૨૨ સિંગલ
ભાગ ૨૪
હર્ષ : “હાય, અનુ બોલ.”
અનુ : “ક્યાં છે? આટલો અવાજ શેનો?”
હર્ષ : “અરે, તું પૂછ જ નહી. બધા ની એકસાથે એક્સપાયરી ડેટ આવી ગઈ છે.”
અનુ : “મતલબ?”
હર્ષ : “લગ્ન. આજે કેટલા બધા લગ્ન છે.”
અનુ : “હા, એ તો સાચી વાત પણ તું કોના મેરેજ માં ગયો છે?”
હર્ષ : “અરે મારી સોસાયટીમાં અને પાછળ ની સોસાયટી માં એમ બે મેરેજ છે. એક ના ઘરે છોકરી ના લગ્ન છે એ ગંગમ સ્ટાયલ વગાડે છે તો વળી બીજા છોકરાવાળા છે એ અરિજિત ના સોંગ વગાડે છે, સાલું કંઇક સરખું વાગે તો મઝા પણ આવે.”
અનુ : “જા ને સજેસ્ટ કરી આવ એમને.”
હર્ષ : “જા યાર, એવું કોણ જાય. હું તો આ ચાલ્યો બહાર, 2-3 કલાક પછી શાંતિ થી રૂમ પર આવીશ.”
અનુ : “હર્ષ, સાંભળને. એક બેડ ન્યુઝ છે તારા માટે.”
હર્ષ : “અક્ષત ગયો?. “યાર, મારે એની પાસેથી ૫૦૦૦ રૂપિયા, એક પેન ડ્રાઈવ, અને બીજી કેટલીય વસ્તુ ઓ લેવાની હતી. હજી છેલ્લા છેલ્લા શ્વાસ હોય તો જરાક પૂછી જો ને બધું ક્યાં ક્યાં મુક્યું છે.”
અનુ : “ઓ ભેંસ, અક્કલના......” “હજી સાંભળવી છે તારે મારા મોં ની? “અક્ષતને કઈ નથી થયું. જે થવાનું છે એ સમાચાર સાંભળીએ તારું થવાનું છે.”
“અને બીજી વાત, તારે અક્ષત પાસેથી પૈસા નથી લેવાના, અક્ષતને તારે ૩૦૦૦ રૂપિયા આપવાના છે. મને એનો બધો હિસાબ ખબર છે.”
હર્ષ (ભોંઠો પડીને) : એની હાહરી, અત્યારથી જ બૈરા ને બધું કહે છે.”
અનુ (ઉંચા અવાજમાં) : “બૈરી ના બોલ, ભાભી કે બહેન બોલ.”
હર્ષ : “હા મારી માં, ભૂલ થઇ ગઈ. આ અક્ષત પણ છે .....”
અનુ : “તારે સમાચાર સાંભળવા છે કે વિદેશી સાંભળવા અક્ષત ને ફોન આપું?”
હર્ષ : “ઓહ્હો, ભાઈ બાજુ માં જ છે. એમને જયશ્રી કૃષ્ણ કહેજો મારા.”
અનુ : “હા હવે. તું પહેલા એ કહે પ્રિન્સી તો યાદ છે ને તને? એને તે કોઈ મેસેજ કર્યા હતા?”
હર્ષ (ગર્વથી) : “કર્યા જ હોય ને. દરેક સોશીયલ મીડિયા ઉપર આપણા મેસેજ એને મળશે જ.”
અનુ : “હા તો હવે એના રીપ્લાઈ કોઈ દિવસ નહી આવે.”
હર્ષ : “કેમ? ઓ શીટ, પ્રિન્સી ગઈ? કઈ રીતે? અરે છેલ્લે એક વાર વાત કરવી હતી એની સાથે. કઈ નહી, ભગવાન એની......”
અનુ : “ચુપ...ચુપ....ચુપ....જો હવે તે કોઈને મારી નાખ્યા છે ને તો હું તને મારી નાખીશ, જાડ્યા.”
હર્ષ : “અરે ક્યુટ સી બચ્ચી આજે હોરર સિંહણ બની ગઈ.”
અનુ : “તારી સાથે તો અક્ષત વાત કરે ને એ જ બરાબર છે. હવે બોલ જે. જોવ છું, કેટલું બોલાય છે.”
(અનુ એ ફોન અક્ષત ને આપ્યો.)
હર્ષ : “જયશ્રી કૃષ્ણ ભાઈ.”
અક્ષત : “હા હોં. બોલ કેટલા ના લાડુ ખાધા?”
હર્ષ : “કોઈના નહી ભાઈ. આ તો બસ તને ખબર ને કે મને લાડુ બહુ જ ભાવે એટલે ખાલી કારણ શોધતો હતો.”
અક્ષત : “એટલે ફોન પર જ મને મારી નાખ્યો.”
હર્ષ : “કઈ નહી ભાઈ, એ તો મઝાક. તારા ૩૦૦૦ રૂપિયા જલ્દી પાછા આપી દઈશ.”
અક્ષત : “એ બધું છોડ. પ્રિન્સી યાદ છે ને તને? “
હર્ષ : “હા.”
અક્ષત : “હા તો એના લગ્ન નક્કી થઇ ગયા.”
હર્ષ : “શું વાત કરે છે?” બહુ જલ્દી. આ તો કઈ લગ્ન કરવાની ઉંમર છે!!!!”
અક્ષત : “બીજાને બહુ ના સમજાવ. તારી જેમ એની પાછળ બીજા દસ છોકરા પડ્યા હતા. એમાંથી એક તો ગીલીન્ડર નિકળ્યો. એન મમ્મી ને લઈને સીધો પ્રિન્સી ના ઘરે લગ્ન ની વાત કરવા ગયો.”
હર્ષ : “ઓ તેરી, પછી? “
અક્ષત : “પછી શું? એના બાપા એ લાત મારીને કાઢ્યો. અને ત્યારથી પ્રિન્સી માટે છોકરો શોધવાનું શરુ થઇ ગયું હતું.”
હર્ષ (થોડો નિરાશ થઈને) : “બરાબર.”
અક્ષત : “ચલ હવે બહુ સેન્ટી ના થા. એ કઈ તારી ખાસ લાગતી નહોતી.”
હર્ષ : “કયારે છે મેરેજ?”
અક્ષત : “આ ફેબ્રુઆરીમાં.”
હર્ષ : “ફેબ્રુઆરીમાં? બહુ ઉતાવળ આવી ગઈ એના બાપા ને કન્યાવિદાય ની?”
અક્ષત : “હા તો, તારા જેવા એકતરફી પ્રેમી ફરી કઈ કાંડ કરે એ પહેલા જ એને પરણાવી દેવાના. હવે સંભાળ, મને અને અનુને આમંત્રણ આવ્યું છે.”
હર્ષ : “હા, મને થોડું કહેશે પણ હું તો આવીશ જ. એક્સ હોય એ એની જગ્યા એ અને જમવાનું એની જગ્યા એ. મસ્ત દબાવીને જમીશું.”
અક્ષત : સાલા, ખરેખર ઘોર કળયુગ છે. તું પ્રિન્સી ને પસંદ કરતો હતો એ વાતમાં મને કઈ દમ લાગતો નથી. તને એના પ્રત્યે એવી કોઈ ફીલિંગ જ નહોતી. બાકી, આ સમાચાર સાંભળીને માણસ દુખી થઇ જાય.”
હર્ષ : “હા ખબર ને કેવો દુખી થાય એ. પેલા અશ્વિની મેડમ ના લગ્ન માં તું જેટલો રડ્યો હતો એટલું જ દુખી થવાતું હશે ને?”
અક્ષત : “ચલ જાડ્યા, બહુ બોલ્યો તું. અને આ વાત ફરી કોઈ દિવસ નહી કરવાની ફી લેખે મેં તને 5 અલગ અલગ હોટેલ માં જમાડ્યો છે એટલે જો અનુ ને આ વાત ની ખબર પડી છે ને તો જોઈ લેજે.”
હર્ષ : “શું થશે પણ હવે? મેડમ ને તો એક છોકરી પણ છે. કહી દે ને આ વાત અનુ ને.”
અક્ષત : “ના બિલકુલ નહી. મને બહુ ચીડવે પછી એ.”
હર્ષ : “ચલ, હવે ફોન મુક. મને પ્રિન્સી ના લગ્ન થઇ ગયા એ વાતનું બહુ જ દુઃખ લાગ્યું છે અને એને ભૂલવા માટે હું પાણીપુરી ની લારી પર આવી ગયો છું. ૮-૧૦ પ્લેટ તો ખાઈ જ જઈશ.”
અક્ષત : “ખા બકાસુર ખા.”
પાણીપુરી ખાઈને હર્ષ ગાર્ડનમાં બેઠો બેઠો સોશિયલ મીડિયા ખોલીને બેઠો હતો ત્યાં એક નોટીફીકેશન આવી. જે છોકરીને હર્ષ કોલેજ માં મળ્યો હતો અને જેની પાછળ થોડા દિવસ લટ્ટુ બનીને ફરો હતો એનું પણ નક્કી થઇ ગયું હતું અને એણે એના હબી, બેબી, સોલમેટ, પ્રિન્સ- સાથેના ૧૦-૧૨ ફોટો મુક્યા હતા. બધા ફોટોમાં આ ભાઈ (ભાઈ કહેવાય કે જીજુ??!!!!!) તો એક જ પોઝ માં ઉભા હતા અને પેલી જ કઈક નીતનવા ગતકડા કરતી હતી. અને લખ્યું તો એવું અઘરું અઘરું અંગ્રેજી માં કે ઓક્ષ્ફર્ડ ડિક્ષનરી ખોલવી પડે.
આ એ જ છોકરી હતી જેણે એન્જીનીયરીંગ ના પહેલા સેમેસ્ટર માં એન્જીનીયરીંગ નો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. એના આ સાહસ ને પ્રોફેસર એ આખા ક્લાસ માં બિરદાવ્યું હતું. અને ત્યારથી એનું નામ પણ પડ્યું હતું – એન્જીનીયરીંગ એન્જલ. અને આજે જો ક્યાં ક્યાંથી અંગ્રેજી કોપી-પેસ્ટ કરીને લખ્યું છે.
હર્ષે તરત એ છોકરીના ફેસબુક પ્રોફાઈલ ખોલીને એના જુના ફોટા જોયા અને ત્યાંથી ફરી ફેસબુક ના હોમ પેજ પર આવ્યો ત્યાં હજી એક ફ્રેન્ડ ના ફોટા એની રાહ જોઇને જ ઉભા હતા. હર્ષના સ્કૂલ ફ્રેન્ડ એ પ્રિ-વેડિંગ નો આખે આખો આલ્બમ ફેસબુક પર મૂકી દીધો હતો. એનો ફ્રેન્ડ પ્રિ-વેડિંગ માટે કચ્છ ના સફેદ રણ ગયા હતા. હર્ષે તરત એને મેસેજ કરીને બે ગાળો દીધી અને તરત ફેસબુક બંધ કરીને ઘરે મમ્મી ને ફોન લગાવ્યો.
મમ્મી: “બોલ, મારા લાલા. હમણાં જ યાદ કર્યો તને.”
હર્ષ : “મમ્મી, હું કઈ લાલો નથી રહ્યો. મોટો થઇ ગયો છું, લગ્ન ની ઉંમર થઇ ગઈ છે.”
મમ્મી : “અચ્છા, એવું? આજે શું થયું બોલ?”
હર્ષ : “કઈ નહી.”
મમ્મી : “તો સારું ચલ ફોન મુક. મારી સીરીયલ ચાલે છે.”
હર્ષ : “યાર મમ્મી, બધા ના લગ્ન થઇ ગયા. પેલી પ્રિન્સી નું પણ નક્કી....”
મમ્મી : “ઓહ્હો, એવું છે એમ ને. પ્રિન્સી નું નક્કી થઇ ગયું એટલે મારો લાલો આજે લાલ છે.”
હર્ષ : “તું એક તો આ લાલો-લાલો બોલવાનું બંધ કર. કોઈ છોકરી શોધી આપ.”
મમ્મી : “જાતે શોધ ને. તારા ફ્રેન્ડ ને કહે. આ કામ કઈ મારું નથી. પાળી-પોષીને મોટો કર્યો હવે છોકરી પણ મારે જ શોધવાની. તો તું શું કરીશ?”
હર્ષ : “હું એની સાથે ફરવા જઈશ ને!!!”
મમ્મી : “જા હવે. તું પાણીપુરી ખા. મને સીરીયલ જોવા દે.”
હર્ષ : “તને કેવી રીતે ખબર કે હું પાણીપુરી ખાવ છું.”
મમ્મી : “કારણકે હું તારી માં છું. અને મને ખબર છે કે કે, તારું ક્યાં તો દિમાગ ચાલે ક્યાં તો મોં. દિમાગ તો અત્યારે તારું બંધ જ છે એટલે એક જ વસ્તુ બાકી રહી.”
હર્ષ (મોઢું ચઢાવીને) : “ હા, બહુ સારું. જયશ્રીકૃષ્ણ.”
મમ્મી : “જયશ્રીકૃષ્ણ મારા લાલા ને.”
હર્ષે ફરી અક્ષત ને ફોન લગાવ્યો.
અક્ષત : “બોલ, ખવાઈ ગઈ પાણીપુરી?”
હર્ષ : “હા”
અક્ષત : “કામ બોલ.”
હર્ષ : “યાર, આ બધા ને લગ્નની શું ઉતાવળ છે. હજી તો માંડ ૨૪ થયા.”
અક્ષત : “આ હર્ષ તું બોલે છે? ખરેખર? તારક મહેતા સીરીયલ માં પોપટલાલ ને જેટલી લગ્નની ઉતાવળ છે ને એના કરતા તને વધારે છે.”
હર્ષ : “ના, એવું કઈ નથી.”
અક્ષત : “મને બધું ખબર છે ભાઈ. તું જે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માં હનીમુન પેકેજ ની માહિતી લેવા ગયો હતો ને એ મારા ફ્રેન્ડ ના ભાઈ ની જ છે. તું ત્યાં ગયો અને પછી તરત જ એણે મને ફોન કરીને પૂછ્યું કે હર્ષ નું નક્કી થઇ ગયું કે શું.”
હર્ષ : “એની જાતને.... એણે એના ધંધા સાથે મતલબ રાખવો જોઈએ ને. આમ બીજાને ફોન કરીને જણાવવાની જરૂર શું છે.”
અક્ષત : “મતલબ તો હોય જ ને. તું હનીમૂન નું પૂછવા ગયો હતો અને માનસ લગ્ન પછી જ હનીમૂન પર જાય. અને તને ખબર ના હોય તો કહી દઉં કે હનીમૂન પર એક કપલ જાય- છોકરો અને છોકરી. અને તારી પાસે.......”
હર્ષ : “હા હવે મને ખબર છે મારી પાસે છોકરી નથી. વારે વારે કઈ યાદ કરાવવાની જરૂર નથી. હું તો ખાલી શું ખર્ચો થાય એ પૂછવા ગયો હતો.”
અક્ષત : “પણ કેમ? પ્રિન્સી ને હનીમૂન પેકેજ ગીફ્ટમાં આપવાની ઈચ્છા છે કે શું?” “વાહ, માન ગયે આપકો જનાબ. એકતરફા પ્યાર હો તો ઐસા.”
હર્ષ : “હું ફોન મુકું છું.”
અક્ષત : “બોલો રાધે રાધે....”
હર્ષ : “રાધા નહી રુકમણી જોઈએ છે.”
અક્ષત(હસતા હસતા) : “નહી મળે નહી મળે.”
હર્ષે ઘરે પહોચીને દરેક સોશિયલ મીડિયા પર પ્રિન્સી ને કરેલા મેસેજ ડિલીટ કર્યા અને કોલેજ ના નિયમ મુજબ પ્રિન્સી ના નામ નું નાહી નાખ્યું. ઘણા બધા દિવસથી બહાર નું જ લાવીને જમતો હતો ત્યારે આજે પ્રિન્સી નું ફેવરીટ રીંગણ-બટેકા નું શાક બનાવવાનું વિચાર્યું. (રીંગણ- બટાકા નું શાક અને પ્રિન્સી વચ્ચે શું સંબધ છે એ જાણવા માટે વાંચજો ૨૨ સિંગલ નો ભાગ -2) ગુસ્સામાં ને ગુસ્સામાં ડબલ લાલ મરચું નાખી દીધુ અને પછી આંખ –કાન –નાક બધામાંથી ધુમાડા કાઢતું શાક અને ભાખરી જમ્યો. જમીને પ્યાર કા પંચનામા ભાગ 2 જોતા હર્ષ એની સપના ની દુનિયામાં ક્યાંય ગરકાવ થઇ ગયો.