(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે... ડેન્વર્સ કેર્યુંની હત્યાના બે મહિના પહેલા એક સવારે, જેકિલને ઊંઘમાં કંઈક વિચિત્ર લાગણી અનુભવાઈ હતી અને તે જાગ્યો ત્યારે હાઇડ બની ગયો હતો. મતલબ, દ્રાવણ પીધા વગર જ તેનો દેહ આપમેળે પરિવર્તન પામ્યો હતો ! હવે, જેકિલનું આગળનું કબૂલાતનામું વાંચો.)
‘હું રાત્રે જેકિલ તરીકે સૂતો હતો તો સવારે હાઇડ તરીકે કેવી રીતે જાગ્યો’ તે વિચાર આવતાં ધ્રૂજી ઊઠ્યો. હવે, હાઇડમાંથી જેકિલ બનવા દ્રાવણ પીવું જરૂરી હતું, પરંતુ તે માટેના જરૂરી રસાયણો લેબોરેટરીની કૅબિનમાં હતા અને હું જેકિલના બેડરૂમમાં હતો. વળી, સવાર પડી ગઈ હોવાથી નોકરો કામે લાગી ગયા હતા. મને લાગ્યું કે બધાની નજર ચૂકાવી કૅબિન સુધી પહોંચવું અશક્ય છે. જેકિલના બેડરૂમમાંથી નીકળી રસોડામાં થઈ હું પાછળ જાઉં અને બગીચો વટાવી કૅબિનના પગથિયાં ચડું ત્યાં સુધીમાં કોઈ મને ન જુએ તે અશક્ય હતું ! કદાચ હું મોં પર કપડું બાંધી લઉં તો મારો ચહેરો ન દેખાય પણ ઘટેલી ઊંચાઈનું શું ? મારી ઓછી ઊંચાઈ જોઈ, જોનારને શંકા પડ્યા વગર રહે કે ? પછી મને યાદ આવ્યું કે હાઇડની અવરજવર ન રોકવાનું મેં નોકરોને પહેલાથી જ કહી રાખ્યું છે. આથી, મેં નિશ્ચિંત થઈને કપડાં બદલ્યા અને ઘરની પાછળની તરફ ચાલ્યો. ત્યારે ઘરનો જમાદાર બ્રેડશો મને જોઈ ગયો હતો, આટલી વહેલી સવારે હું જેકિલના કપડાં પહેરીને નીકળ્યો હોવાથી તે ચોંક્યો પણ હતો, પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ હું કૅબિનમાં ઘૂસી ગયો અને દ્રાવણ પીને દસ જ મિનિટમાં પાછો ફર્યો.
તે રાત્રે જે પણ થયું તે મારા માટે ગંભીર ચેતવણી સમાન હતું. આવું કેમ થયું અને ફરી વાર આવું ન થાય તે માટે શું તકેદારી રાખવી તે બાબતે મેં ગંભીરતાથી વિચાર કર્યો તો એ તારણ નીકળેલું કે હાઇડની શક્તિ તથા કદ વધી રહ્યા છે અને જો તે એક હદ કરતા વધી જશે તો જેકિલ તરીકેનું મારું અસ્તિત્વ કાયમ માટે નાશ પામશે ! તેવા સંજોગોમાં કદાચ દવા અને રસાયણોની અસર પણ ન થાય. હા, હું પહેલાં કરતાં બમણાં – તેવડાં રસાયણો નાખી દ્રાવણ બનાવું અને તેને જીવના જોખમે પી જાઉં તો કદાચ અસર થાય, પણ તેમાં ય સફળતા મળવાની શક્યતા નહિવત હતી.
વહેલી સવારના તે આકસ્મિક પ્રસંગ પછી મેં એ તારણ પણ કાઢ્યું હતું કે પહેલા મને જેકિલનો દેહ ઉતારી હાઇડનો દેહ ધારણ કરતા સખત તકલીફ પડતી હતી, પણ ધીમે ધીમે તે તકલીફ ઘટવા લાગી હતી. અરે, ‘આપમેળે જ દેહ પરિવર્તન થવું’ એ વાતની સાબિતી હતી કે હું મારા મૂળ સ્વરૂપની (જેકિલના સ્વરૂપની) પક્કડ ગુમાવી રહ્યો છું.
હવે મારે તે બેમાંથી કોઈ એક જ સ્વરૂપ કાયમ માટે અપનાવી લેવાનું હતું. આમ તો બંનેની યાદશક્તિ સરખી હતી, પણ એ સિવાયની દરેક બાબત ભિન્ન અને વિરુદ્ધ દિશાની હતી. હવે જેકિલને, હાઇડ બનીને વિકૃત મજાઓ લૂંટવામાં ડર લાગવા લાગ્યો હતો. સામે પક્ષે હાઇડને એવું ન હતું ; તે તો વિચારતો કે પોલીસ પાછળ પડશે તો ડાકુની જેમ જંગલ, પર્વત કે કોતરમાં છુપાઈ જઈશ ! મતલબ, જેકિલ સમજદાર બાપની જેમ વિચારતો હતો અને હાઇડ વંઠેલા છોકરાની જેમ. જોકે, હંમેશ માટે જેકિલ બની જવાનો અર્થ હતો - વિકૃત ગણાતી ઇચ્છાઓને કાયમ માટે દબાવી દેવી અને તેની તૃપ્તિ માટે આજીવન ટળવળવું. પણ, કેટલાય સમયથી તે ઇચ્છાઓ અકરાંતિયાની જેમ ભોગવી હોવાથી તેનો સંતાપ જીરવવો અશક્ય હતો. બીજી બાજુ ‘રખડુ - રેઢિયાળ’ હાઇડ બની જવાનો મતલબ હતો : ઘણા બધા રસના વિષયો અને મહત્વાકાંક્ષાને તિલાંજલિ આપવી. જો હું તે વિકલ્પ પસંદ કરું તો મારે મિત્રો-સંબંધીઓ વગરનું તિરસ્કારભર્યું, ઘૃણાસ્પદ જીવન જીવવા તૈયાર રહેવાનું હતું. બંને સ્વરૂપે રહેવામાં શું ફાયદા અને ગેરફાયદા છે તે વિશે મનોમંથન કરતા મેં એ પણ વિચાર્યું કે જેકિલ કાયમ સંયમની આગમાં બળતો રહેશે, જયારે હાઇડને પસ્તાવો તો ઠીક, પોતે કંઈક ગુમાવ્યું છે એવો વિચાર પણ ક્યારેય નહીં આવે ! એક બાજુ બેફામ આઝાદી, તમામ ઇચ્છાઓની તૃપ્તિ અને આવેગોના શમનનો આનંદ હતો તો બીજી બાજુ પ્રેમાળ મિત્રો અને સારા વિચારોનો સંગાથ. દુનિયામાં દેખાતા પ્રલોભનોની પ્રાપ્તિ માટે અનીતિ આચરવી કે નહીં તેવી મૂંઝવણમાં દરેક માણસ અટવાય, તેવી રીતે હું ય જેકિલ બનવું કે હાઇડ તે અસમંજસમાં અટવાતો રહ્યો. છેવટે, અન્ય લોકોની જેમ મેં પણ સારા માણસ (જેકિલ) બની રહેવાનો વિકલ્પ પસંદ કર્યો.
જોકે, મેં તે નિર્ણય કર્યો ત્યારે વિચાર્યું ન્હોતું કે તેને અમલમાં મૂકતા મારા નાકે દમ આવી જશે. તો ય લગભગ બે મહિના સુધી હું મારા નિર્ણયને વળગી રહ્યો. તેમાં મને તકલીફ પણ બહુ પડી ; સાચું કહું તો હું મારી જાત પ્રત્યે આટલો કઠોર પહેલા ક્યારેય બન્યો નથી. સામે છેડે, મને સંયમી અને વિવેકપૂર્ણ જીવન જીવવાનો આનંદ પણ થતો હતો.
પછી, સમય પસાર થતો ગયો તેમ તેમ હું એકધારા જીવનથી કંટાળવા લાગ્યો. મારે ફરી કંઈક નવું કરવું હતું, હાઇડના સ્વરૂપમાં ભોગવેલી આઝાદી પાછી ભોગવવી હતી. ધીમે ધીમે મારી અંદરની વૃત્તિઓ મારા પર ભારે પડવા લાગી અને મને મૂંઝારો થવા લાગ્યો. છેવટે, એક સમય આવ્યો જયારે મારી નૈતિક હિંમત ખૂટી પડી અને હું લેબોરેટરીની કૅબિનમાં જઈ દ્રાવણ બનાવવા લાગ્યો. છેલ્લી ઘડી સુધી મારા સારા ભાગે મને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ખરાબ ભાગ દ્રાવણ પીવા અધીરો બન્યો હતો. પછી તો, દારૂડિયાએ બહુ સમયથી દારૂ ન જોયો હોય અને અચાનક દારૂ જોઈને પાગલ થઈ જાય તેવું મારા કિસ્સામાં બન્યું. દ્રાવણ બનતા જ હું તેને ગાંડાની જેમ પી ગયો અને મારી અંદરનો શેતાન ત્રાડ પાડતો બેઠો થયો.
બે મહિનાની સજા કાપીને છૂટ્યો હોય તેમ પ્રગટ થયેલો હાઇડ એકદમ ક્રૂર, જડ અને બેકાબૂ હતો. તે માતેલો સાંઢ, પોતાની અતૃપ્ત ઇચ્છાઓ પૂરી કરવા રસ્તા પર નીકળ્યો અને તેને ડેન્વર્સ કેર્યુંનો ભેટો થઈ ગયો. તેમણે હાઇડને શિસ્તબદ્ધ રીતે ચાલવા અને વર્તવા વણમાગી સલાહ આપી. જોકે, તેઓ તે બધું સભ્યતાથી કહી રહ્યા હતા છતાં, હાઇડ ક્રોધાવેશમાં ઊછળ્યો. તે એકદમ જંગલી બની ગયો અને જીદે ચડેલું બાળક રમકડાને મારવા લાગે તેમ ડેન્વર્સ કેર્યુંને મારવા લાગ્યો ! હું ભગવાનને માથે રાખીને કહું છું કે માણસમાં સહેજ પણ સમજ કે દયા હોય તો તે કોઈ નિર્દોષ વ્યક્તિ પર આવી ક્રૂરતાથી હુમલો ન જ કરે. પણ હાઇડ તો શુદ્ધ શેતાન હતો, તેનામાં સમજ કે દયાનો છાંટો ક્યાંથી હોય ! તે પેલા વૃદ્ધ માણસને મારતો રહ્યો, લાકડીનો ફટકો મારવામાં ય તેને આનંદ આવતો હોય તેમ પ્રહાર કરતી વખતે તે ચિચિયારીઓ પાડતો હતો. શરીર થાકીને લોથપોથ થઈ ગયું ત્યાં સુધી તેનું પિશાચપણું ચાલુ રહ્યું, પણ ત્યાં સુધીમાં ડેન્વર્સ કેર્યું નિર્જીવ થઈ ગયા હતા.
હવે, હાઇડનો ગુસ્સો અને ઉકળાટ શમી ગયા, પણ તે પસ્તાવાના બદલે ઉત્તેજના અનુભવી રહ્યો હતો. ઉત્તેજિત શરીરે તેણે ચારે તરફ નજર કરી ; રસ્તાઓ પર અને શેરીઓમાં ફાનસ સળગી રહ્યા હતા, પણ આસપાસ કોઈ ન હતું. આથી, તે ત્યાંથી નીકળી ગયો અને પોતાના સોહોવાળા મકાનમાં પહોંચ્યો. ત્યાં તેણે તમામ પેપર - પુરાવા બાળી નાખ્યા અને પછી લેબોરેટરી ભણી ચાલ્યો. હજુ ય તેને પોતાના પાપકર્મનો સહેજે ય પસ્તાવો ન્હોતો થતો, ઊલટું તેને તેનો સંતોષ અને આનંદ થતો હતો ! અરે, દ્રાવણ બનાવતી વખતે ય તેના હોઠો પર ગીત રમતું હતું.
પછી, દ્રાવણ ગળા નીચે ઊતરતા પીડાના ઝટકા વાગ્યા અને હાઇડનો દેહ ઊતરવા લાગ્યો. ધીમે ધીમે હેન્રી જેકિલ પ્રગટ થયો અને પ્રગટ થતા વેંત તે ઘૂંટણ પર બેસી ગયો. તેને હાઇડના કર્યાનો જબરદસ્ત પસ્તાવો હતો. આંખમાં આંસુ સાથે તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને બે હાથ જોડી હાઇડે આચરેલા પાપની માફી માંગી.
મારા જીવનની શરૂઆતથી તે દિવસ સુધીમાં, હું મારા પપ્પાની આંગળી પકડી ચાલતા શીખ્યો ત્યારથી લઈ વ્યવસાયિક ક્ષેત્રે સંઘર્ષ કર્યો ત્યાં સુધીમાં, આટલી ભયંકર રાત મેં ક્યારેય જોઈ નથી. મને વારંવાર મારી અંદર વસતા શેતાનનો ચહેરો યાદ આવતો હતો અને તેની સામે જોરજોરથી ચીસો પાડવાનું મન થતું હતું. ગમે તેમ કરી તેનું જોર ઘટી જાય એ માટે હું ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. ખાસ્સા સમય સુધી પસ્તાવો કર્યા પછી સંતાપનું જોર ય ઓસર્યું અને મને લાગ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે હું ક્યારેય હાઇડ નહીં જ બનું. હું જાણતો હતો કે હવે મારું હ્રદય તો મને તેમ કરતાં રોકશે જ, પણ પોલીસમાં પકડાઈ જવાનો ડર ય મને હાઇડ નહીં બનવા દે. મતલબ, હવે હું કાયમ માટે એ માણસ બની રહેવાનો હતો જે સારા – ખરાબનું મિશ્રણ (જેકિલ) હતો, જેમાં નમ્રતા અને સારપ વધુ હતી. આ વિચારથી મને આનંદ થયો. પછી, મેં લેબોરેટરીના પાછળના દરવાજાને કાયમ માટે તાળું મારી દીધું અને તેની ચાવી અંદર ચાદર નીચે મૂકી દીધી.
ક્રમશ :