મંગલ
Chapter 16 -- રેતીનું ઘર
Written by Ravikumar Sitapara
ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,
દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સોળમાં ભાગમાં આપનું સ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે સમગ્ર ટાપુ પર ભ્રમણ કર્યું. આસપાસનાં વૃક્ષો, ઝરણાં, પર્વત વગેરે જગ્યાઓ પર પોતાનાં કદમ માંડ્યા. ટાપુમાંથી ફરીથી પોતે બહાર નીકળી શકશે કે નહિ ? મંગલની આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સોળમું પ્રકરણ
મંગલ Chapter 16 -- રેતીનું ઘર
Chapter 16 -- રેતીનું ઘર ગતાંકથી ચાલું...
હાથમાં હોડી આવતા મંગલ ખૂબ ખુશ થઈ ગયો. તેણે આ હોડી લઈને આગળની સફર માટે જવાનું નક્કી કર્યું. પણ પહેલા ભૂખ સંતોષવાનું નક્કી કર્યું. આજે તેણે ધરાઈને ખૂબ ખાધું. ફરીથી તેનાં મનમાં આશાનું કિરણ છવાઈ ગયું હતું. તેણે થોડો ખોરાક સાથે લઈને હોડીમાં બેસી વિરાટ સાગરને ધમરોળવાનું શરૂ કર્યું. હલેસાવાળી હોડી તો ખાસ કંઈ વધારે આગળ વધી શકતી ન હતી. ઉપરથી મંગલ તો એ પણ જાણતો ન હતો કે પોતે ક્યાં છે ? જે ટાપુ પર ચાર પાંચ દિવસ સૂધી રોકાયો હતો તે જગ્યા ક્યાં દેશની નજીક છે તેની પણ તેને ખબર ન હતી. કદાચ આજ સૂધી કોઈ દેશની કે કોઈ જહાજની નજરે ચડ્યો ન હતો. ‘આવું તો કઈ રીતે બની શકે ? આવો સુંદર ટાપુ કોઈથી અજાણ કેમ રહી ગયો હશે ?’ એવું વિચારતા મંગલ આગળ ને આગળ હલેસા માર્યે જતો હતો.
સામાન્ય રીતે એવા ટાપુઓ પર બીજા દેશોનાં ખલાસીઓ જવાની હિંમત કરતા નથી જ્યાં ખતરનાક આદિવાસીઓ રહેતા હોય છે. આ આદિવાસીઓ પોતાની પુરાતન સંસ્કૃતિ મુજબ જ જીવે છે. બહારનાં કોઈની દખલ તે સહન પણ કરી શકતા નથી. મંગલને તેનો સારો પરિચય આફ્રિકાનાં જંગલોનાં આદિવાસીઓ સાથેની અથડામણ દરમિયાન થઈ ચૂક્યો હતો. પરંતુ આ ટાપુ પર તો કોઈ આદિવાસીઓ પણ રહેતા ન હતા, તેમ છતાં આ ટાપુ દુનિયાની નજરથી અલિપ્ત જ રહી ગયો હતો. મંગલે ત્યાં પહેલા પગલા માંડ્યા.
મંગલે પાછળ જોયું. દૂર પોતાને આશરો આપી મોતનાં મુખમાંથી બચાવનાર આ અજાણ્યા ટાપુનાં સુંદર કિનારા અને પેલા લીલાછમ પર્વતોને જોઈ જ રહ્યો. ફરી મંગલ જોર જોરથી હલેસા મારવા માંડ્યો. એક યાંત્રિક વહાણ કે જહાજની સરખામણીએ ભલા હલેસાવાળી હોડી કેટલું અંતર ખેંચી શકે ? તો પણ તેને આ જગ્યાએથી બહાર નીકળવાની ઉતાવળ હતી એટલે અધકચરી તૈયારીઓ સાથે, સામાન્ય હોડીમાં અનિશ્ચિત મુદ્દતની મુસાફરીમાં નીકળી પડ્યો. હવે હોડીમાંથી કિનારાની થોડી આછી પાતળી રેખા જ દેખાતી હતી. તે કિનારાથી ઠીક ઠીક દૂર નીકળી પડ્યો.
અમુક કલાકો સૂધી એમ ને હેમ હોડી હંકાર્યા પછી પણ કોઈ માણસજાતનું નામોનિશાન જોવા મળ્યું નહિ. મંગલ નિરાશ થયો. તેને થયું કે બહાર નીકળવામાં થોડી ઉતાવળ તો નથી કરી ને ! પોતે કોઈ ખતરાની નજીક તો નથી ને ? કદાચ કોઈ ચાંચિયાનું વહાણ આડે આવ્યું તો તેનાં માટે મોટો ખતરો જ રહેશે. પોતાની પાસે તેમને મદદ કરનાર લોકો કે ખાસ હથિયાર પણ નથી. જો કે તે ચાંચિયાઓના હાથે લૂંટાઈ જાય એવું તો ખાસ હોડીમાં ન હતું છતાં પોતાની મેલી મુરાદ્દ પાર પાડવા એકલી હોડીઓ પર પણ કબજો જમાવી લે એવું પણ શક્ય બને. મંગલ ખૂબ મનોમંથન કરી રહ્યો હતો. ‘શું કરવું ? આગળ જવું કે નહિ ? રસ્તામાં ખતરાની શક્યતા કેટલી ? તોફાન ફરી આવે તો ?’ આવી કેટકેટલી સંભાવનાઓ વિશે તે વિચારવા લાગ્યો. જો કે અત્યારે મંગલ શા માટે આવું વિચારી રહ્યો છે તે તેને ન સમજાયું ? ચાંચિયાઓ સામે કે આદિવાસીઓ સામે લડવામાં કે તોફાન સામે ઝઝૂમવામાં તો પળવારનો ય વિચાર તો કર્યો નહિ ને આ તેને શું સૂઝ્યું છે ? પોતે સાથે લીધેલો ખોરાક પૂરતો થઈ રહેશે ? તેને ક્યાં ખબર છે કે કિનારો કેટલો દૂર છે ? ‘કેમ આવા વિચારો આવે છે ?’ મન તેમને ફરીથી પાછું વળવાની સલાહ આપી રહ્યું હતું. ‘શું હશે વિધાતાનાં મનમાં ? શું અત્યારે નીકળવામાં કોઈ સમસ્યા હશે ?’ મંગલ કશું સમજી શકતો ન હતો. વિચારોનાં વમળમાં તે ઘેરાઈ રહ્યો હતો.
આખરે વિચારોની તંદ્રામાંથી નીકળી તેણે રસ્તો બદલ્યો. ફરીથી તે ટાપુની દિશામાં વળ્યો. થોડી કલાકોમાં તે કિનારાની નજીક પહોંચી ગયો. કિનારો જાણે તેનું સ્વાગત કરી રહ્યો હોય તેમ ભાસી રહ્યો હતો. હજી મંગલ ત્યાંથી નીકળવાનાં બીજા પ્રયાસો કરવા માંગતો હતો. પણ અત્યાર પૂરતું તેમણે પોતાનાં પ્રયાસોને વિરામ આપી દીધો હતો. તેનાં અંતરમાં ઊંડે ઊંડે એક આશા હતી કે એક દિવસ તે અહીંથી બહાર નીકળી શકશે પણ ક્યારે એ કહી શકાતું ન હતું. સાંજ પડી ચૂકી હતી. તે આરામ કરવા માટે પોતાની બનાવેલી એ નાનકડી ઝૂંપડીમાં ચાલ્યો ગયો.
***
બીજા દિવસની સવારે મંગલ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી કિનારે બેઠો. રોજબરોજની ખૂબ વ્યસ્ત રહેતી દિનચર્યાને કારણે કામથી ટેવાયેલા મંગલને આજે જાણે કશું કામ બચ્યું ન હતું. સવારનાં સોનેરી તડકામાં કિનારે અથડાઈને પાછા ફરી રહેલા મોજાઓને તે ક્યાંય સૂધી નીરખી રહ્યો. અચાનક કોઈનું ખિલખિલાટ હાસ્ય તેને કાને સંભળાયું. કોઈ પરિચિત અવાજ હોય તેવું તેમને લાગતું હતું. મંગલે ઝબકીને આજુબાજુમાં નજર ફેરવી પણ કોઈ નજરે ન ચડ્યું. પોતાનો વહેમ હશે એમ માનીને મંગલ સૂમસામ બેઠો રહ્યો પણ ત્યાં ફરીથી એ જ અવાજ... એ જ મધુર ખિલખિલાટ કરતુ હાસ્ય ફરી સંભળાયું. મંગલ ફરી ચોંક્યો. તેની નજર દરિયાકિનારે પથરાયેલી સુંવાળી રેતપટ પર પડી. તેમની નજર સામે ચાર નાના નાના પગલા એ રેતપટ પર પડી રહ્યા હતા. મંગલ પોતાની જગ્યાએથી ઊભો થયો અને તે પગલા પાસે જઈને ઊભો રહ્યો. તેમણે થોડી ઊંચે નજર કરી. નવેક એક છોકરો અને એક છોકરી હાથમાં હાથ પકડીને રેતપટ પર પોતાનાં પગલા પાડી રહ્યા હતા. મંગલ પોતાનાં જ બાળપણને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. અચાનક એ પગલા અને બંને બાળકો અદ્રશ્ય થઈ ગયા. મંગલ પોતાનાં બાળપણની યાદોમાં ધાની સાથે વિતાવેલી એ મીઠી પળોમાં સરી પડ્યો.
“મંગલ ?” દરિયાની સુંવાળી રેતી પર પોતાનાં નાના નાના પગલાની છાપ પાડતા એ આઠેક વર્ષની ધાનીએ પોતાનાં ખાસ દોસ્ત મંગલને પૂછ્યું, “તને દરિયામાં જવું ગમે ?”
“હા, દરિયો કોને ના ગમે ? બાપુ હારે તો હું ઘણી વાર માછલા પકડવા ગયો છું.” ધાનીનો હાથ પકડી રેતી પર પોતાની છાપ પાડતા મંગલે કહ્યું.
“મારે પણ દરિયામાં જવું છે. મારા બાપુ કહેતા હતા કે દૂર દૂર દરિયાનાં બીજા છેડે પણ આપણા જેવી કોઈ જમીન છે, આપણા જેવું ગામ છે, આપણા જેવા માણસો છે. મારે એ બધાને જોવા છે.” ધાનીએ પોતાની જીજ્ઞાસા વ્યક્ત કરી.
“હમમ... મેં પણ સાંભળ્યું છે. મારા બાપુ પણ કહેતા હતા.” મંગલે કહ્યું.
“તું ક્યારેય દરિયામાં ગયો ?”
“હા, બહુ દૂર નહિ. બાપુ બહુ દૂર લઈ ગયા નહિ. પોતે તો કેટલેય દૂર દૂર જાય, એક એક અઠવાડિયું દરિયામાં જ કાઢે પણ મને ના લઈ જાય. કહે કે મોટો થઈ જા, પછી લઈ જઈશ.” મંગલે કહ્યું.
“કેમ ? તું તો મોટો થઈ ગયો. હવે કેમ ના લઈ જાય ?” ધાનીએ ભોળાભાવે પૂછ્યું.
“અરે ગાંડી, બાપુ કહેતા હતા કે દરિયો ગાંડો પણ થાય, પછી શું કરીશ ?” મંગલે જવાબ આપ્યો.
“મોટો થઈ જા ને તો પછી મને ય સાથે દરિયામાં લઈ જજે. મારેય દરિયો જોવો છે.” ધાનીએ કહ્યું.
“પાકું, એક વાર જો દરિયાની પેલી પાર જવું ને તો તારા માટે ખાસ કંઈક લેતો આવીશ.” મંગલે વચન આપ્યું.
ધાની ખુશ થતી કૂદકા મારવા લાગી.
“મંગલ, જો તું પાછો આવીશ ને તો હું અહીં ઊભી રહીશ ને તારી વાટ જોઈશ.” ધાનીએ નિર્દોષભાવે કહ્યું.
“અહીં જ વાટ જોઈશ તો થાકી જઈશ. એક કામ કર. આપણે બેય અહીં આપણું ઘર બનાવી લઈએ.” મંગલે કહ્યું.
“અહીં ? રેતીમાં ?”
“હા, રેતીમાં. તને આવડે રેતીનું ઘર બનાવતા ?”
“ના.”
“હાલ, તને શીખવાડું. હું કહું એમ કરતી જા.” મંગલે કહ્યું.
ચાર નાના હાથ પોતાનાં નિર્દોષભાવે ઘડાયેલા સોહામણા આશિયાનાનું નિર્માણ કરી રહ્યા હતા. આજુબાજુમાં બીજું તો કોઈ હતું નહિ, બસ દરિયો એ બંનેનાં હૃદયમાં ધીમી ગતિએ ફૂટતાં પ્રેમનાં અંકુરણને મૂક સાક્ષી બનીને નિહાળી રહ્યો હતો. તેને આંગણે મંગલ અને ધાનીનાં બાળપણનાં અનેક પ્રસંગો આકાર પામ્યા હતા.
“જો, આ ભીની રેતીને બે હાથેથી એકબીજા પર ગોઠવી દે. આ આપણા ઘરની વાડાની દીવાલ બની. આ... બની ભીંત. જોઈ લે ધાની... કેવું બન્યું આપણું ઘર ? ધાની... શું કરે છે ?” ધાનીને બીજા કામે વળગેલ જોઈ મંગલે પૂછ્યું.
“કંઈ નહિ. જો આ તારા માટે હિંચકો બનાવ્યો, પણ આ રહેતો નથી, પડી જાય છે.” ધાની કામમાં ગૂંચવાઈ હતી.
“એને મૂક. આ જો ઘર કેવું બનાવ્યું ?” મંગલે પોતાનું ઘર બતાવતા કહ્યું.
“ઓહો.. કેવું સરસ બનાવ્યું !”
“તને ગમ્યું ?”
“હા, ગમે કેમ નહિ ? કેવું મસ્ત બનાવ્યું છે !”
“જો, આ રસોડું છે અને આ ઓરડો છે.” મંગલે ઘર બતાવતા કહ્યું.
“આ જો, હું આપણા નામ આ ઘરની બાજુમાં લખી દઉં છું. કોઈ બીજું રહેવા આવી ના જાય એટલે.”, કહી ધાનીએ રેતી પર ‘મંગલ – ધાની’ એમ મોટા અક્ષરે લખ્યું.
“અરે વાહ ! સરસ નામ લખતા આવડી ગયું તને ! નિશાળે જાય એટલે આવડી ગયું ને ! પહેલા તો કોઈ દિ’ જવાનું નામ લેતી નહિ.” ધાનીને ચીઢવતા મંગલે કહ્યું.
ધાનીએ મીઠો રોષ દર્શાવતા મંગલને ધક્કો મારી પછાડી દીધો, “તું બહુ હોશિયાર છે તે ખબર છે મને.”
બંને વચ્ચે મીઠી રકઝક પણ ઘણી થતી. ઘણી વાર લડાઈ ઝઘડા પણ ખૂબ થતાં. પણ મન જેનાં મળેલા હોય એ વધુ સમય એકબીજાથી દૂર રહી શકતા નથી. ફરીથી નિર્દોષ મૈત્રી બંધાઈ જતી. થોડો સમય કિટ્ટી રહેતી તો ફરીથી રિસામણા મનામણા થઈ જતા. મંગલ નવેક વર્ષની ઉંમરનો ખારવાનો દીકરો હતો. ધાની પોતે પણ ખારવાની દીકરી હતી. બંને પોરબંદરનાં દરિયાકિનારા નજીકનાં ખારવાવાસની એક જ ગલીમાં બંનેનાં ઘર હતા. બંને સાથે મોટા થયા હતા. સાથે નિશાળે જતા. ધાની નિશાળે જવામાં આનાકાની કરતી તો મંગલ તેને હાથ પકડીને લઈ જતો. ગલીમાં પાંચીકાની રમતો હોય કે દરિયાકિનારે રખડવાનું, બંને સાથે ઘણી કલાકો પસાર કરતાં.
રેતીમાં ઘર બનાવવાની રમત પછી તો કાયમી બની ગઈ. મંગલ બધા કામકાજ પતાવીને ઘરે પાછો આવે અને ધાનીએ તેનાં માટે રોટલા ઘડી રાખ્યા હોય તેવા બાળ સહજ અભિનયો કરી ઘર ચલાવવાની રમત રમે. મોટેરાઓની રોજબરોજની દરેક ક્રિયાઓનું પ્રતિબિંબ આબાદ અહીં ઝીલાતું હતું. રેતીનાં એ કાચા ઘરમાં પ્રેમની પાકી ઈમારત ચણાઈ રહી હતી. ક્યારેક ક્યારેક દરિયાનું મોજું છેક તેનાં ઘર સૂધી લંબાતું અને તેનાં ઘર તથા ‘મંગલ – ધાની’ લખેલા નામ પર ફરી વળતું. ધાની રોષથી દરિયાનાં વળતા મોજા પાછળ દોડતી. મંગલ તેની પાછળ દોડીને ધાનીને આગળ જતો અટકાવતો. ફરીથી તેઓ રેતીનું ઘર બનાવવા માટે વળગી પડતા. સાંજ પડતા જ પોતાનાં આશિયાનાને દરિયાદેવને હવાલે મૂકી ઘરે ચાલી જતા.
***
મંગલ તંદ્રામાંથી બહાર આવ્યો. પોતાનાં નાનપણનાં સ્મરણને યાદ કરતાં તેમની આંગળી રેતીનાં પટ પર ફરી વળી અને એ જ શબ્દો ‘મંગલ – ધાની’ લખાયા. મંગલ એકીટશે એ શબ્દોને જોઈ રહ્યો. થોડી વારમાં જ દરિયાનું એક મોજું આવ્યું અને તે શબ્દોને જાણે પોતાની સાથે લઈ ગયું ત્યાં જ મંગલની આંખોમાંથી પડેલ આંસુનું ખારું ટીપું દરિયાનાં મોજાની ખારાશની સાથે તણાઈને દૂર વહી ગયું.
To be continued…
Wait for next part…