૪.એવા પણ માનવીઓ
એક funny વાત સાંભળેલી એ કહું. બિઝનેસ એરિયામાં અડી અડીને બેંક બ્રાંચો. એક એજન્ટ સાહેબની ટ્રાન્સફર થઈ. નવી શાખામાં શરૂ થતાં પહેલાં પહોંચી ગયા અને એજન્ટની ચેર સામે બેસી ગયા. એજન્ટ આવતાં હાથ મિલાવી કહે ‘મારી અહીં તમારી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે. ચાર્જ લેવા આવ્યો છું.’ પેલા એજન્ટને પણ ટ્રાન્સફર ડ્યુ તો હતી. ‘ચાલો અગિયાર વાગે રિજિયનને ફોન કરું’ કહી ચેર ખાલી કરી પોતે કેશ ખોલવા વ. ગયા. પિયુને પાણી આપ્યું. સ્ટાફ, ખાસ તો યુનિયન લીડર આવી મળી ગયા, તલમાં કેટલું તેલ છે તે ક્યાસ કાઢવા. સાહેબને આજની ટપાલ આપી. ચાર્જ ટેકીગ રજીસ્ટર આવ્યું, તેમણે ખોલ્યું. આ શું? પોતે બીજી બેંકની ચેરમાં બેસી ગયેલા! સોરી કહી પેલા એજન્ટની ચા પી બાજુમાં સાચી બેંકમાં પહોંચ્યા.
બીજી નાની વાત. એક ભાઈને બેંકની નોકરીની એટલી ભક્તિ કે બેંકના પગથિયે હાથ,મસ્તક લગાડી પછી દંડવત પ્રણામ કરે. એમાં એકવાર નીચે નમેલા ત્યાં પાછળથી કોઈ વાહન કે ગાય ઢીંક મારી ગઈ, ખાટલો.
એક ભાઈ પોતે ભક્ત છે એ બતાવવા બેંકમાં આવી કાઉન્ટરપર પર્સનલ ગાદી સાફ કરી સામે ચોંટાડેલ છબીને અગરબત્તી કરે અને આંખ બંધ કરી હોઠ ફફડાવતા 5 મિનિટ સ્તોત્ર બોલે. સામે ગ્રાહક ‘એ.. માઈબાપ, જલ્દી કરો’ વ. બોલતો રહે. કેટલાક ગુમાસ્તાઓ ખાસ એ સમયે સામે આવી મસ્તી કરે જ.
એક મિત્રને કવિતા રચવાનો શોખ. અમે હાથે ક્લિયરિંગના ચેકોને શિડયુલ એટલે કે ટૂંકમાં બેંકનું નામ દા.ત. amc khkr અને રકમ લખતા, હાથથી રૂમાલ દબાવી ટાંકણી મારતા એ કામ સાથે એ કાવ્ય સંભળાવ્યા કરતા. એનું જોઈ મેં ચાળો કરેલો, મને કેમ કવિતા લખવી એ સલાહ આપતા.
એક મિત્ર કરંટમાં બેસતા. જે વેપારી આવે એને ‘મોરારજી નું આમ થયું’ ને ‘ઇન્દિરા તેમ’ શરૂ રાજકારણ. એમાં ટાઈમપાસ કરતા.
એમાં આવેલ કોલગેટનો પબ્લિક ઇસ્યુ. ફોર્મ ભરનારાની લાઈન પોણો કિલોમીટર લાંબી. લાઈનમાં ઉભવાના લોકો પૈસા આપતા. દાતણવાળા ને ચાવાળા ઓનમાં ફોર્મ વેંચતા અને લાઈનમાં છોકરા ઉભા રાખતા.
એવો જ આવ્યો રિલાયન્સનો પહેલો ઇસ્યુ. એક અફવા કે ‘વાણિયો 3 4 વર્ષ ચલાવી પૈસા ડુબાડી ભાગી જશે’ બીજી ‘સોનાના મહેલ ચણાઈ જશે સાહેબ મારા’. લાઈનનો પાર નહીં. તમારા નામે ફોર્મ ભરી તમારી સહી લેવાના પૈસા મળે. મને કોઈએ પૂછ્યું કે તમારા કુટુંબના બધાના નામે ભરીએ. મેં ના પાડી. મારા મા બાપ ના નામ હું આપવા માંગતો ન હતો. હું તો 21 વર્ષનો જ હતો. મારી બચત અને અક્કલ એટલી હતી પણ નહીં.
કહે છે એક બેંકમાં પાછલું બારણું અટકાવેલું. આગળનો દરવાજો બંધ રાખી એક સાહેબ રજાને દિવસે બેલેન્સ મેળવવા આવેલા. સંપૂર્ણ મગ્ન. પેલી ગાય બેંકમાં ઘુસી ગઈ અને ખાવા માંડી જુના લેજરો ને રેકોર્ડ! સાહેબે હાથ ઉગામીહઇડ હઇડ કર્યું પછી ખુરશી ઉગામી. ગાયે હુમલો કર્યો, સાહેબે રાડારાડ. નજીકની લારીવાળો કઈંક લઈ આવ્યો ને સાહેબ ભાંગ્યા તૂટ્યા છૂટ્યા.
એક બંધુ કામથી ભાગતા. મારી કોઈક રીતે સ્પીડ આવી ગએલી. સાહેબે સમજાવ્યું કે નામ ને નંબર સાથે જુઓ.’સહદેવ..49051.’ પછી રકમ શબ્દો અને આંકડામાં. ભૂલ નહીં થાય. મારે તો લેજર પોસ્ટિંગ આવે એટલે ગાડી ગિયરમાં. એમાં ક્યારેક બ્લન્ડર પણ થતી, ભાગ્યે જ. પેલા બંધુ પોસ્ટિંગ પાસ કરતા રહે.’તમને શીખવા મળશે’ ને પોતે ભજિયાં ખાવા ઉપડી જાય. એક દિવસ એમણે રજા રાખી. કેમ? કોઈ કું. ના ડિવિડંડના 300 વઉચારો એમણે એકલા પોસ્ટ કરવા પડે. ને એ જ કામ મેં 2 વાગ્યા સુધીમાં પૂરું કરી લીધું. ઉપરી સાહેબ ખુશ થઈ કહે તું છુટ્ટો. બેસ. 3 વાગે રીસેસ પડે ત્યાં સુધી ગપ્પા લગાવ્યા પછી કોઈની સપ્લીમેન્ટરી લખવા!
તો આવા દિવસો પસાર કરતા હતા અને ડાયરેક્ટ ઊંચી પોસ્ટની તૈયારી કરતો હતો ત્યાં આવી હડતાળ.