No return-2 Part-56 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૫૬

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૫૬

નો રીટર્ન-૨

ભાગ-૫૬

પ્રોફેસર જોસેફ થોમ્પસને એભલ સામું જોયું. શબનમને સાથે ન લેવાને કારણે એભલ સખત નારાજ હતો. પણ દિવાન અને રાજનનું ધ્યાન રાખવા માટે કોઇનું ત્યાં રહેવું જરૂરી હતું. એ માટે શબનમ સૌથી યોગ્ય હતી એટલે એભલે સંમતી તો આપી હતી પણ એ તેને સહેજે પસંદ આવ્યું નહોતું. આ અંગ્રેજ લોકો સાથે એકલા જવામાં તેને કોઇ તકલીફ નહોતી છતાં કોઇ પોતાનું સાથે હોય તો ધણો ફરક પડે. વળી જંગલની વચાળે બનેલાં એ કોટેજમાં શબનમને સાવ એકલાં છોડતા પણ તેનો જીવ માનતો નહોતો. તેણે પ્રોફેસર સાથે દલિલો કરી હતી અને ક્લારાને પણ શબનમ સાથે રાખવાની વાત મૂકી હતી પરંતુ પ્રોફેસર તૈયાર થયો નહોતો. આખરે ન છૂટકે એભલ માન્યો હતો અને ભારે હદયે તે શબનમથી વિખૂટો પડયો હતો. પણ...એ તેની સૌથી મોટી મૂર્ખામી સાબીત થઇ હતી. તેઓ હજું કાર્લોસની પાછળ લાગ્યા જ હતાં અને પિસ્કોટાથી થોડે દુર પોતાનો પડાવ જમાવ્યો હતો ત્યારે જ કાર્લોસનાં માણસોએ શબનમને પોતાની ગીરફ્તમાં જકડી લીધી હતી અને દિવાન સાહેબને છોડાવી તેઓ “રીઓ” નાં પોતાનાં મુખ્ય અડ્ડે રવાનાં થઇ ચૂકયા હતાં. એ ઘટના આંખનો પલકારો ઝબકે એટલી ઝડપે ઘટી ગઇ હતી. કેમ કરતાં એ થયું અને કાર્લોસે દિવાનની ભાળ કેવી રીતે મેળવી એ તો ફક્ત કાર્લોસ જ જાણતો હતો. પણ.... એ ઘટનાને કારણે આખા પ્લાનમાં એ ક નવો વળાંક આવવાનો હતો. કાર્લોસને હવે પ્રોફેસર જોસેફ થોમ્પસન અને તેની મંશા વિશે ખબર પડી ગઇ હતી.

જો કે એ તો થવાનું જ હતું. પવન જોગી એટલેકે મેં જ્યારે અમારા દિવાનની રિહાઇનાં બદલામાં કાર્લોસને મદદ કરવાનું વચન આપ્યું ત્યારથી જ કાર્લોસનાં માણસો એ દિશામાં સક્રિય થઇ ગયા હતાં. તેમણે ખૂબ ટૂંકા સમયમાં પ્રોફેસરની ગેંગનો પત્તો મેળવી લીધો હતો અને તેઓ ક્યા ઇરાદાથી બ્રાઝિલ આવ્યા છે એ પણ જાણી લીધું હતું. એ ખતરનાક સ્થિતી હતી. કાર્લોસ હવે થોમ્પસન અને તેનાં ઇરાદા વિશે જાણતો હતો. તે એ પણ જાણતો હતો કે તેઓ તેની પાછળ જ ખજાનાની ખોજમાં આવ્યા હશે. પણ કાર્લોસ પોતાની તાકાત ઉપર મુશ્તાક હતો કે ગમે તે ઘડીએ પ્રોફેસરને તે નશ્યત કરી શકશે. એટલે તેણે એ વાતને બહું ગંભીરતાથી લીધી નહોતી અને પોતાનાં પેલા બે માણસો... કે જેણે શબનમને કબ્જે કરી હતી, તેમને પ્રોફેસરની ગેંગનો સફાયો કરવાનો હુકમ કરી દીધો હતો. એ માણસો કાર્લોસનાં બેસ્ટ શાર્પ શૂટર અને લડવૈયાઓ હતાં. એક વખત તેમને હુકમ મળે પછી તેઓ ક્યારેય નિષ્ફળ જતા નહી.

જબરજસ્ત ટેબ્લો રચાયો હતો. ખજાનાને ખોજવા નિકળેલો દરેક વ્યક્તિ આજે એકબીજાને નશ્યત કરવાનાં કોઇ દિવાસ્વપ્નમાં રાચતો હતો. દરેકને પોતાનાં ફૂલપ્રુફ પ્લાન ઉપર હદથી પણ વધું વિશ્વાસ હતો. પણ...એ દરેકની ઉપર એક ઇશ્વર બેઠો હતો જેનો પ્લાન હજું સુધી કોઇની સમજમાં આવ્યો નહોતો.

@@@@@@@@@@@@@@@@@

અમારી ટૂકડી પિસ્કોટાથી રવાનાં થઇ ત્યારે પ્રોફેસર જોસેફની ટૂકડી પિસ્કોટાથી થોડે દૂર જંગલમાં અંતરીયાળ વિસ્તારમાં પોતાનો પડાવ નાંખીને પડી હતી. તેમની ગણતરી કાર્લોસની ટીમથી સલામત અંતર રાખીને પીછો કરવાની હતી જેથી વગર કોઇ મુસીબતે તેઓ ખજાના સુધી પહોંચી જાય અને પછી એ લોકોને નશ્યત કરીને ખજાના ઉપર કબજો મેળવી લે. પણ... તેમને ખબર નહોતી કે કાર્લોસનાં રૂપમાં તેમની ઉપર એક ભયાનક મુસીબત ત્રાટકવાની છે.

@@@@@@@@@@@@@@@@@@@@

બપોર ઢળી ચૂકી હતી. અમારી સફરનાં શ્રીગણેશ થઇ ચૂકયા હતાં. પિસ્કોટા છોડયે બે કલાક વિતી ચૂકયા હતાં. હજું અમે કાચી પગદંડી જેવા રસ્તે જ ચાલતા હતાં. અહીથી આગળ લગભગ ત્રીસેક માઇલ દુર આદિવાસીઓનો એક કસ્બો હતો. ત્યાં અમારે રાત્રી રોકાણ કરવાનું હતું. પિસ્કોટાનાં પાદરીની એ કસ્બામાં ઓળખાણ હતી. તેણે એક પત્ર અમને લખી આપ્યો હતો જે અમારે ત્યાંનાં મુખીયાને આપવાનો હતો. તેનાથી અમારી રાત્રી રોકાણની સમસ્યા હલ થઇ જવાની હતી.

લગભગ ચાર વાગ્યે કાર્લોસનાં સેટેલાઇટ ફોન ઉપર એક કોલ આવ્યો. અમારા મોબાઇલ ફોન તો પિસ્કોટા ગામ છોડયું ત્યારે જ બંધ થઇ ગયા હતા કારણકે અહીં કોઇ કંપનીએ ટાવર લગાવ્યાં હોવાનો સવાલ જ નહોતો. અમારે હવે આગળની સફર સંપૂર્ણપણે સેટેલાઇટ ફોનનાં ભરોસે જ પાર પાડવાની હતી. કાર્લોસે ત્રણ ફોન સાથે લીધા હતાં. એક તેની પાસે હતો...બીજો એના પાસે અને ત્રીજો જોસ પાસે હતો. કાર્લોસે કોલ રીસીવ કર્યો અને તેનાં ચહેરા ઉપર મુસ્કાન પથરાઇ.

“ વેલડન બોય્સ... નાઉં ગો ફોર અનધર વર્ક..! ” તે બોલ્યો અને ફોન કટ કર્યો. તે સૌથી આગળ ચાલતો હતો. તેની પાછળ એક ઘોડા ઉપર લદાયેલા સામાન સાથે એક આદિવાસી ઘોડાની રાશ પકડીને આવતો હતો. ત્યારબાદ જોશ એક ઘોડા ઉપર હતો. તે બાઠીયો અમારાં કદમ સાથે કદમ મિલાવવા અસમર્થ હતો એટલે તેની માટે એક ઘોડો અલાયદો ફાળવાયો હતો. બાકીનાં અમે બધા પગપાળા ચાલતાં હતાં. કાર્લોસે ધાર્યુ હોત તો બધાં માટે ઘોડાની વ્યવસ્થા થઇ શકી હોત પરંતુ એમેઝોનનાં જંગલમાં એ નાકામ સાબીત થાય તેમ હતું. જંગલની અંદર એવી ભૂમી...એવા રસ્તાઓ...દલદલ...ગીચ ઝાડી....પર્વતો...ટેકરીઓ...નદીઓ... હતી કે જ્યાં ઘોડા કરતાં પગપાળા સફર કરવી જ બેહતર ઓપ્શન સાબીત થાય તેમ હતું. એ કાર્ય કઠીન અને થકવી નાંખનારું હતું, ખાસ કરીને અમારી સાથે જે યુવતીઓ હતી તેનાં માટે... પણ, એ સીવાય બીજો કોઇ ઉત્તમ વિકલ્પ નહોતો. બધાને એ સમજાતું હતું એટલે વગર કોઇ આનાકાનીએ સહું નિકળી પડયા હતાં. પણ.. આ કોઇ સામાન્ય જંગલ નહોતું. વિશ્વનું સૌથી ખતરનાક ગણાતું આમેઝોનનું જંગલ હતું. અહીં ક્ષણેક્ષણ અમારી સહન શક્તિની પરીક્ષા થવાની હતી.

કાર્લોસે ઇશારાથી મને આગળ તેની પાસે બોલાવ્યો. હું તેની નજીક પહોચ્યોં. તેની આંખોમાં ચમક હતી. “ યંગ બોય... તારું કામ થઇ ગયું છે. તારી રીયાસતનાં દિવાન અને તેનો છોકરો અત્યારે “ સેન્ટો રીબેરો “ નાં સ્યૂટમાં આરામ ફરમાવતાં હશે. “

હું હબક ખાઇ ગયો. બે જ દિવસની અંદર કાર્લોસે તેનું વચન નિભાવ્યું હતું. મને કાર્લોસની પહોંચનો અંદાજ તો હતો જ પણ તે આટલું ઝડપી કાર્ય પૂર્ણ કરશે એની ખાતરી નહોતી. મારા આશ્વર્યનો પાર રહયો નહીં. શું બોલવું ધડીક તો એ સમજાયું નહીં.

“ અને તેની સાથે હતાં એ લોકો....? “ ફફડતા શ્વરે માંડ હું એટલું પુંછી શકયો.

“ એની ઉપાધી તું છોડી દે...! એ હવે મારી મેટર છે. “ કાર્લોસનાં અવાજમાં ન સમજાય એવી ધાર ભળી હતી. તેનાં પથ્થર જેવા ચહેરામાં તગતગતી આંખોમાં અમાનૂસી ચમક ઉભરતી સ્પષ્ટ હું ભાળી શકતો હતો. મને તેનાં ઇરાદા ખતરનાક જણાતા હતાં. ખબર નહીં તેણે કેમ કરતાં દિવાન અને રાજનને છોડાવ્યાં હશે..! અને પેલાં પ્રોફેસર અને તેની ટીમની શું વલે કરી હશે. આ બ્રાઝિલીયન ગેંગસ્ટરોની ક્રુરતાનાં ઘણાં કિસ્સાઓ મેં સાંભળ્યાં હતાં. છતાં હું અનુમાન લગાવા અસમર્થ હતો.

પણ..ખેર, મારે એ બાબતોથી કોઇ નિસ્બત નહોતી. મને તો અમારા દિવાન કનૈયાલાલ બિશ્નોઇ અને રાજનની ફિકર હતી. તેઓ સહી સલામત છે એ જાણીને મને અનહદ આનંદ થયો હતો. હવે તેમની ચીંતામાંથી હું મુક્ત હતો. જોકે તેઓ એક ગિરફ્તમાંથી નિકળીને બીજી ગિરફ્તમાં ફસાયા હતાં તેમછતાં હું થોડોઘણો તો આશ્વત થયો હતો.

@@@@@@@@@@@@@@

પિસ્કોટા પહોંચતાં પહેલાં એક નદી કાંઠે પ્રોફેસર જોસેફે પોતાનો કેમ્પ લગાવ્યો હતો. રાત તેમણે અહીં જ વિતાવી હતી. સવારે તૈયાર થઇને તેઓ નિકળી પડયા હતાં. પ્રોફેસરને ખબર હતી કે તેણે કાર્લોસથી સલામત અંતર રાખીને આગળ વધવું પડશે. પણ... તેને એ ખબર નહોતી કે કાર્લોસને તેમની રજેરજની ગતીવીધીનો ખ્યાલ આવી ગયો છે અને તેણે પોતાનાં શિકારી કુતરા જેવાં ખૂખાંર માણસોને તેની પાછળ લગાવી દીધા છે.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.