અઘોર આત્મા
(હોરર-સસ્પેન્સ નવલકથા)
(ભાગ-૪ : નર-બલિ)
--------------------
લેખક : ધર્મેશ ગાંધી
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
-----------------------
(ભાગ-૩ માં આપણે જોયું કે...
ચાંડાલ ચોકડી બનાવીને ભદ્રકાલીની ગુફામાં જવા માટે મને ત્રણ વિદેશી યુવક—યુવતીઓ મળી ગયાં હતાં. એમને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટેનો મસાલો પૂરો પાડવા માટે મેં એમને જંગલમાં અઘોરીઓની સૃષ્ટિમાં લઈ જવાનું નક્કી કર્યું. તેઓ મને પણ એક પ્રેતાત્મા – ભટકતી આત્મા સમજી રહ્યાં હશે એમ વિચારીને મને હસવું આવી ગયું...
હવે આગળ...)
----------------
દૂર જંગલના ઊંડાણમાંથી મંત્રોચ્ચારનો બિહામણો અવાજ ગૂંજી રહ્યો હતો. ‘મા કાલી... મા ભૈરવી...’નો ઘોઘરા અવાજવાળો નારો ગૂંજયો, ને એના જવાબમાં- ‘મા મા કાલભૈરવી...’ના જયઘોષે વાતાવરણને ફાડી નાખ્યું. જંગલની એક ખાઈમાં માત્ર મશાલોના આગ ઓકતા અજવાળામાં અમે જોયું કે એક કુંડાળું રચીને અમુક અઘોરીઓ સંપૂર્ણપણે નગ્નાવસ્થામાં ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા. રાખ અને રક્તની છોળો હવામાં ઉછાળતા જોરશોરમાં મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. એમની વચ્ચોવચ એક વિશાળકાય પાડો ભયંકર ચીસો પાડતો તરફડી રહ્યો હતો. ચારે તરફથી અઘોરીઓ પોતપોતાના ધારદાર ત્રિશૂળ એ પાડાના શરીરમાં ભોંકી રહ્યા હતા. પાડાના છિદ્રો પડી ગયેલા શરીરમાંથી ગરમગરમ રક્તધારા વહી રહી હતી...
ઢોલ-નગારાંના ઘોંઘાટમાં પાડાની દર્દનાક ચીસો દબાઈ જતી હતી. વચ્ચે એક વેદી ગોઠવવામાં આવી હતી. તેમાં સૂકાં લાકડાં અગનજ્વાળા ઊઠાવીને ભડકો લઈ રહ્યા હતા. વાતાવરણને ભયંકર બનાવતી પાડાની ચીસો વધુ ને વધુ કરુણ બની રહી હતી. ‘ભૈરવી... ભૈરવી... મા મા કાલભૈરવી...’ના જયઘોષમાં પાડાનું શરીર ત્રિશૂળોથી વીંધાઈ રહ્યું હતું. એનું ગળું ફાડી નાખે એવું આક્રંદ જંગલની કાળરાત્રીથી લપેટાઈને આકાશમાં છેદ કરી નાખે એવું અસહ્ય બની રહ્યું હતું. મેં પાછળ ફરીને જોયું તો ત્રણેય વિદેશીઓ સ્તબ્ધ બનીને એ બિહામણું દ્રશ્ય જોઈ રહ્યાં હતાં. કેમેરાથી શૂટ કરવાનું ભાન પણ તેઓ ગુમાવી ચૂક્યા હોય એવું મને લાગ્યું.
‘આ... આ શું થઈ રહ્યું છે?’ એક અતિશય હેન્ડસમ લાગતા ગોરા યુવાને ધ્રૂજતા સ્વરે અંગ્રેજીમાં પૂછ્યું.
‘બ...લિ...’ મેં દબાતા અવાજે કહ્યું.
ગોરી યુવતીના મોંમાંથી એક રૂંધાયેલી ચીસ નીકળતાંની સાથે જ ગળામાં અટકી ગઈ. એના ચહેરાની ગોરી ચામડી લાલાશ પકડી ચૂકી હતી. કપાળ પરથી સરકતું પરસેવાનું ટીપું એની ભરાવદાર છાતીના ઉભારો વચ્ચે ગરકાવ થઈ રહ્યું હતું. ત્રણેય જન પ્રશ્નાર્થ નજરે મારી સામે તાકી રહ્યાં.
‘બલિ... મા કાલભૈરવીને ભોગ ચઢાવાઈ રહ્યો છે! આ અઘોરીઓ પોતાની પ્રચંડ શક્તિમાં વધારો કરવા માટે એમના મંત્રોચ્ચાર સાથે મહાકાય પાડાનો બલિ ચઢાવશે, અને ત્યાર બાદ...’
‘ત્યાર બાદ..?’ ત્રણેય વિદેશીઓ એકબીજા સામું જોઈ રહ્યાં.
‘ત્યાર બાદ, નર-બલિ...’ એમના ડરમાં વધારો કરવા માટે મેં કહ્યું, અને એમને ઈશારો કરીને અઘોરીઓથી થોડે છેટે આવેલા એક કૂવા તરફ એમનું ધ્યાન દોર્યું.
ત્યાં આઠ-દસ જેટલી સ્ત્રીઓ શરીર ઉપર કશું પણ પહેર્યા વગર પહોળા પગ કરીને વાંકી વળેલી અવસ્થામાં ઊભી હતી. દૂરથી એવું જણાતું હતું કે તેઓ દક્ષિણ ભારતના કોઈક આદિવાસી પ્રાંતના મૂળની હશે. એમની શરીરરચના ઉપરથી દૂરથી પણ સ્પષ્ટ અનુમાન થઈ શકતું હતું કે લગભગ દરેક સ્ત્રીઓ જુવાન અને ખૂબસૂરત હોવી જોઈએ. એ સ્ત્રીઓ પોતાનું માથું નમાવીને કમરેથી વાંકી વળેલી હતી. પોતાના લાંબા કાળા વાળ પૂરેપૂરા છૂટ્ટા મુકીને માથું ગોળાકારમાં જોરજોરમાં ઘુમાવી રહી હતી. સાથેસાથે મોંમાંથી એક વિચિત્ર પ્રકારનો ‘હૂસ્સ... હૂસ્સ...’ જેવો અવાજ નીકળી રહ્યો હતો. એમણે રચેલા કુંડાળામાં એક તાજી જન્મેલી બાળકી પોતાના હાથપગ પછાડી રહી હતી. મશાલના આગ ઓકતા અજવાળામાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે એ નવજાત બાળકીના આખા શરીરે કોઈક ભૂખરા રંગના મિશ્રણથી લેપ કરવામાં આવ્યો હતો. એના કપાળે કાળું લાંબુ તિલક કરવામાં આવ્યું હતું. અને એની છાતી ઉપર કંકુથી ચોકડીનું નિશાન પાડવામાં આવ્યું હતું.
‘એ સ્ત્રીઓ શું કરી રહી છે?’ બીજા વિદેશી યુવાને પૂછ્યું.
‘એ સ્ત્રીઓ નથી...’ મેં એમના મનમાં ખોફનું તાંડવ જગાવવા માટે કહ્યું, ‘આત્માઓ છે... અતૃપ્ત સ્ત્રીઓની ભટકતી આત્માઓ!’
એટલામાં ફરી એકવાર સળગતી વેદી (હોમ-હવન કરવાનો કુંડ) પાસે લોહી નીગળતી હાલતમાં દર્દનાક રીતે ગાંગરતો પાડો તરફડી ઊઠ્યો. એનું આખું શરીર અઘોરીઓના ઝૂંડમાં રહેંસાઈ રહ્યું હતું. એના શરીરના દરેક અંગ ત્રિશૂળના ઊંડા ઘાથી જખમી થઈને લોહીના ફૂવારા ઉડાડી રહ્યા હતા. એ સાથે જ ‘હે મા ભૈરવી... બલિ કબૂલ કર... મા મા કાલભૈરવી.. મા મા..’નો એક પ્રચંડ જયઘોષ ગાજી ઊઠ્યો. અને એક પડછંદ કાયા ધરાવતા મુખ્ય અઘોરીએ પોતાના બંને હાથમાં સખતાઈથી પકડી રાખેલી વજનદાર તલવાર હવામાં ઉગામી, અને એક તેજ ઝાટકા સાથે પાડાની ગરદન ઉડાવી દીધી. પાડાનું કપાયેલું માથું સળગતી વેદીમાં જઈ પડ્યું. અઘોરીઓ કાન ફાડી નાખે એવી ચિચિયારી પાડી ઊઠ્યા.
તરફડિયા મારતું પાડાનું ધડ ગરમગરમ લોહી વહાવી રહ્યું હતું. અને એ સાથે જ જાણે કે વરસોની પ્યાસ બુઝાવવા માંગતા હોય એમ અઘોરીઓનું ઝૂંડ એની ઉપર તૂટી પડ્યું. પાડાનું ધગધગતું રક્ત પીવા માટે અઘોરીઓ પડાપડી કરવા માંડ્યા. રક્તની એક બૂંદ પણ જમીન ઉપર ઢોળાવા દેવા ન માંગતા હોય એમ દરકે અઘોરીઓ પાડાના શરીર સાથે ચોંટીને રક્ત ચૂસવા માંડ્યા...
મેં અનુભવ્યું કે ત્રણેય વિદેશીઓ થરથર કંપી રહ્યાં હતાં. પાડાની બલિથી ભયભીત તો હું પણ થઈ જ ઊઠી હતી. છતાં પણ આ ત્રણેય વિદેશીઓ અહીંથી ભાગી નહિ જાય એટલા માટે એમને ડરાવીને મારા વશમાં રાખવા જરૂરી હતા. આખરે મારે કાલા ડુંગરની તળેટીમાં આવેલી ભદ્રકાલીની એ અવાવરુ ગુફામાં પ્રવેશવાનું હતું કે જ્યાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો પણ વસવાટ કરે છે. મારે ચાંડાલ ચોકડી રચીને ત્યાં જવાનું હતું – માત્ર ને માત્ર મારા ખોવાયેલા પ્રેમને ખાતર... મારા તિમિરને ખાતર... એને મૃત્યુલોકમાંથી પાછો ખેંચી લાવવાને ખાતર!
મેં ધીમેધીમે મારા શરીર ઉપરથી એક પછી એક વસ્ત્રો ઉતારવા માંડ્યા. વિદેશીઓ મારી ઉઘાડી થતી જતી કાયાને તાકી રહ્યા. હું સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ગઈ. પછી મેં બંને પગ પહોળા કરીને, કમરેથી વાંકા વળીને મારું માથું નમાવ્યું. મારા કાળા જથ્થાબંધ વાળને મેં છૂટ્ટા મૂકી દીધા. પછી પેલી દક્ષિણની સ્ત્રીઓની માફક હું પણ મારું માથું ગોળગોળ ઘૂમાવવા માંડી. ત્રાંસી નજરે હું જોઈ લેતી હતી કે એ વિદેશીઓ ઉપર મારી આ ક્રિયાની શી પ્રતિક્રિયા પડે છે. મારું નિશાન ધારેલી જગ્યાએ જઈ રહ્યું હોવાનું મેં અનુભવ્યું.
મને વિશ્વાસ થવા માંડ્યો હતો કે તેઓ મને પણ એક ભટકતી આત્મા જ સમજી રહ્યા હતા. અને મારાથી દૂર ભાગીને પોતાનો જીવ ગુમાવવા માંગતા ન હતા એટલે ત્યાં ને ત્યાં એમની જગ્યા ઉપર જ સ્થિર થઈ ગયાં હતાં! મને મનોમન હસવું આવી ગયું. ‘બેવકૂફ વિદેશીઓ!’ હું મનોમન બબડી.
થોડીવાર પછી સ્વસ્થતા મેળવી લીધી હોય એમ હું સીધી ઊભી રહી ગઈ. મારા વિખરાયેલા વાળ પાછળ તરફ બાંધીને મેં અંબોડો વાળી દીધો. નીચે પડેલા મારા વસ્ત્રો પહેરી લીધા. અને ઘનઘોર જંગલની અંદર તરફ આગળ ચાલવા માંડી. કાલા ડુંગરની તળેટી તરફ જવાના માર્ગે હવે મેં મક્કમ પગલાં ભરવા માંડ્યા. મેં લટકતી-મટકતી કમરે મારા નિતંબોને એક કામુક મચક આપતી ચાલ ચાલવા માંડી.
મેં અનુભવ્યું કે જંગલના એ ભયંકર રસ્તે આવવા માટે એ ત્રણેય વિદેશીઓ આનાકાની કરી રહ્યા હતા. એમણે હિંમત ગુમાવી દીધી હતી. હું પાછું વળીને એમની નજીક ગઈ. મારો ચહેરો ગંભીર બનાવ્યો. મારી પાછળ આવવા માટે એમની ઉપર હું વશીકરણ કરી રહી હોઉં એમ પલક ઝાપકાવ્યા વગર મારી આંખોથી મેં એમની આંખોમાં સીધું જ ત્રાટક કર્યું. તેઓ ડરી રહ્યા હોવાનું અને મારે તાબે થઈ રહ્યા હોવાનું મેં મહેસૂસ કર્યું. મને બહુ મઝા આવી રહી હતી, કે કસાયેલા શરીરવાળા આ ત્રણેય યુવક-યુવતીઓ મારા જેવી એક ખૂબસૂરત જીવતી જાગતી યુવતીને પ્રેતાત્મા સમજી રહ્યા હતા.
પેલો હેન્ડસમ ગોરો યુવાન આખરે હિંમત કરીને બોલ્યો, ‘એ રસ્તો ભયાનક છે. જંગલી પશુઓ લાળ ટપકાવતા બેઠાં હશે. અમે એ રસ્તેથી જ આવ્યા હતા. વાઘ-વાઘણનું એક આખું ઝૂંડ ત્યાં...’ અને હું મારું હસવું રોકી શકી નહિ. હું એકલી જ એ રસ્તે આગળ વધવા માંડી. હજી આઠ-દસ ડગલાં જ માંડ હું આગળ વધી હશે ત્યાં ગીચ ઝાડીઓની આરપાર મેં જોયું તો અંધારામાં દસ-બાર આંખો આગિયાની જેમ ચમકતી દેખાઈ. મને સ્પષ્ટપણે દેખાયું કે વાઘ-વાઘાણ અને એમના બચ્ચાંઓ કોઈક તાજો જ શિકાર કરીને એની મિજબાની ઉડાવી રહ્યા હતા. ધ્યાનથી જોતાં મને જણાયું કે વાઘ-વાઘણે કોઈ પશુનો નહિ, પરંતુ કોઈક માણસનો શિકાર કર્યો હતો – અને એ પણ એક નહિ, ત્રણ માણસોનો... ત્રણ અર્ધખવાયેલા મૃત શરીરો જમીન ઉપર પડ્યા હતા. ત્રણેયના શરીરમાંથી હજુ પણ લોહી વહી રહ્યું હતું, મતલબ કે શિકાર તાજો જ થયો હશે, થોડી વાર પહેલાં જ...
મેં હજુ વધુ ધારીને એ મૃતદેહોના ચહેરા જોયા તો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. મારા માથામાં હથોડા વીંઝાવા માંડ્યા. ગાળામાંથી એક કારમી ચીસ નીકળવા માટે ધમપછાડા કરવા માંડી, હું અવાક બની ચૂકી હતી. મારું શરીર થરથર કંપવા માંડ્યું હતું. શરીરમાં વહેતું લોહી પણ જાણે કે થીજી ગયું હતું. વાઘ-વાઘણે શિકાર કરેલી ત્રણેય મૃત વ્યક્તિઓ અન્ય કોઈ નહિ પરંતુ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું...
મેં ડરતા ડરતા પાછળ ફરીને જોયું તો દૂર દૂર સુધી માત્ર અંધકાર છવાયેલો દેખાયો. વેરાન ઝાડીઓની માત્ર ગીચતા હતી. સર્વત્ર સૂમસામ ભાસી રહ્યું હતું. પેલા ત્રણેય વિદેશી યુવક-યુવતીઓનું કોઈ નામોનિશાન મોજૂદ ન હતું...
(ક્રમશઃ) * દર મંગળવારે...
(અઘોર આત્મા : ભાગ-૫ વાંચવાનું ચૂકશો નહિ.)
----------------
લેખક : ધર્મેશ ગાંધી
આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com
----------------