સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો આખી ધરા પર ચાદરની માફક પથરાઈ ગયા હતાં. પંખીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો અને કૂકડો તો સવાર પડ્યાંનાં તેનાં કૂક્ડે...કૂક... કરવાનાં કામમાંથી પરવારી ચૂક્યો હતો સાથે સાથે રસ્તાઓ પર 'બાહુબલી' સમા યોદ્ધાઓ એટલે કે આજનાં આધુનિક માનવીઓ પોતાનાં અશ્વરૂપી વાહનો પર સવાર થઈને જીવનનો સંઘર્ષરૂપી નિ:શસ્ત્ર જંગ લડવા નીકળી પડ્યા હતાં.
રસોડામાંથી અમૃતાબેન રોજની માફક બુમો પાડીને તેમનાં દીકરા અવસરને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
" અવસર, બેટા ઊઠ તારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઊઠ જલ્દી... "
તો બીજી બાજુ અવસર પણ રોજની જેમ " ઊઠુ છું મમ્મી, હજુ વાર છે... " એમ બોલીને બિસ્તરમાં જ અંગડાઈઓ લઈ રહ્યો હતો અને કમને જાગી જવાનો પ્રયત્ન કરતો હતો.
અવસર માંડ-માંડ ઊઠીને ત્યારબાદ બ્રશ કરીને નાહી-ધોઈને 'બ્રેક-ફાસ્ટ' કરવા માટે રસોડામાં પ્રવેશે છે. અમૃતાબેને તેનાં માટે ચા-નાસ્તો તૈયાર કરીને જ રાખ્યો હોય છે.
અવસર ચાનો કપ હાથમાં લે છે ને અમૃતાબેન બોલી ઉઠે છે,
" હવે તો હું થાકી ગઈ છું આ રોજ-રોજની માથાકુટથી... "
" કેમ શું થયું મમ્મી ? " અવસર ચાનો કપ હોઠે લગાડતા પહેલા કહે છે.
" તને ખબર છે કે શું થયું છતાં પણ પૂછે છે. સવારે વહેલા ઊઠીને પાણી ભરવાનું, કપડા ધોવાના, વાસણ માંજવાનાં, ઘરની સાફસફાઈ કરવાની અને પછી તારા માટે ચા-નાસ્તો બનાવવો. આ દૈનિક કામોથી તો હવે હું કંટાળી ગઈ છું. મારાથી હવે આટલું બધું કામ નથી થતું. "
" તો હવે શું કરી શકાય મમ્મી ? " અવસર ચા-નાસ્તો કરતાં કરતાં અમૃતાબેન તરફ જોઈને બોલે છે.
" મેં તને ના પાડી હતી ને કે આફરીનને મુંબઈ ના મોકલીશ પણ તે મારી વાત નહીં માની. " અમૃતાબેન થોડા ચિંતાગ્રસ્ત અવાજે બોલ્યાં.
અવસર ચાની એક ચૂસકી લઈને બોલ્યો,
" પણ મમ્મી એને વધું ભણવું હોય તો આપણે તેને ભણવા દેવી જોઈએ ને એમાં ખોટું શું છે ? "
" હું પણ માનું છું કે તેને આગળ ભણવા દેવી જોઈએ પણ તું મારો તો વિચાર કર. મારાથી આટલું બધું કામ એકલેહાથે આ ઉંમરે કેવી રીતે થાય ? અને જવાન છોકરીને પણ આવી રીતે અજાણ્યા શહેરમાં ન મોકલાય ને... " અમૃતાબેન આટલું બોલીને અવસરની સામે તાકે છે.
વાત આગળ વધારતાં અમૃતાબેન બોલે છે,
" હું તને લગ્ન કરવાનું કહું છું તેનો પણ તું કોઈ સરખો જવાબ આપતો નથી. ઘરમાં વહુ આવે તો મારો કામનો ભાર ઓછો થાય. પણ તું... "
અમૃતાબેનને વચ્ચેથી જ અટકાવતાં અવસર બોલ્યો,
" મમ્મી, મેં તને કીધું છે ને કે મારુ નોકરીમાં પ્રમોશન થાય અને પગાર વધે ત્યારબાદ જ હું લગ્ન વિશે વિચારીશ. કેમ કે, હમણાં આટલાં ઓછા પગારમાં હું મારા જીવનસાથીનો ખર્ચ ઉપાડી શકું તેમ નથી. "
" તારે અને આફરીનને જે કરવું હોય તે કરો. હું તો હવે તમને કંઈજ કહેવા માંગતી નથી. હું ભલો ને મારો રામ ભલો. " આટલું બોલી અમૃતાબેન રસોડામાંથી બહાર નીકળી બીજા કામમાં પરોવાઈ ગયા અને અવસર પણ ચા-નાસ્તો પતાવીને ઓફિસે જવા નીકળી પડ્યો.
અમૃતાબેનનાં પતિ આલોકનાથ દસ વર્ષ પહેલા 'હાર્ટ-એટેક' થી મોતને ભેટ્યા હતાં. વારસામાં અમૃતાબેનને એક નાનકડું ઘર, થોડા દિવસનો વિલાપ અને જીવનભરનું દુઃખ તેમજ બે સંતાનો મુકીને ગયા હતાં.
મોટો દીકરો અવસર પોતાનું પોસ્ટ-ગ્રેજયુએશન પુરુ કરીને એક પ્રાઈવેટ કંપનીમાં સેલ્સમેનની જોબ કરતો હતો જેનાથી તેમનું ઘર માંડ-માંડ ચાલતું હતું. તો નાની દિકરી આફરીન બારમા ધોરણમાં ટોપ કર્યા બાદ આગળ આર્કીટેકટનું ભણવા માટે મુંબઈ જવા માટે તૈયાર થઈ હતી.
અવસર આફરીનને મુંબઈ મોકલવા રાજી હતો પરંતુ અમૃતાબેનને છોકરીની ચિંતા હતી. ગુલાબનાં ફૂલની પાંખડી જેવી કોમળ, એકવાર જોતા મન ના ભરાય ને વારંવાર જોવાની ઈચ્છા થાય અને જેને નિહાળતાં કોઈપણ જવાન હૈયુ "આફરીન" પોકારી ઊઠે તેવી હતી આફરીન... પોતાની લાડકવાઈ દિકરીને કઈ મા આવી રીતે અજાણ્યા શહેરમાં એકલી રહેવાં માટે સંમતિ આપી દે ??
પરંતુ અવસર અને આફરીનનાં 'ઈમોશનલ અત્યાચાર' સામે તેમની મા હારી ગઈ અને આફરીનને એકલી મુંબઈ મોકલવા રાજી થઈ ગઈ. આફરીનને મુંબઈની એક પ્રખ્યાત આર્કીટેકટ કૉલેજમાં એડમિશન મળી ગયું. તેનાં થોડા દિવસ બાદ તેણે મમ્મીને જણાવ્યું કે,
" તમારે મારા અભ્યાસ ખર્ચની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, મને અહીં એક ફાઈવ-સ્ટાર હોટલમાં રિશેપ્શનીસ્ટની જોબ મળી ગઈ છે. " અમૃતાબેન પણ પોતાની દિકરીની કાબેલિયતથી વાકેફ હતાં.
એક સાંજે અમૃતાબેનને થયું કે આફરીન સાથે વાત કર્યાને ઘણાં દિવસ થઈ ગયાં. તેમણે ફટાફટ પોતાનો મોબાઈલ કાઢ્યો અને 'માય પ્રિન્સેસ' નામથી 'સેવ' આફરીનનાં નંબર પર કૉલ લગાડ્યો. મોબાઈલ ફોનની રિંગ વાગતી હતી પરંતુ આફરીન ફોન 'રિસીવ' નહોતી કરતી. ત્યારબાદ અમૃતાબેને બીજી વાર કૉલ કર્યો અને થોડો સમય રિંગ વાગ્યા બાદ આફરીને કૉલ ઉપાડ્યો.
" હલો માય સ્વીટ મમ્મી, કેમ છે ? " સામેથી જાણે ચાસણીથી લથપથ ગુલાબજાંબુની મીઠાશ જેવો મધુર અવાજ સંભળાયો.
" મારુ છોડ તું પહેલા એ કહે કે તે પહેલી વારમાં ફોન કેમ ન ઉપાડ્યો ? " હળવા ગુસ્સા સાથે આફરીનને ઠપકો આપતાં અમૃતાબેને કહ્યું.
" મમ્મી, એ તો હું જરા કામમાં બીઝી હતી એટલે... તું એ છોડને મને એ કહેને તું અને અવસરભાઈ મજામાં છો ને ?? " આફરીનનાં દરેક શબ્દમાંથી જાણે અમીની વર્ષા થતી હતી.
" હું અને અવસર બંને મજામાં છીએ. તારું ભણવાનું અને જોબ કેવી ચાલે છે ? "
" બધું જ મસ્ત ચાલે છે, મમ્મી. સવારે કૉલેજ ત્યારબાદ જોબ અને આમાં ને આમાં દિવસ ક્યારે પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી. "
" એ બધું તો ઠીક પણ તું તારા શરીરની કાળજી રાખજે અને જમવાનું સમયસર લેતી રહેજે. ત્યાં તારી મમ્મી નથી કે તને ઠપકો આપીને વધારે જમાડે !! "
" હા મમ્મી, ચોક્કસ. ચાલ ફોન મુકું હવે. જોબ પર છું પછી ફ્રી થઈને તને કૉલ કરીશ. " ફટાફટ આફરીન બોલી ગઈ.
" સારુ મૂક અને તારું ધ્યાન રાખજે. બાય... "
" બાય, માય સ્વીટ મમ્મી... "
હજુ આફરીને ફોન 'કટ' કર્યો જ હતો અને પાછળથી એક ભારેખમ અવાજ આવ્યો,
" એ સાલી રંડી, આજા લેટ જા ફિર સે બિસ્તર પે... "
- બાદલ સોલંકી " બાવલો છોરો "
Whatsapp No :- 9106850269