Hashtag LOVE - 9 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ - ભાગ -૯

Featured Books
Categories
Share

હેશટેગ લવ - ભાગ -૯

"હેશટેગ લવ" ભાગ -૯
અજયના મળે એક અઠવાડિયું વીતવા આવ્યું. પણ રોજ એ મળશે એ આશાએ સવારથી સાંજ થવા લાગી. પણ એ દેખાયો નહિ.એક દિવસ કૉલેજથી નીકળી હું હોસ્ટેલ તરફ જઈ રહી હતી. આજે મેઘના થોડી વહેલી નીકળી જવાની હતી. હું ગેટની બહાર નીકળી હોસ્ટેલના રસ્તા તરફ ચાલતી હતી ત્યાં જ એક અવાજે ગેટ પાસે જ મને રોકી લીધી. 
"એક્સકયુઝમી.. ".
એ આવાજ કાને પડતાં મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. એ અવાજ અજયનો જ હતો. એક અઠવાડિયાથી જેનો આવાજ સાંભળવા તરસી ગઈ હતી એ અવાજ અચાનક કાને આવતાં જ એક અલગ રોમાંચનો અનુભવ થયો. મેં તરત પાછું વળીને જોયું. સામે પર્પલ શર્ટ અને બ્લેક ફોર્મલ પેન્ટમાં અજય ઉભો હતો. મારી આંખો એને જ જોઈ રહી. મારું ધ્યાન એના ઉપર જ હતું અને મારી સામે ચપટી વગાડતાં કહ્યું : 
"હેલ્લો, ક્યાં ખોવાઈ ગયા ?"
"ક્યાંય નહીં ?, તમે ?તમે આ તરફ ?"મેં આશ્ચર્યના ભાવ સાથે પૂછી લીધું.
"હા, અહીંયાંથી નીકળતો હતો, અને નજર તમારા ઉપર પડી. તો બોલાવી લીધા."
એ બોલે જતો હતો. હું એના બોલવાના અંદાઝમાં ખોવાઈ ગઈ. અને એને પાછું કહ્યું :
"તમે આ કૉલેજમાં છો ?"
"હા" મેં જવાબ આપ્યો. 
"ચાલો હું તમને હોસ્ટેલ સુધી મૂકી જાઉં"
મારું મન હતું એના સ્કૂટર ઉપર બેસી હોસ્ટેલ જવાનું, પણ હોસ્ટેલની આસપાસ કોઈ જોઈ જાય એનો ડર હતો. મેં જવાબ આપ્યો :
"ના,ના, થોડું જ ચાલવાનું છે હું ચાલીને પહોંચી જઈશ."
હું બોલતી હતી ત્યારે એ ટગર ટગર મને જોયા કરતો હતો. એના જોવા ઉપર મેં મારી નજર ઝુકાવી લીધી. 
"ઓકે, તમને હોસ્ટલે પર જમવાનું ગમે છે ?"
એને પૂછેલા આ પ્રશ્નની મને એકદમ નવાઈ લાગી. મેં સામે પૂછ્યું :
"હા. હવે તો આદત થઈ ગઈ, પણ આ સવાલ તમે મને ?"
"સાચું કહું તો મને ભૂખ લાગી છે, અને એકલા જમવાનું મને ગમતું નથી. સો ! તમને જો હોસ્ટેલમાં જમવાનું ના ફાવતું હોય તો આપણે સાથે જમી શકીએ."
એના બોલવા ઉપર હું ખડખડાટ હસવા લાગી. મને હસતી જોઈ એને કહ્યું :
"કેમ આટલું હસો છો ?" 
મારું હસવું રોકી મેં જવાબ આપ્યો :
"તમારે મને જમવા માટે ઇનવાઈટ કરવી હતી તો હોસ્ટેલના જમવા વિશે કહેવાની જરૂર નહોતી."
"તો તમે મારી સાથે લંચ કરવા તૈયાર છો ?"
એણે ઉત્સુકતા પૂર્વક મને પૂછ્યું :
મારી ઈચ્છા એની સાથે સમય પસાર કરવાની હતી જ. એટલે હું ના ન પાડી શકી. મને તો આશા પણ નહોતી કે અજય અને હું સાથે લંચ કરીશું.
ગેટથી થોડે જ દૂર એક હોટેલ હતી એમાં અમે જમવા માટે ગયા. એક કલાક જેવો સમય અમે સાથે જ વિતાવ્યો. એની વાતો, એનો અંદાઝ, એનો સ્વભાવ મને ધીમે ધીમે પ્રભાવિત કરી રહ્યો હતો. અજયને પણ મારી સાથે ગમ્યું હોય એમ લાગ્યું.  અજયની આંખોમાં એક અલગ આકર્ષણ હતું. જે કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકે, અને એજ આંખો મને આકર્ષી રહી હતી. એની સાથે નો એક કલાક કેમ વીતી ગયો મને ખબર જ ના રહી. એને બળપૂર્વક મારી પસંદનું જ જમવાનું ઓર્ડર કરાવ્યું. જમ્યા બાદ આઈસ્ક્રીમ પણ મંગાવ્યો. મને બહુ જ ગમ્યું. જમ્યા બાદ હોટેલની બહાર નીકળી અમે છૂટા પડ્યા. હું હોસ્ટેલ તરફ અને એ પોતાનું સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હતું એ તરફ ચાલવા લાગ્યો.
હોસ્ટેલ પહોંચી ત્યારે શોભના, સુસ્મિતા અને મેઘના જોબ ઉપર ચાલ્યા ગયા હતા. મેસમાં જમવાનું પણ પૂરું થઈ ગયું હતું. હું ઉપર મારા રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કરી બેડમાં સુઈ જઈ મનોમન ખુશ થવા લાગી. મારુ એક સપનું હકીકતમાં બદલાઈ ગયું હોય એમ લાગવા લાગ્યું. જે છોકરાના મળવાની દૂર દૂર સુધી કોઈ આશા નહોતી એની સાથે બેસીને આજે લંચ કર્યું. અજયની સાથે બેસી જમ્યાનો આનંદ બહુ જ થયો. એ આનંદ મેં મારી ડાયરીમાં લખી વ્યક્ત કર્યો.
       બેડમાં પડ્યા પડ્યા સતત એના જ વિચારો કરવા લાગી. એને વારંવાર મળવાનું મન થયા કરતું. પણ એના વિશે હજુ મને કંઈ જ ખબર નહોતી. એના વિશે જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ એ જ્યારે મળ્યો ત્યારે મારા હોઠ સિવાઈ ગયા. કંઈ બોલી જ ના શકી. મને હવે અજય સાથે પ્રેમ થઈ ગયો હતો. મારો પહેલો પ્રેમ. એના વિશે જાણવાની તાલાવેલી, એને મળવાની સતત ઈચ્છા કરવી, એની સાથે બેસી રહેવું. મને ગમવા લાગ્યું હતું. એને જોવા માટે મન વ્યાકુળ બનતું. પણ આજના સમયની જેમ એ સમયે મોબાઈલ ફોનનું એટલું ચલણ નહોતું. કે ના આવા કોઈ સોશિયલ મીડિયા જ્યાં એક બીજાથી દૂર રહીને પણ કલાકો સુધી જોડાયેલા રહી શકાય. એકબીજા વિશે ના કહેલી વાતો પણ જાણી શકાય. એ સમયે તો બસ ઓચિંતું મળાઈ જાય. અથવા નક્કી કરેલી જગ્યાએ, નક્કી કરેલા સમય પર પહોંચી જવાનું. પણ ખરી મઝા તો એ સમયની જ હતી. કેટલુંક ના જાણવામાં પણ મઝા હતી.અત્યારે તો બધું જાણીને પણ અજાણ બની જવાય છે. બધું જ આંગળીના ટેરવા ઉપર હાજર છે. ઑનલાઇન નિકટતા વધી છે તો ઓફલાઈન ઘટી ગઈ. પણ એ સમયે લોકો વારંવાર મળતાં. સંબંધો લાંબો સમય ટકતા. કોઈના મળવાની ઇંતેજારી રહેતી. મને પણ અજયના મળવાની આ ઇંતેજારી હતી. એ ક્યારે મળશે હવે એના વિચારો કરવા લાગી. "શું એને પણ મને મળવાનું ગમ્યું હશે ? એના દિલમાં પણ એજ લાગણી જન્મી હશે જે મારા દિલમાં જન્મી છે ?" આવા વિચારોમાં મન વ્યાકુળ થવા લાગ્યું.
હું વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ રૂમની બહાર થોડો કોલાહલ સંભળાયો. મેં બેડમાંથી ઊભા થઈ દરવાજો ખોલ્યો. બહાર જોયું તો બધી છોકરીઓ ખુશ થઈ અને નીચે જોઈ રહી હતી.હું પણ બહાર નીકળી. જોયું તો હોસ્ટેલમાં નવું ટીવી લાવવામાં આવ્યું હતું.જેના કારણે બધી છોકરીઓ ખુશ હતી. મને પણ હોસ્ટેલમાં આવેલા ટીવીને જોઈને ખુશી મળી હતી.  ટીવી નીચે જ રાખવામાં આવ્યું. અમે બધા એજ સમયે નીચે ગયા. ટીવી સાથે એક વીસીઆર પણ લાવવામાં આવ્યું હતું. મેડમે અમને સૌને સૂચના આપી કે : "યે ટીવી આપ સબ રાત કો હી દેખ સકેન્ગે, રાત કો ખાના ખાને કે બાદ ૯ સે ૧૦ તક હરરોજ એક ઘન્ટે આપકો મનોરંજન કે લિયે ઇસે દેખને કી છૂટ હૈ, ઔર હર શનિવાર કો હપ્તેમેં એકબાર રાત નો બજે આપકો એક ફિલ્મ ભી દિખાઈ જાયેગી." મેડમની વાત સાંભળી મારી સાથે બધાના ચહેરા ઉપર ખુશી હતી. એ સમયે ટીવીનું ચલણ પણ ખૂબ જ ઓછું હતું. જેના ઘરે ટીવી હોય એ શ્રીમંત કહેવાતું. મને આજે પણ યાદ છે. અમારી સોસાયટીમાં જ્યારે પહેલીવાર એક કાકાના ઘરે ટીવી આવ્યું એ જોઈને હું પપ્પા પાસે ટીવીની જીદ કરી બેઠી હતી. અને પપ્પાએ બેંકમાંથી લોન લઈ બીજા જ મહિને અમારા ઘરમાં ટીવી લઈ આવ્યા હતા. ત્યારે અત્યારની જેમ આટલી ચેનલો તો નહીં પણ એક દૂરદર્શન દ્વારા જ મનોરંજન મળી રહેતું. આજે હોસ્ટેલમાં આવેલા ટીવી જોઈને, મારા ઘરમાં જ્યારે ટીવી આવ્યું હતું એવો જ આનંદ થઈ રહ્યો હતો.બીજી છોકરીઓના આંખમાં પણ ખુશી છલકી રહી હતી.
      સાંજે શોભા લોકો આવ્યા. પહેલાં જ મારા બપોરે મોડા આવવાનું કારણ પૂછ્યું. મેં એ લોકોને હકીકત ના જણાવી અને કૉલેજ લાઇબ્રેરીમાં વાંચવા બેઠી હતી એમ જણાવ્યુ. એ લોકો મને કંઈ વધુ પૂછે એ પહેલાં જ મેં એમને હોસ્ટેલમાં ટીવી આવ્યાની વાત જણાવી દીધી.  મારી વાતને ભૂલી એ ટીવી આવ્યાની વાત સાંભળી ખુશ થઈ ગયા. નીચે જમવા માટે ગયા ત્યારે એમને મેં ટીવી બતાવ્યું. સાથે મેડમે કહેલી વાત પણ જણાવી. સુસ્મિતા અને મેઘના ખુશ હતા. શોભનાને ટીવી આવવાની વાતથી બહુ ફરક ના પડ્યો.  જમીને અમે નીચે જ બેઠા. ટીવીની નજીક પહેલી જ હરોળમાં. અમારી પાછળ બીજી છોકરીઓ પણ ગોઠવાઈ ગઈ. બરાબર ૯ વાગે મેડમે આવી ટીવી ચાલુ કર્યું.  "તું તું મેં મેં" સિરિયલ જોઈ. ખૂબ હસ્યાં. એ સમયે ટીવી જોવાની મઝા જ કંઈક અલગ હતી. દસ વાગે રૂમમાં જઈ સિરિયલના પાત્રોની વાતો અને એમની નકલ કરતાં કરતાં સુઈ ગયા.
         બીજા દિવસે કૉલેજ છૂટ્યા બાદ હું અજયની રાહ જોવા લાગી. પણ આજે મેઘના સાથે હતી. એટલે આમતેમ જોઈ અને અજય ના દેખાતાં હું ત્યાંથી નીકળી ચાલવા લાગી. હું અને મેઘના ચાલીને જતાં હતાં ત્યાં જ અજય અમારી બાજુમાંથી સ્કૂટર લઈને પસાર થયો. એને પાછું વળીને અમારી સામે જોયું. પણ મેઘના મારી બાજુમાં હતી તો મેં નજર નીચી ઝુકાવી લીધી. એ એના રસ્તે સ્કૂટર લઈને આગળ નીકળી ગયો. હું અને મેઘના હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યા. જો મને ખબર હોત કે આજે પણ અજય મળશે તો હું લાઇબ્રેરીમાં કામ છે એવું બહાનું કાઢી થોડી મોડી નીકળતી. હોસ્ટેલ પહોંચી જમી રૂમમાં આવી. શોભના, સુસ્મિતા અને મેઘના જોબ ઉપર જવા માટે નીકળ્યા. મારા મનમાં થયા કરતું કે અજય કદાચ મને જોવા માટે બહાર ઊભો તો નહીં હોય ? હું ગેલેરીમાં જઈ બે-ત્રણ વાર તો ગેટ સામે જોઈ આવી પણ કોઈ દેખાયું નહિ. છતાં પણ મન ના માન્યું. અને પપ્પાને ફોન કરવાના બહાને બહાર નીકળી જોઈ લેવાનું નક્કી કર્યું. પર્સ હાથમાં લઈ, ચપ્પલ પહેરી નીચે ઉતરી. મેડમની રજા લઈ બહાર નીકળી થોડે આગળ ચાલી અને જોયું તો મારી ધારણા સાચી પડી. અજય બહાર જ ઊભો હતો. એની આગળ જઈ અને મેં કહ્યું :
"કેમ તમે અહીંયા ?"
"મારે આ તરફ થોડું કામ હતું."
મને ખબર હતી કે અજય જુઠ્ઠું બોલી રહ્યો છે. એ મને મળવા કે જોવા માટે જ આ તરફ આવ્યો હશે પણ મેં એને કંઈ કહ્યું નહિ. 
"તમે કેમ બહાર નીકળ્યા ? તમને ખબર હતી હું બહાર ઊભો છું ?"
જાણે એને મારા મનના ભાવ વાંચી લીધાં હોય એમ એ મને પૂછી બેઠો.
મેં પણ એની જેમ જ ખોટો જવાબ આપ્યો.
"ના, હું તો ઘરે ફોન કરવા આવી હતી. આ તો તમને જોયા એટલે ઊભી રહી ગઈ."
"સારું ને ! જોવોને, હમણાં બે દિવસથી આપણે કેવા અચાનક મળી જઈએ છીએ."  એને મરમાળા સ્મિત સાથે મને કહ્યું.
મેં પણ મારી નજર ઝુકાવી "હા" કહી જવાબ આપ્યો. 
"કાલે કોલેજ છૂટ્યા પછી આપણે મળીશું પાછા ?"
મને મનમાં જે ઈચ્છા થઈ હતી એને મળવાની એ એને સામે ચાલીને વ્યક્ત કરી નાખી. 
મને આ વારંવાર મળવાનું કેમ થાય છે એ સમજાઈ રહ્યું નહોતું તે છતાં મને અજયને મળવાનું ગમતું અને એટલે મેં એને મળવાની હા કહી. મારો જવાબ સાંભળી એને તરત બીજો પ્રશ્ન કર્યો :
"તમારી ફ્રેન્ડ તો સાથે નહિ હોય ને ?"
"ના, હું કૉલેજ છૂટવાના થોડા સમય પછી બહાર આવીશ. એને કહી દઈશ કે મારે લાઇબ્રેરીમાં કામ છે. એટલે એ વહેલી નીકળી જશે."
મારા જવાબ સાથે એને પણ લાગ્યું કે મને એને મળવાનું ગમે છે. એના ચહેરા ઉપર ખુશી હતી અને મારા ચહેરા ઉપર શરમ. 
બહુ સમય ત્યાં ના ઊભા રહેતાં એ સ્કૂટર લઈને ત્યાંથી નીકળી ગયો અને હું પપ્પાને ફોન કર્યા વગર જ હોસ્ટેલ પાછી ફરી 
બીજા દિવસે અમે મળવાના છીએ એ વાતની મને ખુબ જ ખુશી હતી. રૂમમાં જઈ હું મારા ચેહરાને અરીસામાં જોવા લાગી. વાળની લટોને સરખી કરવા લાગી. મારા દિલ દિમાગ ઉપર બસ અજય અજય જ છવાયેલું હતું. અજય સાથેની ત્રણ જ મુલાકાતોમાં મને જાણે એની સાથે વર્ષોનો સંબંધ હોય એવું લાગવા લાગ્યું. ખબર નહિ કેમ પણ મને એની સાથે ગમતું. એનો દેખાવ, વાત કરવાનો અંદાઝ, એનો સ્વભાવ, એના કપડાં બધું જ મને એની તરફ આકર્ષી રહ્યું હતું. હું એના માટે પાગલ થવા લાગી હતી. એના વિચારોમાં મને મમ્મી પપ્પાના વિચારો પણ આવતાં નહોતા. એક અઠવાડિયું પૂરું થયું હોવા છતાં મેં પપ્પાને ફોન કર્યો નહોતો.  એક પારકી વ્યક્તિના મળવાથી પોતાના પણ ભૂલાઈ જાય એ મેં ત્યારે અનુભવ્યું. મને પપ્પાને ફોન કરવાની જેટલી ઉતાવળ ના થતી એનાથી વધારે અજયને મળવાની ઉતાવળ રહેતી.  એ રાત્રે હું ટીવી જોવા માટે પણ ના રોકાઈ. માથું દુઃખે છે એવું બહાનું કાઢી વહેલી સવાર થાય એ માટે સુવાના પ્રયત્નો કરવા લાગી. પણ વિચારોમાં અજય સાથેની મુલાકાતના વિચારો જ ઘેરાયેલા હતાં.

(કાવ્યાને અજયની મુલાકાતોનું શું પરિણામ આવશે ? શું અજય કાવ્યાને પોતાની કોઈ ચાલમાંતો નથી ફસાવી રહ્યો ને ? કાવ્યના સાચા પ્રેમને શું અજય પણ સાચા પ્રેમથી સ્વીકારશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ"ના હવે પછીના પ્રકરણો)

લે. નીરવ પટેલ "શ્યામ"