No return-2 part-59 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૫૯

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૫૯

નો રીટર્ન-૨

ભાગ-૫૯

એ ધમાચકડી ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં જ સમેટાઇ હતી. પણ એ ચંદ મિનિટો જાણે વર્ષોથી વહેતી હોય એવી રીતે પસાર થઇ હતી. પ્રોફેસર અને એક સ્નાઇપર આપસની લડાઇમાં બહું ખરાબ રીતે મરાયા હતાં. પાશેરામાં પહેલી પૂળી સમાન એ મૃત્યું હતાં. ખબર નહીં આ જંગલ હજું કેટલાનાં જીવ લેવાનું હતું.

ક્લારાએ એક સ્નાઇપરને ગન પોઇન્ટ ઉપર રાખ્યો હતો એ દરમ્યાન રોગન તેની નજીક પહોચ્યો હતો. થડનાં ટેકે કરાહતા બેઠેલાં સ્નાઇપરને જોઇને તેનો પિત્તો ઉછળ્યો હતો. જો સહેજ શરતચૂક થઇ હોત તો થોડીવાર પહેલાં તેનાં રામ રમી ગયાં હોત. આ વ્યક્તિએ છોડેલી ગોળીથી તે માત્ર એકાદ ઇંચનાં ફાંસલાંથી બચ્યો હતો. તેનાં કાનની એકદમ નજીકથી સનસનાતી ગોળી પસાર થઇ ગઇ હતી. તેનાં સદનસીબે તે અત્યારે જીવીત બચ્યો હતો નહિંતર આ વ્યક્તિએ તો પૂરી તૈયારી સાથે જ ફાયર કર્યો હતો. રોગનને કાળ ચડતો હતો. તે એ સ્નાઇપરની વધું નજીક ગયો અને તેની આંખોમાં તાકયું. પેલાંની આંખોમાં ભયાનક દર્દનાં લીધે આંસુ ઉભરાતાં હતાં. પણ રોગનને તેની દયા આવી નહીં. દાંત ભિસીને તેણે ભારેખમ બૂટની એક ઠોકર તેનાં પડખામાં ઠોકી દીધી. “ ધફફફ.....” કરતો અવાજ આવ્યો અને સ્નાઇપર બેવડા દર્દથી કરાહી ઉઠયો. પછી રોગન એટલેથી રોકાયો નહીં. “ ધફા ધફ....ધફા ધફ...” કોઇ પાગલ માણસની જેમ તેણે લાતો વરસાવાનું શરૂ કરી દીધું. તેનાં દરેક વારે પેલો વ્યક્તિ બરાડા પાડતો રહ્યો પણ રોગનનાં મનમાં દયાનું જાણે નામોનિશાન નહોતું. ક્લારા એ અજીબ ખેલ જોઇ રહી. જો તેણે આને પરાસ્ત કર્યો ન હોત તો એની જગ્યા અત્યારે પોતે હોત એ પણ નિર્વિવાદીત સત્ય હતું. આ વ્યક્તિ તેમને મારવાં જ આવ્યો હતો એટલે તેની ઉપર દયા ખાવા જેટલી સહદયતાં ક્લારામાં પણ નહોતી. પણ તે એક વાત સમજીતી હતી કે આ વ્યક્તિનું જીવિત રહેવું જરૂરી છે. તેની પાસેથી એ વ્યક્તિનું નામ જાણવું જરૂરી હતું જેણે તેને અહીં મોકલ્યો હતો. તે આગળ વધી અને રોગનને અટકાવ્યો..

“ રોગન, થોભ...! એ મરી જશે તો આપણને ક્યારેય જાણવાં નહીં મળે કે તેને કોણે આપણી પાછળ મોકલ્યો છે..”

રોગન અટકયો. તેનાં કપાળે પરસેવો ફૂટી નિકળ્યો એટલો પેલાને માર્યો હતો. એ વ્યક્તિ લગભગ સૂધબૂધ ખોઇને નીચે આળોટતો હતો. તે મરવાની અણીએ હતો. રોગન નીચો નમ્યો અને તેનાં વાળ મુઠ્ઠીમાં પકડીને તેનો ચહેરો ઉંચો કર્યો. પેલાનાં મો માંથી લોહી જમતું હતું... અને લાળ મિશ્રીત લોહીનો રગેડો તેની છાતી ઉપર રેલાતો હતો.

“ એક જ સવાલ પુછીશ...! કોણે મોકલ્યો છે તને...? “ રોગને તેનાં વાળનો જથ્થો કોઇ જંગલી આદમીની જેમ ખેંચતાં પુછયું.

જવાબમાં પેલો વ્યક્તિ હસ્યો. જબરદસ્ત પીડાથી તેનું એકએક અંગ તૂટતું હતું છતાં તે હસ્યો હતો. “ કાર્લોસ...! “ ફક્ત એટલું જ બોલ્યો અને ફરીવાર હસ્યો. ક્લારા અને રોગન બન્નેને એ નામ સાંભળીને ઝટકો લાગ્યો. તેમણે અસમંજસથી એકબીજા સામું જોયું. બહું જલ્દી કાર્લોસ તેમનાં વિશે જાણી ગયો એનું આશ્ચર્ય તેમની આંખોમાં ઉભર્યુ. ક્યારેક તો આ થવાનું જ હતું પરંતુ આટલી જલ્દી થશે એનો વિશ્વાસ થતો નહોતો. પણ કાર્લોસ જેવા વ્યક્તિને વધું સમય અંધારામાં રાખવો શક્ય જ નહોતું. પ્રોફેસરે અગાઉથી જ નક્કી કર્યું હતું કે તેઓ સ્પષ્ટ રીતે કોઇ ચિત્રમાં આવશે નહી. ફક્ત કાર્લોસ અને તેની ટીમનો પીછો કરવામાં આવશે અને જ્યારે તેઓ ખજાનાં સુધી પહોંચી જાય પછી હલ્લો કરીને ખજાનો પોતાનાં હસ્તગત કરી લેવાનો પ્લાન પ્રોફેસરનો હતો. પણ હવે આખી બાજી ખુલ્લી પડી હતી. કાર્લોસે તેનાં સ્નાઇપરને અહીં તેમની પાછળ મોકલ્યો એનો મતલબ સાફ હતો કે તે બધું જ જાણતો હતો. રોગન અને ક્લારા થડકી ઉઠયા. આ બાબત ઘણી ગંભીર હતી અને પ્રોફેસરને તેનાથી અવગત કરાવવાં જરૂરી હતાં.

“ તું અહીં જ રહેજે. હું પ્રોફેસરની પાછળ જાઉં છું. “ રોગન બોલ્યો અને ત્યાંથી ટેકરીનો ઢોળાવ ઉતરીને જંગલમાં અંતર્ધાન થયો. તેને એમ જ હતું કે પ્રોફેસર એ તરફ ક્યાંક હશે. હજું સુધી પ્રોફેસર ક્યાંય દેખાયો નહી તેનું આશ્વર્ય રોગનને થતું હતું. ઉપરાંત એ જે તરફ ગયો હતો એ બાજું હમણાં જ ફાયરીંગ થયું હતું એની પણ ચિંતા હતી.

આ ટેકરી જેવી જગ્યા અને તેનાં નિચાણ વાળા વિસ્તારમાં ઘણું ગીચ જંગલ હતું. ગગન ચુંબતા ઉંચા વૃક્ષો અને નીચે જમીન ઉપર પથરાયેલી લીલીછમ હરીયાળી વનસ્પતિ જંગલને ઓર ઘેરું બનાવતા હતાં. રોગન એમાંથી રસ્તો કરતો આગળ વધ્યે ગયો. “ પ્રોફેસર....” તેણે બુમો પાડી પણ સામો કોઇ પ્રત્યુતર સાંપડયો નહીં. જમણી બાજું ઘણે અંદર સુધી તે આવી ગયો હતો. અને સાવ અચાનક જ તેનાં પગ અટકી ગયાં. સામે જમીન ઉપર કોઇક પડયું હતું. તે સતર્ક બન્યો. એકે ૪૭ ને મજબુતીથી હાથમાં પકડીને સાવધાની વર્તતો તે એ તરફ ધીમા પગલે ચાલ્યો. એક મોટા ઝાડનાં થડીયા પાસે એ વ્યક્તિ ચત્તોપાટ પડયો હતો. રોગન તેની નજીક પહોચ્યો અને તેની આંખો પહોળી થઇ. “ ઓહ ગોડ... પ્રોફેસર. “ અનાયાસે જ તેની ધડકનો તેજ થઇ ઉઠી. હાં... એ પ્રોફેસર જ હતો. ભીની ધરતી ઉપર છવાયેલાં વેલાઓની ચાદર પાથરીને જાણે તે સૂતો હોય એવું પ્રતિત થતું હતું. પણ...તે બેજાન હતો. તે મરી ચૂકયો હતો. તેનાં ગળામાંથી ઘાટા લોહીનો રગેડો નિકળી ગરદન ઉપર રેળાઇને નીચે જમીનમાં સમાઇ જતો હતો. રોગનની આંખો ફાટી પડી હતી અને તે પ્રોફેસર તરફ દોડયો હતો. પ્રોફેસરની એકદમ નજીક આવીને તે અટકયો અને ગોઠણભેર બેસી પડયો. “ માય ગોડ પ્રોફેસર... આ શું થયું...? “ તેને એમ જ હતું કે તે ઘાયલ થઇને નીચે પડયો છે. પણ પ્રોફેસરની આકાશ તરફ તકાયેલી ખૂલ્લી આંખો જોઇને કંઇક અમંગળ કલ્પનાઓ તેનાં મનમાં ઉભરી ગઇ. તેણે પ્રોફેસરને ઢંઢોળ્યો... અને પછી અટકી ગયો. પ્રોફેસરનો જીવન દિપ બુજાઇ ચૂકયો હતો. પણ અત્યારે શોક પ્રગટ કરવાનો સમય નહોતો. કારણકે પ્રોફેસરને કોઇકે ગોળી મારી હતી અને એ વ્યક્તિ જરૂર નજીકમાં જ ક્યાંક હોવો જોઇએ.

રોગને પ્રોફેસરની ખૂલ્લી આંખોને હથેળીથી બંધ કરી અને એક અનુમાનનાં આધારે તે સામેની દિશામાં આગળ લપકયો. પ્રોફેસરની બોડીની પોઝીશન જોતા વાર સામેની બાજુથી જ થયો હોવો જોઇએ એવું તેનું અનુમાન હતું. થોડી જવારમાં તેને એ હુમલાખોરનું ઠેકાણું મળી ગયું હતું. દુરથી એક આદમી તેની રાઇફલ ઉપર ઢળી પડેલો નજરે ચડતો હતો. એનો મતલબ સાફ હતો કે થોડીવાર પહેલાં જે ધડબડાટી મચી હતી તેમાં આ લોકો સામસામે ફાયરીંગમાં મરાયા હશે. ઉપરંત રોગનનાં ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે સ્નાઇપર એક નહીં પરંતુ બે હતા.

પ્રોફેસરનાં મૃત્યુંનું તેને ઘણું દુઃખ થયું હતું છતાં, તે બહું જલ્દી સ્વસ્થ થયો હતો. તેણે ક્લારાને પણ સંભાળવાની હતી કારણકે આ સમાચાર સાંભળીને સૌથી વધારે આઘાત તેને જ લાગવાનો હતો. ક્લારા પ્રોફેસરની દિકરી હતી, આ વાતની લગભગ કોઇને ખબર નહોતી. એ ચોખવટ કરવાની હજું સુધી ક્યારેય જરૂર પણ નહોતી પડી એટલે બધા એમજ સમજતાં હતાં કે ક્લારા એમની સ્ટૂડન્ટ હશે. પણ હકીકત કંઇક અલગ હતી. એ બાપ દિકરી વર્ષોથી ખજાના વિશે માહિતી ભેગી કરતાં આવ્યાં હતાં અને રોગન ક્લારાને પ્રેમ કરતો હતો એટલે તેમની સાથે જોડાયો હતો.

પ્રોફેસરનાં મોતનો ક્લારાને કેટલો આઘાત લાગશે એ રોગન કલ્પી શકતો નહોતો. તેને કેમ આ વાત જણાવવી એની દુવિધા ઉદભવી હતી. પણ જણાવવું તો પડવાનું જ હતું ને....! મન મક્કમ કરીને વળી તે ક્લારા તરફ ચાલ્યો.

એ દરમ્યાન ક્લારાએ પેલાં આદમીનાં સેટેલાઇટ ફોન ઉપરથી કાર્લોસને ફોન લગાવ્યો હતો અને ફોન તેને પકડાવી દીધો હતો.

“ તારા બોસને કહે કે તેં અહી બધાને પતાવી દીધા છે...! અને જો કોઇ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો....“ બાકીનું વાક્ય તેણે અધ્યાહાર છોડી દીધું અને ગનનું નાળચું એ આદમીનાં માથે ટેકવ્યું. જોકે એની જરૂર પડે તેમ નહોતી. કાર્લોસનો આદમી સંપૂર્ણ સહકાર આપવા તૈયાર હતો. તેની હાલત એટલી ખરાબ હતી કે ચાહે તો પણ કોઇ ચાલાકી કરવાનું તે વિચારી શકે તેમ નહોતો. ફોન જોડાયો એટલે ક્લારાએ જે કહયું એ તેણે કાર્લોસને જણાવી દીધું અને ફોન કટ કર્યો. ફોન મુકાયો કે તુરંત ક્લારાએ શોટ ગનનું ટ્રીગર દબાવી દીધું. પેલો સ્નાઇપર ત્યાં જ ઢેર થઇ ગયો. તેની ખોપરીનાં પરખચ્ચા ઉડી ગયાં હતાં.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.