આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને તેના મિત્રો આબુના પ્રવાસેથી પરત ફરે છે. થોડા દિવસો બાદ આબુમાં જે હાસ્યએ અભીને મોહિત કર્યો હતો એજ હાસ્ય એને કોલેજમાં સંભળાય છે. હવે આગળ...
*****
તને જોવા માટે આ તે કેવી મનમાં
બેચેની છે..!?
તું તો દિવસેને દિવસે બનતી મારા માટે એક પહેલી છે..!?
કાશ! કઈક કરામત થાય ને દેખાય આ ચહેરો,
લાગે મારા હૈયાની હવે આજ આશ અધૂરી છે!
"અભ્યુદય, લેક્ચર શરૂ થશે 10 મિનિટમાં.. ક્યાં જાય છે?", અભી ને H. O. Dની ઓફીસ તરફ જતા સ્વપ્નિલે એને બૂમ પાડીને રોક્યો. અને સ્વપ્નિલનો અવાજ જાણે અભીને કોઈક બીજી દુનિયામાંથી બહાર લાવે છે.
"એ...હા... આવ્યો..", અભી સ્વપ્નિલ પાસે પહોંચી કલાસરૂમમાં જાય છે. રસ્તામાં પણ અભીને ખોવાયેલો અને કન્ફ્યુઝ જોઈ સ્વપ્નિલને થોડું આશ્ચર્ય થાય છે.
કલાસ ચાલુ થયો એટલે બધા કલાસમા ગોઠવાયા. અભિ અને વેદ પાસે જ બેઠા હતા. ઉદયસરનો 'એનાલોગ ઇલેક્ટ્રોનિક સર્કિટ' નો લેક્ચર ચાલુ થયો. આખો કલાસ લગભગ ભરેલો લાગતો હતો કારણ કે હજુ સેમેસ્ટરની શરૂઆત જ થઈ હતી અને એમાંય આતો ઉદયસર... એમની ભણાવવાની મેથડ સરસ અને પાછી એમની સેન્સ ઓફ હ્યુમર. એ જ્યારે કઈ સમજાવતા હોય ત્યારે બધા સ્ટુડન્ટનું ધ્યાન એમનામાં જ હોય. પણ આજે અભીનું ધ્યાન ક્યાંક બીજે હતું એ વાત તો વેદે પણ નોટિસ કરી લીધી.
થોડી વાર થઈ ત્યાં તો કોઈનો અવાજ સંભળાયો,
"May I come in sir......"
બધાનું ધ્યાન દરવાજા પર ગયું. સ્વાભાવિક રીતે અભીનું ધ્યાન પણ ત્યાં ગયું જ.
અભી જાણે પોતાની નજર પર વિશ્વાસ જ નહતો કરી શકતો. જે ચહેરાને ફરી જોવાની ઈચ્છા એના મનમાં લગભગ કેટલાય મહિનાથી હશે એ ચહેરો આજે એની સામે હતો. એ ચહેરાને જોઈ અનાયાસે જ એના મોઢા માંથી શબ્દો સરી પડ્યા...આકાંક્ષા...
આકાંક્ષા શાહ...થોડી ભીને વાન. ચમકતી લીસ્સી ત્વચા, પ્રમાણસર આંખો અને આમ જોવા જઈએ તો સાધારણ દેખાવ અને કદ કાઠી. ખભા સુધીનાં સ્ટેપ ક્ટ સોનેરી વાળ જેની લટો આખો વખત ઢળીને આંખો જોડે અટખેલીયા કરતી હોય.
આકાંક્ષા અમદાવાદના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી. એના મમ્મી એક ગૃહિણી અને પિતા એક મિકેનિકલ એન્જિનિયર હતા એટલે એક ગૃહિણીની કુનેહ અને એન્જિનિયરિંગ કરવાની ધગશ એને વારસામાં મળી હતી.
અમદાવાદનો ઉચ્ચ મધ્યમવર્ગ એટલે કે જાણે શ્રીમંતોની લાઇફ સ્ટાઈલ જોડે હોડ લગાવતો વર્ગ. અને એના માટે એમને સતત દોડવું પડતું. અને એટલે જ કદાચ આ વર્ગ જ અમદાવાદને સતત ધબકતું અને જીવંત રાખે છે એમ કહી શકાય..!!
તો આવાજ વર્ગમાંથી આવતી આકાંક્ષા અમદાવાદની જિંદગી જોડે તાલમેલ ધરાવવા સમર્થ અને એકદમ જીવંત. અને એની આજ જીવંતતા એને સાધારણમાં પણ ખાસ બનાવતી. એના ચહેરા પર સદાય રમતું હાસ્ય અને આંખોમાં રહેલી ચમક જાણે લોહચુંબકનું કામ કરતા. એક વાર જે એના ચહેરા ઉપર નજર કરે એની નજર એક પળ માટે તો ત્યાં રોકાઈ જ જતી હતી..!!
"please come", ઉદયસરએ આવકારતા કહ્યું.
ઉદયસર જાણે એને ઓળખતા હોય એમ એમણે ઉમેર્યું કે, "મને H. O. D. સરે હમણાં જ તમારી વાત કરી. આ ટ્રાન્સફર લઈ પ્રાપ્તિ પટેલના સ્થાને અહીં આવેલ છે. આજથી આ તમારા ન્યૂ ક્લાસમેટ છે આકાંક્ષા શાહ."
આ સાથે એમણે લેક્ચર ફરી શરૂ કર્યો. આ બાજુ આકાંક્ષા પણ હવે એના જ ક્લાસમાં છે એ વાતથી અભીને મનમાં એક અલગ જ રોમાંચ થઈ રહ્યો હતો અને સાથે ક્યારે એની જોડે વાત થશે એની બેચેની પણ..!!
લેક્ચર પૂરો થતાં ઉદયસરે આકાંક્ષાને કહ્યું, "તમે અભ્યુદય પાસેથી આગળના લેક્ચરની નોટ્સ લઈ લેજો.", એમ કહી અભ્યુદય તરફ ઈશારો કરી કલાસની બહાર નીકળી ગયા.
આ તરફ અભીને તો ભાવતું તું ને વૈદે કીધું એવું થયું.
"વેદ, હું પેલી ન્યુ સ્ટુડન્ટને નોટ્સ આપતો આવું અને તમે પણ ચાલો આપણે એને મળી લઈએ", અભીએ ઉતાવળા થતા કહ્યું.
"વેઈટ.. એને નોટ્સની જરૂર હશે તો એ આવશે.", વેદે એના અલગ જ અંદાજમાં બોલ્યો.
"હેય.. ન્યુ સ્ટુડન્ટ આવી છે આપણા કલાસમાં?", મહેક અને સૌમ્યા અભી સામે પૂછતાં પૂછતાં કલાસમાં એન્ટર થયા.
"તમે બેય છેક હમણાં..!?", સ્વપ્નિલે સામો સવાલ કર્યો.
"હા.. આવી છે અને હું એનો ઇન્ટ્રો કરવાનું કહું છું પણ વેદ ના પાડે છે." અભી થોડા ફરિયાદના સૂરમાં બોલ્યો.
"ઓ હલો...પૂરી વાત બોલને આમ અધૂરી વાત કેમ કરે છે." વેદ તરત જ બોલી ઉઠ્યો. અને પછી ઉમેર્યું કે, "ઉદય સરે ન્યૂ કમર્સને કીધું છે અભી જોડેથી નોટ્સ લેવાનું અને આ ભાઈને સામેથી નોટ્સ આપવા જવી છે."
મહેકે તરતજ વેદની વાતમાં સુર પુરાવ્યો ત્યાં અચાનક પાછળથી કોઈ મીઠા અવાજમાં બોલ્યું, "એક્સક્યુસ મી.. અભ્યુદય!"
આ તરફ અભી પહેલીવાર એનું નામ આકાંક્ષાના મોઢે સાંભળીને એક પળ માટે જાણે અવાચક થઈ ગયો. એને શુ જવાબ આપવો એનું પણ ભાન ન રહ્યું. એ એકીટશે આકાંક્ષાની સામે જોઈ રહ્યો હતો.
"હા આ છે અભ્યુદય.. અભી.. ને હું વેદ.", વેદે અભીના પેટમાં કોણી મારીને એને જગાડ્યો.
"હાય.. હું આકાંક્ષા શાહ..", આકાંક્ષાએ પોતાનો પરિચય આપતા કહ્યો.
"હા.. આઈ નો...સોરી..આઈ... એમ સોરી..", અભી વાક્ય વાળતા બોલ્યો.
"હું સ્વપ્નિલ, આ મહેક ને આ સૌમ્યા..", સ્વપ્નિલ એની આદત મુજબ સહેજ પણ સમય બગાડ્યા વગર એક જ શ્વાસે બોલ્યો.
બધાએ એક ફોર્મલ સ્માઈલ એકબીજાને આપી. હજુ અભી જાણે એના બીજા વિશ્વની જ સફરે હતો ત્યાં અચાનક એના હાથમાંથી નોટ્સ ખેંચી વેદે આકાંક્ષાને આપી દીધી ને અભી ફરી ઝબકયો.
"ઓહ થેન્ક્સ.. બટ હા, કાલે શનિવારે હું કોલેજ નહિ આવી શકું મારે થોડું કામ છે. તો આ સોમવારે આપું તો ચાલશે?" આકાંક્ષાએ પૂછ્યું.
"હા.. હા... ચાલશે..", અભી બોલ્યો.
આ તરફ આકાંક્ષા નોટ્સ લઈ ક્લાસની બહાર જતી રહીને આ તરફ આ બધા કેન્ટીનમાં જાય છે.
કેન્ટિનમાં જઈને બધા એમની રોજની બેઠક પર ગોઠવાઈ ગયા.
"સોમી, તારી મેગીનો ઓર્ડર મેં આપી દીધો છે." , અભી એ વેફરના પેકેટ અને ચા ટેબલ પર મુકતા કહ્યુ.
"હા..આમ પણ મને મેગીની જ ઇચ્છા હતી", સોમીએ હળવા સ્મિત સાથે કીધું..
"હમમમ.. હવે હું કઈક કામની વાત કરું..? આ સિનિયર મને બે દિવસ થી પૂછે છે કે આ સોમવારે થનારા "ફન એન્ડ સાયન્સ ડે" માં આપણે કઈ ગેમમાં ભાગ લેવાના છીએ!ચલો જલ્દી આ લિસ્ટ પકડોને નક્કી કરો. આજે શુક્રવારે લાસ્ટ ડે છે નામ લખાવાનો.", સ્વપ્નિલે એક લિસ્ટ પકડાવીને કહ્યું.
"અરે સ્વપ્નિલ.. હું તો લગ્નમાં જવાનો સોમવારે એટલે મારુ તો કેન્સલ", વેદે કહ્યું.
"હું ને સોમી આ ફન ગેમ્સમાં રહીશુ અમને બહુ ટેકનીકલમાં મજા નહિ આવે.", મહેકે સોમી સાથે કઈક નક્કી કરીને જણાવ્યું.
"તો સ્વપ્નિલ આપણે આ "ઇલેક્ટ્રો હન્ટ"માં રહીએ. એમાં બે જણની ટીમ જોઈએ. તો તું અને હું. તૈયારી માટે હજુ શનિ - રવિ છે જ તો થઈ જશે. શુ કેવું?" અભીએ સ્વપ્નિલ સામે જોઈ કહ્યું.
"ડન. હું હમણા જ બધાના નામ લખાવી દઈશ. આમપણ મને સિનિયરે એમની સાથે રહેવા કીધું છે ફન ગેમ્સમાં ઘણું કામ છે સો..", સ્વપ્નિલે જવાબ આપ્યો.
સ્વપ્નિલે બધા મિત્રોનું જેતે ગેમ્સમાં નામ લખાવી દીધું. શનિવારે બધાએ પોતપોતાની ગેમ્સને લગતી તૈયારીઓ શરૂ કરી. અભી અને સ્વપ્નિલ ટેકનીકલ ગેમ્સમાં રહ્યા હતા એટલે એમણે લાયબ્રેરીમાં જઇ ઇલેકટ્રીક સર્કિટની બુક સ્ટડી શરૂ કરી દીધી. આ બાજુ સોમી અને મહેક અલગ અલગ ગેમ્સમાં રહ્યા હતા એમને પણ એની પ્રેક્ટિસ શરૂ કરી દીધી.
આખરે સોમવાર આવી ગયો, "ફન એન્ડ સાયન્સ ડે". આખા દિવસની ઇવેન્ટ હતી અને પાછું સેકેન્ડ યર વાળા માટે કોલેજમાં આવ્યા પછીની પહેલી જ ઇવેન્ટ હતી એટલે બધા મસ્ત તૈયાર થઈને આવ્યા હતા. કોલેજમાં જાણે કે ફેશન શો જેવું વાતાવરણ થઈ ગયું હતું..!
એકબાજુ સ્વપ્નિલ આવતાંવેંત એમના સિનિયરને મદદ કરવામાં લાગી જાય છે જ્યારે સૌમ્યા અને મહેકની ગેમ બપોરે હોવાથી એ લોકો ચારે બાજુ ફરીને બધું નિરીક્ષણ કરવામાં લાગી જાય છે. એટલામાં એક સિનિયર સ્વપ્નિલને ઇવેન્ટની લાસ્ટ ગેમ માટે જરૂરી સામાન લેવા માટે સાથે આવા માટે કહે છે. સ્વપ્નિલ અને અભીની "ઇલેક્ટ્રો હન્ટ" આમ પણ બે વાગે હતી એટલે સ્વપ્નિલ તરત જ જવા માટે એગ્રી થઈ જાય છે.
સમય તો પાણીની જેમ સરકતો હતો. બાર વાગી ગયા અને હજી સ્વપ્નિલ પાછો આવ્યો નહતો. એટલામાં એક સિનિયર આવીને ખબર આપે છે કે સ્વપ્નિલ ને એનો ફ્રેન્ડ જે બાઈક પર હતા એનો એક્સીડન્ટ થયો છે અને બન્ને ને વાગ્યું છે ને ડોક્ટરે એમને રેસ્ટ કરવા કહ્યું છે.
એક્સીડન્ટનું સાંભળીને અભી તરત જ સ્વપ્નિલને ફોન જોડે છે. સ્વપ્નિલ જણાવે છે કે," એટલું બધું પણ મેજર નથી બન્ને ને મૂઢમાર વાગ્યો છે તો પેઇન બહુ વધારે છે.અત્યારે દવા લીધી છે તો સારું છે. તું કોઈને કહીશ નહીં ને અહીં આવીશ પણ નહીં. આજે બધું પતી જાય પછી કાલે વાત કરીએ. ને હા, તારે ગેમ માટે કોઈ બીજો પાર્ટનર જોઈશે એ શોધી લેે પેલા." સ્વપ્નિલની તબિયત સારી છે એ જાણીને અભીને રાહત થાય છે પણ હવે લાસ્ટ ટાઈમે પાર્ટનર શોધવું એ ખૂબ જ અઘરું કામ હતું.
આ તરફ અભી એના બીજા એક બે ફ્રેન્ડને પૂછે છે પણ એ લોકો પણ કોઈક બીજી ગેમમાં રહ્યા હતા. હવે સમય બહુ જ ઓછો હતો. અભીએ બહુ તૈયારી કરી હતી એમાંય સર્કિટ તો એની સૌથી પ્રિય..પણ ગેમના નિયમ પ્રમાણે બે વ્યક્તિ ટીમમાં હોવું ખૂબ જરૂરી હતું. ત્યાં અચાનક લોબીમાં ફરતા એનું ધ્યાન આકાંક્ષા તરફ જાય છે. બન્નેની નજર મળે છે. આકાંક્ષા હાથ હલાવી એને ઉભો રહેવા કહે છે.
"હાય.. આ તમારી નોટ્સ આપવાની હતી. હું તમને ક્યારની શોધતી હતી. આજે લાગે કઈક ઇવેન્ટ છે સો બધા એમાં જ બિઝી છે કદાચ એટલે કલાસરૂમ માં પણ કોઈ નહતું.", આકાંક્ષા ઉભા ઉભા બેગમાંથી નોટ્સ આપતા બોલી.
ત્યાં અચાનક એનું ધ્યાન આકાંક્ષાની બેગ માં પડે છે એમાં ઇલેકટ્રીક સર્કિટના ઓથરની બુક હોય છે.
"આ બુક! તમે પણ આ બુક વાંચો છો?", અભીએ બુક તરફ ઈશારો કરીને પૂછ્યું.
"આ.. અરે હા, મને ખાલી પરીક્ષાઓ માટે જ ભણવું એવુ નથી ગમતું. આ ફિલ્ડ તો જાણે મારુ જીવન છે ને સર્કિટ મારો શ્વાસ...", જરાક હસતા હસતા નોટ્સ અભીને આપતા આકાંક્ષા બોલી.
જાણે અભીના મગજમાં કોઈ બેલ વાગ્યો.એને લાગ્યું જાણે એને ગેમ માટે પાર્ટનર મળી ગયો. એને કઈ જ વિચાર્યા વગર સીધુ પૂછી જ લીધું.
"તમે મારા ગેમ પાર્ટનર બનશો?"
વિચાર્યા વગર મુકાઈ છે વાત,
શું ના માં પણ હશે કોઈ બીજી વાત !?
'હા','ના' માં અટવાઈ છે વાત,
શું હામી ભરવાથી થશે કોઈ નવી શરૂઆત !?
@હિના દાસા, રવીના વાઘેલા, શેફાલી શાહ..