Sukhni chavi krushno Karmyog - 2 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 2

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 2

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

ર - ‘‘સમત્વમ યોગમ ઉચ્યતે’’

કૃષ્ણના કર્મયોગમાં પ્રવેશતા કૃષ્ણના કર્મયોગનું મુખ્ય સૂત્ર ધ્યાનમાં લઈ લઈએ. કૃષ્ણના કર્મયોગનું મુખ્ય સૂત્ર ‘‘સમત્વમ યોગમ ઉચ્યતે.’’ કૃષ્ણ કહે છે સંમતુલન એ જ યોગની આધારભૂત શિલા છે. સમત્વ કે સંમતુલન વગર યોગનો જન્મ પણ ન થઈ શકે. વિવિધ સ્તલો ઉપર જીવાતા જીવનમાં સંમતુલન જ યોગ છે.

કૃષ્ણના મત મુજબ આ સંમતુલનની આધારશીલા એ બ્રહ્મતત્ત્વ છે. બ્રહ્મતત્ત્વ જ સમગ્ર દુનિયાની અંતિમ શક્તિ છે. વિજ્ઞાન પણ કહે છે કે સમગ્ર દુનિયા એક એનર્જીથી વ્યાપ્ત છે. પાછલી બે સદીમાં વિજ્ઞાને જે પરમ શક્તિને શોધવા પાછળ પ્રયાસો કર્યા છે તે પ્રયાસમાં અઢારમી સદી સુધી ઈથરને અને પછી ઓગણીસમી સદી સુધી ડાલ્ટને વિકસાવેલી એટોમિક એનર્જી શક્તિનું અંતિમકેન્દ્ર માનવામાં આવતી હતી. પરંતુ છેલ્લે પીટર હીંગ્ઝના સંશોધનોના આધારે ફ્રાંસના જીનિવા ખાતે થયેલા પ્રયોગોમાં પ્રોટોનના કણોને તોડીને હીગ્ઝ બોઝોન (ગોડ પાર્ટીકલ) તરીકે શોધાયેલા કણોએ અણુ શક્તિથી પણ સુક્ષ્મ શક્તિ કામ કરી રહી છે તેવું સાબિત કર્યું છે.

અર્વાચીન વિજ્ઞાન જેમ-જેમ તે પરમ શક્તિની શોધ તરફ જઈ રહ્યું છે તેમ - તેમ તે અંતિમ શક્તિ વિષે વિજ્ઞાન વધુ ને વધુ અનિશ્ચિત બનતું જાય છે. વિજ્ઞાનના બ્લેક એનર્જી, બ્લેકહોલ અને બીગબેંગના ખ્યાલો વિજ્ઞાનના પ્રયોગાત્મક પરિક્ષણ ક્ષેત્રથી બહારના ખ્યાલો છે. વિજ્ઞાન એક બોધદૃષ્ટિથી તેનું પરિક્ષણતો કરે છે પણ તેની કોઈ સુનિશ્ચિતતાઓ હસ્તગત કરી શકાય તેમ નથી તેવું પણ સ્પષ્ટ મંતવ્ય રજૂ કરવા મજબુર છે.

ભારતીય તત્વ ચિંતકોએ એ પરમ શક્તિ કણે-કણમાં વ્યાપ્ત હોવાનું અને તે પણ સમાન રીતે વ્યાપ્ત હોવાનું મંતવ્ય રજૂ કરેલ છે. ભગવદ્‌ગીતામાં કૃષ્ણ ‘‘સમે સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ્‌’’ (ગી.અ.=૩-ર૭)થી તે પરમ શક્તિને સર્વત્ર જગ્યાએ અને સર્વત્રપણે સમાન રીતે વ્યાપ્ત હોવાનું જણાવે છે. દરેક પ્રાણીમાત્રમાં બ્રહ્મતત્વ રૂપ જે એકજ ચૈતન્ય પ્રકાશી રહ્યું છે તે કીડીમાં પણ સમાન છે અને હાથીમાં પણ સમાન છે, કૂતરામાં પણ સમાન છે તે ગાયમાં પણ સમાન છે અને બ્રાહ્મણમાં પણ સમાન છે અને ચાંડાલમાં પણ સમાનરૂપે જ રહેલું છે તે તત્વ ગરીબ અને અમીરમાં, જાતિ-પાતિમાં, રાજા અને રંકમાં કોઈ ભેદભાવ કરતું નથી.

જો બ્રહ્મતત્વ સમત્વરૂપ હોય તો બ્રહ્મ તત્વ સાથે સંલગ્ન એવા યોગને સમત્વ વગર ઉપલબ્ધ કરી શકાય નહીં. મનુષ્યના જીવનના વિવિધ સ્તલો ઉપર અને કર્મની વિવિધ પરિસ્થિતિઓમાં પણ સમતુલનથી જ યોગનો જન્મ થાય છે. તેથી સમત્વને જ યોગ કહેવાય છે.

હાલના સમયે યોગ વિષે ઘણી-ઘણી વાતો, પ્રણાલીઓ અને ભ્રામક્તાઓ વ્યાપક છે. જેણે બાબા રામદેવને ટી.વી. પર જોયા છે તે કસરતોની ઉછળ-કૂદ અને શ્વાસો-શ્વાસની ગતિની કસરતો અને નિયંત્રણોને જ યોગ માને છે. કોઈ આસન જમાવીને ધ્યાન કરવાને યોગ માને છે. આવા ધ્યાન, પ્રાણાયામ, આસનો અને કસરતો એક ક્રિયા-કર્મ છે. જે દરેક વખતે અસ્તિત્વમાં હોતા નથી. તેના માટેનો કોઈ સમય નિશ્ચિત કરવો પડે છે. તે સમય દરમિયાન તે સાધવામાં આવે છે. પણ, જે વાત કૃષ્ણ કરે છે તે દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં જીવન સાથે વણાયેલા યોગની વાત કરે છે. કારણ કે જીવનનું પરમ ચૈતન્ય કોઈ વખતમાં સાથે છે અને કોઈ વખતમાં સાથે નથી તેવું નથી. તે તો દરેક સમયે, દરેક ક્રિયા અને કર્મોમાં દરેક સાથે વણાયેલું છે. તેથી કૃષ્ણના યોગનું ફલક સિમિત નથી. જીવનના દરેક ક્રિયા-કર્મો અને વિવિધ પરિસ્થિતિને આવરી લેતું અસિમીત ફલક છે.

કર્મને જીવનના વિવિધ સ્તરો ઉપર વિવિધ દૃષ્ટિકોણથી જોનારા જ્ઞાનીઓએ એક નિશ્ચય આપ્યો છે કે જ્યારે કર્મો તેના વિવિધ સ્તરો ઉપર સમાનતાને પ્રાપ્ત કરે છે ત્યારે તે કર્મો યોગ રચે છે. જે યોગ વ્યક્તિને સુખ, શાંતિ અને આનંદ આપનાર છે અને જીવનના મહાદુઃખોથી બચાવનાર પણ છે.

જીવન રચનારા પરમાત્માએ કર્મોની રચના જ એવી કરી છે કે વ્યક્તિ કર્મની સમ્યક્તાને ધ્યાને લીધા વગર કર્મો કર્યે જાય છે તે કર્મોની માયાજાળમાં ફસાઈને અપાર દુઃખો જ ભોગવે છે. તેથી કૃષ્ણએ સૌથી વધુ વાત જીવનમાં તમામ સ્તલો ઉપર સમ્યક્તા લાવવા કરી છે. જે વ્યક્તિ કર્મોની અતિ કે ન્યૂન્યતાને સેવે છે તેને તેના જ કર્મોની અતિઓ કે ન્યૂન્યતાઓ જ બંઘક બનાવે છે.

રાજકુમાર શ્રોણ બુદ્ધનો ભિક્ષુ બન્યો હતો. તે રાજકુમાર હતો ત્યારે તેણે પોતાનું જીવન અતિશય ભોગવિલાસોમાં વ્યતિત કરેલું. ભોગોની અતિશયતાથી તેના મનમાં ભોગો પ્રત્યે જ તીવ્ર દુર્ભાવ થયો અને તે ભિક્ષુ બન્યો. પરંતુ તેના અતિશયપણાની આદતને તે ભિક્ષુ થઈને પણ છોડી નહોતો શક્યો. તેથી કડકડતી ઠંડીમાં જ્યારે બીજા ભિક્ષુઓ આગ તાપી રહ્યા હોઈ ત્યારે તે આગથી દૂર બેસતો. જ્યારે યાત્રા માટે બીજા ભિક્ષુઓ એક ગામથી બીજા ગામ જતા ત્યારે તે કોઈ વાહનો દ્વારા કે વ્યવસ્થિત રસ્તાઓ પસંદ કરીને જતા. પણ આ રાજકુમારમાંથી ભિક્ષુ થયેલો ભિક્ષુક ન કોઈ વાહન ઉપર બેસતો અને ન રાજમાર્ગ ઉપર ચાલતો. પરંતુ ઉઘાડા પગે કાંટા કાંકરાઓથી ભરેલા માર્ગો ઉપર ચાલતો. ક્યારેક તે આઠ-દસ દિવસ ભુખ્યો રહેતો. ફક્ત એક વર્ષમાં તો તે રાજકુમાર સુકાઈને હાડપીંજર જેવો થઈ ગયો. તેની ગોરી ચામડી કાળી પડી ગઈ.

બીજા ભિક્ષુઓએ જ્યારે બુદ્ધને આ અંગે વાત કરી ત્યારે બુદ્ધે તેને બોલાવ્યો અને કહ્યું કે ‘‘ભિક્ષુ શ્રોણ તું જ્યારે રાજકુમાર હતો ત્યારે તું વિણા ખુબ સુંદર રીતે વગાડતો હતો. મારે પણ વિણા શીખવી છે. બુદ્ધે કહ્યું કે હુું એક મહિનાથી વીણા વગાડવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ વીણા બરાબર વાગતી જ નથી. ભીક્ષુએ કહ્યું ભગવાન, આપ વીણા મગાવો હું આપને વીણા વગાડતા શીખવાડીશ. બુદ્ધે વીણા મગાવી. વીણાના તાર ઢીલા થઈ ગયેલા અને ઉતરી ગયેલા હતા તેવી જ હાલતમાં બુદ્ધે વીણા વગાડવાનું શરૂ કર્યું. શ્રોણે કહ્યું ભગવાન, આપે વીણા વગાડતા પહેલા તેના ઉતરી ગયેલા અને ઢીલા થઈ ગયેલા તારને કસવા પડશે. તો જ આ વીણા બરાબર વાગી શકશે. જેથી બુદ્ધે તેના તાર કસ્યા અને વીણાના તાર અતિશય કસીને બુદ્ધે ફરી વીણા વગાડવાનું શરૂ કર્યું. પરંતુ અતિશય કસાયેલા તારવાળી વીણા પણ બરાબર વાગી ન શકી. તેથી રાજકુમાર ભીક્ષુએ કહ્યું, ભગવાન આપે અતિશય તાર કસી નાખ્યા છે તેથી વીણા બરાબર વાગી શકતી નથી. બુદ્ધે પૂછ્યું રાજકુમાર મારે આ વીણાને બરાબર વગાડવા શું કરવું પડશે ? તેના જવાબમાં રાજકુમાર ભીક્ષુ બોલ્યા ભગવાન, આપે આ વિણાના તારને ન અતિશય ઢીલા ન અતિશય ટાઈટ એ રીતે તેનું મળવણું (સેટીંગ) કરવું પડશે અને વીણાના તારોને એક સમત્વની સ્થિતિમાં લાવવા પડશે તો જ આ વીણા બરાબર વાગી શકશે.’’

બુદ્ધે કહ્યું ભીક્ષુ, હું પણ તને એજ કહેવા માગું છું કે જીવન વીણાના તાર ઢીલા હોઈ અથવા તો એકદમ કસાઈને ખેંચાણ અનુભવતા હોઈ, તે વીણા બરાબર વાગી શકતી નથી. એક મધ્ય સેન્ટર છે. જ્યાં ન ખુબ ઢીલા ન ખુબ કસાયેલા તારો જોઈએ. તો જ જીવનની આ વીણા બરાબર વાગે છે. બુદ્ધે તેના ધમ્મપદમાં ‘મજ્જીમનિકાય’ તરીકે એટલે કે મધ્યમ માર્ગ તરીકે તેને વર્ણવ્યો છે. જીવન એક સમતુલાનું નામ છે.

ચીનનો એક અદ્‌ભુત ફકીર થયો લાઓત્ઝુ. લાઓત્ઝુએ તેના જીવનમાં ક્યારેય કોઈ ભાષણો, લેખન કે ઉપદેશો નહતા આપ્યા. પણ તેના મસ્ત ફકીરી જીવનથી ચીનનો સમ્રાટ તેનાથી પ્રભાવિત હતો. લાઓત્ઝુ જ્યારે ચીનની સરહદો છોડીને તેના અંતિમ જીવનમાં હીમાલય તરફ પ્રયાણ કરવા લાગ્યો ત્યારે સમ્રાટે તેને કાંઈક બોલાવવા માટે કહ્યું કે લાઓત્ઝુ તમે આજ દિવસ સુધી આ ચીનના નાગરીક હતા. તેથી નિયમ પ્રમાણે તમારે ચીનને કોઈ કર (ટેક્ષ) આપવો પડે. જેથી હું આપને વિનંતી કરું છું કે આ સરહદો પાર કરીને આપ ચીનના નાગરીક મટી જાઓ તે પહેલા ચીનને તમારો કર (ટેક્ષ) ભરતા જાઓ. સમ્રાટના કહેવાથી લાઓત્ઝુ ચીનની સરહદો ઉપર ચાર દિવસ રોકાયો અને તે ચાર દિવસમાં તેણે કેટલાક સૂત્રો આપ્યા. જે ‘‘તાઓ તેહ કીંગ’’ના નામથી પ્રસિદ્ધ થયા. તાઓ તેહ કીંગના પુસ્તકમાં લાઓત્ઝુએ ‘‘શ્રી ટ્રેઝર્સ’’માં પ્રેમ, સમતુલન અને આત્મ સંતુષ્ટીના ત્રણ ખજાના પૈકીનો એક ટ્રેઝર (ખજાનો)એ સમતુલા (સમત્વ) ને ગણાવ્યો છે. લાઓત્ઝુ કહે છે કે મનુષ્ય જો દરેક પરીસ્થિતિમાં સમત્વ કેળવતા શીખી જાય તો તે સમત્વ જ જીવન રોગની ઔષધિ થઈ જાય છે.

કૃષ્ણનો સમગ્ર કર્મયોગ ‘સમત્વ’ની આધારશીલા ઉપર ઉભો છે. કૃષ્ણની પહેલા ભારતમાં શાંતિ, આનંદ અને મુક્તિના માર્ગો તો હતા પણ આ તમામ માર્ગો મુક્તજીવન માટે કર્મ માર્ગની નિંદા કરીને જ્ઞાનમાર્ગની જ્ઞાનનિષ્ઠાનું જ પ્રતિપાદન કરતા હતા. જેના કારણે કર્મ માર્ગની ઘોર ઉપેક્ષા થઈ હતી. પરિણામે કર્મનિષ્ઠાવાળાઓએ જ્ઞાનની ઉપેક્ષાને લક્ષ્ય બનાવ્યું હતું. કૃષ્ણએ કર્મયોગથી આ બંને નિષ્ઠાનું સમત્વ સાધ્યું છે.

કૃષ્ણના કર્મયોગનું સમત્વ છે જ્ઞાન અને કર્મનું. કૃષ્ણના મતે દુનિયામાં બે નિષ્ઠાવાન વ્યક્તિઓ છે ‘‘લોકેસ્મન્ધાવિદ્યાનિષ્ઠા પુરા પ્રોક્તામયાનદ્ય.’’ એક નિષ્ઠા જ્ઞાનમય છે તો બીજી કર્મની છે. જ્ઞાની વ્યક્તિઓ કહે છે કે જીવનમાં કિંમત જ્ઞાનની જ છે.

જુઓ એક મજુર સવારથી સાંજ સુધી પરસેવો વહાવે છે, પણ તેને કામ ઉપર રાખનાર કોન્ટ્રાકટર જરા પણ મજુરી કર્યા વગર તે મજૂર કરતા અનેક ગણું વધુ વળતર મેળવી લ્યે છે. ઉચ્ચ પદે બિરાજતા અધિકારી કે નેતાઓ અને ઉદ્યોગપતિઓ જાતે કામ કર્યા વગર પણ મોટું વળતર મેળવે છે. જ્યારે તેના માટે કામ કરનાર લોકોને તેના હજારમાં ભાગનું વળતર પણ મળતું નથી. કર્મો કરતા જ્ઞાન જ શ્રેષ્ઠ છે. આવી દૃષ્ટિવાળા લોકો જ્ઞાનને જ શ્રેષ્ઠ માને છે.

આ ચર્ચા જ્યારે અર્જીન સમક્ષ ચાલી ત્યારે અર્જુને સીધો જ પ્રશ્ન ઉઠાવ્યો કે જો કર્મોની અપેક્ષાએ જ્ઞાન જ શ્રેષ્ઠ હોય તો પછી કર્મો જ શા માટે ? અર્જુનના પ્રશ્નનો જવાબ આપવાવાળો જો સામાન્ય બુદ્ધિનો હોત તો ભગવદ્‌ ગીતા ત્યાં જ સમાપ્ત થઈ જાત અને કહેવાય જાત કે કર્મોની જંજાળ છોડો અને જ્ઞાનને અપનાવી લ્યો. ભાગો કર્મથી અને ફક્ત જ્ઞાનને જ પકડો. પરંતુ કૃષ્ણ કોઈ સામાન્ય બુદ્ધિવાળા વ્યક્તિ નથી. કૃષ્ણ તો બુદ્ધિની પણ બુદ્ધિ છે. ‘‘બુદ્ધિબુદ્ધિ મતામસ્તિ તેજઃ તેસ્વિનામહમ’’

જે લોકો મહેનત અને પરીશ્રમ વગર પૈસા મેળવે છે તે એક મજૂરી કરનાર મજૂર કરતા વધુ પૈસાવાળા તો થાય છે, તે નાણાંકીય રીતે અમીર બને છે પણ તેણે ગુમાવેલા શ્રમથી શારીરિક રીતે દરિદ્ર થાય છે. જેટલા રોગો એક સુખી શ્રીમંત વ્યક્તિ ધરાવે છે તેટલા રોગો કોઈ મહેનતી મજૂરને નથી હોતા. શ્રીમંત વ્યક્તિએ ગુમાવેલા શ્રમને પાછો મેળવવા પણ તેણે ઉપચાર કરવા પડે છે. કોઈ શ્રમ કરવા જીમમાં જાય છે તો કોઈ મોર્નિંગ કે ઈવનિંગ વોકમાં જાય છે. પણ આખર શારીરિક અને બૌદ્ધિક શ્રમની સમતુલાને સાધ્યા વગર યોગ્ય ઉપલબ્ધિ મળતી નથી.

જીવન ન ફક્ત જ્ઞાન પર આધારિત છે ન ફક્ત કર્મ આધારિત. તેથી જ્ઞાન અને કર્મનો સંયોગ કર્યા વગર છૂટકો જ નથી. જ્યાં આપણું જ્ઞાન નથી ત્યાં કોઈ જીવન નથી. કોઈ વ્યક્તિને ક્લોરોફોર્મ આપીને બેહોશ કરી દેવામાં આવે અને પછી તેને દુનિયાભરની સફર કરાવીને આપણે પૂછીએ કે તમને સફરમાં કેવી મજા આવી ? તો તે વ્યક્તિ કાંઈ પણ કહી નહીં શકે. કદાચ આપણે તે વ્યક્તિને પાડેલા ફોટોગ્રાફ્સ બતાવીએ કે જૂવો તમે જ છો જે પેરીસના એફીલ ટાવર ઉપર ઉભેલા છો. તો તે વ્યક્તી કહેશે કે તમારી વાત સાચી કે તે હું જ છું અને એફીલ ટાવર પણ છે. પરંતુ મને કાંઈ યાદ નથી. કારણ કે જ્યારે આ ફોટો ખેંચવામાં આવ્યો ત્યારે મને કોઈ ભાન ન હતું. મારું કોઈ જ્ઞાન નહતું.

એવી જ રીતે જ્યાં જ્ઞાન છે પણ કર્મ નથી. દા.ત.કોઈ સિદ્ધ કે યોગી સમાધિભાગમાં બેસી જાય. જે રીતના સમાધિભાવ બેઠેલા યોગીઓને આપણે જોઈએ છીએ. તો ત્યાં જ્ઞાન તો છે. પણ જીવનનું કોઈ સંગીત નથી. બટ્રેંડ રસેલે સમાધિભાવમાં બેઠેલા યોગીઓ ઉપર મજાક કરતા કહ્યું હતું કે જો જ્ઞાનની અંતિમ દશા આવી જ હોય તો હું તેની કરતા નર્ક જવાનું વધારે પસંદ કરીશ. જીવનની તમામ વસ્તુઓને ત્યાગીને જો એક આસન ઉપર સ્થિર રહેવાનું હોય તો પછી જીવનની મજા શું ? બટ્રેંડ રસેલ કર્મ નિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે, તેથી જ્ઞાનમાર્ગની પરમ ઉપલબ્ધી પણ તેના મનને ક્ષોભિત કરે છે. આ પ્રશ્ન ફક્ત બટ્રેંડ રસેલનો જ નથી પણ, તમામ કર્મનિષ્ઠાવાળા વ્યક્તિઓનો છે. કર્મ નિષ્ઠાવાળા વ્યક્તિઓ જ્યાં સુધી કર્મની પેલે પાર રહેલી જ્ઞાનનિષ્ઠાનું દર્શન કરી લેતા નથી ત્યાં સુધી તેઓ જ્ઞાનનિષ્ઠ ભાવને સમજવા પણ અશક્ત હોય છે.

ભારત અને ભારતમાં જન્મેલા મોટાભાગના ધર્મોની નિષ્ઠા જ્ઞાન નિષ્ઠા રહી છે. હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ જેવાં મુખ્ય ધર્મોની નિષ્ઠા જ્ઞાનમય નિષ્ઠા છે. આ ધર્મોના મતે જ્ઞાન જ જીવનની પરમ ઉપલબ્ધિ છે. કૃષ્ણનો મત એ જ છે કે જ્ઞાન જ પરમ ઉપલબ્ધિ છે. પરંતુ જ્ઞાનની પૂર્ણ અવસ્થાએ પહોંચવા માટે જો તમામ કર્મોનો જ તિરસ્કાર થઈ જતો હોય તો પછી જીવન શુષ્ક અને નિરસ પ્રતિત થાય છે. જેથી કૃષ્ણએ જ્ઞાનનિષ્ઠાના સ્વીકાર સાથે કર્મ નિષ્ઠાને પણ સ્વીકારી છે. કૃષ્ણના કર્મયોગની વિશેષતા જ એ છે કે કૃષ્ણ જ્ઞાનને શ્રેષ્ઠ તરીકે સ્વીકારતા હોવા છતા કર્મોને તિરસ્કૃત કરતા નથી. કૃષ્ણ અને બુદ્ધનો આ જ તફાવત છે.

બુદ્ધે જે ચાર મુખ્ય સૂત્રો આપ્યા તેમાં બુદ્ધે કહ્યું કે (૧) જીવન દુઃખ છે (ર) દુઃખનું કારણ છે (૩) દુઃખ મુક્તિનો ઉપાય છે અને (૪) દુઃખ મુક્તિની અવસ્થા છે. બુદ્ધના આ ચાર સૂત્રોમાં દુઃખ અને જીવન એ બંને પર્યાયવાદી લાગે છે. જેથી બુદ્ધની વિચારસરણીમાં દુઃખમુક્ત જીવન જીવંત હોવાની કલ્પના અસંભવ થઈ પડી. મોટા ભાગની બુદ્ધિની મૂર્તિઓ યાતો બેઠેલી હોય કે ઉભી હોય, પણ તે ધ્યાન મુદ્રાની અવસ્થામાં જ નજરે પડે છે. જ્ઞાન અને ધ્યાનની મૃદ્રામાં તો બુદ્ધ મુક્ત છે, પણ જીવંત જીવનમાં મુક્ત નથી. જીવંત જીવનમાં તો બુદ્ધ ઘર છોડીને, પત્નિ અને બાળકને સુતેલા જ મૂકીને ભાગે છે. કારણ કે બધી સુવિધાઓથી સભર જીવન પણ બુદ્ધને દુઃખપ્રદ પ્રતિત થાય છે.

પરંતુ કૃષ્ણની હાલત ઉલ્ટી છે. કૃષ્ણની લગભગ કોઈ પ્રતિમા જ્ઞાન કે ધ્યાન મુદ્રિત જોવા મળતી. કદાચ મળે તો પણ તે કૃષ્ણના વ્યક્તિત્વ સાથે મેળ ખાય તેમ નથી. કારણ કે કૃષ્ણએ જીવન ફક્ત દુઃખ હોવાની હકીકતનો સ્વીકાર કર્યો હોય તેમ નથી લાગતું. કૃષ્ણના મતે જીવન એક આનંદ અને ઉત્સવનો અવસર પણ છે. કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે જે પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદીત મુદ્રામય છે. ગુજરાતનાં પ્રસિદ્ધ લેખક હરીન્દ્ર દવેએ એક પુસ્તક લખ્યું છે જેનું શિર્ષક ‘‘આનંદ પુરુષ શ્રીકૃષ્ણ’’ તેવું આપ્યું છે. કદાચ કૃષ્ણની બુદ્ધ જેવી ગંભીર અને ધ્યાનમુદ્રિત પ્રતિમા બનાવવામાં પણ આવે તો તે કૃષ્ણના વ્યક્તિત્વ સાથે મજાક લાગે તેમ છે. કૃષ્ણ નૃત્ય કરતા, વાંસળી વગાડતા, ગાયો ચરાવતા, દોડતા-ભાગતા, હસતા અને હસાવતા, સ્નેહ અને પ્રેમને બીરદાવતા હોય તેવી મુદ્દાઓ સાથે જ કલ્પી શકાય તેમ છે.

તેનો અર્થ એ નથી કે બુદ્ધ ખોટા છે અને કૃષ્ણ જ સાચા છે. પરંતુ તેનો અર્થ એમ છે કે જે પરમ જ્ઞાનની અવસ્થામાં બુદ્ધનું જીવન જ્યાં ઠહેરાઈ ગયું અને સ્તંભી ગયું છે. જે જ્ઞાનમુક્ત અવસ્થામાં બુદ્ધ તમામ કર્મો છોડીને સ્વરૂપાવસ્થાનું મુગ્ધ પાન કરીને મદમસ્ત બની રહ્યા છે પરંતુ બહારથી કર્માસક્ત વ્યક્તિઓને જે નિરસ પ્રતિત થઈ રહ્યા છે. ત્યાં કૃષ્ણ તે જ જ્ઞાનનિષ્ઠાથી જીવનના કર્મોમાં ઉતર્યા છે. જ્ઞાનનિષ્ઠાની દૃષ્ટિએ કૃષ્ણ પણ બુદ્ધની જેમ સ્વરૂપ મુગ્ધ છે. જેથી શ્રીમદ્‌ ભાગવદ્‌માં શુકદેવજી કૃષ્ણને વારંવાર આત્મારામ અને આત્મરમણ કરનારા તરીકે સંબંધે છે. જ્ઞાનનિષ્ઠાની પરમ ઉપલબ્ધી પછી સમગ્રકર્મોને છોડી દેવાની બદલે કૃષ્ણ દરેક કર્મોને કર્મનિષ્ઠ વ્યક્તિઓની જેમ કરે છે.

મજાની વાત તો એ છે કે જીવનને બુદ્ધ દુઃખ કહે છે તેને કૃષ્ણ પણ દુઃખ જ કહે છે. કૃષ્ણ જીવનના દુઃખો અને ક્ષણભંગુરતાઓથી મુખ ફેરવીને કોઈ વાત નથી કરતા. કૃષ્ણ ‘‘મામુપેત્ય પુર્નજન્મ દુઃખાલયમઅશાશ્વતમ્‌’’ (ગી.અ.૮-૧પ) તથા ‘‘જન્મ મૃત્યુ જરા વ્યાધી દુઃખ દોષાનુદર્શનમ્‌ (ગી.અ.૧૩-૮)થી જીવન ક્ષણે ક્ષણે દુઃખથી વ્યાપ્ત છે તે હકીકતને સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે.

ભારતીય ચિંતન કહે છે કે જીવનની ઈચ્છા શરૂ થાય ત્યારથી દુઃખનો આરંભ થાય છે. મનુષ્ય ગર્ભમાં આવે અને નવ માસ કષ્ટદાયક પણે વિતાવે ત્યારે તેનો જન્મ થાય છે. તે જન્મ પણ પ્રસવની પીડાઓ સાથે થાય છે જેથી બાળક સૌ પ્રથમ વખત રડીને જાહેરાત કરે છે મારા દુઃખનો આરંભ થઈ ચૂક્યો છે. બાળકનું જીવન પણ કષ્ટદાયક છે. તેનું સૌથી મોટું દુઃખ છે પરાશ્રય. તેની ભૂખ-તરસ અને દરેક ઈચ્છાઓ માટે તેને પર નિર્ભર થઈને રડવું પડે છે. થોડું મોટું થાય પછી પણ મોટાઓની આમાન્યતાઓ અને અહમનો ભોગ બનતું આવે છે. તેથી જ દરેક બાળકો ઝડપથી મોટા થઈ જવા માગે છે. એ વાત અલગ છે કે મોટા થયા પછી જે દુઃખો અનુભવાય છે તે ફરી બાળપણની ઈચ્છા કરાવે છે, પરંતુ કોઈ બાળક નાનું રહેવા નથી માગતું.

બાળપણથી યુવાવસ્થામાં પ્રવેશેલા યુવાનની યુવાની તેને વિવિધ કામનાઓ સાથે બાંધીને તેના માથે દુનિયાભરની જવાબદારીઓ વહન કરાવવા મજબૂર કરે છે. શરીરના ભૂખ, તરસ અને થાક તો એક રોગ છે જ, પણ જાણે કે તે ઓછા હોય તેમ અસંખ્ય નાના મોટા રોગો અને બિમારીઓ પણ સદાકાળ શરીરને વળગી રહે છે. આવા જીવનમાં પણ પ્રતિપણ અપમાનો, અન્યાયો, અસભ્યતાઓ અને તિરસ્કારો સહન કરવાનો અને જો બહારનાં કોઈ દુઃખ ન હોય તો મન નવી-નવી કામનાઓ કરીને જાતે જ નવા દુઃખો નિર્મિત કરી આપે છે. અને અંતે યુવાની પણ વૃદ્ધાવસ્થામાં અને અંતે કોઈ કબર કે ચિતાની જ્વાળાઓમાં રાખ થઈ જાય છે. તેથી જ વિદ્વાનો છે.

‘‘જન્મ દુઃખમ, નિત્ય દુઃખમ પુનઃ પુનઃ’’

આવા દુઃખમય જીવનની હકીકતોથી કૃષ્ણ અજાણ થઈને કોઈ વાત કરે અથવા તો ચાર્વાકવાદીઓની જમે આવા જીવનમાં પણ ખાઓ, પીવો અને મજા કરો. દેવું કરીને પણ ઘી પીવો જેવી કોઈ વાત કરે તે સંભવ નથી. તેમ છતાં જીવનને જોવાનો જે અભિગમ કૃષ્ણનો છે તે સામાન્યમાં સામાન્ય કર્માસક્ત મનુષ્ય માટે અત્યંત ઉપયોગી અને અમૃત સમાન છે. તે બૃદ્ધ, પ્રબુદ્ધ વ્યક્તિઓને તો આકર્ષિત કરે જ છે પણ, જીવનને ભોગવી લેવા મથતા સુખવાદીઓને પણ આકર્ષિત કરે તેવો છે.

કૃષ્ણ અને બુદ્ધની જ્ઞાનનિષ્ઠામાં કોઈ તફાવત નથી. જ્ઞાનનિષ્ઠાથી બુદ્ધ જે દેખે છે તે કૃષ્ણને પણ દેખાય છે. પરંતુ જીવન દુઃખ છે તેવું જાણ્યા પછી પણ, જીવન પ્રત્યે જોવાનો કૃષ્ણનો અભિગમ અનુઠો છે. તમામ સુવિધા સભર જીવનમાં જ્યાં બુદ્ધ દુઃખી અને ઉદાસ થાય છે ત્યાં તમામ અસુવિધાઓ અને અગવડો વચ્ચે કૃષ્ણ તેના કર્મયોગથી સુખપૂર્વક જીવન જીવે છે.

કૃષ્ણના જીવનમાં દુઃખોની ગણતરી કરવામાં આવે તો પદે-પદે દુઃખ છે. બાળક અજાત શત્રુ હોય છે, પણ કૃષ્ણના જન્મ પહેલા જ તેના શત્રુ તેની હત્યા કરવા તૈયાર હતા. કૃષ્ણને મારવા માટે છ ભાઈઓની હત્યા થઈ ચૂકી હતી.

કૃષ્ણ એક રાજા અને રાજકુંવરીના પુત્ર હોવા છતા તેનો જન્મ જેલમાં (બંદીખાનામાં) થયો. જન્મતાની સાથે માતાનો આચળ છોડવો પડ્યો. એક રાજપુત્ર હોવા છતાં ગોવાળના ઘરે તેણે બાળપણ વિતાવવું પડ્યું. સુખ-સુવિધાઓ અને વિદ્યાભ્યાસ છોડીને ગાયો ચારવા વન-વન ભટકવું પડ્યું. ગોકુળમાં રહેતા બાળ કૃષ્ણની પાછળ પણ હત્યારાઓ લગાડવામાં આવ્યા. જેની મમતાનો પલ્લવ માથે ચડાવીને બાળપણ વિતાવ્યું હતું તે નંદ-યશોદાને છોડવાનો પણ વખત આવ્યો.

મથુરા આવ્યા પછી પણ જરાસંઘ અને તેના સાથી રાજાઓએ ફક્ત કૃષ્ણની હત્યા માટે જ મથુરા ઉપર ચડાઈઓ કરી. પોતાના દવેષીઓના કારણે પોતાની સાથેની પ્રજા અને સગા-સંબંધીઓને અવાર-નવાર હેરાનગતિઓ છે તે હકીકત સમજીને વર્ષોથી વસાવેલી રાજધાની છોડીને દ્વારિકા વસાવવી પડી. દ્વારિકામાં પણ પોતાના જ લોકોએ કૃષ્ણ ઉપર મણી ચોરી જવાનો અને હત્યા કરવાનો આક્ષેપ કર્યો; ધર્મ, ન્યાય અને સજ્જનોના હિત માટે કામ કરતા કૃષ્ણને દુર્યોધન જેવા ઘણા લોકોએ તિરસ્કૃત કર્યા, શીશુપાલ અને રુક્મી જેવાએ તેમના સરાજાહેર અપમાનો કર્યા, અંગત મિત્ર કહી શકાય તેવો અર્જુન પણ મહાભારના યુદ્ધ સુધી તેમના સત્ય સ્વરૂપને ઓળખી ન શક્યો. જે પોતાના જ સગા-સંબંધી અને પુત્રો હતા તે પણ અંતે પ્રભાસક્ષેત્રમાં તેમને મારવા તૈયાર થયા અને પોતાના આખા વંશને નજર સમક્ષ લડી મરતો જોયો.

કૃષ્ણના જીવનમાં જેટલા દુઃખો રહ્યા છે તેટલા દુઃખો પૈકીના થોડાક દુઃખોમાં જ માણસ વ્યથિત થઈ આત્મઘાત પસંદ કરે તેમ છે. પણ આ બધા દુઃખોને જ કૃષ્ણએ કર્મયોગથી સુખમય બનાવી લીધા. દુઃખો અને વિપતિઓએ કૃષ્ણની સાથે મળતા જાણે કે સુખરૂપ મેળવી લીધું. જેથી કૃષ્ણના ચરીત્રનો મર્મ જાણનારાઓએ ‘‘અઘરં મધુરં વદનં મધુરં, ચલીતં મધુરં ભ્રમિતં મધુરં’’ જેવા શબ્દોથી તેમનું જીવન ચરિત્ર ગાયું છે. કૃષ્ણ એ જ્ઞાન અને કર્મની નિષ્ઠાનો સમન્વય સાધીને જીવન જીવી બતાવ્યું છે.

શ્રીમદ ભગવદ્‌ ગીતાના ત્રીજા અધ્યાયમાં ચર્ચા કરતા કૃષ્ણ કહે છે કે અર્જુન હું જે કર્મો કરું છું તેની પાછળનું કારણ એવું નથી કે હું અધુરો છું અને મારે કાંઈ પ્રાપ્ત કરવાનું છે. કૃષ્ણ કહે છે ન મારું કોઈ કર્તવ્ય છે, ન કાંઈ ગુમાવેલું મેળવવા માટે મારે કર્મ કરવાનું છે. જ્યારે કૃષ્ણ કહે છે કે મારું કોઈ કર્તવ્ય નથી ત્યારે એ શબ્દો કૃષ્ણની જ્ઞાનનિષ્ઠાના શબ્દો છે. જે જ્ઞાનની પરમ નિષ્ઠામાં કોઈ કર્મ અસ્તિત્વ ધરાવતા નથી. ‘‘સર્વ કર્માખિલંમ પાર્થ જ્ઞાને પરીસમાપ્યતે’’ જે જ્ઞાનની અગ્નિના સમગ્ર કર્મો અશેષ થઈ જાય છે. તેવી નિષ્ઠા કૃષ્ણમાં પ્રતિપળ મોજૂદ છે. એ નિષ્ઠાના અનુસંધાને કૃષ્ણને કાંઈ કરવાની જરૂરીયાત નથી, તેમ છતાં પોતાનું જ તે જ્ઞાન સ્વરૂપ દરેક પ્રાણી માત્રના અંતરમાં પ્રકાશી રહ્યું છે અને તેની ઉપેક્ષા કરનારા લોકોએ પરમાત્માની અનદેખી કરીને જાતે જ દુઃખી થઈ રહ્યા છે તેવી કરૂણાસભર દૃષ્ટિથી તે જ જ્ઞાનનિષ્ઠાને કૃષ્ણ કર્મનિષ્ઠ મનુષ્યોની કર્મનિષ્ઠા સાથે જોડીને કર્મો કરવા કહી રહ્યા છે. કૃષ્ણ જ્ઞાન અને કર્મનો સમભાગી સમન્વય છે.જ્ઞાન વગરના કર્મો ભટકી રહ્યા છે એ કર્મો વગરનું જ્ઞાન સ્તંભીને નિરસ પ્રતીત થઈ રહ્યું છે ત્યાં કૃષ્ણ જ્ઞાન અને કર્મોનું સમત્વ સાધીને કર્મયોગ આપે છે. જીવન દુઃખ છે અને કર્મો જ દુઃખની જનેતા છે તેવું જ્ઞાનનિષ્ઠા વગર કેવળ કર્મ નિષ્ઠાથી આંધળા બનીને કર્મ કરનારાઓને પ્રતિત થાય છે. પરંતુ જે જ્ઞાનનિષ્ઠા સાથે કર્મ કરે છે તેને પ્રતિત થઈ શકતું નથી.

જ્ઞાન માર્ગના ઉપાસકો કર્મોની સમગ્રપણે નિંદા કરે છે અને કર્મ માત્ર દોષરૂપ છે તેમ કહી તમામ કર્મોથી ઉપરામ થવામાં જ મુક્તિ કહે છે. તો કર્મ નિષ્ઠાવાળાઓ જ્ઞાન નિષ્ઠાનો વિરોધ કરતા જ્ઞાનને પણ કર્મોથી ઉપાર્જન થતું ફળ માને છે. આ બે નિષ્ઠાવાળાઓનો સંઘાર્ષ આદિ-અનાદિ છે. પ્રત્યેક પોત પોતાના પક્ષમાં તર્કો રજૂ કરે છે. જેનો આજ દિવસ સુધી કોઈ અંત આવ્યો નથી. જેમ ‘‘પહેલે મૂર્ગી કી અંડા’’ જેવા પ્રશ્નનો અંત નથી. તેમ આ નિષ્ઠાઓના પ્રશ્નોનો પણ કોઈ અંત નથી.

પરંતુ કૃષ્ણ આ પ્રશ્નનો સરળ ઉકેલ આપતા કહે છે કે જ્ઞાનનિષ્ઠ થઈને કર્મ કરો. જ્ઞાન અને કર્મનો સમન્વય કરો. જ્ઞાનનિષ્ઠ થઈને કર્મ કરવા એ સરળ વાત નથી કારણ કે જ્ઞાનનિષ્ઠા તો કર્મોને બાળીને નામશેષ કરી નાખનારી નિષ્ઠા છે. જ્ઞાન તમામ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. કૃષ્ણ જ કહે છે.

‘‘યથેઘાંસિ સમિઘોંગ્ની ભસ્મસાત કુરુતેર્જુન,

જ્ઞાનાગ્ની સર્વ કર્માણિ ભસ્મસાત કરુતે તથા’’ (ગી.અ.૪-૩૭)

જે જ્ઞાન કર્મોને જ નામશેષ કરી નાખે તેવી અગ્નિ ધરાવતું હોય તેની નિષ્ઠા સાથે કર્મો કેમ કરવા ? તે વાત જ કૃષ્ણ ચરિત્રના રહસ્યની વાત છે. જેને આ વાતના રહસ્યની પ્રતિતિ છે તેવા લોકો જ સાચી રીતે વારંવાર કૃષ્ણ ચરિત્રની કથાઓ કહે છે, ગાય છે અને સાંભળે છે. જેને કૃષ્ણ ચરિત્રમાં આવા રહસ્ય અંગેનું કોઈ દર્શન નથી તેની વાતો તો પોકળ અને ઉબાવનારી વાતો છે.

બાઈબલની કથા છે કે ગોડે (ભગવાને) આદમ અને ઈવ માટે દુનિયા બનાવી અને બંનેને ગાર્ડન ઓફ ઈડનમાં મુક્યા અને કહ્યું કે તમે આ બગીચામાં મજાથી તમારું જીવન જીવો. આ બગીચાના તમામ ફળો ખાવો-પીવો અને બધેજ હરોફરો. પરંતુ એક વૃક્ષના ફળ ખાવાની ના પાડી. તે વૃક્ષ જ્ઞાનનું હતું. ધી ટ્રી ઓફ નોલેજ.

પરંતુ કથા એવી છે કે ગોડના પાડવા છતા એક સાપના (સંદેહના) કહેવાથી ઈવે ફળ ખાધુ અને આદમને પણ ખવડાવ્યું કારણ કે આખા બગીચામાં પ્રકાશવાન ફળ તો તે જ હતું. તેમ કરીને ગોડની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને શાપિત થઈ દુઃખી થયા. કથા અત્યંત મહત્વપૂર્ણ છે. કથાનો સાર એ છે કે જ્ઞાન જ એ ફળ છે જે જીવનમાં દુઃખ લાવે છે. જો જ્ઞાનનું ફળ ખાવામાં ન આવે તો કોઈ દુઃખ નથી.

બાળકની પાસે જ્ઞાન નથી. બિલકુલ પ્રાકૃતિક જીવન છે ન કોઈ માન છે ન અપમાન, ન મારું છે ન તારું. તેથી બાળકને કોઈ ચિંતા, પરીતાપ કે શોક નથી. તેનું દુઃખ પણ છે તો ફક્ત બહાર-બહારનું. કોઈએ તેનું રમકડું લઈ લીધું તેનું દુઃખ થાય છે, ખાવા નથી મળ્યું તેનું દુઃખ છે. પણ તે દુઃખો તેના આંતરીક દુઃખ નથી. બાહ્મ દુઃખ છે. તેથી બાળક ક્ષણભરમાં સ્વસ્થ થઈ જાય છે. પરંતુ મોટાઓ તેમ સ્વસ્થ કે આનંદીત થઈ શકતા નથી કારણ કે મોટાઓએ અંદર ચિંતા, શોક અને પરિતાપો ભરેલા છે. મોટાઓના આ ચિંતા, શોક અને પરિતાપો જ્ઞાનથી આવેલા છે. માન-અપમાનનું જ્ઞાન છે, મારા તારાનું જ્ઞાન છે, પોતાના અને પારકાનું જ્ઞાન છે. તે જ્ઞાન જ દુઃખ લઈ આવે છે.

કર્મો અજ્ઞાનથી વણાયેલા છે. પરંતુ તે અજ્ઞાન જ તેનું સત્વ છે. જીવનના રહસ્યોને સર્જવા માટે સ્વયં પરમાત્માએ જ અજ્ઞાનની રચના કરી છે. શ્રીમદ્‌ ભાગવતની કથા છે કે બ્રહ્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કરવા ઈચ્છ્યું ત્યારે સૌ પ્રથમ તેણે ચાર માનસ પૂત્રો સનક, સનંદન વિ. ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ તેમને સૃષ્ટિનો વિસ્તાર કરવા આજ્ઞા આપી. પરંતુ બ્રહ્માના આ માનસ પૂત્રોના માનસ પટલ ઉપર કોઈ અજ્ઞાન નહતું. તેથી તેમણે તેમના જ પિતા એવા બ્રહ્માની આજ્ઞાનો અસ્વીકાર કર્યો અને જ્ઞાનનિષ્ઠા પૂર્વકનું આત્મ વિચરણ જ શ્રેષ્ઠ માન્યું. કથા છેકે પછી ઘણા પ્રયાસોના અંતે બ્રહ્માને સૃષ્ટિ રચવા માટે વિવિધ અજ્ઞાનની રચના કરવી પડી. જેમાં બ્રહ્માએ તામિસ્ત્ર, અંધ તામિસ્ત્ર, મોહ, વિ. જેવી અજ્ઞાનજન્ય અવિદ્યાઓનું સર્જન કર્યું.

જીવનના કર્મો અજ્ઞાન અને ઈચ્છાઓથી ચાલે છે. નવો જન્મ પાછલા જન્મના જ્ઞાનને ભૂલાવી દે છે. નવો આનંદ પાછલી પીડાઓને ભૂલાવી દે છે. દિવસની જાગૃતિને રાત્રીની નિંદ્રા ભુલાવી દે છે. જો જીવનમાં જ્ઞાન ઉપર અજ્ઞાનનું આવરણ ન ચડતું હોત તો જીવનચક્ર ચાલું ન રહી શકેત. જે જીવન ચક્રમાંથી મુક્ત થવા માગે છે તે જ્ઞાનનો આશ્રય કરીને જ થાય છે. વેદો કહે છે ‘ઋતુ જ્ઞાનન્‌ મુક્તિ’ (જ્ઞાનથી જ મુક્તિ છે.)

જ્યારે જ્યોતિષીઓએ શુદ્ધોદનને એમ કહ્યું કે તમારો આ પુત્ર ગૌતમ મોટો થઈ સંસારનું જ્ઞાન મેળવીને દુઃખી થશે અને પછી જ્ઞાનથી ઉપજેલા વૈરાગ્યના કારણે સંસારને છોડીને એક ભીખ્ખુફકીર બનશે. ત્યારે બુદ્ધના પિતાને આંચકો લાગ્યો. બુદ્ધના પિતાએ બુદ્ધ માટે એવી વ્યવસ્થા કરી કે બુદ્ધને સંસારના બીજા પાસાનું કોઈ જ્ઞાન ન થાય. ઘરમાં જ બુદ્ધ માટે તમામ સુંદર-સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી, તમામ પ્રકારના સુખો અને સુવિધાઓ રચવામાં આવ્યા અને રાજ્યના તમામ કર્મચારી અને નોકરોને બુદ્ધને કોઈ બહારનું જ્ઞાન ન થાય તે માટેની સૂચનાઓ આપી સચેત કર્યા. બુદ્ધને બહારની દુનિયામાં જવા માટે પણ પ્રતિબંધ મૂક્યો. પણ અંતે ભાવી બુદ્ધને બહારની દુનિયામાં લઈ જ ગયું અને દુનિયાના દુઃખોથી પણ બુદ્ધને અગવત થવું પડ્યું. બિમારીઓ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના જ્ઞાનથી અવગત થતાં જ બુદ્ધને જીવન ઉપર પરમ વૈરાગ્ય થયો કે જે વૈરાગ્યએ બુદ્ધને ઘર છોડવા માટે મજબૂર કર્યા.

એ જ્ઞાન જ છે જે જીવનમાં વૈરાગ્ય લાવે છે. જીવનના દુઃખોથી અવગત થતા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ખોટા સપનાઓ અને ખોટી જંજાળો તૂટી પડે છે. તેવી સ્થિતિમાં જ્ઞાનની અગ્નિ જીવનના કર્મોને દઝાડતી થાય છે અને કર્મોને બાળતી જાય છે. જ્ઞાનનું ફળ ચાખ્યા પછી સ્વાભાવિકપણે દુઃખો હાથ લાગે છે. તેથી મોટા ભાગે લોકો જ્ઞાનથી ભાગવાનો પ્રયાસ કરે છે. ખોટા આશ્વાસનોને ગળે લગાડીને સત્યથી બચવાનો પ્રયાસ કરે છે. પરંતુ જીવનની રચના જ એવી છે કે જ્યાં ન જ્ઞાનથી બચવાના કોઈ ઉપાયો છે ન કર્મોથી બચવાનો કોઈ ઉપાય છે. જીવન જ્ઞાન અને કર્મનું સંયોજન છે. તેથી કૃષ્ણનો સ્પષ્ટ મત છે કે કર્મોને જ્ઞાનની અગ્નિથી દઝાડવા જરૂરી છે.

‘‘જ્ઞાનાગ્ની દગ્ધ કર્માણમ્‌ તમાહુ પંડિતમ બુધાઃ’’ (ગીતા અ.૪-૧૯)

કૃષ્ણ જ્ઞાન અને કર્મોનો સમ્યક સમન્વય સાધવા ઉપર જોર મૂકે છે. જેમ કોઈ રસોઈ બનાવતી વખતે ચૂલે ચડેલી ખીચડીને અગ્નિથી દગ્ધ કરવી પડે છે તે જ રીતે કર્મોને જ્ઞાનની અગ્નિથી દઝાડવા જરૂરી છે. પરંતુ ઘણા ધર્મો અને સંપ્રદાયોએ જ્ઞાનના અગ્નિથી કર્મોને એ રીતે દઝાડ્યા છે કે તેમાં કર્મોના તમામ સત્વ મરી ગયા છે. જીવન નિરસ અને અર્થહિન થઈ જાય એ રીતે જ્ઞાનની અગ્નિએ તેમના કર્મોને બાળી નાખ્યા છે જ્ઞાન એ અગ્નિ છે તેથી તેનો ઉપયોગ કેમ કરાય તે કૃષ્ણ ચરિત્રના રહસ્યની વાત છે.

કૃષ્ણ ભગવદ્‌ ગીતામાં જ્ઞાનનિષ્ઠાને પ્રાપ્ત થયેલા વ્યક્તિઓ જે રીતે કર્મો કરે છે તેને દર્શાવતા જનક રાજાનું દૃષ્ટાંત આપે છે. કૃષ્ણ કહે છે કે જનક જેવા વ્યક્તિઓ જ્ઞાનનિષ્ઠાને પ્રાપ્ત થયા પછી પણ કર્મક્ષેત્રમાં ઉભા રહીને તમામ કર્તવ્યો વહન કર્યા. તે રીતે જ્ઞાન અને કર્મની નિષ્ઠાનો સમન્વય કરવો જોઈએ. જ્ઞાન અને કર્મનો સમન્વય યોગ ને રચે છે કારણ કે જ્ઞાનની અગ્નિથી તપેલા કર્મોના દોષ બળી જાય છે. તેથી તેવા વ્યક્તિમાં કર્મોનું આસક્તપણું નથી રહેતું. તેના કારણે તેવો વ્યક્તિ અંતરમાં મુક્તભાવથી કર્મ માર્ગનું વહન કરી શકે છે. સુખ હોય કે દુઃખ, હર્ષ હોય કે શોક, જીવન હોય કે મૃત્યુ, સફળતા હોય કે નિષ્ફળતા પણ ગમે તે પરીસ્થિતિમાં તેવો વ્યક્તિ અંતરભાવથી મુક્ત હોય છે. જલ કલમ વત.

કૃષ્ણ જીવન પર્યંત કર્મોની જંજાળ વચ્ચે ઉભા રહ્યા. તેમણે રાજકાજ સંભાળ્યું. શારીરિક જીવન સંભાળ્યું. અનેક યુદ્ધો કર્યા. જીવનના તમામ પાસાઓ જીવ્યા સોળ હજાર પત્નીઓથી સંસારી જીવન. આશ્ચર્ય થાય તેવી વાત છે. આજ દિવસ સુધી કોઈ સોળ હજાર પત્નીઓ નથી કરી શક્યા. ભારતમાં હૈદરાબાદ નવાબને પાંચસો પત્નીઓ હતી. તે સિવાય તેથી વધુ પત્નીઓ હોવાની કોઈની વાત સાંભળી નથી. તેમાંય સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે હૈદરાબાદના નવાબની પાંચસો પત્નીઓમાંથી મોટાભાગની પત્નીઓ દુઃખી હતી. જ્યારે કૃષ્ણની તમામ પત્નીઓ કોઈ વાતથી ક્યારેય દુઃખી થઈ હોય તેવું ક્યાંય ન સાંભળવા મળ્યું છે, ન તેવું કોઈ અનુમાન થઈ શકે તેમ છે કારણ કે કૃષ્ણ અને કર્મોના સમ્યક સમન્વયથી કર્મયોગમાં ઉભા રહ્યા છે.

ઘણા લોકો કહે છે કે કૃષ્ણ ભગવાન હતા તેી સોળહજાર રાણીઓ થઈ શકી અને તે ઉપરાંત તે આઠ પટરાણીઓ બનાવી શક્યા. આપણી જેવા માનવીઓ જે એક પત્નીથી મૂંઝાયેલા હોય તેમણે સોળહજારના આંકડાને ભગવાન જ કરી શકે તેમ માન્ય વગર છૂટકો નથી. કદાચ સોળ હજાર પત્નીઓ સાથેનું શારીરિક જીવન તેમની ભગવદ્‌તાનું કારણ હોઈ શકે, પરંતુ સોળ હજારને આઠ રાણીઓ કૃષ્ણની સાથે પ્રસન્નતાપૂર્વક સાંસારિક જીવન જીવે તે તો કૃષ્ણના કર્મયોગની જ વાત હોઈ શકે.

જીવનના વિવિધ પાસાઓ જીવી રહેલા વ્યક્તિએ સાચી અને સુખમય દિશાને મેળવવા માટે કૃષ્ણના કર્મયોગનો આશ્રય લીધા વગર કોઈ ઉપાય નથી.

***