Ek pahel in Gujarati Moral Stories by ધબકાર... books and stories PDF | એક પહેલ...

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

એક પહેલ...

પ્રસ્તાવના


આ "એક પહેલ..." વાર્તા એક એવી દિકરીની છે જે પોતાના માતાપિતાની અળખામણી દીકરી છે. એ છતાં પણ પોતાના માતા પિતાની સેવાને એણે પોતાનું સપનું બનાવ્યું અને એને સાર્થક પણ કર્યું. એ સમાજને એક નવી દિશા બતાવી પોતાનું ઘર તારે છે. એનો દ્રઢ સંકલ્પ અને નવો દ્રષ્ટિકોણ આ સમાજની એવી દરેકે દરેક દીકરીઓને અર્પણ જે આવીજ રીતે સમાજને ક્યાંક ને ક્યાંક રાહ ચીંધે છે.

"એક પહેલ..." વાર્તા વાંચી રહેલ દરેકે દરેક સમાજના શિક્ષિત અને સમજદાર વર્ગને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આ સંદેશો સમાજના દરેકે દરેક વર્ગને પહોંચાડવાની અને પોતે નિભાવવાની જવાબદારી સ્વીકારવી જ રહી.

એક પહેલ...

આજે ફરી આ ઘરમાં જાણે માતમ છવાઈ ગયો. ઘર જાણે સ્મશાન સમું ભેંકાર લાગી રહ્યું હતું. આ કોઈ મોતના સમાચાર નહોતા, પણ સવજી અને સવિતાને ત્યાં ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્રીજી દીકરીનો જન્મ જાણે સવજી અને સવિતા માટે એમની આશા અને અરમાનોના અંત સમાન હતો. એક તો પછાત જાતિના હોવાથી સમાજમાં પણ જે ઘરે દીકરો હોય એનું જ માન સન્માન જળવાતું હતું. એમાં પણ આ ત્રીજી દીકરીએ જાણે પડ્યા ઉપર પાટુ માર્યું હતું.

સવજી અને સવિતા ખુબજ મહેનત કરતા ત્યારે માંડ ઘર ચાલતું. પોતાનું ખેતર તો હતું પણ એકતો પાણીની અછત હતી અને પાછા પછાત જાતિના હોવાથી બીજેથી પણ જલ્દી પાણી મળતું નહોતું. તેથી ખેતીની આવક ખુબ ઓછી થતી અને ઘણીવાર તો બે છેડા ભેગા કરવામાં પણ તકલીફ પડતી. એમાં પણ પુજા અને આરતી પછી આ ત્રીજી દીકરીએ આવી ઘરમાં ખર્ચ વધાર્યો હતો જાણે ! એ આ ઘરમાં બોજો હતી. એનું નામ ધરતી રાખવામાં આવ્યું.

ધીમે ધીમે ધરતી મોટી થવા લાગી હતી. ભલે એ બંને બહેનો કરતા નાની હતી પણ એના માબાપની છેલ્લી આશા એણે તોડી હતી એટલે ધરતી પર હમેશાં મારનો અને કામનો બોજો રહેતો. ધરતી પણ નાની ઉંમરથી જ પોતાની સ્થિતિથી વાકેફ થઈ ગઈ હતી એટલે એ પણ રાવ ફરિયાદ વિના હોંશે હોંશે બધુંજ કામ કર્યે જતી હતી. એને એક વાતનું બહુ સુખ લાગતું કે એને નિશાળે જવા મળતું હતું. એને ભણવાનો શોખ જાગ્યો હતો અને એમાં પણ જાતે જ મહેનત કરીને આગળ વધતી હતી. આમ પણ એ એની બહેનો કરતાં વધારે મહેનતુ હતી.

ધીમે ધીમે એ ઘરનું કામ અને રસોઈ બનાવતા પણ શીખી ગઈ. માતાપિતાને ભાથું આપવા ખેતરે જવાનો એણે નિત્યક્રમ બનાવી દીધો હતો. હમેશાં માતાપિતાના મનમાં એના પ્રત્યે એક અણગમો હતો છતાં પણ એ પૂર્ણ નિષ્ઠાથી માતાપિતાની સેવામાં જ રહેતી. ખેતરે પણ એ એમને કામ કરતા જોતી ત્યારે પોતે પણ સમજ અને યોગ્યતા મુજબ કામમાં જોતરાઈને માતાપિતાને મદદ કરવામાં ધન્યતા અનુભવતી હતી.

ધીમે ધીમે એ મોટી થવા લાગી હતી અને માતાપિતાની સેવા, સાથે સાથે ખેતરમાં વધુ મદદ કરવા લાગી હતી. ધરતીની આ સેવા જોઈ સવજી અને સવિતાને પણ સમાજની વાતોમાં આવી દીકરાની ઘેલછા અને ધરતીને આપેલી તકલીફો માટે પસ્તાવો થવા લાગ્યો. એમણે નક્કી કર્યું કે હવે સમાજથી ઉપર ઉઠી દીકરીને શિક્ષિત કરવી છે. અને આવી નવી પહેલ કરી સમાજને એક રાહ ચીંધવી છે.

ધરતી પણ પોતાની મોટી બહેનો, માતા પિતાનું ધ્યાન રાખતી સાથે બનતી મદદ કરતી. આથી આખા ઘરમાં બધાની લાડલી બની ગઈ હતી. ભણવામાં એ જ્યારે મદદની જરૂર પડે ત્યારે મોટી બહેનો અને શિક્ષકોની મદદ લેતી અને એની ભણવાની લગનના લીધે હોશિયાર થતી જઈ રહી હતી. જાણે પોતાના માતાપિતાનું સપનું સાકાર કરવા અને સમાજને નવી દિશા બતાવવા તત્પર થઈ હતી !

માતાપિતાને દીકરીઓને સાસરે વળાવવાની ઉતાવળ હતી. પણ ધરતીના મનમાં કાંઈક અલગજ ચાલી રહ્યું હતું. એ પરણવા માગતી જ નહોતી. ભણીને માતાપિતાની સાથે રહી સેવા કરવી એ જ એકમાત્ર લક્ષ્ય રાખ્યું હતું. અને આ જ રીતે એણે ફર્સ્ટ ક્લાસમાં ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું. એની બંને મોટી બહેનોને સાસરે વળાવી એ માતાપિતાની સાથે એમના કામમાં મદદ કરવા લાગી. એનું ભણવાનું પૂર્ણ થતાં એના માતા પિતાએ એને લગન કરવા માટે બહુ આગ્રહ કર્યો પણ એની જીદ આગળ કંઈ ન ચાલ્યું. એના માતા પિતાએ વિચાર્યું કે હજી હમણાં તો ભણવાનું પત્યું છે તો હજી સમય છે ધીમે ધીમે સમજાવીશું. પણ ધરતીએ તો કંઈ બીજું જ વિચારી રાખ્યું હતું. બે બહેનોના લગન કરવામાં તેના પિતા દેવાના બોજ તળે દબાઈ ગયા હતા. ખેતી સિવાય કોઈ આવક હતી નહી અને પાણીની તંગી અને ઓછા કસ વાળી જમીનમાં બહુ ઉપજ થતી નહતી. નોકરી કરવા માટે નજીકના શહેરમાં જવું પડે એવું હતું જેનાથી આવવા જવાનો ખર્ચો થાય અને આર્થિક સ્થિતિમાં કઈ ખાસ ફેર ના પડે. એ સતત કઈ રીતે પિતાને મદદરૂપ થવાય એના જ વિચારોમાં રહેતી અને જ્યાં મળે ત્યાંથી ખેતી અને બીજા લઘુ ઉદ્યોગ વિશે માહિતી મેળવવા પ્રયત્ન કરતી. એવામાં એક દિવસ દૂરદર્શન પર ખેતીવાડી પ્રોગ્રામમાં એક નવોજ વિષય એણે જોયો અને એ હતો મધ ઉત્પાદનનો વિષય. એમાં જણાવવામાં આવ્યું કે તમે પડતર જમીનમાં થોડી મધમાખીનો ઉછેર કરીને કેવી રીતે મધ મેળવી શકો અને પછી એને બજારમાં વેચી શકો. ધરતીના મનમાં આ વિચાર ઘર કરી ગયો.

ધરતી ભણેલી તો હતીજ હવે તેણે સૌથી પહેલું કામ મધમાખી ઉછેરની વધુ માહિતી ભેગી કરવાનું કર્યું. પ્રોગ્રામમાં દર્શાવેલા સરનામાઓ ઉપર એ જરૂરી માહિતી ભેગી કરવા જતી. તેણે મધમાખી ઉછેર કેન્દ્ર પોતાના ખેતરમાં બનાવવાનું મન કરી લીધું અને આ વાત પોતાના માતાપિતાને કરી. આ વાત સાંભળીને એના  માતાપિતા પહેલા તો એક્દમ ઉત્સાહિત થઈ ગયા કે પોતાની દીકરી એક નવી પહેલ કરી રહી છે પણ પછી એમને થોડી ચિંતા પણ થઈ કે આ બધું કેવી રીતે પાર પડશે..?? એમણે એમની આ ચિંતા ધરતી આગળ વ્યક્ત કરી પણ ધરતીએ એમને સમજાવ્યું કે સરકાર આના માટે સબસિડી અને ઓછા દરની લોન પણ આપે છે. ધરતીનો આ આત્મવિશ્વાસ જોઈને તેમણે એનું આ પગલું સહર્ષ સ્વીકાર્યું.

મધમાખી ઉછેર કેન્દ્રની તૈયારી કરવા અને એની ખાસ ટ્રેનિંગ લેવા ધરતી એક મહીના માટે શહેરમાં ગઈ અને આ ટ્રેનિંગ પુર્ણ કરીને એ ફરી ગામડે પરત ફરી. એને ખબર હતી કે આ સહેલું કામ નથી થોડું કાળજી વાળું  કામ છે. એના માટે ખુબજ મહેનત અને ધીરજ જોઈશે. હવે એણે સૌથી પહેલા સારું મધ આપે એવી મધમાખીઓ લાવવી અને એના ઉછેર માટે પેટી લાવવાનું નક્કી કર્યું. એણે શરૂઆત પાંચ પેટીથી કરવાનું નક્કી કર્યું. જેમાંથી એક વારમાં એટલે કે પંદરેક દિવસના સમયગાળામાં 10 કિલો જેટલું મધ ઉત્પન્ન થાય. પણ એના માટે પહેલા મધમાખીની કોલોની બનાવવી, એમને ત્યાં વિકસાવવી અને વ્યવસ્થા કરવું એ બધુંજ પ્રથમ તબક્કાનું ખુબજ અઘરૂ કામ હતું.  અને આ બધું સરખી રીતે થાય તો જ તેમાંથી યોગ્ય માત્રામાં મધ અને મીણ ઉત્પન્ન થાય એ વાત એ બરાબર જાણતી હતી.

આ બધીજ જરૂરી વસ્તુ ભેગી કરી મધમાખી ઉછેર કેન્દ્રની શરુઆત કરી. ધરતી, સવજી અને સવિતા ત્રણે જણા એ ભેગા મળી આ કામ આયોજનબદ્ધ રીતે કરવાનું ચાલુ કર્યું.

ગામમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ અને બધા લોકો જાતજાતની વાતો કરવા લાગ્યા. ગામલોકો કહે આ સવજી અને સવિતાએ છોકરીને આટલી બધી છૂટ આપીને માથે ચડાવી છે. આ ચોક્કસ એમને દેવાદાર કરશે. આવી જાત જાતની વાતો થવા લાગી.

આ બધી વાતો સવિતાએ સાંભળી અને સવજીને માહિતગાર કર્યો કે ગામલોકો આવી વાતો કરે છે. ત્યારે સવજીએ કહ્યું કે તું ચિંતા ના કર. મને ધરતી ઉપર પુરો વિશ્વાસ છે કે એ ચોક્કસ આ કામમાં સફળ થશે જ. ત્યારે આ જ ગામલોકો એની વાહવાહી કરશે. આવી વાત સાંભળી સવિતાના મનને થોડી શાંતિ મળી.

થોડા દિવસની તૈયારીઓ પછી મધ ઉછેર કેન્દ્રમાં મધમાખીઓ મધ માટે તૈયાર થઈ ગઈ. ધાર્યા પ્રમાણે મધ અને મીણ નું ઉત્પાદન થયું. બધાનું કુતૂહલ આના વિશે વધી ગયું. ધીમે ધીમે લોકોના મોઢા ચૂપ થઈ રહ્યા હતા અને મધ ઉછેર કેન્દ્ર ધમધમવા લાગ્યું હતું. એક વર્ષમાં તો ધરતીએ પાંચ પેટી થી ચાલુ કરેલો ઉદ્યોગ પચીસ પેટી એ પહોચાડી ને બધાના મોઢા ચૂપ કરાવી નાખ્યા હતા. મધનું ઉત્પાદન વધી રહ્યું હતી. સાથે પૈસા ની આવક પણ વધી રહી હતી.

વર્ષના અંતે હિસાબ માંડયો તો ખબર પડી કે ખેતીમાં જેટલી કમાણી થતી એથી ત્રણ ઘણી કમાણી આ મધ ઉત્પાદનમાં થઈ હતી. સવજી અને સવિતા માટે આ એવી ક્ષણો હતી જે ક્યારેય એમણે સ્વપ્નમાં પણ નહોતી કલ્પી.

આખરે એ બંનેને એવું લાગ્યું કે આ તો એક દીકરા કરતાં પણ સવાઈ દીકરી છે. એમણે દીકરાના મોહ અને સમાજની બીકે દીકરીને નાનપણમાં જે અન્યાય કર્યો હતો એના માટે ખૂબજ પસ્તાવો થઈ રહ્યો હતો ! સાથે એમને એ વાતની પણ રાહત હતીકે સમય આવતા એમણે પોતાની ભૂલ સુધારી અને ધરતીને એ લાયક બનાવી જેથી એ આટલું આગળ વધી શકી. એમણે એમની સોનચકલીને ઉડવા માટે ખુલ્લું આકાશ પૂરું પાડ્યું હતું.

ગામલોકોના મોઢા ચૂપ થઈ ગયા હતા અને ગામલોકો સવજી અને સવિતા સામે સન્માનભેર નજરે જોતા હતા. સવજી અને સવિતાની આ એક અનોખી પહેલે ગામલોકોને વિચારતા કરી નાખ્યા હતા. ધરતી પણ હમેશાં નવું જ વિચારતી હતી અને એક અનોખા રસ્તે આગળ વધે રાખતી હતી. સવજી અને સવિતા ધરતીને લગ્ન માટે સમજાવતા હતા. પણ ધરતી એકની બે નહોતી થતી. એની જીદ હતી કે લગ્ન પછી જે છોકરો એને એના માબાપની સેવા કરવા માટે સમય આપવા દે અને એની આ લાગણીઓ સમજે એની સાથેજ લગ્ન કરવા છે. આ વાત પણ આખું ગામ જાણતું હતું.

મધ ઉછેર કેન્દ્ર ખુબજ સારી રીતે ચાલી રહ્યું હતું. સવજી, સવિતા અને ધરતીની જીંદગી ખુબજ સારી રીતે આગળ વધી રહી હતી. આ હસતી રમતી જિંદગીમાં અચાનક એક વળાંક આવ્યો. સવજીનું હ્રદય બંધ પડવાના લીધે મૃત્યુ થયું.

ધરતીએ પોતાના પિતા સવજીના અંતિમ સંસ્કાર જાતે કરશે એવી જીદ કરી અને હમેશાંની જેમ એ પૂરી પણ કરી. આ એમના સમાજ માટે એક અનોખી પહેલ હતી જે ક્યારેય કોઈએ નહોતી કરી. સમાજની રીત સામે પડીને એણે પોતાની જાતેજ ગામલોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર અને અંતિમ વિધિ પતાવ્યા.

વિધિનો લેખ પણ અનોખો હતો. ધરતીનું આટલું આત્મસન્માન, માબાપ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને ઊંડી કોઠાસૂઝ એના પિતાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહેલા ગામના જ એક શિક્ષિત યુવાને નોંધી. એનું ધરતી પ્રત્યેનું માન ખૂબ જ વધી ગયું હતું. એને ધરતીની બધી શરતોનો પણ ખ્યાલ હતો અને એણે ત્યાજ  નિર્ણય લઈ લીધો કે એ ધરતી જોડે લગ્ન સંબંધથી જોડાશે.

ધરતીના પિતાની બધીજ વિધિ પતી એના થોડા દિવસો પછી એ યુવાને પોતાના માતાપિતાને ધરતીના ઘરે લઈને જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ધરતીની મા કઈ બોલે એ પહેલાં જ એણે કહ્યું કે એને બધીજ શરતો મંજુર છે. પણ એને આ ભવમાં ધરતીને જ વરવુ છે. જે દીકરી આખું ઘર ઉજાળી શકે એ મારે મારા કુળને ઉજાળવા જોઈએ ! મારા માટે ધરતી જ યોગ્ય છે.

ધરતીને ના પાડવાનું કારણ જ નહતું. વિપુલ એના માટે યોગ્ય જ હતો, એટલે ધરતીએ તરતજ હા પાડી. સવિતા પણ આ વાત સાંભળીને ખુશ હતી. આજે સવજી હોત તો કેટલો ખુશ થાત એવું મનોમન સવિતા વિચારતી હતી.

સવિતા અને સવજીની ઈચ્છા મુજબ ધામધૂમથી લગ્ન થયા. જાણે આખું ગામ આ ખુશીમાં જોડાઈ ગયું હતું. આ એક નવી પહેલ જ હતી જેના લીધે સમાજ અને ગામને એક સંદેશો મળ્યો.

"દીકરો દીકરી એક સમાન,

દીકરી પણ છે કુળનું સન્માન,

નવી પહેલ એ જ આજની શાન,

સમજી લો આ જ માન સન્માન. "

*****

Join My fb Group :- Sweet beat Frdzzzzz
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...