Nashili.. Nashili ye raat hai hemant ki in Gujarati Magazine by Kaajal Chauhan books and stories PDF | નશીલી...નશીલી...યે રાત હેં હેમંત કી..

Featured Books
Categories
Share

નશીલી...નશીલી...યે રાત હેં હેમંત કી..

નશીલી....નશીલી...યે રાત હેં હેમંત કી.....

રામને અભિમાન શાં?

મરદને સાહસ શાં?

સ્ત્રીને શણગાર શાં?

શિયાળાને શસ્ત્રો શાં?

ઠંડીનો ઠૂઠવતો પગ પેસારો સર્વે માનવના શરીર પર આક્રમણ કરવાની તૈયારી સાથે આવી પહોંચ્યો છે ત્યારે તેનાથી રક્ષણ મેળવવાના શસ્ત્રો સાથે સજ્જ જનમાનસ પણ સામી છાતીની લડાઈ દ્વારા પોબારા ગણાવી દેવા આતુર છે.  જી.હા. હુજુર. વાત થઇ રહી છે ઠંડીની ફુલગુલાબી ઋતુ તરીકે નવાજવામાં આવેલી એવી શિયાળાની થરથરતી અને કાતિલ એવી હેમંત ઋતુની. તાપણું કરીને ટાઢમાં થરથરતા અને અલક- મલકની વાતો કરતા અલગારીઓના મોઢામાંથી પવનના સુસવાટા સાથે શશશ..... કરતો નીકળતો અવાજ એટલે હેમંત જામી ગયાના એંધાણ.

મિલનની રાત્રિએ સોળે શણગાર સજીને શયનખંડમાં પોતાના પ્રિતમની રાહ જોતી પ્રિયત્તમાનાં બારણે ટકોરા પાડવાના અવાજથી શરમથી લાલ થઇ જતાં ગાલ અને ધ્રુજી ઉઠતા હોઠનાં જેવી હાલત હેમંત નાં ચમકારાથી થાય છે જેમ ગલુડિયું ઠંડીથી બચવા પોતાના માંના ગોદમાં લપાઈ જાય છે તેમ ગમે તેટલા વિખુટા રહેલા યુગલો માટે આ રીઝવવાની અને મનાવવાની મસ્ત મજાની મિલનની ઋતુ છે. શાં કારણે શિયાળામાં લગ્નોનો રાફડો ફાટી નીકળતો હશે? કદાચ એક થવાના બીજા કારણ ગૌણ થઇ જતા હશે. (ખરુને). આ ટાણે તો પોતાના સાંજનથી દૂર રહેવું એ જ મોટી હિંમત માંગી લે છે એકમેકમાં ઓતપ્રોત થવાની તાલાવેલી, ઠુંઠવતી ઠંડીમાં પણ શરીરને દાહ લગાડનારા કામદેવ પોતાના કામણરૂપી બાણથી સર્વે નાર- નારીઓને ઘાયલ કરતાં હશે અને પછી હૈયાં હિલોળાં લઈને વગર ધુળેટીએ પ્રેમમાં રંગાતા હશે .

વહેલાં સુઈ જતી સંધ્યા, મોડા ઉઠતી પ્રભાત, ધીમે ધીમે પ્રસરતા સૂર્યનાં સોનેરી કિરણો, મહાપરાણે રજાઈ ત્યજીને આળસ મરડીને ખંખેરાતી નિંદ્રા, ગરમ ચાની ચૂસકી સાથે વ્યાપી જતી તનબદનની તાજગી અને પછી ચાલુ થતો દિવસ, ઢળતી સંધ્યા સાથે પોતાની અદ્યાગિની ને પોતાના પ્રેમની ચાદરમાં સમાવી લેવા આતુર પતિ પરમેશ્વરના જાગી ઉઠતા હોર્મોન્સના ઉછાળા અને ઘર તરફ મંડાતા ડગ, કાતિલ ઠંડીમાં ઠુંઠવાતાં મોકાની રાહ જોઈને આખરે અગાઢ પ્રેમના સાનિધ્યમાં બીજા શરીરનો ગરમાવો મેળવી હૂંફ લેતા શરીર- કાતિલ ઠંડીમાં મધહોશ બનાવી એ હદે કાતિલ અને માદક એવી હેમંતની આ રાત્રિઓ.

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથતા બખોલમાં ઊંડે સુધી ઉતરી જતા પક્ષીઓ, માંની ગોદમાં ઘૂસીને હૂંફ મેળવતાં સસ્તન પ્રાણીઓ, નખશિખ ઢંકાયેલી સ્ત્રીના અંગ-ઉપાંગને જોવા ટેવાયેલી આંખોને મળતી નિરાશા, બાથરૂમમાંથી નાહીને ઠેકડાં મારતા તડકામાં ભાગી જતા ટેણિયાંઓ અને વાંદરાટોપી પહેરાવતી મમ્મીઓ -જેને જોઈને વાંદરાઓને પણ ઘડી ભર છળી મરવાનું મન થતું હશે કે માનવ ને મારા જેવું કાં થવું છે?

સૌથી સુખી ક્ષણોનો સમન્વય સર્જાય આ અરસામાં પરણીને એક થઈને એકબીજાને વધુ સમય આપવા અને મન-તનથી જાણવા હનીમૂન માટે હિલસ્ટેશન જતાં યુગલો માટે - નવો સવો પ્રેમ, એકબીજા સાથે નિકટતાની પળો માણવાનો મળતો અમૂલ્ય અવસર, દુનિયાથી દૂર પોતાની જ દુનિયામાં ખોવાઈને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં નિમિત્ત બનતી કાતિલ ઠંડી. ભૂલી ન શકાય એવી યાદોનો ખજાનો પેટી ભરીને આપે જેના અહેસાસથી આખું વર્ષ તરોતાજા રહેવાની ઉર્જા જડી જાય.

જે તડકો ગીષ્મ ઋતુમાં કાયા પર અંગાર બનીને વરસતો હોય એ જ તડકાનો હેમંત ઋતુમાં સનબાથ લઈને આભાર માનવામાં આવે, જે હવા ખાવા માટે ઉનાળાની રાત્રિએ બહાર ટહેલતા હોઈએ એનાથી જ બચવા ઘરમાં ભરાઈ રહેવું પડે ત્યારે કુદરતના આ અનોખા કરિશ્મા સામે માનવી પાંગળો છે એ ફરી સાબિત થાય. પણ સાવધાન કેટલાક માટે વરદાન બનતી હેમંતની રાત્રિઓ અભિશાપ બનીને ઉતરી આવે ગરીબ મજૂરો માટે કે  અને પોતાની એક માત્ર જગ્યા રસ્તા પર ટૂંટિયું વાળીને સૂતેલા અસહાય માનવીઓ માટે.