nathani khovani - 13 in Gujarati Moral Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | નથણી ખોવાણી -૧૩

Featured Books
Categories
Share

નથણી ખોવાણી -૧૩

અમોલ ની ખુશી નો કોઈ પાર નહોતો રહ્યો …ખુશી થી પાગલ થઈ રહ્યો હતો જાણે ! શું બોલવું ! શું કહેવું !  , પરંતુ આકાંક્ષા થોડી  વિસામણ માં હતી . ખુશી ની સાથે સાથે થોડી ચિંતા નાં મિશ્ર ભાવ સાથે એણે ડૉક્ટર ને પૂછ્યું, " કાંઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને?"

 " ના !  ચિંતા કરવાની કોઈ વાત નથી . પરંતુ મારા આપેલા સૂચનો ધ્યાન માં રાખવા ના અને એની સાથે લખી આપેલી ટૉનિક ચુક્યા વગર લેવાની. બસ! વધારે માં ખુશ રહેવા નું , રેગ્યુલર ચેક -અપ માટે આવવા નું ભુલવા નું નહીં. "  ડોક્ટરે આકાંક્ષા ને સાંત્વના  અને સલાહ આપતા કહ્યું. 

અમોલ અને આકાંક્ષા એ ઘરે આવી ને સમાચાર આપ્યા અને  ઘર માં ખુશી ની લહેર બેગણી થઈ ગઈ. 

  બીજે દિવસે અમોલ બા ને લઈને વડોદરા થી પાછો આવ્યો. બા ને પૂજા ની રુમ  માં જ  પલંગ  આપેલો હતો. તેથી સવારે પૂજા કરતા અને પછી ત્યાં જ આરામ કરતા.  આકાંક્ષા એનું કામ પતાવી બા સાથે વાતો કરતી.  એમને એકબીજા સાથે બહુ જ ફાવી ગયું હતું .  દમયંતીબેન પણ  કોઈ વખત એમની વાતો  માં જોડાઈ જતા. અને જુની વાતો નાં પુરાણો ખોલી દેતા.

આકાંક્ષા અને અમોલ ની  ઘરે જ ઉજવણી ની વાત સાંભળી કૃતિ એ થોડું માઠુ લગાડતા  કહ્યું ,     " પહેલા ધામધૂમથી  !!! પછી હોટલમાં !!!! અને હવે ઘરે !!! તમે એનિવર્સરી નો પ્લાન કેટલીવાર ચેઈન્જ કરશો ?"   

"તમારે હોટલમાં જવું હોય તો આપણે જઈશું ને !! તન્વી   શોપિંગ કરવાનું કહેતી હતી , ત્યારે બહાર ડિનર  કરીશું.  પરંતુ આજે મમ્મી -  પપ્પા અને બા ને  મુકી ને મને હોટલમાં જવાનું ,  યોગ્ય નથી લાગતું. " આકાંક્ષા એ કહ્યું. 

બૅલ વાગ્યો, કૃતિ એ દોડી ને દરવાજો ખોલ્યો,  " ગૌતમ ભાઈ આવી ગયા " કહી કૃતિ ગૌતમ ને ભેટી પડી. 

" આ ક્યારે મોટી થશે!" દમયંતી બહેને કૃતિ ની હરકતો થી થોડી નારાજગી    વ્યક્ત કરતા કહ્યું .

સાંજે ગૌતમ કેક લેવા ગયો અને વળતાં તન્વી  ને પણ લઈ આવ્યો. અને હોટલ માં થી ઑડર પ્રમાણે  જમવા નું આવી ગયુ.

         જરાક  માદક સંગીત સાથે  કપલ બૉલ ડાન્સ  તથા કૅક કટિંગ અને  ડિનર  ….. આયોજનરહિત છતાં જાણે સુઆયોજિત હોય  એમ..!!  એનિવર્સરી નું સેલિબ્રેશન થયું.….

          જિંદગી એવી જ છે ને? અગાઉ થી કરેલું  સુનિયોજિત આયોજન ક્યારેક પળભર માં બદલાઈ જાય છે ;  કે બદલવું પડે છે!!! પરંતુ ઘણી વેળા એનો  ખુલ્લા દિલ થી સ્વીકાર  એક  ઉત્સવ બની જાય છે.અહી પણ એવું જ કંઈક બની રહ્યું હતું. લગ્ન તિથી ની ઉજવણી કૃતિ થી માંડીને બા સુધી બધા જ ખૂબ જ મજા થી માણી રહ્યા હતા અને આકાંક્ષા ની અંદર પળી રહેલા બે નવા - નાજુક  જીવ પણ……

        ગૌતમે અમોલ અને આકાંક્ષા ને મોબાઇલ ની ગીફ્ટ આપી. દમયંતી બહેને આટલી મોંઘી ગીફ્ટ આપવા બદલ  ગૌતમ ને ટકોર કરી. આકાંક્ષા એ પણ ' મારા  કરતાં તમને વધારે જરૂર છે ' એમ કહી  આના- કાની કરી.પરંતુ ગૌતમે  કોઈ ની એક ના સાંભળી અને  કહ્યું, 
" આ તો ફક્ત તમારા પ્રેમ નું નાનકડું ઋણ અદા કરવા  નો મોકો  મળ્યો છે. " ગૌતમ ની વાત નું માન રાખવા અમોલ અને આકાંક્ષા એ મોબાઇલ ની ગીફ્ટ નો દિલ થી સ્વીકાર કર્યો. 

           રાત્રે ગૌતમ તન્વી ને એના ઘરે છોડવા ગયો અને  તન્વી એ ગૌતમ ને કૉફી પીવા ને જવાનો આગ્રહ કર્યો અને  બન્ને કૉફી પીતાં પીતાં  કલાકો સુધી વાતો કરતા રહ્યા.  તન્વી  પોતાના એક્ટિંગ ફિલ્ડ ની અને ગૌતમ એના જર્નાલિઝમના ફિલ્ડ ની વાતો કરતો હતો. વાતો કરતા કરતા ગૌતમે એક  મિત્ર તરીકે  તન્વી ને  સલાહ આપતા   કહ્યું , 
" મેં મારી કારકિર્દી  માં કેટલાય એવા કિસ્સા જોયા છે અને  સાંભળ્યા છે .  મુંબઈ ની માયાનગરી માં આત્મવિશ્વાસ  મહત્વકાંક્ષા માં   અને   સ્વતંત્રતા  ને સ્વચ્છંદતા માં પરિવર્તિત થતાં  વાર નથી લાગતી.  સારી  કારકિર્દી  પામી  રહેલા એક્ટરો ને પણ મેં  હોડ માં આગળ  રહેવા માટે  પોતાના ઝમીર સાથે સમજૂતી કરતાં જોયા છે. પોતાના જ પગ પર કુહાડી મારી ને ,  તો ક્યારેક   આડંબર ના કારણે  જિંદગી   બરબાદ  કરતા જોયા છે. ઝાકમઝાળ માં એવા તો ફસાય છે કે  એ વખતે સાચી સલાહ આપનાર વ્યક્તિઓ સાથે સંબંધ શુદ્ધા તોડી બેસે છે. અને ઊંચાઈ પર પહોંચ્યા પછી  એમને  અહેસાસ થાય છે કે એમણે શું ખોયું છે! પરંતુ ત્યાં સુધી માં તો બહુ મોડુ થઈ ગયું હોય છે. પરંતુ મને 
વિશ્વાસ છે કે તું આ બધા માં થી ખુદ ને ચોક્કસ અળગી રાખી શકીશ." 

        તન્વી એ ગૌતમ ની વાતો ને ફક્ત સાંભળી કારણ કે એ કારકિર્દી ની જાહોજલાલી માટે એ પહેલાં  જ  એવા કદમ ઉઠાવી ચુકી હતી….  એ કોઈપણ પ્રકાર નો સમજોતો કરવા તૈયાર હતી, એક નામી ઍક્ટર બનવા માટે. કદાચ ગૌતમ ને પણ  એ વાત નો અણસાર આવી ગયો હતો અને એટલે જ એણે  તન્વી ને ચેતવવા નો પ્રયત્ન કર્યો.


        પંદરેક દિવસ પછી ગૌતમ ને ફરી એના પ્રોજેક્ટ ના કામે પૂના જવાનું થયું.રાત ની ટ્રેન હતી. તન્વી અને અમોલ એને રેલ્વે સ્ટેશન મૂકવા ગયા. ગૌતમે ફરી ટકોર કરતાં તન્વી ને  કહ્યું,  " તન્વી ,  Be careful. The path you have chosen is very slippery." પરંતુ આ વખતે તન્વી એ સહેજ પણ ગણકાર્યું નહિ.એણે   તો મન માં નક્કી કરી ને રાખ્યું હતું જાણે ;  ' એવું કરીશ તો હું જિંદગી માં કશું નહીં કરી શકું અને કશુંક મેળવવા કશુંક ગુમાવવું પડે છે. અને એ કંઈ પણ હોય પણ હું હવે પાછું વાળી ને નથી જોવાની!…'

          ગૌતમ  ની ટ્રેન આવી . એ બાય કહી ટ્રેન માં ચઢી ગયો. અમોલ તન્વી ને મુકવા એના ઘરે ગયો.  તન્વી એ અમોલ ને બિયર પીવાની  ઑફર આપી. અમોલ પીવા નો બહુ જ શોખીન હતો અને તન્વી એ સારી રીતે જાણતી હતી. બિયર પીતા પીતા વાતો કરવા ની બન્ને ને ખૂબ મજા આવી રહી હતી. 

         સમય મળે અમોલ અવાર- નવાર તન્વી ના ઘરે જઈ ને બિયર પીતો. આકાંક્ષા ટોકતી તો કહેતો "   ઘરે બા છે.  અને તું સમજે છે એટલે જ તો  જઈ શકું છું.! " 
આકાંક્ષા પણ વારંવાર ટોકવા નું ઠીક નહોતી સમજતી. અને ધીરે ધીરે એ અમોલ નો નિત્યક્રમ થવા લાગ્યો. તન્વી અને અમોલ ની મૈત્રી  ધીરે ધીરે  પ્રેમ માં પરીણમવા લાગી. 

         ડૉક્ટર ની અપોઈન્ટમેન્ટ  પ્રમાણે  આકાંક્ષા  રૂટીન ચેક- અપ માટે હોસ્પિટલ  ગઈ . અમોલ એ દિવસે  ક્લાયન્ટ સાથેની મિટિંગ કેન્સલ ના  કરી શક્યો, તેથી આકાંક્ષા ને એકલા જ જવું પડ્યું.   ડૉક્ટરે  રૂટીન  ચેક - અપ  કર્યું.   ' બધું જ બરાબર છે ' કહી ડૉક્ટરે આગળ  ની  અપોઈન્ટમેન્ટ  આપી.  આકાંક્ષા ડૉક્ટર ની  કૅબીનમાં થી બહાર નીકળી.  સામે થી સિદ્ધાર્થ આવતો  હતો . આકાંક્ષા ને જોઈને ઊભો રહ્યો. 
 " આકાંક્ષા ! કેમ છે ? અહીં…. Is everything okay? " સિદ્ધાર્થે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું. 

આકાંક્ષા એ ડૉક્ટર નાં  નામ ની તખ્તી તરફ બોલ્યા વગર  ઈશારો કર્યો. સિદ્ધાર્થ ને એના જવાબ થી સંતોષ ના થયો અને તેથી આકાંક્ષા નાં હાથ માં રહેલી ફાઈલ પોતાના હાથ માં લઇ ચેક કરી અને પછી બંધ કરી પાછી આકાંક્ષા ને આપી અને કહ્યું ,  "  તો એમ સ્પષ્ટ રીતે કહે ને?   કોંગ્રેચ્યુલેશન્સ !!!  કોઈ આવ્યું નથી તારી સાથે ? " 

" ના ! અમોલ ને થોડું કામ આવી ગયું હતું . " આકાંક્ષા એ એકદમ મંદ અવાજ માં કહ્યું.

  " ચાલ ! હું પણ તારા ઘર બાજુ જ જવુ છું. તને  મુકી જવું. " સિદ્ધાર્થે કહ્યું.  આકાંક્ષા  એ થોડા ક્ષોભ સાથે નકાર કર્યો.પરંતુ સિદ્ધાર્થે  આગ્રહ કરતાં કહ્યું  ,  "  અત્યારે રિક્ષા માં જવું હિતાવહ નથી. તાપ પણ ખૂબ વધારે છે.  " 

       આકાંક્ષા થોડી હિચકિચાટ સાથે સિદ્ધાર્થ સાથે જવા તૈયાર થઈ.
 બન્ને કાર માં બેઠા,  પરંતુ  બન્ને  ચુપ હતા.
" તબિયત સારી રહે છે ને તારી? " સિદ્ધાર્થે ચુપકીદી તોડવા કહ્યું.
" હા! " આકાંક્ષા એ ફક્ત એટલો જ જવાબ આપ્યો. 
" પપ્પા  આવ્યા છે , ઘરે એકલા જ  છે,  એટલે આજે  જલ્દી જવું છું." સિદ્ધાર્થે આગળ વાત વધારતા કહ્યું.
" અને તમારા પત્ની ..?    આકાંક્ષા એ પૂછ્યું.
" નથી" સિદ્ધાર્થે કહ્યું.
" એટલે?" આકાંક્ષા એ આશ્ચર્ય થી પુછ્યું.
 " એટલે એમ કે‌‌ મેં લગ્ન નથી કર્યા." સિદ્ધાર્થે કહ્યું.
" લગ્ન નથી કર્યા ? પણ કેમ?" આકાંક્ષા થોડી લાગણીશીલ થઈ ગઈ.
" પહેલાં સ્ટડી , પછી કરિયર.. એમાં લગ્ન નો વિચાર જ ના કર્યો. અને હવે ઈચ્છા પણ નથી રહી." સિદ્ધાર્થે ના મોં પર થોડો વિષાદ છવાઈ ગયો.
" પરંતુ તમારા મમ્મી ? એ પણ કશું નથી કહેતા? " આકાંક્ષા એ  આતુરતા પૂર્વક પૂછ્યું.
" હોય તો કહે ને? એ તો જ્યારે હું મારા એમ.બી.બી.એસ ના છેલ્લા વર્ષ માં હતો ત્યારે જ … આ દુનિયા છોડી ચાલી ગઈ?" કહેતા સિદ્ધાર્થ ના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ.
" પરંતુ એવું તો  શું થયું હતું એમને? " આકાંક્ષા એ પૂછ્યું.
" કૅન્સર ! જ્યારે ખબર પડી છેલ્લા સ્ટેજ નું હતું. " કહી સિદ્ધાર્થે કાર રેડ સિગ્નલ હોવાથી   ઉભી રાખી . " પછી જ મેં આ ફિલ્ડ માં  આગળ ભણવા નું નક્કી કર્યું. " 
એટલા માં સિગ્નલ પર  નાન્યતર જાતિ ની વ્યક્તિ આવી ને ઉભી રહી અને થપોટા તાળી વગાડતાં કહ્યું ,  " ભગવાન તમારી જોડી સલામત રાખે! " કહી પૈસા લેવા હાથ લંબાવ્યો.
સિદ્ધાર્થે  દ‌સ રુપિયા કાઢી ને આપ્યા. કાચ બંધ કર્યો અને મન માં ગણગણ્યો, ' પહેલાં ય એક વાર આવા આશિર્વાદ મળ્યા હતા.કંઈ થયું તો નહીં!' આકાંક્ષા અચંબિત થઈ સિદ્ધાર્થ સામે જોઈ રહી.
 
સિદ્ધાર્થે સ્મિત આપી અને કહ્યું , " કંઈ નહીં! જુની વાત યાદ આવી ગઈ? "
" ઓહ! યાદશક્તિ સારી કહેવાય? " આકાંક્ષા એ કટાક્ષ માં કહ્યું.
" મને બધું જ યાદ છે!!!" સિદ્ધાર્થે કહ્યું.
" બધું જ યાદ છે !!!  પરંતુ  મને તો  ભુલી ગયા  હતા ને ? " આકાંક્ષા એ બારી ની બહાર જોતાં જોતાં   જાણે ફરિયાદ કરતી હોય એમ  કહ્યું. 
સિદ્ધાર્થ નિ: શબ્દ આકાંક્ષા સામે જોઈ રહ્યો .

' કહેવું ઘણું છે પરંતુ 
શબ્દ ખોવાઈ રહ્યા છે, 
વાત ની શરૂઆત કેમ કરું!
તને બહુ યાદ કરી ; 
અને ઈશ્વર ને ફરિયાદ કરી!
 કદાચ કસોટી માં  હારી ગયો, 
કે કદાચ તૈયારી માં કસર રહી ગઈ! ' 

( ક્રમશઃ )