secret of reading in Gujarati Magazine by Dr. Imran Khan books and stories PDF | સિક્રેટ ઓફ રીડિંગ

Featured Books
Categories
Share

સિક્રેટ ઓફ રીડિંગ


“The habit of reading is one of the greatest resources of mankind and we enjoy reading books that belong to us much more than if they are borrowed” આ મારા શબ્દો નથી!! J વિલિયમ લ્યોન ફેલ્પ્સના છે. આ ભાઈ કોણ? ૧૮૬૫માં અમેરિકામાં જન્મેલા એક નામચીન એડ્યુકેટર, સાહિત્યિક આલોચક, લેખક અને ૧૯૦૩ થી ૧૯૩૩ સુધી યેલ યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચુકેલા એ વિલિયમ લ્યોન ફેલ્પ્સ. (આ યેલ યુનીવર્સીટી એટલે એ જ જ્યાં છેલ્લે આપણા કિંગખાન ભાઈ સ્પીચી આવ્યા J) લ્યોન પણ એમના સમયના પોપ્યુલર ઓરેટરોમાંના એક હતા. અને પોપ્યુલર એટલે કેવા કે ચર્ચમાં એના ભાષણોમાં આવતા લોકો માટે ચર્ચને કાયદેસર ડબલ એક્સ્પાંડ કરવો પડ્યો હતો. અને મોસ્ટ ઓફ ઓલ, છ હજારથી પણ વધારે પુસ્તકોની એમની પોતાની પર્સનલ લાયબ્રેરી હતી જે કાન સરવા અને નેણ ઊંચાં કરી દે એવી વાત છે.
૧૯૩૩માં ૬ઠી એપ્રિલના દિવસે લ્યોએ “સીગ્નીફીકંસ ઓફ બુક્સ” પુસ્તકોના મહત્વ પર એક મસ્ત સ્પીચ આપેલી. મેં શરૂઆતમાં મથાળે લખેલું વાક્ય એજ સ્પીચ માંથી ઉછીનું લીધું છે. એ સ્પીચમાં લ્યો પુસ્તકોને “ઈટરનલ ટ્રેઝર ધેટ પ્રોવાઇડઝ ઈમ્મેન્સ નોલેજ એન્ડ વિઝડમ” કહે છે... શું વાત છે!!
કીધેલી વાત સીધી, સાદી, સિમ્પલ પણ ઇફેક્ટીવ, ફેકચુઅલ અને સચોટ છે. જે દ્રાક્ષની જેમ ગળે ઉતરી જાય છે. એટ લીસ્ટ એ લોકો માટે જેને વાંચન કિસ બલાકા નામ હે એ ખબર છે. પણ સરવાળે પ્રશ્ન એ છે કે શું લખાય છે?, કેમ લખાય છે?, શું વંચાય છે? અને કેમ વંચાય છે?, શું નથી વંચાતું? અને નથી વંચાતું તો કેમ નથી વંચાતું ????
સદીઓથી અને દાયકાઓથી સાહિત્ય લખાય છે... ભલે એ ચવાતું ફેક્ટ છે કે જેટલું લખાય છે એટલું વંચાતું નથી પણ ફોકસ ત્યાં કરવાની જરૂર છે જ્યાં વંચાય છે અને જીલાય છે... શું કામ વંચાય છે? શું કામ જીલાય છે?? વાંચન તુંડે તુંડે ભિન્ન છે. ઘણા લોકો માટે વાંચન ખોરાક છે, ઘણા માટે દવા તો ઘણા માટે ઝેર. આઈ હોપ આ ત્રણ મેટાફર તમે એઝ ઈટ ઈઝ સમજી ગયા હશો. છતાં ચોખવટ કરું છું. ખોરાક એવા લોકો માટે જેને વાચ્યા વગર ચાલે જ નહી, દવા એવા માટે જે જરૂર હોય ત્યારે અને જોખી જોખીને વાંચે અને ઝેર એના માટે જે એક દસ વર્ષે એક પેરેગ્રાફ પણ જવલ્લે જ વાંચે,,, પણ છેલ્લા અમુક દિવસોમાં અનુભવાયેલું અને સ્પર્શાયેલું સત્ય એ છે કે લોકોને વાંચવું છે અને લોકો વાંચે છે... અને લોકોને સડેલ, ભંગાર, જંકફૂડ જેવું, વાસી, ચવાયેલું કે ચુથેલું વાંચવું નથી... લોકોને ક્વોલીટી વાળું, સચોટ અને સત્ય વાંચવું છે... અને જ્યાં આવું લખાય છે ત્યાં લોકો કૂદકા મારી મારીને વાંચવા આવે છે.... Jay Vasavada આનું શ્રેષ્ઠ, બેસ્ટ, ઉત્તમ અને ઉમદા એકઝામ્પલ છે...
વર્લ્ડ ઓફ વર્ડ્ઝ... શબ્દોની દુનિયામાં એક યુનિવર્સલ ફોર્મ્યુલા કામ કરે છે.. વિદ્યાર્થીઓ, શિક્ષકો, માસ્તરો, પ્રોફેસરો, ડોકટરો, ઉદ્યોગપતિઓ, લેખકો, વકીલો, દુકાનવાળાગૃહિણીઓ કે પછી કેહવાતા કે રીયલ બુધ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો અને વિચારકો બધાની એક કોમન ચોઈસ છે – અને કોમન ચોઈસ બહુ જ સિમ્પલ છે. એ કોમન ચોઈસ છે ટ્રુથ. સત્ય છે અને સચોટ વાત છે... અલ્ટીમેટલી તો “સત્ય મેવ જયતે”. ફોર્મ્યુલા આપણા ખિસ્સામાં જ છે છતાં આપણે એને ગુગલ પર સર્ચીએ છીએ. હવેની જનરેશનને નોનસેન્સવાદમાં રસ નથી... બુર્જ ખલીફા જેવા લાંબા લચક લખાણ ભલે હોય પણ ધેર મસ્ટ બી નો નોન સેન્સ. ખાલી ખોટી નકામી વાતો નહિ પણ ટુ ધ પોઈન્ટ લખાણો હોંશે હોંશે જીલાય છે અને વંચાય છે... અને મેં કીધું એમ કે જે ખોરાકીયા વાચકો છે એ તો આને ફુલ્લી રેલીશ કરે છે. કોઈ પણ ભાષાના મોસ્ટ ફેમસ લેખકો કે કવિઓ કદાચ આ જ સમીકરણ ને ઉકેલી ને અને આ “સત્ય મેવ જયતે” નામના કોમન ચોઈસ ફોર્મ્યુલાનો પ્રયોગ કરીને જ પોતાના ફૂટપ્રીન્ટ મૂકી ગયા... ચોસર, હોમર, શેકસપિયર, મેઘાણી, ગાંધી કે પછી ગાલિબ કદાચ એટલા માટે જ માત્ર શબ્દોથી અમર થઇ ગયા. મિલ્ટનનું પેરેડાઈઝ લોસ્ટ, જે.કે.રોલીન્ગની હેરી પોટર, ચેતન ભાગતની ફાઈવ પોઈન્ટ સમવન અને અન્ય નોવેલ્સ, અશ્વિની ભટ્ટની આયનો, ફાસલો, અંગાર કે ઓથાર, મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર લોકપ્રિય કે યુનિવર્સલ હોવા પાછળ કદાચ આજ ફોર્મ્યુલા કામ કરે છે એવું એટ લીસ્ટ મને તો લાગે જ છે. કે પછી નરસિંહ મેહતા કે મીરાંબાઈ જેવા પ્રાચીન નામ એક યા બીજી રીતે એક જ કળા જાણતાં. પીરસવાની કળા. લોકોને ગમતું કે ભાવતું પીરસવાની કળા. આ બધા આઇકોનિક લેખકો વાચકોની નાળ ઓળખાતા, એની દુખતી રગ પર હાથ મૂકતા પણ એવી રીતે મૂકતા કે લોકોના મોઢેથી આહ ની જગ્યા એ વાહ નીકળી જતી. બસ સાહિત્યની લોકપ્રિયતાનું આ એક જ કોમન સિક્રેટ છે. જે યુનિવર્સલી કામ કરે છે. ઈફેક્ટીવલી કામ કરે છે અને ફ્રુટફૂલી કામ કરે છે. જો કે એક જ લાકડીથી બધાને હાંકવા એ સો ટકા અન્યાય કેવાય. હાલમાં જે લખાય છે અને વંચાય છે એનું એસેન્સ ડીફરન્ટ છે. લોકોને ટૂંકું ટચ સચોટ અને છતાં ફિલોસોફીકલ વાંચવું અને આસ્વદવું ગમે છે – ભાવે છે. ફેસબુક અને વોટ્સઅપ પર હાલતા ને ચાલતા લોકો શાયરો, કવિઓ કે ફિલોસોફરોની જગ્યા પૂરતા હોય છે. ભલે ટેકનોલોજીએ વાંચનના વેલાને વૃક્ષ બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે એમાં ના નહિ પણ છતાં એ સાચું કે સબ્લીમીટીની ટોટલ ગેરહાજરી અમુક સારા લેખ કે સાહિત્યને પણ સસ્તું બનાવે છે. સાહિત્યની મીમાંસામાં આલોચકના (એટલે કે ક્રિટીક) રોલ ઉપર પણ અઢળક લખાયું છે. એનું પણ રીઝન છે. સાદું ને સિમ્પલ રીઝન છે. જે સમાજમાં આળસુ વાચકો હોય ત્યાં ક્રિટીક માલદાર હોય. મેઈન ટેક્સ્ટ વાંચવા વાળો વર્ગ માયનોરીટીમાં છે એટલે એ હેરી પોટર કે સરસ્વતી ચંદ્રના બાધા વોલ્યુમ ક્યારેય વાંચી જ ન શકે પણ એના વિષે પૂર્તિમાં બે પાનામાં લેખ લખાયો હોય (જેને આપણે સદી ભાષામાં રીવ્યુ કહીએ છીએ) એ રીવ્યુ વાંચે અને પછી હેરી પોટર કે સરસ્વતીચંદ્ર કે એના જેવા બીજા કોઈ પણ ગ્રંથ વિચેનું છીછરું જ્ઞાન લઈને ગામમાં આંટા મારે અને ખોટમાં ચાલતી એ છીછરા જ્ઞાનની બેંક માંથી લોકોને વ્યાજે ઉધાર પણ આપે. J પણ કંઇ વાંધો નહિ. રીવ્યુ તો રીવ્યુ – વાચ્યું તો ખરા.. એને પોચાય.. બટ અગેઇન.. એણે એ રીવ્યુ પણ શું કામ વાચ્યું? ખાલી વિષય વસ્તુ માટે નહિ પણ એ જે રીતની ભાષામાં લખાયું એ ભાષા પણ રીડરફ્રેન્ડલી છે એટલે એ રીડર વાંચે છે. અમુકને અમુક ભાષા જ ગમે. અને એ સહજ છે, ઓબ્વીયસ છે અને એક્સેપટેબલ છે. એમાં કઈ ખોટું છે જ નહિ. માણસનો એક સ્વભાવ છે કે બહાર ફરવા જાય અને ઘર જેવું જમવાનું શોધે અને ઘરે કઈ સરસ બને તો એમ કે વાહ! હોટલ જેવો સ્વાદ આવે છે. એટલે વાંચનનું પણ એવું જ છે. જેમાં એને મજા આવે, જેમાં પોતાની કંઈક વાત ડાયરેકટલી કે ઇન ડાયરેકટલી જીલાણી હોય કે કેહવાણી હોય એવું એને વાંચવું ગમે. અથવા એવું કંઇક જેમાં એની વાતનો કે એના ઓપીનીયનનો જય થયો હોય એવું એને વાંચવું ગમે અને એનો પ્રચાર ને પ્રસાર પણ પછી એ વાચક જ કરે. એનું માર્કેટિંગ ન કરવું પડે. એની માઉથ પબ્લીસીટી થાય. બીજુ એક મહત્વનું પાસું એ પણ છે કે દરેક પોપ્યુલર રાયટર  કોમનમેનની વાત કરે છે, એને પીંજે છે અને એનો પડછાયો કે પડઘો પોતાના લખાણો, કવિતાઓ, નિબંધો, નવલકથાઓ, એપીક્સ કે પછી નાના આર્ટીકલ્સમાં જીલવાનો પ્રયત્ન કરે છે. બાકી જે માત્ર આઇડીયલ, ખાલી ખોટી લાંબી લચક તથ્ય વગરની ફિલોસોફી જાળવામાં માહેર હોય એ વાચકોને અડી અડી ને છુટ્ટા થઇ જાય છે, આઉટ ડેટેડ થઇ જાય છે, ફેંકાય જાય છે. નોકિયાના મોબાઈલની જેમ માર્કેટમાં ટકી શકતા નથી. અને જેને માત્ર પોતાની જ વાત સાચી સાબિત કરવી છે એવા વકીલીયા લેખકો કે કોલમીસ્ટો પણ પકેલા આમની જેમ ખરી જાય છે. આજનો વાચક પણ આજના કસ્ટમરની જેમ સ્માર્ટ બન્યો છે. આજના અપગ્રેડેડ વાચકને કોઈ ટોમ ડીક એન્ડ હેરી ટાઇપ રાઈટર છેતરી ન શકે. આજનો મેન ભલે કોમન હોય પણ એ કોમ રીડર નથી. એ અનકોમન રીડર છે. હું બધ્ધાની એક સામટી વાત નથી કરતો. ગધેડા ઘોડા ભેગા રહીને  રેસમાં ન દોડી શકે અને કદાચ બાય મિસ્ટેક દોડે તો જીતે તો નહિ જ. માટે વાચકોનો પણ એક વર્ગ છે. એક ક્લાસ કે ગ્રુપ છે. ફેસબુક અને વોટ્સઅપ પર આવીનેય માણસો પોતાના મનગમતા લોકોને પોતાના ગ્રુપમાં એડ કરે છે અથવા પોતે એડ થાય છે. એનું રીઝન પણ આ જ છે. એની વે, લેખકને લખતી વખતે આ ગૃપીઝ્મનો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. એ જે લખે છે એ કાં તો માસ માટે લખે છે અને કાં તો ક્લાસ માટે. પણ મેં આગળ કહ્યું એમ જે સાચું છે, સચોટ છે, સત્ય અને તથ્ય વાળું છે અને નો વેસ્ટેજ છે એ ચોક્કસ જીલાય છે અને વંચાય છે. પણ આમાં પાછો એક મોટો પ્રશ્ન અને માથું ખંજવાળવું પડે એવો પ્રશ્ન કે કેટલું બધું લખાય છે! અઢળક સાહિત્ય મોજુદ છે. દુનિયાની બે સૌથી મોટી લાયબ્રેરીઓ બ્રિટીશ લાયબ્રેરી, લંડન અને લાયબ્રેરી ઓફ કોંગ્રેસ, યુનાઈટેડ સ્ટેટસ, વોશિંગટન જ્યાં ૧૭૦ મિલિયન પુસ્તકો છે. (એક મિલિયન એટલે દસ લાખ!), રોજના ૧.૭૫ મિલિયન વાચકો ત્યાં વાંચે છે અને બે હજાર થી ચાર હજાર લોકોનો સ્ટાફ છે. (વધુ માહિતી માટે, ગુગલ કે વિકીપીડીયા પર સર્ચવા જવું). પોઈન્ટ ઈઝ, કે આટલું બધું વંચાય છે???  જવાબ: હા. આટલા ટેકનોલોજીના હાયલી એડવાન્સડ યુગમાં પણ હજુ એવો વર્ગ છે જે સાચી માહિતી માટે ગુગલ પર નઈ પણ લાયબ્રેરીમાં જાય છે. હજુ એવો વાચક વર્ગ છે જે વોટ્સઅપ પર શિંગડાં પુછડા વગરની ચેટ કે બેકારના જોક્સ વાંચીને નહિ પણ બે કવર વચ્ચેના પાનામાં દુનિયા શોધે છે, હજુ પણ એવો વાચક વર્ગ છે જે નવી કોઈ બુક, છાપાની પૂર્તિના લેખ, નવું કવિતા સંગ્રહ કે નવા પુસ્તકની ચાતક પક્ષીની જેમ રાહ જુએ છે અને એ પુસ્તક, પૂર્તિ, કવિતા, લેખ કે નિબંધ મળી જતા મનને મોર બનાવી થનગનાટ કરે છે અને વાંચનમાંથી પરિતોષ મેળવે છે. શું કામે? આનું શું રીઝન? રીડીંગના સાયન્ટીફીક એનાલીસીસમાં ન પડતા એનું સાદું રીઝન એ છે કે વાચક એ શબ્દોમાં ક્યાંક પોતાને શોધે છે અને જુએ છે, ક્યાંક પોતાની વાતનો પ્રતિસાદ મેળવે છે, ક્યાંક પોતાને મેળવે છે, ચોપડીના દરેક પાનામાં એ ક્યાંક પોતાના ઓપીનીયનને શોધે છે અને એને એ ચોક્કસ મળે છે. શું કામે શોધે છે? એનો સાદો, સીધો અને શોર્ટકટ આન્સર એ છે કે – દરેક વ્યક્તિને વ્યક્ત કરવું ગમે. જેમ ભૂખ, તરસ લાગે એમ જ અભિવ્યક્તિ એ સહજ છે. અને અલ્ટીમેટલી તો જે વ્યક્ત કરે એ વ્યક્તિ. પણ પ્રોબ્લેમ ઈઝ કે બધા વ્યક્ત નથી કરી શકતા. અથવા બધાને વ્યક્ત કરવા માટે કે પોતાની વાત ઠાલવવા માટે પાત્ર ન પણ મળે. માટે આમાંના કેટલાક વાચક બને અને માનોમન એવું ઈચ્છે કે મારા બદલે કો’ક વ્યક્ત કરે, મારી વાત પણ કો’ક જીલે, મને ગમતું કો’ક કે, મને ગમતું કોક લખે અને આ “કો’ક” ને ગોત’તા ગોત’તા એ લેખકના ઉંબરે આવે અને એક ઓનેસ્ટ વાચક બને. કારણકે એક સફળ લેખક પોતાના વાચકના ટેસ્ટને ઓળખે છે. જેમ ડોક્ટર દર્દીની નાડ તપાસીને દવા આપે એમ લેખક પોતાના વાચકોના ટેસ્ટ કે એની ડીમાંડ ને ધ્યાનમાં રાખી એને ગમે એવી અને કન્ટેમ્પરરી (સમકાલીન) લેન્ગ્વેજમાં એને ગમે એવું લખે અને એટલે વાંચક આંખના પલકારા માર્યા વગર એને વાંચે. આને તમે પરગેશન પણ કહી શકો છો પણ પરગેશન ને આપણે જનરલાઈઝ ન કરી શકીએ કારણે RSP જેવું પણ કંઈક છે. RSPએટલે “રીડીંગ ફોર સ્પેસિફિક પર્પઝ” દરેકના વાંચવાના પર્પઝ, હેતુ કે કારણ જુદા છે પણ મેં વાત કરી એવા વાચકો લેખકને લેખક બનાવે છે. બાકી તમે વિચાર કરો કે એ જે.કે.રોલિંગ જેની પાસે પોતાની દીકરીને સારા રમકડા લઇ દેવા માટે પણ પૈસા ન હતા એ માત્ર હેરી પોટર નવલકથા પછી અબજોપતિ કેમ બની ગઈ? એમાં એવી તે શું યુનિવર્સલ વાત છે? બીજું કે દરેક ઓથર એ પોતાના સમયની પ્રોડક્ટ છે. જોકે ચેતન ભગત જેવા માત્ર સ્ટોરી ટેલીંગ કે બૂકથીયેટર લેખકો પણ વંચાય છે. પણ અપવાદ તો દરેક યુગમાં રેહવાના. લેખકો કે કવિઓ જન્મે છે કઈ રીતે? શું કામે એ લોકો લખે છે? શું મળી જાય છે એ લોકો ને આટલું લાંબુ લચક લખીને? નવરા નાઠા છે? કઈ કામ ધંધો નથી? ભણેલા બેકાર છે? તો એનો જવાબ છે: ના. એવું બિલકુલ નથી. દરેક ભાષાના સાહિત્યની મીમાંસામાં આ પ્રશ્નની વિગતવાર ચર્ચા થઇ છે, રીસર્ચ થયા છે અને થીસીસો પણ લખાણી છે પણ એનો મેસેજ કોમન માસ સુધી પહોંચ્યો નથી. અને શું કામે નથી પહોંચતું એના કેટલાક કારણો હું ઉપર જણાવી ચુકેલો છું. પણ એક મહાન લેખક કે મહાકવિ કઈ રીતે જન્મે છે? આ પ્રશ્નનો મને ગમતો જવાબ પ્રોફ. અવધેશ કુમાર સિંઘે, સાતમી એપ્રિલ, ૨૦૦૭ના દિવસે અસ્મિતાપર્વમાં મિલ્ટનના “પેરેડાઈઝ લોસ્ટ" પર પોતાનો એક લેકચર દેતી વખતે આપેલો. આ લેકચર આસ્થા ચેનલ પર મેં લાઈવ સાંભળેલો. હું ત્યારે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લીશ એન્ડ સી.એલ.એસ.માં એમ.એ. કરતો. પ્રોફ. અવધેશ કુમાર સિંઘ આજ ડીપાર્ટમેન્ટના ફાઉનડર છે. બાય ધ વે, સરે આપેલો જવાબ મને ખુબ જ ગમ્યો અને એટલે જ મને યાદ રહી ગયો, એ હું અહિયાં તમારી સાથે શેરુ છું. સરે કીધેલુ કે, “કિસીભી મહાસમયમેં, કિસી ભી મહાપુરુષકે મનમેં કોઈ મહાપ્રશ્ન જબ કરવટ બદલતા હે, તબ મહાકાવ્યકા જન્મ હોતા હે, મહાકાવ્ય કે લિયે મહાપ્રશ્ન ચાહિયે” જોકે આ તો ખુબ જ કોમ્પ્રીહેન્સીવ વાત છે, ઊંડી છે અને સ્કોલરલી રીસર્ચના બેરલોમાં ઝબોળીને બાર કાઢેલી ડેફીનેશન છે. મહાપ્રશ્ન વગર મહાકાવ્ય કેમ લખાય? પણ આજનો મૂળ પ્રશ્ન એ છે કે આજના ફાસ્ટ યુગમાં કે જ્યાં લોકોને વોટ્સઅપના ઘરના બનાવેલા લાંબા લચક લાપસી જેવા જોક્સ, મેસેજીઝ, ઉખાણાં, ઈમેજીઝ આદિ ઈત્યાદી વાંચવામાંથી ફુરસદ મળતી નથી તો મહાકાવ્ય વાંચવાની ક્યાં સ્પેસ જ છે! પોઈન્ટ ઈઝ કે સ્માર્ટ વાચકો છે તો એનો મતલબ એ કે સ્માર્ટ લેખકો પણ છે. જેમ રીડરબિરાદરો નકામું, નઠારું કે ભંગાર વંચાતા નથી એમ જેન્યુઈન લેખકો જંકફૂડ ટાઇપ લખતા પણ નથી. વાંચન એક યજ્ઞ છે તો લેખન એક તપ છે એક સાધના છે. અભ્યાસ, કરંટ અફેર્સ, પુસ્તકો, નેટ, છાપા, પુરતી, મેગેઝીન, ન્યુઝ ચેનલ, ઇન્ટરવ્યુઝ અને મોસ્ટ ઓફ ઓલ ડે ટુ ડે લીસનીંગ, એક્સપીરીયન્સ અને ઘટનાક્રમને એક પેરામીટર બનાવીને લખાતું હોય છે અને એટલા માટે તે વંચાય છે કે જીલાય છે. નંબર ટુ, દરેક સારો લેખક એક સારો આલોચક એક સારો ક્રિટિક છે. બનતી ઘટનાઓમાં રહેલા સત્યો અસત્યોને સામે લયાવે છે અને વાચકના મનના પાતાળમાં પડેલા પ્રશ્નોનો જવાબ આપે છે. અને આ રીતે એક લેખક એનો સામજિક ધર્મ નિભાવે છે. અને અહી એક વાત સાઈડમાં રાખવા જેવી છે. શું વંચાય છે? આ પ્રશ્નનો જવાબ શું નથી વંચાતું એ પ્રશ્નમાં રહેલો છે. સોપ્યા વગરનું કે કોઈ પણ પ્રકારના અભ્યાસ કે એન્ગલ વગર લખનારા વંચાતા નથી. લીટરેચર (સાહિત્ય) એક તળીયા વગરનું મહાસાગર, અનંત બ્રમ્હાંડ અને આકાશ જેવું છે. જો કે અહીં જે વાત થઇ રહી છે એના બે અક્સ કે બે પડછાયા છે. કીધેલી વાત આ બ્રમ્હાંડને કોમનલી લાગુ પાડી જ ન શકાય. નેવર. જર્નાલીઝમ ઈઝ સમવોટ હરીડ લીટરેચર વિચ ઈઝ રીટન ઇન એ હરી અને રેડ ઇન એ હરી. બટ નોટ ઓલ્વેઝ.
વાંચનને દેખીતી રોતે એક સીરીયસ એક્સરસાઈઝ માનવામાં આવે છે. પછી કોઈક છાપામાં સાવ નોનસેન્સ ન્યુઝ વાંચતો હોય તો કોઈ એને ડીસટર્બ ન કરે, રીઝન? સમથીંગ ઈઝ બીઈંગ રેડ. તો અગત્યનું શું છે? વંચાય છે એ અગત્યનું છે? કે શું વંચાય છે એ અગત્ય નું છે? થીંક.  
૨૮ ઓક્ટોબર, ૧૪૬૬માં નેધરલેન્ડમાં જન્મેલો એક ડચ રેનેસાં હ્યુમનિસ્ટ, કેથોલિક પ્રીસ્ટ, સોસીઅલ ક્રિટિક, ટીચર અને થીઓલોજીયન જેનું નામ ઇતિહાસના સાયકલોનમાં કદાચ ક્યાંક ધોવાય ગયું. હી વોઝ ડેઝીડીઅરીઅસ ઈરાએઝમસ. બવ ચિત્રમાં નથી. જવલ્લે જ કોઈક વિકિપીડિયા પર જઈ આવા ગળેલા મડદા બહાર કાઢવાની તસ્દી લે. પણ છેલ્લે વોટ્સઅપ પર ઈરાએઝમસનુંએક મસ્ત ક્વોટ કોઈકે શેર્યું, “When I get a little money, I buy books; if any is left, I buy food – clothes.” ~ Erasmus. શું વાત છે! હેટ્સ ઓફ. આ છે ખોરાકીયા વાચકો. જે લાઈફની બેસિક નીડ્ઝથી પણ વધારે પ્રાયોરીટી બુક્સ કે વાંચન આપે. ક્યાંક ફરવા જાય તો પણ થેલામાં ટુથબ્રશ, ટુવાલ, નેપકીન, મોબાઈલ ચાર્જર કે કપડાની પેહલા બે સારા પુસ્તકો નાખે. અને ટ્રેન, બસ કે ફ્લાઈટની રાહ જોતી વખતે ગપ્પા મારવાની બદલે બસસ્ટેન્ડ, રેલ્વે પ્લેફોર્મ કે એરપોર્ટના વેઇટિંગરૂમમાં બેસી કોઈક સારા પુસ્તકના બે પાના વાંચે. ઈટ ઈઝ ધ રીયલ પેશન ઓફ રીડીંગ. અને રીડીંગ કેપેસીટી એક વરદાન છે. ઇટ્સ નોટ એવેલેબલ વિથ ઓલ. બધા ન વાંચી શકે. પણ મેં જે ખોરાકીય વાચકોની વાત કરી એ વાચ્યા વગર રહી ન શકે. સુખી લગ્ન જીવન પસાર કરવા માટે બે માંથી કોઈક એકનું વાચક હોવું ફરજીયાત છે. અને એમાય જો પત્ની વાચક હોય તો પતિના લેખક હોવાના ૯૯% ચાન્સીસની ગેરંટી હું તમને આપું છું. વાંચન એક સાહસ છે. લાઇક ડેથ. મૃત્યુ પછીનું જીવન, મૃત્યુ પછીની દુનિયા કોણે જોઈ છે? વન હુ ઈઝ ડેડ. જેને મૃત્યુનો સ્વાદ ચાખ્યો છે એણે. સિમીલરલી વાંચીને શું આનંદ આવે છે એ માત્ર વાચક જ જાણે છે. વાંચીને શું મજા આવે એ વાંચીનેજ ખબર પડે. મેં તો ઘણી વખત ગૃહિણીઓને મગની દાળના પડીકાનાં કાગળ ખોલીને ગેસના ચૂલા નીચે રાખીને વાંચતી જોયેલી છે. વોટ અ મેડનેસ! પણ આવી મેડનેસને સેલ્યુટ. અને વાંચી તો ઘણું બધું શકાય, જેમકે નવલકથા, લઘુનવલ, કવિતા, હાઇકુ, નાટક, એપિક, મહાકાવ્ય, આત્મકથા, ડાયરી, પત્રો, છાપા, મેગેઝીન, પુરતી, આર્ટિકલ્સ, રિવ્યુઝ, રીસર્ચ એન્ડ સો ઓન. અને આજના આ સાઈબરવર્લ્ડમાં આ બધ્ધું લેપટોપ કે પામટોપની સ્ક્રીન પર આંગળીઓના લીસોટા ખેંચીને વંચાતું હોય છે. તેમ છતાં આજના આ હાયલી ટેકનીકલ યુગમાં પણ લાયબ્રેરીમાં ખાતું ખોલાવા વાળો વર્ગ છે. કેમ? એનું એક જોરદાર સાયકોલોજીકલ રીઝન છે. જે મેં પોતે ફિલ કર્યું છે એ શેર કરું છું. બુક વાંચવામાં જે મજા છે એ લેપટોપની બ્લેક એન્ડ વાઈટ સ્ક્રીન પર નથી. વાચક જયારે બુકને હાથમાં થામીને બેઠો કે બેઠી હોય ત્યારે એને એના લેખક સાથે બેસવાની ફીલિંગ આવે. બુકનું પૂઠું પોતાના સગા હાથેથી સ્પર્શ કરવાની એ મજાનું આહલાદક આનંદ ઈ-રીડિંગમાં થોડો આવે? કવરપેજ ખોલતા લેખકનું નામ, કોને અર્પણ, પબ્લીકેશન ડેટ, પ્રસ્તાવના, અનુક્રમણિકા આદી ઈત્યાદી એક એક પાનું તમારી સામે આવતું જાય અને તમે વાંચતા જાવ – એવું લાગે જાણે તમે થીએટરમાં બેસી કોઈ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જુઓ છો. આ મજા માત્ર “બુક” વાંચતી વખતે જ આવે, ઈ-રીડીંગમાં આ બધું મિસ થાય. એક એક પાનાં પર આવતો એક એક ટહુકો, એક એક  શબ્દ એક સ્ટોરી, રહસ્ય કે દાસ્તાન બયાં કરે અને કાળા કે આછા પીળા પડી ગયેલા પાના પર આહલાદક શૃંગારિક વણાંક વાળા એ અક્ષરો, શબ્દો, વાક્યો, પેરેગ્રાફ, ચેપ્ટર બનતા બનતા ધીરે ધીરે હોલે હોલે બુકનો એક એકે પેજ તમને એક જુદી દુનિયામાં લઇ જાય અને વાચક બે પૂઠા વચ્ચેની એ જુદી દુનિયામાં જાણી જોઇને ખોવાય જાય અને પોતાના રીયલ વર્લ્ડના બધા હમ ડ્રમ ભૂલી જાય. આ આનંદ પરમાનંદનો અનુભવ ઈ-રીડિંગમાં ઓલમોસ્ટ મિસિંગ રે. ઓફ લાઈન રીડીંગમાં બુકના પાનાની એક સુગંધ પરથી બુકની ડેટ ઓફ બર્થ ખબર પડે. ટીપ ઓફ ટંગ પર હાથની આંગળી સેમીવેટ કરીને પેજ ફેરવવાની જે મજા આવે એ મજા ઓનલાઈન રીડિંગમાં પોસીબલ જ નથી. પણ આ મજા મેં વર્ણવેલા પેલા ખોરાકીયા વાચકો જ ફીલ કરી શકે. વાંચનને દવા કે ઝેરની જેમ લેનારા લોકોને આ ટ્રાનસનડેન્ટલ વર્લ્ડમાં એન્ટર થવાનું લાયસન્સ નથી. પણ આઈ ચેલેન્જ કે વાંચનના ચાહક આવા ખોરાકીયા વાચકોને જો તમે એક ખુરશી, ટેબલ, શાંત એક રીડર ફ્રેન્ડલી ઓરડામાં એના ગમતા પુસ્તકોની સાથે છોડી દો તો એ ખાવું, પીવું, નહાવું અરે દુનિયા ભૂલી જશે અને વાંચનના સાગરમાં ટાયટેનીક જહાજની જેમ ડૂબી જશે. અને એ વાંચન એના માટે બ્લીસ હશે. ધીસ ઇસ કોલ્ડ ધ મેડનેસ ઓફ રીડીંગ. આ વાંચનનો એક જુનુન એક પાગલપન છે. વાચક અને પુસ્તક વચ્ચે એક ગહેરો નાતો છે. બંને વચ્ચે એક મેગ્નેટિક પાવર કામ કરે છે જે એકબીજાને એકબીજા તરફ ખેંચે છે. જેને ઉડવું છે એને ગગન મળી રહે છે એમ જેને વાંચવું છે એને પુસ્તક, લાયબ્રેરી, ખુરશી કે આર્ટીકલ પણ મળી રહે છે. પણ મેં તમને આગળ કહ્યું એમ માત્ર કલમના જોરે ધરાર કે સેલ્ફ મેડ બની બેઠેલા કે પોતાને યુગલેખક માની બેઠેલા લેખકો રોટલી ગરમ રાખવાના સિલ્વર પેપર જેવા હોય છે જે શરૂઆતમાં ચમકદાર લાગે છે પણ તેમનું ફાયનલ ડેસ્ટીનેશન ડસ્ટબીનનું તળિયું જ હોય છે. સીક્રેટ ઓફ રીડીંગ બીજું કઈ નઈ પણ અમુક ખૂટતી કળીઓ છે. દરેકના જીવનમાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે. સમથીંગ ઈઝ ઓલ્વેઝ મિસિંગ. વાચકો માટે આ ખૂટતું પુરવાનું કામ એ લેખકનું છે. વોટ ઈઝ મિસિંગ ધેટ રાયટર નોઝ. લેખક એ જાણે છે કે શું ખૂટે છે, કેટલું ખૂટે છે અને એને કેમ પૂરી શકાય. એન્ડ વેન ધીસ મિસિંગ ઈઝ અચીવ્ડ, યુ ફીલ રીલેકસ્ડ. આ વાંચનના રહસ્યનની માત્ર એક જ હાયપોથીસીસ છે જે ફૂલ એન્ડ ફાયનલ નથી. ધેર આર અધર્સ ટુ. વાંચન એક ગામ જેટલા વિશાળ જહાજમાં શબ્દોના ઉછળતા એક અનંત મહાસાગરમાં કરવામાં આવતી એક અવિરત યાત્રા છે. જેનું એક થ્રિલ છે, એક રોમાંચ છે. અને એ ઓપન ફોર ઓલ છે. કોઈ સીમાડા, કોઈ હદ, બોર્ડર કે લક્ષ્મણ રેખા નથી. પણ પ્રોબ્લેમ એ છે કે માત્ર આખો હોય તો વાંચી શકાય એવું નથી, વાંચન માટે માય્ક્રોસ્કોપ જેવી નજર, રૂ જેવું પોચું દિલ, હિમાલય જેવી અડગતા, પાણી જેવી લચકતા, વૃક્ષ જેવી સ્થિરતા, બુક, ઓથર, અક્ષર અને શબ્દો માટે એક તડપ એક જુનુન એક અનકન્ડીશનલ પ્રેમ કે એક બર્નિગ ડીઝાયર મસ્ટ છે, વાંચન એક યજ્ઞ છે એક મેડીટેશન છે. ઈટ ઓલ્સો રીક્વયાર્સ અ કાઇન્ડ ઓફ ડીસીપ્લીન. કમ્પ્લીટ રીડીંગ ઈઝ ધ મોસ્ટ હાયેસ્ટ રીસ્પેકટ ફોર ધ રાયટર. પૂર્ણ વાંચન એના લેખક માટે સૌથી મોટું ઇનામ અને માન છે. લેખકે લખેલો એક પણ અક્ષર જો વાચકની તીરછી નજર થી છટકી જાય કે લપસી જાય તો લેખકનો કલેજો કપાય જાય છે. અને આફ્ટર ઓલ ઈટ ઈઝ ધ રીડર હું મેક્સ અ રાયટર. વાચક વગર લેખકનો કોઈ વજૂદ નથી. આર્ટ ફોર આર્ટ સેકનો કોન્સેપ્ટ અહી હચમચી જાય છે. કોઈ પણ કળાના મુખ્ય ત્રણ પીલર્સ છે. આર્ટીસ્ટ, આર્ટ અને ઓડીયન્સ. કલાકાર, કલા અને ભાવક. દરેક સુંદરતાને માત્ર એક અરીસાની જ નહિ પણ પ્રશંશકની પણ જરૂર હોય છે. દરેક સુંદર સ્ત્રીને એની સુંદરતાની કદર, વખાણ કે એને જોનારની એક તડપ અને ભૂખ હોય છે, અને કદાચ એટલે જ તો ૧લી જુન, ૧૯૨૬માં અમેરિકામાં જન્મેલી એક પ્રખ્યાત અમેરિકન હોરોઈન અને મોડેલ જેનું નામ હતું મેરેલીન મોનરો એણે ૧૭મી ઓક્ટોબર ૧૯૧૫માં જન્મેલા એક નામચીન લેખક આર્થર મિલરની સાથે લગ્ન કર્યા. (મિલરે કુલ ત્રણ લગ્ન કરેલા, મેરેલીન તેની બીજી પત્ની હતી અને સામે મેરેલીને પણ ટોટલ ત્રણ લગ્ન કરેલા અને આર્થર તેનો ત્રીજો પતિ હતો) અને ભાઈ “તારીફ તો ખુદા કો ભી પ્યારી હે” તો લેખકને હોય જ ને! ઉર્દુમાં એક મસ્ત ટહુકો છે, “ખુદા જબ હુસ્ન દેતા હે તો નઝાકત આહી જતી હે” પણ નઝાકત તો ત્યારે આવે ને જયારે એ નઝાકત જોવા વાળો કે માણવા વાળો કોઈક હોય. વાચક લેખકની આ નઝાકત માણે છે. મહેફીલે તભી જમતી હે જબ મેહફીલ જમાને વાલે કોઈ હો. અને મેહફીલ માત્ર શાયર થી ન જામે. વાહ વાહ કેહવા વાળા, શબ્દોને જીલવા વાળા અને શબ્દોની ચાદર ઓઢીને બેઠેલા એ અર્થને ડિસ્કવર કરવા વાળા કળાના કદરદાન, રીડર બિરાદરો કે શ્રોતાગણ પણ એટલોજ રીચ અને સબલાઈમ હોવો જોઈએ. અને એટલા માટે રીડર ઈઝ ઇક્વલી ઈમ્પોરટન્ટ. વાચક પણ એટલો જ અગત્યનો છે. લેખક શું કામે લખે છે? આ પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નમાં છે અને બીજો પ્રશ્ન એ છે કે લેખક કોના માટે લખે છે? લેખક વાચક માટે લખે છે. એક બાજુ વાળો સિક્કો કોઈ દી’ હોય જ નહિ. લેખક અને વાચક એક સિક્કાની બે બાજુ છે. લખાણ એ લેખક અને વાચક વચ્ચે ચણાયેલી મજમુ દીવાલ છે. ઇટ્સ અ સેમી ટ્રાન્સપરન્ટ વોલ. જે લેખક ચણે છે અને વાચક એને એક પછી એક ઈંટ હટાવી લેખકના દિલનાપાતાળ સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે. નોટ એવરીબડી કેન રીચ. બધા નથી પહોચી શકતા. બટ ધોઝ હુ કેન આર નોન ટુ બી ધ રીડર્સ હુ રીડ બીટવીન ધ લાઈન્સ.
વાંચન બ્રમ્હાંડનો ભવ્યાતી-ભવ્ય એક નાદ છે, વાંચન એ પોતાનામાં ખુદ એક શબ્દાલંકાર છે. વાંચન એટલે? વાંચન એટલે શબ્દોનું સોંદર્ય, વાક્યોનો વણાંક, ભાષાની ભવ્યતા, વાણીની વક્રતા, લખાણની લચકતા, વાર્તાની વાસ્તવિકતા, કાવ્યની કુસુમતા, ગદ્યની ગંભીરતા, પદ્યની પ્રસ્તુતી, લાગણીનો લય, કલમની કમાલ, પાનાની પ્યાસ, વાંચનનો વ્યાસ, તર્કની ત્રિજ્યા, ધ્વનિની ધમાલ, વક્રતાનો વંટોળ, અલંકારની અલમારી, રસનો રથ, અર્થનો અર્ક, હાસ્યનો હાશ, રુદનનો રાસ, આંસુનો અવાજ, એકલતાની આસ, સાથીનો સાથ, માંની મીઠાસ, પિતાનો પ્રેમ, બહેનની બથ, મિત્રોનો મેળો, ખ્વાઈશોનો ખેલ, કિસ્મતની કસોટી, ઇતિહાસનો અરીસો, કથાઓનો કુવો, વાંચન એટલે વિચારોની વર્ષા, સાહિત્યનો સુર, નવલીકાનો નૃત્ય, ટાબરિયાઓનો ટહુકો, જીવનનો જથ્થો, ભૂતકાળની ભનક, વર્તમાનની વાત, ભવિષ્યનું ભાતું અને આજનો અવાજ. આ બધું જ્યાં રીટેલના ભાવમાં જથ્થાબંધ મળે એ વાંચન. આર્ટીકલની શરૂઆતમાં વિલિયમ લ્યોન ફેલ્પ્સ પાસેથી લોન પેટે ઉપડેલા શબ્દો જે સ્પીચના છે એજ સ્પીચના બીજા અમુક આરપાર ઉતરેલા શબ્દો અહી ટાંકું છું.
“Everyone should beging collecting a private library in youth. The instinct of private property, which is fundamental in human beings, can here be cultivated with every advantage and no evils. One should have one’s own bookshelves, which should not have doors, galss windows, or keys; they should be free and accessible to the hands as well as to the eyes….”
વિલિયમ લ્યોન ફેલ્પ્સ દરેકને પોતાની વ્યક્તિગત લાયબ્રેરી હોવી જોઈએ એવી ભલામણ કરે છે. ખુબ જ સહજ અને ધીમા ટોનમાં પણ કેહવાયેલી વાત ખુબ જ ક્રાંતિકારી છે. જસ્ટ થીંક. ઘરમાં દરેક સભ્યોની જો પોતાની નાની તો નાની પણ વ્યક્તિગત લાયબ્રેરી હોય તો શું થાય! કલ્પના માત્ર જ અદભુત છે. દરેકને પોતાની બુક્સની એક કાંધી હોઈ જોઈએ જેમાં દરવાજા, કાંચની બરી કે ચાવી જ હોય.
આજથી કદાચ સદીઓ પેહલા જયારે નેટ, વોટ્સઅપ, ફેસબુક જેવા વર્ચ્યુઅલ શબ્દોનો પણ જન્મ ન હતો થયો ત્યારે પણ રીડીંગ વોઝ અ બીગ ક્રેઝ. વાંચન એક ઘેલછા કે પાગલપનનું એપીસેન્ટર હતું.
દુનિયાની સૌથી જૂની (અથવા પેહલી પણ કહી શકાય) એવી લાયબ્રેરીની સ્થાપના ઈસ્વીસન પૂર્વે ૩૦૦ વર્ષ પેહલા (3rdcentury BC) ઈજીપ્તમાં Ptolemaic કિંગડમના સ્થાપક અને એલેક્ઝાંડર ધ ગ્રેટના અનુગામી (સક્સેસર) Ptolemaic I Soterદ્વારા કરવામાં આવી હતી. એ લાયબ્રેરીનું નામ હતું ‘ધ રોયલ લાયબ્રેરી ઓફ એલેક્ઝાન્ડ્રીયા’તેનું બીજું નામ ‘એન્સીયંટ લાયબ્રેરી ઓફ એલેક્ઝાન્ડ્રીયા’ પણ હતું. આ લાયબ્રેરી કળાની નવ દેવીઓ જેને મ્યુઝીસ કેહવામાં આવતી તેને સમર્પિત કરવામાં આવેલી. આશ્ચર્યની પરાકાષ્ટા એ છે કે આ લાયબ્રેરીમાં ત્યાર સુધીના અને તે સમયના ઓલમોસ્ટ બધ્ધા પુસ્તકો હતા. આ ઉપરાંત એ લાયબ્રેરીમાં લેક્ચર્સ દેવા માટેના હોલ, મીટીંગ રૂમ્સ અને બગીચાઓ પણ બનાવામાં આવેલા હતા. એ લાયબ્રેરી તે સમયની એક પ્રખ્યાત રીસર્ચ ઇન્સ્ટીટ્યુટનો એક હિસ્સો હતી જ્યાં પ્રાચીન વિશ્વના પ્રખ્યાત વિચારકો અને વિદ્વાનો અભ્યાસ કરી ચુકેલા હતા. આ લાયબ્રેરીને નેશનલ લાયબ્રેરીનો દરજ્જો પણ મળેલ હતો. એ સમયની વિશ્વની સૌથી પેહલી અને સૌથી મોટી લાયબ્રેરીનો અંત પણ શેક્સપિયરના ડ્રામાના નાયકોના અંતની જેમ ટ્રેજિક અને હચમચાવી નાખે એવું હતું. ઈસ્વીસન પૂર્વે ૪૮ વર્ષ પેહલા જુલિયસ સીઝરની સેનાએ કરેલા એક આક્રમણમાં આ ભવ્યાતી ભવ્ય લાયબ્રેરીનો નાશ થયો. એની પેહલા પણ ઘણા વર્ષો સુધી આ રીચ લાયબ્રેરીમાં અનેક વખત આગ લાગેલી જેના પુખ્તા પુરાવા આજ સુધી કોઈ પાસે અવેલેબલ નથી. એવું કેહવાય છે કે ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્યના ૪૪મા શાશક અને સમ્રાટ જેનું નામ હતું ઓરેલીયન – એણે ઈ.સ. ૨૭૦માં એક એટેક કર્યો જેમાં સમગ્ર લાયબ્રેરી નેસ્તોનાબુદ થઇ ગઈ. લાયબ્રેરીની સાથે લાખો પુસ્તકો અને ઈજીપ્તની સંસ્કૃતિનો ભવ્ય વરસો અને જ્ઞાનનો સુરજ પણ ડૂબી ગયો. આ અંતની ગાથા વાંચતા વાંચતા જે વાચકોનો કલેજો પણ કપાયો અને આંખના ખૂણે આંસુનો ચમકારો આવતા આવતા રહી ગયો એવા મારા વહાલા રીડર મિત્રોને મારા પ્રેમ પૂર્વક સલામ. મારો આ લેખ મારા બધ્ધા વાચક ગણને અર્પણ.
લેખન અને વાંચનની આપણી સફર આગળ પણ આમ જ અવિરત ચાલતી રહે અને પાને પાને અક્ષરે અક્ષરે આપણે એક બીજામાં ખોવાયેલા, પરોવાયેલા, ડૂબેલા અને પોઢેલા હમસફર બનીને રહીએ એવી કામના સાથે છેલ્લે શાયરના ઓરીજીનલ શબ્દોની સાથે છેડછાડ કરવાની ગુસ્તાખીની માફી માગી, આ ટહુકો મારા રીડરમિત્રોને સ’પ્રેમ અર્પણ,
“બળે ગોરસે ‘પઢ’ રહા થા ઝમાના, હમ હી ‘રુક’ ગયે દસ્તા ‘લિખતે લિખતે”