સુનંદાબેને વાતની શરૂઆત કરી “નિશીથ દીકરા, મારા અને તારા પપ્પાની જિંદગીનો તું એકજ સહારો છે. અમે તને જીવથી પણ વધુ પ્રેમ કરીએ છીએ. પણ જે સત્ય છે તે તો તને અમારે કહેવુંજ પડશે. આ વાતથી અમારા તારી સાથેના સંબંધ કે તારી સાથેની લાગણીમાં કોઇ ફેર પડતો નથી. આતો માત્ર ઔપચારિકતા છે. હવે તું હવે મેચ્યોર થઇ ગયો છે એટલે અમારે તને આ સત્ય કહીજ દેવું જોઇએ.” આમ કહી તે થોડા રોકાયા.
નિશીથ આમ ગોળ ગોળ વાતથી અકળાઇ રહ્યો હતો. સુનંદાબેન પહેલીવાર આમ વાતને ફેરવી રહ્યા હતા. અત્યાર સુધીમાં નિશીથનાં મનમાં તેની મમ્મીની સ્પષ્ટ વક્તા તરીકેની છાપ હતી. કોઇ પણ વાત કરવી હોય તો તેની મમ્મી સીધી અને સ્પષ્ટ વાતજ કરતી. આજે તેની મમ્મીને વાત કરવામાં આમ ફાફા પડતા જોઇને તે સમજી ગયો કે કોઇ પણ સિરિયસ વાત છે, એટલે તે શાંતિથી વાત સાંભળવા લાગ્યો.
“જો દીકરા તું અમારો જ દીકરો છે પણ તને મે મારા કૂખેથી જન્મ આપ્યો નથી.” આ સાંભળી નિશીથ ચોંકી ગયો. તેને લાગ્યું કે તેની સાંભળવામાં કઇક ભૂલ થઇ છે. ત્યારબાદ તે જેમ જેમ વાત સાંભળતો ગયો તેમ તેમ તેના ચહેરા પરના હાવભાવ બદલાતા ગયા. વાત પૂરી થતા સુધીમાંતો તે બેકાબૂ બની ગયો. તે એકદમજ ઊભો થયો અને સુનંદાબેનને વળગીને રડી પડ્યો અને બોલ્યો “મમ્મી તે આ બધું શું કામ મને કહ્યું. હું જે માનતો હતો તે જ મારા માટે બરાબર હતું. હજુ તું કહીદેકે આ બધું ખોટું છે અને હું તમારોજ દીકરો છું. કહી દે કે આ બધું તે કહ્યું તે માત્ર એક મજાક છે. કહીદે કે તમેજ મારા મા બાપ છો. હું આ સહન નહીં કરી શકું.”
સુનંદાબેને નિશીથને સોફા પર બેસાડ્યો અને પાણીનો ગ્લાસ આપ્યો. નિશીથ એકજ ઘૂંટડામાં આખો ગ્લાસ પી ગયો. નિશીથ નીચું જોઇને બેઠો બેઠો રડતો હતો. સુનંદાબેન અને સુમિતભાઇ તેની પાસે સોફા પર બેઠા. સુનંદાબેને નિશીથનું મોઢું ઉંચુ કર્યુ અને કહ્યું “ દીકરા તું અમારો જ દીકરો છે. તને કોઇ પણ ઓળખશે તો તે અમારા દીકરા તરીકેજ ઓળખશે. કાલને આજ વચ્ચે કોઇ ફરક નથી. તું કાલે જેટલા હક અને લાગણીથી અમારો દીકરો હતો તેટલોજ આજે પણ છો. આતો એક ઔપચારિકતા હતી. માત્ર તને સત્ય જણાવવું જરૂરી હતું. એટલા માટેજ તને આ કહ્યું છે. બાકી અમારી તારા પ્રત્યેની લાગણીમાં કોઇ ફેર પડવાનો નથી. તું જ અમારા બંનેનું સર્વસ્વ છે. તુંજ અમારી દુનિયા છે.” બોલતા બોલતા સુનંદાબેન પણ લાગણીશિલ થઇને રડી પડ્યાં.
“ પણ શું કામ તમે મને આ કહ્યું. તમે આ ના કહ્યું હોતતો મને ક્યાં ખબર પડવાની હતી. હું તો તમારો જ દીકરો હતોને તો તમે શું કામ આ મને કહ્યું?”
સુમિતભાઇને લાગ્યું કે હવે વાતનો દોર તેણેજ હાથમાં લેવો પડશે એટલે તે બોલ્યા “દીકરા, વાત તને કરવી એટલા માટે જરૂરી હતી કે કાલે તને બીજે ક્યાંયથી આ વાતની ખબર પડે તો તને ખૂબ મોટો આઘાત લાગે અને તને અમારા પ્રત્યે ગેરસમજ થાય કે અમે તારાથી આ વાત છુપાવી. તને આ વાત એટલેજ જણાવી કે તું અમારી પાસે હોય તો તને અમે સંભાળી અને સમજાવી શકીએ. બાકી આ વાતનું કોઇ મહત્વ નથી. તું સુનંદાના કુખે જનમ્યો કે નહીં તેનાથી શું ફેર પડે છે. તારી મમ્મીએ તારા ઉછેર અને સંસ્કાર માટે ખૂબ ભોગ આપ્યો છે. આ પહેલા તને ક્યારેય એવું લાગવા દીધું છે કે તું અમારો દીકરો નથી? આ તો માત્ર ઔપચારિકતા જ છે. તારી મમ્મી તો આ વાત તને કહેવાની નાજ પાડતી હતી પણ મેજ તેને દબાણ કરીને તને વાત કહેવા માટે સમજાવી હતી. દીકરા, તું અમારોજ દીકરો છે અને આજ પછી આ વાતની કોઇ ચર્ચા આપણે કરવાની નથી.”
આ સાંભળતાજ નિશીથ સુમિતભાઇને ભેટી પડ્યો. વાતાવરણ એકદમ ગંભીર થઇ ગયું હતું.
તે પછી જે સુમિતભાઇએ કહ્યું તેનાથી ત્રણેય વિચારમાં પડી ગયાં.
-----------------***************----------------********--------------------*****
ગુજરાતના ગાંધીનગરમાં આવેલ મંત્રીઓના નિવાસસ્થાનનાં એક બંગલામાં એક માણસ દાખલ થયો. સિક્યોરિટી ગાર્ડ તેને રોક્યો એટલે તેણે કહ્યું “ હું ગંભીરસિંહ છું. મારે સાહેબને તાત્કાલિક મળવું છે.”
“ તમારી એપોઇન્ટમેન્ટ લીધેલી છે?” સિક્યોરિટી ગાર્ડે પુછ્યું.
“ના પણ, તમે અંદર કહો કે ગંભીરસિંહ આવ્યો છે. સાહેબ મને ઓળખે છે.” તે ઝડપથી મળવા માંગતો હતો તેની પાસે જે સમાચાર હતા, તે સાહેબને પહોંચાડવા જરૂરી હતા.
સિક્યોરિટી ગાર્ડના ચહેરા પર અણગમો આવી ગયો, પણ તે જાણતો હતો કે આવા ઘણા લોકો અહીં આવે છે અને સાહેબ તેને મળે છે. આ સાહેબ પણ આમતો આ પોસ્ટ પર આવ્યા પહેલા આવોજ હતોને. આવા નાના માણસોનો સિક્યોરિટી ગાર્ડને આદેશ સાંભળવો પડતો એટલે તે ખૂબ ગુસ્સે થઇ ગયો હતો. થોડીવાર તો તેને આ માણસને ધકકા મારી કાઢી મૂકવાનું મન થયું પણ પછી પોતાની નોકરી અને પગારનો વિચાર આવતા તેણે પોતાના મનને અહિંસાના માર્ગે વાળ્યું. તે તેની કેબિનમાં ગયો અને કમને ઇન્ટરકોમ પરથી ફોન લગાવ્યો. સામેથી તે માણસને અંદર આવવા દેવાનું કહ્યું એટલે સિક્યોરિટી ગાર્ડે તે માણસનું આઇ.કાર્ડ માગ્યું. પેલાએ ખીસ્સામાંથી ચોળાઇ ગયેલું એક કાગળિયું આપ્યું. તે કાગળમાંથી ગાર્ડે બધી વિગત તેના રજિસ્ટરમાં નોંધી અને પછી પેલાની સહી કરાવી અંદર જવા દીધો.
“ ગંભીરસિંહે બંગલામાં દાખલ થયો. હોલમાં દાખલ થતા સામે સોફા પર સાહેબ બેઠા હતા. એકદમ પડછંદ કાયા, થોડું બહાર આવી ગયેલું પેટ, મોટી થોભિયા જેવી મૂછ અને રાતના પીધેલા દારૂને લીધે લાલ થયેલી આંખો જોઇ ગંભીરસિંહ સહેજ અટક્યો. ત્યાં સામેથી સાહેબ બોલ્યાં “આવ આવ ગંભીર, ઘણા સમયે આવ્યોને? આવ બેસ અહીં.” ગંભીરસિંહ સાહેબની સામે પડેલા એક સોફા પર બેઠો એટલે એક નોકર આવી પાણી આપી ગયો.
“શું ચાલે છે? ગામમાં બધા મજામાંને?” સાહેબે મૂછો પર હાથ ફેરવતાં પુછ્યું
“ હા બાપુ, બધા મજામાં છે.” એમ કહી તે અટક્યો. આ જોઇ સાહેબને સમજાઇ ગયું કે જરૂર કંઇક અગત્યની વાત છે. બાકી આ ગંભીર આમ અચાનક અહીં દોડી ન આવે.
“ પહેલા ચા નાસ્તો કરી અને ફ્રેસ થઇ જા પછી આપણે વાત કરીશું.” એમ કહી સાહેબ ઊભા થઇને અંદર જતા રહ્યા. આ જોઇ ગંભીર મનોમન બોલ્યો કેવા જલસા છે આનો ગામમાં કોઇ ભાવ પણ નહોતું પૂછતું અને અહીં આવી કેવો સાહેબ થઇ ગયો છે. તે વિચાર ખંખેરી આખી રાત બસમાં બેસી થાકી ગયો હતો એટલે ફ્રેસ થવા આઉટ હાઉસ તરફ ગયો. તે આ પહેલા અહીં એકાદ વાર આવી ગયો હતો એટલે તેને ખબર હતી કે જે પણ ગામથી આવે તેના માટે આઉટ હાઉસમાં બધી વ્યવસ્થા થતી. સરકારી કામે ગામથી આવેલા લોકો પણ અહીં આવતા આ બધાનેજ આઉટ હાઉસમાં વ્યવસ્થા કરી આપવામાં આવતી. ગંભીરસિંહ પણ નિત્યકર્મ પતાવીને ફ્રી થયો ત્યાં એક માણસે આવીને કહ્યું કે સાહેબ તમને બોલાવે છે એટલે ગંભીરસિંહ ફરીથી સાહેબને મળવા ગયો.
“ આવ આવ ગંભીરસિંહ ચા નાસ્તો કર્યા?” સાહેબે આવકારતા કહ્યું.
“ હા બધુજ પતાવીને જ આવ્યો છું.” ગંભીરસિંહે સામેના સોફા પર ગોઠવાતા કહ્યું.
“ શું ચાલે છે ગામમાં? બધું હેમખેમ ચાલે છેને?” સાહેબે વાતની શરૂઆત કરતા ફરીથી પુછ્યું.
“ હા, બાકી તો બધું બરાબર ચાલે છે માલીક પણ,” ગંભીરસિંહ વાતની શરૂઆત કઇ રીતે કરવી તે વિચારવા રોકાયો.
“ હા, બોલને શું પ્રોબ્લેમ છે? અહીં સુધી આવ્યો છે એટલે કંઇક ખાસ સમાચાર તો હશે જ ને.” સાહેબે તેનો ખચકાટ અનુભવી વાત આગળ વધારવા પ્રોત્સાહન આપતા કહ્યું.
“ સાહેબ પેલો છૂટી ગયો છે અને ગામમાં આવી ગયો છે.” ગંભીરસિંહે નામનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું. ગંભીરસિંહ શું કેવા માગે છે? તે સાહેબ સમજતા હતા. આ વાતની સાહેબને ખબર હતી તેના માણસો દરેક જગ્યાએ પહોંચેલા હતા. આ વાત પણ તેના સુધી પહોંચી ગઇ હતી. તે છતા તે ખૂબ ખંધો માણસ હતો કોઇ પણ માણસ કેટલું જાણે છે તે ખબર પડ્યા વગર તે કંઇ પણ બોલતો નહીં.
સાહેબ કંઇ બોલ્યા નહી એટલે ગંભીરસિંહે આગળ કહ્યું “ પેલો સુરસિંહ આવી ગયો છે અને તમારા વિશે પૂછતો હતો. તેનું હવે કંઇક કરવું પડશે. તમે કહો તે કરીએ.”
“ હા, એ મને ખબર પડી. હમણા કંઇ કરવું નથી. તેના પર નજર રાખજે. જો કંઇ પ્રોબ્લેમ લાગે તો વિચારશું. બાકી એ પ્રકરણ હવે ઉખેડવું નથી. છ મહિના પછી ઇલેક્શન આવે છે એટલે કોઇ જાતની હોહા કરવી નથી. હા કંઇ શંકા જેવું લાગે તો મને જાણ કરજે, પણ મને પૂછ્યા વિના કંઇ કરતા નહીં. મારો નંબર તારી પાસે છે ને? ઇમરજન્સી હોય તોજ તેના પર કોલ કરજે.” અને પછી જાણે વાત પૂરી કરતા હોય તેમ ઊભા થયા એટલે ગંભીરસિંહ પણ ઉભો થયો અને પછી નીચે નમીને જતો રહ્યો.
--------------------****************--------------------*************----------------
ટિકિટ ચેકર ટિકિટ ચેક કરીને જતો રહ્યો એટલે સુરસિંહ ફરીથી વિચારમાં ખોવાઇ ગયો. તે રાતે તે અને વિરમ આચાર્યની લાસને ખેતરમાંજ મૂકી જીપ લઇને નદી કાંઠે ગયાં. જીપ થોડે દૂર ઊભી રાખીને તે લોકો નદીના પટમાં ઉતર્યા. ત્યારબાદ થોડુ ચાલીને નદીના પાણીમાં ઉતરીને હોડી પાસે ગયા. તે બંને હોડીમાં જોયું એ સાથેજ ચોંકી ગયાં. તે બંને જાણે સાપ સૂંધી ગયો હોય તેમ એકબીજાની સામે જોવા લાગ્યાં. વિરમ કૂદકો મારીને હોડીમાં ચડી ગયો અને હોડીનો દરેક ખૂણો તપાસી લીધો પણ કોઇ જગ્યાએ બાળક મળ્યું નહીં. હતાશા અને ડરથી અકળાઇ ગયેલો વિરમ સુરસિંહ પર તાડૂક્યો “જો મે તને કીધું હતુંને કે તેને પણ મારીજ નાખીએ. હવે આ હરામનો પીલ્લો ક્યાં ગાયબ થઇ ગયો હશે? પેલો બાપ આપણને બંને ને છોડશે નહીં. હવે શું જવાબ આપીશું તે રાક્ષસને?”
સુરસિંહ પણ બાળકને ગાયબ થયેલો જોઇને ગભરાઇ ગયો હતો. તેણે વિરમને શાંત પાડતા કહ્યું ચાલ તેને કોઇ લઇ ગયું હશે તો આટલામાંજ હશે. આપણે બંને જીપ લઇને આટલો વિસ્તાર ખૂંદી વળીએ.” આ સાંભળતાજ વિરમ હોડીમાંથી કૂદી પડ્યો અને બંને કિનારા પર મૂકેલી જીપ તરફ દોડ્યા. ત્યારબાદ આજુબાજુની બધીજ જગ્યા તેઓ ખૂંદી વળ્યાં પણ કંઇ મળ્યું નહીં. હવે તે બંને મૂંઝાયા કે શું કરવું? વિરમ તો ડરને લીધે હતાશ થઇ ગયો અને બોલ્યો “ હવે બાપુને કહી દઇએ કે છોકરો ગાયબ થઇ ગયો છે.”
આ સાંભળીને ગંભીરસિંહ ગુસ્સે થઇને બોલ્યો “શું ગાંડા જેવી વાત કરે છે? તે આ સાંભળશે તો આપણને બંનેને મારી નાખશે. તેને કંઇ કહેવું નથી, જો તેને ખબર પડશે તો જોયું જશે? બાકી કંઇ કહેવાની જરૂર નથી. અહીંથી બાળકને કોઇ લઇ ગયું છે તે આપણે બેજ જાણીએ છીએ એટલે બાપુ સુધી વાત પહોંચશે નહીં” પછી વિરમનો ગભરાયેલો ચહેરો જોઇને તેને દયા આવતા તે બોલ્યો “તું ચિંતા નહીં કર. હું સંભાળી લઇશ. બસ, તું ખાલી તારું મોઢું બંધ રાખજે. વિરમ સુરસિંહ કરતા નાનો હતો અને સુરસિંહની બધીજ વાત માનતો. સામે સુરસિંહ પણ તેને નાનો ભાઇજ સમજતો. સુરસિંહે વિરમને હિંમત આપી શાંત કર્યો. થોડા શાંત થતા અચાનક બંનેને યાદ આવ્યું કે આચાર્યની લાસ તો તે ખેતરમાં એમજ છોડીને આવ્યા છે. આ બાળક ગુમ થઇ જવાથી તે બંને બે કલાકથી તેને શોધવા ફરતા હતા. આ મુશ્કેલીમાં તે બંને આચાર્યને તો ભૂલીજ ગયાં હતાં. અચાનક તે બંનેને આ વાત યાદ આવતા તે જીપ લઇને ખેતર તરફ ભાગ્યાં, પણ તેને ખબર નહોતી કે હજુ તો બહું મોટી મુશ્કેલી તેની રાહ જોઇ રહી છે. તે બંનેની આ ત્રીજી ભૂલ હતી.
---------------------------------------------------------------------------------------------
ગંભીરસિંહ સાહેબના બંગલેથી નીકળી કાલુપુર રેલ્વેસ્ટેશન જવા માટે સીટીબસમાં બેઠો અને વિચારવા લાગ્યો આ સાહેબ થઇને બેઠો છે પણ એક વખત ગામમાં તેની કોડીની કિંમત નહોતી. એકજ પરિવારના એક જ ઘરના બે ભાઇઓ વચ્ચે કેવો જમીન આસમાનનો ફેર હતો. એક ખૂબજ સજ્જન એક તદન દુર્જન. માત્ર કથાઓમાંજ દુર્જન સામે સજ્જનનો વિજય થાય છે. જ્યારે આ વાસ્તવિકતામાં તો સજ્જન સામે દુર્જનની જીત થઇ હતી. અને પોતે દુર્જનને સાથ આપ્યો હતો એ એ ડંખ હવે તેને રહી રહીને કોરી ખાતો હતો પણ હવે કંઇ થઇ શકે તેમ નહોતું. તે જાણતો હતો કે જો આ રાક્ષસને જરા સરખો પણ તેના પર શક જશે તો તે તેને મારી નાખતા પણ ખચકાશે નહી. આ વિચાર આવતા જ તેનાથી મનમાંજ સરખામણી થઇ ગઇ ક્યાં આ લંપટ માણસ અને ક્યાં તે દેવતા સમાન માણસ. આ વિચાર સાથેજ એક રાજભવન તેની નજર સામે ઊભું થઇ ગયું અને પછીતો એક દૃશ્યોની હારમાળા સર્જાઇને તે 21 વર્ષ પહેલાના વિચારમાં ખોવાઇ ગયો.
---------------------**********------------------------***********----------------------
સત્ય જાણ્યાબાદ નિશીથ શુ કરશે? હોડીમાં મૂકેલું બાળક ક્યાં ગુમ થઇ ગયું? સુરસિંહ અને વિરમ આચાર્યની લાસ પાસે જશે તો શું થશે? આ સાહેબ અને ગંભીરસિંહ કોણ છે? અને તે બંનેને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.
------------------------------------------------------------------------------------------મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.
-----------------------********************----------------------*****************---------------------
HIREN K BHATT :- 9426429160
EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM