Sandhya Suraj - 1 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સંધ્યા સૂરજ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સંધ્યા સૂરજ

સંધ્યા સૂરજ

વિકી ત્રિવેદી

પ્રસ્તાવના

મોટા ભાગની કહાનીઓ સારી જ હોય કેમ કે નાયક બધા નાયકને શોભે તેવા જ કામ કરે છે પણ મારી વાત કઈક જુદી હતી. ચોક્કસ પહેલા પરિચય થવો જોઈએ. શરૂઆતમાં પરિચય જરૂરી છે. પરિચય વિના પાત્રને ઓળખી ન શકાય.

હું મારી ઓળખ તમને બરાબર આપીશ પણ મારી ઓળખ બે લાઈન કે ચાર શબ્દોથી આપી શકાય તેમ નથી! એમ ન સમજતા કે મારામાં વાત કરવાની રીતભાત નથી કે હું તોછડી છું પણ એ જ હકીકત છે. જેમ જેમ તમે મારા વિશે વાંચે જશો તેમ તેમ મારાથી પરિચિત થતા જશો. હું તમારામાંથી કેટલાકને પોતાને અરીસામાંનું પ્રતિબિંબ દેખાઇશ તો કોઈને તેમની સામે ઉભેલી સૌથી સુંદર છોકરી દેખાઈશ! કોઈ મને પોતાની ફ્રેન્ડ સમજશે તો કોઈ પોતાની હરીફ! બધાને હું કઈકને કઈક અલગ જ લાગીશ પણ મને એક વાતની ખાતરી છે વાર્તાના અંત સુધીમાં તમે મને ચાહવા લાગશો. હા, તમે મને શું સમજી ચાહશો એ તમારા ઉપર નિર્ભર કરે છે કેમ કે દરેક કહાનીમાં એક નાયક હોય છે અને એક ખલનાયક. તમે મને કઈ નજરથી દેખો છો, કયા ભાવથી પામો છો એ તમારા વિચાર અને અનુભવ ઉપર આધાર રાખે છે.

જેમ જેમ તમે કહાનીમાં ઉતરતા જશો તેમ તેમ મારી જાતમાં જાણે ઊંડા ને ઊંડા ઉતરતા જશો. ક્યારેક હું તમારી પાસે બેઠી હોઈશ તો ક્યારેક તમારી સામે ઉભી હોઈશ! ક્યાંક તમે મને નફરત કરશો તો કયાંક તમે મને ચાહવા લાગશો! ક્યારેક તમે મારી સાથે ખુશીથી નાચવા લાગશો તો ક્યારેક મારા માટે આંસુ બગાડશો!

એકંદરે તમે આ પુસ્તક વાંચતી વખતે, મારી કહાની વાંચતી વખતે મારું જીવન જીવી રહ્યા છો તેવો અનુભવ કરશો. એકાદ પાનું હસાવી દેશે તો કેટલાક પાના તમને રડાવી દેશે.! એકાદ પાનું તમને બહાદુર બનાવશે તો કેટલાક પાના તમારા શરીરમાંથી ભયનું લખલખું પસાર કરી દેશે. જો તમે નરમ હ્રદયના હશો તો આ પુસ્તક તમને કંપાવી નાખશે..!

ક્યારેક તમને એમ લાગશે કે મારી આત્મા તમારી અંદર રહેલી છે તો ક્યારેક તમે વિચારશો કે મારા વિચારો તમારા મનમાં વસે છે! ક્યાંક ક્યાંક તો તમે તમારી જાતને મને ધારી લેશો. ક્યારેક મારાથી અલગ ન થવાની સોગન લઇ લેશો તો ક્યારેક મારાથી અળગા થવા તમે પુસ્તકનો છુટ્ટો ઘા કરશો! પણ મને ખાતરી છે થોડીકવાર પછી એ જ ખૂણામાં પડેલું પુસ્તક હાથમાં લઇ વાંચવા બેસી જશો અને વાંચી રહ્યા પછી પણ દિવસો સુધી આ પુસ્તકના પાના તમે મનમાં ઉથલાવ્યા કરશો!

ક્યારેક હું તમને સફેદ રંગ જેવી શાંત દેખાઈશ પણ ધીમે ધીમે મારામાં રહેલ સાત રંગોનું મિશ્રણ તમને દેખાશે. કહે છે ને સફેદ રંગ સાત રંગોનું મિશ્રણ છે. એ હું તમને સાબિત કરી બતાવીશ અને એ સાબિત કરવા મારે કોઈ પ્રીઝમની જરૂર નથી પડવાની.

કોઈ એક પળે, તમે વાર્તામાં હાંફી રહ્યા હશો તો બીજી પળે કઈક નવું જાણી રહ્યા હશો! ક્યાંક હું તમને બોર કરીશ તો ક્યારેક હું તમને ભાવ વિભોર કરીશ!

હું સંધ્યા, એક સામાન્ય ન કહી શકાય તેવી છોકરી. તમને લાગશે કે ફરી ક્યાંક હું મારો ઈગો બતાવી રહી છું! પણ ના! જ્યારે તમે મારી સાથે શ્વાસ લેશો અને મારા શ્વાસની સુગંધ મહેસુસ કરશો તમને ખાતરી થઇ જશે હું સામાન્ય નથી. તમારા મોમાંથી રાડ નીકળી જાય તેવા જીવ સાટોસાટના ખેલ ખેલતી જોઈને તમે મને સામાન્ય છોકરી કહેવાની હિમ્મત નહી જ કરી શકો. જો તમે પોતે એવા જીવ સાટોસાટના ખેલ નહી ખેલ્યા હોય તો!

વ્યક્તિગત રીતે મને બ્લેક રંગ પસંદ છે. કદાચ મારા જીવનમાં એ કલર સૌથી ઊંડી અસર કરનાર છે માટે જ. જો કે મેં જીવનના દરેક રંગોનો આનંદ માણ્યો છે પણ મારી પાસે હવે છેલ્લો રંગ બચ્યો છે બ્લેક. ક્યારેક જીવનમાં કાળો રંગ એટલો છવાઈ જાય છે કે આપણે માણેલા અન્ય રંગોનું કોઈ મહત્વ નથી રહેતું. મારી સાથે પણ કઈક આવુ જ થયું.

તમને સવારના રંગો જોવા ગમતા હશે. નવાઈની વાત નથી. દરેકને જીવનમાં સવારના સુંદર રંગો જ જોવા ગમે છે મનેય એ જ સવારના સુંદર રંગો જોવા ગમતા હતા પણ આજે હું તમને સંધ્યાના રંગો બતાવવા માંગુ છું. સંધ્યા મતલબ હું નહિ, સંધ્યા મતલબ સાંજ, અસ્ત થતા સુરજના રંગો, અજવાળાને અંધકારમાં લઇ જતા રંગો...!!

હું ક્યારેય ઈર્ષાળુ નહોતી. હું ક્યારેય વાયોલંટ ન હતી કે હું ક્યારેય ઉદાસ પણ ન હતી. મારા જેવી છોકરી મોટા ભાગે તમને ગ્રાઉન્ડ પર બેઝબોલ રમતી જોવા મળે. કા’તો પછી ટ્રીપલ સવારીમાં જતી સ્કુટી પર ટાઈટ જીન્સમાં વચ્ચે બેસી પાછળ બેઠેલ છોકરીને કોણી મારતી જોવા મળે. એ સમયે કેટલાકને એ ગમી જાય છે. કેટલાક એની સાથે ફરવાના સપના જોવા લાગે છે અને કેટલીક છોકરીઓ તેની ઈર્ષા કરે છે...!! પણ ક્યારેય વિચાર્યું છે કે કેટલાક તેને કિડનેપ કરવાનું આયોજન કરવા લાગે છે અને ત્યારબાદ એ બેઝબોલ ગ્રાઉન્ડ પર તમને દેખાતી બંધ થઇ જાય છે, નથી એ કોઈને સ્કૂટી પર વચ્ચેની સીટમાં બેસીને મસ્તી કરતી દેખાતી...!!

પણ...! બધા એ ભૂલી જાય છે તેના બદલે કોઈ બીજી છોકરીને જોવા લાગે છે એના બદલે કોઈ બીજી સાથે સપના દેખવા લાગે છે અને પેલી ઈર્ષા કરવાવાળી છોકરીઓ કોઈ બીજી છોકરીની ઈર્ષા કરવા લાગે છે. પણ કિડનેપ કરવાનું આયોજન કરનાર એ બીજી છોકરીને કિડનેપ કરવાનું આયોજન કરવા લાગે છે.?

ના...!! તે કોઈ બીજી છોકરીને કિડનેપ કરવાનું આયોજન કરવામાં સમય નથી બગાડતો. તેની પાસે કોઈ બીજું કામ હોય છે. કોઈ એકાંત સ્થળે આવેલ મકાનના ભોયરામાં કે પછી કોઈ વર્ષોથી બંધ પડેલાં વેર-હાઉસમાં બાંધેલી એ બેઝબોલ પ્લેયર કે સ્કૂટી પિલિયન રાઈડરને ઠેકાણે લગાવવાનું...!! એને તડપતી જોવાનું...!! એને એ દરેક દર્દ આપવાનું જે સાંભળતા જ કાળજું કંપી ઉઠે...!! આજ સત્ય છે, કડવું ભયાનક સત્ય.... નગ્ન સત્ય...!!

મારી કહાની એ કીડનેપરે કિડનેપ કરેલ છોકરી સાથે શું થાય છે એની છે. એ કિડનેપર ફરી એકવાર કોઈ એમેટર, ચીયર લીડર કે બાસ્કેટબોલ ટીમમાં નવી જ જોડાયેલ છોકરીને કિડનેપ કરવાનું આયોજન કરે છે. માત્ર એના માંસલ દેહ ખાતર. માત્ર એના સુંદર શરીર ખાતર કે પછી કોઈ એવા કારણ ખાતર જેનાથી તમે આજ સુધી એકદમ અજાણ હો! જેનાથી હું પોતે પણ અજાણ હતી. કદાચ કોઈ એવું કારણ કે જે જાણવું મુશ્કેલ જ નહી પણ અશક્ય હોય!!! ને એ જાણવા હું મારો અંત કરવા ત્યાં ગઈ હતી... ત્યાં જ્યાં જીવન નથી, ત્યાં જ્યાં અજવાસ નથી, ત્યાં જ્યાં માનવ હોય પણ માનવતા ન હોય, જ્યાં મરવું સહેલું છે પણ જીવવું અશક્ય છે.....!!

મારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની હતી. મારા જીવનમાં અનેક એવી ક્ષણ છે જે મારા માટે અત્યંત મહત્વની હતી પણ મારા જીવનની એ ક્ષણ કેટલાક સમય પહેલા આવી હતી, જયારે હું બીચ કેબીન પર મિત્રો સાથે પાર્ટી પર હતી. જયારે હું કિડનેપ થઇ...!!

***

વિકી ત્રિવેદીની

કલમે સર્જાયેલ અન્ય કૃતિઓ

ગુજરાતી નવલકથા

1. અંતર આગ

2. ખેલ : અંતર આગ રીટર્ન્સ

3. શિકાર : અંતર આગ રીલોડેડ

4. નક્ષત્ર

5. મુહુર્ત

6. સ્વસ્તિક

7. સંધ્યા સુરજ

8. શમણાંની શોધમાં

9. ધ ફેન : એ મેડનેસ

10. સફર : સિક્રેટ ઓફ ધ થર્ડ ચેપ્ટર

વાર્તા સંગ્રહ

1. Ishq’નો રંગ

2. એક દુજે કે લિયે

3. કબર પરના ફૂલ

4. રણનું પારેવું

5. ખોલેલું પરબીડિયું

અંગ્રેજી નવલકથા

1. Kaliyuga : Age of the darkness

2. Nakshatra

3. In search of a dream

પ્રકરણ 1

હું કોઈ અજબ બંધિયાર જગ્યાએ હતી. એ સ્થળ એટલું બંધિયાર હતું કે ત્યાની હવા પણ જાણે વર્ષોથી ત્યાં કેદ હોય તેવી લાગતી હતી. એ હવામાં કોઈ અજબ વાસ હતી. સડેલા મડદાની ભયાનક દુર્ગંધ જેવી તે વાસ નહોતી ન તો કોહવાયેલા કચરાની તે વાસ હતી. કદાચ તે હવામાં ડર ભળેલો હતો. એ ભયની વાસ હતી જે માણસની સિકસ્થ સેન્સને અનુભવાય. મને એમ લાગતું હતું જાણે હું કોઈ બીજી જ દુનિયામાં હતી જ્યાં ન હતા માનવ, ન હતા પશુ કે ન હતા પક્ષીઓ, માત્ર હું, માત્ર અંધારું, માત્ર એકલતા અને મારા મનનો ભય!!! હવે શું થશે? એ ભયાનક ભયભર્યો સવાલ જેનો જવાબ હું જાણતી જ ન હતી.

કેટલું અજીબ છે કિડનેપ થવું? ફિલ્મોમાં કિડનેપ થતી છોકરીનું દ્રશ્ય જોઈએ ત્યારે ખબર હોય છે હમણાં નાયક આવશે અને તેને છોડાવી લેશે પણ આ તો થિયેટરનો પરદો કે ટીવીની સ્ક્રીન ન હતી! આ હતી નરી વાસ્તવિકતા, ભયાનક સત્ય જ્યાં ખલનાયક પગલેને ડગલે મળી રહે છે પણ નાયક મળતા નથી.

આમ તો રૂપાળી છોકરીની વ્હારે ઘણા માણસો આવે છે પણ માત્ર કોલેજમાં કે થીયેટરની ભીડમાં જ્યાં એ જાણતા હોય કે અહી અમને કોઈ વાંધો નથી, છોકરીને છેડનાર માણસ જાહેરમાં અમને કઈ નથી કરી શકવાનો અને અમે અમારું ઇમ્પ્રેશન જમાવવામાં સફળ રહીશું એટલે જ એ લોકો બાહોશી બતાવે છે. જયારે હું તો હતી એકાંતમાં, એક અંધારિયા આલમમાં અને કદાચ એ આલમ બનેલો હતો સખત મેટલનો જ્યાં એવા જ સખત લોકોનું સામ્રાજ્ય હતું! હું એ મૂંગા મેટલની કઠોરતાને મહેસુસ કરી શકતી હતી.

મને એ સ્થળ અંદરથી જોઈ જરાય અંદાજ આવી શકે તેમ નહોતો કે એ કયું સ્થળ હશે? અને કદાચ બહાર નીકળી એ સ્થળ જોવું મારા માટે અશક્ય હતું.

એ બંધીયાર સ્થળમાં શ્વાસ લેવા માટે પુરતો ઓક્સીઝન તો હતો કે નહિ એ હું નથી જાણતી પણ ત્યાં ગૂંગળાવી મારવા માટે પુરતો ધુમાડો જરૂર હતો. ધુમાડો કદાચ આ ધુમાડા અને ધુમ્મસ સાથે મારો કોઈ અજબ સંબંધ છે.

મારી ચારે તરફ સિગારેટનો ધુમાડો અને વિદેશી દારૂની વાસ ફેલાયેલી હતી. હું પોતે પણ સિગારેટ પીતી. મેં ઘણીવાર સિગારેટ માત્ર એન્જોયમેન્ટ માટે પીધી હતી. મને મારા જીવનની પ્રથમ સિગારેટ યાદ છે, દિલ્હીમાં અનીતા રાજનનો જન્મ દિવસ હતો અને હું અઢારની નહોતી છતાં તેણીએ મને નાઈટ ક્લબમાં એન્ટ્રી અપાવી હતી. હું તેના જેમ બ્રાન્ડી લઇ શકું એટલી બોલ્ડ તો નહોતી પણ જન્મ દિવસના પ્રસંગે એને માઠું ન લાગે એ માટે નોન-આલ્કોહોલિક બીયર સાથે મેં મારા જીવનમાં પહેલીવાર સિગારેટ લીધી હતી.

મને જીવનના દરેક અનુભવ લેવાનો ગજબ શોખ હતો. પહેલી સિગારેટના પહેલા જ કશ ઉપર હું કેટલી ખાંસી હતી અને બધી ગર્લ્સ મારા ઉપર કેટલી હસી હતી એ મને હજુ યાદ છે! માત્ર મને જ નહિ દરેકને ખબર પડી ગઈ હતી કે એ મારી પહેલી જ સિગારેટ હતી!

એ સિવાય ઘણીવાર સ્ટ્રેસને દુર કરવા માટે મેં સિગારેટ પીધી હતી અને જીનલના ગયા પછી તો સિગારેટ જ જાણે મારી સાથી બની ગઈ હતી! પણ અહી... અહી કદાચ એ વાસ એટલી હદે વધારે હતી કે મારું મગજ સ્પીન થઇ રહ્યું હતું! મને ચક્કર આવી રહ્યા હતા એટલી તીવ્ર વાસ આવતી હતી!

હું ક્યાં હતી મને ખબર નહોતી પણ હું કહી શકું કે મારી ચારે તરફ સિગારેટનો ધુમાડો અને દારૂની ગંદી વાસ ફેલાયેલી હતીં.! હું ત્યાંથી દુર જવા ઇચ્છતી હતી. હું ઘરે જવા ઇચ્છતી હતી. હું પપ્પાને જોવા માંગતી હતી. હું દાદાને મળવા માંગતી હતી. હું પોતાના કોઈ વ્યક્તિનો ચહેરો જોવા માંગતી હતી. હું કોઈ મારું હોય એના ખભા પર માથું મૂકી રડવા માંગતી હતી. કોઈ મારા માથા પર હાથ મૂકી મને કોન્સોલેશન આપે તેમ ઇચ્છતી હતી. પણ??? એ બધું શક્ય નહોતું. માણસનું મન પણ ગજબનું હોય છે કોલેજની ભીડમાં ઉદાસ થઈને હું ઘણીવાર બધાથી દુર એકલી જઈને બેસતી, ઘણી સાંજ મેં એકલા વિતાવવાનું પસંદ કર્યું હતું અને જયારે આ અંધારી કોટડીની દુનિયામાં આવી ત્યારે મારું મન લોકો માટે મારા જેવા બીજા હલનચલન કરતા માણસોને જોવા તડપી ઉઠ્યું!

પણ એ મને હવે અશક્ય લાગવા માંડ્યું હતું. કેમ કે હું કિડનેપ થઇ હતી. કોલેજના કોઈ મિત્રની એ પ્રેંક નહોતી કે જ્યાંથી મને મુક્તિ મળે! એ હતી ભયાનક અંધારી દુનિયા, નિર્દય માણસોની દુનિયા!

અંધારામાં મેં પહેરેલ ટી-શર્ટનો રંગ મને દેખાતો ન હતો પણ મને યાદ હતું કે છેલ્લીવાર બાથટબમાંથી બહાર આવી મેં આછા ભૂરા રંગની હાફ સ્લીવની સ્કીન ટાઈટ ટી-શર્ટ, એના નીચે મેચિંગ ન લાગતું હોય તેવું ડાર્ક બ્લુ શેડવાળું જીન્સ પહેર્યું હતું. મને હમેશા અલગ દેખાવાની ઈચ્છા રહેતી માટે હું ખાસ ક્રોસ મેચિંગ પહેરવાનું પસંદ કરતી. જોકે એ માત્ર મને જ મેચિંગ લાગતું હતું બાકી કોઈને ન લાગતું. લોકો મને પીઠ પાછળ ડ્રેસિંગ મેનર વગરની છોકરી કહેતા હશે તો નવાઈ નહિ. પણ મને ક્યાં ક્યારેય ચિંતા હતી કે લોકો મારી પીઠ પાછળ મારા વિશે શું કહે છે?

ફિલ્મોમાં બતાવે છે એ રીતે મારું કિડનેપ નહોતું થયું. કિડનેપ થયા પછી પણ મને એ રીતે રાખવામાં નહોતી આવી જેમ ફિલ્મોમાં બતાવે છે. મારા હાથ બાંધેલા નહોતા, મારા મો પર ટેપ નહોતી મારેલી છતાં હું ક્યાય જઈ શકુ તેમ ન હતી. હું ચીસો પાડી કોઈને મદદ માટે બોલાવી શકું તેમ નહોતી.

હું મારી પીઠ ને આધારે પડી હતી.....

હું મદદ માટે ચીસ પાડવા માંગતી હતી.....

મારા હોઠ પર ટેપ મારેલી નહોતી... હું બુમો પાડી શકું તેમ હતી.. અને મેં એવું કર્યું પણ હતું કે જેથી મને કોઈ બચાવવા આવે પણ કોઈ ફાયદો થયો નહી. ત્યાં મારી ચીસો સાંભળી મારી મદદે આવનાર કોઈ નહોતું. હું હવે જાણતી હતી કે હું કોઈ એવા સ્થળે હતી જ્યાં મારો અવાજ સાંભળનાર કોઈ જ ન હતું. જ્યાં મારી મદદ કરનાર કોઈ નહોતું. માટે ખોટી બુમો પાડી રહી સહી શક્તિ ધ્વનીઉર્જા સ્વરૂપે વેડફવાનો કોઈ અર્થ નહોતો. આઈ ન્યુ આઈ વોઝ હેલ્પલેસ....! હું જાણતી હતી હું બિચારી બની ગઈ હતી.!!

મારી આંખો ખુલ્લી હતી. મને ખાતરી છે મારી આંખો ખુલ્લી હતી પણ મારી આંખો ત્રણ દિવસ સુધી સતત ઊંઘી ન હોવાને લીધે સુજી ગઈ હતી. માથામાં જાણે વજનીયા મુક્યા હોય તેવું ભાર લાગતું હતું. પાછળના ભાગે માથામાં તીવ્ર સણકા ઉપડતા હતા. મારી આંખોમાં કઈક એવો ચીકણો પદાર્થ ભેગો થઇ ગયો હતો જેને હું હટાવવા ઇચ્છતી હતી. હું એ ચિકણા પદાર્થને હટાવી શકું તેમ હતી પણ મેં એવું ન કર્યું. કારણ હું જાણતી હતી કે આંગળીના સ્પર્શથી આંખમાં ઇન્ફેકશન લાગી શકે છે.

હું મારી આસપાસની જગ્યાને જોવાનો પ્રયાસ કરી શકું તેમ હતી પણ મેં એવું ન કર્યું કેમકે હું જાણતી હતી કે એ નિષ્ફળ પ્રયાસ છે. કેમકે મેં પહેલા પણ મારી આસપાસ જોવાનો પ્રયાસ કર્યો હતો પણ મને એમ લાગતું હતું જાણે હું મારી આસપાસની ચીજોને પુરા ભરેલ સ્વીમીંગ પુલને પેલે પાર દેખતી હોઉં. મને લાગતું હતું જાણે હું તૂટેલા કેલિડોસ્કોપ વડે આકાશ દર્શન કરી રહી હોઉં. બધુ જ ઝાંખું હતું. કઈ જ સાફ દેખાતું ન હતું. એવરીથીંગ વોઝ બ્લર એન્ડ શોર્ટ સાઈટેડ. મારા માટે દુનિયા ધૂંધળી થઇ ગઈ હતી.

બસ હું મારી આસપાસની હવા, પેલી દુર્ગંધને અને અંધારાને મહેસુસ કરી શકતી હતી. મહેસુસ કરવા માટે ત્યાં આસપાસ સિગારેટના ધુમાડા અને દારૂની ગંદી વાસ સિવાય હતું પણ શું? ધુમાડો.... બસ એ એક મારા સાથે કોઈ જન્મો જન્મનો સંબંધ ધરાવતો હોય એમ મારી આસપાસ ઘેરાઈને રહેલો હતો.

મારી આંખો બંધ થવા લાગી...!!

કદાચ હું બેભાન થઇ રહી હતી....!!

પણ આ કહાની અહીથી તો ચાલુ નથી થતી. જરાક ભૂતકાળમાં જઈ આવીએ. જરાક મારા ભૂતકાળમાં જોઈ આવીએ. તમને જરાક ખયાલ આવી જાય કે હું કોણ છું? મારા સપના શું હતા? મારી ભૂલ શું હતી? મને મરતા જોતી વખતે તમારી આંખો કોરી ન રહી જાય એ માટે મને જાણવી જરૂરી છે. મને જાણ્યા વિના જ મારા મોતનો અફસોસ કરવાનો શું મતલબ. કમ-સે-કમ તમને ખબર તો હોવી જ જોઈએ કે તમે કોના માટે રડી રહ્યા છો?

હું સંધ્યા.

તમને રોજ દેખવા મળતી સુંદર છોકરીઓમાંની એક. તમારા આસપાસના વિસ્તારમાં રહેતી સ્માર્ટ, ક્યુટ, ટેલેન્ટેડ, આઝાદ સ્વભાવની અને પહેલી જ નજરે મનને ગમી જાય એ છોકરીઓમાંથી એક! જેને તમે માલ કે હોટ કે બોમ્બ ફિગર કહો છો તેમાંની એક. આઈ વોઝ બ્યુટીફૂલ વિથ લોટ ઓફ સ્ટાઈલ એન્ડ ગ્રેસ. દાદી મને સુંદરતાની મૂર્તિ અને પપ્પા મને બ્યુટીફૂલ ડોલ કહેતા. કોલેજમાં મિત્રો મને સામે મોઢે અપ્સરા લાગે છે અને લૂકિંગ બ્યુટીફૂલ કહેતા જયારે પીઠ પાછળ તો મારા જેવી સુંદર છોકરીઓ માટે કયા શબ્દો વપરાય એ તમને ખબર જ હશે. માલ, આઈટમ, સ્વીટ પીસ, જક્કાસ, ચીઅર લીડર, એમેચ્યુઅર અને એવા ઘણા શબ્દો કોલેજીયન છોકરાઓમાં ચલણ ધરાવે છે. ફક્ત કોલેજીયન જ કેમ? ગલ્લા ઉપર બેસતા ઘણા હરામખોર ડોશાઓ પણ એવું બોલતા હોય છે.

મારા વાળની રેડ હાય લાઈટ્સ જ્યારે તડકામાં ચમકતી એ મને વધુ સુંદર બનાવતી. સનસાઇન વોઝ ઓલ્વેઝ ટુ મેક મી ચાર્મિંગ. મારી ફ્રેન્ડસ મને કહેતી કે હું મારા રેડ હાઈલાઈટ વાળ અને લેફ્ટ નેક પરના બટરફ્લાયના ટેટુને લીધે સુંદર લાગતી. મારામાં આઈ ડોન્ટ કેર એટીટ્યુડ હતો. આઈ ડોન્ટ કેર એટીટ્યુડ મતલબ મને દુનીયાની કોઈ જ ફિકર ન હતી.

હું મારી મરજી મુજબ જીવતી. હું હંમેશા પોતાનામાં જ રાચતી. હું કોલેજની બીજી છોકરીઓની જેમ રિસ્ક લેવામાં ક્યારેય ડર ન અનુભવતી. જો રિસ્ક નહિ લેતા ઉસકી જીંદગી રિસ્કી બન જાતી હે એ મારો જીવનમંત્ર હતો. જોકે એ મંત્રનો મને ખાસ ફાયદો નહોતો થયો કેમકે એનાથી કોઈ ફેર પડ્યો હોત તો મારું જીવન એક કાળ કોટડીમાં એન્ડ અપ થવા ન જઇ રહ્યું હોત!

મને ટેટુ પસંદ હતા. દિલ્હીમાં મેં મારી ડાબી ગરદન પર મારી ખાસ ફ્રેન્ડ અનીતા રાજન સાથે ગોવા ગયેલી એ વખતે બટરફલાયનું ટેટુ બનાવડાવ્યું હતું જેના વખાણ કરતા છોકરા છોકરીઓ ક્યારેય થાકતા નહિ. પણ કોલેજમાં આવ્યા પછી મને સુંદર કરતા હોટ દેખાવામાં વધુ રસ હતો કેમકે અહી મારી સુંદરતા કરતા હોટ્નેસ વધુ ઉપયોગી સાબિત થાય એમ હતી એટલે મેં મારી લોવર બેક પર એક બીજું ટેટુ બનવડાવ્યું હતું, જે મને સેકસી અને હોટ ગર્લ્સના લીસ્ટમાં આસાનીથી સમાવી દેતું. મને જોઈ બધાને લાગતું કે હું બધાથી અલગ હતી. છોકરાઓ મને છાને છાને ચાહતા.

દરેક છોકરીને કોલેજમાં એ ઇચ્છાઓ હોય કે બધા એને દેખે, એને ચાહે, એના વખાણ કરે પણ હું જરાક અલગ હતી. મારું જીવન જરાક અલગ હતું. મેં કોઈ જુદા જ મકસદથી સુંદર દેખાવને બદલે હોટ દેખાવ પસંદ કર્યો હતો. કદાચ મારા માટે બીજી છોકરીઓ જેમ પ્યાર-મહોબત જેવા શબ્દોને બદલે તેના વિરોધી શબ્દનું વધુ મહત્વ હતું - નફરત...!

મને સ્પોર્ટ્સનો બહુ શોખ હતો. સ્પોર્ટ્સમાં સાનિયા મિર્જા મારી ફેવરીટ હતી. અરુણીમા સિન્હા અને મેરીકોમમાંથી મેં ઘણી પ્રેરણા લીધી હતી. હું ખુબ જ મહત્વકાંક્ષી હતી. હું પ્રાયમરીમાં હતી ત્યારે મીનીસ્ટર બનવાના સપના દેખતી. એની પાછળનું એક કારણ હતું અમારા વિસ્તારમાં રહેતા ભગવાનદાસ પટેલને મેં અમારા વિસ્તારના કોર્પોરેટર તરીકે જોયા હતા અને એમને મળતા માન સમ્માનથી હું ઈમ્પ્રેસ હતી પણ હાઈસ્કુલમાં આવ્યા પછી મેં એ મહત્વકાંક્ષા છોડી દીધી. એના બે કારણ હતા એક તો મને સમજાઈ ગયું કે મંત્રીઓ અને કોર્પોરેટરઝને મળતું માન મોભો બનાવટી હોય છે. લોકો તેમના પાસેથી કામ નીકાળવા તેમને માન આપતા ન હોવા છતાં બસ સમ્મ્માન આપવાનો અભિનય કરે છે અને એમની સાથે એ થવું પણ જોઈએ કેમકે એ પણ લોકોને સુખ સુવિધા આપવાનો અભિનય જ કરે છે! બાકી તો પોતાની જ સુખ સુવિધા વિશે વિચારતા હોય છે.

બીજું કારણ હતું કે મેં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ વિશે સાંભળ્યું એટલે મેં સ્પેસ વોયેન્જર બનવાનું નક્કી કર્યું. પણ આગળ જતા મને સમજાયું કે એ લોકો તો બસ કહેવાના ભારતીયો છે બાકી ભારત સાથેનો છેડો તો એમને મહત્વ મળતા જ કાપી નાખ્યો છે! બસ આતો બીજું કોઈ ભારતીય અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે એટલી પ્રગતિ સાધી નથી શક્યું એ ખામી છુપાવવા સરકાર પુસ્તકોમાં એમના ઓરીજીનને આગળ કરી તેમને ભારતીયોમાં ખપાવી આગળ ધરી દે છે! છીછરું! સત્ય હમેશા કડવું જ હોય છે ને?

બારમાં ધોરણમાં આવ્યા પછી આઈ.પી.એસ. ઓફિસર અને કોલેજમાં આવ્યા પછી કોઈ એવું સપનું હું દેખવા લાગી હતી જે તમે વાર્તા વાંચ્યા પછી સમજી જશો.

હું મારી જાતને ડે-ડ્રીમર કહું તો પણ ચાલે. મેં જીવનભર બસ અનેક સપનાઓ જ જોયા હતા. એ સપના ક્યારે પુરા થશે કે પછી ક્યારેય પુરા થશે જ નહિ એ તો વિચાર્યું જ ન હતું અને એટલે જ કદાચ હું બિન્દાસ્ત જીવી શકતી હતી. હું મસ્ત જીવી કારણ કે ઉપર કહ્યામાંથી મેં કાંઈ જ કર્યું ન હતું. માત્ર બધુ કરવાના સપના જોયા હતા અને મને એ બધું કરવાનો અવસર જ ક્યાં મળ્યો?

મારી હરકતો વિચિત્ર લાગી ને? હા મેં તમને કહ્યું હતું કે ક્યારેક તમે મને મૂરખ સમજશો પણ અફસોસ નથી કેમ કે તમે મને ક્યારે ચાહવા લાગશો એનો તમને જ ખ્યાલ નહિ રહે કારણ મારું આગળનું જીવન અને એમાં ઘટેલી એક એક ઘટનામાં હું એ બાલિશ સંધ્યા રહી ન હતી. મેં જીવ સાટોસાટના ખેલ ખેલ્યા છે. ના મારા માટે નહી, નિર્દોષ બાલિશ છોકરીઓ માટે, તમારા માટે અને મારા જેવી ઘણી સંધ્યા માટે જે ઉછળતી કુદતી સંધ્યાને મેં ક્યારનીયે દફન કરી નાખી હતી. પણ હું ઇચ્છતી નહોતી કે મારા જેવી બીજી છોકરીઓ પોતાના જીવનના રંગીન દિવસો અંધારી દુનિયામાં કાઢે જ્યાં એમને ચાહવા માટે પુરુષ તો શું એક અરીસો પણ ન હોય.

હું પણ પહેલા એવી જ બાલિશ, ઉછળતી કુદતી જિંદગીના દિવસો માણતી હતી. હું બધાથી ખાસ અને અલગ હતી એમ તો ન કહી શકું પણ હું બીજા જેટલી સામાન્ય ન હતી એવું હું ખાતરીપૂર્વક કહી જ શકું. હું ડીફરંટ હતી કે ન હતી પણ દરેક કામ કરવાની મારી રીત ડીફરંટ હતી. લોકો જે કામ સરળતાથી અને આસાનીથી કરી શકતા હોય તે જ કામને હું મુશ્કેલ અને અઘરું બનાવી દેતી. લોકો જે કામને મુશ્કેલ અને અઘરું સમજતા એ જ કામ હું આસાનીથી અને સરળતાથી પાર પાડી શકતી હતી!

મારી કોલેજમાં ઘણા લોકો એવા હતા જે મારા મિત્રો બનવા માંગતા હતા અને હમેશા મારા વખાણ કરતા તો ઘણા એવા પણ હતા કે જે મારી ઈર્ષા કરતા ખાસ તો છોકરીઓ. મને હજુ નથી સમજાતું છોકરીઓ મારાથી આટલી જલતી કેમ? હું હંમેશાથી જાણતી હતી હું બીજાથી અલગ છું. અને મારી પૂરી કહાની સાંભળ્યા પછી તમે પણ એવુ જ માનશો કે હું બધાથી અલગ હતી અને છું કદાચ કાયમ અલગ જ રહીશ.

મને ખબર હતી કેટલાક લોકો મને વિચિત્ર સમજતા. કયારેક કયારેક તો હું મારી પીઠ પાછળ થતી કોમેન્ટ પણ સાંભળી લેતી. એમાં મોટે ભાગે હલકી, ઓવર એક્ટિંગની દુકાન અને પોતાની જાતને શું સમજતી હશે? જેવા શબ્દો મને સંભળાતા પણ મને એની કોઈ જ ફિકર ન હતી. હું કયારેય એ કોમેન્ટના જવાબ આપવા પાછળ ન ફરતી. કેમ કે હું ચાહતી હતી કે મને બધા બિન્દાસ્ત, બોલ્ડ અને બેફિકરી છોકરી સમજે અને મારું કામ સરળ બને.

લાઈફમાં હરડલ્સ હોય જ છે. દરેકની લાઈફમાં હોય છે મારી લાઈફમાં પણ હતા. કહેવાય છે ને કે જીંદગી કોઈ ફૂલોથી સજાવેલી પથારી નથી! મારી જીંદગી પણ એ સૂત્રથી અલગ ન હતી. હું કોઈ એક્ઝેપ્સન ન હતી. એ પળ મારા જીવનમાં આવી જયારે મેં કોઈ એવા વ્યક્તિને ગુમાવી નાખ્યું જેનાથી વિશેષ મારા માટે કાંઈજ ન હતું. કોઈક એવું જે મારા શ્વાસ સાથે જોડાયેલ હતું. મેં મારી બહેન જીનલને ખોઈ નાખી...!! ત્યારબાદ મને જીવનમાં એન્જોયમેન્ટમાં કોઈ જ રસ ન રહ્યો પણ તે છતાં મેં કોલેજમાં એ જ જિંદગી જીવી જે હું પહેલેથી જીવતી આવી હતી કેમકે મારે એ કોલેજમાંથી એના કાતિલને શોધવાનો હતો અને એ કામ કરવા માટે જૂની સંધ્યા જેવું જીવન જીવવાનું નાટક કરવું જરૂરી હતું જે મેં બખૂબી કર્યું. જયારે મેં ઉદાસ આંખે હસવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ખબર પડી કે જે સંધ્યા તરીકે હું વરસોથી જીવી છું એજ સંધ્યા જેવું જીવવાનું નાટક કરવું કેટલું મુશ્કેલ છે..? કેવી અજબ વાત છે આપણે આપણા જ ભૂતકાળની નકલ કરી શકતા નથી!

હું મારા દાદાજીના મકાનમાં રહેતી હતી. મનુભાઈ અને સવિતા બહેન મારા દાદા દાદી. મને લાગે એવું કહેવું મૂર્ખાઈભર્યુ જ કહેવાય કે હું દાદા દાદી સાથે રહેતી હતી કેમકે એમના સાથે તો હું લાંબુ રહી જ છું ક્યાં...??

મારા દાદાનું ઘર શહેરના મોટા અને ભવ્ય ઘરોમાંનું એક ગણી શકાય. જયારે મારા પિતાજી મારી ઉમરના હતા ત્યારે દાદાજીએ એ બનવડાવ્યું હતું. હું દાદાનું ઘર એટલા માટે કહું છું કેમકે દાદાએ એ બનવડાવ્યું હતું. મારા પિતાજી જીવનભર એ જ મકાનમાં રહ્યા. પોતાનું મકાન બનાવવામાં એ નિષ્ફળ રહ્યા. આમ જોવા જઈએ તો એમને પોતાનું મકાન બનાવવાની જરૂર પણ ન હતી. મારે બીજા કોઈ કાકા ન હતા મારા પપ્પા એક જ હતા એટલે એમને જ એ મકાન મળવાનું હતું આથી મકાન ન ખરીદી શકવાનો ખાસ અફસોસ પપ્પાએ ક્યારેય નથી કર્યો.

હું એ જ મકાનમાં નીચેના માળે જન્મી હતી. એ મમ્મી પપ્પાનો બેડ રૂમ હતો જ્યાં હું જન્મી, જ્યાં મેં પ્રથમ વાર શ્વાસ લીધો, જ્યાં મેં પ્રથમવાર કોઈ શબ્દ ઉચ્ચાર્યો, જ્યાં હું પ્રથમ વાર હસી, જ્યાં હું પ્રથમ વાર રડી, જ્યાં મને પ્રથમ વાર માતાનું સ્તનપાન મળ્યું અને જ્યાં હું જીનલ સાથે ઝઘડતી. જીનલ એ જ માંસની બનેલી જેમાંથી હું બની, હા એ મારી બહેન હતી, પ્યારી બહેન જેને મેં મારી આંખો સામે મરતા જોઈ હતી અને ત્યારથી મારું જીવન બદલાઈ ગયું. ત્યારથી હું ક્યારેય કોઈને એમ ન કહી શકી ‘જો હું તારા કરતા ઉંચી છું, કે મારું ફિગર તારા કરતા સારું છે, મારો ચહેરો તારા કરતા વધારે નીખરેલો છે.’ કેમ કે એ એક જીનલ જ હતી જેની આગળ હું મારા વખાણ કરતી અને એ કહેતી ‘છે તો મારી બહેનને? તું વધારે સુંદર દેખાય તો એમાં મને શું વાંધો હોય?’ પણ હું જાણતી હતી કે એ જુઠ્ઠું બોલતી હતી. ખરેખર તો એ મારા કરતા વધારે સુંદર હતી, કદાચ એ સુંદરતા જ એની મોતનું કારણ બની હતી. કાશ કે એની જગ્યાએ હું હોત!

દાદીએ કહ્યું હતું કે હું એ લાકડાના ફર્નીચરથી શોભતા રૂમમાં જન્મી હતી. મારી મમ્મી શોભના મને હોસ્પિટલને બદલે ઘરે જ જન્મ આપવા માંગતી હતી અને ભગવાનની દયાથી એનું એ સપનું પૂરું થયું હતું.

મમ્મી છવ્વીસની હતી જયારે મારો જન્મ થયો. એ મને ખુબ પસંદ કરતી હતી પણ બસ મને એની સાથે રહેવાનો ઓછો સમય મળ્યો.. બાળપણના વરસો હું એની સાથે રહી એ મને યાદ નથી. હું આઠ વરસની હતી જયારે એ મને છોડી ગઈ, માત્ર મને જ નહી દુનિયાને છોડી ગઈ! પિતાજી એ ફરી લગ્ન ન કર્યા. એ જીદ્દી હતા એમણે બધાને એક જ જવાબ આપ્યો. મમ્મીએ મને મોટો કર્યો છે એમ મારી દીકરીઓને પણ કરી દેશે.

દાદી ઘણીવાર મને આ કહાની કહેતી. હું જન્મી ત્યારે મમ્મી કેટલી ખુશ હતી. એ બેડ પર આંગળીથી ગોળ દોરી કહેતી. તું એના લોહી ખરડાયેલા પગ પાસે પહેલીવાર આ જગ્યા પર સુતી હતી. હું ત્યાં હાથ મુકતી. હું એ બેડ પર ઊંઘતી અને બાજુમાં મમ્મી સુતી હોય એવી કલ્પના કરતી પણ એ બધું વ્યર્થ હતું હું અને દાદી બંને જાણતા હતા. એકવાર દુનિયા છોડી ગયેલ વ્યક્તિ એના વિશે ગમે તેટલું વિચારવાથી પણ પાછું નથી આવતું. પણ મમ્મીનું મૃત્યુ મને એટલું રડાવી ન શકે કેમ કે એ ઈશ્વરની મરજી હતી. કમ-સે-કમ મારે એના મરવાની દુવા ઈશ્વર જોડે નહોતી માંગવી પડી! જયારે જીનલ, મારી એવી બહેન જેને હું પોતાના જીવ કરતા પણ વધારે ચાહતી હતી. એનું દર્દ જોઈ મારે ઈશ્વર આગળ એના મોતની દુવા માંગવી પડી હતી! એલાસ..... પણ સત્ય છે, એક કોમળ છોકરી પોતાની સગી બહેનના મોત માટે પ્રાથના કરે કેવું ભયાનક? કેટલું વિચિત્ર? કેવું સુગ ચડે તેવું સત્ય? પણ હું મજબુર હતી, લાચાર હતી, એ ભયાનક દર્દથી પીડાતી હતી. હું શું કરું? એ બોલી તો નહોતી શકતી પણ એની આંખો બંધ થતા પહેલા મને કહીને ગઈ હતી કે મારા મોતનો બદલો લેજે સંધ્યા. મારી જેમ એ બધા પણ તડપીને મરવા જોઈએ. એ શબ્દોમાં નહોતી બોલી પણ એની આંખો મને એ બધું કહી ગઈ કદાચ એને જ ખુનનો સબંધ કહેવાતો હશે? એટલે જ કદાચ હજુયે એ પળ યાદ કરું ત્યારે એના માથામાંથી વહેતું એ લોહી મારી આંખોમાં ઉભરાઈ આવે છે અને હું એક કોમળ છોકરીને બદલે બનું છું એક બેદર્દ કાતિલ જેની હર અદા ફરેબ છે, જૂઠ છે. હા એ બંધ થતી આંખોને આપેલ વચન પૂરું કરવા મેં ઘણા એવા કામ કર્યા છે જે યાદ કરી મને પોતાની જાતથી જ નફરત થાય છે પણ મારી પાસે બીજો રસ્તો પણ ક્યાં હતો? જો એ વચન પૂરું ન કરી શકું તો પણ મારે પોતાની જાતને જીવનભર નફરત જ કરવાની હતી.

*

પીતાજી મોટેભાગે પોતાના બીઝનેસમાં જ ડૂબેલા રહેતા. તેઓ જે કંપનીમાં કામ કરતા એ કંપનીના કામે અઠવાડિયાઓ સુધી બહાર રહેતા. પહેલા હું એમ સમજતી કે પિતાજીને અમારી ફિકર નથી પણ જેમ જેમ મોટી થતી ગઈ સમજતી ગઈ કે પિતાજીને મમ્મી વગરનું ઘર ખાવા દોડતું એટલે તેઓ માર્કેટીંગમાં કામ કરતા અને સમયને બને તેટલો બહાર વિતાવતા. અમારી સંભાળ રાખવા દાદા દાદી હતા એટલે એ બાબતે એમને કોઈ ચિંતા ન હતી. ખાસ તો જીનલને ગુમાવ્યા પછી મને સમજાયું કે જીનલ વગર એ ઘરમાં એક પળ રહેવું મને ગમતું નથી તો પપ્પા મમ્મી વિના કાયમ માટે કઈ રીતે જીવતા હશે? મારા જીવનમાં તમને પ્રશ્નાર્થ ચિહ્નો અને ઉદગાર ચિહ્નો પળે પળે જોવા મળશે કેમ કે આગળ કહ્યું તેમ મારી કહાની કોઈ એવી રૂપાળી છોકરીની કહાની નથી જેને એક દેખાવડા છોકરાથી પ્રેમ થયો અને એ પ્રેમ કહાનીમાં સાસુ વહુના ઝઘડાનું કુત્રિમ દુ:ખ લેખક ભયાનક સ્વરૂપે બતાવીને છેવટે પુસ્તકનો અંત સુખી બનાવી દે.

પ્રાયમરી પછી હું હોસ્ટેલ ગઈ અને એસ.એસ.સી. સુધીનું ભણતર હોસ્ટેલમાં રહી દિલ્હીની સેન્ટ પોલમાં પૂરું કર્યું. એક વર્ષ પહેલા જીનલ અમને છોડીને ચાલી ગઈ. એના આઘાતમાં કે કદાચ દાદીને પોતાની લાડકવાયીને એકલા મુકતા જીવ નહિ ચાલ્યો હોય જે હોય તે પણ જીનલના સમાચાર સાંભળતા જ એમનો જીવ નીકળી ગયો.

જીનલ વિના એકલા પણ જીવવું પડશે એવું કદાચ મેં ક્યારેય વિચાર્યું ન હતું. જીનલને ખોવાનું દુ:ખ જે મેં અનુભવ્યું એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી, કદાચ એમ કહીએ કે કોઈ પક્ષીની પાંખો કાપી એને ઉડવાનું કહો તેવી હાલત મારી હતી. મારી પાસે જીવન હતું પણ મારી પાંખો, મારી ઉડવાની શક્તિ, ઉડવાનો ઉમંગ- જીનલ મારી સાથે ન હતી અને મારે જીવન જીવવાનું હતું એ પણ ઉદાસી ખંખેરીને કેમકે મેં એક વચન જીનલને હોસ્પીટલના બેડ પર આપ્યુ હતું. મેં એને વચન આપ્યું હતું કે એના મૃત્યુ માટે જવાબદાર લોકોને સજા આપીશ જ અને એ કામ કરવા માટે મારે જીવવું જરૂરી હતું. મારે એ જ હસતી ખેલતી નાચતી કુદતી સંધ્યાને જીવિત રાખવાની હતી કેમકે મુરજાયેલી સંધ્યાને કોઈ સાથ નહી આપે તે હું જાણતી હતી.

એ પળ દાદાજી માટે અસહ્ય હતી, પિતાજી અને મારા માટે પણ એ આઘાત અસહ્ય હતો. હું ભલે પ્રાયમરી પછી ઘણા વરસ દુર રહી હતી પણ વેકેસન તો દાદા દાદી સાથે જ ગાળતી અને જીનલ તો અમે એકબીજાથી દુર હોઈએ ત્યારે પણ જાણે મારા હ્રદયની સૌથી નજીક રહેતી. મને ક્યારેય એવો વિચાર સુધ્ધા પણ નહોતો આવેલો કે એક દિવસ દાદી અને જીનલ મને છોડી જશે. મમ્મી છોડી ગઈ એ વખતે હું બહુ નાની હતી. મમ્મી સાથે હું કેટલો સમય રહી એ મને યાદ પણ નથી. આજેય મને દાદીનો ચહેરો યાદ છે પણ મમ્મીનો નહિ. એટલે જ કદાચ મમ્મી કરતાયે દાદીની જુદાઈનું દુ:ખ મને વધુ લાગ્યું.

જીનલ અને દાદીના ગયા પછી દાદાજી એ મોટા મકાનમાં એકલા પડી જશે એ મને ખબર હતી કેમકે પપ્પા બીઝનેસ ટ્રીપમાં અઠવાડિયા અઠવાડિયા સુધી ઘરથી દુર રહેતા. આઈ હેટ માર્કેટિંગ એટલે જ મેં સામાન્ય પ્રવાહ પસંદ કર્યો હતો. કોઈ જોબ ન મળે તો પણ ઘરે બેઠા બાળકોને ટ્યુશન તો આપી શકાય. કમ-સે-કમ તમે ટ્યુટર તરીકે આઝાદીપૂર્વક કામ તો કરી શકો! દાદી ગયા પછી હું દાદાજીને એકલા છોડવા નહોતી માંગતી. મારે જીનલના ગુનેગારોનો હિસાબ ચૂકવવો હતો એટલે મેં મુંબઈમાં જ કોલેજ કરવાનું વિચાર્યું. મારે દિલ્હીથી ઘરે જવું પડ્યું અને હું મુબઈ પાછી ફરી. કદાચ મુબઈ પાછી ફરી એ ફેસલાને લીધે જ હું એ કાળ કોટડીમાં હતી પણ મને એનો કોઈ અફસોસ નથી.

મેં મુંબઈમાં કોલેજ કરવાનું વિચારી તો લીધું પણ હવે પહેલું કામ જીનલની જ કોલેજમાં દાખલ થવાનું હતું. એ કોલેજ મને એડ્મીસન આપે છે કે કેમ તે જોવાનું હતું. હું છેકથી જ સ્પોર્ટસમાં રસ ધરાવતી હતી. મને ભણવા કરતા રમત ગમત અને અન્ય ઈતર પ્રવૃતિઓમાં વધુ રસ હતો. પપ્પાનું પણ એ જ માનવું હતું - માત્ર ભણવાથી કાંઈજ મળતું નથી, ભણવા સાથે રમત ગમત ખેલકુદ અને અન્ય પ્રવૃતિઓમાં જોડાવું જોઈએ. જોકે મેં એમની સલાહને જરાક વધુ પડતી જ માની લીધી હતી અને ભણવા કરતા સ્પોર્ટ્સ પર કઈક વધારે જ ધ્યાન આપ્યું હતું.

જોકે એ બાબત એ દિવસ સુધી મને ક્યારેય બાધા રૂપ નહોતી લાગી પણ અહી જીનલની કોલેજમાં એડ્મીસન મેળવવામાં મને એ બાબત જરાક આપત્તિ જનક લાગી. મેં ત્રણ ચાર મેરીટ લીસ્ટ સુધી રાહ જોઈ. એ કોલેજ જીનલ જેવી હોશિયાર છોકરીઓથી ભરેલી પડી હતી એટલે ત્રણ મેરીટ પછી પણ એ કોલેજમાં મારું એચ.એસ.સી.નું સ્કોરિંગ કોઈને પસંદ ન આવ્યું.

આખરે મેં એ જ રસ્તો અપનાવ્યો જે મોટાભાગના બાળકોને અપનાવવો પડતો હોય છે. હું એવા વ્યક્તિની તલાશમાં લાગી ગઈ જે વ્યક્તિ લાગવગ ધરાવતો હોય. મને એવો વ્યક્તિ શોધતા ખાસ વાર ન લાગી. થોડીક હાઈ ફીસ ચુકવણી અને ડોનેશન સાથે મને એડમીશન મળી ગયું. એમાં અખિલેશ સરનો મોટો ફાળો હતો. મેં કોલેજની ફીસ અને ફોર્મ જમા કરાવ્યા અને વેકેસન પૂરું થવાની રાહ જોવા લાગી. મને ત્યારે ક્યાં ખબર હતી કે એ કોલેજનો એ ભવ્ય દરવાજો મને એક અંધારી કાળ કોટડીમાં દોરી જશે? મને ક્યાં ખબર હતી કે એ અન્વેષણ આતિશ બની જશે???

***

(ક્રમશ:)