાયલના ખભે માથું મૂકીને રડતો રહ્યો.

પાયલે પૂછ્યું, “શું તકલીફ છે મારા બાબુને?” એમ કહીને તેના વાળમાં હાથ પસવારતી રહી. સોમ થોડીવાર પછી શાંત થયો અને કહ્યું, “અત્યારે હું એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું, પણ તેના વિષે હું અત્યારે કહી નહિ શકું અને મને ખબર છે કે એમાંથી હું બહુ જ જલ્દી બહાર આવી જઈશ અને મને તારા સાથની ખુબજ જરૂર છે.” પાયલે કહ્યું, “શું તકલીફ છે? એ કહે તો તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકું.” સોમે નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, “જો મને લાગશે કે મારે તને કહેવાની જરૂર છે, તો જરૂર કહીશ પણ અત્યારે મને વધારે નહિ પૂછતી અને પ્રશ્ન મારા જીવન મરણનો છે.” પાયલે કહ્યું, “ભલે મને ન કહેવું હોય તો કઈ નહિ, પણ આમ ઉદાસ ન રહે તારું આ રૂપ મારા માટે અસહ્ય છે.” સોમે જાણે તેની વાત સાંભળી જ ન હોય તેમ તેણે આગળ કહ્યું, “થોડા દિવસ જો તારી સાથે કોઈ વિચિત્ર રીતે વર્તુ તો તેને મન પર ન લેતી, આ જગતમાં હું સૌથી વધારે તને પ્રેમ કરું છું એ વાત તું યાદ રાખજે. તને કોઈ તકલીફ આપવા કરતા હું મરવું વધારે પસંદ કરીશ. મારા માટે શિવ પછી તું જ આરાધ્ય છે.” 

  પાયલ તેની વાત સાંભળીને દિગ્મૂઢ હતી પણ તેણે વાતાવરણ હળવું કરવા કહ્યું, “સારું સારું! હવે અહીં મારી આરતી ન શરૂ કરી દેતો, “એમ કહીને હસવા લાગી. ઈચ્છા ન હોવા છતાં સોમના ચેહરા પર સ્મિત આવી ગયું, તેનો ખરાબ મૂડ થોડો સુધરી ગયો હતો. સોમે કહ્યું, “પાયલ, તું ન હોત તો મારુ શું થાત! તારા વગર હું અધૂરો છું.” એમ કહીને તેના મસ્તક પર એક હળવું ચુંબન કર્યું. પાયલે કહ્યું, “હવે કોઈ અહીં આવે તેના પહેલા બહાર જઇએ.” એમ કહીને પાયલ તેનો હાથ પકડીને બહાર આવી. પાયલે કહ્યું, “કોફી પીશું હંમેશની જગ્યાએ?” સોમે કહ્યું, “ઠીક છે, હું લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઇ આવું છું.”

 પુસ્તકો લઇ આવ્યા પછી તેઓ પાયલની સ્કુટી પર પોતાની ફેવરેટ કોફી શોપમાં ગયા અને અને કલાક સુધી જુદા જુદા વિષયો પર વાત કરતા રહ્યા. પાયલ સાથે વાત કરતાંકરતાં તેના મગજમાં વાતો જાણે ક્લીયર થઇ રહી હતી. તેને એક વાત ખબર પડી ગઈ હતી કે જયારે જયારે તે પાયલ સાથે હોય છે, ત્યારે તેનું મગજ શાંત અને સતેજ થઇ જતું હોય છે. તે બાકી બધી જ વાતો ભૂલી જતો હોય છે. બહાર નીકળ્યા પછી સોમે કહ્યું, “તું મને મધુસુદન સરના સંગીત વિદ્યાલય પાસે છોડી દે, પછી હું હોસ્ટેલ જતો રહીશ.” 

  સંગીત વિદ્યાલયમાં જઈને તે મધુસુદન સરને મળ્યો. મધુસુદન સર તેને જોઈને ખુશ થયા અને કહ્યું, “અરે!  પહેલવાન ક્યાં હતો આટલા દિવસ! ચાલ એક જુગલબંદી કરી લઈએ.” એમ કહીને પોતે તબલા લીધા અને સોમને સિતાર આપી. બે કલાક સુધી બંને જુદા જુદા રાગ પર જુગલબંદી કરતા રહ્યા. સોમ બાકી બધી વાતો ભૂલી ગયો હતો. જયારે તે વિદ્યાલયમાંથી નીકળ્યો ત્યારે તે એકદમ સરસ મૂડમાં હતો. તે હોસ્ટેલમાં પહોંચ્યો ત્યારે એકલો જીગ્નેશ રૂમમાં હતો. સોમે પૂછ્યું, “ભુરીયો ક્યાં છે?” તો પાછળથી અવાજ આવ્યો, “દરવાજે જ છું ભાઈ.” 

ટિફિન આવી ગયા હતા તે જમીને તેઓ પથારીમાં આડા પડ્યા. સોમે લાઇબ્રેરીમાંથી લાવેલું પુસ્તક હાથમાં લીધું. ભુરીયો પથારીમાં પડ્યા પછી વિચાર કરવા લાગ્યો, સોમ આજે કોઈ એવી જગ્યાએ ગયો નથી જ્યાં ડ્રગ મળતી હોય તો ખરાબ મૂડ સુધરી કેમ ગયો? ભૂરિયાએ આખો દિવસ સોમનો પીછો કરવામાં વિતાવ્યો હતો .

ક્રમશ: