Sukhni chavi krushno Karmyog - 1 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 1

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 1

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૧ - કર્મયોગ

કર્મયોગ એ ભગવત ગીતાની વિશિષ્ટતા રહી છે, ભારતમાં જન્મ પામેલી આધ્યાત્મિક વિચારધારાઓમાં ન્યાય, દર્શન, સાંખ્ય, પૂર્વ મિમાંસા, ઉતર મિમાંસા, અને યોગ જેવા મતો ખટદર્શનના નામથી સાર્વત્રિક પ્રચાર પામેલા હતા. આ મતો મુજબની વિચારધારાઓએ જે જે માર્ગો આપ્યા છે તે પરીપૂર્ણ અને ઉતમ છે. આ શાસ્ત્રોના તથ્યને સમજનાર વ્યક્તિઓ જીવનના દુઃખોને ઉલ્લંઘી જેને ‘પરમપદ’ કહેવામાં આવ્યું છે તેની ઉંચાઈને પામવામાં સમર્થ રહ્યા છે. તેમ છતાં મોટા ભાગના મનુષ્યો જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તેમાં આ મતો અને તેમની વિચારધારાઓ યોગ્ય રીતે બંધ બેસતા બની શકતા ન હતા. તેમજ આજે પણ આ મતો મોટા ભાગના જનસમુદાય સાથે ફીટ થઈ શકતા નથી.

કારણ કે મનુષ્ય સતત અને અવિરતપણે કર્મમય જીવન જીવી રહ્યો છે. કર્મોથી તેને એક ક્ષણની પણ ફુરસદ નથી. વળી મનુષ્ય કર્માસક્ત છે. મનુષ્યએ કર્મોમા વિવિધ પ્રકારની તેમની કામનાઓ અને વાસનાઓ જોડી રાખી છે. જે કામનાઓ અને વાસનાઓની નિવૃત્તિનો વિચાર પણ તેને દુઃખદાઈ લાગે છે. પછી ભલે તે તેવી કામનાઓના સોનેરી સ્વપ્નો લઈને દુઃખના દરીયા ઉલેચિ રહ્યો હોઈ. તેમ છતાં કોઈપણ સંજોગોમાં મનુષ્ય તેના કર્મો અને કામનાઓની નિવૃત્તિ કરવા નથી માગતો. જાણે કે કામનાઓ અને તેના કર્મો જ તેના તમામ પુરુષાર્થોની પરમ ઉપલ્ધિ છે. તેથી જ્યારે કોઈ કામનાઓના કે કર્મના ત્યાગની વાત કરે છે ત્યારે તેને દુઃખદાઈ થઈ પડે છે. પડવા, પછડાવવા, ઘાયલ થઈને લોહીલુહાણ થવા છતા અને તેમ થઈને તેનું દુઃખ રોઈ રહેલો મનુષ્ય પણ તેના કર્મોની નિવૃત્તિ કે ત્યાગને નથી ઈચ્છતો.

બુદ્ધ જ્યારે નિર્વાણ (મોક્ષ)ની વાત કરતા હતા અને તેના માટે ગામો ગામ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે લોકો બુદ્ધને સ્વીકારવા તૈયાર ન હતા. ગણ્યાગાઠ્યા વ્યક્તિઓ બુદ્ધને સાંભળવા તૈયાર થતા અને તેમાંથીયે ગણ્યાગાંઠ્યા લોકો બુદ્ધના ઉપદેશને શ્રદ્ધાથી સ્વીકારવા તૈયાર થતા. એક દિવસ એક ભીક્ષુએ બુદ્ધને કહ્યું કે તમે મોક્ષ માટે કઠોર પરિશ્રમ કરીને લોકોને સમજાવવા પ્રયાસ કરો છો તેમ છતાં લોકો તમારા મોક્ષ માર્ગને સમજવા રાજી કેમ નથી ? તમારા મોક્ષ / નિર્વાણની સ્થિતિ તો પરમ આનંદદાઈ છે. છતાં લોકો પોતાનો દુઃખોને છોડીને તમારા મોક્ષને અપનાવવા માટે તૈયાર કેમ થતાં નથી ?

ત્યારે બુદ્ધે જવાબ આપ્યો કે લોકો મોક્ષ/નિર્વાણને ચાહતા નથી. લોકોમાં મોક્ષ કે નિર્વાણની કોઈ કામનાઓ નથી. લોકોની કામનાઓ તેમની ઈન્દ્રીયો અને શરીરના સુખો સુધી સિમિત છે. શરીર અને ઈન્દ્રીયથી પાર પણ કોઈ આનંદ છે તેવી તેમની બુદ્ધિમાં કોઈ શ્રદ્ધા કે નિશ્ચય નથી. લોક સમુદાયનું મન જે વિવિધ કામનાઓમાં અટવાયેલું છે તે અપાર દુઃખો ભોગવતા છતા પણ તે કામનાઓને છોડવા અને મોક્ષની કામના કે આકાંક્ષા ઉભી કરવા તૈયાર નથી.

સવારથી સાંજ સુધી બુદ્ધ પાસે ગયેલા લોકો વિવિધ માગણીઓ કરતા. કોઈ સંતાન થવાની માગણી કરતા તો કોઈ થયેલા સંતાનોએ આપેલા સંતાપને દૂર કરવા કૃપા થાય તેવી માંગણી કરતા.

કોઈ પૈસા મેળવવા માગણી કરતા તો કોઈ વધી ગયેલા પૈસાના બોજથી ઉભા થયેલા ભયને દૂર કરવાની માગણી કરતા. કોઈ નવા સંબંધો બને તેની માગણીઓ કરતા તો કોઈ સંબંધોના બંધનથી ઉભા થયેલા દુઃખોને દૂર કરાવવા માગણી કરતા. તો કોઈ દિકરાના લગ્ન થઈ જાઈ તેવા આશીર્વાદ માગતા તો કોઈ દિકરાના વહુના ત્રાસમાંથી છોડાવવા આશીર્વાદ માગતા. કોઈ પૂત્ર જન્મ થાય તે માટે માગણી કરતા કોઈ પૂત્રોના દુઃખથી છૂટવા માગણી કરતા.

જો બુદ્ધ કહે કે તમારી આ બધી સમસ્યાઓ ઉકેલ આત્મજ્ઞાનમાં છે. તો લોકો કહેતા કે આત્માનું જ્ઞાન ગમે ત્યારે મેળવી લેશું પણ હાલ તો અમારે આત્મા સાથે કોઈ સંબંધ જોડવો નથી. બસ તમે તો ફક્ત હાલ જે અમારી સમસ્યા છે તેનો ઉકેલ આપો. આજે પણ મોટા ભાગના લોકો ધર્મ અને ઈશ્વરના નામે પોતાની કામનાઓ જ સંતોષવા જ પ્રયાસો કરે છે. તેથી જ રસગુલ્લા ખાઈને બે સોમવાર કરી લેવાના આશ્વાસનો આપતા ઠગ બાબાઓ તેમને વધુ પ્રિય છે.

બુદ્ધે સારનાથમાં જ્યારે પહેલો ઉપદેશ આપ્યો ત્યારે બુદ્ધની સમક્ષ ફક્ત પાંચ ભિક્ષુઓ ઉપસ્થિત હતા. જે પછી લોકો એકઠા થતા ગયા અને સંઘ બનતો ગયો. લોકોના સંઘને જોઈને લોકો આવતા થયા. પરંતુ બુદ્ધ જે કહેવા માગતા હતા તે સમજનારા તો આંગણીઓના વેઢે ગણી શકાય તેટલા જ હતા.

મનુષ્ય એક ક્ષણ માટે પણ શાંતિ પૂર્વકનો વિચાર કરે તો જોઈ શકે તેમ છે કે જે કામનાઓના માર્ગે તે ચાલીર હ્યો છે તે કામનાઓએ તેને દિન-હિન, દરીદ્ર, દુઃખી અને તુચ્છ બનાવી દીધો છે. શાયરે ખુબ સરસ શબ્દોમાં કહ્યું છે :-

‘‘તમન્નાઓને હમારી હમકો બેખુદ કર દીયા, વરના હમ ખુદ ખુદા હોતે’’

કૃષ્ણ પણ કહે છે ‘‘ઈન્દ્રીયાણાં હિ ચરતાં યન્મનોનુવિધિયતે, તદસ્ય હરતિં પ્રજ્ઞામ વાયુર્નાવઈવમ્ભસિ’’ (ગી.અ.ર-૬૭).

અર્થાત્‌ જે કામનાઓના માર્ગે સુખોની પાછળ ભાગે છે તેનું જીવન તો મધ્ય સમુદ્રમાં ફંસાયેલા વહાણ જેવું છે જેના નાવિકના સ્વપ્નો તો સમુદ્રમાંથી માછલીઓ, હીરા, મોતી અને ખજાનાને હાંસલ કરીને સુખી-સલામત પોતાના ઘરે પહોંચીને મનમાં ગૂંથેલી કામનાઓને પુરા કરવાના પણ વિશાળ સમુદ્રના વિશાળ તોફાની મોજાઓ આગળ તેની આ કામનાઓની કોઈ કિંમત નથી. સમુદ્રની કઈ લહેર કેટલી ઉંચે ઉઠસે અને તેનું નાવ તેને પાર કરી જશે કે ડૂબશે ? તોફાની પવનો તેની નાવને યોગ્ય દીશામાં ચાલવા દેશે કે કેમ ? તે હકીકતો તો તેની કામનાઓની ગુંથેલી ચાદરોમાં છુપાઈને જ રહે છે. સત્યના સ્વીકારની બદલે કામનાઓની ચાદરમાં મુહ છુપાવીને જીવવાનું લોકો વધુ પસંદ કરે છે. ગાલીબ લખ્યું છે :-

‘‘हजारो ख्वाहिशे ऐसी की हर ख्वाहिश पे दम निकले,

बहुत निकले मेरे रमान फीर भी कम निकले

निकलना खुल्दसे आदम का सुनते आये थे मगर,

बहुत बेआबरु होककर तेरे कूचे से हम निकले ’’

ગાલીબ કહે છે કે એક નહી હજારો - હજારો કામનાઓ માણસે એવી ગુંથેલી છે કે એક-એક ઉપર દમ નીકળે છે. તેમ છતાં કામનાઓ જે સોનેરી સ્વપ્નો બતાવે છે કે ખુલ્દ (સ્વર્ગ)માંથી આદમ આવશે, પણ અંત અને હકીકત સ્પષ્ટ કરે છે કે કામનાઓના કૂચામાંથી (સાંકડી ગલી) જ્યારે કોઈ બહાર આવે છે ત્યારે જ ખબર પડે છે સ્વર્ણમયી કામનાઓએ તો તેને બેઆબરૂ કર્યો છે કે પોતાની જાતનો સામનો કરવો પણ હવે તેના માટે મુશ્કેલ છે.

મેં સાંભળ્યું છે કે એક માણસે જીવનના દુઃખોથી કંટાળીને શીવ ભક્તિ કરી. જેથી ભગવાન શીવ પ્રસન્ન થયા અને કહ્યું કે તું જોઈએ તે વરદાન માગી લે. તે માણસે કહ્યું પ્રભુ હું ખુબ દુઃખી છું, તમે મારું દુઃખ દૂર કરવા વરદાન આપો. શીવે કહ્યું કે હું તારા બધા જ દુઃખો દુર કરવા અત્યારે જ તને મુક્તિ આપીને કૈલાસ લઈ જાઉં.

માણસે કહ્યું પ્રભુ હાલ મારે કૈલાસ નથી આવવું પણ અત્યારે પાસે પૈસા નથી અને ગરીબ છું. ગરીબી કેવું દુઃખ છે તે તો હું જ જાણું છું. તિરસ્કાર, અપમાન, ઉપેક્ષા અને ભુખમરાથી પિડીત ગરીબને જે દુઃખ હોય છે તે ધનથી જ દુર થાય છે. બસ, તમે મારા દુઃખમાં સહભાગી બનો અને મને સુખી કરવા ખુબ ધન આપો. તેમજ મારા ઉપર જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે મને બચાવતા રહો, સદાકાળ તમારી કૃપા કરતા રહો તે જ મારી અપેક્ષા છે. શીવે કહ્યું કે જો તું સુખીજીવન જીવવા માગતો હોય તો જીવન પ્રકૃતિનું છે તેથી પ્રકૃતિએ રચેલા નિયમો તો તને લાગુ પડતા જ રહેશે પણ, તું જ્યારે દુઃખમાં હોઈશ ત્યારે હું તારું દુઃખ દૂર કરવા અને મારી કૃપા કરવા જરૂર આવીશ.

શીવ કૃપાથી તે ધનવાન થઈ ગયો. થોડા સમય પછી તેણે એક સુંદરી સાથે લગ્ન કર્યું. પણ સંતાન ન થતાં ફરી દુઃખી થયો. તેણે શીવને યાદ કર્યા અને શીવે ફરી તેનું દુઃખ દૂર કરવા એક પુત્ર થવાનું વરદાન આપ્યું. સમય વિતતો ગયો. તેનો બાળક મોટો થયો અને તેનું પણ લગ્ન કર્યું. પણ, માણસ પોતે ઘરડો થઈ ગયો. તેથી કૃપા કરવાનું વરદાન આપનાર શીવ હાજર થયા અને કહ્યું કે તું ઘરડો થયો છે. ધીરે-ધીરે સમય વિગતો જાય છે અને તારું જીવન કાળની ગતિમાં નષ્ટ થતું જાય છે, જેથી તું કહે તો તને કૈલાસ લઈ જાઉં. તે માણસે શીવને કહ્યું કે પ્રભુ કૈલાસ તો આવવું છે, પણ એક ઈચ્છા છે કે મારા પુત્રના ઘરે પુત્ર થાય તો તેનું મોઢું જોઈ લઉં અને તેને રમાડી લઉં પછી તમારી સાથે આવું. શીવ કહ્યું, જેવી તારી મરજી.

થોડા સમય પછી તેના દીકરાના ઘરે દીકરો થયો. ગુજરાતી કહેવત છે કે રૂપિયા કરતા તેનું વ્યાજ વધારે વ્હાલું હોય. તે દીકરાના દીકરાને રમાડતો અને ખુબ રાજી થતો. પણ તેમ કરતા સમય વિગતો ગયો અને અચાનક તેના મૃત્યુનો કાળ આવી ગયો. શીવ તેના વચન મુજબ કૃપા કરવા હાજર થઈ ગયા અને કહ્યું કે ચાલ, હવે તો તારં મૃત્યુ આવી ગયું છે. હવે તને કૈલાસ લઈ જાઉં.

તે માણસે કહ્યું પ્રભુ, હું મારા દીકરાના દીકરાને જોઈને ધરાતો નથી. જેથી એવી કૃપા કરો કે મર્યા પછી પણ, આ ઘરમાં જ રહું અને સતત મારા દીકરાના દીકરાને જોતો રહું. શીવે કહ્યું તથાસ્તું. તે તેના ઘરમાં પાળેલી કૂતરીનો પુત્ર થયો અને તેના દીકરાના દીકરાના હાથે ઉછરીને મોટો થવા લાગ્યો. ધીરે-ધીરે તે દીકરો મોટો થયો અને તેને કૂતરાઓ રમાડવાનો રસ ઉડી ગયો. તે ફરી ચિંતીત થયો અને દુઃખી થયો. ફરી શીવ કૃપા કરવા હાજર થઈ ગયા. શીવે કહ્યું ચાલ, હવે તને કૈલાસ લઈ જાઉં. તે કૂતરાએ કહ્યું પ્રભુ, દીકરાના દીકરાએ મને ભલે છોડી દીધો હોય, પણ હું એકવાર તેના લગ્ન જોઈ લેવા માગું છું. બસ, તેના લગ્ન થઈ જાઈ એટલે તમારી સાથે આવી જઈશ. શીવ કહ્યું તથાસ્તું.

થોડા સમય બાદ તેના દીકરાના પણ લગ્ન થઈ ગયા. કૂતરાનું આયુષ્ય ટૂંકું હોય છે. તે કૂતરો પણ ઘરડો થઈ મરવા પડ્યો એટલે શીવ ફરી હાજર થયા અને કહ્યું ચાલ, હવે તો બહું થયું. તે કૂતરાએ કહ્યું પ્રભુ, તમને ખબર નથી. પણ મારા દીકરાનો દીકરો બહુ ભોળો છે અને તેની વહું અને સાસરીયાઓ ખતરનાક છે. મારા દીકરાના બધા પૈસા લઈ જાઈ તેમ છે જેથી હાલ તેને દુઃખમાં છોડીને મારે નથી આવવું. હું મર્યા પછી મારા દીકરાની સંપતિ જાળવી તેનું રક્ષણ કરી શકું તેવું વરદાન આપો. શીવે કહ્યું તથાસ્તુ.

તે કૂતરો મર્યા પછી સાપ થયો અને સાપ થઈને દીકરાની સંપતિનું રક્ષણ કરવા લાગ્યો. પણ, લોકો સાપને ભયરૂપ સમજે છે. તેથી ઘરમાં સાપ જોઈને તેના પૌત્રે જ તે સાપને પકડાવીને દૂર ફેંકાવી દીધો. તે જોઈને તે ખુબ દુઃખી થયો. તેણે ફરી શીવને યાદ કર્યા અને ફરીયાદ કરી. તેણે શીવને કહ્યું કે હું કોઈપણ ભોગે તે જ ઘરમાં રહી શકું તેવી કૃપા કરો. દૈવયોગે તે તેના જ ઘરની ગટરમાં વંદો થયો અને ગટરનો એંઠવાડ ખાવા લાગ્યો.

તેની આ દશા જોઈ શીવ પાછા હાજર થયા અને કહ્યું કે હવે તો તને કૈલાસ સાથે લઈ જઈશ. તેણે શીવને કહ્યું કે કૈલાસ-કૈલાસ શું કરો છો ? મારા દીકરાની વહુ અનાજ અને રસોઈનો એટલો બગાડ કરે છે તેને અહીં કોણ ખાશે મારો બાપ ? મારો બાપ ઘરડો થઈ ગયો છે બહુ ખાઈ શકે તેમ નથી હજી, મારા લગ્ન પણ થયા નથી જેથી દીકરાઓ પણ નથી. જેથી તમે કૃપા કરીને જાઓ. તમે તમારા રસ્તે અને મને મારા ભોગ ભોગવવા દો.

કામનાઓ દુઃખ દે કામનાઓ સ્વતંત્રતાને છીનવી લઈને બંધક બનાવી દે કે પછી દિન-હિન અને ભિખારી બનાવી દે તો પણ વ્યક્તિ કામનાઓને છોડી શકે તેટલો સબળ નથી. કામનાઓથી વિપરીત દિશામાં જોવા પણ માગતો નથી. મંદિરો, મસ્જીદો, ગુરુ દ્વારાઓ, ચર્ચો કે આશ્રમોમાં જઈને પણ મનુષ્ય પોતાની કામનાઓ સિવાય કોઈ વાતને યાદ કરતો નથી. લોકો ઝટપટ કામનાઓની સિદ્ધી કરાવી દે તેને જ તેમના ભગવાન માને છે.

લોકો દેવી-દેવતાઓ, સાધુ-મહારાજોને માને છે જ એટલા માટે કે તે તેમની કામનાઓ પુરી કરી આપશે. લોકો મામાની દેરીએ મામાને પેંડા ખવડાવવા અને સીગારેટ પિવડાવવા પણ પહોંચી જાય છે. પેંડા તો લોકો ત્યાંને ત્યાં જ ખાઈ લે છે અને સીગારેટ મામા પિજાય છે. વળી મામાઓ સીગારેટ જ પિવે છે. બીડી તેમને માફક નથી આવતી. કારણ કે દેશી બિડીની જો શટ (કસ) લેવામાં ન આવે તો તે ઓલવાઈ જાય છે. ઘણી બધી બિડીઓ તો દમ ખેંચનારને થકવાડી દે તેટલી વખત ઓલવાઈ જાય છે. તેથી બિચારા મામા તે કેમ પી શકે ? પણ સિગારેટ આપમેળે વગર દમ ખેંચ્યે સળગતી રહે છે. તેથી લોકો માને છે કે મામા સીગારેટ પી રહ્યા છે. મામા સીગારેટ પી જાઈ એટલે ધારેલા કામનો બેડોપાર થઈ જશે તેવી માન્યતા મામાના ભક્તો ઉપર હાવી હોઈ છે.

વિવિધ કામનાઓનો ગુલામ બનેલો મનુષ્ય કામનાઓની કર્મજાળમાં એ રીતે ફસાયો છે કે પડવા-પછડાવા અને દુઃખી થવા છતાં તેમાંથી બહાર નીકળવા માગતો નથી. અહી કામના માર્ગમાં ઘાયલ થઈને મરણ પથારીએ પડેલો વ્યક્તિ પણ કામનાઓને વળગી રહીને જીવે છે. કર્મવાસનાઓ એટલી પ્રબળ છે કે તેનાથી વિપરિત કોઈ માર્ગ છે તેવું સમજવું પણ કઠીન અને કઠોર છે. ગાલીબે આવા માણસની મજાક કરતા લખ્યું છે -

‘‘ગો હાથો ઝુંબિશ નહીં, અભી આંખો મે દમ તો હૈ

રહને દો અભી સાગર ઔર મિના મેરે આગે’’

કામના ભોગવવા મથતો માણસ શરાબ પિ-પિને બરબાદ થઈ ગયેલા શરાબીની જેમ મરણ પથારીએ પડ્યા પછી ધ્રુજતા હાથોએ પ્યાલી ઉઠાવવા પણ કાબેલ ન હોય તો પણ તે ઈચ્છે છે કે શરાબ અને પ્યાલી તેની સામે રાખો કે કમ સે કમ હાથોથી ન પિઈ શકાય તો કાંઈ નહીં આંખોથી પિતો રહું.

જીવનના આ તથ્યોના કારણે કૃષ્ણએ યોગને કર્મ સાથે જોડાવાનું જ મુનાસિબ માન્યું અને તેથી ભગવદ્‌ગીતામાં કર્મયોગની એક મહાન થિયરી કૃષ્ણએ આપી જે કર્મયોગ ભગવદ્‌ ગીતામાં આપ્યો છે તેવો સંસારના કોઈ પુસ્તકમાં નથી. કર્મયોગના કારણે જ ગીતા વિશ્વની એક અનૂઠી કીતાબ છે. દુનિયામાં સેંકડો પુસ્તકો છે. દિવસ ઉગતાની સાથે દુનિયામાં અંદાજે દસ હજારથી વધારે નવા પુસ્તકો રોજ બહાર પડે છે. પરંતુ પાંચ હજાર વર્ષથી ભગવદ્‌ગીતાએ પુસ્તકોની હરોળમાં જે સ્થાન મેળવ્યું છે તેવું વિશ્વભરમાં બીજા પુસ્તકનું નથી.

વેદો, પુરાણો, ગુરૂગ્રંથ, કુરાન, બાઈબલ, ધમ્મપદ કે જીનસૂત્ર જેવા પુસ્તકો છે. તેનું મહત્ત્વ તેની રીતે અનેરૂ છે. પણ ભગવદ્‌ગીતા તેના કર્મયોગના કારણે જગ વિખ્યાત છે. ગીતા માત્ર હિન્દુઓમાં જ નહીં પણ અન્ય ધર્મના લોકો માટે પણ સ્વીકૃત બની છે. કારણ કે ગીતા એક જીવન ગ્રંથ છે. તેમાં જીવનના રહસ્યોની અદ્‌ભુત વાત છે. અમેરીકા જેવા વિકસિત દેશમાં ન્યૂયોર્ક ખાતે૧૮પ૬માં સ્થપાયેલી સેટન હોલ યુનિવર્સિટી કે જેમાં આજે પણ ૧૦,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે યુનિવર્સિટીમાં ભગવદ્‌ ગીતાનો અભ્યાસ વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય ગણવામાં આવ્યો છે. કારણ કે તે યુનિવર્સિટીનું મેનેજમેન્ટ માને છે કે સોશ્યલ જીવનની સાચી સમજ અને જીવન સંકટના સાચા ઉકેલો શોધવામાં ભગવદ્‌ ગીતા ખુબ જ સહાયક છે.

હવે તો કોર્પોરેટ બીઝનેસ મિટીંગો અને કોન્ફરન્સોમાં પણ ભગવદ્‌ ગીતા સંબંધી કોઈને કોઈ ખાસ ટોપીક ચર્ચા માટે રાખવામાં આવે છે. આ વાત ખુબ જ આવકારદાયક છે. કારણ કે ભગવદ્‌ ગીતા એ કોઈના મૃત્યુ પછીની શાંતિ માટે જ વાંચવા લાયક ગ્રંથ નથી પણ તે જીવનની સાચી દિશા અને જીવન પ્રશ્નોની શાંતિ માટે વાંચવા લાયક, મનન કરવા યોગ્ય અને સમજવા યોગ્ય ગ્રંથ છે.

દુનિયાના બીજા ગ્રંથો જ્ઞાનીઓએ કોઈ જંગલોની એકાંત કુટીરોમા, કોઈ વિદ્વાન શિષ્યો સાથેની ચર્ચામાં અથવા તો જીજ્ઞાસુઓની સભામાં કહેલા અને લખેલા કે લખાવેલા ગ્રંથો છે. પણ ભગવદ્‌ ગીતા તો યુદ્ધના મેદાનમાં, જીવનના કપરા કાળમાં મુસીબતોથી ઘેરાયેલા મિત્રની જીવન સમસ્યાના ઉકેલ માટે નિર્મિત થયેલી એક પુસ્તિકા છે.

યુદ્ધનું મેદાન એક એવું ક્ષેત્ર છે કે જ્યાં જીવ સટોસટની બાજી લાગેલી છે. વ્યર્થની વાતો કહેવા-સાંભળવાનો આ ક્ષેત્રમાં કોઈ અવકાશ હોતો નથી. દાખલા, દૃષ્ટાંતો, વ્યર્થ તર્કો કે દલીલો અને કારણ વગરના લાંબા ભાષણો માટે જે ક્ષેત્ર ઉચિત નથી તેવા ક્ષેત્રમાં મજબુત કાંઈક કહેવું પડે અને ઉપદેશવું પડે તેવા ક્ષેત્રમાં ભગવદ્‌ ગીતાએ જન્મ લીધો છે. વળી તે પણ એક એવા વિરલ પુરૂષના મુખેથી કે જેને જીવનમાં વ્યર્થ ભાષણોનો કોઈ શોખ નથી કે ટેવ નથી. વ્યર્થ ભાષણો કરવાનો શોખ તો અલેલટ્ટપુ જેવા રાજનેતાઓનો હોય છે. જે પોતાને કોઈ વિષય કહેવા યોગ્ય હોય કે ન હોઈ, પણ વ્યર્થની બકવાસ કરવાનો અને તે નાતે પણ અહમ પોષવાનો જો કોઈ મોકો મળે તો તે છોડતા નથી.

પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીનભાઈ એક પ્રસંગ કહે છે કે એક રાજનેતા અનાથ આશ્રમના ઉદ્‌ઘાટનમાં પહોંચ્યા. આયોજકોએ નેતાને બે શબ્દ કહેવા ઉભા કર્યા એટલે પોતાની બગલાની પાંખ જેવી સફેદ કફનીનો કોલર સરખો કરવા બોલવા લાગ્યા કે મારા વ્હાલા, ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું કે આ સંસ્થાનો દીનપ્રતિદીન વિકાસ થાય. તેની સંખ્યા ઉત્તરોત્તર વધે અને વધતા-વધતા આ સંસ્થા નાનકડા વૃક્ષમાંથી વિશાળ વટ-વૃક્ષ બની જાય. વળી, બેઠેલા બાળકોને જોઈને ગળગળા સ્વરે તેમણે એમ પણ કહ્યું કે આ બાળકોને જોતા મને એમ થાય છે કે આ બાળકો મારા જ છે.

ભગવદ્‌ ગીતા તો કૃષ્ણ જેવા આત્મારામ પુરૂષોની અંતરવાણી છે. બકવાસથી ભરેલી આ દુનિયામાં સદીયો - સદીયોના અંતે કોઈ સંજોગો એવા નિર્મિત થાય છે કે કૃષ્ણએ બોલવા મજબુર થવું પડે છે. કોઈનો પ્રેમ, કોઈની ભક્તિ અને કોઈની અવિચળ શ્રદ્ધા આવા પુરૂષોને બોલવા મજબુર કરે છે. જ્યારે કૃષ્ણ કાંઈ બોલે છે ત્યારે વાણી તેના શબ્દો અને તેના અર્થો સાથે સચેતન અને પાવન થઈ જાય છે. સત્યને શોધવા વલખા મારતી વાણી જ્યારે સત્ય સ્વરૂપ બનેલા કોઈ મહાપુરૂષના મુખેથી જ વહે ત્યારે તે વાણીને કેવી ધન્યતા અનુભવાતી હશે તે તો તે વાણી જ જાણે છે.

કૃષ્ણની આ ગીતામાં પણ જેણે વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે તે છે કર્મયોગ. સ્વયં કૃષ્ણ જ કહે છે ‘‘તયોસ્તુ કર્મ સંન્યાસાત્‌ કર્મયોગો વિશિષ્યતે’’

કર્મયોગ એ કૃષ્ણની કરૂણા છે. સદાકાળ કામનાઓ અને તેના કર્મથી ઘેરાયેલો વ્યક્તિ કેવી રીતે કર્મયોગને ઉપલબ્ધ થઈ જાય ? સુખના સપના લઈને વિવિધ કર્મમાં અથાગ પ્રયત્નોથી જોડાયેલા લોકો પણ જે કર્મના બોજોથી પિડાઈ રહ્યા છે તે કેમ સુખી થઈ શકે ? મુક્તચૈતન્ય ધરાવતા માનવીના મનને કર્મોએ જે બંદીજનની બેડીઓ પહેરાવી દીધી છે તે બંધનમાંથી માનવીનું ચૈતન્ય કર્મ કરતા રહેવા છતાં કેમ મુક્ત રહી શકે ? તેવા કરૂણા સભર દ્રષ્ટિકોણથી કૃષ્ણનો કર્મયોગ જન્મ્યો છે.

મૃત્યુ પર્યંત કર્મોની વિવિધ માયાજાળમાં ફસાયેલા વ્યક્તિને સેવેલા કર્મોની સિદ્ધિ અને સફળતા માટે અપાર દુઃખો અને મુસીબતો વેઠવી પડે છે. જે કર્મોની સફળતા માટે મનુષ્ય પ્રયાસમાં લાગ્યો છે તે પૈકીના કંઈક કર્મો તો એવા છે જેના જોખમો તેની કર્મ સિદ્ધિ કરતાયે મોંઘા હોય છે. જેમ કે ઈલેકટ્રીસીટીના પોલ ઉપર ચડીને કામ કરતા કારીગરો કે બહુમાળી ઈમારતોનું બાંધકામ કરી રહેલા અથવા તો કલર કામ કરી રહેલા મજૂરોને જોઈએ ત્યારે તેનું જોખમ સામાન્ય માણસને ઉડીને આંખે વળગતું હોય છે. ક્યારેક કોઈ સરકસ કે રીયાલીટી શો માં કામ કરી રહેલા કલાકારોનું જોખમ જોઈએ તો પણ કંપારી થઈ જાય તેવું હોય છે. પરંતુ તેને મળતા વળતર સામે નજર નાખીએ તો તે ખુબ મામૂલી હોય છે. તો પણ જીંદગીને જોખમમાં મૂકીને કામ કરનારા લોકોએ તેને મળતા મામૂલી વળતરોથી સંતોષ કરવો પડે છે. તેમ છતાં અપાર કર્મોની જંજાળોથી સિદ્ધ કરેલા કર્મો તેના પાછળ ઈચ્છેલી મામૂલી એવી શાંતિ અને આનંદ આપવા સમર્થ રહેતા નથી.

વળી કર્મોનું એક પાસું એવું પણ છે કે કર્મોની સિદ્ધિ માટે પ્રયાસો કરતી વખતે તે જેટલા સુખપ્રદ પ્રતિત થાય છે તે જ કર્મોની તેની સિદ્ધિ થાય પછી તેટલા સુખપ્રદ નથી રહેતા. ‘દૂરથી ડુંગર રળીયામણા’ની કહેવત મુજબ જે કર્મો સફળ નથી થયા તે તેની ચાહતોમાં જેટલા સુખપ્રદ હોય છે તેટલા તેની સફળતા પછી સુખપ્રદ નથી રહેતા

‘‘દુનિયા જીસે કહેતે હૈ, જાદુકા ખિલોના હૈ

મીલ જાયે તો મિટ્ટી હે, ખો જાયે તો સોના હૈ’’

દુનિયાના કર્મોની અસિદ્ધિઓ તો બેચેન બનાવે જ છે, પણ સિદ્ધિઓ પણ કોઈ સંતોષ આપી શકતી નથી. હકીકત તો એવી છે કે સફળતાઓ માણસને જેટલો વિક્ષિપ્ત બનાવે છે તેટલી વિક્ષિપ્તતા નિષ્ફળતાઓ નથી આપતી. કર્મોની સફળતા અને અસફળતા વચ્ચે અંતરમનની સળગતી એક અતૃપ્તિ સદાકાળ બની રહે છે. આવા સંજોગોમાં કર્મ કરતા સમયે પણ પોતાની અંતર શાંતિ, પ્રસન્નતા અને બુદ્ધિની સ્થિરતાને કેમ ધારણ કરી રાખવી ? તે પ્રશ્નોના સત્ય, સહજ અને સરળ ઉત્તરો કૃષ્ણના કર્મયોગ સિવાય ક્યાંય મળવા પાત્ર નથી.

***