kadvu saty in Gujarati Magazine by Falguni Dost books and stories PDF | કડવું સત્ય

Featured Books
Categories
Share

કડવું સત્ય

આજ જે અહીં રજૂઆત કરી રહી છું એ પીડા માંથી દરેક માનવી પસાર થાય છે. રાત દિવસ જે સમાજમાં ક્રાઈમ્સ થઈ રહયા છે એનો ભોગ દરેક માનવી બને છે. દરેક માનવી પરેશાન છે છતાં કોઈ તેને રોકવાનો પ્રયત્ન કરતુ નથી. પોલીસ મદદ કરે તો ગવાહ મળતા નથી, કારણ માત્ર એક જ છે ડર! અને જેમને ડર નથી એમની અંદરની માનવતા ધીરે ધીરે નાબૂદ થઈ રહી છે.

આખું જીવન ડરીને રહેવું દરેકને મંજુર છે પણ કોઈ ને ક્રાઈમ્સને રોકવાનો પ્રયત્ન કરવો નથી. ઘણા ડરપોક લોકો સ્વાર્થી વાત કરતા પણ અચકાતા નથી. એવું જાહેરમાં બોલે કે,"આપણને ક્યાં કઈ થયું છે? આપણે આપણા કામથી મતલબ રાખવાનો". બસ આવી વિચારસરણી જ ક્રાઈમ્સને વધારે છે. આજ કોઈ બીજા પર જુલ્મ થાય છે કાલ તમારા પર પણ થઈ શકે છે. આજ કોઈ માટે તમે આગળ વધશો તો કાલ તમારે માટે કોઈ આગળ આવશે.

ગામડાંમાં જ નહીં પણ મોટા શહેરોમાં ચોરી, લૂંટફાટ, સ્ત્રીઓ  સાથે અન્યાય, ગૂંડાગર્દીથી હપ્તા વસૂલી વગેરે જેવી બાબતોથી બધા પીડાય છે. પીડા આપનારની સંખ્યા  કરતા પીડા સહન કરનારનો આંકડો અસંખ્યગનો વધારે હોય છે. છતાં માનવી એક થઈને અન્યાયનો સામનો કરતા નથી. એકલી સાવરણીની સળી હોયતો એ કચરો ગણાય પરંતુ અસંખ્ય સાવરણીની સળીઓ ભેગી થઈને કચરો સાફ કરી શકે છે. આવી જ રીતે દરેક માનવી એકબીજા સાથે જોડાય જાય તો ક્રાઈમ્સ રૂપી કચરાને સાફ કરી શકે છે. જરૂરી છે અહીં દરેકની એકતાની, સમજદારીની અને સૌથી વધુ દરેક માનવીમાં મરી ગયેલ સન્માનને જાગૃત કરવાની. જો માનવી પોતે જે સ્થળે છે એજ જગ્યાના ક્રાઈમ્સને રોકી શકે તો આ રીત દ્વારા આખા સમાજના ક્રાઈમ્સ રોકી શકાય. ગુજરાતની વ્યક્તિ ખાલી ગુજરાત પૂરતું તો સક્ષમ બની જ શકેને? એવી જ રીતે મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, બિહાર એમ આખા દેશના માનવીઓ પોતે જ્યાં રહે છે એ લોકો પોતાના વિસ્તારનું ધ્યાન તો રાખી જ શકેને? કોઈ પણ મનુષ્ય પોતાની નજર સમક્ષના અન્યાયનો તો સામનો કરી જ શકેને? આપણે જે સથળે હોઈએ એ સ્થળનું ખાલી ક્રાઈમ્સ દૂર કરીએ અને જો આટલી તકેદારી દરેક લોકો રાખેતો આપોઆપ આખા દેશનું ક્રાઈમ્સ દૂર થઈ શકે. બહુ જ સાદી વાત છે આપણી ખુમારી એટલી તો હોવી જ જોઈએ કે આપણા વિસ્તાર પૂરતું તો આપણે સંભાળી શકીએ. આમ દરેક માનવી પોતાના વિસ્તાર પૂરતું ધ્યાન દે તો આખો દેશ આ પીડામાંથી મુક્ત થઈ શકે છે.

ક્યારેક સમયના હિસાબે તો ક્યારેક સ્વાર્થની ભાવનાથી લોકો એવા મતલબી થઈ ગયા છે કે જાણે માનવતા નાબૂદ થઈ રહી છે એનું ઉદાહરણ રસ્તા પર થતા અકસ્માત. અકસ્માત પીડિત લોકોને તરત કોઈ મદદે જતું નથી. ઘણીવાર અકસ્માતમાં ભોગ બનનાર તરફડીયા મારતાં મારતાં મરી જાય છે. અંતિમક્ષણે પરિવાર તો દૂર પણ પાણીની બુંદ પણ એમના નસીબમાં નથી હોતી. મરી ગયેલ માનવીની લાશ કેટલોય સમય રસ્તા પર પડી રહે છે. ક્યારેક તો લાશને જાનવર પણ ચૂંથી નાખે છે. આવી ઘટનાઓ  ક્રાઈમ્સ કરતા પણ વધુ ખતરનાક છે. શિક્ષિત સમાજ માટે શરમજનક બાબત છે. માનવીની માનવતાને જાગૃત રાખવી એ માનવીના હાથમાં જ છે. ભગવાન આપણને માનવ જન્મ કેટલાય પુણ્યો કર્યા બાદ આપે છે છતાં આ જન્મનો  આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. માનવીમાં પ્રેમ, કરુણા, દયા જેવા ગુણોને જીવિત રાખવા જરૂરી છે નહીતો દરેક માનવીનું જીવન નર્ક સમાન બની જશે. આવું ન બને એના માટે આપણે માનવતા જીવંત રાખવી જરૂરી છે જ અને નવી પેઢીને પણ આપણા સંસ્કાર સિંચવા જરૂરી છે. આપણી અંદર રહેલ થોડી માનવતા અને થોડા સ્વમાનને જાળવવામાં આવે તો તુરંત તો નહીં પણ ધીરે ધીરે દેશમાં જે ક્રાઇમ્સનો કચરો પેદા થયો છે એ દૂર કરી શકીયે...

આખો લેખ એ કોઈને દુઃખ પહોંચાડવા નહીં પણ મને જે વિચાર આવ્યો એની રજૂઆત છે. લેખ વાંચવા બદલ સૌનો આભાર..