hati aek pagal - 12 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | હતી એક પાગલ - 12

Featured Books
Categories
Share

હતી એક પાગલ - 12

હતી એક પાગલ..!!:-ભાગ 12

"માહી અવિનાશ ગોયંકા.."

પાસપોર્ટ પર માહી ની પાછળ લખેલું નામ અને મેરેજ સ્ટેટ્સ માં લખેલું મેરિડ વાંચ્યા બાદ આરોહીને એક ગજબનો આંચકો લાગ્યો હતો.પોતે પરણિત હોવાની વાત રાધા દીદી એ કેમ છુપાવી હતી એ આરોહી માટે અત્યારે તો સમજવું અઘરું હતું.જો દીદી પરણિત છે તો આટલાં સમયથી એમનાં હસબન્ડ અવિનાશ ક્યાં છે એનો પણ જવાબ આરોહી જાણવાં માંગતી હતી.

"હું સાંજે દીદી આવે એટલે મારાં સવાલો નાં જવાબ મેળવીને જ રહીશ.."

આટલું બબડતાં આરોહીએ ડ્રોવર ને લોક કરી અલમારી બંધ કરી દીધી અને ચાવી ને એની મૂળ જગ્યાએ રાખી દીધી.આરોહી એ બધું હતું એમ ને એમ કરી દીધું પણ પાસપોર્ટ ને પોતાની જોડે જ રાખ્યો જેથી એ માહી જોડેથી બધું સત્ય સરળતાથી બહાર નીકાળી શકે.

આરોહી જોડે હવે ઘણાં સવાલો હતાં જેનાં જવાબ હવે માહી આપશે કે નહીં એની તો ખબર અત્યારે તો આરોહીને કદાચ નહોતી..પણ આરોહી એટલું ચોક્કસ મનમાં ઠસાવીને બેઠી હતી કે પોતે જેને પોતાની મોટી બેન માને છે એવી રાધા દીદી નાં હસતાં ચહેરા પાછળ જે દર્દ હતું એનું કારણ શું હતું એતો એ જાણીને જ રહેશે અને એને કોઈપણ ભોગે દૂર પણ કરીને જ રહેશે.

************

જ્યાં સુરતમાં માહી થી આજે આરોહી એનાં ભૂતકાળ વિશે જાણવાની તૈયારી કરીને બેઠી હતી ત્યાં શિવ માટે પણ એક નવું સપ્રાઈઝ એની રાહ જોઈને ઉભું હતું.

સવારે 8 વાગી ગયાં હતાં અને શિવ હજુ તો ઉંઘતો હતો ત્યાં એનાં મોબાઈલની રિંગ વાગી..

"તુને જીંદગી સવારી મુજકો ગલે લગા કે

બૈઠા દિયા ફલક પે મુજે ખાખ સે ઉઠાકે..

યારા તેરી યારી કો મૈંને તો ખુદા માના..

યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના.."

આ રિંગ વાગવાનો મતલબ હતો કે શિવનાં મોબાઈલમાં કોલ કરનાર કાં તો કાભઈ હોય અથવા તો મયુર હોય..શિવે પોતાનાં જીવ થી એ વહાલાં બંને દોસ્તો માટે આ રિંગ ખાસ સેટ કરી હતી.પોતાની ઊંઘ બગાડવા આવેલો આ કોલ જો બીજાં કોઈનો હોત તો શિવ નક્કી રોષે ભરાઈ જાત પણ આતો પોતાની જાન જેવાં દોસ્તમાંથી કોઈનો કોલ હતો એટલે શિવ ઝપાટાબંધ ઉભો થયો અને મોબાઈલ હાથમાં લઈને સ્ક્રીન તરફ નજર કરી તો જોયું કે મયુર નો કોલ હતો.

"બોલ મારાં ભાઈ કેમ સવાર સવાર માં યાદ કર્યો.."ફોન રિસીવ કરતાં જ શિવ બોલ્યો..શિવ નાં અવાજમાં એક ગજબનો ઉન્માદ સ્પષ્ટ વર્તાતો હતો.

"કેમ ભાઈ ના કરાય..તું યાર બહુ મોટો માણસ એટલે તને સમય ના મળે પણ અમને તો તારાં માટે સમય મળી જ જાય..અને ના મળે તો કાઢી લઈએ.."મયુર નો રણકતો અવાજ શિવનાં કાને પડ્યો.

"મોટો માણસ દુનિયા માટે બાકી તમારાં માટે તમારો યાર શિવલો જ છું.."શિવે કહ્યું.

શિવની વાત સાંભળી મયુર બોલ્યો.

"ભાઈ આ તો ન્યૂઝપેપર માં વાંચ્યું કે તને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પુરસ્કાર મળ્યો તો એની શુભકામનાઓ આપવા કોલ કર્યો હતો..બાકી બોલ ક્યારે આવવું છે મહેસાણા.મુરલી નો વડાપાઉં અને કિસ્મત નું સોલચું યાદ કરે છે તને.."

"આમ તો ક્યારનુંય મન થાય છે ત્યાં આવવાનું પણ તને ખબર તો છે કે મહેસાણા મને કોઈકની યાદ અપાવે છે.."નંખાયેલાં અવાજે શિવ બોલ્યો.

શિવનો પડી ગયેલો અવાજ સાંભળી મયુર એનાં મનમાં ચાલતું દર્દ સમજી ગયો.મયુર પોતાનાં દોસ્ત નું દર્દ હળવું કરવાં બોલ્યો.

"શિવ હવે એ વાત ને વર્ષો વીતી ગયાં.. જે થઈ ગયું એને ભૂલી ને તારી જીંદગીમાં આગળ વધ.સફળતા તારા કદમ ચુમે છે અને તું તારી જીંદગી ની એ નિષ્ફળતા વિશે વિચારી રહ્યો છે જેને ભૂલવું જરૂરી છે.."

"મિત્ર તું જે કહી રહ્યો છે એ સાચી વાત છે પણ તું મારી જગ્યાએ પોતાની જાતને રાખી જો ત્યારે તને સમજાશે કે એને કઈ રીતે ભુલું જે ફક્ત મારી સાથે જ નહોતી પણ મારાં શ્વાસે શ્વાસમાં મોજુદ હતી.."આટલું બોલતાં તો શિવ નો અવાજ રડમસ થઈ ગયો.

શિવ નો અવાજ એની મનોસ્થિતિ નું વર્ણન કરતો હતો એટલે હવે શિવ ને ખુશ કરવો જરૂરી હતો..મયુર થોડું વિચાર્યા બાદ બોલ્યો.

"મોટાં ભાઈ,તમે મહેસાણા ના આવી શકો તો કંઈ નહીં પણ હું તો અમદાવાદ આવી શકું..અને હું એકલો નહીં પણ કાભઈ એ મારી જોડે આવશે."

"તો તો ખૂબ સરસ તો આજે સાંજે સાત વાગે મળીએ વૈષ્ણોદેવી સર્કલ જોડે આવેલ હોટલ 365 માં.."મયુર ની વાત સાંભળી ખુશ થતાં શિવ બોલ્યો.

"તો ત્યારે મળીએ અને જોવું જો સંધ્યા જોડે આવવા તૈયાર થાય તો એને પણ લેતો આવું.."મયુરે આટલું કહી કોલ કટ કર્યો.

ફોન મુકતાં જ મયુરે પોતાની પત્ની સંધ્યાને સાંજે અમદાવાદ જવાનું છે શિવ ને મળવા એવું જણાવ્યું ત્યારે સંધ્યા પણ પોતાનાં માનેલાં ભાઈ ને મળવા ખુબ ખુશ થઈ ગઈ.ત્યારબાદ મયુરે કાળુભાઈ ઉર્ફે કાભઈ ને કોલ કરીને અમદાવાદ જવાનું જણાવી દીધું.

ત્રણ મહિના બાદ પોતાનાં ભાઈથી સવાયાં મિત્રો ને મળવાની ખુશી શિવનાં ચહેરા પર સાફ-સાફ દેખાઈ રહી હતી.શિવ ફટાફટ નાહીધોઇને તૈયાર થઈ ગયો..બપોરે એક ફંક્શનમાં પ્રવક્તા તરીકે જવાનું હોવાથી થોડો નાસ્તો કરી એ કાર્યક્રમ માટે નીકળી ગયો.

***********

સાંજે સાત વાગે શિવ પોતાનાં મિત્ર જય પટેલ ની વૈષ્ણોદેવી સ્થિત 365 નામની ગાર્ડન રેસ્ટોરેન્ટમાં પહોંચી ગયો.શિવ ઘણી વાર સમય પસાર કરવા અહીં આવી પહોંચતો.. અહીં નું લિજ્જતદાર ફૂડ શિવ ને ખૂબ જ પસંદ હતું.શિવ નાં પહોંચ્યાંની પાંચ મિનિટમાં તો મયુર અને કાભઈ પણ ત્યાં આવી ગયાં.

એમની જોડે મયુર ની પત્ની સંધ્યા પણ હતી..કાભઈ નાં લગ્ન પણ થઈ ચૂક્યાં હતાં પણ એની પત્ની સેજલ ગર્ભવતી હોવાથી એ આવી નહોતી.શિવની જોડે આવી મયુર અને કાભઈ એ શિવ ને ગળે લગાવી એને સુરત મહાનગરપાલિકા દ્વારા એનાયત કરવામાં આવેલાં સન્માન અને એવોર્ડ માટે શુભેચ્છાઓ પાઠવી.

"ચાલો ત્યાં જઈને બેસીએ.."લોનમાં મુકાયેલાં ડાઈનીંગ ટેબલ તરફ ઈશારો કરતાં શિવ બોલ્યો.

શિવ નાં કહેતાં જ બધાં ત્યાં જઈને ગોઠવાઈ ગયાં. ત્યાં બેસતાં જ શિવે કાળુભાઇ ને પુછ્યું.

"ભાઈ કાળુ હવે કેવું છે ભાભી ને..?ડોક્ટરે તારીખ આપી કે નહીં..?"

"સારું છે..મારી સાસુ એ તો એને ખવડાવી ખવડાવીને એટલી જાડી કરી મુકી છે કે કોઈ તકલીફ પડશે જ નહીં...ડોકટર તો આવતાં મહીનાથી 15-20 તારીખ વચ્ચે ડિલિવરી નું કહેતાં હતાં."કાભઈ બોલ્યો.

"તો તો બે મહિના બાદ ફરીવાર મળવાનું થશે..પાર્ટી તો આપવી જ પડશે કાળિયા.."શિવે ખુશ થઈને કહ્યું.

"અરે કેમ નહીં.. એમાં કહેવાનું થોડું હોય.."કાભઈ બોલ્યો.

"મયુર હવે તારે ક્યારે મુરત આવે છે..?"મયુર ની ખેંચતાં શિવ બોલ્યો.

"હા હવે એતો સંધ્યા ને ખબર.."મયુરે બધું પોતાની પત્ની પર ઢોળતાં કહ્યું.

"શું તું પણ.."મયુર ને ખભા પર ધીરેથી હાથ વડે મારતાં શરમાઈને સંધ્યા બોલી.

"ચલો હવે જમવાનું ઓર્ડર કરી દઈએ..બહુ ભૂખ લાગી છે.."કાભઈ બોલ્યો.

હજુ તો કાભઈ આટલું બોલ્યો ત્યાં તો વેઈટર સ્ટાર્ટર લઈને ત્યાં આવી પહોંચ્યા..શિવે કાળુ તરફ જોયું અને બોલ્યો.

"કાળિયા મને ખબર હતી કે તને વહેલી ભૂખ લાગી જશે એટલે હું ઓર્ડર આપીને જ આવ્યો હતો..ચલ હવે ચાલુ કર."

"બહુ સારું કર્યું ભાઈ.."આટલું કહી કાળુ એ ડ્રાય ચીલી નો એક ટુકડો મોંઢામાં મૂકી ને સુપ ની એક સિપ ભરી લીધી.

થોડીવારમાં જમવાનું પણ પીરસાઈ ગયું એટલે બધાં અલકમલકની વાતો કરતાં કરતાં ધીરે-ધીરે જમવાની અવનવી વાનગીઓને ન્યાય આપવામાં પ્રયત્નશીલ રહ્યાં.

"શિવ ભાઈ હવે તમે ક્યારે મેરેજ કરો છો..?"અચાનક વાતવાતમાં સંધ્યાએ શિવ ને ઉદ્દેશીને પૂછી લીધું.

સંધ્યા દ્વારા પુછાયેલાં આ સવાલ પર શિવે હાથમાં લીધેલો રોટલીનો ટુકડો પાછો પ્લેટમાં મુકી દીધો અને બોલ્યો.

"હું હાલ તો મેરેજ કરવાની કોઈ ઈચ્છા ધરાવતો જ નથી અને ભવિષ્યમાં પણ સંભવતઃ મેરેજ નહીં જ કરું.."

"શિવ ભાઈ મને ખબર છે તમારી સાથે શું બન્યું છે પણ એનો મતલબ એવો તો નથી ને કે તમારાં ભૂતકાળ નાં લીધે તમે તમારો વર્તમાન અને ભવિષ્ય બગાડો.."સંધ્યા સમજાવટનાં સુરમાં બોલી.

"હા ભાઈ તું યાર આટલો મોટો કવિ બની ગયો છે..તને સારામાં સારી છોકરી મળી શકે છે છતાં તું હજુ જુનાં જખ્મો ને તાજા કરીને હાથેકરીને પોતાનાં જ પગ પર કુહાડી મારી રહ્યો છે."કાળુ પણ સંધ્યાની વાત સાથે સહમત થતાં બોલ્યો.

"હું તો એને લાખ વાર કહીને થાક્યો કે હવે એ બેવફા ને યાદ કરીને શું ફાયદો જેને તારાં સાચા પ્રેમની કદર ના કરી હોય..જે પોતાની મરજીથી તારી જીંદગીમાં આવી અને પોતાની મરજીથી ચાલી ગઈ.શિવ હકીકતમાં માહી એ તને પ્રેમ નહોતો કર્યો પણ તારો ટાઈમપાસ જ કર્યો હતો."મયુર પણ હવે પોતાની વાત સાથે વાતચીતમાં કુદી પડ્યો.

પહેલાં તો શિવે સંધ્યા,કાળુ અને મયુર ત્રણેયની વાત ધ્યાનથી સાંભળી.. એનાં ચહેરા પર અત્યારે ઘોર નિરાશા ઘેરી વળી હતી.ફરીવાર એને માહી યાદ આવી ગઈ હતી.અત્યાર સુધી ખુશ દેખાતો શિવ અચાનક ગમગીન થઈ ગયો હતો.આમ પણ કોઈ તમારું નજીકનું તમારાંથી દુર ચાલ્યું જાય ત્યારે એની યાદો અમુક વાર હસતાં હસતાં રડાવી મુકવાનું કામ કરે તો ક્યારેક રડતાં રડતાં હસાવવાનું.

શિવે એ ત્રણેયની તરફ જોતાં કહ્યું.

"તમે ત્રણેય તમારી રીતે સાચા છો..પણ મારું મન એ માનવા તૈયાર નથી કે મારી માહી બેવફા હોય.હું કોઈકાળે એ માનું જ નહીં કે માહી મારી સાથે દગો કરે.ભગવાન પણ આવીને મને કહે કે માહી એ તને પોતાની મરજીથી અળગો કર્યો છે તોપણ હું ભગવાનની વાત એ ના માનું.. આજે પણ હું માહી ને મારી જોડે મારી સાથે મહેસુસ કરું છું.."

"મને જ્યાં જ્યાં સફળતા મળે ત્યાં ત્યાં મેં માહી ને મારી સાથે મહેસુસ કરી છે..એ મારી તરફ એ સમયે મને જોતાં જોતાં હસી રહી હોય એવું મને સેંકડો વાર લાગ્યું છે..અને રહી વાત મેરેજ ની તો હું તો ગઈ કાલે પણ માહી નો હતો..આજે પણ એનો જ છું અને આવતી કાલે પણ એનો જ રહીશ.રહી વાત એને યાદ નહીં કરવાની તો યાર મારી મોહબ્બત નો અંજામ ખરાબ હતો પણ એની યાદો તો મીઠી હતી ને.."

શિવ ની વાત પર બધાં મૌન થઈ ગયાં. જે રીતે શિવ આજે પણ માહી ને પ્રેમ કરતો હતો એ ઉપરથી સંધ્યા,કાળુ અને મયુર સમજી ચુક્યાં હતાં કે શિવ નો જીવ જશે પણ જીવ થી વધુ વ્હાલી માહી એનાં મનમાંથી નહીં જાય.

વાત વધુ ગંભીર વિષય પર આવીને ઉભી હતી એટલે વાત વાળવાનો પ્રયત્ન કરતાં કાળુ બોલ્યો.

"બાકી બધું પછી વાત કરીશું પણ શિવ ને જે સન્માન મળ્યું એની ખુશીમાં મારાં તરફથી તમને આજે હું આઈસ્ક્રીમ ખવડાવીશ.."

કાળુ જાણે કોઈ મોટું એનાઉન્સમેન્ટ કરતો હોય એમ પોતાની જગ્યાએથી ઉભાં થઈને બોલ્યો..પછી એને મોટેથી વેઈટર ને બુમ પાડીને કહ્યું.

"અહીંયા જેટલાં પણ લોકો અત્યારે મોજુદ છે બધાં ને મારી તરફથી એક એક આઈસ્ક્રીમ ખવડાવી દો."

કાળુ ઘણીવાર એવું એવું કરતો જેની અપેક્ષા કોઈએ કરી જ ના હોય..આવું પોતાનાં કોલેજકાળ દરમિયાન શિવ ઘણીવાર અનુભવી ચુક્યો હતો.કાળુ એ આજે પણ જે રીતે એનાઉન્સમેન્ટ કર્યું એ જોઈને શિવ હસી પડ્યો.શિવ ને હસતો જોઈને કાળુ ને પોતે આપેલી આઈસ્ક્રીમ ની ટીપ એળે નથી ગઈ એવો અહેસાસ થઈ રહ્યો હતો.

રાતે દસ વાગે શિવ ની રજા લઈને મયુર અને કાળુ ત્યાંથી મહેસાણા જવા માટે નીકળ્યાં.. શિવ પણ આજે ઘણાં સમયે મયુર અને કાળુ ને મળી પોતનો ઘણો ભાર હૃદયમાંથી ઉતરી ગયો હોવાનું મહેસુસ કરી રહ્યો હતો.

કાળુ ગાડી ચલાવી રહ્યો હતો અને મયુર એની જોડે બેઠો હતો.સંધ્યા વચ્ચેની સીટમાં શાંતિથી બેઠી હતી.વૈષ્ણોદેવી સર્કલથી નીકળી એમની કાર હજુ અડાલજ પણ નહોતી પહોંચી ત્યાં કાળુ એ મયુરને ઉદ્દેશીને કહ્યું.

"ભાઈ તને નથી લાગતું આપણે શિવ ને હવે બધું સાચું કહી દેવું જોઈએ.."

"હા કાળુ હું પણ ઘણાં સમયથી એ જ વિચારું છું કે શિવ ને બધું જણાવી દઈએ આખરે એ દિવસોમાં હકીકતમાં શું થયું હતું..બાકી હવે એ વાત નો બોજ લઈને જીવાતું નથી."મયુરે પણ કાળુ ની વાત સાથે પોતાની સહમતી દર્શાવતાં કહ્યું.

"તમે બંને ક્યારનાં શું વાત કરી રહ્યાં છો..અને મહેરબાની કરી મને જણાવશો કે તમે પોતાનાં મિત્ર શિવથી કઈ વાત છુપાવી રહ્યાં છો..?"મયુર અને કાળુ વચ્ચેની વાતચીત સાંભળતી સંધ્યા બોલી.

"ક્યારેય કોઈ સાચો પ્રેમ કરનાર બેવફા નથી હોતું પણ સમય બેવફા નીકળે ત્યારે પ્રેમ અને મજબુરી વચ્ચેની લડાઈમાં આખરે જીત મજબુરી ની જ થાય છે.."આટલું કહી મયુરે પોતે તથા કાળુ શિવથી કઈ વાત છુપાવી રહ્યાં એ વિષયમાં પોતાની પત્ની સંધ્યાને સઘળો વૃતાંત કહેવાનું શરૂ કર્યું.

બીજી તરફ માહી નાં સામે આરોહી અત્યારે ઘણાં સવાલો સાથે મોજુદ હતી જેનાં ઉત્તરો આપ્યાં વગર માહી જોડે કોઈ બીજો રસ્તો નહોતો.

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)