હતી એક પાગલ..!!:-ભાગ 7
દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !!
લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે .. !!
તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !!
જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે .. !!
તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે .. !!
તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે .. !!
સોમનાથ થી સવારે નીકળી લક્ઝરી સીધી દિવ પહોંચી ગઈ..દિવ ની સફર એ એમની ટુર નો આખરી દિવસ હતો.દિવ નો રમણીય નજારો જોઈ દરેક સ્ટુડન્ટ મંત્રમુગ્ધ બની એને મનભરી આંખોમાં ઉતારી લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.બીજાં વિદ્યાર્થીઓ જ્યાં દિવમય બની ગયાં હતાં ત્યાં બસ એક માહી હતી જે ધીરે-ધીરે શિવમય બની ગઈ હતી.
માહી પોતાની તરફ પ્રેમની લાગણી ધરાવી રહી છે એ વાતની શિવ ને થોડી-ઘણી સમજ તો પડી ગઈ હતી..છતાં એ હજુ માહી નો મળતાવળો સ્વભાવ આ બધાં પાછળ કારણભૂત છે અને એ પોતાની એક મિત્ર થી વિશેષ કંઈ નથી એવું પોતાની જાત ને સમજાવી શિવ માહી થી થોડો થોડો દૂર રહેવા લાગ્યો હતો.
"પણ કોઈનાંથી દૂર જવાથી એને તમારાં મનમાંથી દૂર કરી શકાય એવું કોઈ વિચારે તો એ ખોટું છે..ઉપરથી તમે કોઈનાં પ્રત્યે લાગણી ધરાવતાં હોય અને મન મારીને એનાંથી અળગા થવાનો પ્રયત્ન કરવો એ શાયદ પોતાની જાતને દગો આપવા બરાબર છે એવું મારું અંગત માનવું છે.
બધાં સ્ટુડન્ટે મનભરી ને દિવનાં દિવા જેવાં સાફ દરિયામાં મસ્તી કરી.માહી પોતાની સહેલીઓ સાથે ખુશ તો હતી પણ શિવ પોતાનાથી દૂર જઈ રહ્યો હતો એ વાત એને રહીરહીને પરેશાન કરી રહી હતી.આ તરફ શિવ મનમાં હજારો વિચારો લઈને પોતાનાં મિત્રો સાથે આજનાં દિવસને મનભરીને માણી રહ્યો હતો.
શિવ નો આવો એકદમ બદલાઈ ગયેલો વ્યવહાર માહી ને પસંદ તો નહોતો આવી રહ્યો..એ જઈને શિવને મળીને એનાં આવાં વ્યવહારનું કારણ પુછવા માંગતી હતી પણ શિવ ને એનાં મિત્રો જોડે ખુશ જોઈ અત્યારે એ બધી વાત કરવાનો વિચાર માહીએ પડતો મુક્યો.
બપોરે 2 વાગ્યાં સુધી તો બધાં દરિયાનાં પાણીમાં ધીંગા મસ્તી કરતાં રહ્યાં.. બપોરે જમવાનું પૂર્ણ કરી બધાં રિટર્ન મહેસાણા જવા માટે નીકળી પડ્યાં. કેમકે હવે સાંજે ત્યાં સમયસર પહોંચી જવાય તો ઘણાં સ્ટુડન્ટ જે પ્રોપર મહેસાણાનાં નથી એ બધાં ઘરે જઈ શકે.
લકઝરીમાં પણ શિવ પોતાની જાતને કાભઈ અને મયુર સાથે વાતોમાં વ્યસ્ત રાખી રહ્યો હતો..એટલે માહી ને ત્યાં પણ શિવ સાથે વાત કરવાનો સમય ના મળ્યો.આ તરફ માહી તરફ શિવ દ્વારા ના ઈચ્છવા છતાં એની અપલક નજર માહી પર પડી જતી..ક્યારેક એ સમયે માહી પણ એને જોઈ રહી હોય એવું બનતું.
રાતે બાર વાગે લકઝરી મહેસાણા પહોંચી ગઈ..માહી શિવ સાથે વાત કરવા ઈચ્છતી હતી છતાં શિવ એની સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો.સાંજે એ લોકો જ્યારે જમવા માટે એક જગ્યાએ રોકાયા ત્યારે પણ માહી શિવ જોડે વાત કરવા જઈ પણ શિવ એ સમયે પણ કંઈક બહાનું કરી ત્યાંથી છટકી ગયો.
રાતે મોડું થઈ ગયું હોવાથી મયુરે શિવ ને પોતાનાં ઘરે જ રોકાઈ જવા માટે કહ્યું.શિવે પણ મયુરની વાતનો સહજ સ્વીકાર કરી લીધો અને મયુરનાં ઘરે રાત્રી રોકાણ કરવા ચાલ્યો ગયો.
માહીનાં પિતાજી એને ત્યાં લેવા આવ્યાં હોવાથી એ શિવ સાથે વાત ના કરી શકી એટલે હવે એને શિવની જોડે વાત કરવાનો અવસર દિવાળી વેકેશન પછી જ મળવાનો હતો.
મયુરના ઘરે મયુરનાં રૂમમાં જ શિવ ની રાતે સુવા માટેની વ્યવસ્થા થઈ ગઈ.શિવ અને મયુર બંને થાકી ગયાં હતાં એટલે પથારીમાં પડીને નીંદર દેવી નાં આગોશમાં સમાઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં મયુરે પોતાનાં મનમાં ઉભો થયેલો એક સવાલ શિવ ને પૂછતાં કહ્યું.
"શિવ એક વાત પૂછું..તું માહી થી દુર રહેવાનો પ્રયત્ન કેમ કરી રહ્યો છે..?"
શિવ મયુરના આ સવાલની અપેક્ષા જ નહોતો કરી રહ્યો એટલે એ આ સવાલ પુછાતાં ચોંકી ગયો..શિવે ચહેરા પર કોઈ હાવભાવ વગર મયુર નાં પ્રશ્ન નો જવાબ આપતાં કહ્યું.
"મયુર,તું શું કહી રહ્યો છે એની મને કંઈપણ ખબર નથી પડતી.?"
"જો શિવ તારે ના કહેવું હોય તો ના કહીશ.. પણ હું બે દિવસથી જોઈ રહ્યો હતો કે તારાં અને માહી વચ્ચે પહેલાં તો નજદીકી વધી અને પછી અચાનક જ તું આજે માહી ની તરફ ઓરમાયું વર્તન કરી રહ્યો હતો.આનું કારણ જાણી શકું..??શું માહી એ તને કંઈ કહ્યું..?"મયુર બોલ્યો.
મયુર ની વાત સાંભળી શિવ સમજી ગયો કે મયુર નું ધ્યાન એની તરફ હતું જ્યારે એ માહી ની નજીક રહેતો અને જ્યારે એ માહી થી દુર આવવાની કોશિશ કરી રહ્યો હતો.હવે મયુરને સત્ય કહી દેવું જોઈએ એમ વિચારી શિવ બોલ્યો.
"મયુર,માહી ખુબ સારી છોકરી છે.એક મિત્ર તરીકે માહી જેવી મિત્ર મળવી નસીબની વાત છે.પણ જે કંઈપણ અમારી વચ્ચે પાછલા બે દિવસથી થઈ રહ્યું હતું એ બાબતે હું થોડો ગંભીર હતો..એ મને પ્રેમ કરે છે એ બાબતે હું સ્પષ્ટ નથી હતી પણ એનો આવો ફ્રેન્ક સ્વભાવ અને એનું મારાં તરફનું વર્તન ધીરે-ધીરે મને એની તરફ ખેંચી રહ્યું હતું.મારાં મનમાં પણ માહી માટે કૂણી લાગણી ઉદ્દભવી રહી હતી."શિવ ઉચાટભર્યાં અવાજે બોલ્યો.
"જો તને માહી ગમતી હોય તો રાખી દે દિલની વાત એની સામે..ખબર તો પડે કે એ એવું ઈચ્છી રહી છે.અને યાર માહી રિયલી તારાં માટે પરફેક્ટ છે."શિવ ની આટલી વાત સાંભળતાં જ મયુર બોલી પડ્યો.
"મયુર,મને ખબર છે કે માહી જેવી યુવતી પ્રેમિકા તરીકે મેળવવી નસીબની વાત છે..પણ તું જાણે છે કે પિતાજીનાં અવસાન પછી મમ્મી ની સઘળી આશાઓ મારાં ઉપર કાયમ છે.જો માહી તરફ હું ધ્યાન આપીશ તો હું મારાં સ્ટડી પર ફોકસ નહીં કરી શકું.માટે અત્યારે આ પ્રેમ-બ્રેમ માં પડવું જ નથી."શિવ મક્કમ સ્વરે બોલ્યો.
શિવ ની વાત એક રીતે જોઈએ વ્યાજબી તો હતી એટલે મયુરે વધુ પડતી એ વાત ને ખેંચવાનાં બદલે આ વાત ને અહીં જ સ્ટોપ કરવી ઉચિત સમજી કહ્યું.
"હા ભાઈ તારાં માટે અભ્યાસ પ્રથમ આવે અને બીજું પછી.ચલ ત્યારે good night."
"Very good night.."આટલું કહી શિવે પણ વિચારોને બ્રેક મારી અને આરામ માટે લંબાવ્યું.
હા આજે ઊંઘ તો આવી જ જવાની હતી શિવને..કેમકે ત્રણ દિવસનાં પ્રવાસનો થાક આજે થાક બની એનાં તન પર હાવી હતો.આવું ના હોત તો શાયદ શિવ આજની રાત માહીનાં વિચારોમાંથી બહાર આવે એ લગભગ અશક્ય હતું.
************
એક મહિના જેટલો સમય વીતી ગયો અને દિવાળી વેકેશન પછી કોલેજ પણ રાબેતા મુજબ પુનઃ ચાલુ થઈ ચુકી હતી.માહી એ કોલેજમાં આવતાં ની સાથે પહેલાં તો શિવ ની શોધખોળ આરંભી..જેવો જ એને શિવ ને કોલેજનાં ગાર્ડનમાં ગયો એટલે માહી દોડતી હોય એમ એની તરફ ઉતાવળાં ચાલીને પહોંચી.
"Happy new year.. શિવ.."શિવ ની તરફ હાથ લંબાવી હરખભેર માહી બોલી.
"Happy new year."શિવે માહી જોડે હાથ મિલાવતાં કહ્યું.પણ શિવ જે બોલ્યો એમાં કોઈ ઉમળકો નહોતો.એનું આમ કરવું માહી ને ખૂંચી રહ્યું હતું.
"શિવ મારે તારી સાથે વાત કરવી છે.."શિવ નું આમ વગર કારણે પોતાનાંથી દુર થવું ના સહેવાતાં માહી બોલી.
"હા બોલ.."શિવ પોતાનું મોં બીજી તરફ ફેરવી ના મને બોલ્યો.
શિવ ની જોડે અત્યારે મયુર અને બીજાં બે મિત્રો હતાં.. સ્થિતિની ગંભીરતા ને સમજી મયુર બીજાં બંને મિત્રો સાથે ત્યાંથી નીકળી ગયો.
"શિવ તું મારી સાથે આવું કેમ કરી રહ્યો છે..પ્રવાસનાં છેલ્લાં દિવસથી લઈને આજ સુધી મેં નોટિસ કર્યું છે કે તું મારાં થી વગર કોઈ કારણે દુર ભાગી રહ્યો છે..મારો કોઈ વાંક હોય તો જણાવ..પણ આમ તારું આમ વર્તવું મને નહીં પોષાય.."શિવ એકલો પડતાં જ રડમસ સ્વરે માહી બોલી.
માહી ની વાત સાંભળી શિવ એટલું તો સમજી જ ગયો હતો કે માહી પોતાને ફક્ત એક મિત્ર નહોતી માની રહી પણ એનાંથી વધુ કંઈક સમજી રહી હતી.માહી જે કંઈપણ લાગણી પોતાની પ્રત્યે ધરાવી રહી હતી એ વિષયમાં આજે એની સાથે ચર્ચા કરવી જરૂરી હતી.
"માહી તારો કોઈ વાંક નથી..અને યાર આપણે ફક્ત મિત્રો છીએ.માટે એક મિત્ર તરીકે તારી સાથે જેટલી વાત થાય એટલી તો કરું છું.એનાં થી વધુ ની અપેક્ષા રાખવી તારાં અને મારાં બંને માટે ખોટી છે.તો પ્લીઝ તું આમ મારી વધુ નજીક આવવાની કોશિશ ના કરીશ."માહી ની સામે હાથ જોડી ઉંચા અવાજે શિવ બોલ્યો.
શિવનો આવો વ્યવહાર અને આમ ઉંચા અવાજે બોલવું માહી માટે વજ્રાધાત સમાન હતું.શિવ નાં આમ બોલતાં જ માહી રીતસરની રડવા લાગી.શિવ સાથે વધુ વાત કરવાનો કોઈ ફાયદો નહોતો એ સમજતાં માહી ને વાર ના લાગી અને એ દોડીને વોશરૂમ તરફ દોડીને પહોંચી ગઈ.
દિવાળી પછીનો કોલેજનો પ્રથમ દિવસ જ માહી માટે તો ખુબ ખરાબ અનુભવ આપનારો રહ્યો.એ અડધો કલાક સુધી વોશરૂમમાં જ ભરાઈ રહી.ક્લાસરૂમમાં જવાની કોઈ ઈચ્છા જ ના થતાં માહી કોલેજ બંક કરી ને બહાર નીકળી ગઈ.
શિવ દ્વારા માહી સાથે જે પ્રકારનું વર્તન આજે કરવામાં આવ્યું એની જાણ મયુર અને કાભઈ ને થતાં એ બંને એ શિવ ને ઘણો ધમકાવ્યો.પણ શિવ ને પોતે જે કંઈપણ કર્યું હતું એનો થોડો પણ પસ્તાવો નહોતો એનું કારણ એને એવું લાગતું હતું કે આવું કરવાથી માહી હવે એને નફરત કરવા લાગશે અને ફરીવાર એની નજદીક આવવાનો પ્રયત્ન નહીં કરે.
શિવ જેવી ગણતરી ધરાવતો હતો એવું જ ખરેખર બન્યું.ઇન્ટરનલ એક્ઝામ ની તારીખો પણ આવી ચુકી હતી.શિવ નું સંપૂર્ણ ધ્યાન ફક્ત અને ફક્ત એની સ્ટડી પર કેન્દ્રિત હતું.બીજી તરફ માહી પણ બહારથી તો પોતે શિવ દ્વારા પોતાની સાથે કરેલાં એ ઉદ્ધત વર્તન બદલ એને ઉપરછલ્લી નફરત કરે છે એવું બતાવવાનો ડહોળ તો કરી રહી હતી પણ અંદરથી હજુ એ એને શિવની તરફ પ્રેમની લાગણી તો હતી જ.
"એ ભી સિર્ફ પ્યાર મેં ભી મુમકીન હૈં દોસ્ત..
ના ઉસસે નફરત હો શકે ના ઉસસે પ્યારકી દો બાતેં.
તસવ્વુર કા આલમ ભી એસા હોતા હૈં
કટ જાતે હૈં દિન,મગર દર્દ દે જાતી હૈં સિસકતી રાતે.
બે મહિના સુધી તો બધું એની રીતે બીબાઢાળ ગતિમાં ચાલતું રહ્યું. ઇન્ટરનલ એક્ઝામ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને એનું રિઝલ્ટ પણ આવી ગયું હતું.શિવ રિઝલ્ટ બાદ ખુબ ખુશ હતો કેમકે એને ટોપ કર્યું હતું.માહી પણ શિવથી ફક્ત બે માર્ક્સ જ ઓછાં હાંસિલ કરી બીજાં સ્થાને રહી હતી.
કોલેજનાં વાર્ષિક મહોત્સવનું આયોજન થયું..જેમાં અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી.ગીત,સંગીત,નૃત્ય,નાટક જેવી વિવિધ સ્પર્ધાઓ રાખી એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ બધાં આયોજનની જવાબદારી ત્રિવેદી સાહેબનાં માથે હતી.
ત્રિવેદી સાહેબે મનોમન એક સ્પર્ધા નક્કી કરી રાખી હતી અને એનાં બે પ્રતિસ્પર્ધી કોણ હશે એ પણ ત્રિવેદી સાહેબનાં મનમાં ક્લિયર જ હતું.તમે પણ એ તો સમજી ગયાં હશો કે એ બંને સ્પર્ધકો શિવ અને માહી હતાં. કોલેજ ટુર વખતે જે રીતે શિવ અને માહી ની ટક્કર અંતાક્ષરીની રમત વખતે થઈ હતી એ જોતાં જ એમનાં મનમાં વાર્ષિક મહોત્સવ વખતે આવી એક સ્પર્ધા આ બંને વચ્ચે રાખશે એવું એમને મન બનાવી લીધું હતું.
સ્પર્ધા શું હશે અને એનો વિષય શું હશે એ વિશે ત્રિવેદી સરે માહી અને શિવને થોડી ઘણી હિન્ટ આપી રાખી હતી પણ વધુ જણાવ્યું નહોતું..આ ઉપરાંત એ બંને આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે એ બાબત પણ એમનાં મિત્રોથી ગોપનીય રાખવાનું કહેવામાં આવ્યું.શિવ અને માહી ને પણ એ ખબર નહોતી કે એમની ટક્કર એકબીજા સાથે થવાની હતી.
ત્રિવેદી સરે એ બંને ને થોડી ઘણી હિન્ટ આપતાં એટલું તો કહ્યું હતું કે આ એક તીવ્ર વકૃતત્વ સ્પર્ધા જેવી કોમ્પિટિશન રહેવાની છે.આમાં જે જીતશે એને મહેસાણા રોટરી ક્લબમાં યોજાનારી કોમ્પિટિશનમાં ભાગ લેવા મળશે એવું પણ એમને એ બંને એ જણાવ્યું.
શિવ અને માહી એ આ તીવ્ર વકૃતત્વ સ્પર્ધામાં પોતે ભાગ લેશે એ બાબતની હામી પણ ભરી દીધી..આખરે એ દિવસ આવી ગયો જ્યારે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવનાર હતું.સવારે નવ વાગ્યાંથી શરૂ થયેલ વિવિધ પ્રકારની ડાન્સ,ગીત અને સંગીત સ્પર્ધાનાં અંતે સાંજે ચાર વાગી ગયાં અને વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન એનાં અંત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ત્રિવેદી સરે માઈક હાથમાં લીધું અને કહ્યું.
"આજે આપણી કોલેજનાં વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે વિવિધ પ્રકારની કલા રજુ કરી ત્યાં હાજર દરેકનું મનોરંજન કર્યું.હવે છેલ્લે એક નવાં જ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.આ સ્પર્ધામાં ભાગ લેનારાં સ્પર્ધકો પણ આ સ્પર્ધા શું હશે એ વિષયમાં કંઈપણ જાણતાં નથી..તો તાળીઓનાં ગળગળાટ સાથે વધાવી લો આજની આ તદ્દન નવાં વિષય પર શરૂ થનાર સ્પર્ધાનાં સ્પર્ધકો ને..એમનાં નામ છે..શિવ પટેલ અને માહી ગુજરાલ.."
શિવ અને માહી એ જેવું સાંભળ્યું કે પોતાનો મુકાબલો એકબીજાની સાથે છે એવું જ એમનું મગજ ચકરાવે ચડી ગયું.પોતે હવે માહી ની સામે બોલવાનો પણ નથી એવું નક્કી કરેલો શિવ તો આ સાંભળી હેરાન થઈ ગયો હતો કે એની ટક્કર માહી જોડે છે..બીજી તરફ માહીનાં ચહેરા પરથી એની મનોસ્થિતિનો ખ્યાલ લગાવવો મુશ્કેલ હતો.
અન્ય છાત્રો અને શિક્ષકોની તાળીઓ વચ્ચે શિવ અને માહી પોતપોતાની બેઠક પરથી ઉભાં થઈને સ્ટેજ પર આવ્યાં.. શિવે અને માહીએ એકબીજાની તરફ ત્રાંસી નજરે જોયું.એમની નજર જાણે એકબીજાને કહી રહી હતી.
"હું તૈયાર છું તારી સાથે મુકાબલો કરવા..!"
ઘાવમાં પણ રિવાજ લાગે છે,
વાગ્યુ હોય ત્યા ફરી-ફરી વાગે છે.
★★★★★★■★★★★★★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)