bhulo pad bhagvan in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ભૂલો પડ ભગવાન...!

Featured Books
Categories
Share

ભૂલો પડ ભગવાન...!

ભૂલો પડ ભગવાન..!

મને લાગે મારામાં પણ રાજકારણનો વાયરસ ભરાવાનો. ગાદી અને ખાદીના સ્વપ્ના આવતાં છે. દિલની દાતારી, ગુમડાની રૂઝ, ટાઢિયો તાવ, આ બધું અંદરથી આવે. ને રાજકારણનો વાયરસ ખુરશીમાંથી આવે. પછી જેવી જેવી ખુરશી તેવો તેવો વાયરસ..! કઈ દિશામાંથી, ક્યારે કેટલાં વોલ્ટનો એ ફૂંફાડો કાઢવાનો છે, એની આગાહી થોડી હોય ? ઉમરનો બાધ તો હોય નહિ. બીજું કંઈ નહિ ચાલતું હોય તો ચાલે, મોઢું ચાલવું જોઈએ. કયો ખેસ ધારણ કરે એના ઉપર તાકાત આવે. ભલે ને ‘વેન્ટીલેટર’ ઉપર કેમ ના હોય..? ટીકીટ મળવી જોઈએ, ચૂંટણી તો ખેલી નાંખે. ભૂત વળગજો, ચૂડેલ વળગજો, મસ્ત મઝાની ડાકણ વળગજો, પણ રાજકારણ નહિ વળગજો એવું કહે ખરાં, પણ જેવાં ચૂંટણીના પડઘમ વાગે, એટલે વેન્ટીલેટરના પાઈપ છોડીને પણ ઉભા થઇ જાય. ચૂંટણી તો મેજિક છે ને દાદૂ..!

અમારી ઈકોતેર પેઢીમાંથી એકનું પણ ફરજંદ રાજકારણમાં ગયું નથી. ઘરનો વેરો ભરવા નહિ જતાં, એ રાજકારણમાં શું ધૂળ જવાના..? એમાં આઝાદીના જંગની તો વાત જ નહિ કરવાની. ઓટલાં ઉપરથી જ ‘દૂર હટો...દૂર હટો’ ની હાકલ કરીને ગાંધીગીરી કરતાં. ઈચ્છા થાય તો તાવ-ઉધરસ ને શરદીની ગોળી ખાય લે, બાકી અંગ્રેજોની ગોળી એમના શરીરને માફક જ નહિ આવતી એટલે નહિ ખાતાં. ટોપી તો પહેરતાં જ નહિ. કારણ દાદા પોતે જ એવી ટોપી હતાં કે, એક ટોપી ઉપર બીજી ટોપી સેટ થાય જ નહિ. ધ્વજ-વંદન થાય અમારી નવી પેઢી પહેલી હરોળમાં ઉભી તો રહે, પણ ત્રિરંગાના ત્રણ રંગ પૂછ્યા તો ગુગલમાં ફાંફા મારતાં થઇ જાય..! એના કપાળમાં કાંદા ફોડું..!

આ તો તેવો ફળદ્રુપ ભેજાને એક વિચાર આવ્યો કે, એકાદ ‘ધ્વજ વંદન’ ભગવાનના હાથે થાય તો મઝઝો આવી જાય. એ બહાને ભગવાન પણ ભારત આવીને એકાદ આંટો મારતાં જાય, બીજું શું..? . ભારત પણ ભગવાનની જ જન્મભૂમિ છે ને યાર ..? ભગવાન સ્વયં આવે તો, રામજન્મભૂમિના મામલામાં દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ થાય..? ભગવાન પણ જોતાં તો જાય, કે મારો બનાવેલો માણસ ભારત આવીને, કેટલાને બનાવે છે..? આ તો એક વાત..! વાતને તરંગ અને તુક્કાવાળી કહીને હસી નહિ કાઢવાની...! છણકો તો કરતાં જ નહિ કે, ભગવાન તે વળી આવતાં હશે..? માત્ર મલ્હાર ગાવાથી વરસાદ આવે, ને દીપક ગાવાથી દીવડાઓ પ્રગટે તો ભગવાન નહિ આવે...? વાત ભાવનાની છે.

હા એક વાત ખરી, આવે તો આપણાવાળા ઓળખકાર્ડ તો માંગે. જેનું મતદાર યાદીમાં નામ ના હોય, આધાર કાર્ડ ના હોય, શાસક પક્ષનો કોઈ મીનીસ્ટર ના હોય, એને ધ્વજ લહેરાવવા ધ્વજ- સ્તંભની દોરી કોણ આપે..? આપણી દોરી ખેંચવાની સત્તા ભલે ધરાવતાં હોય, પણ ઓળખ વગર તો, કોઈ એમને ઘોડિયાની દોરી પણ ખેંચવા નહિ આપે..! હક્ક ઉપર હુમલો થયો તો, ઘરવાળી પણ નહિ ગાંઠે..! સ્વાર્થ આવે તો, સગા બાપને પણ નહિ છોડે, એ વળી ભગવાનને છોડે..? ( અખિલેશ યાદવનું નામ કોણ બોલ્યું..??? શાંતિથી સીધાં ઉભા રહોને યાર..! ) કહેવાનો મતલબ ભગવાન આવે તો એણે પણ હાંસિયામાં જવું પડે..! સવાલ શ્રદ્ધાનો છે...! સત્યનારાયણ ભગવાનનો શીરો ભગવાને ક્યારેય ખાધો હોય, એવું સાંભળ્યું ? છતાં પ્રસાદ ધરીએ જ છીએ ને..! ભગવાન સ્વયં ધ્વજ-વંદન કરવા આવે તો, એમના ભાષણમાં જાણવા તો મળે કે, “શું રાણા પ્રતાપનો ભાલો હતો, શું શિવાજીનો ઘોડો હતો, શું લોકમાન્ય ટીળકની ટોપી હતી, શું મહાત્મા ગાંધીજીનો રેંટીઓ હતો, શું સુભાષચંદ્ર બોઝની હાકલ હતી, ને શું સરદાર વલ્લભભાઈ પટેલે હેઠે મુકાવેલાં રજવાડાં હતાં..? આઝાદી પછી આવાં નરબંકા મોકલવાનું બંધ કેમ કર્યું , એવું પૂછી પણ શકાય..! આ દેશને સુનામી મળી, તાંડવ મળ્યાં, ધરતીકંપ મળ્યાં, રેલ મળી, વાવાઝોડાં મળ્યાં, પણ આ સદીમાં કોઈને ભગવાન મળ્યાં હોય, એવું બ્રીકીંગ ન્યુઝમાં પણ આવ્યું..? એ બહાને મુલાકાત થાય બીજું શું ?

આ તો એક ‘મનકી બાત’ વ્યક્ત કરી. બાકી હું પણ જાણું કે, ગમે એટલી અગરબત્તી ફૂંકો ને, ભગવાન નહિ આવે. એ પણ જાણે કે, જઈશ તો સીધાં મને કોર્ટમાં જ ઉભા કરી દેશે. ગીતા કહેનારને જ હાથમાં ગીતા પકડાવીને વકીલ પૂછશે કે, ‘ગીતા ઉપર હાથ મૂકીને કહો કે, જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય કંઈ નહિ કહું..!’ પછી જાણતા હોવાં છતાં પૂછશે કે, ‘આપનો જનમ ક્યાં અને કયા દેશમાં થયેલો..?’ આપ સ્વયં ભગવાન શ્રી રામ છે, એવો કોઈ આધાર કાર્ડ છે તમારી પાસે..?

પછી, મીડિયાવાળા પણ જંપવા નહિ દે. પહેલો સવાલ તો એ કાઢે કે, “જન્મભૂમિના આટઆટલા ડખા થયાં, છતાં ઉપર બેસીને આપે માત્ર તમાશા જ કેમ જોયાં? ભારતમાં આંટો નહિ મારવાનો..? કયા વિરોધપક્ષવાળા આપને અહિ આવતાં અટકાવતાં હતાં..? આવ્યાં જ છો તો, આવીને કઈ પાર્ટીનો ખેસ ધારણ કરવાના છો..?” જાતજાતના પ્રશ્નો કરીને ભગવાનનો પણ પરસેવો પાડી દે મામૂ...? ભગવાનને પણ આંચકો આવી જાય કે, ‘ આ મારો બનાવેલો માણસ મને નહિ છોડે, તો ભારતને શું મૂકતો હશે?’

એમાં કોઈ નેતાની અડફટે ચઢ્યા તો તો ખલ્લાસ..! ચરણ સ્પર્શની વાત તો દૂરનીરહી, નેતા જલ્દી મુલાકાત પણ નહિ આપે. ભગવાનને પણ ધક્કા ખાવા પડે..! ઓહોહોહો..! આઝાદી પછી, નેતાઓની સંખ્યાનો ઓછો વિકાસ થયો છે? નેતાઓની વસ્તી ગણતરી કરતાં નથી એટલે, બાકી કોઈપણ ઘર ઉપર પથ્થર મારો, નાનો મોટો એકાદ નેતા તો ખેસ પહેરીને ઘરમાંથી બહાર નીકળે જ...! એટલું જ નહિ, સવારે જે પાર્ટીની કંઠી બાંધી હોય, એનો નેતા સાંજે સામેની પાર્ટીનો ખેસ પહેરીને પણ નીકળે..! સાલું સમઝમાં નથી આવતું કે, આ સમુદ્રમંથન થયું ત્યારે ખેસ ક્યારે નીકળેલાં..?

આપણી ભાવના એટલી જ કે, રાષ્ટ્રીય પર્વમાં ભગવાન ભૂલા પડે તો, ઠેર ઠેર ખાદીધારી માણસનું પ્રદર્શન ભરાયું હોય એ એમને જોવા મળે, ને આપણા દિવંગત નેતાઓને આંખે દેખ્યો અહેવાલ આપે. ‘મનકી બાત’ સંભાળવા દેશમાં રેડિયા ભલે વધ્યા, પણ બાપુના રેંટીયા પણ ભારતમાં હજી જીવે છે, એનો અંદાજ આવે. સગા ડોહાની જનમ તારીખ ભલે યાદ ના હોય, એ પણ ૨૬ મી જાન્યુઆરી ને ૧૫ મી ઓગષ્ટએ કેસુડાંના ફૂલની માફક ચારેય કોર ખાદીનો કેવો ચમકાટ કેવો ફરી વળે એ જોતાં જાય.પ્રભુ પણ રાજી રાજી થઇ જાય કે, શું મારા ભારતમાં લોકોનો દેશ પ્રેમ છે..? ભલે ને ‘વંદે માતરમ’ નું ગીત આખું નહિ આવડતું હોય, હોઠ તો ફફડાવે છે ને..! જેને જેવી મૌજ, એવી એની ફોજ..! મેરા ભારત મહાન..!

હાસ્યકુ : માણસ થાવ

ભગવાન ભરોસે

દેશ તો ચાલે