mukti in Gujarati Women Focused by Hetal Chaudhari books and stories PDF | મુક્તિ

Featured Books
Categories
Share

મુક્તિ

      ઘડિયાળ માં સવારના 6 વાગ્યાનું એલામૅ જોર જોરથી રણકી ઉઠ્યું,પ્રકૃતિ અનિચ્છા એ પથારીમાં બેઠી થઈ અને એલામૅ બંધ કરી એક નજર બાજુમાં ઘોરી રહેલા સાગર તરફ માંડી.
    હૃદય ઘૃણાથી ભરાઇ ગયું,આંખોમા તિરસ્કાર ઉપસી આવ્યો,તેનો સુંદર કોમળ ચહેરો ક્રુર બન્યો, તેની આ નજર જો સાગરે જોઇ હોત તો તે જરૂર છળી મયૉ હોત.
    પ્રકૃતિ ઉઠીને અરીસા સામે ઉભી રહી,આંખો રડી રડીને લાલ થઇ ગઈ હતી અને મો સૂજી ગયું હતું. તેને રાતની ઘટના ફરી યાઁદ આવી અને ફરી ફરીને આંખમાં આંસુ ઉભરાવા લાગ્યા.
     તેણે મનને મક્કમ કયુઁ, અને ઘોડિયામાં સુઇ રહેલા બાળક નજર કરી,નજર ની દોરવાય તે બાળક પાસે પહોંચી અને બાળકને ચુંબનો થી નવડાવી નાખ્યું
    બાળકના મુખ પરના નિર્દોષ હાસ્ય ને જોઈને તે પળવાર માટે પોતાના બધાજ દુઃખ ભૂલી ગઈ,બાળક જાગે નહીં તેમ ઘોડિયા માંથી બહાર કાઢ્યું અને  છાતીસરસું ચાંપી બહાર ગૅલરીમાં આવીને ઉભી રહી.
     શિયાળાના દિવસો હોવાથી ઝાંખુ ઝાંખુ અંધારું હજુ પૃથ્વીને ઘેરીને ઉભું હતું,જાણે પ્રકૃતિના સાનિધ્યને પામવાના તેના અભરખા હજુ પૂરા થયા ન હોય અને હજુ થોડી વાર, હજુ થોડી વાર એમ કહીને સૂયૅપ્રકાશને તે વિનવતુ હતુ.
    આ પ્રકૃતિના હૃદયમાં પણ ઘમસાણ યુધ્ધ ચાલતુ હતુ, જીંદગીની આ કાળરાત્રીમાં તેને ક્યાંય પ્રકાશ નાં ચિન્હો દેખાતા ન હતા.
    સાગર સમાજમાં માન અને મોભો ધરાવતો પ્રતિષ્ઠિત વ્યક્તિ ,બેંક મેનેજર તરીકે પૈસા કમાતો  અને  પોતાના અતિ આધુનિક વિચારોને પુસ્તકોમાં રજુ કરીને એક આક્રમક લેખક તરીકે નામના કમાતો.
      પત્ની પર હંમેશા પોતાનો પ્રભાવ અને પતિ તરીકેનો દાબ પાથરવા મથતા સાગરનુ આ રૂપ આગલા બંને રૂપો કરતા અલગ ,વાસ્તવિક  અને  વધુ વરવું હતુ. એકમાત્ર પ્રકૃતિ જ તેના આ રૂપને જાણતી હતી, જોતી હતી અને સહન પણ કરતી હતી.
      એક સમયની હસમુખી,મળતાવડી, અને પતંગિયા ની જેમ પસન્નતાથી ભરી ભરી રહેતી પ્રકૃતિ સાગરના શંકાશીલ મગજના ભારતળે કચડાઇને મરણતોલ થઇ ગઇ હતી.
       જે ફોનની ઘંટડી સાંભળવા તેના કાન હંમેશાં આતુર રહેતા, તેનો ફોન આવતા જ તે જાણે બહેરી થઇ જતી, કોઇને કોઇ  બહાના હેઠળ આવતા સાગર ના ફોનનો નંબર મોબાઈલમાં જોવા છતાં તે ઉપાડતી નહીં.
        સાંજે ઘરે આવીને સાગર એક એક વસ્તુને ઝીણવટપૂવૅક જોતો, એ જ નજર જ્યારે  પ્રકૃતિ પર સ્થિર થતી ત્યારે પ્રકૃતિ પોતાની જાતને નિવૅસ્ત્ર અનુભવતી.
       સાગર બોલતો તો કંઈ નહીં પણ તેની આંખોમાં રહેલો શંકાનો કીડો ધીરે ધીરે પ્રકૃતિને ફોલી રહ્યો હતો, સડાવી રહ્યો હતો.
       પ્રકૃતિ રડતી, અકળાતી, તરફડતી ને આખરે છુટવા મથતી પણ સમાજ અને તેના રિવાજોના ભારે તેને સાગરની અધૉગિની બની રહેવા બાંધી રાખી હતી.
        ક્યારેક કપાળ પરનું સિંદુર ભૂંસાઈ જાય, હાથની બંગડીઓ તૂટી-ફૂટી જાય, મંગળસૂત્ર નો એક એક મણકો છુટો પડી જાય એવી અમંગળ કલ્પનાઓ પણ તે કરી બેસતી.
        આમને આમ તેમના ઘરે પારણું બંધાયુ, હવે બધું બરાબર થઇ જશે એવી આશા ઓમાં રાચતી પ્રકૃતિની એ આશા પણ ઠગારી નિવડી જ્યારે સાગર ઝુકી ઝુકીને બાળકના મો સામે જોઇ રહેતો,તેના મોં ના ભાવ આવનારા કોઇ મોટા તોફાનની જાણે એંધાણી આપતા હતા.
         પ્રકૃતિ એ સાગરના મનમાં વિશ્વાસ જાગ્રત કરવા ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા,પણ સાગરના મૂળ સ્વભાવમાં કોઇ પરીવતૅન દેખાતું ન હતું.
      પહેલી પ્રસુતિ માટે પણ સાગરે તેને પિયર જવા દીધી ન હતી એટલે પ્રકૃતિના માતા-પિતા દિકરીની ખબર જોવા આવ્યા હતા.
     માતાની ગોદની હૂંફમાં અને બાળકની પ્રસન્નતા ભરી કિલકારીઓમાં તે પોતાના દુઃખોને ભૂલવા મથતી હતી.
       રાત્રે સાગરે પ્રકૃતિને જણાવ્યુ કે "ડૉકટરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે કાલે સાંજે પાંચ વાગ્યે બાળકના ડી.એન.એ ટેસ્ટ માટે જવાનું છે ."
      પ્રકૃતિ સ્તબ્ધ બનીને તેની સામે જોઇ રહી,તેને ગળુ ફાડી ફાડીને સાગર સાથે  લડવાનું મન થયું, ગુસ્સો અને રૂદન એકસાથે બહાર આવવા જાણે મથતા હતા.
       પ્રકૃતિ પલંગ પર ફસડાઇ પડી,પોતાના અસ્તિત્વ અને આત્મસન્માન ના લીરેલીરા ઉડાવી સાગર રૂમની બહાર ચાલ્યો ગયો.
        રડી રડીને લોથ થયેલી પ્રકૃતિ ક્યારે ઉંઘી ગઈ તેનું પણ તેને ભાન ન રહ્યું.
         અંધારાને આપેલી મુદત પૂરી થતાં જ સુરજ પ્રકાશથી પૃથ્વી ના ખુણેખૂણાને ભરવા લાગ્યો.
          અને એકવાર ફરી માતા-પિતાની આંગળી પકડીને, બાળકને સાથે લઇને વાત્સલ્યની હૂંફ મેળવવા અને આપવા પ્રકૃતિ એ કાયમ માટે સાગરનાં ઘરને અલવિદા કરી દીધી.
           સોનાના પાંજરે પૂરાયેલુ પંખી મૂક્ત ગગનમાં વિહરવા આઝાદ થયું.