અઘોર આત્મા
(હોરર-સસ્પેન્સ નવલકથા)
(ભાગ-૫ : પ્રેતનું પ્રતિબિંબ)
--------------------
લેખક : ધર્મેશ ગાંધી
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
---------------------
(ભાગ-૪ માં આપણે જોયું કે...
મા કાલભૈરવીને ભોગ ચઢાવાઈ રહ્યો હતો. આઠ-દસ જેટલી સ્ત્રીઓ શરીર ઉપર કશું પણ પહેર્યા વગર પહોળા પગ કરીને ધૂણતી ઊભી હતી. પડછંદ કાયા ધરાવતા મુખ્ય અઘોરીએ વજનદાર તલવાર હવામાં ઉગામી, અને એક તેજ ઝાટકા સાથે પાડાની ગરદન ઉડાવી દીધી. હું સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ગઈ. વાઘ-વાઘણે કોઈ પશુનો નહિ, માણસનો શિકાર કર્યો હતો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. એ ત્રણેય મૃત વ્યક્તિઓ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું...
હવે આગળ...)
----------------
મેં ધ્યાનથી એ મૃતદેહોના ચહેરા જોયા તો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. શરીરમાં વહેતું લોહી જાણે કે થીજી ગયું. વાઘ-વાઘણે શિકાર કરેલી ત્રણેય મૃત વ્યક્તિઓ અન્ય કોઈ નહિ પરંતુ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું ખેલ ખેલી રહી હતી. એમને સતાવી રહી હતી, ડરાવી રહી હતી. મેં ડર સાથે પાછળ ફરીને જોયું તો દૂર દૂર સુધી માત્ર અંધકાર છવાયેલો દેખાયો. વેરાન ઝાડીઓની માત્ર અંધકારમય ગીચતા મારી આંખે અથડાતી હતી. પેલા ત્રણેય વિદેશી યુવક-યુવતીઓનું કોઈ નામોનિશાન મોજૂદ ન હતું. મને એ સમજતા જરાયે વાર ન લાગી કે જેમને હું જીવતા-જાગતા મનુષ્યો સમજી રહી હતી એ તો પ્રેતાત્માઓ હતાં. અને હું એમને પોતે એક ભટકતી આત્મા હોવાનો અહેસાસ અપાવી રહી હતી. મારા શરીરમાંથી ધ્રૂજારી પસાર થઈ ગઈ.
હું હવે ભયભીત બની ઊઠી હતી. મને એ ડર સતાવવા માંડ્યો હતો કે હવે એ વિદેશીઓના પ્રેત મને કનડશે. ભદ્રકાલીની અવાવરુ ગુફામાં પ્રવેશવા માટે મેં જે ચાંડાલ ચોકડીનો પ્લાન બનાવ્યો હતો એ મને જ ભારે પડી રહ્યો હોવાનું મને મહેસૂસ થઈ રહ્યું હતું. મને શું કુમતિ સૂઝી કે મેં આ વિદેશીઓ ઉપર જ મારી પસંદગી ઉતારી! હવે મારે કેમેય કરીને આ ઘનઘોર જંગલમાંથી ભાગી છૂટવું હતું. આ બિહામણી રાત પસાર કરી દેવી હતી. મારા તિમિરને મૃત્યુલોકમાંથી પાછો મેળવવા માટે મારું જીવિત રહેવું આવશ્યક હતું.
હું ધીમેધીમે જંગલમાંથી બહાર નીકળવાના રસ્તે આગળ વધી. ત્યાં જ મારી નજર સમક્ષ એક વિશાળ ઘટાદાર વડનું વ્રુક્ષ આમથી તેમ ડોલવા લાગ્યું, આખેઆખું ધ્રૂજવા લાગ્યું. જોરદાર પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ. હું સમજી ગઈ કે આ બધું જ પેલા વિદેશીઓના પ્રેતની પિશાચી શક્તિને લીધે થઈ રહ્યું છે. એકાએક પવનની થપાટમાં વડના મોટામોટા પાંદડા ખરવા માંડ્યા. અને એ પાંદડાનો મારે માથેથી ઢગલો થવા માંડ્યો. મેં મહામહેનતે મારા કદમ પાંદડાના એ ઢગલામાંથી ઉપાડ્યા. અને જેવી હું ભાગવા જાઉં ત્યાં જ એ વિશાળ વડની લાંબી વડવાઈઓ મારા શરીર ફરતે વીંટળાઈ વળી. મારું શરીર દબાઈ રહ્યું હતું, ભીંસાઈ રહ્યું હતું, જાણે કે કોઈ હવસખોર કદાવર પુરુષના બંને હાથ મને જકડી રહ્યા હોય. મારી છાતી ફરતે વીંટળાયેલી વડવાઈઓ ધીરેધીરે મારા ગાઉનની અંદર તરફ સરકવા માંડી હતી. મેં કોઈક વાસનાથી ભરપૂર પુરૂષના બરછટ હાથ મારી સુવાળી છાતી ઉપર ફરી રહ્યા હોવાની ક્રૂર અનુભૂતિ કરી. એ વિદેશી યુવકોની હવસભરી આત્મા જો અહીં વેરાન જંગલમાં મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નાખે અને આખી રાત મારા ખૂબસૂરત જિસ્મને ભોગવ્યા કરે તો મને બચાવવાવાળું અહીં કોઈ નહોતું. મારી ઈજ્જતના એ રીતે લીરેલીરા ઊડી જાય કે મારું મૃત્યુ નિશ્ચિત હતું. જંગલના ઊંડાણમાંથી ભયાનક રાની પશુઓની ડરાવનારી ગર્જના સંભળાઈ રહી હતી. મારા આખા શરીરે પરસેવો વળી ગયો.
પરંતુ ઓચિંતું જ મારા શરીરે વીંટળાયેલી વડવાઈઓની પકડ ઢીલી થવા માંડી. મેં ઉપર જોયું તો લાંબા દોરડા જેવી મજબૂત વડવાઈઓ વડથી છૂટી પડીને જમીન પર પથરાઈ રહી હતી. જાણે કે કોઈએ તલવારના એક ઝાટકે કાપી નાખી નહિ હોય! મારો છૂટકારો થતાં જ હું હાંફળીફાંફળી ભાગી. હું વધુ આગળ નીકળી જાઉં એ પહેલાં જ કોઈએ મારા બંને ખભા મજબૂતીથી પકડી લીધા. હું નખશીખ કંપી ઊઠી. પરંતુ, એટલામાં જ કોઈક ધીમો અને પ્રેમાળ અવાજ સંભળાયો-
‘તપસ્યા, અમારાથી ડરવાની જરૂર નથી.’ અંગ્રેજીમાં કોઈક યુવતી બોલી રહી હતી. મેં અનુમાન લગાવ્યું કે એ પેલી વિદેશી યુવતી જ હશે.
‘તું અમારી રક્ષા હેઠળ છે, તપસ્યા, ગભરાઈશ નહિ!’ એ ત્રણ વિદેશીઓમાંનો એક ગોરો યુવક બોલ્યો હોવાનું મેં અનુમાન લગાવ્યું.
હું ચારે તરફ મારી નજરો ઘુમાવીને જોઈ રહી હતી. મારા ખભા ઉપર પેલી ગોરી યુવતીનો મજબૂત સ્પર્શ હું અનુભવી શકતી હતી, પરંતુ એ ત્રણમાંથી એકેય જણ મને નજરે ચઢતું નહોતું. થોડી વાર પહેલાં તો હું એમને જોઈ શકતી હતી. મેં રૂંધાયેલા અવાજે કહ્યું, ‘પણ મને તમે કોઈ દેખાતા કેમ નથી?’
‘કારણકે તું જાણી ચૂકી છે કે અમે મૃત્યુ પામ્યા છીએ...’ ત્રણમાંનો એક યુવક કે જે ખૂબ જ હેન્ડસમ હતો, એ બોલી રહ્યો હતો, ‘...હું શેન, આ વિલી અને પેલી મેગી... અમે એ જ ત્રણ વિદેશીઓ છીએ જેમને ટીવી ચેનલ માટે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટે તેં અઘોરીઓની પાડા-બલિની વિધિ દેખાડી હતી.’
‘તેં અમારા મૃતદેહો જોઈ લીધા છે, એટલે હવે તું અમને મનુષ્ય સ્વરૂપે ફરી નહિ જોઈ શકે.’ મેગી મને સમજાવતા બોલી.
‘હું તમારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? જો તમે મને બચાવવા જ માંગતા હોવ તો આ વડવાઈઓથી મને જકડી શા માટે હતી? મારા વસ્ત્રોની અંદર હાથ...’ હું અકળાઈ ઊઠી હતી.
‘એ અમે નહિ, અંગારક્ષતિએ પોતાના વશમાં કરેલી એક બૂરી આત્મા હતી – કલ્પ્રિત!’ વિલી બોલ્યો.
અંગારક્ષતિનું નામ પડતાં હું ચોંકી ઊઠી. ‘તમને લોકોને એ અઘોરી અંગારક્ષતિ વિશે ક્યાંથી ખબર?’ મેં પૂછ્યું.
થોડી વાર માટે ખામોશી છવાયેલી રહી. પછી અવ્વાજ ઉપરથી મેં પારખ્યું કે શેન બોલ્યો - ‘અમે તને જણાવીશું, તપસ્યા, બધું જ જણાવીશું... પરંતુ અત્યારે અંગારક્ષતિએ છોડેલી પેલી દુષ્ટાત્મા કલ્પ્રિતથી તને બચાવવું જરૂરી છે. અમે મહેસૂસ કરી શકીએ છીએ કે એ હજુ અહીં આસપાસ જ છે. અને એની નજર તારા ભરાવદાર જિસ્મ ઉપર છે. અઘોરી અંગારક્ષતિ તારી સાથે સંભોગ કરવાની ફિરાકમાં છે. તેં કબ્રસ્તાનમાં એક મડદા સાથે અઘોરપંથની સંભોગ-સાધના કરી હતી એટલે હવે જો અઘોરી અંગારક્ષતિ તારા શરીરને ભોગવે તો એની અલૌકિક શક્તિ બેવડાઈ જાય...’
હું ફરી એક વાર થથરી ઊઠી. એટલામાં જ ફરી એક વાર સૂસવાટા મારતો પવન ફૂંકાયો. આસપાસના વ્રુક્ષો મૂળથી ઉખડી જવાના હોય એમ ડોલવા માંડ્યા. આકાશમાં વીજળીના ચમકારા થવા માંડ્યા.
‘ભાગ, તપસ્યા... તને બચાવવા માટે અમારા ત્રણેયની શક્તિ કાચી પડે એમ છે. પ્રેતયોનીમાં હજુ અમારો તાજો જ પ્રવેશ થયો છે.’ મેગીએ કહ્યું અને જોશપૂર્વક મારો હાથ ખેંચી રહી. હું એને જોયા વગર પણ એનું ખેંચાણ પૂરેપૂરું અનુભવી શકતી હતી. મેં દોડવા માંડ્યું. દોડતા-દોડતા એક જગ્યાએ ગીચ ઝાડીઓની વચ્ચે એક ઝૂંપડું જેવું દેખાયું. મેં એ તરફ દોટ મૂકી. હું અનુભવી શકતી હતી કે શેન, વિલી અને મેગી, ત્રણેય મારી આસપાસ મને સુરક્ષા પૂરી પાડતા દોડી રહ્યાં છે – મને પેલી દુષ્ટ આત્મા કલ્પ્રિતથી બચાવવા માટે...
ઝુંપડાની નજીક જઈને જોયું તો એક નાનો દરવાજો હતો અને એમાં મોટું તાળું લટકતું હતું. મેં એક જોરદાર લાત મારી. દરવાજાનો નકૂચો તૂટી ગયો. તાળું એમ ન એમ લટકતું રહ્યું. હું અંદર પ્રવેશી. એક ખૂણામાં બેસી પડી. મારી નજીકમાં કોઈ તીવ્ર ગતિએ શ્વાસ લઈ રહ્યું હોવાનું મેં મહેસૂસ કર્યું. મેં ઝુંપડાની અંદર નજર દોડાવી. નાનકડો ઓરડો જેવો હતો. જમીન ઉપર માત્ર સૂકું ઘાસ પથરાયેલું હતું. દીવાલોને બદલે ગોબર-માટીથી લીંપીને ઉભી કરેલી કાચી ભીંત હતી. પરંતુ એક ખૂણે જમીન ઉપર લાકડાનું નાનું પાટિયું જડેલું હોય અને એની ઉપર ઘાસનો ઢગલો કર્યો હોવાનું જણાયું. મેં એ તરફ ચાલવા માંડ્યું. પાટિયું ખસેડીને જોયું તો નીચે એક ભોંયરું બન્યું હોવાની આશંકા ઊઠી.
લાકડાના પગથિયાં ઉતરીને હું નીચે ગઈ તો મારી આંખો વિસ્ફારિત થઈ ઊઠી. નીચે એક વિશાળ ભોંયરું હતું. જેમાં આલીશાન કહી શકાય એવો એક કમરો હતો. સાગ-સીસમનું ફર્નીચર હતું. જોકે વપરાશ નહિ થતો હોવાને કારણે ઠેર ઠેર કરોળિયાના જાળાં બાઝી ગયાં હતાં. પક્ષીઓએ ઘણી જગ્યાએ માળા બાંધી દીધા હતા. ફર્નીચર ભવ્ય છતાં ધૂળથી રગદોળાયેલું હતું. હું ધીમે ધીમે આગળ વધી. એક એક વસ્તુને અચરજથી તાકતી રહી. અચાનક મારી નજર એક વિશાળ કદના આયના સામે ઠરી ગઈ. હાથી-દાંતથી બનેલી આયનાની પહોળી ફ્રેમ ભવ્યતા રજૂ કરતી હતી. એ એક આખું ડ્રેસિંગ ટેબલ જણાતું હતું. કમરામાં બધે જ ધૂળ-કચરો છવાયેલા હતા, ફક્ત આ એક આયનાનો કાચ જ એકદમ સ્વચ્છ હતો. એમાં મારું પ્રતિબિંબ દેખાયું. મેં મારું પ્રતિબિંબ ક્યાંય સુધી એકીટશે નિહાળ્યા કર્યું. મારી ખૂબસૂરતી પર કેવું ગ્રહણ લાગી ગયું હતું એ મેં આયનામાં જોયું. મારો ચહેરો થાકેલો જણાતો હતો. વાળ વિખરાયેલા... ગાઉન છાતી આગળથી ફાટીને એક તરફ લબડી રહ્યું હતું. મારા ઉરોજો સ્પષ્ટપણે જોઈ શકાતા હતા. ઊંડી ઉતરી ગયેલી મારી આંખો આયનામાં દેખાતા મારા પ્રતિબિંબને અવિરત તાકી રહી હતી. મેં આયનાની ફ્રેમ ઉપર કરેલા હાથી-દાંતના નકશીકામ ઉપર મારી આંગળીઓ ફેરવી. એક પણ ડાઘ વગરના પાણી જેવા ચોખ્ખા કાચ ઉપર હાથ ફેરવવા મેં મારો હાથ લંબાવ્યો. અને એ સાથે જ...
હું ત્યાં જ ઠરી ગઈ. મારું હૃદય ધમણની ગતિએ દોડવા માંડ્યું. ફક્ત મારો લંબાયેલો હાથ જ નહિ, મારું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. મારી આંખે અંધારા આવા માંડ્યા. મારા હોઠ અને ગળું સૂકાવા માંડ્યા. શરીરનું લોહી કોઈએ ચૂસી લીધું હોય એવી હું સફેદ રૂની પૂણી જેવી ફિક્કી બની ગઈ. મારા પગ જાણે કે જમીનની અંદર પેસી જવા માંગતા હોય એમ વજનદાર થઈ ગયા. આયનાના કાચને સ્પર્શવા માટે લંબાયેલા હાથને કાચની સપાટી સપર્શી જ નહોતી. હાથ સીધો ફ્રેમના પોલાણમાં પેસી ગયો હતો. ત્યાં કાચ હતો જ નહિ, ફક્ત વિશાળ ફ્રેમ જ હતી. અને એ ફ્રેમની પેલે પાર મારું પ્રતિબિંબ હજુ પણ મને તાક્યા કરતુ હતું. હું ત્યાં જ જમીન ઉપર ફસડાઈ પડી. બેહોશ થતાં પહેલાં મેં છેલ્લી એક નજરે આયના ભણી જોયું તો મારું પ્રતિબિંબ હજી પણ ત્યાં જ ઊભું હતું. એ મારું પ્રતિબિંબ હતું કે બીજી ‘હું’? બીજી તપસ્યા?
(ક્રમશઃ) * દર મંગળવારે...
(અઘોર આત્મા : ભાગ-૬ વાંચવાનું ચૂકશો નહિ.)
----------------
લેખક : ધર્મેશ ગાંધી
આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com
----------------