Love, Life ane confusion - 4 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 4

Featured Books
Categories
Share

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 4

  લવ ,લાઈફ અને કન્ફ્યુઝન.

 રિમા અને તેની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા પહોંચે છે. ત્યાં જ જગદીશ ની થવા વાળી પત્ની જિજ્ઞાસા નો કઝીન માહિર ત્યાં પહોંચે છે. રિમા અને માહિર બંને એકબીજા ને પહેલે થી ઓળખતા હતા કે શું પણ બંને એકબીજા ને જોઈ ઑકવર્ડ રીતે બીહેવ કરવા લાગે છે અને બીજી તરફ રિમા ના મમ્મી રિમા માટે લગ્ન માં આવેલ મહેમાનો સાથે વાતો કરી રિમા માટે છોકરો શોધવા ની કામગીરી શરૂ કરે છે. દાંડિયા શરૂ થાય છે ત્યારે રિમા યાદો માં સરી પડે છે. 
ચાલો જોઈએ આગળ શું થાય છે.                       


        રિમા 


ચાર વર્ષ પહેલાં 

"અરે યાર જલ્દી કર , શિવરાત્રી ના દિવસે કોણ 9 વાગ્યા સુધી સૂતું રહે ?" રિક્ષામાંથી ઉતરતા અને નતાશા નો હાથ પકડી રીક્ષા ની બહાર ખેંચતા હું બોલી. 

"હું , શિવરાત્રી ના હું સવાર ના નવ વાગ્યા સુધી સૂતી રહું રિમા. " નતાશા આરામ થી ગોકળગાય માફક રીક્ષા માંથી ઉતરતા બોલી , " તારે શું આટલી જલ્દી હતી શિવ મંદિરે આવવા ની ?"

"ઇડીયટ આજે તો ભગવાન નો આશીર્વાદ મેળવવો જરૂરી છે. "  આગળ પહોંચતા શૂઝ ઉતરતા હું બોલી , " રીક્ષા નું ભાડું આજે તારા પર . તે લેટ કર્યું એટલા માટે."

ભાડું ચૂકવી નતાશા શૂઝ કાઢવા મારા ખભા નો ટેકો લેતા બોલી , " કેમ આજે આશીર્વાદ મેળવવા જરૂરી છે ભગવાન ના ? પેલો આજે તને પ્રપોઝ કરવા નો લાગે ?"

"કોણ પેલો ?" 

"અરે પેલો તારી સોસાયટીમાં રહે છે એ , શું નામ એનું....." એક શૂઝ કાઢી નતાશા ઉભી ઉભી વિચારવા લાગી.  

"હે શિવજી આ બેઅક્કલ છોકરી ને અક્કલ આપો થોડી. આખો દિવસ તને એ જ દેખાય કરે છે , કાંઈ વાત ન મળે એટલે છોકરાઓ ની વાતો શરૂ , પ્રપોઝ કરો , કિસ કરો , હગ કરો , સરપ્રાઈઝ આપો , અને છેલ્લે......." હું બોલતા અટકી. 

"તો શું ઉતાવળ છે ?" 

"માતે આજે શિવરાત્રી છે અને શિવરાત્રી ના દિવસે ભોલેનાથ નો પ્રસાદ લોકો ગ્રહણ કરે ને." કહેતા હું મંદિર ની સીડીઓ ચઢવા લાગી.

"એટલે તું ભાંગ પીવા માટે આવી છે અહીંયા....." નીચે ઉભા ઉભા નતાશા બોલી.

"હા તો તને શું થયું હું કંઈ અહીંયા આટલી સવારે ઉઠી અને આટલી લાંબી લાઇન માં ઉભી દર્શન કરી અને સારો છોકરો મળે મને એવી પ્રાથના કરવા આવી છું...." 
મારી વાત સાંભળતા ન નતાશા એ મોઢું મચકોડયું અને બોલી , "અરે યાર......"

હું ફરી સીડીઓ ઉતરી એની પાસે પહોંચી અને તેનો હાથ પકડી સીડીઓ ચઢવા લાગી. અને એ મોઢું બગાડતા મારી પાછળ આવતી રહી.

10 મિનિટ લાઇન માં ઉભા રહ્યા ત્યાર બાદ ભોલેનાથ ના દર્શન અમને નસીબ થયા.  એવું નથી કે અમે અહીંયા ફક્ત આજે જ આવ્યા. અમે હાલતા ચાલતા શિવજી ના દર્શન કરવા આવીએ છીએ પણ આજે શિવ ભક્ત ની વધતી સંખ્યા જોઈ અને મને એમ થાય છે કે કમાલ છે ને લોકો સમય, તિથિ , વાર અને પોતાના કામ મુજબ બીજા માણસ નો તો ભલે પણ ભગવાન નો એ જરૂરીયાત મુજબ ઉપયોગ કરે છે.  


"શું વિચારે છે , જલ્દી કર....." મને હચમચાવતા નતાશા બોલી.
મેં મારી પાછળ ની લાંબી લાઇન જોઈ , લોકો ઉતાવળા થતા હતા શિવજી ના દર્શન કરવા. મેં મારી સામે એક પથ્થર પર વાઘ ની ખાલ લપેટી એક પગ પર બીજા પગ ની પેની ચઢાવી એક હાથ માં ત્રિશુલ અને તેમાં ડમરુ લટકાવી અને બીજા હાથે આશીર્વાદ આપતા , ગળા માં સાપ અને હાથ માં વીંટળાયેલા સાપ ની સાથે ચેહરા પર અનોખું સ્મિત રાખી ભગવાન શિવ સાક્ષાત એમની તેજસ્વી આંખો થી એમના ભક્તો ને જોતા હોય એવું લાગતું હતું. 

"બેન આગળ વધો, તમને સારો વર મળી જશે એ પ્રાથના ભગવાન શિવ એ સાંભળી લીધી." પાછળ ની ભીડ માંથી કોઈક ભાઈ મારી ખીલ્લી ઉડાવતા બોલ્યો.

" તમને આટલી ઉતાવળ કેમ છે ભાઈ , તમારે પણ સારો વર માંગવો છે ?"  હું પાછળ ફરી ને બોલી.
"કરારા જવાબ મિલેગા..." આ ડાયલોગ મેં રણબીર કપૂર ની ફિલ્મ "રાજનીતિ"માં સાંભળ્યો હતો. અને ત્યાર થી હું કોઈ ને પણ મારી ખીલ્લી ઉડાવતા જોઉં ત્યારે એ ડાયલોગ યાદ રાખી ને વળતો કરારા જવાબ આપી જ દઉં.

હું વધુ કાંઈ બોલું એ પહેલાં નતાશા મારો હાથ ખેંચી ને ચાલવા લાગી. અમે મંદિર ના પટ્ટ પર પહોંચ્યા.
ડાબી તરફ ભાંગ નું પ્રસાદ વિતરણ ચાલુ હતું.  હવે મેં નતાશા નો હાથ પકડ્યો અને અમે બંને ત્યાં પહોંચી ગયા.
બે મટકા ભરેલ પડ્યા હતા , અને બે ભાઇઓ લોકો ને પ્લાસ્ટિક ના ગ્લાસ ભરી અને પિસ્તા વાળા દૂધ નું વિતરણ કરી રહ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યાં જ એક ભાઈ એ અમારી તરફ બે ગ્લાસ લંબાવ્યા.

" ભાંગ વાળું છે કે સાદું ?"  હું ગ્લાસ તરફ જોઈ બોલી.

" બેન ટેન્શન ન લો સાદું જ છે." એ ભાઈ  માણસાઈ દેખાડતો બોલ્યો.

"પણ અમારે ભાંગ વાળું જોઈએ છીએ." હું બેફિકર બની બોલી. થોડી ક્ષણ એ ભાઈ મારી સામે એવી રીતે જોતો રહ્યો જાણે મેં એની પાસે કંઈક ઇલીગલ વસ્તુ માંગી લીધી હોય. 
"ભાઈ , ગુજરાત માં દારૂ બંધ છે , કોઈક વખત નશો કરવા ની ઈચ્છા થાય તો પણ લાઇસન્સ જોઈએ. તો મારા ભાઈ આ જ એક એવો તહેવાર છે જ્યાં વગર શરમ રાખ્યે આપણે શિવ ભગવાન ની પ્રસાદી ગ્રહણ કરી શકીએ." આ ડાયલોગ હું એ ભાઈ ને કહેવા ઇચ્છતી હતી પણ ન બોલી.  
અજાણ્યા માણસ સામે શા માટે દલીલ કરવી એમ વિચારી ચૂપ રહી. 

ત્યાં એ ભાઈ એ બે ગ્લાસ ભાંગ વાળા દૂધ ના આપ્યા. 

હું કંઈ બોલ્યા વિના એ લઈ નતાશા પાસે આવી. અને અમે બંને બે ઘૂંટ માં જ એ આખો ગ્લાસ ખાલી કરી ગયા. 
"હજી એક ...?" મેં નેણ ઊંચા ચઢાવી ને નતાશા સામે જોયું.

"ના ના , બસ આજ પૂરતું બસ. હવે ધુળેટી માં સીધું." મારા હાથ માંથી ગ્લાસ લેતા નતાશા બોલી.
"સામે ડસ્ટબીન છે હું ત્યાં ગ્લાસ ફેંકી આવું , પછી ઘરે જઈએ. "

નતાશા હંમેશા મને આવી નાદાની કે મસ્તી કરતા રોકતી. મને વાત વાત પર ટોકતી.  પણ ક્યાંક ને ક્યાંક એ પણ આ બધું એવી જ રીતે એન્જોય કરતી જે રીતે હું કરું છું. 
ઓહ નતાશા વિસે તમને જણાવી દઉં. એ મારી ફ્રેન્ડ છે અને પડોશી પણ. અને હા એ મારા કરતાં કંઈક એક વર્ષ અને સાત મહિના મોટી છે એટલે ઓવરઓલ એ મારા કરતાં 2 વર્ષ મોટી થઈ.  

અમે સાથે ફરીએ છીએ , શોપિંગ કરીએ છીએ , મુવી જઈએ છીએ અને સ્ટડી કરીએ છીએ . 
સ્ટડી એટલે કે એ જે સ્કૂલ માં જતી એ જ સ્કૂલ મેં પણ જોઈન કરેલી , એ જે ટ્યુશન માં જતી એ ટ્યુશન પણ , એ જે કોલેજ માં હતી એ કોલેજ પણ અને હવે એ જે સ્ટ્રીમ માં માસ્ટર ડીગ્રી કરે છે એ માસ્ટર ડીગ્રી પણ હું કરવા ની છું. 
હું એને ફોલો નથી કરતી પણ મને ખબર છે એનો ડિસિઝન હંમેશા રાઈટ હોય છે અને એક રીતે હું તેને મારી આઇડલ જ માનું છું. અમારો નેચર , વિચાર , દુનિયા ને જોવા નો અંદાજ બધું સરખું જ છે. એટલા માટે તો અમે ફ્રેન્ડ છીએ ને . 

"નતાશા...." મેં તેને બૂમ લગાવી. 
જ્યાર થી "આશીકી 2 " મુવી જોયું છે ને ત્યાર થી  બસ રાહુલ જયેકર ની જેમ નતાશા ને બૂમ લાગવું અને પછી જ્યારે એ મારી સામે જુએ અને પૂછે "શું" તો એમ કહું કે "કાંઈ  નહીં , બસ એમ જ." 

મારી બૂમ સાંભળી એ મારા તરફ ફરી અને  સામે થી આવતા કોઈ છોકરા સાથે અથડાય.
અહાહા શું મસ્ત સીન ચાલે છે. નતાશા એ અથડામણ ને કારણે પડવા જતી હતી અને તે છોકરા એ તેને કમર થી પકડી અને બચાવી.... 

પણ ફિલ્મો માં આ સીન સ્લોમોશન માં બતાવે રિયાલિટી માં તો બસ દશ પંદર સેકન્ડ ની અંદર બધું કામ પતી ગયું. એ છોકરા ને નતાશા એ થેન્ક યુ કહ્યું અને બંને એકબીજા ની વિરુદ્ધ દિશા માં ચાલતા પણ થઈ પડ્યા.

નતાશા ગ્લાસ ડસ્ટબીન માં ફેંકી મારી પાસે આવી.
"કોણ હતો પેલો હેન્ડસમ ?" મેં મારા ખભા વડે તેના ખભા ને ધક્કો આપ્યો.

"કોણ...? ઓહ પેલો જેને મને પડતા બચાવી....એ ? તને હેન્ડસમ લાગ્યો ?" ઉલ્ટા નો નતાશા એ મને પ્રશ્ન પૂછ્યો.

"કેમ તું ઓળખે છે એને ?" મેં નિર્દોષ ઇન્કવાયરી કરી.

"હા ,મારા જ કોલેજ માં મારી સાથે જ સ્ટડી કરે છે . અને તારી જાણ પૂરતું કહી દઉં હેન્ડસમ તો જરા પણ નથી એ . " નતાશા ચાલવા લાગી.

"નામ શું છે એનું ?" હું નતાશા પાછળ ચાલતા બોલી. 

નતાશા અટકી મારા તરફ ફરતા બોલી , "માહિર ...."



***