Beiman - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેઈમાન - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બેઈમાન - 2

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 2

બીજું ખૂન !

માધવીએ દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ પેલો રહસ્યમય ઓવરકોટધારી સ્ફૂર્તિથી સાગર બિલ્ડીંગની બરાબર સામે આવેલા પબ્લિક પાર્કીંગ તરફ આગળ વધ્યો.

પાર્કીંગમાં કાર,સ્કુટર,મોટર સાઇકલ જેવા કેટલાંય વાહનો પડ્યા હતાં.

ઓવરકોટધારી પાર્કીંગમાંથી એક સ્કૂટર બહાર કાઢીને માધવી ગઈ હતી, એ તરફ જવા માટે રવાના થઇ ગયો.

ટેક્સી-સ્ટેન્ડથી દૂર પહોંચીને એણે સ્કૂટર ઉભું રાખી દીધું. એણે જોયું તો માધવી એક ટેક્સીમાં બેસતી હતી. જોતજોતામાં એ ટેક્સી સ્ટાર્ટ થઈને આગળ વધી ગઈ.

ઓવરકોટધારી એક નિશ્ચિંત અંતર રાખીને ટેક્સીનો પીછો કરવા લાગ્યો.

પંદર-વીસ મિનિટ પછી માધવીવાળી ટેક્સી અમરજી સ્ટ્રીટમાં દાખલ થઈને એક ત્રણ માળની ઈમારત સામે ઉભી રહી ગઈ.

ઓવરકોટધારીએ ગલીના ખૂણા પર જ પોતાનું સ્કૂટર ઉભું રાખી દીધું.

માધવી ભાડું ચૂકવીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક ફ્લેટનાં બારના પાસે પહોંચી. પછી એણે પોતાના હેન્ડપર્સમાંથી ચાવી કાઢીને ફ્લેટનું બારણું ઉઘાડ્યું.

બારણાની ડાબી તરફ સ્વીચ બોર્ડ હતું.

એણે અનુમાનના આધારે હાથ ફેરવીને સ્વીચ દબાવી.

વળતી પળે જ રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો.

એ અંદર દાખલ થઇ કે તરત જ એની નજર જમીન પર પડેલા પોસ્ટ-ઓફીસના એક કવર પર પડી. કવર ઊંચકી, તેને ફાડી, તેમાંથી કાગળ કાઢી વાંચવા લાગી.

એ પત્ર વાંચવામાં એટલી બધી તલ્લીન થઇ ગઈ હતી કે ક્યારે પેલો ઓવરકોટધારી દબાતે પગલે આવીને એની પાછળ ઉભો રહી ગયો છે તેની એને ખબર નહોતી પડી.

ઓવરકોટધારીના હાથમાં ચામડાનો પટ્ટો જકડાયેલો હતો.

સહસા કોઈકની હાજરીનો આભાસ થતાં જ માધવી ચમકી ગઈ.

એ પીઠ ફેરવવા ગઈ. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.

ઓવરકોટધારીના હાથમાં જકડાયેલો ચામડાનો પટ્ટો અજગરી ભરડાની જેમ તેની કોમળ ગરદન ફરતે વીંટળાઈ ગયો. એના ગળા પર પ્રત્યેક પળે દબાણ વધતું જતું હતું.

ઓવરકોટધારીની મજબૂત પક્કડ સામે તે લાચાર બની ગઈ.

થોડી પળો સુધી તરફડીને છેવટે એનો દેહ ઓવરકોટધારીના હાથમાં ગાળિયા રૂપમાં જકડાયેલા પટ્ટા વચ્ચે ઝૂલવા લાગ્યો.

એ મૃત્યુ પામી હતી.

એની આંખોના ડોળા બહાર ધસી આવ્યા હતાં. ઉઘાડા મોમાંથી તેની જીભ ચારેક ઇંચ જેટલી બહાર નીકળીને દાઢીને સ્પર્શતી હતી. જમણા હોઠના ખૂણામાંથી ફીણ નીકળી ગયું હતું. ચહેરો તરડાઇ ગયો હતો.

ઓવરકોટધારીએ તેના મૃતદેહને જમીન પર સુવડાવી દીધો.

થોડી પળો સુધી માધવીના મૃતદેહ સામે તાકી રહ્યા પછી એણે જવા માટે પીઠ ફેરવી.

પછી કંઇક વિચારીને એણે માધવીના હાથમાંથી સરકી ગયેલો પત્ર ઊંચકીને વાંચ્યો.

પત્ર વાંચીને એ થોડી પળો સુધી કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગ્યો. ત્યારબાદ વિચારસાગરમાંથી બહાર આવી,ગજવામાંથી લાઈટર કાઢીને એણે પત્રને કવરમાં નાખીને સળગાવી નાખ્યો.પત્ર પુરેપુરો સળગી ગયા પછી એણે તેની રાખને બૂટના તળિયા વડે મસળી નાખી.

પછી બ્રિફકેસ ઉચકીને તે બહાર નીકળ્યો. એણે બારણાને અમસ્તું જ બંધ કરી દીધું.

ત્યારબાદ જાણે કંઈ જ ના બન્યું હોય એમ બેફીકર ચાલે એ પોતાના સ્કૂટર તરફ આગળ વધી ગયો.

***

મોહનલાલ ભાનમાં આવ્યો ત્યારે પારાવાર પીડાથી તેનું માથું ફાટતું હતું.

એની આંખો સામે અંધકારનો પડદો છવાયેલો હતો.

પીડાનું કારણ થોડી પળો સુધી તો સમજી જ ન શક્યો. પરંતુ જેવું તેણે બધું યાદ આવવા લાગ્યું કે તરત જ એણે ઉભા થવાનો પ્રયાસ કર્યો. માથામાં થતી પીડાને કારણે એનાં મોમાંથી વેદનાભર્યો ચિત્કાર સરી પડ્યો.

એ બંને હથેળી વચ્ચે માથું જકડીને બેસી ગયો.

થોડીપળો સુધી તે એમને એમ બેસી રહ્યો. પછી ધીમે ધીમે એણે આંખો ઉઘાડી. ઓશિકા પર નજર પડતાં જ તે એકદમ હેબતાઈને ઊભો થઇ ગયો.

એના પગ ધ્રુજતા હતાં.

લથડતી ચાલે તે ઓશીકા તરફ આગળ વધ્યો. નજીક પહોંચીને એણે ઓશીકું ઉચકીને એક તરફ ફેંક્યું. ઓશીકા નીચેથી બ્રિફકેસને ગુમ થયેલી જોઇને તેનો શ્વાસ ઊડી ગયો. એનું દિમાગ શૂન્ય થઇ ગયું. બ્રિફકેસ શોધવા માટે એની વ્યાકુળ નજર ઓફીસના એક ખૂણામાંથી માંડીને બીજા ખૂણા તરફ ફરી વળી.

પછી ફરતી ફરતી એની નજર તિજોરી પર સ્થિર થઇ ગઈ.

તિજોરીનું બારણું થોડું ઉઘાડું હતું.

એ ધ્રુજતાં પગલે, પડતો-આખડતો જેમ તેમ કરીને તિજોરી પાસે પહોંચ્યો. તિજોરીનો ખૂણો પકડીને એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. ત્યારબાદ તિજોરીનું બારણું પૂરેપૂરું ઉઘાડી નાંખ્યું.

તિજોરીમાં એક કાગળનો ટુકડો પણ નહોતો.

પછી એણે જમીન પર વેર-વિખેર હાલતમાં પડેલી ફાઈલો તથા કાગળો જોયા.

એની આંખો સામે ફરી અંધકાર ફરી વળ્યો. એ સહેજ સ્વસ્થ થઈને ફાટી આંખે ક્યારેક તિજોરી સામે તો ક્યારેક જમીન પર પડેલા કાગળો સામે તાકી રહ્યો.

એ બંને હાથે માથું પકડીને ધમ્મ કરતો ખુરશી પર ફસડાઈ પડ્યો.

એની આંખોમાં આંસુ ધસી આવ્યા.

‘હે ઈશ્વર...!’ એ ભરાયેલા અવાજે બબડ્યો, ‘આ શું થઇ ગયું? હવે હું જૈન સાહેબને શું મોં બતાવીશું?’

દસેક મિનિટ સુધી તે આજ હાલતમાં બેસી રહ્યો. પછી સ્વસ્થ થઈને તે વિચારવા લાગ્યો.

પછી અચાનક એને યાદ આવ્યું કે જયારે પોતાની ઊંઘ ઊડી ત્યારે ઓફિસમાં અંધારું હતું. જયારે પોતે સુતો ત્યારે લાઈટ ચાલુ રાખીને જ સૂતો હતો. ત્યારબાદ પોતે ભાનમાં આવ્યો ત્યારે ઓફિસમાં પૂર્વવત રીતે લાઈટ સળગતી હતી.

આ બધો શું બખેડો છે એ તેને નહોતું સમજાતું.

પછી તેને ઓફિસમાં આવેલી બંને આકૃતિઓ યાદ આવી! પોતાના માથા પર એક આકૃતિએ ટોર્ચના પ્રહારો કર્યા હતાં. એ પણ યાદ આવ્યું.

અનાયાસે જ એનો હાથ માથા પર પહોંચી ગયો. એના માથા પર વચ્ચેના ભાગમાં એક મોટું ઢીમચું ઉપસી આવ્યું હતું.

એક ઊંડો શ્વાસ નાખીને એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.

વહેલી સવારના સાડાપાંચ વાગ્યા હતાં.

એણે કંપતા હાથે ટેબલ પર પડેલા ટેલીફોનનું રિસીવર ઊંચકીને પોલીસ હેડક્વાર્ટરનો નંબર મેળવ્યો.

થોડી પળો સુધી ઘંટડી રણક્યા બાદ સામે છેડેથી રિસીવર ઊંચકાયું.

‘હેલ્લો...પોલીસ હેડક્વાર્ટર...?’ મોહનલાલે ધ્રુજતા અવાજે પૂછ્યું.

‘જી, હા...હું હેડક્વાર્ટરમાંથી ઇન્સ્પેક્ટર વામનરાવ બોલું છું. તમે કોણ બોલો છો?’

‘ઇન્સ્પેક્ટર સાહેબ ! હું એમ.જે. એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટનો કેશિયર મોહનલાલ બોલું છું.’

‘બોલો... હું તમારે માટે શું કરી શકું તેમ છું?’

‘ઇન્સ્પેક્ટર સાહેબ...! અહીં દસ લાખ રૂપિયાની ચોરી થઇ ગઈ છે.’

‘શું...?’ સામે છેડેથી વામનરાવે ચમકીને પૂછ્યું, ‘શું કહ્યું તમે...? દસ લાખ રૂપિયાની ચોરી?’

‘જી, હા...’

‘તમે ક્યાંથી બોલો છો ?’

‘હું ઓફિસેથી જ બોલું છું.’મોહનલાલનો દેહ હજુ પણ કંપતો હતો. ‘દીવાન ચોક પાસે સાગર બિલ્ડીંગના છઠ્ઠા માળ પર અમારી ઓફીસ છે. આપ જેમ બને તેમ જલ્દીથી અહીં આવી જાઓ.’

‘ઓ.કે... હું હમણાં જ આવું છું. હું ણ આવું ત્યાં સુધી તમે ક્યાંય જશો નહીં.’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

મોહનલાલ રિસીવર મૂકી, ખુરશીની બેઠક સાથે પીઠ ટેકવીને ઊંડા ઊંડા શ્વાસો ખેંચવા લાગ્યો.

પછી સહસા યાદ આવ્યું હોય એમ ફરીથી રિસીવર ઊંચકીને એણે એક નંબર મેળવ્યો.

‘હેલ્લો...કોણ બોલે છે ?’ સામે છેડેથી રિસીવર ઉંચકાતા જ એણે પૂછ્યું.

‘હું બદ્રી બોલું છું.’ સામે છેડેથી જવાબ મળ્યો.

બદ્રી મોતીલાલનો નોકર હતો અને મોહનલાલ તેને સારી રીતે ઓળખતો હતો.

‘બદ્રી...જૈન સાહેબ દિલ્હીથી આવી ગયા ...?’મોહનલાલે પૂછ્યું.

‘ના, હજુ સુધી તો નથી આવ્યા.’ સામે છેડેથી જવાબ મળ્યો.

‘ઠીક છે ...તેઓ આવે એટલે તાબડતોબ ઓફિસે મોકલજે.’

‘ભલે...’

મોહનલાલે સંબંધ વિચ્છેદ કરીને બીજો નંબર મેળવ્યો.

‘હલ્લો...મીસીસ કલ્યાણી સ્પીકીંગ...!’ થોડી પળો સુધી ઘંટડી વાગ્યા બાદ સામે છેડેથી કોઈક સ્ત્રી અવાજ તેને સંભળાયો.

‘નમસ્તે મેડમ...! કલ્યાણી સાહેબ છે...?’

‘ના...’

‘શું...? નથી...? ક્યાં ગયા છે...?’ મોહનલાલે અધીરાઈથી પૂછ્યું.

‘રાત્રે અચાનક તેમના પર માનસિક તાણનો હુમલો થવાને કારણે તેમને ડોક્ટર મહેતાની હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે.’

‘ઓહ...’ મોહનલાલ બબડ્યો.

‘અત્યાર સુધીમાં કદાચ તાણની અસર ઓછી થઇ ગઈ હશે. પરંતુ તેમ છતાં ય હજુ ચાર-પાંચ દિવસ સુધી તેઓ ત્યાં જ રહીને આરામ કરશે. તમારે ખાસ જરૂરી કામ હોય તો મહેતા સાહેબની હોસ્પીટલે જઈને મળી આવો. હું તમને એનું સરનામું જણાવી દઉં.’

‘ના એની કંઈ જ જરૂર નથી.’ કહીને મોહનલાલે રિસીવર મૂકી દીધું.

એ જ વખતે બહાર લોબીમાં કોઈના ભારે ભરખમ બૂટના પગલાનો અવાજ ગુંજી ઉઠ્યો.

મોહનલાલ ઉભો થઇને બહાર નીકળ્યો. એણે જોયું તો સામેથી એક ઇન્સ્પેક્ટર બે સિપાહીઓ સાથે ઓફિસ તરફ જ આવતો હતો. એ ઇન્સ્પેક્ટર વામનરાવ જ હતો.

મોહનલાલ પાસે આવીને ઉભો રહ્યો. એણે પગથી માથા સુધી મોહન્લાલનું નિરીક્ષણ કર્યું.

‘તમે જ ફોન કર્યો હતો?’ એણે રુઆબભેર પૂછ્યું.

‘જી, હા...મેં જ ફોન કર્યો હતો. મારું નામ જ મોહનલાલ છે.’

‘હું...’વામનરાવના ગલામથી હૂંકાર નીકળ્યો.

‘ઇન્સ્પેકટર સાહેબ...! કંપનીના દસ લાખ રૂપિયા ચોરાઈ ગયા છે !’ મોહનલાલે પીડાભર્યા અવાજે કહ્યું.

‘કેવી રીતે ચોરાઇ ગયા...? રકમ ક્યાં પડી હતી ?’

‘’આપ મારી સાથે આવો...હું બધી વિગત આપને જણાવું છું.’ મોહનલાલ મોતીલાલની ઓફિસમાં દાખલ થતાં બોલ્યો.

એની પાછળ પાછળ વામનરાવ તથા બંને સિપાહીઓ પણ અંદર પ્રવેશ્યા.

મોહનલાલે કંઇક કહેવા માટે મોં ઉઘાડ્યું પણ વામનરાવે વચ્ચેથી જ તેને અટકાવ્યો. પછી એણે ઓફિસમાં જઈને ચારે તરફ નજર દોડાવી. તિજોરી અને નીચે તેની આજુબાજુમાં વેરવિખેર હાલતમાં પડેલા કાગળો તથા ફાઈલોનું નિરીક્ષણ કર્યું.

‘રકમ આ તિજોરીમાં જ પડી હતી?’ એણે પીઠ ફેરવીને મોહનલાલ સામે જોતા પૂછ્યું.

‘ના...’ મોહનલાલે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તો...?’ વામનરાવના સ્વરમાં હળવા આશ્ચર્યનો સુર હતો.

‘રકમ ભરેલી બ્રિફકેસ તો હું મારા માથા નીચે મુકીને જ સુતો હતો.’ મોહનલાલે કહ્યું.

‘કમાલ કહેવાય !’ વામનરાવ બબડ્યો, ‘કોઈક તમારા માથા નીચેથી બ્રિફકેસ લઇ ગયું અને તમને એની ખબર પણ ન પડી ?’

‘ઇન્સ્પેકટર સાહેબ....! એવું કંઈ નથી. ચોરે મને બેભાન કરીને ચોરી કરી છે.’

‘ઓહ...’ વામનરાવ બોલ્યો, ‘ખેર, તમે ઓફિસનું બારણું ઉઘાડું રાખીને સૂતા હતા ?’

‘ના...ઓફિસનું બારણું તો હું લોક કરીને જ સૂતો હતો.’

‘તો પછી ચોર અંદર આવ્યો કઈ રીતે ?’

‘એ લોકોએ કદાચ ડુપ્લિકેટ ચાવીથી તાળું ઊઘાડી નાખ્યું હશે.’

‘એ લોકોએ એટલે...? શું તેઓ એક કરતાં વધારે હતા ?’

‘હા...તેઓ કુલ બે જણ હતા. રાત્રે અચાનક જ મારી ઊંઘ ઉડી ગઈ મેં જોયું તો અફીસમાં બે આકૃતિઓ મોજુદ હતી. બેમાંથી એક જણના હાથમાં ટોર્ચ જક્ડેલી હતી. મારી ઊંઘ ઉડી ગયેલી જોઇને એણે ટોર્ચ બુઝાવી નાંખી. પછી એણે મારા માથા પર ટોર્ચ વડે પ્રહારો કરીને મને બેભાન બનાવી દીધો. આ જુઓ, મારા માથામાં ઢીમચું ઉપસી આવ્યું છે.’ કહીને મોહનલાલે તેની સામે પોતાનું માથું નમાવ્યું.

વામનરાવે તેના માથામાં ઉપસેલા ઢીમચાંનું નિરીક્ષણ કર્યું.

‘વારુ, તમે એ બંનેને જોયા તો હશે જ ને ? બીજીવાર તમે જુઓ તો ઓળખી શકશો ને?’

‘ના...’

‘કેમ...?’

‘એટલા માટે કે એ વખતે ઓફિસમાં અંધારું હતું.’ મોહનલાલે કહ્યું, ‘ઇન્સ્પેકટર સાહેબ, હું સૂતો ત્યારે લાઈટ ચાલુ રાખીને જ સૂતો હતો એ મને બરાબર યાદ છે.’

‘જો તમે લાઈટ ચાલુ રાખીએ સૂતા તો પછી જયારે તમારી ઊંઘ ઊડી ત્યારે ઓફિસમાં અંધારું શા માટે હતું?’ વામનરાવે પૂછ્યું.

‘એ જ તો મને સમજાતું નથી ઇન્સ્પેકટર સાહેબ ! અને નવાઈની વાત તો એ છે કે બેભાન થઇ ગયા પછી જયારે હું ભાનમાં આવ્યો ત્યારે ઓફિસમાં લાઈટ પૂર્વવત રીતે જ ચાલુ હતી.’

મોહનલાલની વાત સાંભળીને તેના પ્રત્યેની વામનરાવની શંકા વધુ મજબૂત બની. મોહનલાલ રકમ ચોરીને પોતાના પર આરોપ ન આવે એટલા માટે આવું નાટક કરે છે એમ તેને લાગતું હતું. અત્યાર સુધીમાં આ પ્રકારના જેટલા કેસો એના હાથમાં આવ્યા હતા, એ બધામાં મોટા ભાગે પાછળથી ફરિયાદી પોતે જ ગુનેગાર પુરવાર થયા હતા.

વામનરાવને મોહનલાલ પર શંકા આવે એ સ્વાભાવિક જ હતું, કારણ કે ઓફિસનું બારણું અને તિજોરી તોડવામાં નહોતા આવ્યા પણ ઉઘાડવામાં આવ્યા હતા. અને આ બંનેની એક એક ચાવી મોહનલાલ પાસે પણ હતી જ.

‘ઇન્સ્પેકટર સાહેબ...’ મોહનલાલ કહેતો હતો, ‘મને બેભાન કર્યા પછી એ બંનેએ તિજોરી ઉઘાડી હશે. તિજોરીમાં રકમ ભરેલી બ્રિફકેસ ન મળી એટલે તેમણે ઓફિસમાં તેની શોધખોળ કરી હશે અને મારા ઓશિકા નીચેથી બ્રિફકેસ લઈને પલાયન થઇ ગયા.’

‘બરાબર છે...તમારી વાત કદાચ સાચી હશે. પણ તમે બ્રિફકેસ આવડી મોટી તિજોરીમાં મૂકવાને બદલે તમારા માથા નીચે શા માટે મૂકીને સૂતા હતા? અને સૌથી મહત્વનો સવાલ તો એ છે કે આટલી જંગી રકમ સાથે તમે આવા ક-ટાઈમે એકલા અહીં શું કરતા હતા ?’

‘ઇન્સ્પેકટર સાહેબ !’ મોહનલાલ બોલ્યો, ‘કંપનીનો કેશિયર હોવાના નાતે એ રકમની સંપૂર્ણ જવાબદારી મારી હતી. પહેલા તો મેં રકમ ભરેલી બ્રિફકેસને તિજોરીમાં જ મૂકી હતી. પરંતુ પાછળથી જયારે મારું મન ન માન્યું ત્યારે મેં બ્રિફકેસને તિજોરીમાંથી કાઢીને મારા માથા નીચે મૂકી દીધી હતી. હવે હું આપનો બીજો સવાલ કે હું આટલી જંગી રકમ સાથે આવા ક-ટાઈમે એકલો શું કરતો હતો એનો જવાબ આપું છું. સાંભળો, આજે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને પગાર ચૂકવવાનો છે અને આજે જ બધી બેંકોના કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાળ પર જવાના છે. કર્મચારીઓને સમયસર પગાર મળી રહે એટલા માટે કંપનીના માલિક જૈન સાહેબના કહેવાથી જ હું ગઈકાલે જ બેન્કમાંથી એ રકમને ઉપાડીને લાવ્યો હતો. આવડી મોટી રકમને ઓફિસમાં મુકવામાં મને જોખમ લાગ્યું એટલે હું પણ અહીં જ રોકાઈ ગયો.’

‘બરાબર છે...પરંતુ રકમ તો તમે ઘેર પણ લઇ જઈ શકો તેમ હતા. તો પછી તમે એમ શા માટે ન કર્યું?’ વામનરાવે વેધક નજરે મોહનલાલના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું એના અવાજમાં શંકાનો સૂર હતો.

‘વાત એમ છે ઇન્સ્પેકટર સાહેબ...’ મોહનલાલ ખમચાયો.

‘હા, હા...બોલો...અટકી હા માટે ગયા...?’

‘વાત એમ છે ઇન્સ્પેકટર સાહેબ, કે મને મારા દિકરા અજીત પર જરા પણ ભરોસો નથી.’ કહીને મોહનલાલે તેને અજીતની પ્રકૃતિથી વાકેફ કર્યો. પછી ઉમેર્યું, ‘બસ, આ કારણસર જ હું રકમ ઘેર ન લઇ જતાં અહીં જ રોકાયો હતો.’

‘હું...’ વામનરાવે હુંકાર કર્યો. પછી તે કોઈક વિચારમાં ડૂબી ગયો.

‘આ તિજોરી અને ઓફિસના દરવાજાની ચાવી માત્ર તમારી પાસે જ રહે છે?’

‘ના...મારા સિવાય બીજા પાંચ માણસો પાસે પણ રહે છે.’

‘કોની કોની પાસે ?’

‘કંપનીના માલિક જૈન સાહેબ, તેમની સેક્રેટરી જાનકી અચરેકર, કંપનીના જનરલ મેનેજર કલ્યાણી સાહેબ, કલ્યાણી સાહેબની સેક્રેટરી માધવી અને કંપનીના ચીફ હિસાબનીશ દિનાનાથ...! આ પાંચેય પાસે ઓફિસના દરવાજા તેમજ તિજોરીની એક એક ચાવીઓ રહે છે.

‘બરાબર છે... ઓફિસમાં દસ લાખ રૂપિયા ભરેલી બ્રિફકેસ પડી છે તેની આ પાંચેયમાંથી કોને કોને ખબર હતી ?’

‘જાનકીને બાદ કરતાં બાકીના બધા આ વાત જાણતા હતા. જાનકી વીસ દિવસની રજા લઈને બહારગામ ગઈ છે.’

‘આ સિવાય બીજું કોઈ આ જાણતું હતું ?’

‘કમ સે કમ મેં તો કોઈને કંઈ નથી જણાવ્યું. જો કોઈની મારફત જાણવા મળ્યું હોય તો એ બાબતમાં હું કશું કહી શકું તેમ નથી.’

‘વારુ, જે જે લોકો પાસે ચાવીઓ છે, એમાંથી તમને કોઈના પર શંકા છે? તમે જોયેલી બંને આકૃતિઓ એટલે કે, બંને ચોરનો દેખાવ આ ચારેયમાંથી કોઈને મળતો આવે છે ખરો ?’

‘ઇન્સ્પેકટર સાહેબ...!’ મોહનલાલ બોલ્યો, ‘આ બાબતમાં હું ખાતરીપૂર્વક કંઈ કહી શકું તેમ નથી. એ વખતે પરિસ્થિતિ જ એવી હતી કે હું એ બંને પ્રત્યે સરખી રીતે ધ્યાન નહોતો આપી શક્યો. જોકે એ લોકોમાંથી કોઈના પર શંકા કરી શકાય તેમ નથી. જૈન સાહેબ તો કંપનીના માલિક છે. એટલે તેમના પર તો શંકા કરવાનું કોઈ કારણ નથી. તેમને પોતાની જ રકમ ચોરાવવાની શું જરૂર પડે ? અને બાકીના બધા કંપનીના વફાદાર અને વિશ્વાસુ કર્મચારીઓ છે. તેઓ વર્ષોથી કંપનીમાં કામ કરે છે.’

‘જુઓ મિસ્ટર મોહનલાલ...!’ વામનરાવે કહ્યું, ‘ઓફિસની હાલત સ્પષ્ટ રીતે ચાડી ખાય છે કે કોઈકે પોતાની વફાદારીની કિંમત વિશ્વાસઘાત અને દગાબાજી કરીને વસુલ કરી છે. ખેર, તિજોરીની ચાવી આટલા બધા લોકો પાસે શા માટે રહે છે એ તમે કહી શકશો?’

‘જરૂર...વાત એમ છે ઇન્સ્પેકટર સાહેબ કે આ તિજોરીમાં પૈસા નહીં પણ જરૂરી ફાઈલો અને કાગળપત્રો રાખવામાં આવે છે. બસ આ કારણસર જ તેની ચાવી મેં જણાવ્યું, તેમ કુલ છ માણસો પાસે રહે છે.’

મોહનલાલનો જવાબ સાંભળીને વામનરાવ ફરીથી કોઈક વિચારમાં ડૂબી ગયો.

મોહનલાલ ચૂપચાપ તેની સામે તાકી રહ્યો હતો.

‘જુઓ મિસ્ટર મોહનલાલ...!’ થોડી પળો સુધી ચૂપ રહ્યા બાદ વામનરાવે કહ્યું, ‘બારણું અને તિજોરીને તોડવામાં નથી આવ્યા પણ કાયદેસર રીતે ચાવીથી ઉઘાડવામાં આવ્યા છે. તમારા કહેવા મુજબ ઓફીસ તથા તિજોરીની ચાવી કુલ છ જણ પાસે હતી એટલે દસ લાખ રૂપિયાની ચોરી કરવાનું કામ તમારામાંથી જ કોઈક એકનું છે એ તો સ્પષ્ટ જ છે. કદાચ તેમે પોતે જ રકમને ક્યાંક છુપાવીને ચોરી થઇ ગયાનું નાટક કરતાં હો એ પણ બનવાજોગ છે.’

વામનરાવની વાત સાંભળીને મોહનલાલ એકદમ ડઘાઈ ગયો. એની આંખો ફાટી ગઈ. ચહેરા પર પીડા અને વેદનાના હાવભાવ છવાઈ ગયા.વામનરાવ આ રીતે સીધો જ પોતાના પર આરોપ મૂકશે એવી કલ્પના કદાચ એણે નહોતી કરી.

‘આ...આ આપ શું કહો છો ઇન્સ્પેકટર સાહેબ ?’ એણે થોથવાતા અવાજે પૂછ્યું.

‘મિસ્ટર મોહનલાલ...!’ વામનરાવે જવાબ આપ્યો, મેં કોઈ અજુગતું કે અશક્ય વાત નથી કહી. શક્ય છે એવી વાત જ જણાવી છે.’

‘આપ ...આપને મારા પર શંકા છે ?’ મોહનલાલના અવાજમાં દારુણ વ્યથા હતી, ‘હું આ કંપનીનો પાયો નંખાયો ત્યારથી જ અહીં નોકરી કરું છું. પૂરી વફાદારી અને ઈમાનદારી કરું છું. આજ સુધીમાં કંપનીનું અહિત થાય એવું કોઈ કામ મેં સીધું કે આડકતરી રીતે નથી કર્યું. અને આ વાતની સાક્ષી માત્ર કંપનીનો સ્ટાફ જ નહીં, કંપનીનો માલિક જૈન સાહેબ પોતે પણ આપશે. છતાં ય આપ એમ કહો છો કે મેં જ રકમને ક્યાંક છુપાવી દીધી છે ?’

‘હું દિલગીર છું મિસ્ટર મોહનલાલ !’ વામનરાવે પોતાના જમણા હાથમાં જકાદેલી શીશમની રૂલને ડાબા હથેળીમાં ટપટપાવતા કહ્યું, ‘મેં માત્ર મારી શંકા જ વ્યક્ત કરી છે. તમારા પર આરોપ નથી મૂક્યો. જે રીતે મને બીજાઓ પર શંકા છે એ જ રીતે તમારા પર પણ છે. ખેર, અહીં જે કંઈ બન્યું એ તમે મને વિગતવાર જણાવો.’

મોહનલાલે તેને બધી હકીકત કહી સંભળાવી.

વામનરાવે ખુબ જ ધ્યાનથી તેની વાત સાંભળી.

‘આ બિલ્ડીંગની ચોકી કરવા માટે કોઈ ચોકીદાર રાખવામાં નથી આવ્યો? સામાન્ય રીતે તો આવી બહુમાળી ઈમારતમાં ચોકી કરવા માટે ચોકીદાર રાખેલો જ હોય છે.’ મોહનલાલની વાત પૂરી થઇ કે તરત જ એણે પૂછ્યું.

‘ચોકીદાર તો જરૂર રાખ્યો છે. તે આખી રાત બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં અને બિલ્ડીંગને ફરતું ચક્કર મારીને ચોકી કરે છે.’ મોહનલાલે જવાબ આપ્યો.

‘પરંતુ અમને તો બહાર ચોકીદાર તો શું કાળો કાગડો ય નથી દેખાયો.’

‘એવું કેવી રીતે બને ? એની ડ્યુટી સવારે આઠ વાગ્યે પૂરી થાય છે. આઠ વાગ્યા પહેલાં તે ક્યાંય જઈ શકે તેમ નથી.

‘તો તો પછી એ જરૂર ક્યાંક દારૂ ઢીંચીને પડ્યો હશે.’

‘ના ઇન્સ્પેકટર સાહેબ ! એને કોઈ જાતનું વ્યસન નથી. એ ખુબ જ ઈમાનદાર અને વફાદાર માણસ છે. આજ સુધીમાં ક્યારેય એણે કોઈને ફરિયાદ કરવાની તક નથી આપી.’

વામનરાવ પોતાની સાથે આવેલા બંને સિપાહીઓ તરફ ફર્યો.

‘ભોળારામ...!’ એણે એક સિપાહીને ઉદ્દેશીને કહ્યું, ‘તું નીચે જઈને ચોકીદારને શોધી લાવ.’

ભોળારામ હકારાત્મક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.

વામનરાવ વિગેરે ખુરશી પર બેસીને તેની રાહ જોવા લાગ્યા.

દસેક મિનિટ પછી ભોળારામે ઓફિસનું બારણું ઉઘાડીને અંદર પગ મૂક્યો.

એના ભોળા-ભટાક ચહેરા પર અત્યારે ભય મિશ્રિત ગભરાટ અને ઉત્તેજનાના હાવભાવ છવાયેલા હતા.

‘સ...સાહેબ...!’ તે વામનરાવ સામે જોતા ગભરાયેલા અવાજે બોલ્યો, ‘ઈમારતની બહાર એક મૃતદેહ પડેલો છે. જરૂર એ ચોકીદારનો જ મૃતદેહ હોવો જોઈએ. એના શરીર પર ખાખી વર્દી છે.’

ભોળારામનું કથન સાંભળીને ત્રણેય એકદમ ચમકીને ઉભા થઇ ગયા.

‘સાહેબ...!’ ભોળારામ ફરી બોલ્યો, ચોકીદારનું ખૂન કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. એના મૃતદેહને ઈમારતની કમ્પાઉન્ડ વોલના ટેકે બેસાડી દેવામાં આવ્યો છે.’

‘ઓહ...’ વામનરાવ બબડ્યો, સાથે જ મોહનલાલ પ્રત્યેની તેની શંકા વધુ મજબૂત બની.

જો ચોકીદારનું ખૂન દસ લાખ રૂપિયાની ચોરી કરનારે જ કર્યું હોય તો પછી એણે મોહનલાલને શા માટે જીવતો છોડી દીધો? આ સવાલ હથોડાની માફક તેના દિમાગમાં ઝીંકાવા લાગ્યા.

‘ખેર, ભોળારામ...!’ કંઇક વિચારીને એણે ભોળારામ સામે જોતાં કહ્યું, ‘તું જરા લીફ્ટમેનને બોલાવી લાવ.’

ભોળારામ ફરીથી માથું ધુણાવીને ચાલ્યો ગયો.

વામનરાવે આગળ વધી ટેલીફોનનું રિસીવર ઊંચકીને પોલીસ હેડક્વાર્ટરનો નંબર મેળવ્યો.

સામે છેડેથી રિસીવર ઊંચકાયું.

‘હલ્લો...કમિશ્નર સાહેબ ! જયહિન્દ...! હું ઇન્સ્પેકટર વામનરાવ બોલું છું.’ કહીને એણે તેમને બધી વિગતો સંભળાવીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ,એમ્બ્યુલન્સ, પોલીસ ડોક્ટર, વિગેરેને તાબડતોબ મોતીલાલની ઓફિસે મોકલવાનું જણાવ્યું.

ત્યારબાદ રિસીવર મૂકીને એણે એક સિગારેટ સળગાવી.

બે-ત્રણ મિનિટ પછી ભોળારામ લીફ્ટમેન સાથે અંદર દાખલ થયો.

લીફ્ટમેનના ચહેરા પર ગભરાટ છવાયેલો હતો. અને એ ગભરાય એ સ્વાભાવિક જ હતું કારણ કે તેને કોઈ કારણ વગર પોલીસ પાસે આવવું પડ્યું હતું. પોલીસને જોઇને ભલભલા ચમરબંધીના પણ છક્કા છૂટી જતાં હોય છે જયારે આ તો સામાન્ય લીફ્ટમેન હતો.

‘શું થયું સાહેબ ?’ એ બંને હાથ જોડીને ગભરાયેલા અવાજે બોલ્યો. ‘મને શા માટે યાદ કરવો પડ્યો ?’

એની હાલત જોઇને વાનરના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

‘તારું નામ શું છે ભાઈ ?’ એણે પૂછ્યું.

‘દામજી સાહેબ...!લીફ્ટમેનને જવાબ આપ્યો.

‘હા તો દામજી સાહેબ...!’

‘દામજી સાહેબ નહીં, માત્ર દામજી...!’ વામનરાવ મશ્કરી કરે છે કે ગંભીર છે એ લીફ્ટમેન ન સમજી શક્યો.

‘હા, તો ભાઈ દામજી...તારે ગભરાવાની જરા પણ જરૂર નથી. હું પણ તારા જેવો જ સામાન્ય માણસ છું.’ વામનરાવ કોમળ અવાજે બોલ્યો, ‘તને થોડી પૂછપરછ કરવા માટે જ અહીં બોલાવ્યો છે.’

‘પૂછો સાહેબ !’ દામજીએ કહ્યું.

‘બરાબર યાદ કરીને જવાબ આપજે હોં...?’

દામજીએ ધીમેથી માથું હલાવ્યું.

‘રાત્રે બાર વાગ્યા પછી બે શંકાસ્પદ માણસો લીફ્ટ મારફત છઠ્ઠા માળ પર આવ્યા હતાં?’

લીફ્ટમેન દામજી થોડી પળો સુધી વિચારમાં ડૂબી ગયો. જાણે કંઇક યાદ કરવાનો પ્રયાસ કરતો હોય તેવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા હતાં.

‘ના, સાહેબ...!’ થોડી પળો વિચાર્યા બાદ છેવટે નકારાત્મક ઢબે માથું હલાવતાં એણે જવાબ આપ્યો, ‘છઠ્ઠા માળ પર બાર વાગ્યા તો ઠીક, એની કેટલીયે વાર પહેલા પણ કોઈ નથી આવ્યું.’

‘આ વાત તું પૂરી ખાતરીથી કહે છે.’ વામનરાવે દામજીના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું.

‘હા, સાહેબ...!’ દામજીનો અવાજ મક્કમ અને આત્મવિશ્વાસથી ભરપુર હતો, ‘આ ઈમારતમાં આઠ માળ સુધી તો કોમર્શીયલ ઓફિસો જ છે. આ બધી ઓફિસો મોડામાં મોડી રાત્રે નવ વાગતા સુધીમાં બંધ થઇ જાય છે. આઠ માળ પછી રહેણાંક ફ્લેટો છે. રાત્રે હું લીફ્ટમાં જે જે લોકોને લઇ ગયો હતો, એ બધાને આઠ માળની ઉપર જ લઇ ગયો હતો.’

‘હું...’ વામનરાવના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘વારુ, રાત્રે તું જે લોકોને ઉપર લઇ ગયો, એમાંથી કોઈ માણસ શંકાસ્પદ લાગ્યો હતો ખરો ?’

‘ના...’ દામજીએ નકારમાં માથું હલાવ્યું, ‘જે માણસોને હું રાત્રે લઇ ગયો હતો, એ બધા કાં તો ફ્લેટમાં રહેનારાઓ અથવા તો પછી તેમને અવારનવાર મળવા આવનારાઓ જ હતાં. ફ્લેટમાં રહેતા તથા તેમને મળવા આવનારા મોટા ભાગના માણસોને હું ઓળખું છું.’

‘ઓહ...!’

‘સાહેબ...એક વાત મને સુઝે છે !’ દામજીએ કહ્યું.

વામનરાવે પ્રશ્નાર્થભરી નજરે તેની સામું જોયું.

‘આ ઈમારતમાં ઉપર આવવા માટે લીફ્ટ સિવાય સીડીની વ્યવસ્થા પણ છે. આપ જે બે શંકાસ્પદ માણસોને શોધો છો, તેઓ કદાચ લીફ્ટમાં ણ આવતા સીડીના પગથિયાં ચડીને ઉપર આવ્યા હોય એવું પણ બની શકે છે.’

‘વાહ...તું તો ખુબ જ હોશિયાર માણસ લાગે છે.’ વામનરાવ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, ‘ખેર, તારી પૂછપરછ થઇ ગઈ છે, હવે તું જઈ શકે છે.’

લીફ્ટમેન મનોમન ઈશ્વરનો પદ માનતો ત્યાંથી વિદાય થઇ ગયો.

‘ભોળારામ...’ એના ગયા પછી વામનરાવ ભોળારામ સામે જોતાં બોલ્યો, ‘તું મને મૃતદેહ બતાવ !’ ત્યારબાદ એણે બીજા સિપાહીને ઉદ્દેશીને કહ્યું, ‘અને મહાદેવ, તું આ સાહેબનું ધ્યાન રાખજે.’

સાહેબ એટલે મોહનલાલ !

‘ભલે સાહેબ !’ મહાદેવ બોલ્યો. પછી જાણે હમણાં જ મોહનલાલ નાસી છૂટવાનો હોય તેમ તે એકદમ સાવચેતીથી બેસી ગયો.

મોહનલાલનો ચહેરો સફેદ થઇ ગયો. જાણે ભરી બજારમાં કોઈકે વગર વાંકે પોતાના ગાલ પર સણસણતો તમાચો ઝીંકીને અપમાન કર્યું હોય એવું તેને લાગતું હતું.

‘ઇન્સ્પેક્ટર સાહેબ...!’એ પીડાભર્યા અવાજે બોલ્યો. ‘શું ખરેખર આપને મારા પર શંકા છે? દસ લાખ રૂપિયાની આ ચોરીમાં મારો જ હાથ હોય એમ આપ માનો છો?’

‘હું કંઈ જ નથી માનતો. મારે તમારી સાથે કોઈ જ દુશ્મનાવટ નથી. હું તો માત્ર સંજોગો અને શક્યતાઓ પર જ ધ્યાન આપું છું. અ ચોરીમાં આપનો હાથ હોય એ પણ એક શક્યતા જ છે.’

‘હે ઈશ્વર...!’ મોહનલાલ બંને હાથે પોતાનું માથું પકડીને બેસી ગયો.

એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. કોઈક અજ્ઞાત ભયથી તેનું કાળજું કંપતું હતું.

વામનરાવ તથા ભોળારામ ચાલ્યા ગયા હતાં.

અને મહાદેવ...?

એ તો જાણે મોહનલાલના રૂપમાં સાક્ષાત ચાર્લ્સ શોભરાજ પોતાની સામે બેઠો હોય તે રીતે એની સામે તાકી રહ્યો હતો.

***

શિયાળાની ઋતુ હોવાને કારણે અત્યારે સવા છ વાગે પણ અંધારું હતું.

ભોળારામ અને વામનરાવને દિવાલના ટેકે પડેલાં મૃતદેહ પાસે લઇ ગયો.

વામનરાવે ટોર્ચના પ્રકાશમાં બારીકાઇથી મૃતદેહનું નિરીક્ષણ કર્યું. મૃતદેહની ખોપરી ફાટી ગયેલી હતી. માથામાં બરાબર વચ્ચેના ભાગમાં ઊંડો ખાડો પડી ગયેલો હતો. ચહેરો લોહીથી ખરડાયેલો હતો. વર્દી પર પણ ઠેક-ઠેકાણે લોહી ચોંટેલું દેખાતું હતું. લોહી સુકાઈ ગયું હતું.

કોઈક વજનદાર વસ્તુના પ્રહારથી ખૂન કરવામાં આવ્યું હોય એવા અનુમાન પર, મૃતદેહનું નિરીક્ષણ કર્યા પછી વામનરાવ આવ્યો. ચોકીદારને મર્યાને કેટલાય કલાકો વીતી ગયા હતાં. એવું અનુમાન પણ એણે કર્યું.

એણે મૃતદેહને સ્પર્શ પણ ન કર્યો.

દસેક મિનિટ પછી નિરીક્ષણ કરીને તે ઉભો થયો ત્યારે ધરતી પરથી અંધકાર સંપૂર્ણપણે વિદાય લેવાની તૈયારીમાં હતો.

એ જ વખતે ડોક્ટર, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વિગેરેનો કાફલો આવી પહોંચ્યો.

ડોક્ટર મૃતદેહનું નિરીક્ષણ કરવા લાગ્યો.

વામનરાવ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાથે છઠ્ઠા મળે મોતીલાલની ઓફિસમાં આવ્યો.

મોહનલાલ પૂર્વવત જ બેઠો હતો. એના ચહેર પર થાક, ચિંતા અને કોઈક અજાણી આશંકાના હાવભાવ છવાયેલા હતાં.

વામનરાવે મોહનલાલના ચહેરા પર છવાયેલા હાવભાવનું નિરીક્ષણ કર્યું.

‘મિસ્ટર મોહનલાલ...!’ એ બોલ્યો, ‘મારે અહીં થોડી જરૂરી તપાસ કરવી છે એટલે તમે થોડીવાર માટે કોઈક બીજી ઓફિસમાં ચાલ્યા જાઓ.’ પછી મહાદેવ તરફ ફરીને એણે કહ્યું, ‘અને તું એમની સાથે જ રહેજે.’

મોહનલાલ ઉભો થઈને બારણા તરફ આગળ વધી ગયો.

મહાદેવ તેની પાછળ જ હતો.

બંને ઓફિસનું બારણું ઉઘાડીને બહાર નીકળી ગયા.

‘મિસ્ટર કુલકર્ણી...!’ તેમના ગયા પછી વામનરાવે ફિંગરપ્રિન્ટ એકસપર્ટની સામે જોતાં કહ્યું, ‘તમે આ ઓફિસમાંથી આંગળાની છાપો લઇ લો. કોઈ સ્થાન બાકી રાખશો નહીં.’

‘જરૂર...’ કુલકર્ણી હકારમાં માથું હલાવતાં બોલ્યો.

પછી તે પોતાના સહકારીઓને જરૂરી સૂચના આપવા લાગ્યો.

વામનરાવ બહાર નીકળીને ફરીથી નીચે પહોંચ્યો.

આ દરમ્યાનમાં ડોક્ટર મૃતદેહનું નિરીક્ષણ કરી ચુક્યો હતો.

‘ડોકટર સાહેબ !’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં કહ્યું, ‘ખૂન ક્યારે થયું છે એ વિશે આપ કંઈ કહી શકશો?’

‘ખુનનો નિશ્ચિત સમય તો પોસ્ટમોર્ટમ થયા પછી જ જાણી શકાશે, અલબત્ત, મારા પ્રાથમિક અનુમાન મુજબ ખૂન રાત્રે બારથી બે ની વચ્ચે થયું હોવું જોઈએ.’ ડોકટરે જવાબ આપતાં કહ્યું, ‘મરનારના માથા પર કોઈક વજનદાર જેવી કે હથોડી, પત્થર કે પછી લોખંડના સળીયાથી ફટકો ઝીંકવામાં આવ્યો છે. માત્ર એક જ પ્રહાર કરવામાં આવ્યો છે. મરનારનું મૃત્યુ ફટકો લાગ્યા પછી તરત જ થયું હોય એ તો શંકા વગરની વાત છે.’

ડોકટરનો આભાર માનીને વામનરાવ આજુબાજુમાં તપાસ કરવા લાગ્યો.

સવાર પડી ગઈ હતી. ધરતી પરથી અંધકારે સંપૂરપણે વિદાય લઇ લીધી હતી.

વામનરાવ ખુબ જ બારીકાઇથી જમીન પર આજુબાજુમાં નિરીક્ષણ કરતો હતો.

પછી સહસા જ એની નજર થોડે દુર પડેલી એક ચમકતી વસ્તુ ઉપર પડી.

આગળ વધીને તે એની નજીક પહોંચ્યો. એણે જોયું તો તે એક સિગારેટ સળગાવાનું લાઈટર હતું.

એણે રૂમાલની મદદથી લાઈટરને ઊંચકી, આમ તેમ ફેરવીને તેનું નિરીક્ષણ કર્યું.

અચાનક તે એકદમ ચમકી ગયો. એની આંખોમાં આશ્ચર્ય મિશ્રિત મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા. તે થોડી પળો સુધી એકીટશે લાઈટરને તાકી રહ્યો.

છેવટે એણે લાઈટરને ગજવામાં મુક્યું.

ત્યારબાદ એ ફરીથી ઉપર જવા માટે લીફ્ટમાં પહોંચ્યો. આઠ નહોતા વાગ્યા એટલે હજુ દામજીની ડયુટી પૂરી નહોતી થઇ.

‘ભાઈ દામજી...!’ રસ્તામાં ઇન્સ્પેક્ટરે પૂછ્યું, ‘એક વાતનો બરાબર યાદ કરીને જવાબ આપ. શું રાત્રે બારથી બે વાગ્યાની વચ્ચે મિસ્ટર મોહનલાલ લીફ્ટ મારફતે નીચે ગયા હતાં?’

‘આપ જૈન સાહેબને ત્યાં નોકરી કરે છે એ જ મોહનલાલ વિશે પૂછો છો?’

‘હા...’

‘ના, સાહેબ...! બારથી બેની વચ્ચે શું, તેઓ તો એ પહેલાં પણ લીફ્ટ મારફત નીચે નથી ગયા.’

લીફ્ટ ઉપર પહોંચી ગઈ હતી. વામનરાવ, મોહનલાલ તથા મહાદેવ બેઠા હતા એ ઓફિસમાં પહોંચ્યો.

‘મિસ્ટર મોહનલાલ...!’ એ બોલ્યો, ‘મને તમારા ઘરનું સરનામું આપો.’

મોહનલાલે કશીયે પૂછપરછ કર્યા વગર, ચુપચાપ તેને પોતાના ઘરનું સરનામું લખી આપ્યું.

સરનામું લઈને વામનરાવ પુનઃ નીચે ગયો, ભોળારામ એક અન્ય સિપાહી સાથે વાતો કરતો ઉભો હતો.

એણે સંકેતથી તેને પોતાની નજીક બોલાવ્યો.

‘ભોળારામ...!’ એણે મોહન્લાલનું સરનામું લખેલો કાગળ તેના હાથમાં મુકતાં કહ્યું, ‘તું હમણાં જ આ સરનામે જા અને ત્યાંથી મોહનલાલના પુત્ર અજીતને અહીં બોલાવી લાવ.’

ભોળારામ હકારમાં માથું હલાવીને ચાલ્યો ગયો.

વામનરાવ ફરીથી ઈમારત તરફ આગળ વધી ગયો.

***