કચ્છ પ્રવાસ ભાગ 4
૨૯/૧૨/૨૦૧૭ શુક્રવાર
કાળો ડુંગર ભુજ થી 97 કિ.મી.ના અંતરે આવેલું છે. કાળો ડુંગર કચ્છ જિલ્લાનું સૌથી ઊંચુ સ્થળ છે જે 458 મીટર જેટલું ઊંચું છે. તે પાકિસ્તાનની બોર્ડરથી એકદમ નજીક છે. ટોપ ઉપર લશ્કરી કેમ્પ આવલો છે. કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે પ્રચલિત છે. પૂર્વજો કહે છે કે ભગવાન દત્તાત્રેય અહીં રોકાયા હતા અને પોતાનું શરીર ભૂખ્યા શિયાળોને ખવડાવવા માટે ત્યજી દીધું હતું. લખ ગુરુ નામના ભગવાન દત્તાત્રેયના એક ભક્ત પણ પોતાના અંગો ભૂખ્યા શિયાળોને ત્યજી દીધા હતા. તેઓ કહેતા હતા કે, “લે અંગ”. ત્યારબાદ સદીઓથી આ જગ્યા “લૌગ” નામે પ્રચલિત થઇ. આ જગ્યાને “લોંગ પ્રસાદ ઓટલો” નામે ઓળખવામાં આવે છે. 4 સદીઓથી અહીં પૂજારી પ્રસાદ બનાવે છે અને સંધ્યા આરતી પછી શિયાળોને ખવડાવે છે.
રોજની જેમ સવારે પાંચ વાગ્યે ઊઠીને ચાલવા નીકળી પડ્યો. બહાર તો ઠંડી અને સુસવાટા મારતો પવન ફૂંકાતો હતો. સીડી ચઢીને ઉપર મંદિર આગળ ગયો. ત્યાં કોઈ ચહલપહલ નહોતી દેખાતી નહોતી. સવારે ઘોર અંધારામાં આગળ જવું હિતાવહ ના લાગતાં, ચાર-પાંચ વખત સીડીઓની ચડ-ઉતર કરી. સવારે છ વાગ્યા જેવા કાર્યાલયના ભાઈ દેખાયા. ગરમ પાણી કરવાવાળા ભાઈ વિશે પૂછપરછ કરી. તેઓ હજી ઉઠયા નહોતા. થોડીવારમાં તેઓ ગરમ પાણી કરવાવાળા ભાઈને ઉઠાડીને આવ્યા. તેઓ રૂમની પાછળના ભાગમાં પાણી ગરમ કરવા લાગ્યા અને હું રૂમમાં પાછો ગયો. તૈયાર થઈને હું અને મારો દીકરો સાત વાગ્યા જેવા સૂર્યોદય જોવા માટે સનસેટ પોઇન્ટ જવા નીકળી પડ્યા. ખૂબ જ ઓછા પ્રવાસીઓ હતા. રસ્તામાં વનવિભાગ દ્વારા વન પરિભ્રમણ કેડી બનાવેલી છે, જે ચાર કિલોમીટર લાંબી છે અને ત્રણ કલાક જેટલો સમય થાય છે. થોડે સુધી ચાલતા ગયા. ખુબ જ જોરદાર પવન ફૂંકાતો હતો. અહીંથી કચ્છ નું આખું રણ જોઈ શકાય છે. ધરતીના છેડા પર હોય એવો અનુભવ થાય છે. સવારે ૭:૪૫ વાગે રૂમ પર પાછા આવ્યા. બધા તૈયાર જ હતા. અન્નક્ષેત્રમાં ચા બનવાની વાર હતી એવું જાણવા મળ્યું. એટલે હું કાર્યાલયમાં બાકીની પ્રોસેસ પતાવવા માટે કાર્યાલયમાં ગયો. કાર્યલાયવાળાભાઈએ પૂછ્યું કે ચા પીધી. પણ ચા બનવાની વાર હતી. અમારે મોડુ થતું હતું. તેઓ જાતે રસોડામાં ગયા અને અમારા જેટલી ચા બનાવવાનું કહ્યું. ચા પીધા વગર તો જવાતું હશે. તમે અમારા મહેમાન છો. તેમની સાથે બે ઘડી વાતો કરી એટલામાં ચા તૈયાર થઈ ગઈ હતી. બધાએ ચા પીને સવારે ૮:૩૦ વાગે કાળોડુંગરની વિદાય લીધી.
કાળા ડુંગર થી છ કિલોમીટર નીચે ઉતરતા જમણી બાજુએ અડધા કિલોમીટરે ગુજરાત ટુરીઝમની તોરણ હોટલ આવેલી છે. સારી એવી મેન્ટેન કરી છે. પણ રહેવા માટે સહેજ મોઘી હતી. ત્યાના મેનેજરે બધા રૂમ બતાવ્યા.
મોડું કર્યા વગર સવારે ૯:૦૦ વાગે ઇન્ડિયા બ્રીજ તરફ આગળ વધ્યા. કાળા ડુંગર થી ઇન્ડિયા બ્રીજ ૧૯ કિ.મી.ના અંતરે છે. ધ્રોબાણ ગામ થી ડાબી બાજુએ જઈએ તો ખાવડા જવાય અને જમણી બાજુનો રસ્તો ઇન્ડિયાબ્રીજ તરફ જાય.
બ્રિજની શરૂઆતમાં બીએસએફની ચોકી આવેલી છે. બ્રિજ પર ઊભા રહેવાની અને ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે. તેવી જ રીતે બ્રિજના બીજા છેડે પણ બીએસએફની ચોકી છે ત્યાં સુધી જવા દેવામાં આવે છે. આગળ જવા માટે ભુજ બીએસએફ ઓફિસમાંથી પરવાનગી લેવી પડે. બીએસએફ ચોકી પાસે એક નાનકડું મંદિર બનાવેલું છે. ત્યાં દર્શન કર્યાં. આર્મીના વાહનોની અવરજવર સતત ચાલુ હતી. અમે ત્યાં આમતેમ આંટા મારતા હતા ત્યારે એક સૈનિકભાઈ અમારી પાસે આવીને અમારી જોડે વાતો કરવા લાગ્યા કે, “તમે તો ફક્ત આમતેમ આંટા મારો છો. અમને કંઇક તો પૂછો.” તેઓ કામમાં વ્યસ્ત હોવાના લીધે તેમને ડીસ્ટર્બ કરવું અમને યોગ્ય ના લાગ્યું. તેઓ સાઉથ ઇન્ડિયન હતા. તેમના કહેવા મુજબ ઘણા લોકો અહીંથી આગળ બોર્ડર એટલે કે વિઘાકોટ સુધી જાય છે. થોડો સમય તેમની સાથે વાતો કરી. કદાચ અમને તેમની સાથે વાતો કરવાની ગમી તેના કરતા તેમને અમારી સાથે વાત કરવાની મજા આવી હોય તેમ લાગ્યું. તેમને જયહિન્દ બોલીને અમે ત્યાંથી પાછા ફર્યા. બીજીવાર શક્ય હશે તો ચોક્કસ અહીંથી આગળ વિઘાકોટ જઈશું. જે અહીંથી હજી ૭૩ કિમીના અંતરે આવેલું છે.
પાછા વળતાં ૧૦ કિમીએ ખાવડા ગામ આવેલ છે. ત્યાંની મીઠાઈઓ ખૂબ પ્રચલિત છે. ખાવડાથી ધોળાવીરા સુધીના રોડનું કામ ચાલુ છે. અહીંથી સીધા ધોળાવીરા પહોંચી શકાય જે અહીથી ૬૦ કી.મી. જેટલું થાય. અત્યારે અમારે ફરીને જવું પડશે જે ૨૮૦ કિમી જેટલું થાય. કદાચ બીજીવાર આવીશું ત્યારે આ રસ્તો પણ તૈયાર થઈ ગયો હશે. આજે અમારે ધોળાવીરા પહોંચવાનો પ્લાન હતો જે હવે શક્ય નથી. એટલે ભચાઉ સુધી જઈને ત્યાં જ ક્યાંક રોકી જઈશું.
ખાવડા બાદ લુડીયા ગામ આવે છે. જેને ગાંધીનું ગામ કહે છે જે જોવાનું માંડી વાળીને અમે ધ્રંગ તરફ આગળ વધ્યા. ત્યાંથી ધ્રંગ ૭૦ કિલોમીટર જેટલું થાય છે. ખાવડાની આગળ જતાં ભીરંડીયારા ચોકડી આવે છે. જ્યાંથી સફેદરણ જવાયા છે. તેનો મીઠો માવો ખૂબ જ પ્રખ્યાત છે. એ ખાવા માટે ઉભા રહ્યા. ખરેખર ખુબ જ સરસ હતો. ત્યાંથી કુનરીયા ગામ અને સહેજ આગળ જતા પ્રગટપાણી નામનું સ્થળ આવે છે. સવારે ૧૧:૦૦ પ્રગટપાણી પહોંચ્યા.
ત્યાં એક મકાન હતું. એક ઉંમરલાયક દાદા બેઠા હતાં. તેમને પૂછ્યું તો તેમના દ્વારા જાણવા મળ્યું કે એકવાર થોડાક સંતો અહીં આવ્યા હતા. તેમને તરસ લાગી ત્યારે મેકરણદાદાએ જમીનમાં ત્રિશૂળ મારીને પાણી કાઢ્યું અને એક સંતે પોતાની તરસ છીપાવી. તે પછી બીજા સંતે કહ્યું કે હું કોઈનું એઠું પાણી પીતો નથી. તો મેકરણદાદા બીજી વખત ત્રિશૂળ મારીને જમીનમાંથી પાણી કાઢ્યું. આમ અન્ય બીજા ત્રણ ઠેકાણેથી ત્રિશૂળ મારીને પાણી કાઢ્યું. હજી આજે પણ અહીંથી પાણી નીકળે છે. માટે આ સ્થળ પ્રગટપાણી તરીકે ઓળખાય છે. તેઓ ઊભા થઈને અમને જગ્યા બતાવી જ્યાંથી પાણી આવતું હતું. ત્યાં પણ પ્રસાદમાં ચા આપતા હતા. એકવાર તો પીધી. સરસ હતી તો બધાએ બીજીવાર ચા પીધી. ત્યાં એક સેવાભાવીભાઈ અમને જમવાનું પૂછવા આવ્યા. જો તમારે જમવું હોય તો અમે બનાવી દઈએ. અમારા માટે ઉતાવળ કરવાની ના પાડી. હજી અમે આગળ ધ્રંગ જઈએ છીએ. જમવાનો સમય થશે તો અમે ત્યાંથી પ્રસાદ લઈ લેશું. ત્યાંથી ધ્રંગ દસ કિ.મી.ના અંતરે છે. અમે ૧૧:૪૫ વાગે ધ્રંગ પહોચ્યા.
સમાધિ મંદિરમાં અંદર ગયા. ત્યાં તેમના વસ્ત્રો, કાવડ, ત્રિશૂળ વગેરેના અમે દર્શન કર્યા. તેમની જોડે બીજા 42 સાથીદારોની જીવંત સમાધિ લીધી હતી તેમની સમાધીના દર્શન કર્યા. મંદિરમાં ઘણા બધા તોરણો લટકાવેલાં હતાં પૂછ્યું તો જાણવા મળ્યું કે જેની માનતા પૂરી થાય છે તેઓ જાતે બનાવેલા તોરણો ટીંગાળી જાય છે. મંદિરના પ્રાંગણમાં મેકરણદાદાના ભાઈ પતંગશાહ પીરની દરગાહ છે. આમ બે ભાઇઓએ અલગ અલગ ધર્મ અપનાવીને માનવતાનું કાર્ય કર્યું હતું. આપણે કોઈને મળીએ તો પ્રણામ કરીએ છીએ તેમ અહીં સૌ એકબીજાને જીનામ કહે છે. અહીંના એક કાર્યકર્તાભાઈએ બધાને તેમના વિશે ટૂંકમાં માહિતી આપી. મેકરણદાદાની રચિત કેટલીક પંક્તિઓ પણ કહી.
તેમના કહેવા મુજબ “પ્રસાદ, પ્રાર્થના અને પ્રવેશ” ને પાત્ર કોઈ પણ વ્યક્તિ અહીં આવી શકે છે. સંત મેકરણદાદા કચ્છના કબીર તરીકે ખ્યાતિ પામેલા. તેમને રામના ભાઈ લક્ષ્મણનો અવતાર માનવામાં આવે છે. ધ્રંગ ગામ રણની સાવ નજીક છે. લોડાઈ-ખાવડાના રણમાં ભૂલા પડેલા મુસાફરોને રોટલો અને પાણી પહોંચાડવાનું કામ તેમણે આરંભ્યું. લાલિયા(ગધેડા)ની પીઠ પર પાણીનાં માટલાં મુકાઈ જાય એટલે લાલીયો(ગધેડો)-મોતીઓ(કૂતરો) રણમાં નીકળી પડતા. મોતીઓ આગળ અને લાલીયો પાછળ ચાલે. કૂતરાઓની ઘ્રાણેન્દ્રિય બહુ તેજ હોય એટલે ક્યાંય પણ કોઈ ભૂલો પડેલો મનુષ્ય હોય તો મોતિયો તેને શોધી કાઢે. અને લાલિયાની પીઠ પરના માટલાનું પાણી મળે ત્યારે ભૂખ્યા-તરસ્યા અને ભટકી ગયેલા માનવીને નવજીવન મળે. આમ કેટલાય લોકોના જીવ લાલિયા-મોતિયાએ બચાવ્યા હશે.
હવે જમવાનો સમય થઈ ગયો હતો. મંદિરની બહાર મંદિરની સામેની બાજુએ ભોજનશાળા અને અતિથિગૃહ છે. ત્યાં પ્રસાદ લીધો.
પાછા એ જ રસ્તે કનોરીયા થઈને રુદ્રમાતાના મંદિરે બપોરે ૨:૦૦ વાગે પહોચ્યા.
અહીં રુદ્રાણી, આશાપુરા, રવેચી અને મોમાઈ માતાજીની મૂર્તિઓ છે. ચારેબાજુ નીરવ શાંતિ પથરાયેલી છે. મંદિરની બહાર અન્ય એક રસ્તો છે, જ્યાંથી રુદ્રમાતા ડેમ જવાય છે, જે કચ્છનો મોટામાં મોટો માટીનો બંધ છે.
અહીંથી ભુજ દસ-બાર કિલોમીટરના અંતરે આવેલું છે. બપોરે ૨:૪૫ વાગે ભુજના પ્રખ્યાત પ્રાગમહેલ પહોંચ્યા. પ્રાગમહેલ પ્રવાસીઓને જોવા માટે બપોરે ત્રણ વાગે ખુલશે. એટલે તેની આજુબાજુ ફોટા પાડ્યા. પ્રાગમહેલ જોવા માટે ટીકીટ લેવી પડે છે.
પ્રાગમહેલ રાવ પ્રાગમલજીએ બંધાવ્યો હતો. પ્રવેશતા જ શરૂઆતમાં સામે વિશાળ પગથિયાં આવે છે. પગથિયાં પરથી થઈને એક મોટા હોલમાં જવાય છે જેને દરબાર હોલ કહેવાય છે. ત્યાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીર ટીંગાડેલા છે. ત્યાંથી આગળ જઈએ તો ખુલ્લી અગાસી આવેલ છે જ્યાંથી ટાવરમાં જવાય છે તેને ‘બિંગબેગ ટાવર’ કહે છે. ત્યાં ઘડિયાળની મશીનરી છે. મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાતાં હતાં જે આજે બંધ હાલતમાં છે.
પ્રાગમહેલના આંગણામાં આગળ આઇનામહેલ આવેલું છે ત્યાં પણ ટિકિટ લઈને અંદર ગયા. ત્યાં ફોટા પાડવામાં ફ્લેશનો ઉપયોગ કરવાની મનાઈ છે. આઈના મહેલમાં મનોરમ્ય ફુવારા, કાચના ઝુમ્મરો, અરીસાથી મઢેલ દીવાલો, હાથીદાંતના નકશીકામથી જડેલ દરવાજા અને અનેક બીજી પુરાની વસ્તુઓ છે. મહેલના દરબાર ખંડમાં સોનાથી મઢેલ ઢાળેલો મહારાજા લખપતજીનો ઢોલીયો અને તેના પર હીરા જડિત તલવાર મુકેલી છે. આઈના મહેલમાં 155 વર્ષ જૂનું કચ્છી બનાવટનું અદભુત ઘડિયાળ છે તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોર કરે છે. તે સાલ, માસ, તિથિ, ચોઘડીયા, કલાક, મિનીટ સેકન્ડ, સૂર્યોદય-સૂર્યાસ્ત તથા ચંદ્ર કળા બતાવે છે. બહાર આવીને આજુબાજુ કચ્છી બનાવટની વસ્તુઓની દુકાનો જોઈ. જોઈને હમીસર તળાવ થઈને સાંજે ચાર વાગ્યે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા.
સ્વામીનારાયણ મંદિર એક વિશાળ જગ્યામાં બનાવેલ છે. તેની કોતરણી અદ્ભુત છે. મંદીરમાં બે ઘડી બેસીને શાંતિનો અનુભવ કર્યો. જયારે બે વર્ષ પહેલાં અમે કચ્છ ગયા હતા ત્યારે અહીં આવેલી ધર્મશાળામાં રોકાયા હતા. ત્યાં કામ કરતા એક ભાઈની મદદથી અમને ત્યાં રોકાવા મળ્યું હતું. તેમને ફોન કર્યો. તેઓ હાલ અહીં નથી પણ તેમણે પોતાનું ફાસ્ટફૂડનો બિઝનેસ ચાલુ કર્યો છે. તેઓ સાડાચાર વાગ્યે મંદિરે અમને મળવા માટે આવવાના હતા. ત્યાસુધી મંદિરના ફરતે ફર્યા. બહાર નીકળીને નરનારાયણ ગેટ આગળ ગયા ત્યાં જ તેમની દુકાન છે. એટલામાં તે ભાઈ આવી ગયા. તેમણે બ્રેડ પકોડા ખવડાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ હતા. તેમની વિદાય લઈને સાંજે સાડાપાંચ વાગ્યે ઉમિયાધામ તરફ આગળ વધ્યા.
ઉમિયાધામ ભુજથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. સાંજે છ વાગ્યા જેવા વાંઢય ઉમિયાધામ પહોંચી ગયા. ત્યાં રોકાવાનો પ્લાન કર્યો હતો પણ કદાચ હજી અંધારું થવામાં વાર હતી. એટલે બધાનો મત હતો કે ભચાવ પહોંચી જવાશે ત્યાંજ કોઇ રહેવા માટેની વ્યવસ્થા કરી લઈશું એમ વિચારીને ઉમિયાધામના દર્શન કરીને પાછા ભુજ અને ભુજથી ભચાવ તરફ ગયાં. રસ્તો થોડો ખરાબ હતો અને વચ્ચે વચ્ચે રસ્તામાં નીલગાય પણ દોડતી આવી જતી હતી. રાત્રે 8:30 હોટેલ લોધેશ્વર ઊભા રહ્યા. તે ભાઈ પાસેથી ધોળાવીરાનો રસ્તો પૂછ્યો. અને અત્યારે જવાય કે ના જવાય તે પૂછતા તેના જબાબમાં તેમને કહ્યું કે અહી એવા કોઈ ભય જેવું નથી. તમે જઈ શકો છો. પણ રસ્તામાં અટવાશો તો તમે કોઈને પૂછી શકો તેવું કોઈ મળશે નહીં. એટલે હિતાવહ છે કે તમે ભચાઉ રોકાય સવારે વહેલા નીકળી જજો. તેમની વાત માનીને ભચાઉંમાં જયભગવાન અતિથીગ્રૂહમાં રોકાઈ ગયા અને ત્યાં જમ્યા અને સુઈ ગયા.
બીજા કચ્છના જોવાના રહી ગયેલા સ્થળ કહેજો....